Wednesday, December 30, 2015

ટેક ઓફ : જે સપનાંએ તમને આ વર્ષે સૂવા નથી દીધા એેને આવતા વર્ષે પણ જાગતું રાખજો...

Take off - Ardh-Saptahik purti - 23 December 2015

ટેક ઓફ 

૨૦૧૫નું વર્ષ પૂરું થઈ જાય તે પહેલાં કોઈ પણ કારણસર દૂર થઈ ગયેલા કમસે કમ એક સ્વજન કે દોસ્તનો સંપર્ક કરજો. એની સાથે દિલપૂર્વક, ખૂલીને વાત કરો. ગેરસમજણ થઈ હોય તો દૂર કરો. માફ કરી દો અથવા માફી માગી લો. ટૂંકમાં, પાટા પરથી નીચે ઉતરી ગયેલા સંબંધને પાછો પાટા પર ચડાવી દો. કમસે કમ પ્રયત્ન તો કરો!

ર્ષ પૂરું થવા આવે એટલે આપણે એકાએક ફિલોસોફિકલ બની જઈએ છીએ. આપણી જાતને સવાલ પૂછીએ છીએ કે કેવું ગયું આ વર્ષ? સારું કે ખરાબ કે સાધારણ? શા માટે? શી રીતે અમુક કામ સરસ રીતે થઈ શકયાં? શા માટે અમુક ધારેલાં કામ ન થયાં?વર્ષનો અંત આત્મમંથન અને સ્વમૂલ્યાંકન કરવાનો સમય છે. આગામી નવાં વર્ષમાં શું શું કરવું છે એનું પ્લાનિંગ કરવાનો સમય છે.
દુનિયાભરના ડાહૃાા લોકોએ વર્ષના અંત અને નવા વર્ષના પ્રારંભ વિશે સારી સારી, પાનો ચડાવે એવી વાતો કરી છે. તે ધ્યાનથી સાંભળીએ અને પછી તેને આપણી રીતે ઈન્ટરપ્રીટ તેમજ મોડિફાય કરીએ.
  -૨૦૧૫નું વર્ષ પૂરું થવામાં છે. હાથમાં લીધેલાં કામ પૂરાં કરવા માટે અને નવાં શરુ કરવા માટે આપણા હાથમાં હજુ નવ દિવસ છે. આ કંઈ ઓછો સમય ન કહેવાય. આ નવ દિવસમાં બન્ને ચીજ કરો 
- જૂના પ્રોજેકટ્સ પૂર પૂર્ણવિરામ મૂકી દેવાની ભરપૂર કોશિશ કરો, શકય હોય તો પૂરા કરી જ નાખો અને સાથે સાથે નવા શરુ કરી દો. નવું કામ હાથમાં લેવા માટે નવું વર્ષ શરુ થાય તેની રાહ જોવાની જરુર નથી.
- આ વર્ષ પૂરું થઈ રહૃાું છે, નવું શરુ થવાનું છે એનો અર્થ એમ કે યાત્રા ચાલુ છે, થંભી ગઈ નથી. વર્ષ પૂરું થવા આવ્યું ને આપણે હજુય સાજા-નરવા-હેમખેમ-જીવતા-ધબકતા છીએ. આ કેટલી મોટી વાત છે. ચિયર્સ! ઈશ્વરનો દિલથી આભાર માનો. ઉપરવાળાએ આપણને જે કંઈ આપ્યંુ છે તે બદલ ધન્યતા અનુભવો.
 - ૨૦૧૫નું વર્ષ પૂરું થઈ જાય તે પહેલાં કોઈ પણ કારણસર દૂર થઈ ગયેલા કમસે કમ એક સ્વજન કે દોસ્ત સાથે દિલપૂર્વક,ખૂલીને વાત કરો. ગેરસમજણ થઈ હોય તો દૂર કરો. માફ કરી દો અથવા માફી માગી લો. ટૂંકમાં, પાટા પરથી નીચે ઉતરી ગયેલા સંબંધને પાછો પાટા પર ચડાવી દો. કમસે કમ પ્રયત્ન તો કરો!
- જો બદલાવ ઈચ્છતા હો તો નવું વર્ષ બેસે એની રાહ શું કામ જોવાની? આજનો દિવસ શું ખોટો છે?
 - ૩૧મી ડિસેમ્બર કોઈક માટે વર્ષનો અંત છે, કોઈક માટે નવી શરુઆત છે, જ્યારે અમુક ભાગ્યશાળીઓ માટે તે ફકત ઓર એક પરફેકટ દિવસ છે.
 - વર્ષનો અંત નથી આરંભબિંદુ કે નથી પૂર્ણવિરામ. આ તો કેવળ નિરંતર ચાલતી પ્રક્રિયાનો હિસ્સો છે. એવી અપેક્ષા જરુર રહે કે આ વર્ષે જે કોઈ અનુભવો મેળવ્યા છે એનંુ ડહાપણ આપણામાં ઉતર્યું હોય. નવા વર્ષને પોઝિટિવ એટિટયુડ સાથે વધાવી લેવાનું હોય અને વિચારવાનું હોય કે ચાલો, અત્યાર સુધી જે કરતાં આવડયું નથી તે કરવાનો ઓર એક મોકો મળ્યો છે.
 - થોડા સમયમાં આ વર્ષ પૂરું થશે, નવું વર્ષ આવશે. નવા વર્ષમાંય આપણે ભુલો કરીશું, પણ ભુલોથી ડરવાની જરુર નથી. સાચી દિશામાં થયેલી ભુલો દર્શાવે છે કે આપણે કમસે કમ કશુંક કરવાની, નવું શીખવાની, જીવવાની, ખુદને પુશ કરવાની, ખુદને બદલવાની, આસપાસના માહોલમાં પરિવર્તન લાવવાની કમસે કમ કોશિશ તો કરી છે. પોઝિટિવ ભુલો સાબિત કરે છે કે આપણે, એટલીસ્ટ, સક્રિય છીએ. હાથ પર હાથ ધરીને બેઠા નથી.
 - નવું વર્ષ એટલે ૩૬૫ પાનાંની નોટબુકનું પહેલું પાનું. વિદ્યાર્થીઓ જેમ રફ નોટને ફેર નોટથી અલગ રાખતા હોય છે તેમ તમે આવનારાં વર્ષને ફેર બનાવજો, રફ નહીં. સુંદર અને મરોડદાર અક્ષરોથી એનાં પાનાં ભરજો.
 - આગામી નવું વર્ષ તમારા માટે કશુંક નવું લાવે એવું ઈચ્છતા હો તો શરીર હલાવો, બુદ્ધિને ઝંઝોળો, કામે લાગો. જસ્ટ એકટ!
- એક વાત દિલની કિતાબ પર લખી નાખોઃ નવા વર્ષનો પ્રત્યેક દિવસ બેસ્ટ જ હોવાનો. સઘળો આધાર તમે એનો કેવી રીતે ઉપયોગ કરો છો તેના પર રહેશે. નવું વર્ષ તમને શું આપે છે એનો સઘળો આધાર એના પર રહે છે કે તમે નવાં વર્ષને શું આપવાના છો.

- જે સપનું ખુલ્લી આંખે જોયા વિનાનો એક પણ દિવસ આ વર્ષે વીત્યો નથી તે સપનાંને આવતાં વર્ષે પણ જાગતું રાખજો.
- જે સપનાં જોવા માગો છે તે જરુર જુઓ. જ્યાં જવા માગો છો ત્યાં જરુર જાઓ. જે બનવા માગો છો તે જરુર બનો. તમે જે ઈચ્છો છો તે શકય બને તે માટે ઉપરવાળો તમને ઓર એક બ્રાન્ડ-ન્યુ વર્ષની ભેટ આપવા જઈ રહૃાો છે. પ્રયત્નો કયારેય છોડતા નહીં.
- જુઓ, નવું વર્ષ સાવ આંખ સામે ઊભું છે ત્યારે તમે જે કરવા માગો છો અથવા તો જે કરવાનાં તમે સપનાં જોયાં છે તે તરફ આગળ વધવાનું પહેલંુ કદમ ભરી જ દો. નીડર બનો. તમને જેની જરુર છે એવી તમામ તાકાત અને તમામ જાદુ નિર્ભયતામાં સમાયેલાં છે.
 - નવું વર્ષ શા માટે આવે છે? આત્મામાં નવા રંગો પૂરવા માટે.
- ચાલો, નિર્ણય કરો કે આવતું આખું વર્ષ તમે તમારી નબળાઈઓ પર કે તમે કયાં કાચા પડો છો એના પર નહીં, પણ તમારામાં કેટકેટલી અદભુત શકિતઓ અને શકયતાઓ પડી છે તેના પર ફોકસ કરશો.
 - જિંદગીમાં કોઈ પણ વાતનો અફસોસ નહીં રહી જવો જોઈએ કે કાશ, પાંચ-દસ-પંદર-વીસ વર્ષ પહેલાં આમ કર્યું હોત તો કેટલું સારું થાત. આથી નીકળી પડો. આગળ વધો. એકસપ્લોર કરો... અને આનંદો! લક્ષ્યસિદ્ધિ માટે ઈશ્વર તમને ઓર એક વર્ષની ભેટ આપવાનું નક્કી કરી લીધું છે.
 - આ વર્ષ પૂરું થતાં જ તમે દીવાલ પરથી કે જૂનુ કેલેન્ડર કાઢી નાખશો. શો અર્થ થયો આનો? એ જ કે તમે નવા વિચારો માટે જગ્યા બનાવી રહૃાા છો.
- આવતા વર્ષે કરવાનાં મહત્ત્વનાં કામનું લિસ્ટ બનાવો પછી એવું નહીં વિચારતા કે ઓહો, આ બધું કરવા માટે હજુ તો આખું વર્ષ પડયું છે.
 - માણસ પરિવર્તનશીલ પ્રાણી છે. આપણે સમયની સાથે સતત બદલતા રહેતા હોઈએ છીએ. અલબત્ત, વર્ષો ભલે બદલાયાં કરે,આપણાં મૂળભૂત મૂલ્યો અને સંસ્કાર અકબંધ રહેવાં જોઈએ. સંકલ્પ કરો કે આગામી નવાં વર્ષમાંય તમે તમારાં મૂલ્યોનું જીવની જેમ જતન કરશો.
 - સફળ અને સુખી થવા માટે જે કંઈ જરુરી છે તે સઘળું આપણી ભીતર પડયું છે. નવા વર્ષે સંકલ્પ કરજો કે તમે ખુશ રહેશો. બસ,પછી જુઓ કે નિરાશા અને નેગેટિવ લાગણીઓ થાકીને કંટાળીને કેવી તમારાથી દૂર ભાગે છે.
 - વર્ષ પૂરું થવા આવે કે આપણે નવાં વર્ષે કયાં સંકલ્પો લેવા તે વિશે વિચારવા લાગીએ છીએ. સંકલ્પ લેતી વખતે સૌ ઉત્સાહમાં હોય છે, પણ ખરી મજા સંકલ્પની ગરમી આખું વર્ષ અનુભવાતી રહે તેમાં છે. સંકલ્પસિદ્ધિ આપણા ચારિત્ર્યની તાકાતનું માપ છે.
 - તમે જીવનમાં બદલાવ ઈચ્છતા હશો, પણ દિશા નહીં બદલો તો ૨૦૧૬નું વર્ષ પૂરું થશે તો પણ જ્યાં હતા ત્યાં ને ત્યાં જ રહેશો.
 - આવતા વર્ષે આ એક સંકલ્પ કરવા જેવો છેઃ હું રોજ એટલીસ્ટ રોજની પંદર મિનિટ કશુંક સરસ વાંચવા પાછળ ગાળીશ. વર્ષ પૂરું થશે ત્યાં સુધીમાં તમારી જાત પર પડેલો આ વાંચનનો પ્રભાવ તમે સ્પષ્ટપણે જોઈ શકશો.
 - જો આપણે આપણી જાતમાં કે આપણા કામમાં પ્રત્યેક અઠવાડિયે ફકત ત્રણ નાના નાના સુધારા કરીશું તો પણ આવતું વર્ષ પૂરું થશે ત્યાં સુધીમાં લગભગ દોઢસો સુધારા કરી નાખ્યા હશે! 
 - આ એક સંકલ્પ સૌએ લેવા જેવો છેઃ હું ક્ષુલ્લક વાતોમાં બિલકુલ સમય અને શકિત નહીં બગાડું.
- યુવાન એટલે? થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની રાતને મોડે સુધી મસ્તીથી સેલિબ્રેટ કરી શકે એ. બુઝુર્ગ એટલે? થર્ટી ફર્સ્ટની રાતે મોડે સુધી સેલિબ્રેટ કરવા માટે જેેને ખુદને ધક્કા મારવા પડે એ!
0 0 0 

Thursday, December 17, 2015

મલ્ટિપ્લેક્સ રણવીરસિંહ : બંદે મેં હૈ દમ...

Sandesh - Sanskar purti - 13 Dec 2015

મલ્ટિપ્લેક્સ 

'હું જ્યારે મહાન એક્ટરો વિશે વાંચું છું ત્યારે મને જોરદાર ચાનક ચડે છે. આઈ ફીલ સો ઇન્સપાયર્ડ! આ લોકો જે એક્સ્ટ્રીમ પર જઈને તૈયારી કરે છે એની સરખામણીમાં મારી તો કોઈ વિસાત નથી. ડેનિયલ ડે-લેવિસનું ક્વોટ મને બહુ ગમે છે : કયારેય કોઈ એક્ટરની પ્રોસેસ સામે સવાલ ઉઠાવવો જોઈએ નહીં. દરેક એક્ટરની પોતપોતાની રીત હોય છે, પોતપોતાની પદ્ધતિ હોય છે. એક એક્ટરની પદ્ધતિ બીજા એક્ટરને લાગુ ન પણ પડે. હું(એટલે કે ડેનિયલ) એક્સ્ટ્રીમ કહેવાય એવી તૈયારી કરું છું, કેમ કે આ સિવાયની બીજી કોઈ રીત મને ફાવતી નથી કે આવડતી પણ નથી.'



બાંદરામાં ઉછરેલો ટિપિકલ બોમ્બે-બોય હોવા છતાં રણવીરસિંહે જે કોન્ફિડન્સ અને કન્વિક્શન સાથે પોતાની પહેલી ફિલ્મ 'બેન્ડ બાજા બારાત'માં દિલ્હી કા લૌંડાનું કિરદાર નિભાવ્યું હતું તે જોઈને સૌને લાગ્યું હતું : કંઈક તો છે આ છોકરામાં...! છોકરામાં કંઈક નહીં, ઘણુંબધું હોવું જોઈએ. એ સિવાય યશરાજ જેવું બેનર એને હીરો તરીકે લોન્ચ શા માટે કરે ? અફવા તો એવી ઊડી હતી કે 'બેન્ડ બાજા બારાત'થી રણવીરને લોન્ચ કરવા માટે એના પૈસાદાર પપ્પાએ કરોડો રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે. યશરાજ જેવું પ્રતિષ્ઠિત બેનર આ પ્રકારનું 'ઇન્વેસ્ટમેન્ટ' કે 'પ્રપોઝલ' સ્વીકારે તે વાતમાં માલ નથી. નબળા ઘોડાને ચાબુક મારી મારીને તમે કેટલો દોડાવી શકો ?
એક સ્ટાર-પર્ફોર્મર-એક્ટર તરીકે પોતે દમદાર છે એ રણવીરે આ પાંચ વર્ષમાં પુરવાર કરી દીધું છે. 'લેડિઝ વર્સસ રિકી બહલ'(સાધારણ ફિલ્મ, ડિસન્ટ અભિનય), 'લૂટેરા' (સુંદર, આર્ટી-આર્ટી પણ ફ્લોપ ફિલ્મ, સરસ અભિનય), 'ગુંડે'(હિટ ફિલ્મ, ટિપિકલ બોલિવૂડ હીરો ટાઇપનું મસાલા પર્ફોર્મન્સ), 'કિલ દિલ'(ફ્લોપ ફિલ્મ, રણવીરે કેવો અભિનય કર્યો હતો એ તો રામ જાણે,કહે છે કે આમાંય એનો અભિનય વખણાયો હતો), 'ગોલિયોં કી રાસલીલા : રામ-લીલા'(હિટ ફિલ્મ, પ્રભાવશાળી અભિનય), 'દિલ ધડકને દો' (મજાની ફિલ્મ, રણવીરનું સંભવતઃ કરિયર-બેસ્ટ પર્ફોર્મન્સ) અને હવે આવતા શુક્રવારે રિલીઝ થઈ રહેલી અતિ મહત્ત્વાકાંક્ષી 'બાજીરાવ મસ્તાની' જેના પર અદૃશ્યપણે પણ મોટા મોટા અક્ષરોમાં 'હિટ' શબ્દ લખાયેલો છે. કોઈ પણ સમકાલીન એક્ટર ઇર્ષ્યાથી જલી ઊઠે એવો પ્રભાવશાળી આ બાયોડેટા છે.
રણવીરસિંહનો(મૂળ સિંધી અટક : ભગનાની) કરિયર ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે, પોપ્યુલારિટી એકધારી વધી રહી છે તે દીવા જેવી સ્પષ્ટ વાત છે. રણબીર કપૂર જેવા બ્રિલિયન્ટ સ્ટાર-એક્ટરની ઉપરાછાપરી ચાર ફિલ્મો ફ્લોપ ગઈ પણ રણવીરસિંહે આવી ભયંકર પછડાટ હજુ સુધી ખાવી પડી નથી.

આજની તારીખે ઇન્ડસ્ટ્રીમાં રણબીર કપૂર કરતાં રણવીરસિંહ જેવા આઉટસાઇડરની પોઝિશન ટેક્નિકલી વધારે મજબૂત છે. રણવીરસિંહ કન્વેન્શનલ અર્થમાં હેન્ડસમ નથી. એની પાસે કપૂરબોય જેવો ઈઝી ચાર્મ કે જોેતાં જ ગમી જાય એવું હૂંફાળું રૂપ નથી. રણવીરની અપીલ જરા જુદા પ્રકારની છે. રણબીર 'કયુટ' છે, તો કસાયેલું શરીર ધરાવતો રણવીરસિંહ 'હોટ' છે. રણવીરનાં વ્યક્તિત્ત્વમાં તોફાની ટિનેજર જેવો થનગનાટ છે. સામેવાળાને કે ઈવન ઓડિટોરિયમમાં બેઠેલા ઓડિયન્સને ઊર્જાની રીતસર છાલક વાગે એવું ગજબનું એનું એનર્જીલેવલ છે. અંગત જીવનમાં રણવીર બહિર્મુખ અને અત્યંત મળતાવડો યુવાન છે. અજાણી વ્યક્તિને પહેલી વાર મળશે તો એટલા ખૂલીને અને આત્મીયતાથી વાતો કરશે જાણે એને વર્ષોથી ઓળખતો હોય. રણવીર બિન્દાસ બંદો છે. એની ડિક્શનરીમાં શરમ કે સંકોચ જેવા કોઈ શબ્દ નથી. કેમેરા સામે પર્ફોર્મ કરતી વખતે આ 'ગુણ' એને ખૂબ કામ આવે છે.
ફિલ્મોમાં આવતાં પહેલાં રણવીરે અમેરિકામાં એક્િંટગનો કોર્સ કર્યો હતો અને પછી મુંબઈ આવીને એક થિયેટર વર્કશોપ જોઈન કર્યું હતું. રિચા ચઢ્ઢા પણ આ વર્કશોપમાં આવતી. ગ્રૂપમાં બીજા યુવાનો સીધાસાદા હતા, એકમાત્ર રણવીર જ જિમમાં જોવા મળતા બાવડાબાજ જેવો દેખાતો. એના ફિલ્મીવેડાથી વર્કશોપ કંડક્ટ કરી રહેલી ટીચર એવી કંટાળી ગઈ કે આખરે બધાની વચ્ચે એનું અપમાન કરી નાખ્યું : ભાઈ, તું થિયેટરમાં નહીં ચાલે, તું ફિલ્મોમાં જ ટ્રાય કર. યુ આર અન આઈ-સોર. મતલબ કે તને જોઈને મને ત્રાસ થાય છે !
રણવીરનું આવું અપમાન પછી જિંદગીમાં કયારેય થયું નથી. કોઈ પણ સ્ટ્રગલરની જેમ ઓડિશનો આપી આપીને એ આગળ આવ્યો છે. રણવીર ભલે મસ્તીખોર રહ્યો પણ પોતાનાં કામમાં ભારે સિન્સિયર છે, એટલે તો સંજય લીલા ભણસાલી જેવા માથાભારે ડિરેક્ટરે એને 'ગોલિયોં કી રાસલીલા : રામ-લીલા' પછી 'બાજીરાવ મસ્તાની' જેવા પોતાના ડ્રીમ પ્રોજેક્ટમાં રિપીટ કર્યો. રણવીરને પોતાના કિરદાર નિભાવવા માટે ખૂબ તૈયારી કરવા જોઈએ. જેમ કે, 'લૂટેરા'માં એનુંં કિરદાર નિતંબમાં બંદૂકની ગોળી વાગવાથી ઘાયલ થઈ જાય છે, જેના નિતંબમાં ગોળી ખૂંપેલી હોય તેવા માણસની ચાલ કેવી હોય ? એ કેવી રીતે ઊભો રહે, કેવી રીતે મુવમેન્ટ્સ કરે ? જ્યાં સુધી આ બધું સંતોષકારક રીતે સમજાય નહીં ત્યાં સુધી રણવીરને જપ વળે તેમ નહોતો. આથી આર્મીના કેટલાક જવાનોને મળીને એણે જાણવાની કોશિશ કરી કે ગોળી વાગે ત્યારે અને તે પછી એક્ઝેક્ટલી કેવું ફીલ થાય. પોતાના એક ડોક્ટર અંકલને ય પૃચ્છા કરી. ડોક્ટર અંકલે કહ્યું : જો તારી એક્ટિંગના ક્રાફ્ટમાં મને બહુ ખબર ન પડે પણ હું તને એક ઉપાય જરૂર સૂચવી શકું એમ છું.

શું હતો આ ઉપાય ? રણવીરના નિતંબમાં એક કરતાં વધારે મેડિકલ સ્ટેપલરની પિન મારવી ! આ એક એવી વિધિ હતી જેનાથી નિતંબમાં ગોળી લાગવાથી કેવી પીડા થાય તેનો કંઈક અંશે અંદાજ મળી શકે તેમ હતો. રણવીરે આવા પિનવાળા ઘાયલ નિતંબ સાથે શૂટિંગ કર્યું. 'લૂટેરા'ની પેલી સિક્વન્સ તમે જોશો કે નિતંબમાંથી બુલેટ કાઢતી વખતે રણવીરનાં મોંમાંથી દર્દના માર્યા રાડ નીકળી જાય છે. તે ઠાલો અભિનય નથી, સાચુકલી પીડા છે !
રણવીર એક મુલાકાતમાં કહે છે, 'જેના માટે મને પુષ્કળ માન છે એવા સિનિયર એક્ટરો પણ સવાલ કરતા હોય છે કે આવું બધું કરવાની શું જરૂર હતી ? ઈવન પ્રિયંકા ચોપરાએ પણ મને કહેલું કે તું શું કામ તારી જાત પર આટલો બધો અત્યાચાર કરે છે ? આના જવાબમાં હું હંમેશાં ડેનિયલ ડે-લેવિસના કિસ્સા ટાંકતો હોઉં છું.'
ડેનિયલ ડે-લેવિસ બેસ્ટ એક્ટર માટે ત્રણ-ત્રણ વાર ઓસ્કર એવોર્ડ જીતનાર દુનિયાનો એકમાત્ર એક્ટર છે. ટેક્નિકલી એને દુનિયાનો શ્રેષ્ઠતમ અભિનેતા કહી શકાય. રણવીર આ મેથડ એક્ટરથી ખૂબ પ્રભાવિત છે. 'માય લેફ્ટ ફૂટ'માં ડેનિયલે સેરેબ્રલ પાલ્સીથી પીડાતા અને સતત વ્હિલચેરમાં જડાયેલા અપંગ આદમીનું પાત્ર અદ્ભુત રીતે નિભાવ્યું હતું. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન એ સતત વ્હિલચેર પર બેસી રહેતા. કોઈ એને કોળિયા ભરીને જમાડે, બીજું કોઈ એની વ્હિલચેરને ધક્કા મારીને આમથી તેમ ખસેડે. સારી અકિટંગ કરવા માટે ડેનિયલને સતત જે-તે પાત્રના માનસિક-શારીરિક વાતાવરણમાં રહેવાનું જરૂરી લાગે છે. 'લિંકન'નાં શૂટિંગના ગાળામાં એ ખરેખર અબ્રાહમ લિંકનની જેમ કોઈ ફાર્મમાં રહેવા જતા રહ્યા હતા. ઈવન 'ધ ડાર્ક નાઈટ'માં ખૂંખાર જોકરનું યાદગાર પાત્ર ભજવનાર હીથ લેજરે પણ આ જ પ્રકારનો એપ્રોચ અપનાવેલો.

'હું જ્યારે આ એક્ટરો વિશે વાંચું છું ત્યારે મને જોરદાર ચાનક ચડે છે. આઈ ફીલ સો ઇન્સપાયર્ડ!' રણવીર કહે છે, 'આ લોકો જે એક્સ્ટ્રીમ પર જઈને તૈયારી કરે છે એની સરખામણીમાં મારી તો કોઈ વિસાત નથી. ડેનિયલ ડે-લેવિસનું ક્વોટ મને બહુ ગમે છે : કયારેય કોઈ એક્ટરની પ્રોસેસ સામે સવાલ ઉઠાવવો જોઈએ નહીં. દરેક એક્ટરની પોતપોતાની રીત હોય છે, પોતપોતાની પદ્ધતિ હોય છે. એક એક્ટરની પદ્ધતિ બીજા એક્ટરને લાગુ ન પણ પડે. હું(એટલે કે ડેનિયલ) એક્સ્ટ્રીમ કહેવાય એવી તૈયારી કરું છું, કેમ કે આ સિવાયની બીજી કોઈ રીત મને ફાવતી નથી કે આવડતી પણ નથી.'
આટલું કહીને રણવીર ઊમેરે છે, 'ઘણાં લોકોને મારો અપ્રોચ સ્ટુપિડ જેવો લાગે છે, બટ આઈ ડોન્ટ કેર. કેમેરા સામે બને એટલી સચ્ચાઈથી એક્ટિંગ કરવા માટે હું જે કોઈ રીત અખત્યાર કરી શકું તેમ હાઉં તે હું કરીશ જ. મને કંઈ ખુદના શરીર પર ત્રાસ ગુજારવામાં આનંદ આવતો નથી. આ કંઈ નખરાં કે નાટક નથી. હંુ કોઈને દેખાડી દેવા પણ આવું કરતો નથી. એક એક્ટર તરીકે આ મારી પ્રોસેસ છે. ધેટ્સ ઈટ.'
સંજય લીલા ભણસાલીએ 'બાજીરાવ મસ્તાની' માટે રણવીરને પસંદ કર્યો ત્યારે એ રાજીના રેડ થઈ ગયો હતો પણ જ્યારે એને આખી ફિલ્મની વાર્તા સીન-બાય-સીન સંભળાવવામાં આવી ત્યારે પરસેવો છૂટી ગયો હતો. 'નરેશન સુન કે મેરી ફટ ગઈ થી!' રણવીર કહે છે, 'ઐતિહાસિક માહોલ, મરાઠી છાંટવાળા ભારેખમ સંવાદો, યુદ્ધનાં દૃશ્યો, રોમાન્સ, ઇન્ટેન્સ ડ્રામા... અને સંજયસર જેવા ભયંકર ડિમાન્ડિંગ ડિરેક્ટર ! મને સમજાતું નહોતું કે આ બધું હું કેવી રીતે મેનેજ કરી શકીશ. આ જ તો ચેલેન્જ હતી. કોઈ પણ પ્રોજેક્ટ પસંદ કરવાનો મારો એક જ માપદંડ છે-બસ, ફટની ચાહિએ! તો જ કામ કરવાની મજા આવે !'
રણવીર 'બાજીરાવ મસ્તાની'ની તૈયારીના ભાગરૂપે ત્રણ અઠવાડિયાં માટે એક ફાઇવસ્ટાર હોટેલના કમરામાં પુરાઈ ગયો હતો. અંગરખું અને ધોતિયું પહેરીને રૂમમાં આમથી તેમ આંટા મારતો રહ્યો. સૌથી પહેલાં કેરેક્ટરનો લુક ધારણ કરવાની કોશિશ કરવાની. એક એક્ટર તરીકેની એની પ્રોસેસની શરૂઆત આ રીતે થાય. ધીમે ધીમે દિલ-દિમાગમાં કેરેક્ટરની જુદી જુદી છટા, એની લાગણીઓ અને માનસિકતા ખૂલતાં જાય, સ્પષ્ટ થતાં જાય. સામાન્યપણે ધમાલમસ્તી કરતો રણવીર 'બાજીરાવ મસ્તાની'ના મેકિંગ દરમિયાન કોચલામાં ભરાઈ ગયો હતો. સેટ પર કોઈની સાથે વાત નહીં કરવાની. શૂટિંગ પતાવીને ઘરે આવીને કોઈને મળ્યા વગર સીધા પોતાના રૂમમાં જતા રહેવાનું. સવારે નાહીધોઈને સીધા સેટ પર.

'બટ યુ નો વોટ, જોરદાર તૈયારી કરી હોય, લાંબા લાંબા ડાયલોગ્ઝ ગોખી રાખ્યા હોય ને સેટ પર સંજયસર બધું જ બદલી નાખે !' રણવીર કહે છે, 'સેટના એક્ચ્યુઅલ માહોલમાં સંજયસરને નવું નવું સૂઝે ને છેલ્લી ઘડીએ અમારા હાથમાં નવા ડાયલોગ પકડાવીને કહેશે : જૂનું ભૂલી જાઓ, આ તૈયાર કરો. બી સ્પોન્ટેનિયસ! 'ગોલિયોં કી રાસલીલા : રામ-લીલા' વખતે તેમણે મને કહ્યું હતું : મને ખબર નથી કે રામ કઈ ટાઈપનો માણસ છે. તું તારી રીતે તારાં પાત્રને ઇન્ટરપ્રિટ કર ને પછી પર્ફોર્મ કર. હું તારા પર્ફોર્મન્સના આધારે આગળ વધતો જઈશ ! આ સાંભળીને મારી શી હાલત થઈ હશે તે સમજાય છે ? બટ લેટ મી ટેલ યુ, 'બાજીરાવ મસ્તાની' સંજયસરે બહુ જ મજા કરતાં કરતાં બનાવી છે.'
'બાજીરાવ મસ્તાની' જો લોકોને ગમી જશે અને બોકસઓફિસ પર હિટ થશે(જેના ચાન્સ પૂરેપૂરા છે) તો રણવીરનો બાયોડેટા પહેલાં કરતાં અનેકગણો વધારે ઝળહળતો થઈ જવાનો એ તો નક્કી.
શો-સ્ટોપર
'દિલ ધડકને દો'માં ભાઈ-બહેન તરીકે ઓડિયન્સ કન્વિન્સ કર્યા પછી હું અને રણવીરસિંહ જો 'બાજીરાવ મસ્તાની'માં પતિ-પત્ની તરીકે ઓડિયન્સને ફરીથી કન્વિન્સ કરી શકીએ તો એનો અર્થ એ થયો કે એક્ટર તરીકે અમે સાચા રસ્તે ચાલી રહ્યાં છીએ.
-પ્રિયંકા ચોપરા

Monday, December 7, 2015

મલ્ટિપ્લેક્સ : એક ગુજરાતી બંદાની કાર્ટૂન-કથા

Sandesh - Sanskar Purti - 6 Dec 2015
મલ્ટિપ્લેક્સ 
 સંજય પટેલ એક કાબેલ એનિમેટર અને સ્ટોરી-આર્ટિસ્ટ છે, જેમણે  'ટોય સ્ટોરી', 'ફાઈન્ડિંગ નેમો', 'કાર્સ' જેવી સુપરડુપર ફિલ્મો બનાવતા  પિક્સર એનિમેશન સ્ટુડિયોની કેટલીય બ્લોકબસ્ટરમાં પોતાની ક્રિયેટિવિટી દેખાડી છે. એમણે બનાવેલી 'સંજય્ઝ સુપર ટીમ' નામની મસ્ત મજાની શોર્ટ એનિમેશન ફિલ્મ આગામી ઓસ્કર માટે શોર્ટ-લિસ્ટ થઈ છે. ભારતીય પાત્રો લઈને ફિલ્મ બનાવી હોય એવું પિક્સરના ઈતિહાસમાં પહેલી વાર બન્યું છે. 


'મને લાગે છે કે પિકસર કંપની નેક્સ્ટ ડિઝની બની શકે તેમ છે. તે ડિઝનીનું સ્થાન પચાવી પાડશે તેમ નહીં પણ એનામાં બીજી ડિઝની બની શકવાનું કૌવત જરૂર છે.'
દૂરંદેશી સ્ટીવ જોબ્સે ૧૯૯૮માં પોતાની માલિકીના પિક્સર એનિમેશન સ્ટુડિયો વિશે આ વાત કરી હતી ત્યારે કદાચ વિચાર્યુંંર્ નહીં હોય કે આઠ વર્ષ પછી ધ વોલ્ટ ડિઝની કંપની લગભગ સાડાસાત બિલિયન ડોલર ચૂકવીને તેની પાસેથી પિક્સર સ્ટુડિયો ખરીદી લેવાની છે. સ્ટીવ જોબ્સે એવી કલ્પના ય નહીં કરી હોય કે'ટોય સ્ટોરી', 'ફાઇન્ડિંંગ નેમો', 'કાર્સ' જેવી એકએકથી ચડિયાતી એનિમેશન ફિલ્મો બનાવીને દુનિયાભરના પ્રેક્ષકોને પુલકિત કરી દેનારો એનો પિક્સર સ્ટુડિયો ભવિષ્યમાં કયારેક નખશીખ ભારતીય પાત્રો ધરાવતી એનિમેશન ફિલ્મ પણ બનાવશે, એટલું જ નહીં, તે ફિલ્મ ઓસ્કર એેવોર્ડ માટે શોર્ટ-લિસ્ટ સુદ્ધાં થશે !
વાત થઈ રહી છે પિક્સરની બ્રાન્ડ-ન્યૂ એનિમેશન ફિલ્મ, 'સંજય્ઝ સુપર ટીમ'ની. 'સંજય્ઝ સુપર ટીમ', અલબત્ત, ફુલલેન્થ નહીં પણ સાત મિનિટની શોર્ટ એનિમેશન ફિલ્મ છે. આપણને મજા પડે એવી વાત એ છે કે આ ફિલ્મ સંજય પટેલ નામના મૂળ ગુજરાતી બંદાએ બનાવી છે. પિક્સરની એક પરંપરા છે. ફુલલેન્થ એનિમેશન ફિલ્મ રિલીઝ કરતી વખતે લટકામાં એક ટચૂકડી શોર્ટ ફિલ્મ પણ ઓડિયન્સને બતાવવી. આ શુક્રવારે આપણે ત્યાં પિક્સરની 'ધ ગુડ ડાઇનોસોર' નામની ફિલ્મી રિલીઝ થઈ, એમાં શરૂઆતમાં સાત મિનિટની 'સંજય્ઝ સુપર ટીેમ' પણ બતાવવામાં આવે છે.

સંજય પટેલ પિક્સરમાં એનિમેટર અને સ્ટોરી-આર્ટિસ્ટ તરીકે વીસ વર્ષથી કામ કરે છે. પિક્સરની કેટલીય સુપરડુપર હિટ એનિમેશન ફિલ્મોમાં સંજય પટેલનું નક્કર યોગદાન રહ્યું છે. પિક્સર જેટલી ધૂમધામ 'ધ ગુડ ડાઇનોસોર' માટે કરી છે લગભગ એટલી જ હાઈપ 'સંજય્ઝ સુપર ટીમ' માટે પણ કરી છે. આ શોર્ટ ફિલ્મને પુષ્કળ મીડિયા અટેન્શન મળી રહ્યું છે એનું કારણ, અગાઉ કહ્યું તેમ, તે ઓસ્કરની રેસમાં સામેલ થઈ ગઈ છે, તે છે.
 'સંજય્ઝ સુપર ટીમ' સહિત દસ શોર્ટ-લિસ્ટેડ શોર્ટ ફિલ્મોમાંથી કોઈ પાંચને ઓસ્કર નોમિનેશન મળશે, જેમાંથી આખરે કોઇ એક એવોર્ડ જીતી જશે.
'સંજય્ઝ સુપર ટીમ'માં શું છે તે જાણતાં પહેલાં સંજય પટેલ કોણ છે તે જાણી લઈએ. સંજય ગુજરાતી ખરા પણ એમનો જન્મ થયો ઇંલેન્ડમાં. નાનપણમાં મમ્મી-પપ્પા સાથે અમેરિકા શિફ્ટ થઈ ગયા. કેલિફોર્નિયામાં લોસ એન્જલસ નજીક તેમના પપ્પા મોટેલ ચલાવતા હતા. સંજય જે સ્કૂલમાં ભણતા હતા તેમાં એમના સિવાય બીજું કોઇ ઇન્ડિયન બાળક નહીં. હાઈસ્કૂલમાં પણ એ એક જ ઇન્ડિયન, બીજાં બાળકો કરતાં એમનો દેખાવ સાવ જુદો, રીતભાત જુદી, ઘરનો માહોલ જુદો. ગોરાં ટાબરિયાં એને વિચિત્ર નજરે જોયા કરે. સંજયને તીવ્ર આઇડેન્ટિટી ક્રાઇસિસ થવા માંડી. હું આ લોકો જેવો કેમ નથી? મારું નામ અને અટક કેમ એમનાં જેવાં નથી? મારાં મમ્મી-પપ્પા કેમ આ બધાનાં મમ્મી-પપ્પા જેવાં દેખાતાં નથી? પોતે બીજા કરતાં અલગ છે એ વાતથી સંજયને શરમ આવતી.
સંજયે એકવાર જીદ કરેલી : મને મારું નામ બદલવું છે, મારું નામ ટ્રેવિસ કરી નાખો! સંજયનાં મા-બાપ આ માગણી સાંભળીને હસી પડેલાં. સંજયનાં ઘરનો માહોલ ટિપિકલ ગુજરાતી. પપ્પા સ્વભાવે ધાર્મિક, રોજ સવારે ડ્રોઇંગરૂમના એક ખૂણામાં ગોઠવેલાં ટચૂકડાં મંદિર સામે પલાંઠી વાળીને પૂજાપાઠ કરે, ભગવાનની મૂર્તિઓ સામે દીવા-અગરબત્તી કરે. સંજયને આ જરાય ગમે નહીં,કેમ કે એને આ સમયે ટીવી પર સુપર હીરોનાં કાર્ટૂન જોવાં હોય. ટીવીના અવાજથી પપ્પાને ડિસ્ટર્બ થાય એટલે રિમોટથી ટીવી બંધ કરી દે ને દીકરાને ધરાર પોતાની બાજુમાં ભગવાનની પ્રાર્થના કરવા બેસાડી દે. પપ્પા વધારે નારાજ ન થાય તે માટે નાનકડો સંજય મોઢું બગાડીને ચૂપચાપ બેસી રહે. બાપ-દીકરાનો આ રોજનો ક્રમ.

સંજય મોટા થયા, આર્ટ સ્કૂલમાં એડમિશન લીધું. અહીં પણ બધાં ગોરાં છોકરા-છોકરીઓ. સંજય એમનામાં ભળી જવા મથે, સતત એમની સ્વીકૃતિ ઝંખે. પોતાનાં મા-બાપ દેશી છે અને પોતે મૂળ અમેરિકન નથી તે હકીકતથી સંજય હજુ કમ્ફર્ટેબલ થયા નહોતા. એ વખતે એમને કયાં ખબર હતી કે વર્ષો પછી એમનું આ જ ભારતીયપણું તેમજ મા-બાપ તરફથી મળેલા સંસ્કાર જોરદાર ખ્યાતિ અપાવવાના છે !
સંજય વીસ વર્ષ પહેલાં પિક્સર સ્ટુડિયોમાં એનિમેટર તરીકે જોડાયા તે પછી ધીમે ધીમે પોતાનાં ભારતીય મૂળિયાં તરફ સભાન થયા. પિક્સરે અત્યાર સુધીમાં લેટેસ્ટ 'ધ ગુડ ડાઇનોસોર' સહિત કુલ સોળ ફુલલેન્થ ફિલ્મો અને 'સંજય્ઝ સુપર ટીમ' સહિત ત્રીસ શોર્ટ ફિલ્મો બનાવી છે. સામાન્યપણે બનતું એવું હોય છે કે પિક્સરના સાહેબલોકો સમયાંતરે સ્ટાફના સ્ટોરી-રાઇટરોમાં વાત વહેતી મૂકે કે આપણે શોર્ટ ફિલ્મ માટે સારા આઇડિયા શોધી રહ્યાં છીએ, તમારી પાસે જો કોઇ સારી થીમ હોય તો અમને કહેજો. રાઇટરો પોતાના આઇડિયા પેશ કરે. સાહેબોની કમિટી એના પર ચર્ચા કરે. આખરે ચીફ એકિઝકયુટિવ ઓફિસર જોન લેસેસ્ટર કોઇ એક આઇડિયા પર પસંદગીનો કળશ ઢોળે ત્યાર બાદ કામકાજ ચાલુ થાય.
સંજય પટેલના કેસમાં ઊલટું બન્યુંં. થયું એવું કે સાન ફ્રાન્સિસ્કોનાં એશિયન આર્ટ મ્યુઝિયમમાં એક વાર સંજયનું આર્ટ એકિઝબિશન ગોઠવાયું હતું. પિક્સરના એક સિનિયરે એમને કહ્યું : આપણા સ્ટુડિયોમાં આપણી પોતાની આર્ટ ગેેલેરી છે. તું તારુ થોડું આર્ટ-વર્ક અહીં લાવી શકે એમ હોય તો આપણે ઈન-હાઉસ એકિઝબિશન રાખીશું. સંજયને વાત ગમી. ઈન-હાઉસ એકિઝબિશન ગોઠવાયું. પિક્સરના બિગ બોસ જોન લેસેસ્ટર આ ચિત્રો જોતાવેંત પ્રેમમાં પડી ગયા. કહે : અરે વાહ, આ અમેઝિંગ કામ આપણા સંજય પટેલે કર્યું છે ? હી શુડ મેક અ ફિલ્મ !

બીજું કોઇ હોત તો આ સાંભળીને ઊછળી પડત પણ સંજય પટેલ જેનું નામ. એમણે આ વાતને ગંભીરતાથી ન લીધી. એમને ફરીથી કહેવામાં આવ્યું કે દોસ્ત, શોર્ટ ફિલ્મ માટે કોઇ સારો આઇડિયા આપ, આપણી કંપનીને તે પ્રોડયુસ કરવામાં રસ છે. ફિલ્મનો ડિરેક્ટર પણ તું જ! ત્રણ-ત્રણ વાર કહેણ આવ્યા પછી સંજયે ઉત્સાહ ન બતાવ્યો ત્યારે એક સિનિયરે એમને પોતાની કેબિનમાં બોલાવીને પૂછ્યું : સંજય, શું પ્રોબ્લેમ છે? કેમ તારા તરફથી પોઝિટિવ રિસ્પોન્સ આવતો નથી ? સંજયે કહ્યું કે સર, મારી પાસે એક સ્ટોરી આઇડિયા તો છે પણ મને તેના પરથી ફિલ્મ બનાવવાના વિચાર માત્રથી ડર લાગે છે.
શું હતો આ સ્ટોરી આઇડિયા? એક નાનકડો છોકરો છે ને એના પિતાજી છે, બંને ઇન્ડિયન છે. છોકરાને પોતાનાં ભારતીય કલ્ચર પ્રત્યે જરાય માન નથી પણ ધીમે ધીમે એવું કશુંક બને છે કે એને ખુદની સંસ્કૃતિની મહાનતાનો પરિચય થાય છે. ફિલ્મ પૂરી થતાં સુધીમાં છોકરો પોતાની અસલી ઓળખનો આદર કરતાં શીખી જાય છે.
સંજયને ડર એ વાતનો હતો કે આ વાર્તા એની પોતાની હતી, જે ચીજથી પોતે આખી જિંદગી ક્ષોભ અનુભવ્યો છે એના પર ફિલ્મ બનાવીને આખી દુનિયા સામે પેશ કેવી રીતે કરી શકાય ? જોકે એમને ખાતરી હતી કે આજ સુધી પિક્સરની એક પણ ફિલ્મમાં ઇન્ડિયન કેરેક્ટર આવ્યું નથી એટલે પિક્સરના સાહેબલોકોને આમેય મારા આઈડિયામાં રસ પડવાનો નથી. બન્યું એનાથી ઊલટું. જોન લેસેસ્ટર સ્ટોરી આઈડિયા સાંભળીને ઊછળી પડયા : બ્રિલિયન્ટ આઈડિયા છે. સંજય, કામ શરૂ કરી દો!
હવે છટકી શકાય એમ હતું નહીં. સંજય પટેલે ધીમે ધીમે પ્રક્રિયા શરૂ કરી. સ્ટોરીબોર્ડ બન્યું. રિસર્ચવર્ક આગળ વધ્યંુ. જોન લેસેસ્ટર સતત સંજયના કામમાં રસ લેતા રહ્યા. એમણે સૂચન કર્યું કે ફિલ્મને બને એટલી પર્સનલ બનાવજો, એટલું જ નહીં,ફિલ્મનાં ટાઇટલમાં પણ સંજયનું નામ આવવું જાઇએ એવો તેમણે આગ્રહ રાખ્યો. તેઓ આટલેથી અટકયા નહીં. ફિલ્મ પૂરી થાય પછી સંજય અને એમના પિતાનો અસલી ફોટોગ્રાફ પણ મુકાવ્યો કે જેથી ઓડિયન્સને ખાતરી થાય કે ફિલ્મ સત્ય હકીકત પર આધારિત છે !
Memories: Sanjay Patel with his father

એક પણ ડાયલોગ ન ધરાવતી 'સંજય્ઝ સુપર ટીમ'ની શરૂઆત ટીવી પર કાર્ટૂન જોવાની જીદ કરતરાં છોકરા અને પૂજા કરી રહેલા પપ્પાના સીનથી થાય છે. ધરાર પૂજા કરવા બેઠેલો ટાબરિયો દીવો કરે છે. તે સાથે જ એ કોઇ પ્રાચીન મંદિરમાં પહોંચી જાય છે. એકાએક રાવણ પ્રગટે છે. ટાબરિયાને રાવણથી બચાવવા વિષ્ણુ, દુર્ગા અને હનુમાનની મૂર્તિઓ સજીવન થઇ ઊઠે છે. ભગવાન એને નવાં રમકડાં પણ આપે છે. છોકરાને ભારતીય દેવી-દેવતા બહુ 'કૂલ' લાગે છે. એ પોતાની સુપર ટીમનું ચિત્ર બનાવે છે. આ ટીમમાં ભારતીય દેવી-દેવતાઓને જોઇને પપ્પાને જબરું સાનંદાશ્ચર્ય થાય છે. ફિલ્મ અહીં પૂરી થાય ને પછી સંજય પટેલ અને તેમને પિતાજીની તસવીર ડિસ્પ્લે થાય છે.
સાત મિનિટની 'સંજય્ઝ સુપર ટીમ' બનાવવામાં સંજય પટેલે અઢી વર્ષ લીધાં! આનું મુખ્ય કારણ એ હતું કે પિક્સરની ફુલલેન્થ એનિમેશન ફિલ્મોને પહેલી પ્રાયોરિટી આપવાની હતી. બે ફિલ્મોની વચ્ચે સમય મળે ત્યારે પોતાની શોર્ટ ફિલ્મનું કામ આગળ વધારવાનું હતું. ફિલ્મ બની ગઇ પછી તે જોવા માટે એમણે પપ્પાને સ્ટુડિયોમાં તેડાવ્યા. પપ્પાને હરામ બરાબર એનિમેશન ફિલ્મોમાં જરા અમથો ય રસ હોય તો. દીકરો પિક્સર જેવી વર્લ્ડ કલાસ એનિમેશન સ્ટુડિયોમાં કામ કરતો હોવા છતાં ભાગ્યે જ એમણે પિક્સરની કોઇ ફિલ્મ જોઇ હતી... પણ 'સંજય્ઝ સુપર ટીમ' જોઇને પપ્પા એકદમ ઈમોશનલ બની ગયા, કેમ કે આ એમની જ કહાણી હતી.
ધારો કે 'સંજય્ઝ સુપર ટીમ'ને પહેલાં ઓસ્કરનું નોમિનેશન ને પછી આખેઆખો એવોર્ડ મળે તો એ જરૂર વિષ્ણુ-દુર્ગા-હનુમાનની કૃપા હોવાની. ટચવૂડ !
શો-સ્ટોપર

હવે હું પહેલાં કરતાં શાંત થઈ ગયો છું, હવે હું સેટ પર નથી રાડો પાડતો કે નથી મોબાઈલના છુટ્ટા ઘા કરતો.
-સંજય લીલા ભણસાલી

Friday, December 4, 2015

ગુડ ન્યૂઝ વર્સિસ બેડ ન્યૂઝ : સઘળો વાંક ઉત્ક્રાંતિનો છે?

Sandesh - Ardh Saptahik Purti - 2 Dec 2015

ટેક ઓફ

અસહિષ્ણુતા (ઇન્ટોલરન્સ) અને અસલામતી (ઇનસિકયોરિટી) એક અનુભૂતિ છે, અહેસાસ છે. પ્રેમની જેમ અથવા ધિક્કારની જેમ. ઘામાંથી વહેતાં લોહી કે શરીર પર પડી ગયેલાં નિશાનની માફક અસહિષ્ણુતા અને અસલામતીની લાગણીને નજરે જોઈ શકાતી નથી. તેને મીટર-સેન્ટિમીટરમાં માપી શકાતી નથી, વેઈંગ મશીન પર તેનું વજન થઈ શકતું નથી કે થર્મોમીટરમાં તેનું ઉષ્ણતામાન નોંધી શકાતું નથી.



મીડિયાની તકલીફ એ છે કે નેગેટિવ ઘટનાને ઉછાળી ઉછાળીને ચૂંથી નાખશે પણ કયાંક સારું બની રહ્યું હશે તો, કાં તો તેને સાવ અવગણશે અથવા ઓછામાં ઓછું કવરેજ આપશે. જે કંઇ શિષ્ટ, શાલીન અને પોઝિટિવ છે તે મીડિયા માટે બોરિંગ અને નકામું છે, જે કંઇ ભ્રષ્ટ, વિકૃત કે કુત્સિત છે તે મીડિયા માટે ઉપયોગી છે. ગુડ ન્યૂઝ ઇઝ નો ન્યૂઝ એ થિયરી સમાચાર માધ્યમોએ જરૃર કરતાં વધારે ઝનૂનથી અપનાવી લીધી છે.  થોડા દિવસો પહેલાં દિલ્હીના જંતરમંતર પર જમિયત ઉલેમા-એ-હિંદ નામનાં મહત્ત્વનાં મુસ્લિમ સંગઠને આતંકવાદી સંસ્થા આઈએસઆઈએસના વિરોધમાં દેખાવો કર્યા હતા. આઈએસઆઈએસને ઇસ્લામ સાથે કોઈ લેવાદેવા નથી, આ આતંકવાદીઓ ધર્મના નામે લોહી વહાવનારા નઠારાં લોકો છે, સભ્ય અને સમજદાર મુસલમાનો દેશ-દુનિયાની બાકીની પ્રજાની જેમ જ આ કહેવાતા ઇસ્લામિક સંગઠનોને વખોડી કાઢે છે એ મતલબનો સંદેશો તેઓ ફેલાવવા માગતાં હતાં.

દિલ્હી પછી મુંબઈમાં પણ મૌલાનાઓ, મુફતીઓ અને મહત્ત્વની મુસ્લિમ સંસ્થાઓના વડાઓનું એક સંમેલન યોજાયું હતું, જેમાં સિદ્ધિવિનાયક મંદિરના ચેરમેન તેમજ ખ્રિસ્તી ધર્મના પ્રતિનિધિ જેવા અન્ય ધર્મનાં લાકો હાજર રહ્યાં હતાં. ભાઈચારાનાં નાટકો ને દંભ-દેખાડા ખૂબ થતા હોય છે પણ વિવિધ ધર્મના પ્રતિનિધિઓ અકઠા થઇને એક સૂરમાં સમાજવિરોધી તત્ત્વોને વખોડી કાઢે અને અેકતાનું જેન્યુઈન પ્રદર્શન કરે એવા પ્રસંગો બહુ ઓછા બનતા હોય છે.

પ્રગતિશીલ મુસ્લિમો તરફથી આ પ્રકારનું સ્પષ્ટ, નક્કર અને બોલકું સ્ટેન્ડ પાંચ-સાત-દસ વર્ષ પહેલાં લેવાઇ જવું જોઇતું હતું. ખેર, બેટર લેટ ધેન નેવર. અહીં મુદ્દો એ છે કે આ વખાણવાલાયક અને શુભ પગલામાં મીડિયાને રસ ન પડયો. ફાલતુ, ઘટિયા અને ઝેરીલા સમાચારોને દિવસ-રાત સતત દેખાડ-દેખાડ કરીને આપણાં દિમાગમાં કાણાં કરી નાખતી ટીવી ચેનલોએ કાં તો આ બંને પ્રસંગની નોંધ જ ન લીધી યા તો માંડ નામ પૂરતો ઉલ્લેખ કરીને સમાચારને ફેંકી દીધા. પ્રાઇમટાઇમ ડિબેટમાં દેખીતી રીતે જ આ ઘટનાઓને સ્થાન ન મળ્યું, કેમ કે એન્કરો અને પેનલિસ્ટો ઊછળી-ઊછળીને ચીસો પાડી શકે એવા 'ચટાકેદાર મસાલા'ની તેમાં કમી હતી. ફ્રન્ટ-પેજ ચમકાવી શકાય એવી ન્યૂઝ-વેલ્યૂ તેમાં ન દેખાઇ એટલે છાપાંઓમાં આ અહેવાલને અંદરના પાને કશેક ધકેલી દેવાયા. દેશભરનાં ૭૫ જેટલાં શહેરોમાં આ પ્રકારના સેન્સિબલ મુસ્લિમો ઇસ્લમાને નામે આતંકવાદી પ્રવૃત્તિઓ સામે વિરોધ નોંધાવવા આ પ્રકારના દેખાવો ક્રમશઃ યોજાવાના છે. અસાદુદ્દીન ઓવૈસી જેવા મુસ્લિમ નેતાના ધિક્કાર ફેલાવતા સ્ટેટમેન્ટ્સને દિવસમાં અસંખ્ય વખતે રીપીટ કર્યા કરતાં ઇલેક્ટ્રોનિક મીડિયાને, ઓફકોર્સ, આ પ્રગતિશીલ મુસ્લિમ ભાઈઓના પોઝિટિવ ડેમોન્સ્ટ્રેશનમાં ટીઆરપી વધારી શકે એવું કોઈ તત્ત્વ નજરે પડવાનું નથી.



મેઇનસ્ટ્રિમ મીડિયાનો આવો વર્તાવ હજુય સમજીએ એવો છે પણ સોશિયલ મીડિયાએ પણ દિલ્હી-મુંબઈના મુસ્લિમોના દેખાવોના મામલે મૌન ધારણ કરી લીધું. વાતવાતમાં તલવાર ને છરી-ચાકાં લઇને ફેસબુક-ટ્વિટર-વોટ્સએપનાં સમરાંગણમાં ધસી આવતી જનતાને આ ડેવલપમેન્ટમાં કશુંય સેલિબ્રેટ કરવા જેવું ન લાગ્યું ? આનું કારણ સાવ સાદું છે. સોશિયલ મીડિયા પર થતી ધમાલ ન્યૂઝ-ચેનલોની સનસનાટીની ગુલામ છે. ન્યૂૂઝ-ચેનલો હોબાળો મચાવશે તો એનાં પગલે પગલે સોશિયલ મીડિયા પણ છાકટું થશે. રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતી જે ઘટના વિશે ન્યૂઝ-ચેનલો ચૂપ રહેશે તે સામાન્યપણે સોશિયલ મીડિયા પણ પોતાની હાજરી નહીં બતાવી શકે.

છેલ્લાં કેટલાંય અઠવાડિયાં દરમિયાન આપણે ત્યાં કયા શબ્દ સૌથી વધારે ચર્ચાયા ? સહિષ્ણુતા અને સલામતી, રાધર, અસહિષ્ણુતા(ઇન્ટોલરન્સ) અને અસલામતી(ઇન્સિકયોરિટી). આ એેક અનુભૂતિ છે, અહેસાસ છે, પ્રેમની જેમ અથવા ધિક્કારની જેમ. ઘામાંથી વહેતાં લોહી કે શરીર પર પડી ગયેલાં  નિશાનની માફક અસહિષ્ણુતા અને અસલામતીની લાગણીને નજરે જોઈ શકાતી નથી. તેને મીટર-સેન્ટિમીટરમાં માપી શકાતી નથી, વેઇંગ મશીન પર તેનું વજન થઇ શકતું નથી કે થર્મોમીટરમાં એનું ઉષ્ણતામાન નોંધી શકાતું નથી.

અક અભ્યાસ કહે છે કે આપણે દર એક સારા સમાચારની સામે સત્તર ખરાબ સમાચારથી એક્સ્પોઝ થઈએ છીએ. ટીવી ચેનલો અને છાપાંનાં પાનાં પરથી શા માટે નેગેટિવિટી વરસતી રહે છે ? આપણું લોહી બાળી નાખે એવી ઘટનાઓને શા માટે આટલું બધું કવરેજ મળે છે ?

એક મિનિટ, એક મિનિટ. શું બધો વાંક મેઇનસ્ટ્રીમ ટીવી ચેનલો અને છાપાંઓનો જ છે ? દર્શકોનો કે વાંચકોનો કોઇ દોષ નથી ? શું આપણને સારા સમાચાર કરતાં ડિપ્રેસિંગ સમાચાર વધારે આકર્ષે છે તે હકીકત નથી ? શું ડિમાન્ડ અને સપ્લાયનો નિયમ અહીં પણ લાગુ પડતો નથી ? લાકોને જે જોઇએ છે એ જ અમારે તો આપવું પડે એવું મીડિયા તરફથી જ્યારે કહેવામાં આવે ત્યારે શું આ વિધાન સોએ સો ટક ખોટું હોય છે ? કેટલાંય લોકો કહેતાં હોય છે કે અમારે તો પોઝિટિવ ન્યૂઝ જ સાંભળવા કે જોવા હોય છે, પણ એ છે કયાં? કેટલી ખરાઈ છે આ વાતમાં ?

મેકગિલ યુનિવર્સિટી ઓફ કેનેડામાં વચ્ચે અક ઇન્ટરેસ્ટિંગ પ્રયોગ થયો. આઈ-ટ્રેકિંગ એટલે કે વાંચતી વખતે આપણી આંખો કઇ રીતે કમ્પ્યૂટર સ્ક્રીન પર ફરે છે તેનો અભ્યાસ કરવા માટે રિસર્ચરોએ કેટલાક લાકોને લેબોરેટરીમાં આમંત્રણ આપ્યું. ભાગ લેનારાઓને કહેવામાં આવ્યું કે તમે ન્યૂઝ વેબસાઈટ્સ પરથી કોઇ પણ સમાચાર જાતે સિલેક્ટ ક્રીને વાંચો. કયા સમાચાર વાંચો છો તે મહત્ત્વનું નથી, તમે કંઈ પણ વાંચો પણ ન્યૂઝ આઇટમ આખેઆખી વાંચવાની. વાંચતી વખતે તમારી આંખોની મુવમેન્ટ પર કેમેરા ચાંપતી નજર રાખશે. તેના આધારે આંખના સ્નાયુઓ વગેરેનો અભ્યાસ થશે.

વાસ્તવમાં અહીં ચાલાકી કરવામાં આવી હતી. રિસર્ચરો ખરેખર તો એ ચકાસવા માગતા હતા કે પાર્ટિસિપન્ટ્સ ક્યા પ્રકારના સમાચાર વધારે પસંદ કરે છે, પણ આ હકીકત તેમનાથી છુપાવવામાં આવી.  પ્રયોગને અંતે રિસર્ચરોએ જોયું કે લાકોએ ભ્રષ્ટાચાર, વિનાશ, નુકસાની, કંકાસ, જૂઠ વગેરે જેવી નેગેટિવ બાબતોને લગતા ન્યૂઝ વધારે પસંદ ર્ક્યા હતા. પોઝિટિવ સ્ટોરીઝ પર એમનું ઓછું ધ્યાન ગયું હતું. કરન્ટ અફેર્સ અને પોલિટિક્સમાં રસ ધરાવનારાઓને સારા કરતાં ખરાબ સમાચારમાં વધારે રસ પડતો હોય છે. છતાંય એમને જ્યારે પૂછવામાં આવ્યું કે જો તમારે પસંદગી કરવાની હોય તો કયા સમાચાર વધારે વાંચવાનું પસંદ કરો-ગુડ ન્યૂઝ કે બેડ ન્યૂઝ? તો મોટાભાગનાઓએ જવાબ આપ્યો ઃ એ તો ગુડ ન્યૂઝ જ હોયને !

કેમ આમ બન્યું ? ઇવોલ્યુશનરી સાઈકોલોજિસ્ટો અને ન્યુરોસાયન્ટિસ્ટો આના જવાબમાં ઉત્ક્રાંતિની પ્રક્રિયા તરફ આંગળી ચીંધે છે. એમની થિયરી કહે છે કે પ્રાગૈતિહાસિક કાળમાં માણસ ગુફામાં રહેતો અને શિકાર કરીને પોતાનું પેટ ભરતો ત્યારે એણે સતત જંગલી પશુઓથી તેમજ આસપાસના માહોલથી સતર્ક રહેવું પડતંુ. જરાક કયાંક કશુંક અજુગતુ કે ખતરાજનક લાગે કે એ પોતાનો ભાલો હાથમાં લઇને હુમલો કરવા સજ્જ થઇ જતો. અસ્તિત્ત્વ ટકાવી રાખવા માટે આ જરૃરી હતું. નિષ્ણાતો કહે છે કે આજે માણસ સભ્ય બની ગયો છે, ગુફામાંથી ઊંચી ઈમારતોમાં રહેવા જતો રહ્યો  છે, એને હવે ભાલા લઇને ફરવાની  જરુર નથી છતાંય એના દિમાગનું 'વાયરિંગ' હજુય ગુફાયુગ જેવું જ છે. એના બ્રેઈનનું બંધારણ જ એવી રીતે ઘડાયું છે કે તે ખતરાની સંભાવના જોતાં એ તરત એલર્ટ થઇ જાય છે. ખરાબ સમાચાર ભય કે ખતરાનું સૂચન કરે છે. આથી માણસનું મન તરત એને ચેતવે છે કે, સાવધાન થઈ જા, કશુંક કર, કશુંક બદલ કે જેથી તારે આ પરિસ્થિતિમાં મૂકાવું ન પડે !



બીજી થિયરી એવી છે કે લાકો પોઝિટિવ કરતાં નેગેટિવ શબ્દોને વધારે ઝડપથી રિએક્ટ કરે છે. 'સ્મિત', 'આનંદ', 'બાળક' જેવા પોઝિટિવ શબ્દો કરતાં આપણું ધ્યાન 'કેન્સર', 'બોમ્બ', 'યુદ્ધ' જેવા નેગેટિવ શબ્દો તરફ વધારે ખેંચાય છે. ઓર એક થિયરી કહે છે કે ખરાબ સમાચાર વાંચવાથી આપણાં મનને જાણે-અજાણે સાંત્વના મળતી હોય છે કે બહારની દુનિયા ખરાબ છે, પણ આપણી સ્થિતિ તો કેટલી બહેતર છે. બીજા શહેરો કે દેશોમાં બોમ્બધડાકા કે કોમી રમખાણો થાય છે, પણ આપણે ત્યાં શાંતિ છે. બીજાઓની સ્ત્રીઓ પર બળાત્કારો થાય છે પણ આપણી બહેન-દીકરીઓ સલામત છે. આવી લાગણી મનને સારી લાગે છે !

તો? શું અર્થ કાઢવો આ બધાનો ? મીડિયામાં એકધારી નકારાત્મક બાબતો ઊછળ્યા કરે છે તેનો સઘળો દોષ ઉત્ક્રાંતિની પ્રક્રિયાનો છે ? જો એમ જ હોય તો પછી જેમ ચાલે છે તેમજ ચાલવા દેવાનું? પહેલાં ઈંડું ક્ે પહેલી મરઘી જેવો આ ક્લાસિક કેસ છે. લાકોને નેગેટિવ ન્યૂઝમાં વધારે રસ પડતો હોવાથી મીડિયા મોકાણના સમાચાર પર વધારે ફેાકસ કરે છે, કે પછી, મીડિયા આપણને જે કંઇ આપણા માથા પર મારે છે તેવું જ જોવાની આપણને ટેવ પડી ગઇ છે? શું એક સારા સમાચારની સામે સત્તર ખરાબ સમાચારનો રેશિયો બદલાઇ ન શકે? મેઇનસ્ટ્રિમ મીડિયા પોતાની પેટર્ન બદલે કે ન બદલે, કમસે કમ આપણે તો સોશિયલ મીડિયા પર અલગ રીતે વર્તી શકીએને? ફેસબુક-ટ્વિટર-વોટ્સએપ પર પોતાના વિચારો અને ગમા-અણગમા વ્યકત કરવાનો આપણો જે કંટ્રોલ છે તે કયારે કામ આવવાનો ? સોશિયલ મીડિયા પર નેગેટિવિટી પર કાપ મૂકીને પોઝિટિવિટીને વધારે ફેલાવીએ. કમસે કમ, કોશિશ તો કરીએ!

                                                0 0 0  

Wednesday, December 2, 2015

લગ્ન માટે માણસ સાઠ વર્ષે પણ પરિપક્વ બનતો નથી!

ચિત્રલેખા - દિવાળી અંક - નવેમ્બર ૨૦૧૫

કોલમ: વાંચવા જેવું

વિનોદ ભટ્ટનું સેલ્ફ-ડેપ્રિકેટિંગ હ્યુમર (ધરાર પોતાની જાતને ગંભીરતાથી ન લઈને કે ઈવન ઉતારી પાડીને પેદા કરવામાં આવતું હાસ્ય) એમની આત્મકથામાં સોળે કળાએ ખીલ્યું છે.



ત્મકથા કદાચ સૌથી ટ્રિકી યા કઠિન સાહિત્યપ્રકાર છે. એથી જ આત્મકથાનું ઉત્તમ રીતે ખેડાણ થાય ત્યારે ધ્યાનાકર્ષક બન્યા વગર રહી શકતી નથી. આજે જેની વાત કરવાની છે એ વિનોદ ભટ્ટની આત્મકથાના ચાર-ચાર આવૃત્તિઓ થઈ છે એનું કારણ પણ આ જ.

કેટલું નગ્ન થવું? કેટલું ઢાંકવું? આત્મકથાના લેખકની આ સૌથી મોટી દુવિધા છે. એક અંતિમ પર સાક્ષર મણિલાલ નભુભાઈ દ્વિવેદી ઊભા છે. એમની આત્મકથા એટલી બધી સ્ફોટક હતી કે, વિનોદ ભટ્ટ પ્રસ્તાવનામાં કહે છે તેમ, એને તાળાચાવીમાં બંધ રાખવી પડતી. પોતાનાં મૃત્યુ પછી આ લખાણ છાપવાનો અધિકાર મણિલાલે વિશ્ર્વાસુ મિત્ર આનંદશંકર ધ્રુવને સોંપ્યો હતો. આનંદશંકર આ આત્મવૃત્તાંત વાંચીને ખળભળી ગયા હતા. ત્રણ દાયકા સુધી ‘એ’ સર્ટિફિકેટવાળી આત્મકથા એમ જ પડી રહી. આખરે ડો. ધીરુભાઈ ઠાકરે તે પ્રગટ કરી. મિહિર ભૂતાએ મણિલાલની આત્મકથા પરથી ‘જલજલ મરે પતંગ’ નામનું સુંદર નાટક લખ્યું છે. મનોજ શાહે અફલાતૂન મંચન કર્યું હતું. નાટકમાં અસભ્ય અને અશ્ર્લીલ ગણી શકાય એવી એટલી બધી સામગ્રી હતી કે ઓડિયન્સ છળી મરતું.

વિનોદ ભટ્ટ પોતાની આત્મકથા દ્વારા આવી કોઈ પ્રતિક્રિયા જન્માવવા માગતા નથી એટલે વાચકોની સુરુચિનો ભંગ ન થાય એની ખાસ તકેદારી રાખી છે. સગાં-વહાલાંની લાગણીને ઠેસ ન પહોંચે એ માટે પણ જીવનના કેટલાક પ્રસંગો લખવાનું  પ્રયત્નપૂર્વક ટાળ્યું છે. આ સીમારેખાની વચ્ચે રહીને પણ લેખકે જે શેર કર્યું છે એ ઉત્કૃષ્ટ છે. એમનું સેલ્ફ-ડેપ્રિકેટિંગ હ્યુમર (ધરાર પોતાની જાતને ગંભીરતાથી ન લઈને કે ઈવન ઉતારી પાડીને પેદા કરવામાં આવતું હાસ્ય) આ પુસ્તકમાં સોળે કળાએ ખીલ્યું છે.

અલબત્ત, હાસ્યલેખકના જીવનમાં બધું હાસ્યપ્રેરક જ બનતું હોય છે જરુરી થોડું છે? હા, એ ઘટનાપ્રચુર જરુર હોઈ શકે છે. પોતાનાં જીવનની સૌથી અસામાન્ય ઘટમાળ વિશે વિનોદ ભટ્ટે ‘અમે ત્રણ, અમારાં ત્રણ’ પ્રકરણમાં વિગતવાર લખ્યું છે. રમેશ પારેખને જેમ કવિતા માટે ‘સોનલ’ નામ મળી ગયું હતું એમ વિનોદ ભટ્ટને પ્રેમ કરવા માટે જુવાનીમાં ‘નલિની’ નામ જડી ગયું હતું. એમને ફક્ત એવી જ યુવતીના પ્રેમમાં પડવું હતું જેનું નામ નલિની હોય! એક દિવસ જાણે ચમત્કાર થયો હોય તેમ જ્ઞાતિના જમણવારમાં ખરેખર નલિની નામની ક્ધયા સાથે ભેટો થઈ ગયો. કમનસીબે ન પ્રેમ વ્યક્ત કરવાનો મોકો મળ્યો કે ન એવી હિંમત ચાલી. વડીલોએ પસંદ કરેલી કૈલાસ નામની ક્ધયા સાથે પરણી નાખ્યું. કઠણાઈ ત્યારે થઈ જ્યારે લગ્ન પછી નલિની ચારેક વાર મળી ને પાછું કબૂલ્યું પણ ખરું કે હું તમને ચાહું છું!


એક પછી એક ઘટના બનતી ગઈ. હજુ સુધી અપરિણીત રહેલી નલિની સાથે દોસ્તી ગાઢ થતી ગઈ. એકલા લેખકની જ નહીં, કૈલાસની પણ. ત્રણેય સાથે કાંકરિયા ફરવા, નાટકો-ફિલ્મો જોવા ને હોટલમાં જમવા જાય. એક તબક્કે લેખકને લાગ્યું કે નલિની વગર જીવી નહીં શકાય. એમણે પત્નીને વિશ્ર્વાસમાં લીધી, પેટછૂટી વાત કરી અને પૂછ્યું કે, ‘આમની આમ વાત છે, બોલ શું કરીશું? તારી સલાહ શી છે?’ એ ઉમદા સ્ત્રી સહજભાવે બોલી:

‘નો પ્રોબ્લેમ, આપણે ત્રણેય એકબીજાને ચાહીશું ને સાથે રહીશું.’

- અને બસ, આ રીતે રચાયો એમનો પ્રણયત્રિકોણ. બહુ જ વિશિષ્ટ પૂરવાર થયું આ સહજીવન. કૈલાસે કહેલું પાળી બતાવ્યું. લેખક કહે છે તેમ, એ એક અનન્ય અને વિરલ સ્ત્રી હતાં. એમણે હંમેશાં પતિનું સુખ જ જોયું. નલિનીનાં કૂખે અવતરેલાં ત્રણેય સંતાનોને એટલી સરસ રીતે ઉછેર્યાં કે વર્ષો સુધી બાળકોને ખબર જ ન પડી કે એમની સગી મા કોણ છે. ગર્ભવતી તો ખેર કૈલાસ પણ બનેલાંં (‘આ બન્ને પ્રેગનન્ટ સ્ત્રીઓની વચ્ચે હું ચાલતો ત્યારે પુરુષો અદેખાઈથી અને સ્ત્રીઓ અહોભાવથી અમારી સામે તાક્યા કરતા’), પણ દુર્ભાગ્યે બાળક ગર્ભમાં જ મૃત્યુ પામ્યું. લેખક લખે છે:

‘આજે તે (કૈલાસ) નથી, તેનો ફોટો ઘરમાં છે. ક્યારેક આ ત્રણ છોકરાં વચ્ચે કોઈ મુદ્દે સાચ-જૂઠ કરાવવાનું હોય તો કોઈ એમ નથી કહેતું કે ખા, ભગવાનના સમ. એને બદલે કહે છે કે ખા, કૈલાસ-મમ્મીના સમ!’

જીવનનું આવું નાજૂક પ્રકરણ ખોલતી વખતે પણ પોતાનું ટ્રેડમાર્ક હ્યુમર છોડે તો વિનોદ ભટ્ટ શાના? લખે છે:

‘બન્ને સ્ત્રીઓ, એક છાપરા હેઠળ, પતિ સાથે રહેતી હોય એવા કિસ્સામાં સહનશક્તિનો અવોર્ડ ત્રણમાંથી કોને આપવો એ કેટલીક વાર મૂંઝવણભર્યો સવાલ બની જાય... આજે અનુભવે હું તો ૬૦ વર્ષની ઉંમરને પણ લગ્ન માટેની પાકટ વય ગણતો નથી.’

બે સ્ત્રીઓ સાથે ભરપૂર જીવન જીવ્યા બાદ લેખક પ્રામાણિકતાથી કહી દે છે:

‘અત્યારે મારી આંખ સામે ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ ગયું છે. આ ક્ષણે મને લાગે છે કે હું ખુદ મારા જ પ્રેમમાં હતો, કે પછી પ્રેમના પ્રેમમાં હતો, ઓનેસ્ટલી!’

ખૂબ બધી વાતો છે આ પુસ્તકમાં. દાયકાઓ પછી પણ જેની સનસનાટી પૂરેપૂરી શમી નથી એવી વિવાદાસ્પદ લેખમાળા ‘વિનોદની નજરે’ વિશે (આમાં લેખકે જાણીતા સાક્ષરો-કલાકારોના અત્યંત રમૂજી પણ  જે-તે વ્યક્તિને સોલિડ અકળાવી મૂકે એવા એસિડિક ચરિત્રચિત્રણો કરેલાં), ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદ માટેની ચૂંટણીમાં જીત્યા એ વિશે (‘ચૂંટણી હારીશું તો ગાંઘીબાપુની કક્ષામાં મુકાઈશું એવી સમજ સાથે ચૂંટણી લડવાનો સંકલ્પ કર્યો’), કટારલેખન વિશે, જ્યોતીન્દ્ર દવે અને ચન્દ્રવદન મહેતા વિશે, વગેરે.

‘એવા રે અમે એવા...’ મૂળ જન્મભૂમિ-પ્રવાસી, ફૂલછાબ, કચ્છમિત્ર, ગુજરાતમિત્ર, સૌરાષ્ટ્ર સમાચાર અને ગુજરાત ટુડે - આ છ-છ અખબારોની રવિવારની પૂર્તિમાં સાગમટે ધારાવાહિક સ્વરુપે છપાઈ હતી. દિવાળી સુધારી નાખે આ અફલાતૂન પુસ્તક અચુકપણે માણવા જેવું છે.   0 0 0

 એવા રે અમે એવા...
લેખક: વિનોદ ભટ્ટ                                
પ્રકાશક: ગૂર્જર સાહિત્ય ભવન, અમદાવાદ-૧
ફોન: (૦૭૯) ૨૨૧૪૪૬૬૩, ૨૨૧૪૯૬૬૦ 
કિંમત:  ‚. ૧૮૦ /
 પૃષ્ઠ: ૨૦૬

૦ ૦ ૦ ‘’, ‘’

Tuesday, December 1, 2015

ટેક ઓફ : ઈલેકટ્રોનિક મીડિયા, સોશિયલ મીડિયા અને સંયમ

Sandesh - Ardh Saptahik purti - 25 Nov 2015
ટેક ઓફ 

પેરિસ પર થયેલા ટેરરિસ્ટ એટેક પછી લગભગ આપણા સૌના મોબાઈલ પર આ વોટ્સએપ મેસેજ આવી ગયો હતો, જેમાં લખ્યું હતું કે -
'પેરિસ અટેકના કવરેજમાં તમે એકેય વાર ડેડ બોડી કે લોહી જોયું? વિરોધ પક્ષની બયાનબાજી સાંભળી? એક પણ મીડિયા કર્મીને હુમલાના ભોગ બનેલી વ્યકિતના મોઢામાં ધરાર શબ્દો મૂકતા જોયો? ભારતનું મીડિયા નીતિમૂલ્યો અને શિસ્તના પાઠ ભણે તેનો સમય આવી ગયો છે.'
વાત તો સાચી છે. ભારતનું ઈલેકટ્રોનિક મીડિયા હજુ મેચ્યોર થવાના તબક્કામાંથી પૂરેપૂરુ બહાર આવ્યું નથી તે હકીકત છે. ૨૦૦૮માં મુંબઈમાં થયેલો ટેરરિસ્ટ અટેક લાગલગાટ ચાલીસ કલાક ચાલ્યો હતો તે દરમિયાન ન્યુઝ ચેનલો પર હોટલ તાજ, હોટલ ઓબેરોય (ટ્રાઈડન્ટ) વગેરે સ્થળો પર થઈ રહેલી ગતિવિધિઓનું એકધારુ લાઈવ કવરેજ ટેલિકાસ્ટ થઈ રહ્યું હતુ. કબૂલ, જોખમી સ્થળે હાજર રહીને ફરજ બજાવનાર મીડિયા કર્મીઓની પ્રશંશા થવી જોઈએ, પણ તાનમાં આવી ગયેલા અતિ ઉત્સાહી ટીવી જર્નલિસ્ટો તેમજ હરીફો કરતાં આગળ રહેવાની લાહ્યમાં ન્યુઝ ચેનલો આ ઘટનાક્રમ દરમિયાન સંયમ ચુકી ગયાં હતાં. બંધકોને હોટલમાં એકઝેકટલી કઈ જગ્યાએ બંદી બનાવવામાં આવ્યા છે, તેમને છોડાવવા માટે આવેલા કમાન્ડોએ એકઝેકટલી કયાં પોઝિશન લીધી છે, તેમની પાસે કયાં શસ્ત્રોઅસ્ત્રો છે, તેમની શી રણનીતિ છે. આ બધી જ વિગતો કશા જ એડિટિંગ વગર ટીવી પરથી લાઈવ ટેલિકાસ્ટ થતી ગઈ. એ વાત ભુલી જવાઈ કે આ તમામ માહિતીનો હોટલમાં છૂપાયેલા ટેરરિસ્ટો તેમજ તેમને દોરવણી આપી રહેલા દરિયાપારના સાગરીતો ભયંકર દુરુપયોગ કરી શકે છે. ઈલેકટ્રોનિક મીડિયાનું વર્તન એટલી હદે અવિચારી અને અપરિપકવ હતું કે સુપ્રીમ કોર્ટ સુધ્ધાંએ ફટકાર લગાવી પડી હતી.
'આવા (ટેરરિસ્ટ અટેક જેવા અતિ સંવેદનશીલ) સંજોગોમાં જો કોઈ ટીવી ચેનલ અભિવ્યકિતની સ્વતંત્રતા કે ફ્રીડમ ઓફ સ્પીચનું ગાણું ગાતી હોય તો તે તદ્દન ખોટું અને અસ્વીકાર્ય છે,' સુપ્રીમ કોર્ટની બેન્ચે કહેલંુ, 'કોઈ પણ પ્રકારની સ્વતંત્રતાની માફક ફ્રીડમ ઓફ સ્પીચ પર પણ વ્યાજબી બંધનો લાગુ પડે જ છે. જે સ્વતંત્રતા કે અભિવ્યકિતથી અન્ય કોઈ વ્યકિતના જીવ પર ખતરો ઊભો થતો હોય કે દેશની રાષ્ટ્રીય સુરક્ષા જોખમાતી હોય તો તેવી કોઈ પણ ચેષ્ટાનો બચાવ ન થઈ શકે.'
સદભાગ્યે ટીવી ચેનલો મુંબઈના ટેરરિસ્ટ અટેકવાળા પ્રકરણમાંથી પાઠ શીખી ખરી. રાધર, શીખવા પડયા. ગયા જુલાઈમાં પંજાબ સ્થિત ગુરુદાસપુરના એક પોલીસ સ્ટેશનમાં આતંકવાદીઓ ઘૂસી ગયા હતા ત્યારે ન્યુઝ ચેનલો આદત મુજબ ઘાંઘી જરુર થઈ હતી, પણ લાઈવ કવરેજથી દૂર રહી હતી. વારેવારે ન્યુઝ-એન્કરો ઘોષણા કર્યા કરતા હતા કે સ્ક્રિન પર તમે જે દશ્યો જોઈ રહ્યા છો તે લાઈવ નહીં પણ થોડા સમય પહેલાંનાં છે.
ઈલેકટ્રોનિક મીડિયા પર નિયંત્રણ શકય છે, પણ લોકશાહી દેશોમાં સોશિયલ મીડિયાને કાબૂમાં લાવવું અતિ મુશ્કેલ છે. આજે બધાના હાથમાં મોબાઈલ છે અને મોબાઈલમાં વોટ્સએપ-ફેસબુક-ટ્વિટર છે. ગુજરાતનું પાટીદાર આંદોલન હોય કે પેરિસનો આતંકવાદી હુમલો હોય, કોઈ પણ અફવા કે ખોટી માહિતી આગની જેમ ફેલાઈ જાય છે. એફિલ ટાવરની લાઈટ્સ વગરની મુરઝાયેલી કાળી તસવીર ખૂબ વાઈરલ થઈ હતી, જેમાં સાથે લખાણ આવતું કે આતંકવાદી હુમલાની પ્રતિક્રિયા રુપે એફિલ ટાવરને આટલાં વર્ષોમાં પહેલી વાર બુઝાવી નાખવામાં આવ્યો. હકીકત એ છે કે એફિલ ટાવરની લાઈટ્સ કંઈ આ વખતે પહેલી વાર સ્વિચ ઓફ થઈ નહોતી. આ એક રુટિન છે, ટાવરની લાઈટ્સ સમયાંતરે નિયમિતપણે ડિમ કરવામાં આવે છે.

હાથમાં કુરાનનું પુસ્તક લઈને ઊભેલા એક 'ટેરરિસ્ટ'નો ફોટો ખૂબ સરકયુલેટ થયો હતો. પછી ખબર પડી કે એ પેરિસનો આતંકવાદી નથી, બલકે વીરેન્દ્ર જુબ્બલ નામનો કોઈ સીધોસાદો પાઘડીધારી શીખ બંદો છે. એ બાપડાએ હાથમાં આઈપેડ પકડીને અરીસા સામે સેલ્ફી લીધી હતી. કોઈ ટિખળીએ કમ્પ્યુટર પર કરામત કરીને આઈપેડની જગ્યાએ કુરાનનું પુસ્તક ફિટ કરી દીધું ને તસવીર વાઈરલ કરી નાખી. આખરે જુબ્બલની ઓરિજિનલ તસવીર એક સ્પેનિશ અખબારના ફ્રન્ટ પેજ પર છપાઈ પછી હોબાળો જરા શાંત થયો. પોપ ફ્રાન્સિસ અને અમેરિકન પ્રેસિડન્ટશીપ માટેની આગામી ચુંટણીમાં ઝંપલાવનાર સેલિબ્રિટી બિઝનેસમેન ડોનાલ્ડ ટ્રમ્પનાં ટ્વિટ્સ પણ ચર્ચામાં આવ્યાં હતાં. પછી ખબર પડી કે આ બન્ને ટિવટ્સ જૂનાં છે, જાન્યુઆરીમાં 'શાર્લી એબ્દો'નામનાં ફ્રેન્ચ મેગેઝિનના પત્રકારોને આતંકવાદીઓએ હણી નાખ્યા હતા, તે વખતના.
માત્ર નવરા લોકો જ સમજ્યા-વિચાર્યા વગર સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલવતા હોય છે એવું નથી, ધીરગંભીર પ્રકૃતિના લોકોથી પણ અભાનપણે આવી ચેષ્ટા થઈ જતી હોય છે. જેમ કે, ટ્વિટર પર લગભગ ૧ લાખ ૪૦ હજાર જેટલા ફોલોઅર ધરાવતા ઈઆન બ્રીમર નામના પોલિટિકલ સાયન્ટિસ્ટે ભાઈચારો વ્યકત કરવા એકઠા થયેલા હજારો પેરિસવાસીઓની તસવીર શેર કરી હતી. આ તસવીર પણ જુની નીકળી, 'શાર્લી એબ્દો'વાળા ટેરરિસ્ટ અટેક વખતની.
પેરિસના આતંકવાદી હુમલાના બરાબર બે દિવસ પહેલાં એક ભેદી ટ્વિટ જોવા મળી હતી, જેમાં લખ્યંુ હતું: 'પેરિસના આતંકવાદી હુમલામાં કમસે કમ ૧૨૦ લોકોનું મોત અને ૨૭૦ ઘાયલ'. હુમલા પછી પર લગભગ દસ હજાર કરતાં વધારે લોકોએ રિ-ટ્વિટ કર્યું. સવાલ એ હતો કે આવી જડબેસલાક આગાહી કોણે કરી હતી? આનું રહસ્ય પણ પછી ખૂલ્યું. વાસ્તવમાં કોઈએ બે સમાચારોની ખીચડી કરી નાખી હતી. એક સમાચાર હતા, 'શાર્લી એબ્દો'ની ઓફિસ પર જાન્યુઆરીમાં થયેલો હુમલો અને બીજી હેડલાઈન હતી, ગયા વર્ષે નાઈજિરિયાની એક મસ્જિદમાં થયેલા અટેકમાં થયેલા ૧૨૦ માણસોના મોત. બે ને બે બાવીસ કરી નાખવા તે આનું નામ.
લોકો આવું શા માટે કરતા હોય છે? સોશિયલ સાયન્ટિસ્ટોનું કહેવું છે કે જ્યારે પણ આ પ્રકારની કોઈ મોટી ર્દુઘટના બને છે ત્યારે લોકોને એના વિશે વાત કરવાની, જે કંઈ ચર્ચા જોરશોરથી ચાલી રહી છે તેમાં ભાગ લેવાની અને ઓનલાઈન કશુંક શેર કરવાની ચળ ઉપડતી હોય છે. આથી તેઓ સમજ્યાવિચાર્યા વિના કે ક્રોસચેક કર્યા વગર કંઈ પણ ગાંડુંઘેલું સોશિયલ મીડિયા પર તરતું મૂકી દે છે. તનાવયુકત માહોલમાં અમુક લોકોમાં છુપાયેલો 'જાસૂસ' યા તો ખબરી એકાએક જાગૃત થઈ જતો હોય છે. તેઓ ગમે તેમે ટેરરિસ્ટ તરીકે ખપાવી દે છે. ખોટી ઈન્ફર્મેશન બોટલમાંથી બહાર નીકળી ગયેલા જિન જેવી છે. જિનને જેમ પાછો અંદર પૂરવો કઠિન છે તેમ ખોટી ઈન્ફર્મેશન એટલા ભયંકર વેગથી ફેલાઈ જતી હોય છે, કે પછી તેને સુધારવાનું લગભગ અશકય બની જાય છે.
માત્ર ખરાબ વાતો જ નહીં, કયારેક સો-કોલ્ટ 'પોઝિટિવ' પણ અધકચરી માહિતી પણ વેગ પકડી લે છે. ઉદાહરણ તરીકે, ઝોહેર નામના એક મુસ્લિમ સિકયોરિટી ગાર્ડની બહાદૂરીનો કિસ્સો ખૂબ ચગ્યો હતો.
પેરિસના પેલા ૭૯,૦૦૦ માણસોથી છલકાતા સ્ટેડિયમમાં એક ટેરરિસ્ટ ઘૂસવા માગતો હતો, પણ ઝોહેરે એને અટકાવ્યો એટલે નછૂટકે એણે સ્ટેડિયમના ગેટની બહાર વિસ્ફોટ કરવો પડયો. જો આ વિસ્ફોટ સ્ટેડિયમની અંદર થતો હોત તો અનેકગણો વધારે વિનાશ સર્જાયો હોત. આ સમાચાર સૌથી પહેલાં 'ધ વોલસ્ટ્રીટ જર્નલ'માં છપાયો ને પછી વાઈરલ થયો. ઝોહેર નેચરલી હીરો બની ગયો. ખાટલે મોટી ખોડ એ રહી ગઈ કે ખબર જેમ વાઈરલ થતી ગઈ તેમ તેમ લોકો તેમાં યથાશકિત મસાલો ઉમેરતા ગયા. જેમ કે, 'ધ વોલસ્ટ્રીટ જર્નલ'ના ઓરિજિનલ રિપોર્ટમાં ઝોહેર મુસ્લિમ છે એવુંં કયાંય લખાયંુ નથી, કયાંય 'ઈસ્લામ' કે 'ધર્મ' શબ્દનો ઉલ્લેખ સુધ્ધાં નથી. તો પછી ઝોહેર નામના 'મુસ્લિમ' સિકયોરિટી ગાર્ડે મોટું પરાક્રમ કર્યું એવા સમાચાર કેમ વાઈરલ થયા? શા માટે ઘટનાક્રમને કોમી રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો?
અખબારના અહેવાલમાં તો ઝોહેરે પર્સનલી આતંકવાદીને રોકયો હતો એવુંય સ્પષ્ટ થતું નથી. એકઝેકટ વાકય આવું હતું:'સિકયોરિટી ગાર્ડ ઝોહેરે (એ પોતાની અટક જાહેર કરવા માગતો નથી) કહ્યું કે હુમલાખોરે કમર પર વિસ્ફોટકો બાંધેલો બેલ્ટ પહેર્યો હતો.' મતલબ કે ઝોહેર ફકત અખબારના રિપોર્ટરને ઘટનાક્રમનું વર્ણન કહી સંભળાવ્યું હતું. શકય છે કે એ માત્ર સાક્ષી હોય, બની શકે કે આતંકવાદીને રોકનાર બીજો કોઈ સિકયોરિટી ગાર્ડ હોય. આમ છતાં કોઈએ તો ત્યાં સુધી કહી નાખ્યું કે આતંકવાદી સામે લડતા લડતા ઝોહેરનું મોત થયું! કોઈ પણ સિકયોરિટી ગાર્ડ પોતાની ફરજ બખૂબી બજાવે ત્યારે એની પ્રશંસા જ કરવાની હોય,પણ મુદ્દો એ છે કે કોઈ પણ સારી કે ખરાબ ઘટનાને હળવેકથી કોમી વાઘા ચડાવીને એને વળ દીધા કરવાની સોશિયલ મીડિયાની આદત છે.
 અલબત્ત, ફેસબુક-ટ્વિટર-વોટ્સએપનાં ઊજળાં પાસાં પણ છે જ. આપણે સોશિયલ મીડિયાનાં માત્ર સારાં પાસાંને આઈડેન્ટિફાય કરીને તેની હદરેખામાં સક્રિય રહેવાનું છે. ખોટી, અધકચરી કે હાનિકારક માહિતી આપણા દ્વારા અજાણપણે શેર ન થાય તે માટ સતત સતર્ક રહેવાની જવાબદારી આપણી જ છે.
                                                0 0 0 

Saturday, November 28, 2015

મલ્ટિપ્લેક્સ : ઇમ્તિયાઝ આજકલ : માણસ પોતાનું બેસ્ટ વર્ઝન કેવી રીતે બની શકે?

Sandesh - Sanskar Purti - 29 Dec 2015
મલ્ટિપ્લેક્સ 
'સેલ્ફ-ડાઉટ અને લઘુતાગ્રંથિ-આ બેય વસ્તુ આજની તારીખેય મારામાં છે. હું જાણું છું કે હું એક સફળ ડિરેક્ટર છું અને લોકો મારી પ્રશંસા કરે છે પણ મારી અસલામતીનો સંબંધ હું એક વ્યક્તિ તરીકે કેવો છું એની સાથે છે. લોકોને લાગે છે કે હું બહુ ક્રિયેટિવ છું ને જિંદગી વિશે ઊંડી સમજ ધરાવું છું પણ મારી બેવકૂફી અને અપરિપકવતા વિશે હું જ જાણું છું. મારે સતત મારી જાત સાથે યુદ્ધ કરતાં રહેવું પડે છે.'



ફિલ્મને જોયા વગર તેના મેકિંગ વિશે કે તેની ટીમ વિશે પોઝિટિવ સૂરમાં લખવું હંમશાં ખૂબ જોખમી હોય છે, જેનાં ખૂબ ઢોલનગારાં વાગ્યાં હોય અને જેણે ખૂબ અપેક્ષાઓ જન્માવી હોય એવી ફિલ્મ તદ્દન નબળી સાબિત થઈ શકે છે. 'બોમ્બે વેલ્વેટ'થી 'શાનદાર'સુધીના તાજા દાખલા આપણી આંખ સામે છે. આવું બને ત્યારે ભોંઠપની લાગણી જાગે અને થાય કે અરેરે, નાહકનો આવડો મોટો લેખ એક ફાલતુ ફિલ્મ વિશે લખી નાખ્યો. આ લખાઈ રહ્યુંું છે ત્યારે'તમાશા' રિલીઝ થવાને થોડા દિવસની વાર છે પણ આજનો અંક તમારા હાથમાં આવશે ત્યાં સુધીમાં ફિલ્મ રિલીઝ થઈ ચૂકી હશે, તે ઉત્તમ છે, સાધારણ છે, નિરાશાજનક છે કે સાવ બકવાસ છે તે વિશે ચુકાદો આવી ગયો હશે. 'તમાશા' જોઈ નથી એટલે ફિલ્મ વિશે ઝાઝી વાત ન કરીએ પણ એના રાઇટર-ડિરેક્ટર ઇમ્તિયાઝ અલી વિશે ચર્ચા જરૂર કરી શકાય. આ માણસનો ટ્રેકરેકોર્ડ એટલો મસ્ત-મજાનો છે કે આટલું રિસ્ક લેવામાં વાંધો નથી.
'સોચા ન થા'થી 'જબ વી મેટ'થી 'લવ આજકલ'થી 'રોકસ્ટાર'થી 'હાઈવે'... ઇમ્તિયાઝઅલીની ફિલ્મો આપણને શા માટે ગમે છે?પ્રેમનું હોવું, પ્રેમનું ન હોવું, પ્રેમ હોવા અને ન હોવા વચ્ચેની કોઈ સ્થિતિ હોવી, પ્રેમને પુનઃ નવા સ્વરૂપમાં સમજવો, ટૂંકમાં, પ્રેમ અથવા તો રોમેન્ટિક સંબંધના અલગ અલગ શેડ્ઝને ઇમ્તિયાઝઅલી ખૂબસૂરતીથી અને તાજગીભર્યા અંદાજમાં પેશ કરી શકે છે એટલે આપણને એમની ફિલ્મો અપીલ કરે છે. હા, મજાની વાત એ છે કે પ્રેમ વિશેના ઇમ્તિયાઝઅલીના ખુદના વિચારો ચમકાવી દે તેવા છે.
'હું પ્રેમ શબ્દથી જોજનો દૂર રહું છું!' ઇમ્તિયાઝ કહે છે, 'પ્રેમ જેવી કન્ફ્યુઝિંગ વસ્તુ બીજી એકેય નથી. અલગ અલગ લોકો માટે પ્રેમનો અલગ અલગ અર્થ છે, વળી, પ્રેમ વિશેના આપણા ખયાલો પણ બદલાતા રહે છે. તમે આજે જેને પ્રેમ કહેતા હો તેને કાલે પ્રેમ ન ગણો તે બિલકુલ શકય છે. મને મિસકોમ્યુનિકેશન ગમતું નથી, આથી 'પ્રેમ'ને બદલે હું 'અફેક્શન'(કુમાશભરી લાગણી હોવી, ગમવું) જેવા સ્પેસિફિક શબ્દ વાપરવાનું પસંદ કરું છું. શૂટિંગ વખતે હું હીરોને એવું કયારેય નહીં કહું કે આ લાઈન બોલતી વખતે તને 'પ્રેમની ફીલિંગ' થઈ રહી છે. હું એક્ટરને એ રીતે સૂચના આપીશ કે, 'આ ડાયલોગ બોલતી વખતે તને હીરોઈનને ભેટી પડવાની ઇચ્છા થઈ રહી છે' અથવા 'તારા મનમાં આ ક્ષણે હીરોઈનને ચૂમી લેવાની તીવ્ર ઇચ્છા જાગી છે' વગેરે. આ રીતે એક્ટરને સમજવામાં આસાની રહે છે. અરે, હું તો મારી દીકરીને વહાલ કરતી વખતે પણ 'આઈ લવ યુ' કહેતો નથી!'
તો શું લવ અને લસ્ટ(વાસના) વચ્ચે શું ભેદ છે એવો ચાંપલો સવાલ પૂછો તો ઇમ્તિયાઝઅલીનો જવાબ હશે : 'સૌથી પહેલાં તો આવો ભેદ હોવો જોઈએ જ શા માટે? લવ અને લસ્ટ જેવી પ્રોફાઉન્ડ લાગણીઓને શબ્દોમાં કેવી રીતે સમજાવી શકાય?'
ઇમ્તિયાઝ અલી ડિવોર્સી છે. ફિલ્મમેકર તરીકે સફળ થયા પછી તેઓ લગ્નનાં બંધનમાંથી મુક્ત થયા. વચ્ચે એક અખબારને ઇમ્તિયાઝે આપેલો ઇન્ટરવ્યૂએ ઠીક ઠીક વિવાદ પેદા કર્યો હતો. ઇમ્તિયાઝે કહેલું કે લગ્નને કારણે માણસ ખુદના અતિ નબળા વર્ઝન જેવો બની જાય છે.('અતિ નબળા'ની જગ્યાએ ઇમ્તિયાઝે ગાળનો પ્રયોગ કર્યો હતો.) તાજેતરમાં 'તમાશા'નાં પ્રમોશન દરમિયાન 'ફિલ્મ કંપેનિયન' નામની એક મસ્ત-મજાની ફિલ્મી વીડિયો-ચેનલે ઇમ્તિયાઝઅલી અને રણબીર કપૂર વચ્ચે સંવાદ ગોઠવ્યો હતો.(સુપર્બ વીડિયો-ચેનલ છે આ. દરેક સિનેમાપ્રેમીએ યૂ ટયૂબ પર જઈને 'ફિલ્મ કંપેનિયન' ખાસ સબસ્ક્રાઇબ કરવી.) વાતવાતમાં રણબીરે ઇમ્તિયાઝને પેલો ઇન્ટરવ્યૂ યાદ કરાવીને હસીને પૂછે છે : 'તમે પેલું લગ્ન વિશેનું સ્ટેટમેન્ટ શા માટે આપેલું?શું તમે લગ્નવિરોધી છો? નેશન વોન્ટ્સ ટુ નો...' જવાબમાં ઇમ્તિયાઝે જોકે વાત વાળી લીધી હતી.
નાનપણમાં ઇમ્તિયાઝ સાવ સાધારણ હતા. ભયંકર શરમાળ, ભણવામાં ઢ, સ્પોર્ટ્સમમાં ય મીંડું. ભલું થજો થિયેટરનું કે જેને કારણે ઇમ્તિયાઝમાં અભિનય અને ડિરેક્શનની રુચિ પેદા થઈ. 'આકસ્મિકપણે' ફિલ્મલાઈનમાં આવી ગયેલા ઇમ્તિયાઝ અલી આજે ચુમાલીસ વર્ષની વયે પણ નાનપણમાં જે જાતજાતની ગ્રંથિઓ અનુભવતા હતા એમાંથી બહાર આવી શકયા નથી, તેઓ કહે છે, 'કોઈ સામાજિક પ્રસંગ હોય કે પાર્ટી-બાર્ટી હોય ત્યારે લોકો સાથે વાતો કરતાં મને આજેય આવડતું નથી. આવા માહોલમાં મને બહુ જ ઓકવર્ડ ફીલ થવા લાગે છે. સેલ્ફ-ડાઉટ(પોતાની ક્ષમતા વિશે શંકા હોવી) અને લઘુતાગ્રંથિ-આ બેય વસ્તુ આજની તારીખેય મારામાં છે. હું જાણું છું કે હું એક સફળ ડિરેક્ટર છું અને લોકો મારી પ્રશંસા કરે છે પણ મારી અસલામતીનો સંબંધ હું એક વ્યક્તિ તરીકે કેવો છું એની સાથે છે. લોકોને લાગે છે કે હું બહુ ક્રિયેટિવ છું ને જિંદગી વિશે ઊંડી સમજ ધરાવું છું પણ મારી બેવકૂફી અને અપરિપકવતા વિશે હું જ જાણું છું. મારે સતત મારી જાત સાથે યુદ્ધ કરતાં રહેવું પડે છે. અમુક લોકો મને સૂફી કહે છે. મને થાય કે જે ખરેખર સૂફી લોકો છે એમને થતું હશે કે ઇમ્તિયાઝ અલી જેવા નૈતિકતાના મામલે દેવાળું કાઢી ચૂકેલા ખોખલા માણસને તમે સૂફીની પંગતમાં કેવી રીતે બેસાડી શકો ?'

લોકો ઇમ્તિયાઝ અલીની ફિલ્મો પર રોમ-કોમ(રોમેન્ટિક કોમેડી)નો થપ્પો લગાવે છે પણ તેઓ પોતાની ફિલ્મોને લવસ્ટોરીનાં ખાનામાં મૂકતાં નથી. એમના હિસાબે, 'જબ વી મેટ'માં આકસ્મિકપણે ભેગા થઈ ગયેલા અને એકબીજાની પર્સનાલિટી પર પ્રભાવ પાડતાં બે પાત્રોની વાર્તા છે. એન્ડમાં હીરો-હીરોઈન ભેગાં થાય છે કે કેમ યા તો પરણે છે કે નહીં તે વાતનું ખાસ મહત્ત્વનું નથી.'લવ આજકલ', 'રોકસ્ટાર' અને 'હાઈવે'માં કોમ્પ્લીકેટેડ માનવીય સંબંધોની વાર્તા છે.
'જબ વી મેટ'નું કરીના કપૂરનું કિરદાર ઓડિયન્સને વર્ષો સુધી યાદ રહેવાનું છે અને અન્ય ફિલ્મમેકરો માટે મહત્ત્વનો રેફરન્સપોઇન્ટ બની રહેવાનું છે. આ પાત્ર ઇમ્તિયાઝ અલીને કેવી રીતે સૂઝ્યું હતું? દિલ્હીની કોલેજમાં ભણતા હતા ત્યારે એક વાર બસમાં મુસાફરી કરતી વખતે એક અતિ વાચાળ યુવતી એમની બાજુની સીટ પર બેઠી હતી. કશી ઓળખાણ નહીં છતાંય એની નોનસ્ટોપ વાતો અટકવાનું નામ લેતી નહોતી. મનમાં આવે તે બધું જ વગર વિચાર્યે ભરડી નાખતી હતી, જેમ કે, વાતવાતમાં એ બોલી પડી કે, 'છેને તે દિવસે મારે એક મેરેજમાં જવાનું હતું પણ હું ન ગઈ, કેમ કે, મારા પિરિયડ ચાલુ થઈ ગયા હતા. મેં મસ્ત વ્હાઈટ ડ્રેસ કરાવ્યો હતો પણ પિરિયડમાં વ્હાઇટ ડ્રેસ કેવી રીતે પહેરાય? એટલે પછી મેં જવાનું જ માંડી વાળ્યંુ...' છેલ્લે છૂટાં પડતાં પહેલાં એવુંય બોલી ગઈ કે, ઈતના કુછ બોલ રહી હું ઈસકા મતલબ યે નહીં હૈ કિ મેરે બારે મેં આપ કુછ ભી સોચો! આ અતિ વાતોડિયણ છોકરીમાં એક પ્રકારની નિર્દોષતા હતી. વર્ષો પછી 'જબ વી મેટ'માં કરીના કપૂરનું કિરદાર ઘડતી વખતે એ છોકરી મહત્ત્વનો રેફરન્સ સાબિત થઈ.
'મેં 'જબ વી મેટ' લખવાનું શરૂ કર્યું ત્યારે મારા મનમાં વાર્તા જેવું કશું હતું જ નહીં,' ઇમ્તિયાઝ અલી કહે છે, 'હું જસ્ટ જોઈ રહ્યો હતો કે આ જે કંઈ લખાઈ રહૃાું છે એમાંથી વાર્તા જેવું કશું નીપજે છે કે કેમ, એક પ્રસંગ એવો લખાયો કે નાયિકાને છોકરાવાળા જોવા આવ્યા છે. છોકરાનાં મનમાં ગેરસમજ પેદા કરવા માટે નાયિકા હીરોને-કે હજુ પૂરો દોસ્ત પણ બન્યો નથી-એને ભેટી પડે છે અને પૂછે છે : આદિત્ય, કયા વો દેખ રહા હૈ? બસ, આ પ્રસંગ લખાયો ત્યારે પહેલી વાર મને લાગ્યું હતું કે આમાંથી ફિલ્મની સ્ક્રિપ્ટ જેવું કશુંક બનાવી શકાશે ખરુંં!'

જરૂરી નથી કે કોઈ વ્યક્તિ કે ઘટના પરથી જ ફિલ્મ બનાવવાની પ્રેરણા મળે. કયારેક કોઈ વિચાર યા તો અનુભૂતિ ફિલ્મની પ્રક્રિયા ટ્રિગર કરી શકતી હોય છે, જેમ કે, 'રોકસ્ટાર' રિલીઝ થયા પછી ઇમ્તિયાઝ અલી અને રણબીર કપૂર એકવાર મુંબઈની બાંદરાસ્થિત 'ઇન્ડિગો' રેસ્ટોરાંમાં બેઠા બેઠા ગપ્પાં મારી રહ્યા હતા. વાતવાતમાં ઇમ્તિયાઝે કહ્યું કે જો યાર, મારા મનમાં એક વિચાર કયારનો ઘૂમરાયા કરે છે. કદાચ એના પરથી કશુંક બનાવી શકાય. વિચાર એવો છે કે ટ્રેનમાં મુસાફરી દરમિયાન વિન્ડો સીટ પર બેસીને બારીની બહાર જોવાનું આપણને ગમતું હોય છે. બહારનું દૃશ્ય સતત બદલાયા કરતું હોય. બહાર ઝાડ, પહાડ, તળાવ, ખેતર, ખેતરમાં કામ કરતાં લોકો દેખાય. આપણને એમની પાસે પહોંચી જવાનું મન થાય પણ એવું કરી ન શકીએ, કેમ કે, આપણે ટ્રેનના બંધિયાર ડબ્બામાં બેઠા છીએ. બહાર આઝાદી છે, મોકળાશ છે જ્યારે ટ્રેનના ડબ્બામાં શિસ્તમાં રહેવું પડે, કાયદા પ્રમાણે ચાલવું પડે. અહીં એક સિસ્ટમ ગોઠવાયેલી છે, જો આ સિસ્ટમને તોડીને બહાર નીકળીએ તો જ આઝાદીનો અહેસાસ થઈ શકે, બસ, વિચારના આ તણખામાંથી 'તમાશા' ફિલ્મનો જન્મ થયો. શરૂઆતમાં ફિલ્મનું વર્કિંગ ટાઇટલ પણ 'વિન્ડો સીટ' રાખવામાં આવ્યું હતું.
ઇમ્તિયાઝ અલી કહે છે, 'આપણા સૌની એક સેલ્ફ-ઈમેજ હોય છે, જેમાં આપણે ખુદને બહુ જ સ્માર્ટ, હોશિયાર અને સર્વગુણસંપન્ન મનુષ્ય તરીકે જોતાં હોઈએ છીએ. આ એક પાસું થયું. આપણાં વ્યક્તિત્ત્વનું બીજું પાસું પણ છે, જે બહુ બોરિંગ હોય છે. આપણે સતત આ બંને પાસાંને એકબીજામાં ભેળવીને તેમની વચ્ચેનો ફર્ક દૂર કરવાની કોશિશ કરતા હોઈએ છીએ. સાચો, લાગણીથી છલોછલ અને ઈમાનદાર સંંબંધ માણસને એનું બેસ્ટ વર્ઝન બનવામાં મદદ કરે છે. 'તમાશા'માં હું આ જ કહેવા માગું છું.'
શો-ટાઇમ

સબ-ટાઇટલ્સ વગર હું ઇંગ્લિશ ફિલ્મો જોઈ શકતી નથી. થિયેટરમાં ચલાવી લેવું પડે પણ કમ્પ્યૂટર પર કે હોમથિયેટરમાં જો સબ-ટાઇટલ્સ આવતાં ન હોય તો ફિલ્મ જોવાનું જ બંધ કરી દઉં છું.
-વિદ્યા બાલન

Saturday, November 7, 2015

મલ્ટિપ્લેક્સ : મામી આવી... શું શું લાવી?

Sandesh - Sanskaar Purti - 8 Nov 2015
મલ્ટિપ્લેક્સ  
મામી (મુંબઈ એકેડમી ઓફ મુવિંગ ઇમેજિસ) તરીકે ઓળખાતો આ આઠ દિવસીય ફિલ્મોત્સવ હમણાં જ પૂરો થયો. મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે દુનિયાભરમાંથી આવેલી સેંકડો ફિલ્મોમાંથી કઈ કઈ સૌથી ધમાકેદાર સાબિત થઈ? કોણે સૌથી વધારે ધ્યાન ખેંચ્યું?


'એક મિનિટ, સૌથી પહેલાં મને તમારા સૌનો ફોટો પાડી લેવા દો!'
મુંબઈના એક મલ્ટિપ્લેકસમાં 'અજનિશ્કા' નામની પોલિશ-જર્મન ફિલ્મ શરૂ થાય તે પહેલાં સ્ક્રીનની સાવ પાસે હાથમાં માઇક લઈને ઊભેલો તોમાઝ રૂડઝિક નામનો ડિરેક્ટર હકડેઠઠ ભરાયેલાં ઓડિયન્સને કહે છે. શરૂઆતમાં સૌને એમ કે આ દાઢીધારી ઉત્સાહી ડિરેક્ટર ટીખળ કરી રહ્યા હશે પણ એણે ખરેખર માઇક બાજુમાં મૂકીને પોતાના મોબાઇલથી પ્રેક્ષકોનો રીતસર ફોટો પાડી લીધો. પછી હસીને કહ્યું, 'આ તસવીર એ વાતની સાબિતી છે કે મારી ફિલ્મ જોવા સાચે જ આટલાં બધાં લોકો આવ્યાં હતાં!'
વાત મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલની છે. મામી(મુંબઈ એકેડમી ઓફ મુવિંગ ઇમેજિસ) તરીકે ઓળખાતો આ આઠ દિવસીય ફિલ્મોત્સવ હમણાં જ પૂરો થયો, જસ્ટ ગુરુવારે. કેટલીય ફિલ્મોનાં સ્ક્રીનિંગ વખતે શો શરૂ થતાં પહેલાં ઓડિટોરિયમના ગેટની બહાર રાક્ષસી એનાકોન્ડા જેવી લાઈનો લાગતી હતી. ઉત્સાહી ફિલ્મરસિયાઓ લાઈનોમાં દોઢ-દોઢ કલાક ઊભા રહીને તપ કરતા હતા. ફિલ્મ ફેસ્ટિવલ્સમાં જોકે આવાં દૃશ્યો કોમન છે. અચ્છા, મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે દુનિયાભરમાંથી આવેલી સેંકડો ફિલ્મોમાંથી કઈ કઈ સૌથી ધમાકેદાર સાબિત થઈ? કોણે સૌથી વધારે ધ્યાન ખેંચ્યું? એવું તે શું હતું એ ફિલ્મોમાં? જોઈએ.
લેખના પ્રારંભમાં જેનો ઉલ્લેખ કર્યો એ 'અજનિશ્કા' મોસ્ટ હેપનિંગ ફિલ્મોમાંની એક ભલે નહોતી પણ ધ્યાન ખેંચે એવી જરૂર હતી. જેલવાસ પૂરો કરીને બહાર આવેલી અજનિશ્કા નામની માથાભારે નાયિકાને ઘરમાં કોઈ સંઘરે એમ નથી, આથી કામની તલાશમાં એ બીજા શહેરમાં પહોંચી જાય છે. અહીં એને કઈ જોબ મળે છે? બોલ-બસ્ટિંગની. બોલ-બસ્ટિંગ એટલે? પુરુષોના બે પગની વચ્ચે નિશાન લઈને ગોઠણથી ઈજા પહોંચાડવી! આને વિકૃતિ ગણો કે ગમે તે ગણો પણ અમુક પુરુષોને ગુપ્તાંગ પર પ્રહાર થાય ત્યારે જોરદાર કામોત્તેજના થતી હોય છે. મજાની વાત એ છે કે ક્લાયન્ટને એક્સાઇટ કર્યા પછી નાયિકાએ એની સાથે સેક્સ માણવાનું નથી. અરે, કપડાં પણ ઉતારવાનાં નથી. પુરુષને ધીબેડવાના, પૈસા લેવાના અને ચુપચાપ ગુડબાય કહીને જતા રહેવાનું. આ ફિલ્મ સત્યઘટના પર આધારિત છે. ડિરેક્ટરને આવી એક યુવતીનો ભેટો એક લિફ્ટમાં થઈ ગયો હતો. ધીમે ધીમે દોસ્તી થઈ અને પેલીએ પોતાની દાસ્તાન શેર કરી. ફિલ્મમાં યુવતીની બોસ બનતી મહિલા પોતાના આધેડ વયના દીકરાને હડય હડય કરે છે. મહિલાનાં મોઢે એક સરસ ડાયલોગ બોલાવવામાં આવ્યો છે : યુ હેવ ટુ અર્ન યોર મધર. માનો પ્રેમ એમ જ ન મળે, તે માટે કાબેલિયત કેળવવી પડે!
'Taxi'
ફિલ્મ ફેસ્ટિવલની મજા જ એ છે કે અહીં તમને વિષયોનું અપાર વૈવિધ્ય જોવા મળે. ફિલ્મરસિયાને આ વખતે કદાચ સૌથી વધારે તાલાવેલી 'ટેક્સી' નામની ઈરાનિયન ફિલ્મ જોવાની હતી. ઓલરેડી એકાધિ એવોર્ડ્ઝ જીતી ચૂકેલી આ ફિલ્મ પર ઈરાન પર પ્રતિબંધ મુકાયો છે. ફિલ્મ બનાવનાર જાફર પનાહીનું નામ ઈરાનિયન ન્યૂ વેવ સિનેમાનું બહુ મોટું છે પણ ઈરાનની સરકાર માટે એ માથાના દુઃખાવા સમાન છે. સરકારનું કહેવું છે કે આ માણસ ધરાર ઈરાનની છાપ દુનિયામાં ખરાબ પડે એવી ફિલ્મો બનાવે છે. જાફરની કેટલીય ફિલ્મોને બેન કરવામાં આવી છે. કેટલીય વાર એમને પોલીસ પકડી ગઈ છે. ૨૦૧૦માં સરકારે એમને છ વર્ષ માટે જેલમાં પૂરી દીધા, વીસ વર્ષ માટે કોઈ પણ ફિલ્મ લખવા કે શૂટ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો. જેલમાંથી બહાર આવ્યા પછી પણ વિદેશ જવાની મનાઈ પણ જાફર પનાહી જેનું નામ. પેરોલ પર જેલની બહાર આવ્યા તે દરમિયાન દસ દિવસમાં સાદા વીડિયા કેમેરા અને આઈફોન પર ગુપચુપ એક ફિલ્મ શૂટ કરી નાખી, તેને એડિટ કરી, પેન-ડ્રાઇવમાં ડાઉનલોડ કરી, પેન-ડ્રાઇવને કેકમાં છુપાવી દીધી, પછી રીતસર સ્મગલિંગ કરીને પેન-ડ્રાઇવને ૨૦૧૧ના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં મોકલી આપી! ફેસ્ટિવલમાં જાહેર કરવામાં આવ્યું કે આ વખતે એક સરપ્રાઇઝ એન્ટ્રી છે. જાફરની ફિલ્મનું સ્ક્રીનિંગ થયું, જેનું ટાઇટલ હતું 'ધિસ ઈઝ નોટ અ ફિલ્મ'! પ્રેક્ષકો ફિલ્મ કઈ રીતે બની છે એની કહાણી સાંભળીને રોમાચિંત થઈ ગયાં. ૨૦૧૨માં ઓસ્કરની બેસ્ટ ડોકયુમેન્ટરી ફીચર સેક્શનમાં આ ફિલ્મ નોમિનેટ સુદ્ધાં થઈ.
'ટેક્સી' ફિલ્મ પણ જાફરે આ જ રીતે બનાવી છે. તેઓ તહેરાન શહેરમાં ટેક્સીડ્રાઇવર બનીને ફરતા રહ્યા અને અંદર કેમેરા જડીને શૂટ કરતા રહ્યા. આ પ્રતિબંધિત ફિલ્મ જોવા માટે મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે રસિયાઓએ પડાપડી કરી મૂકી હોય તો એમાં નવાઈ પામવા જેવું ખરું? ફિલ્મમાં તહેરાનનાં શહેરી જીવનની ઝલક ડોકયુમેન્ટરી શૈલીમાં ઝડપવામાં આવી છે.
'The Second Mother'
'ધ સેકન્ડ મધર' નામની પોર્ટુગીઝ ભાષામાં બનેલી બ્રાઝિલિયન ફિલ્મમાં એક ગરીબ મા અને એની તુંડમિજાજી દીકરીની વાત છે. ગરીબ બાઈ બિચારી સાઓ પાઉલો શહેરના એક પૈસાદાર પરિવારમાં ફુલટલઇમ કામવાળી તરીકે પેટિયું રળે છે. એની દીકરી પિયરમાં ઊછરી રહી છે. દસ વર્ષથી દીકરીને જોઈ સુદ્ધાં નથી. એક દિવસ એકાએક દીકરીનો ફોન આવે છે : મારે સાઓ પાઉલો યુનિવર્સિટીમાં થોડું કામ છે, હું તારી પાસે આવી રહી છું. જુવાન થઈ ગયેલી રૂપકડી દીકરીને જોઈને માના હરખનો પાર રહેતો નથી. સદ્ભાગ્યે પોતાનાં ટચૂકડા ર્ક્વાટરમાં દીકરીને થોડા દિવસ માટે સાથે રાખવાની પરવાનગી શેઠ તરફથી મળી ગઈ છે. તકલીફની શરૂઆત ત્યારે થાય છે જ્યારે દીકરી ઘરમાં આવીને મોંઘેરા મહેમાન જેવો એટિટયૂડ દેખાડવા લાગે છે. પોતે નોકરાણીની દીકરી છે એ હકીકત એને વારંવાર યાદ કરાવવી પડે છે. મા-દીકરી વચ્ચે ચકમક ઝરવી સ્વાભાવિક છે. ગરીબ-પૈસાદાર વચ્ચેના વર્ગભેદની વાત કરતી આ એવોર્ડવિનિંગ ફિલ્મને ઓલરેડી આગામી ઓસ્કરની બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ કેટેગરી માટે બ્રાઝિલિયન એન્ટ્રી તરીકે પસંદ કરી લેવામાં આવી છે. 
'રૂમ' નામની અંગ્રેજી ફિલ્મમાં પણ મા અને સંતાનની વાત છે પણ જુદા ફ્લેવરની. એક સ્ત્રીને ભોળવીને, કિડનેપ કરીને એક ઓરડામાં પૂરી દેવામાં આવે છે. એ એકલી નથી, સાથે પાંચ વર્ષનો દીકરો પણ છે. ઓરડો કિડનેપરના ઘરના બગીચામાં જ ઊભો કરવામાં આવ્યો છે. સાત-સાત વર્ષ પછી મા-દીકરો બંધ કમરામાંથી નાસી છૂટવામાં સફળ થાય છે. છોકરો એકાએક બહારની દુનિયાના સંપર્કમાં આવે છે. એના માટે બધું નવું છે, જુદું છે. ફકત એક જ ચહેરો, એક જ સ્પર્શ, એક જ અવાજથી એ પરિચિત છે અને એ છે એની મા!

Enthusiastic audience quieng for a film at MAMI 2015

'ધ બિગર સ્પ્લેશ'ના હીરો અને હીરોઈન બંને ઓસ્કરવિનર છે-રાલ્ફ ફિનેસ અને ટિલ્ડા સ્વિન્ટન. ટિલ્ડા સેલિબ્રિટી રોકસ્ટાર બની છે,રાલ્ફ એનો ભૂતપૂર્વ પ્રેમી. ટિલ્ડાનો નવો પાર્ટનર મેથિઆસ સ્કોેએનેરેટ્સ ડોકયુમેન્ટરી ફિલ્મો બનાવે છે.બંનેની લવલાઇફ એકદમ સેટ છે ત્યાં ઓચિંતા એક દિવસ રાલ્ફ એમને ત્યાં ટપકે છે. એ એકલો નથી, સાથે જુવાનજોધ દીકરી પણ છે. દીકરીનો રોલ 'ફિફ્ટી શેડ્ઝ ઓફ ગ્રે'ની હીરોઈન તરીકે વર્લ્ડફેમસ બની ગયેલી ડાકોટા જ્હોન્સને ભજવ્યો છે. જબરજસ્ત ચુંબકીય સ્ક્રીન પ્રેઝન્સ છે એની, 'ધ બેઝિક ઇન્સટિંક્ટ'ની હીરોઈન શેરોન સ્ટોનની યાદ અપાવી દે તેવી. ચારેયના આડા-ઊભા-ત્રાંસા સંબંધોનો અંજામ બહુ બૂરો આવે છે. ફિલ્મમાં નગ્નતા ઠાંસીઠાંસીને ભરી છે. ચારેય કલાકારોએ બેધડકપણે ફ્રન્ટલ ન્યૂડિટીવાળાં દૃશ્યો આપ્યાં છે. એમાંય રાલ્ફ ફિનેસ જેવો સિનિયર ઓસ્કરવિનર એક્ટર જે રીતે એક કરતાં વધારે દૃશ્યોમાં નાગડોપૂગડો દોડાદોડી કરે છે તે જોઈને ખરેખર નવાઈ લાગે. 
'બ્લૂ' ટાઇટલધારી ફિલ્મમાં એક એવા એઇડ્ઝગ્રસ્ત કલાકારના અંતિમ દિવસોની વાત છે જેની આંખોની રોશની ધીમે ધીમે ઓછી થઈ રહી છે. 'ધ ક્લબ' નામની ચિલીની એવોર્ડવિનર ફિલ્મમાં ચાર રિટાયર્ડ પાદરીઓની વાત છે. કોઈ નિર્જન સ્થળે ચારેય પાદરીઓ કેરટેકર મહિલા સાથે એક ઘરમાં રહે છે. સૌ પોતે જીવનમાં આચરેલાં પાપોની કબૂલાત કરવાના મૂડમાં છે. કોઈનું સંતાન છીનવી લેવાથી માંડીને બાળકને સેક્સ્યુઅલી અબ્યુઝ કરવા સુધીના ગુનાનો સ્વીકાર આ પાદરીઓ કરે છે. ખાસ્સી બોલ્ડ ફિલ્મ છે આ. આ પણ ઓસ્કરની બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ કેટેગરી માટે ચિલીની ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદ થઈ છે.
કેટકટેલી ને કેવી કેવી ફિલ્મો. કોની વાત કરવી ને કોની ન કરવી. 'એનોમેલિસા', 'ધીપન', 'લોબ્સ્ટર', 'યૂથ', 'વર્જિન માઉન્ટન', 'સ્વોર્ન વર્જિન'... ફિલ્મફેસ્ટિવલમાં તમે રોજની ચારચાર-પાંચપાંચ ફિલ્મો જોતા હો ત્યારે બધેબધી હાઈક્લાસ જ નીકળે એવું બિલકુલ જરૂરી હોતું નથી. કેટલીય ફિલ્મો ભયંકર બોરિંગ સાબિત થઈ હોય છે, જેમ કે, 'કાઈલી બ્લૂઝ' નામની ચીની ફિલ્મ વિશે વખાણ સાંભળ્યાં હતાં પણ આ ફિલ્મ અડધેથી પડતી મૂકવી પડે એટલી હદે ત્રાસજનક નીકળી. આપણને થાય આવી રેઢિયાળ ફિલ્મને કઈ વાતનો એવોર્ડ મળ્યો હશે? ખેર, સિનેમા એક સબ્જેકિટવ વિષય છે, આમાં તુંડેતુંડે મતિર્ભિન્ના જેવું છે. 
'Haramkhor'

થોડી ભારતીય ફિલ્મોની વાત કરી લઈએ. હંસલ મહેતાની 'અલીગઢ' ફિલ્મમાં મનોજ બાજપાઈનું પર્ફોર્મન્સ યાદગાર સાબિત થવાનું છે એમાં કોઈ શંકા નથી. મનોજ આમાં એક પ્રોફેસર બન્યા છે, જેને નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યો છે. શા માટે? એ હોમોસેક્સ્યુઅલ છે એ વાત બહાર આવી ગઈ એટલે. ફિલ્મમાં રાજકુમાર યાદવે પ્રોફેસરની કહાણી દુનિયા સામે લાવનાર રિપોર્ટરનો રોલ કર્યો છે. શ્લોક શર્માની 'હરામખોર' ફિલ્મના પ્રત્યેક સ્ક્રીનિંગ વખતે એટલી ભયંકર લાંબી લાઈનો લાગતી હતી કે ન પૂછો વાત. આ ફિલ્મે ક્બરજસ્ત ઉત્કંઠા જગાવી છે, એનું કારણ છે એનો હીરો, નવાઝુદ્દીન સિદ્દીકી. માત્ર સોળ જ દિવસમાં શૂટ થઈ ગયેલી 'હરામખોર'નું પશ્ચાદ્ભૂ ગુજરાતનું છે. નવાઝ સ્કૂલટીચર બન્યો છે, જેને પોતાની પંદર વર્ષની નાબાલિગ સ્ટુડન્ટ સાથે ઈશ્ક થઈ જાય છે. સ્ટુડન્ટનો રોલ શ્વેતા ત્રિપાઠીએ કર્યો છે. શ્વેતા એટલે 'મસાન'માં બ્રિલિયન્ટ પર્ફોર્મન્સ આપનારી પેલી ચુલબુલી ન્યૂકમર. નવાઝુદ્દીનને 'હરામખોર' માટે અન્ય ફિલ્મફેસ્ટિવલોમાં એકાધિક બેસ્ટ એક્ટરોના એવોર્ડ્ઝ મળી ચૂકયા છે. આ ફિલ્મે નવાઝમિંયાના ઝળહળતા બાયોડેટાને ઔર તેજસ્વી બનાવી દીધો છે. 'સંસારા' ફેમ કાઠિયાવાડી ફિલ્મમેકર પેન નલિનની લેટેસ્ટ ફિલ્મ 'એન્ગ્રી ઇન્ડિયન ગોડેસીસ'નું સ્ક્રીનિંગ પણ મુંબઈ ફિલ્મફેસ્ટિવલમાં થયું. આ એક 'ચિક ફ્લિક' છે. એમાં સાત યુવતીઓની વાત છે. ફિલ્મને મિકસ્ડ રિસ્પોન્સ મળ્યો છે. ઓડિયન્સને પેન નલિન પાસેથી ઘણી ઊંચી અપેક્ષાઓ હતી.
અહીં ઉલ્લેખ પામેલાં નામોમાંથી કેટલીક ફિલ્મો આવતું આખું વર્ષ ન્યૂઝમાં ચમકતી રહેવાની છે એ તો નક્કી.
શો-સ્ટોપર

'શાનદાર'નો તો તમાશો થઈ ગયો, હવે 'તમાશા' શાનદાર સાબિત થવી જોઈએ!
0 0 0