Sandesh - Sanskar Purti - 19 Oct 2014
મલ્ટિપ્લેક્સ
મામી એટલે મુંબઈ એકેડેમી ઓફ ધ મૂવિંગ ઇમેજીસ. મામી દ્વારા યોજાતો મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ ૧૪ ઓક્ટોબરે શરૂ થયો છે. ૨૧ તારીખે મંગળવારે તેના પર પૂર્ણવિરામ મુકાશે. સાચું પૂછો તો ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવાઈ રહેલી સેંકડો ફિલ્મોમાંથી પાંચ-છ અલગ તારવવી અત્યંત કપરું હોય છે. છતાંય જેના વિશે રસિકજનોમાં સૌથી વધારે કુતૂહલ જોવા મળ્યું છે એવી ફિલ્મોની ટૂંકી ઝલક આ રહી.
મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલનું ઓપનિંગ થયું 'સેરેના' નામની ફિલ્મથી. આમાં 'સિલ્વર લાઈનિંગ્સ પ્લેબુક'ની સુપરહિટ અને એવોર્ડ વિનિંગ જોડી બ્રેડલી કૂપર તેમજ જેનિફર લોરેન્સ ફરી એક વાર સાથે ચમકી છે. બે વર્ષ પહેલાં મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં 'સિલ્વર લાઈનિંગ્સ પ્લેબુક'નું (જેમાં અનુપમ ખેરનો પણ ટચુકડો રોલ છે) પણ સ્ક્રીનિંગ થયું હતું. 'સેરેના' આ જ ટાઇટલ ધરાવતી નવલકથા પર આધારિત છે. મૂળ 'બ્લેક સ્વાન'વાળા ડેરેન અરોનોફ્સ્કી આ ફિલ્મ ડિરેક્ટ કરવાના હતા, એન્જેલિના જોલી ટાઇટલ રોલ કરવાની હતી, પણ પછી સેટઅપ બદલાયો. ડેરેનની જગ્યાએ સુઝેન બાયર ગોઠવાઈ ગયાં અને એન્જેલિનાને લોરેન્સે રિપ્લેસ કરી. લોરેન્સે ડિરેક્ટરને હીરોના રોલ માટે બ્રેડલી કૂપરની ભલામણ કરી. આ જોડી ઓલરેડી વખણાઈ ચૂકી હતી અને બન્ને વચ્ચે સારું ટયુનિંગ પણ હતું તેથી બ્રેડલી હીરો તરીકે લેવામાં આવ્યા.
અમેરિકામાં ૧૯૩૦-૪૦નાં વર્ષોમાં ભયંકર મંદી આવી હતી તે સમયની આમાં વાત છે. સ્ટોરી એવી છે કે નવા નવા પરણેલા હીરોનો ટિમ્બરનો બિઝનેસ મંદીને લીધે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. અધૂરામાં પૂરું એને ખબર પડે છે કે પત્ની સેરેના મા બની શકે તેમ નથી. એમની જિંદગી ઔર ગૂંચવાય છે.
મામીમાં આ વખતે ઝેવિયર ડોલનની ફિલ્મ પણ રસિયાઓને માણવા મળી. ઝેવિયર ડોલન ઝપાટાભેર ઉપસી રહેલું એક તેજસ્વી નામ છે. આ કેનેડિયન જુવાનિયાની 'મોમી' (એટલે કે મમ્મી) નામની ફિલ્મે છેલ્લા કાન ફિલ્મ ફેસ્ટિવલના કોમ્પિટિશન સેક્શનમાં જ્યૂરી પ્રાઈઝ જીતી લઈને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેનું કારણ એ હતું કે ઝેવિયરની ઉંમર માત્ર પચ્ચીસ વર્ષ છે. કાન ફિલ્મ ફેસ્ટિવલના ઇતિહાસમાં આટલી નાની ઉંમરના કોઈ ફિલ્મમેકરે કોમ્પિટિશન રાઉન્ડ જીત્યો નથી. અગાઉ સ્ટીવન સોડનબર્ગે ૧૯૮૯માં 'સેક્સ, લાઇઝ એન્ડ વીડિયોટેપ' માટે આ એવોર્ડ જીત્યો હતો અને તે વખતે એમની ઉંમર ૨૬ વર્ષ હતી. 'મોમી'ઝેવિયરની પાંચમી ફિલ્મ છે. છેલ્લા ઓસ્કર સમારોહમાં પણ બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ કેટેગરીમાં કેેનેડા તરફથી 'મોમી'ને મોકલવામાં આવી હતી.
શું છે આ ફિલ્મમાં? આપણે ત્યાં સંતાનો જિંદગીભર માબાપ સાથે રહેતાં હોય છે, પણ પશ્ચિમમાં છોકરો કે છોકરી સમજણાં થતાંની સાથે અલગ રહેવા લાગે તે રૂટિન બાબત છે. કેનેડામાં કાયદો છે કે સંતાન જો ઈમોશનલી ડિસ્ટર્બ્ડ હોય તો માબાપે એને પોતાની સાથે રાખવું પડે યા તો એને ડિટેન્શન સેન્ટરમાં ભરતી કરી દેવું પડે. ડાયેના નામની મધ્યવયસ્ક વિધવાને એક માથાભારે ટીનેજ દીકરો છે. એને એટેન્શન ડેફિસિટ હાઈપર એક્ટિવિટી ડિસઓર્ડર નામની માનસિક બીમારી છે. ભયંકર વાયોલન્ટ થઈ જાય છે અને ભૂંડાબોલી ગાળો બોલવા લાગે છે. મા-દીકરા માટે એકબીજાની સાથે રહેવું બહુ અઘરું છે. એમની એક પાડોશણ છે, જેનો પતિ આકરા સ્વભાવનો છે. આ સ્ત્રી ભેદી છે, પણ એને લીધે મા-દીકરાના સંબંધમાં થોડી સમજણ ઉમેરાય છે. 'હૈદર'ની માફક અહીં પણ મા-દીકરા વચ્ચે શારીરિક આકર્ષણનો હળવો અંડરકરન્ટ છે, પણ ડિરેક્ટરે આ પાસું અધ્યાહાર રાખ્યું છે. ખૂબ પાવરફુલ અને આશ્ચર્ય થાય એટલી હદે મેચ્યોર ફિલ્મ છે આ. ઝેવિયરની સૌથી પહેલી ફિલ્મનું ટાઈટલ હતું 'આઈ કિલ્ડ માય મધર'. તે ફિલ્મ અને 'મોમી' બન્નેમાં એન ડોરવલ નામની અભિનેત્રીએ મુખ્ય કિરદાર નિભાવ્યું છે.
હોલિવૂડમાં વોર ફિલ્મ્સ એક લોકપ્રિય પ્રકાર છે. આ વખતે મામીમાં 'ફ્યુરી' નામની વોર-ફિલ્મનું સ્ક્રીનિંગ થઈ રહ્યું છે. ડેવિડ એયેરે ડિરેક્ટ કરેલી આ ફિલ્મનો હીરો સુપરસ્ટાર બ્રેડ પિટ છે. એ અમેરિકન આર્મીનો સાર્જન્ટ બન્યો છે. બીજા વિશ્વયુદ્ધના અંતિમ દિવસોની વાત છે. તોપગોળા ફેંકતી ફ્યુરી નામની એક ટેન્કનો બ્રેડ ઇન્ચાર્જ છે. એની સાથે બીજા ચાર જવાનો છે. વિરોધી છાવણીમાં નાઝી સૈનિકોની સંખ્યા પણ વધારે છે ને એમની પાસે દારૂગોળો પણ ઘણો વધારે છે, છતાંય પૂરી બહાદુરીથી બે્રેડ અને એની ટુકડી દુશ્મનોનો સામનો કરે છે.
એક ફિલ્મ છે, 'મિસ્ટર ટર્નર'. આ એક ઓટોબાયોગ્રાફિકલ ફિલ્મ છે. ઈંગ્લેન્ડમાં ગઈ સદીમાં જે.એમ.ડબલ્યુ. ટર્નર નામનો એક વિખ્યાત પેઇન્ટર થઈ ગયો. જબરદસ્ત પ્રતિભાશાળી, ધૂની, તરંગી. હાઉસકીપર હાનાને ટર્નર માટે ખૂબ પ્રેમ છે. જોકે ટર્નર ફક્ત એનો શારીરિક ઉપભોગ કરે છે. એ પ્રવાસો કરે, અંતરિયાળ વિસ્તારોમાં શાનથી રહે, વેશ્યાઓ પાસે જાય, કુદરતના અસલી રંગ નરી આંખે જોવા જાતજાતનાં જોખમ ઉઠાવે, દરિયાકાંઠે રહેતી એક સ્ત્રી સાથે ટર્નરનો સંબંધ બંધાય છે અને આખરે એના ઘરમાં જ એનું મોત થાય છે. 'મિસ્ટર ટર્નર' ફિલ્મમાં ટાઇટલ રોલ ટિપોથી સ્પેલ નામના એક્ટરે ભજવ્યો છે. તે માટે એને ગયા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળેલો. આ ફિલ્મની સિનેેમેટોગ્રાફી પણ ખૂબ વખણાઈ છે.
મામીમાં આ વખતે ઔર એક ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ છે 'ટુ ડેઝ, વન નાઈટ'. આ બેલ્જિયન ફિલ્મમાં સેન્ડ્રા નામની એક સ્ત્રીની વાત છે. એ સોલર પેનલ બનાવતી ફેક્ટરીમાં કામ કરે છે. એક વાર નર્વસ બ્રેકડાઉનનો ભોગ બનતાં એણે થોડા દિવસો માટે રજા પર ઊતરી જવું પડે છે. એની ગેરહાજરીમાં કંપનીનું મેનેજમેન્ટ અન્ય કારીગરોને લાલચ આપે છેઃ જુઓ, સેન્ડ્રાની ગેરહાજરીને સરભર કરવા માટે તમે લોકો થોડો-થોડો એકસ્ટ્રા ટાઇમ આપો. જો તમે પુરવાર કરી દેશો કે સાન્ડ્રાને ફેક્ટરીમાંથી કાઢી મૂકવામાં આવે તોપણ પ્રોડક્શન પર કશો ફર્ક પડતો નથી, તો મેનેજમેન્ટ સેન્ડ્રાને પાણીચંુ પકડાવશે અને તમને તગડું બોનસ આપશે.
તબિયત ઠીક થતાં સેન્ડ્રા પાછી કામે ચડે છે. એને ખબર પડે છે કે એની નોકરી જોખમમાં છે. એની સાથે કામ કરતા સોળ કારીગરોના આધારે મેનેજમેન્ટ નિર્ણય લેવાનું છે. સેન્ડ્રા માટે નોકરી બહુ જરૂરી છે. તેના હાથમાં એક વીકએન્ડ જ છે. બે દિવસ અને એક રાત દરમિયાન એણે સોળેસોળ કારીગરોને પર્સનલી મળીને કન્વિન્સ કરવાનાં છે કે તમે લોકો પ્લીઝ મેનેજમેન્ટની લાલચમાં ન આવતા. બહુ મોટો પડકાર છે આ. સાથી કારીગરો શું કામ પગારવધારો અને બોનસ જતું કરે? સેન્ડ્રાના હસબન્ડનો એને સતત ટેકો છે. સેન્ડ્રા જે રીતે સૌના ગળે વાત ઉતારે છે એ જ ફિલ્મનો મુખ્ય વિષય છે.
ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં મહાન ફિલ્મમેક્રો માટે અલાયદો વિભાગ રખાતો હોય છે, એમની યાદગાર ફિલ્મોનું સ્ક્રીનિંગ કરવામાં આવતું હોય છે. આ વખતે તો મહાન ફ્રેન્ચ ફિલ્મમેકર જ્યોં લક ગોદાર્દની બ્રાન્ડ-ન્યૂ ફિલ્મ જોવાનો લાભ રસિયાઓ ઉઠાવી રહ્યા છે. ન્યૂ વેવ સિનેમા શબ્દપ્રયોગ હવે બહુ જાણીતો થઈ ગયો છે. ગોદાર્દ આ ન્યૂ વેવ સિનેમાના પિતામહ. ન્યૂ વેવ સિનેમા એટલે સાદી ભાષામાં ઓફ બીટ અથવા આર્ટી-આર્ટી ફિલ્મો, જેમાં વાર્તાને જુદી રીતે કહેવાય, ઘણું બધું દર્શકની સમજશક્તિ પર છોડી દેવાય, સિનેમાના માધ્યમ થકી વાર્તા યા તો વિચાર કેટલી અલગ રીતે પેશ કરી શકાય છે તેની શક્યતા ચકાસાય.
૮૩ વર્ષના ગોદાર્દની લેટેસ્ટ ફિલ્મનું ટાઈટલ છે, 'ગૂડબાય લેંગ્વેજ'. આ તેમની ૩૯મી ફિલ્મ છે ને પાછી થ્રીડીમાં છે. આમાં એક પરિણીત સ્ત્રી છે, એક છેલછબીલો કુંવારો યુવાન છે ને એક રખડતો કૂતરો છે. સ્ત્રી-પુરુષ મળે છે, પ્રેમમાં પડે છે, ઝઘડે છે, છૂટાં પડે છે. સ્ત્રીનો પતિ આવીને ધમાલ મચાવે છે. પેલો કૂતરો આ બધું જોયા કરે છે. આ બધું વાસ્તવમાં એક મેટાફર યા તો પ્રતીક છે. ગોદાર્દ નામના 'કવિ' કહેવા કંઈક જુદું માગે છે. ફિલ્મમાં પછી માનવજાતની ઉત્ક્રાંતિની વાત આવે છે, ડોલરનું અવમૂલ્યન થાય છે અને ગણિતશાસ્ત્રનું સત્ય પણ આવે છે. ટૂંકમાં, આ એક અઘરી એક્સપેરિમેન્ટલ ફિલ્મ છે, જે હિંમત કરીને એક કરતાં વધારે વાર જોઈએ, ચર્ચા કરીએ, તેના વિશે વાંચીએ ત્યારે પૂરેપૂરી પકડાય.
આવી અંતરંગી અને એક્સપેરિમેન્ટલ ફિલ્મો જ ખરેખર તો ફિલ્મ ફેસ્ટિવલ્સની જાન હોય છે. આમાંથી જ કશુંક બહુ જ સત્ત્વશીલ અને નિર્ણાયક પ્રગટતું હોય છે.