Tuesday, February 25, 2014

ટેક ઓફ : માણસે કઈ ઉંમરે સપનાં જોવાનું બંધ કરવું જોઈએ?


Sandesh - Ardh Saptahik Purti - 26 Feb 2014

ટેક ઓફ 

"લાઇફની વન-વે સ્ટ્રીટમાં પાછા વળી શકાતું નથી. હાપાછું વળીને વીતેલાં વર્ષોને જોઈ જરૂર શકાય છે. એવી ફીલિંગ ન આવવી જોઈએ કે કાશમેં પૂરતા પ્રયત્નો કર્યા હોત તો કેવું સારું થાત. ભૂતકાળ એટલે આખરે શુંઆવનારા સમય માટેનું ટ્રેનિંગ ગ્રાઉન્ડ."

શીર્ષકમાં પુછાયેલા સવાલના પુનરાવર્તનથી લેખની શરૂઆત કરીએ. તો બોલો, માણસે કઈ ઉંમરે સપનાં જોવાનું બંધ કરવું જોઈએ? સપનાં જોવાની કોઈ કટ-ઓફ ઉંમર હોય છે ખરી? બસ, હવે આના કરતાં વધારે આપણાથી કંઈ નહીં થાય, જેટલું છે એટલું સચવાઈ રહે તોય ઘણું છે તેવું જીવનના કોઈ તબક્કે ફરજિયાત સ્વીકારી જ લેવું પડે? થનગન થનગન થઈ રહેલાં તન-મનને ક્યારેક તો ટપલાં મારીને ચૂપ કરવાં જ પડે કે ભાઈ, ઉંમર થઈ, હવે તો શાંત થા?
જો ડાયેના નીએડ નામની અમેરિકન મહિલાએ સાઠ વર્ષની ઉંમરે સપનાં જોવાનું બંધ કરી દીધું હોત તો તેઓ દુનિયાને ચકિત કરી દેતી અદ્ભુત સિદ્ધિ હાંસલ ન કરી શક્યાં હોત. વ્યવસાયે એ પત્રકાર અને લેખિકા છે, પણ એનું ખરું પેશન સ્વિમિંગ છે. ડાયેના લોન્ગ ડિસ્ટન્સ સ્વિમર છે. પૌત્ર-પૌત્રીઓ સાથે કિલ્લોલ કરવાની ઉંમરે તેઓ નિર્ણય લે છે, મારે ક્યુબા અને ફ્લોરિડા વચ્ચેનું ૧૧૦ માઇલ અથવા તો ૧૭૭ કિલોમીટરનું દરિયાઈ અંતર નોન-સ્ટોપ તરીને કાપવું છે (The map below has mentioned different figures). ક્યુબા અમેરિકાની દક્ષિણે આવેલો આઇલેન્ડ કન્ટ્રી છે. બન્ને વચ્ચે એટલાન્ટિક દરિયો ફેલાયેલો છે.

ડાયેનાને આ આઇડિયા કંઈ ઓચિંતો નહોતો આવ્યો. સ્વિમિંગના એકાધિક વિશ્વવિક્રમો તેના નામ પર ઓલરેડી બોલતા હતા. બહામાથી ફ્લોરિડા સુધીનું ૧૬૪ કિલોમીટરનું અંતર લાગલગાટ તરીને એણે ઇતિહાસ રચ્યો હતો. પચાસ વર્ષની ઉંમરે ૭ કલાક ૫૭ મિનિટમાં મેનહટન આઇલેન્ડ ફરતે ચકરાવો મારીને નવો કીર્તિમાન સ્થાપ્યો હતો. બાયોડેટામાં આવી તગડી સિદ્ધિઓ ઉપરાંત એક અદૃશ્ય નિષ્ફળતા પણ લખાયેલી હતી. બત્રીસ વર્ષ પહેલાં ડાયેનાએ પહેલી વાર ક્યુબાથી ફ્લોરિડા સુધી તરવાનો પ્રયત્ન કર્યો હતો, તે વખતે જેલી ફિશનાં ઝુંડે એના પર હુમલો કર્યો હતો અને એ માંડ માંડ બચેલી.
એટલાન્ટિકનો ક્યુબાથી ફ્લોરિડા વચ્ચેનો હિસ્સો અત્યંત ખતરનાક અને અનપ્રેડિક્ટેબલ છે. સૌથી ઝેરી ગણાતી બોક્સ જેલી ફિશ અને શાર્ક જેવાં ભયાનક દરિયાઈ જનાવરોની ભરમાર છે. દુનિયાના સૌથી કાબેલ તરવૈયાઓ જે દરિયો ઓળંગવાનું સાહસ નહોતા કરી શકતા, તે ડાયેના બુઢાપામાં કરવાનો નિર્ણય કરે છે.

"પણ હું હાર માનવા નહોતી માગતી" ડાયેના કહે છે, "ભરજુવાનીમાં મેં જે સપનું જોયું હતું, તે હજુ જીવતું હતું. સાઠ વર્ષની ઉંમરે મેં સખત ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું. ૨૦૧૧માં બે વખત કોશિશ કરી, નિષ્ફળ ગઈ. ૨૦૧૨માં ફરી ટ્રાય કરી. આ વખતેય સફળ ન થઈ. ૨૦૧૩ના ઓગસ્ટમાં, ચોસઠ વર્ષની ઉંમરે હું ફરી એક વાર ક્યુબાના દરિયા સામે ઊભી હતી. આ મારો પાંચમો પ્રયત્ન હતો. વિરાટ જળરાશિને જોતાં ફરી એક વાર મારી ભીતર શ્રદ્ધા જન્મી કે ના, આ વખતે તો હું જરૂર સફળ થઈશ."

ડોક્ટરો, સ્પોર્ટ્સ સાયન્ટિસ્ટ, ન્યુરોલોજિસ્ટ, એન્ડયોરન્સ એક્સપર્ટ, અનુભવી શાર્ક એક્સપર્ટ સહિત ત્રીસેક લોકોની ટીમ એક અલાયદી બોટમાં ડાયેનાની સાથે સાથે અંતર કાપી રહી હતી. દરિયામાં લાગલગાટ બે દિવસ બે રાત તરતાં તરતાં પસાર કરવાના હોય ત્યારે દિશાસૂચન કરવાવાળું સાથે હોવું જોઈએ. કાચી માછલી ખાઈને ઉપર દરિયાનું મીઠાવાળું પાણી પી લેવાનો વિકલ્પ હોતો નથી. ખાણીપીણીની વ્યવસ્થા સાચવવાવાળું કોઈક જોઈએ, તોફાની દરિયામાં અણધારી કટોકટી આવી પડી તો જીવ બચાવવાવાળું પણ કોઈક આસપાસ હોવું જોઈએ. દુનિયાના કોઈ પણ ખૂણે એક્સટ્રીમ સાહસ થતા હોય ત્યારે નિષ્ણાતોની ટુકડી સાહસવીરની સાથે હોય જ છે.

"મારા માટે આ મામલો એથ્લેટિક સિદ્ધિનો નહોતો" ડાયેના કહે છે, "વાત ઇગોનીય નહોતી કે મારે ક્યુબાથી ફ્લોરિડા સુધી સ્વિમિંગ કરનારી દુનિયાની પહેલી વ્યક્તિ બનવું છે. વાત જરા ઊંડી હતી. હું વિચારતી હતી કે હવે મારી કેટલી જિંદગી બાકી રહી છે? દસ વર્ષ? બહુ બહુ તો પંદર વર્ષ? પછી તો મરવાનું જ છેને. લાઇફ વન-વે સ્ટ્રીટ છે. એમાં પાછા વળી શકાતું નથી. હા, પાછું વળીને વીતેલાં વર્ષોને જોઈ જરૂર શકાય છે, તો એવું શા માટે કરવું કે જેથી પાછું વળીને જોતી વખતે મનમાં અફસોસ જાગે. એવી ફીલિંગ ન આવવી જોઈએ કે કાશ, મેં પૂરતા પ્રયત્નો કર્યા હોત તો કેટલું સારું થાત. ભૂતકાળ એટલે આખરે શું? આવનારા સમય માટેનું ટ્રેનિંગ ગ્રાઉન્ડ."
મીડિયાના ગાજવીજ સાથે સાહસ શરૂ થયું. દરિયામાં તરતી વખતે ડાયેનાના મનમાં ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડેન્ટ થિયોડોર રૂઝવેલ્ટનું એક ક્વોટ સતત ઘૂમરાયા કરતું હતું. ક્વોટ કંઈક એવું છે કે આરામથી ખુરસી પર બેસીને જોયા કરનારો બહુ બહુ તો નિર્ણાયક યા તો ઓબ્ઝર્વર બની શકશે, પણ જેનામાં ખરેખરી તાકાત છે એ બોક્સિંગ રિંગમાં ઊતરશે, પ્રતિસ્પર્ધીને મારશે, પોતે માર ખાશે, લોહીલુહાણ થઈ જશે, પછડાશે, ફરી ફરીને ઊભો થશે, સામેવાળા પર એટેક કરશે. એ ક્યારેય ઢીલો નહીં પડે, હિંમત નહીં હારે, તંત નહીં છોડે ને આખરે જીતશે.


ડાયેનાનું શરીર જુવાન નહોતું રહ્યું, પણ જુસ્સો ટકોરાબંધ હતો. એનું પ્રિય સૂત્ર છે, ફાઇન્ડ અ વે. રસ્તો શોધી કાઢો. એ કહે છે, "જિંદગી કોઈને છોડતી નથી. નિષ્ફળતાનો સામનો કર્યા વગર, પીડા સહ્યા વગર, દિલ પર ઘાવ ઝીલ્યા વગર કોણ રહી શક્યું છે?સપનું જોયું હશે તો માર્ગમાં અવરોધો આવવાના જ છે, પણ મહેનત કરીશું, શ્રદ્ધા રાખીશું, શોધીશું, ખંતપૂર્વક મચી પડીશું તો આ અવરોધો પાર કરવાનો રસ્તો ચોક્કસ જડી આવે છે."
સાદા સ્વિમિંગ પુલમાં પાંચ-છ ચકરાવા મારી જોજો. કેટલી તાકાતની જરૂર પડે છે તે સમજાઈ જશે. અહીં તો ડાયેના દાદી ૧૭૭ કિલોમીટર તરવાનાં હતાં, તે પણ ભયંકર દરિયામાં. ઊલટીઓ શરૂ થઈ ગઈ હતી. જેલી ફિશથી બચવા માટે માસ્ક પહેરી રાખ્યું હોય એટલે તરવાનું ફાવતું નહોતું. નજીકમાં તરતી બોટને સ્પર્શવાની પણ મનાઈ હતી. રાત્રે બોટની તમામ લાઇટ ઓલવી નાખવામાં આવે, કેમ કે લાઇટ ચાલુ હોય તો હિંસક માછલીઓ તે તરફ આકર્ષાય. એટલું બધું અંધારું હોય કે બે ફૂટ દૂરની વસ્તુ પણ દેખાય નહીં. માત્ર હાથના છપાક-છપાક અવાજ પરથી બોટમાં સવાર થયેલી ટીમે સમજી લેવાનું કે ડાયેનાનું તરવાનું ચાલુ છે.

"અસામાન્ય પરિસ્થિતિ, અપૂરતી ઊંઘ અને સખત થાકને કારણે મને ચિત્તભ્રમ જેવું થવા લાગ્યું હતું. ઓચિંતા દરિયામાં ચારે બાજુ તાજમહાલ દેખાવા લાગે. મને થાય કે આહાહા, શું સ્ટ્રક્ચર છે! કેટલો સમય લાગ્યો હશે આ લોકોને આવડો મોટો તાજમહાલ બનાવવામાં! અત્યારે આ બધું યાદ કરતી વખતે હસવું આવે છે, પણ તે વખતે મારી હાલત ખરાબ થઈ ગઈ હતી."
એક સવારે ડાયેનાની સાથીદારે બૂમ પાડી, "ડાયેના, બોટ નજીક આવ." એ પાસે ગઈ. પૂછવામાં આવ્યું, "શું દેખાય છે?"ડાયનાએ કહ્યું, "દૂર ક્ષિતિજ પર ઉજાસ દેખાય છે." સાથીદારે કહ્યું, "એ ઉજાસ નહીં, ડેસ્ટિનેશન છે. બસ, હવે છેલ્લા પંદર માઇલ!"

નીચોવાઈ ચૂકેલી ડાયેનામાં નવું જોશ પુરાયું. છેલ્લો પેચ પણ કપાઈ ગયો. સામો છેડો આવી ગયો. ૫૩ કલાકને અંતે ડાયેનાએ ફ્લોરિડાની જમીન પર પગ મૂક્યો અને એક ગજબનાક ઇતિહાસ રચાઈ ગયો. એ કહે છે, "હું ભગવાનમાં ખાસ માનતી નથી, પણ આ સાહસ દરમિયાન મને કશીક અલૌકિક અનુભૂતિ થઈ રહી હતી. આ મારા સપનાની જીત હતી, પણ સાચું કહું, કિનારો પાસે આવી રહ્યો હતો ત્યારે દિલના એક ખૂણે મને દુઃખ થઈ રહ્યું હતું. મને થયું કે બસ, મારી યાત્રા પૂરી? મારા માટે આ ફક્ત ૫૩ કલાકની જર્ની નહોતી, આ મેં જીવનભર કરેલી મહેનત અને શિસ્તના પરિણામની સફર હતી. મને એ પણ સમજાઈ રહ્યું હતું કે હવે પછી હું ક્યારેય આવી દરિયાઈ મહાયાત્રા કરી શકવાની નથી."
Before and after the expedition 
ડાયેનાના આ સાહસ પર ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બની છે, જેનું ટાઇટલ છે, 'ધ અધર શોર'. દુનિયાભરના દેશોમાંથી એને મોટિવેશનલ પ્રવચનો માટે આમંત્રણ મળે છે. ડાયેના જેવી અચિવર જ્યારે પ્રેરણા અને ઉપદેશની વાતો કરે ત્યારે એમાં અધિકૃત વજન હોય છે, અનુભવનો નીચોડ હોય છે. એ કહે છે, "નેવર ગિવ અપ. હાર નહીં માનો. તમારાં સપનાંનો પીછો ક્યારેય નહીં છોડો. એને વળગી રહો અને એને સાકાર કરવાની કોશિશ ક્યારેય બંધ ન કરો. બુઢાપામાં પણ નહીં. આજે હું જીવનના સાતમા દાયકામાં છું અને મને લાગે છે કે મારા જીવનનો આ સર્વશ્રેષ્ઠ તબક્કો છે. આ સાહસ પછી હું પ્રેસિડન્ટ ઓબામાની મહેમાન બની,એક પુસ્તક લખવાનો દળદાર કોન્ટ્રેક્ટ સાઇન કર્યો. આ બધું બરાબર છે, મને એનો ગર્વ છે પણ મુખ્ય વાત એ છે કે હું માથું ઊંચું રાખીને જીવી રહી છું. હું બોલ્ડ છું, નીડર છું અને જિંદગીની છેલ્લી ક્ષણ સુધી આવી જ રહેવાની છું- બોલ્ડ, નીડર."

Sunday, February 23, 2014

મલ્ટિપ્લેક્સ: વેર, વિવાદ અને વૂડી


Sandesh - Sanskaar Purti - 23 Feb 2014
મલ્ટિપ્લેક્સ
ઓસ્કર એવોર્ડ્ઝની ઘોષણાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે હોલિવૂડના ગ્રેટ ફિલ્મમેકર વૂડી એલન અપ્રિય વિવાદમાં ફસાઈ ગયા છે. શું એમણે ખરેખર પોતાની સાત વર્ષની દત્તક દીકરી સાથે દુષ્કર્મ કર્યું હતું?

પણી નિસબત કોની સાથે હોવી જોઈએ - આર્ટ સાથે કે આર્ટિસ્ટ સાથેઆપણે કોના પર ફોકસ કરવું જોઈએ - કલાકાર પર કે એણે સર્જેલી કલાકૃતિ પરમાણસ આખરે શાનાથી ઓળખાય છે - પોતાની ટેલેન્ટ અને સિદ્ધિઓથી કે એના અંગત જીવનથીઆ પ્રશ્નો સતત ચર્ચાતા આવ્યા છે. ધારો કે એકાએક આપણને ખબર પડે કે અમિતાભ બચ્ચન વાસ્તવિક જીવનમાં અત્યંત કુટિલભયાનક ઝેરીલાએક નંબરના કૌભાંડિયા માણસ છે અને ખાનગીમાં કેટલીય સ્ત્રીઓ સાથે આડા સંબંધ ધરાવે છે, તો શું એક કલાકાર તરીકેની તેમની મહાનતા ઓછી થઈ જશેઆપણે એમને પ્રેમ કરવાનું બંધ કરીને ધિક્કારવા માંડીશુંમાઈકલ જેકશન જેવા દંતકથારૂપ કલાકાર બહુ ઓછા પાકે છે. એના પર ખરેખર ચાઈલ્ડ મોલેસ્ટેશન એટલે કે બાળકોનું જાતીય શોષણ કરવાના આરોપ લાગ્યા હતા. ઇતિહાસ એને કેવી રીતે યાદ રાખશેસંગીત-નૃત્યની દુનિયામાં ક્રાંતિ લાવનાર ઊંચા દરજ્જાના આર્ટિસ્ટ તરીકે કે એક વિકૃત પુરુષ તરીકે?
આ ચર્ચા અત્યારે ફરી જાગી છે અને આ વખતે વિવાદના કેન્દ્રમાં છે હોલિવૂડના માસ્ટર ફિલ્મમેકર વૂડી એલન. ૭૮ વર્ષના આ રાઈટર-ડિરેક્ટર-એક્ટરના બાયોડેટામાં ૪૦ કરતાં વધારે ફિલ્મો બોલે છે. એમાં 'એની હોલ' અને 'મેનહટન' જેવી યાદગાર ફિલ્મો પણ આવી ગઈ. પચાસ વર્ષની કરિયરમાં તેમને ચોવીસ વખત ઓસ્કર નોમિનેશન્સ મળ્યાં છે અને ચાર ઓસ્કર અવોર્ડ્ઝ જીત્યાં છે. ત્રીજી માર્ચની વહેલી સવારે આપણે જેનું લાઈવ ટેલિકાસ્ટ જોવાના છીએ તે ઓસ્કર સમારોહમાં આ વખતે એમની 'બ્લૂ જાસ્મિન' નામની ફિલ્મ ત્રણ કેટેગરીમાં નોમિનેટ થઈ છે- બેસ્ટ સ્ક્રીનપ્લેબેસ્ટ એકટ્રેસ અને બેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસ. હવા એવી બની છે, રાધરબની હતી કે શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કર આ વખતે 'બ્લૂ જાસ્મિન'ની હિરોઈન કેટ બ્લેન્ચેટ જ લઈ જશે. હજુ ગયા મહિને ગોલ્ડન ગ્લોબ ફંક્શનમાં હોલિવૂડ ફોરેન પ્રેસ અસોસિયેશને વૂડી એલનને લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ ઘોષિત કર્યો હતો. ઓસ્કરનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું હતું ને ત્યાં આ મોકાણ સર્જાઈ.
Wood Allen and Mia Farrow with children Dylan and Ronan in January 1988

આ મહિનાના પ્રારંભમાં 'ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ' અખબારના બ્લોગ પર એક લેખ મુકાયો. એનું મથાળું હતું, 'અન ઓપન લેટર ફ્રોમ ડાયલન એલન.ડાયલન એટલે વૂડી એલનની દત્તક દીકરી. આ ખુલ્લા પત્રમાં ડાયલને વૂડી પર ખળભળી જવાય એવા આક્ષેપો કર્યા. એ સાત વર્ષની હતી ત્યારે કેવી રીતે વૂડી એલને એને ઘરનાં માળિયાં પર લઈ જઈને સેકસ્યુઅલી અબ્યુઝ કરી હતી એનું ઉકળી જવાય એવું ઝીણવટભર્યું વર્ણન કર્યું. ડાયલન અત્યારે ૨૯ વર્ષની છે. એ લખે છે કે મારા બાપે મારી સાથે દુષ્કર્મ કરીને મને એવી તોડી નાખી કે આટલાં વર્ષો પછી હું એની અસરમાંથી બહાર નથી આવી. આ બધું વાંચીને એક ત્વરિત પ્રતિક્રિયા રૂપે એવો વિચાર આવ્યા વિના ન રહે કે આખી દુનિયાએ જેને મહાન ફિલ્મમેકર... મહાન ફિલ્મમેકર કહીને માથે ચડાવ્યો છે એ માણસ આટલી હદે વિકૃત?
યાદ રહે, આ વાત સાવ નવી નથી. ૧૯૯૨માં વૂડી અને એની તે સમયની પાર્ટનર મિઆ ફેરોના સંબંધનો અંત આવ્યો અને બાળકોની કસ્ટડી માટે મામલો કોર્ટમાં ગયો હતો. મિઆએ પહેલી વાર વૂડી પર આક્ષેપ મૂક્યો હતો કે એણે અમારી નાનકડી દત્તક દીકરીનું શોષણ કર્યું છે. વૂડીની કેટલીય ફિલ્મોમાં મિઆ હિરોઈન રહી ચૂકી છે. વૂડી અને મિઆનો સંબંધ બાર વર્ષ રહ્યો. મિઆના આક્ષેપનાં પગલે કાનૂની છાનબીન થઈ. વૂડી લાઈ ડિટેક્ટર ટેસ્ટમાંથી હેમખેમ પસાર થયા. મિઆને પણ લાઈ ડિટેક્ટર ટેસ્ટ આપવાનો આગ્રહ થયોપણ એણે ધરાર ટેસ્ટ ન જ આપી. વૂડીએ દીકરી સાથે દુષ્કૃત્ય કર્યું હોવાના કોઈ પુરાવા ન મળ્યા. મામલો આમ તો ત્યાં પૂરો થઈ ગયો હતોપણ આટલાં વર્ષ પછી ડાયલને ઓચિંતા આ ખુલ્લો પત્ર લખીને કબરમાં દટાયેલાં મડદાં પાછાં બહાર કાઢયાં છે. ડાયલને પહેલી વાર મોં ખોલ્યું એટલે જૂની સ્ટોરીને નવો એન્ગલ મળ્યો છે.
Dylan and Mia Farrow as on today
સવાલ આ છેઃ મિઆ ફેરોએ પોતાના પ્રેમી અને પાર્ટનર રહી ચૂકેલા વૂડી એલન પર જે ભયાનક આક્ષેપ મૂક્યા હતા તેમાં કેટલું તથ્ય હતું? હમણાં સુધી મૌન રહેલી ડાયલનની વાચા કેમ અત્યારે એકાએક ફૂટી?
આગળ વધતાં પહેલાં રંગીલા વૂડી એલનની કોમ્પ્લિકેટેડ લવલાઈફ અને ચક્કર આવી જાય એવા ફેમિલી સ્ટ્રક્ચરની ઝલક લઈ લઈએ. બે લગ્ન અને બે ડિવોર્સમાંથી પસાર થયા પછી વૂડીભાઈના જીવનમાં મિઆ ફેરો આવી. બાર વર્ષની રિલેશનશિપ દરમિયાન તેમણે લગ્ન ન કર્યાં અને પોતપોતાનાં અલગ ઘર પણ જાળવી રાખ્યાં. વૂડી સાથે સંબંધમાં બંધાઈ ત્યારે મિઆ ત્રણ દત્તક બાળકોને આંગળીએ સાથે લેતી આવી હતી. એમાંની એક દીકરીનું નામ સૂન-યી. વૂડી અને મિઆએ બીજાં બે બચ્ચાં દત્તક લીધાં - ડાયલન અને મોઝીસ. મિઆએ વૂડીથી, ફોર અ ચેન્જ, એક બાયોલોજિકલ દીકરો પણ જણ્યો. ટૂંકમાંતારાં-આપણાં-દત્તક-સગાં એમ બધાં મળીને એલન દંપતી કુલ પાંચ બાળકોનાં માબાપ બન્યાં. આમ તો મિઆ ફેરોએ આખા જીવનમાં અલગ અલગ પુરુષોથી કુલ ચાર બાળકો જણ્યાં છે અને નવ દત્તક લીધાં છે.
પહેલો બોમ્બ બાવીસ વર્ષ પહેલાં પડયો. મિઆના હાથમાં સૌથી મોટી સાવકી દીકરી સૂન-યીનાં નગ્ન ફોટોગ્રાફ્સ આવી ગયા. સૂન-યી તે વખતે ૧૯ વર્ષની હતી. આ તસવીરો ખેંચી હતી વૂડી એલનેજે તે વખતે ૫૬ વર્ષના હતા. મિઆ પર પહાડ તૂટી પડયોઃ વૂડી મારી પીઠ પાછળ મારી જ દત્તક દીકરી સાથે છિનાળાં કરે છે?! વૂડી સાથેના સંબંધ પર પૂર્ણવિરામ મુકાઈ જવું સ્વાભાવિક હતું.

Woody Allen with Soon-Yi
એક તરફ મિઆની એક્ઝિટ થઈ અને બીજી તરફ વૂડીએ દત્તક દીકરી સાથે લગ્ન કરી લીધાં! વૂડીના આ પગલાંથી મોટો હોબાળો મચી ગયો. વૂડી કહેઃ મને સૂન-યી સાથે પ્રેમ થઈ ગયો અને એની સાથે મેં લગ્ન કર્યાં. આમાં સ્કેન્ડલ ક્યાં આવ્યુંસૂન-યીએ પણ કહ્યું: વૂડી મને ક્યારેય ફાધર કે ફાધર ફિગર લાગ્યા જ નથી. હું તો અમેરિકન પણ નથી. મને મિઆ અને એના એક્સ-પાર્ટનર એન્દ્રે પ્રેવીને દત્તક લીધી હતી. હું એન્દ્રેને જ મારા પિતા ગણું છું. વૂડીના પક્ષે આશ્વાસનરૂપ બાબત એ હતી કે સૂન-યીને મિઆએ કાયદેસર અડોપ્ટ કરી હતીવૂડીએ નહીં. સૂન-યી મિઆ સાથે 'પેકેજ ડીલતરીકે આવી હતી.
વૂડીથી અલગ પડતી વખતે બાળકોની કસ્ટડીનો મામલો કોર્ટમાં ગયો. બસતે વખતે મિઆએ આક્ષેપ મૂક્યો હતો કે વૂડી પર્વર્ટ માણસ છે અને એણે અમારી સાત વર્ષની ડાયલનને પણ છોડી નથી.
ડાયલનનો ઓપન લેટર 'ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ'માં પ્રગટ થયો પછી એ જ અખબારમાં વૂડીનો સામો જવાબ આપતો પત્ર પણ છપાયો. વૂડીએની ટીમ અને એના સમર્થકો જે દલીલો કરે છે તેનો સૂર આ છેઃ વૂડીએ દત્તક દીકરી સાથે સંબંધ બાંધીને જે ભયાનક બેવફાઈ કરી હતી તેનો મિઆ બદલો લઈ રહી છે. એના જીવને આટલાં વર્ષો પછી પણ શાંતિ થઈ નથી અને એ હજુ પણ ખુન્નસ ખાઈને બેઠી છે. વૂડી-એન્ડ-પાર્ટીનું કહેવું છે કે જાતીય શોષણવાળી આખી વાત જ ઉપજાવી કાઢેલી છે. મિઆએ માસૂમ ડાયલનનું આટલાં વર્ષોમાં સખ્ખત બ્રેઈનવોશ કરી નાખ્યું છેએના મનમાં વૂડી વિરુદ્ધ ભયંકર ઝેર ભરી દીધું છે. સાત વર્ષના બાળકનું મન બહુ જ કુમળું હોવાનું. એ ઉંમરે એના મનના ફલક પર જે કંઈ અંકિત કરી દેવામાં આવે તે જિંદગીભર ભુલાતું નથી. આટલાં વર્ષોમાં મિઆએ દીકરીના મનમાં વૂડીના કથિત શોષણ વિશે એટલું બધું ભૂસું ભરાવી દીધું હશે કે ડાયલનને એ બધું હવે સાચું જ લાગે છે. એણે ઓપન લેટરમાં આબેહૂબ દૃશ્ય ઊભું કરતું જાતીય શોષણનું જે વર્ણન કર્યું છે તે આ 'ફોલ્સ મેમરી'નો પ્રતાપ છે. ટૂંકમાં, વૂડીની ઇમેજ બગાડવા, એનું ચારિત્ર્યહનન કરવા મિઆ દીકરીનો એક શસ્ત્ર તરીકે ઉપયોગ કરી રહી છે. વૂડીના સમર્થકો ઉમેરે છે કે તમે ટાઇમિંગ જુઓ. ઓસ્કર ફંક્શન પાસે આવી રહ્યું છેવૂડીની ફિલ્મને એક કરતાં વધારે અવોર્ડ મળે તેવી શક્યતા ઊભી થઈ છે ત્યારે જ આખો માહોલ બગાડવા લાગ જોઈને મિઆએ ડાયલન પાસે પેલો ખુલ્લો કાગળ લખાવ્યો છે.
મામલો ગૂંચવાયેલો છે. કોણ કેટલું સાચું બોલે છે ને કેટલું જૂઠ ચલાવે છે તે નક્કી કરવું મુશ્કેલ છે. વૂડી ઓલરેડી એક દત્તક દીકરી (સૂન-યી) પર નજર બગાડીને એને પરણી ચૂક્યા છે તે વાત લોકો ભૂલ્યા નથી. વૂડીના જીવનમાં નૈતિક સાતત્ય જળવાયું નથી તે વાત સ્વીકારવી પડે. અલબત્ત, નૈતિકતા કોને ગણવીતેની વ્યાખ્યા શીતે કોણ નક્કી કરેઆ પાછી સાવ અલગ ચર્ચા થઈ.
વૂડી એલન પરનો આરોપ ક્યારેય પુરવાર થયો નથી, પણ રોમન પોલન્સ્કી પર તો ૧૩ વર્ષની છોકરી પર બળાત્કાર કરવા બદલ જેલવાસ ભોગવી ચૂક્યા છે. 'રોઝમેરીઝ બેબી' જેવી કેટલીય યાદગાર ફિલ્મો બનાવનાર રોમન પોલન્સ્કી પણ વિશ્વના મહાન ફિલ્મમેકર્સની સૂચિમાં બોલે છે. ચાર્લી ચેપ્લિન એક ઔર દંતકથારૂપ ફિલ્મી હસ્તી - તેમણે ચાર લગ્નો કરેલાં. એમની ચાર પૈકીની ત્રણ પત્નીઓ લગ્ન વખતે સગીર વયની હતી. બે સોળ-સોળ વર્ષની અને એક સત્તરની!
હોલિવૂડમાં પર્સનલ લાઇફના વિવાદોને કારણે કોઈ ફિલ્મમેકરની કરિયર રોળાઈ ગઈ હોય તેવું બન્યું નથી. ટૂંકમાં, વાત પાછી ત્યાં જ આવીને ઊભી રહે છેઃ આપણી નિસબત કોની સાથે હોવી જોઈએ - આર્ટ સાથે કે આર્ટિસ્ટ સાથે? આપણે કોના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ - કલાકાર પર કે એણે સર્જેલી કલાકૃતિ પર? તમે શું કહો છો?
0 0 0 

Tuesday, February 18, 2014

ટેક ઓફ : આપણે કેટલું સાચૂકલું જીવીએ છીએ?


Sandesh - Ardh Saptahik Purty- 19 Feb 2014 

ટેક ઓફ 

'ફોલો યોર ઇન્સ્ટિંક્ટ. આપણું સઘળું તેજસઘળું ડહાપણ તો જ બહાર આવશે જો આપણે દિલનું સાંભળીને તે પ્રમાણે વર્તતા હોઈશું. પેશન એક એનર્જી છેજેમાં સૌથી વધારે જલસો પડતો હોય તે કામ કરીશું ત્યારે જ ખરી તાકાતનો અનુભવ થતો હોય છે."

મેરિકાના કોઈ ગામડાના સાવ ગરીબ ઘરમાં જન્મેલી એક નીગ્રો છોકરી. ખરેખર તો એને જન્મેલી કહેવા કરતાં આકસ્મિક રીતે પેદા થઈ ગયેલી કહેવી જોઈએકારણ કે એની મા તરુણાવસ્થામાં પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી. માનો પ્રેમી ખાણમાં કામ કરનારો મજૂર હતોજે પછી કેશકર્તનકાર અને ત્યાર બાદ આર્મીનો જવાન બન્યો. દાયકાઓ પછી એકાએક બીજો એક આદમી ફૂટી નીકળ્યો હતો અને દાવો કર્યો કે આ છોકરીનો અસલી બાયોલોજિકલ બાપ તો હું છું! ખેરછોકરી જન્મી ત્યારે એના હાલચાલ જાણવા એકેય બાપ ફરક્યો નહોતો. મા કોઈના ઘરમાં નોકરાણી તરીકે કામ કરતી હતી. છોકરીને બીજા કોઈ ગામમાં રહેતી એની નાનીએ ઉછેરી. ગરીબી એટલી ભીષણ હતી કે છોકરીનું અંગ ઢાંકવા નાનીમાએ શણના કોથળા ફાડી ફાડીને ફ્રોક સીવવાં પડતાં.
Oprah's childhood
મા અલગ-અલગ પુરુષોથી બચ્ચાં જણતી રહી. છોકરી માંડ નવ વર્ષની થઈ ત્યારે એનું પહેલી વાર જાતીય શોષણ થયું,માસિયાઈ ભાઈ દ્વારા. સિલસિલો શરૂ થઈ ગયો. માસિયાઈ ભાઈ પછી કોઈ અંકલપછી પરિવારનો કોઈ પરિચિત પુરુષ. સેક્સ્યુઅલ અબ્યુઝથી ત્રાસી ગયેલી છોકરી તેર વર્ષની ઉંમરે ઘરેથી નાસી ગઈ. પરિસ્થિતિ કહો કે મા તરફથી વારસામાં મળેલી ચંચળતા કહોપણ ૧૪ વર્ષની ઉંમરે છોકરી પણ પ્રેગ્નન્ટ થઈને એક દીકરાની મા બની. બચ્ચું ફક્ત બે જ મહિના જીવ્યું. આવા કંગાળ અને સ્ફોટક બેકગ્રાઉન્ડમાંથી આવેલી છોકરીનું કેવું ભવિષ્ય કલ્પી શકો છોઆ રહ્યો જવાબઃ ૩૨ વર્ષની ઉંમર સુધીમાં તે અત્યંત લોકપ્રિય સેલિબ્રિટી તરીકે ઊભરે છે. અમેરિકાના ઇતિહાસની સૌથી ધનિક આફ્રિકન-અમેરિકન બિલિયોનેર મહિલા તરીકે તેનું નામ નોંધાય છે. આંખ ચાર થઈ જાય એવા મહેલ જેવા એના વિરાટ બંગલા છે. ખુદના પ્રાઇવેટ જેટમાં દુનિયાભરમાં ઊડાઊડ કરે છે.
આ સ્ત્રી એટલે ઓપ્રા વિન્ફ્રે. લાગલગાટ પચ્ચીસ વર્ષ સુધી સુપરહિટ 'ધ ઓપ્રા વિન્ફ્રે શો' નામનો ચેટ-શો હોસ્ટ અને પ્રોડયુસ કરીને ભારત સહિત દુનિયાભરના દેશોના ડ્રોઇંગરૂમમાં પહોંચી ગયેલી જાડુડી-પાડુડી-વહાલુડી સ્ત્રી. થોડા દિવસો પહેલાં એણે સાઠમો બર્થડે સેલિબ્રેટ કર્યો.

કોણ કહે છે બાળપણ સોલિડ હોય તો જ જીવનમાં આગળ આવી શકાયઘણા લોકો પોતાની નિષ્ફળતાઓ અને અધૂરપને ઢાંકવા માટે બાળપણને આગળ ધરી દેતા હોય છે. શું થાયપાયો જ કાચો રહી ગયો. મા-બાપે સારી સ્કૂલમાં ભણાવ્યો હોત તો આજે ક્યાંનો ક્યાં પહોંચી ગયો હોત. નાનપણમાં મારી સાથે ફલાણી ફલાણી ઘટના થઈ એમાં પર્સનાલિટી કાચી રહી ગઈનહીં તો શુંનું શું કરી નાખત વગેરે. આવા લોકો માટે ઓપ્રાનું જીવન ખાસ ઉદાહરણરૂપ છે.
"મને બહુ નાની ઉંમરે સમજાઈ ગયું હતું કે મારી જાત માટે જો કોઈ જવાબદાર હોય તો એ હું પોતે જ છું," ઓપ્રા કહે છે, "મને એ પણ સમજાઈ ગયું હતું કે જીવનમાં મારે ખૂબ કરવાનું છે. કોઈ પણ જાતના ભેદભાવનો સામનો કરવાનું સૌથી મોટું સાધન એક જ છે- શ્રેષ્ઠતા. જો હું મારા કામમાં બેસ્ટ હોઈશ તો મને કોઈ જ રોકી શકવાનું નથી. આખી જિંદગી હું આ જ એટિટયૂડ સાથે જીવી છું."

ઓપ્રા નાની હતી ત્યારથી બહુ વાતોડિયણ હતી. એને ઇન્ટરવ્યૂ-ઇન્ટરવ્યૂ રમવાની બહુ મજા આવતી. સ્કૂલ-કોલેજમાં રેડિયો પર ન્યૂઝ વાંચવાની પાર્ટટાઇમ જોબ કરતી. લોકો સાથે જોડાવામાંતેમની સાથે કમ્યુનિકેટ કરવામાં એને જબરી મજા પડતી. પોતાના આ જ શોખને એણે કરિયર બનાવ્યો. એ કહે છે, "ફોલો યોર ઇન્સ્ટિંક્ટ. આપણું સઘળું તેજસઘળું ડહાપણ તો જ બહાર આવશે જો આપણે દિલનું સાંભળીને તે પ્રમાણે વર્તતા હોઈશું. પેશન એક એનર્જી છેજેમાં સૌથી વધારે જલસો પડતો હોય તે કામ કરીશું ત્યારે જ ખરી તાકાતનો અનુભવ થતો હોય છે."
પોતે નાનપણમાં વર્ષો સુધી સેક્સ્યુઅલી અબ્યુઝ થઈ હતી અને તરુણાવસ્થામાં મા બની ગઈ હતી તે વાત ઓપ્રાએ હિંમતપૂર્વક પોતાના શો દરમિયાન આખી દુનિયાને કહી હતી. એણે પોતાની કોઈ હકીકત છુપાવી નથી. અંગત વાતો શેર કરતી વખતે એનો ઇરાદો સનસનાટી ફેલાવવાનો નહીંપણ પોતાના શોમાં આવતા લોકો સાથે એક આત્મીય સંધાન કરવાનોએક પ્રકારનો ભરોસો ઊભો કરવાનો રહેતો. આ જ કારણ હતું કે ઓપ્રાના ચેટ-શોમાં લોકો પોતાના અત્યંત અંગત ઘા ખુલ્લા કરી શકતા. માનસ ચિકિત્સક સાથે પણ કર્યા ન હોય તેવા એકરાર લોકો ઓપ્રાની સામે નેશનલ ટીવી પર કરતા. જાણે ગ્રૂપ થેરાપી ચાલી રહી હોય તેવો માહોલ બની જતો.
ખુલ્લી કિતાબ જેવું જીવન જીવવું આસાન નથી હોતું, જરૂરી પણ નથી હોતું. બધી વાતો બધાને કરવાની ન હોયપણ આપણે જ્યારે અમુક મહત્ત્વની બાબત સ્વજનોથી કે દુનિયાથી છુપાવીએ છીએ ત્યારે તેનો અદૃશ્ય ભાર મન પર લદાઈ જતો હોય છે. ધીમે ધીમે જમા થતો બોજ એક તબક્કે એટલો વધી જાય કે વ્યક્તિત્વ કચડાવા માંડે. આપણે ખરેખર જેવા છીએ તેવા બની રહેવા જેવી બીજી કોઈ કળા નથી. ઓપ્રા કહે છે, "મને ખરેખર કલ્પના નહોતી કે દંભ દેખાડા કર્યા વગર ઓથેન્ટિક બનીને જીવવાથી આટલાં અદ્ભુત પરિણામ મળતાં હશે. જીવતા હોવાનો આ જ મતલબ છે- તમે જે હોવા માટે સર્જાયા છો તે તરફ ગતિ કરતા રહેવું."

ઓપ્રાની સિદ્ધિઓનું લિસ્ટ એટલું લાંબું છે કે એને ગણાવવા બેસીએ તો આખું પાનું ભરાઈ જાયપણ આ બે બાબતોનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. ૧૯૯૩માં અમેરિકામાં નેશનલ ચાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ બન્યો તેની પાછળ ઓપ્રાએ પોતાના શો દ્વારા પેદા કરેલા રાષ્ટ્રવ્યાપી માહોલનું યોગદાન એટલું તગડું હતું કે તેને આજે પણ 'ઓપ્રા બિલતરીકે ઓળખવામાં આવે છે. ૨૦૦૮માં અમેરિકામાં એક ઓર ખરડો કાનૂન બન્યો- કોમ્બેટિંગ ચાઇલ્ડ એક્સપ્લોટેશન બિલ. આના માટે પણ ઓપ્રાએ જનજાગૃતિ ફેલાવવાનું મોટું કામ કર્યું હતું. ઓપ્રાનું નામ અમસ્તા જ મોસ્ટ પાવરફુલ પીપલના લિસ્ટમાં નથી મુકાતું.
"મારી સૌથી મોટી સિદ્ધિ તો આ છે- સતત પોઝિટિવ રહી શકવાની ક્ષમતા!" ઓપ્રા કહે છે, "એક જીવતાજાગતા માણસ સાથે જે કંઈ ખરાબ થઈ શકે તે બધું જ મારી સાથે થઈ ચૂક્યું છેપણ મેં ક્યારેય મારા હૃદયના દરવાજા બંધ કર્યા નથીક્યારેય આશા ખોઈ નથી. સામેની વ્યક્તિએ મારી સાથે ખરાબમાં ખરાબ વર્તન કર્યું હોય તોપણ મેં હંમેશાં એનામાં સારું શું છે એ જ જોવાનો પ્રયત્ન કર્યો છે."
અઘરું છે, પણ અજમાવવા જેવું જરૂર છે.
0 0 0

Sunday, February 16, 2014

મલ્ટિપ્લેક્સ: ધ ગૂડ રોડ


Sandesh - Sanskaar Purti - 16 Feb 2014

મલ્ટિપ્લેક્સ 

આપણે 'જબ વી મેટ'નાં વખાણ કરતા થાકતા નથીપણ ડિરેક્ટર ઈમ્તિયાઝ અલીને આ ફિલ્મમાં પાર વગરની ભૂલો દેખાય છે. ધારો કે 'જબ વી મેટનવેસરથી બનાવવાની તક મળે તો સંભવતઃ તેઓ પાક્કી સ્ક્રિપ્ટ વગર રોડ મૂવીની સ્ટાઈલથી બનાવેઆગામી 'હાઈવે'ની જેમ...

મ્તિયાઝ અલી ઓડિયન્સના જ નહીં, ફિલ્મી જનતાના પણ ફેવરિટ છે. જેમની આગલી ફિલ્મની રાહ જોવાનું મન થાય એવા ફિલ્મમેકર્સ આંગળીના વેઢે નહીં પણ આંગળીએ ગણી શકાય એટલા માંડ હોય છે. ઈમ્તિયાઝ એમાંના એક. 'જબ વી મેટ'ની કરીના હોય, 'લવ આજ-કલ'નાં દીપિકા-સૈફ હોય કે 'રોકસ્ટાર'નો રણબીર કપૂર હોય - ઈમ્તિયાઝનાં પાત્રો હંમેશાં જીવનમાં ગડથોલિયાં ખાતાં ખાતાં કશુંક શોધવાની મથામણ કરતાં હોય છે. આ શોધ પ્રેમ નામના તત્ત્વની હોય અથવા તો પોતાના અસલી વ્યક્તિત્વની કે પોતાનાં પેશનની હોય. આ પાત્રો ડાયલોગબાજી કરતાં નથી, તેઓ મારી-તમારી જેમ 'બોલે' છે. ઈમ્તિયાઝના સંવાદો 'સ્ટ્રક્ચર્ડ' નથી હોતા. તે એટલા સ્વાભાવિક હોય છે કે સાંભળતી વખતે એમ ન લાગે કે આ કોઈએ કાગળ-પેનથી કે કમ્પ્યુટરના કીબોર્ડથી લખ્યાં હશે. આ તાજગીભર્યા સંવાદોની રિધમ સમજવા માટે આંખ બંધ રાખીને ઈમ્તિયાઝની ફિલ્મોને ફક્ત 'સાંભળવાનું' મન થાય. આવતા શુક્રવારે રિલીઝ થઈ રહેલી ફિલ્મ 'હાઈવે'માં સંભવતઃ આ બધા જ પ્લસ પોઈન્ટ્સ હોવાના.
જો લેબલ ચીપકાવવું જ હોય તો 'જબ વી મેટ', 'લવ આજ-કલ', 'કોકટેલ' (જે ઈમ્તિયાઝે લખી છે, ડિરેક્ટ હોમી અડાજણિયાએ કરી છે) કે ઈવન 'હાઈવે'ને રોમેન્ટિક કોમેડી કહી શકાય. મજાની વાત એ છે કે ઈમ્તિયાઝને ખુદને દર્શક તરીકે રોમ-કોમ જોવી પસંદ નથી. ફિલ્મલાઈનમાં નહોતા આવ્યા ત્યારે હાડોહાડ કોમેડી ફિલ્મોમાં એમને જલસા પડતા. જેમ કે, ગોવિંદાની 'દુલ્હેરાજા' ફિલ્મ એમણે અસંખ્ય વખત જોઈ છે. ઈમ્તિયાઝ જમશેદપુરમાં મોટા થયા છે. મમ્મી-પપ્પા પટણામાં રહેતાં અને તેઓ જમશેદપુરનાં સગાંના ઘરે રહીને ભણતા. આ સગાંના ખુદનાં સિંગલ સ્ક્રીન થિયેટરો હતાં, હજુય છે - સ્ટાર ટોકીઝ, જમશેદપુર ટોકીઝ અને કરીમ ટોકીઝ. થાઉઝન્ડ પ્લસની કેપેસિટીવાળાં કઢંગાં થિયેટરો. જેમ કે, અમુક સીટ પર બેઠા હોઈએ તો છત પર લટકતા પંખા વચ્ચે નડે. બાલ્કની એટલી લાંબી કે હાથ લાંબો કરો તો સ્ક્રીનને અડી જવાય. બાલ્કનીમાં વચ્ચોવચ જ બેસવું પડે, કેમ કે એકદમ ખૂણાની ટિકિટ મળે તો પડદા પર એકલા અમિતાભ બચ્ચન જ દેખાય, રેખા બિચારી ઠિંગુજી બનીને એક બાજુ ખૂણામાં ધકેલાઈ જાય. સામેના છેડે બેસો તો અમિતાભ વામન સ્વરૂપ બની જાય. ત્રણમાંથી બે ટોકીઝ ઘરથી લગોલગ હતી તેથી રાત્રે સૂતા હોય ત્યારે ઢીશૂમ ઢીશૂમના ને આશા ભોંસલેના કેબ્રેના દબાયેલા અવાજો સપનામાં અથડાતા હોય. ડોરકીપર અને પ્રોજેક્શનિસ્ટ સાથે દોસ્તી થઈ ગઈ હતી એટલે ગમે ત્યારે અંદર ઘૂસી જવાનું ને પિક્ચર જોવા બેસી જવાનું. આ રીતે 'મિસ્ટર નટવરલાલ' અને એમાંય એનું 'પરદેસીયા યે સચ હૈ પિયા' ગીત એમણે અસંખ્ય વખત જોઈ કાઢયું હશે.
ફિલ્મોની ઝાકઝમાળભરી કાલ્પનિક દુનિયા ઈમ્તિયાઝને કદાચ એટલા માટે ખૂબ ગમતી કે અસલી જીવનમાં લઘુતાગ્રંથિઓનો પાર નહોતો. નાનપણમાં એ અતિ શરમાળ હતા. દરેક સ્થિતિમાં પોતે ઓકવર્ડ છે એવું એને સતત લાગ્યા કરે. ન ભણવામાં હોશિયાર,ન સ્પોર્ટ્સમાં. વાતવાતમાં ખોટું બોલે. સ્વભાવે અંતર્મુખ તોય પાડોશના છોકરાને સામે ડિંગ હાંકે કે સ્કૂલની ક્રિકેટ-ફૂટબોલ- વોલિબોલની ટીમમાં હું સ્ટાર પ્લેયર છું. સ્કૂલના દોસ્તારો સામે ફિશિયારી મારશે કે મારી લોકાલિટીમાં હું હીરો છું! ભણવામાં ઠાગાઠૈયા કરે એટલે નવમા ધોરણમાં ફેલ થઈ ગયા. શરમનો પાર નહીં.
Imtiaz Ali with Alia Bhatt
"પણ મારા પપ્પાએ મને એક શબ્દ કહ્યો નહીં," ઈમ્તિયાઝ અલી એક મુલાકાતમાં કહે છે, "ઊલટું, તેમણે મને હિંમત આપી, આશ્વાસન આપ્યું. બસ, આ નિષ્ફળતા પછી મેં દિલથી મહેનત કરવાનું શરૂ કર્યું, ભણવામાં અને બીજી એક્ટિવિટીઝમાં રસ લેવાનું શરૂ કર્યું. થિયેટરની શરૂઆત પણ એ જ અરસામાં થઈ."
થિયેટરનો સિલસિલો તેઓ દિલ્હીની હિન્દુ કોલેજમાં ભણવા ગયા ત્યાં પણ ચાલુ રહ્યો. પોતાનું બેનર સ્થાપ્યું અને નાટકો ડિરેક્ટ કરવા લાગ્યા. આ બધાંમાં રસ હતો એટલે કામની શોધમાં મુંબઈ આવ્યા. એડવર્ટાઈઝિંગના કોર્સમાં પોતાની બેચમાં પહેલો નંબર આવ્યો હતો, પણ મુંબઈની એક પણ એડ એજન્સીમાં એમને કોપીરાઈટરની જોબ ન મળી. સૌથી પહેલી નોકરી આપી કુનાલ કોહલીએ. ઝી ટીવીના કોઈ શો માટે શૂટ થયેલી જે ટેપ્સ આવે તેના પર લેબલ ચોંટાડવાનું એમનું કામ. પગાર મહિને પંદરસો રૂપિયા. પછી ક્રેસ્ટ કમ્યુનિકેશન્સમાં લેખક તરીકે જોડાયા. કિરણ ખેરનો 'પુરુષક્ષેત્ર' નામનો ટોક શો ડિરેક્ટ કર્યો. ટીવી લાઇનમાં ઈમ્તિયાઝે સાત વર્ષ પસાર કર્યાં. કોઈક રીતે અભય દેઓલ સાથે ઓળખાણ થઈ. પછી સની દેઓલ સાથે મુલાકાત થઈ.સનીએ'સોચા ના થા'ની સ્ક્રિપ્ટ સાંભળીને ફિલ્મ પ્રોડયુસ કરવાનો નિર્ણય લીધો. આમ, અભય દેઓલ અને ઈમ્તિયાઝ અલી બન્નેની ફિલ્મી કરિયર એકસાથે લોન્ચ થઈ.
'હાઈવે'ની વાર્તા ઈમ્તિયાઝે ટીવીવાળાં વર્ષોમાં લખી હતી. વાસ્તવમાં તેઓ સૌથી પહેલાં 'હાઈવે' જ બનાવવા માગતા હતા, પણ તેનો નંબર છેક હવે, પંદર વર્ષ પછી લાગ્યો છે. આજકાલ બાઉન્ડ સ્ક્રિપ્ટ વગર શૂટિંગ શરૂ થતું નથી, પણ 'હાઈવે'ની સ્ક્રિપ્ટ ઈમ્તિયાઝે ઓપન રાખી હતી. વાર્તા સ્પષ્ટ હતી, શરૂઆત અને અંત સ્પષ્ટ હતાં, પણ એનાં ક્રમબદ્ધ દૃશ્યો, ઝીણી ઝીણી વિગતો,વણાંકો, સંવાદો આ બધું જ ફિલ્મ બનતું ગયું તેમ તેમ લખાતું ગયું. 'હાઈવે' દિલ્હી- હરિયાણા-રાજસ્થાન-પંજાબ-હિમાચલ પ્રદેશ-કાશ્મીરમાં શૂટ થયેલી રોડ મૂવી છે. ટ્રક ડ્રાઈવર હીરો રણદીપ હૂડા હિરોઈન આલિયા ભટ્ટનું અપહરણ કરીને પોતાની સાથે લઈ જાય છે તેવી ફિલ્મની વાર્તા છે. કલાકારો અને ટેક્નિશિયનોનો આખો રસાલો માલસામાન સાથે ભારતના અંતરિયાળ વિસ્તારોમાં ફરતો રહ્યો. લોકેશન જોઈને નક્કી થાય કે કલાકારો અહીં શું કરશે, શું બોલશે. તે પ્રમાણે સીન અને સંવાદો લખાય. સામાન્યપણે શૂટિંગમાં દૃશ્યોનો ક્રમ જળવાતો હોતો નથી. જે રીતે કલાકારો અવેલેબલ હોય તે પ્રમાણે એના સીન શૂટ કરી લેવાય,પણ 'હાઈવે'માં એક્ઝેક્ટલી વાર્તાના પ્રવાહ પ્રમાણે જ શૂટિંગ થતું ગયું.

"આ ફિલ્મમાં પ્રવાસ માણસ પર કેવો પ્રભાવ પાડે છે તેની વાત છે," ઈમ્તિયાઝ કહે છે, "જો તમે પહેલેથી જ પ્રભાવ નક્કી કરી નાખો તો આખી જર્ની કૃત્રિમ બની જાય. તેથી આ પ્રકારની ફિલ્મ પાક્કી સ્ક્રિપ્ટ વગર બનાવવી પડે. આમ કરવા માટે હિંમત જોઈએ."
ઈમ્તિયાઝ અલીને હવે એવો વિચાર પણ આવી જાય છે કે 'જબ વી મેટ'ને પણ આ રીતે બનાવી શકાઈ હોત. આપણે ઈમ્તિયાઝ વિશે જે માન્યતા ધરાવીએ છીએ, તેના ભુક્કા બોલાવી દેવામાં એમને એક સેકન્ડ પણ લાગતી નથી. જેમ કે, 'જબ વી મેટ'ના નામનું નામ પડતાં જ આપણે બધાં કામ પડતાં મૂકીને સોફા પર ગોઠવાઈ જઈએ છીએ, પણ ઈમ્તિયાઝને ખુદને હવે 'જબ વી મેટ' નથી ગમતી! તેઓ કહે છે, "મને જો નવેસરથી આ ફિલ્મ બનાવવાની કહેવામાં આવે તો હું બધું જ બદલી નાખું. સ્ક્રીનપ્લેમાં કેટલાય લોચા છે. જેમ કે, એક સીનમાં શાહિદ-કરીના રતલામની બદનામ હોટલમાં રાતવાસો કરવા જાય છે. કરીના એટલી ભોળીભટાક છે કે એને સમજાતું જ નથી કે આ હોટલમાં વેશ્યાવૃત્તિ ચાલે છે. તમે જ કહો, મુંબઈની ગર્લ્સ હોસ્ટેલમાં વર્ષો સુધી રહેલી કઈ યુવતી આટલી ભોટ હોઈ શકે? મને લાગે છે કે મેં એક્ટરોને સીન બરાબર સમજાવ્યા જ નહોતા. ખાસ કરીને કરીનાને. ઈવન, કેટલાંક પૂરક પાત્રોનું કાસ્ટિંગ પણ મને ગરબડવાળું લાગે છે. ખેર, ફિલ્મ જેવી છે તેવી લોકોને ગમી છે તે સારી વાત છે અને આવું બધું ફિલ્મ હિટ થઈ જાય પછી જ બોલાય, પહેલાં નહીં!"
ઈમ્તિયાઝ અલીની સંવાદલેખન કળાનાં વખાણ કરતાં આપણે થાકતા નથી, પણ ઈમ્તિયાઝ પોતે શું કહે છે? "ડાયલોગ લખવામાં હું બહુ જ કાચો છું. મારામાં એ ટેલેન્ટ છે જ નહીં. હું હંમેશાં બીજા ડાયલોગ રાઈટર્સ શોધતો હોઉં છું, જે મને આ કામ કરી આપે. તકલીફ એ છે કે મને કોઈ મળતું નથી, એટલે નછૂટકે મારે ખુદ લખી નાખવું પડે છે. હું માત્ર બોલચાલની ભાષા જ જાણું છું એટલે મારા ડાયલોગ્ઝ પણ એવા જ હોય છે."
ખેર, બધું સમુસૂતરું પાર પડયું હશે તો ઈમ્તિયાઝની આ કહેવાતી 'અણઆવડત' એમની બીજી ફિલ્મોની માફક 'હાઈવે'ને પણ ફળશે. આ ફિલ્મથી ઈન્ડસ્ટ્રીમાં આલિયા ભટ્ટ નામનો બોમ્બ પણ ફૂટવાનો છે. લિખ લો!
                               0 0 0 

Wednesday, February 12, 2014

ટેક ઓફ : કબીર, રહીમ અને વેલેન્ટાઇન્સ

Sandesh - Ardh Saptahik Purti - 12 Feb 2014

ટેક ઓફ 

ક્યારેક લાગે કે પ્રેમ કદાચ સૌથી ઓવરરેટેડ લાગણી છે. લોકોએ નાહકનો આટલો બધો ચગાવી માર્યો છે પ્રેમને. આનાથી વિપરીત,ક્યારેક એમ પણ લાગે કે પ્રેમ હજુય અન્ડરરેટેડ રહી ગયો છે,આપણે તેનું ખરું મૂલ્ય હજુય પૂરતું સમજ્યા નથી.

પ્રેમની કોઈ ઋતુ ન હોય, પણ વેલેન્ટાઇનની સીઝન પ્રતિ વર્ષ જરૂર ધૂમધડાકા સાથે ત્રાટકે છે. આ વખતના વેલેન્ટાઇન્સ ડેને હજુ બે દિવસની વાર છે, પણ આપણે આગોતરા સેલિબ્રેટ કરી લઈએ,કબીર અને રહીમને સંગાથે. બન્નેની રચનાઓ પુસ્તકાકારે પ્રાપ્ય છે. એને સળંગ એકસાથે વાંચવાની અલગ મજા છે. ઔર એક મજાની વાત એ છે કે કબીર-રહીમની પ્રેમ વિશેની વાતોને પ્રેમી-પે્રમિકાના સંદર્ભમાં પણ જોઈ શકાય છે અને પ્રભુપ્રીતિ યા તો પ્રભુભક્તિના સંદર્ભમાં પણ જોઈ શકાય છે. ખેર, વેલેન્ટાઇન્સનો માહોલ છે એટલે આપણે નશ્વર દેહધારી મનુષ્યો વચ્ચે થતા પ્રેમ પર ફોકસ કરીએ.   
રહિમન પ્રીત ન કીજિએજસ ખીરા ને કીન,
ઉપર સે તો દિલ મિલાભીતર ફાંકે તીન.

રહીમ કહે છે કે પ્રેમમાં આડંબર કે દંભ ન હોય. પ્રેમને છળ-કપટ કે જૂઠ સાથે કોઈ સંબંધ નથી. ખીરા એટલે કે કાકડી બહારથી વન-પીસ દેખાય છે, પણ તેની અંદર ત્રણ ફાંટ હોય છે. પ્રેમના મામલામાં આવું ન ચાલે. બહાર વ્યક્ત થતો પ્રેમ અને ભીતર અનુભવાતો પ્રેમ- આ બન્નેનાં સ્વરૂપ એક હોવાં જોઈએ. આવું તો જ શક્ય છે જો લાગણીમાં સેળભેળ ન હોય.
રહિમન પૈંડા પ્રેમ કરોનિપટ સિલસિલૌ ગૈલ
બિછલત પાંવ પિપીલિકાલોગ લગાવત બૈલ.
પ્રેમનો માર્ગ લપસણો છે એવું ફિલ્મીગીતો લખનારાઓની પહેલાં રહીમે કહ્યું હતું. પ્રેમના રસ્તા પર કીડી પણ રેંગતી રેંગતી લપસી પડે છે અને પીઠ પર સામાન લાદીને ચાલતો બળદ હેમખેમ પસાર થઈ શકે છે. પ્રેમ એક એવું વિશ્વ છે જેમાં લાગણીને વ્યવહાર સમજતા લોકોનું કામ નથી. જેની લાગણી ઘડીકમાં વધી જતી હોય ને ઘડીકમાં ઓછી થઈ જતી હોય છે. આવી લાગણીને કંઈ પ્રેમ ન કહેવાય.
ઘડિ ચઢ ઘડિ ઉતરેવોહ તો પ્રેમ ન હોય,
અઘટ પ્રેમ હિરદે બસેપ્રેમ કહિયે સોય.

પ્રેમ તૂટક તૂટક ન હોય, તેનું અસ્તિત્વ ટુકડાઓમાં નથી. તે સળંગ હોય, નિરંતર હોય. હા, સપાટી પર નારાજગી કે રીસના પરપોટા ઊઠી શકે, પણ તે આખરે તો એ પરપોટા જ છે. થોડી વારમાં ફૂટી જશે. સાચા પ્રેમનું વહેણ ગતિશીલ છે, જે કદી અટકતું નથી. સવાલ એ છે કે તો પછી પેલું જે ક્ષણોમાં તીવ્રતાથી પ્રગટીને શાંત થઈ જતું હોય છે તેનું કશું મહત્ત્વ નહીં?
રહિમન પ્રીતિ સરાહિએમિલે હોત રંગ દૂન,
જ્યોં જરદી હરદી તજૈતજૈ સફેદી ચૂન.

રહીમ કહે છે કે પ્રિય પાત્રને મળવાથી પ્રેમની તીવ્રતા વધતી હોય તો તે ખરેખર બહુ મજાની વાત છે. હળદર અને ચૂનાને એકમેકમાં ભેળવવામાં આવે તો બન્ને પોતપોતાના રંગોનો ત્યાગ કરીને એક ત્રીજો જ રંગ ધારણ કરી લે છે. બહુ સુંદર હોય છે આ રંગ. સાચો પ્રેમ પોતાની સાથે ત્યાગની ભાવનાને લેતો આવતો હોય છે.
રહિમન રિસ સહિ તજત નહીંબડે પ્રીતિ કી પૌરિ,
મૂકન મારત આવઈનીંદ બિચારી દૌરિ.

જે આપણને ઈમાનદારીભર્યો પ્રેમ કરતા હશે, એ આપણો ત્યાગ કરવાના નથી. આપણે એના પર ગમે તેટલો ક્રોધ વરસાવીએ તોપણ નહીં. ઊંઘને જેમ ગમે તેટલી દૂર ભગાડીએ, પણ મોકો મળતાં જ એ આપણને ઘેરી લે છે, તેમ સાચો પ્રેમ કરનારી વ્યક્તિ પણ આપણાથી દૂર રહી શકતી નથી. આ વાત આપણને પણ એટલી જ લાગુ પડે છે. જો આપણો પ્રેમ ઈમાનદારીભર્યો હશે તો આપણે પણ સામેના પાત્ર સાથે આવું જ વર્તન કરીશું.

ઘણી વાર સામેની વ્યક્તિને દૂરથી પ્રેમ કરતાં રહેવાનું શા માટે વધારે અનુકૂળ લાગતું હશે? જેવી તે વ્યક્તિ પાસે આવે, તેની સાથે સમય પસાર થાય કે મન ઊંચું થવા લાગે, કશુંક ઘવાઈ જાય, અકળામણ અને કોલાહલ વધતા જાય, પ્રેમ સિવાયની લાગણીઓ સળવળ સળવળ કરવા માંડે. આવું થાય એટલે ફરી તેનાથી અળગા થઈ જવાનું, તેનાથી દૂર ચાલ્યા જવાનું મન થાય. જાણે કે 'સેફ ડિસ્ટન્સ' જાળવીશું તો જ સંબંધ ટકશે. અંતર નહીં જળવાય તો પ્રેમ પણ નહીં જળવાય. આ એક વિરોધિતા છે! કબીર એક દોહામાં કહે છેઃ
જા ઘટ પ્રેમ ન સંચરેસા ઘટ જાનું મસાન
જૈસે ખાલ લુહાર કીશ્વાસ લેત બિન પ્રાન

એટલે કે જેના હૃદયમાં પ્રેમ નથી તે માણસનું શરીર એક સ્મશાન જેવું છે. જેમ લુહારની ધમણમાં જીવ ન હોવા છતાં તે જાણે શ્વાસ લેતી હોય તેમ હવાથી ઉપર-નીચે થયા કરે છે, તેમ પ્રેમ વગરના માણસનું શરીર સજીવ હોવા છતાં મરેલા સમાન છે. ક્યારેક મરેલા સંબંધને ચાબુક મારી મારીને ધરાર જીવતો રાખવાના ઉધામા થતા હોય છે.
પ્રેમ બિના નહીં ભેષ કછુનાહક કરે સો બાદ,
પ્રેમ ભાવ જબ લગ નહીંતબ લગ ભેષ સબ બાદ.

સંબંધની ડેડબોડી પર રૂપાળાં કપડાં પહેરાવી દેવામાં આવતાં હોય છે. વેલેન્ટાઇન્સ ડે જેવા અવસરોએ ખાસ. દિલમાં જ જ્યારે પ્રેમ ન હોય ત્યારે બાહરી સ્વાંગનો શો મતલબ છે?
પ્રેમના મામલામાં ઘણી વાર સામસામા છેડાની આત્યંતિક સ્થિતિઓ એકસાથે સાચી પડી જતી હોય છે. ક્યારેક લાગે કે પ્રેમ કદાચ સૌથી ઓવરરેટેડ લાગણી છે. એને નાહકનો આટલો બધો ચગાવી માર્યો છે લોકોએ. આનાથી વિપરીત, ક્યારેક એમ પણ લાગે કે પ્રેમ હજુય અન્ડરરેટેડ રહી ગયો છે, આપણે તેનું ખરું મૂલ્ય હજુય પૂરતું સમજ્યા નથી. સમજ્યા હોઈએ તો સ્વીકાર્યું નથી. પ્રેમ વિશેની આ મથામણ આખી જિંદગી, પેઢી-દર-પેઢી, બદલાતા જતા યુગો સાથે ચાલ્યા જ કરે છે, તેથી જ પ્રેમ સૌથી વધારે ચર્ચાતી માનવીય લાગણી છે!
0 0 0

Tuesday, February 4, 2014

ટેક ઓફ : લોકથી પરલોક સુધીનો અંતિમ પ્રવાસ તમારો હાથ પકડીને કરું...


Sandesh - Ardh Saptahik Purti - 5 Feb 2014

ટેક ઓફ 

પીડા અને ફરિયાદોની ક્યારેય દૂર ન થયેલી કરચલીઓ પર મૃત્યુ અનાયાસ ઇસ્ત્રી ફેરવી દે છે, સંબંધને સુંવાળો અને સરળ બનાવી દે છે. જીવતા બાપને અને મૃત્યુ પામેલા બાપને નિહાળતી સંતાનની આંખોનો રંગ એક હોય છે કે જુદો જુદો?


કેવો હોય છે જીવતી દીકરી અને મૃત્યુ પામેલા પિતા વચ્ચેનો સંબંધ? કઈ રીતે જુદો હોય છે તે જીવતા દીકરા અને દિવંગત પિતા વચ્ચેના સંબંધ કરતાં? મૃત્યુ કદાચ સૌથી મોટું 'લેવલર' છે. તે ક્ષિતિજ સુધી ફેલાયેલા ઊબડખાબડ જીવન પર, પીડા અને ફરિયાદોની ક્યારેય દૂર ન થયેલી કરચલીઓ પર અનાયાસ ઇસ્ત્રી ફેરવી દે છે,સંબંધને સુંવાળો અને સરળ બનાવી દે છે. જીવતા બાપને અને મૃત્યુ પામેલા બાપને નિહાળતી સંતાનની આંખોનો રંગ એક હોય છે કે જુદો જુદો?
મનીષા જોષીના લેટેસ્ટ કાવ્યસંગ્રહ 'કંદમૂળ'ના એક હિસ્સામાં આ પ્રશ્નો અને તેના સંભવિત જવાબોનું એક સંવેદનશીલ વાતાવરણ ઊભું થયું છે. મનીષા આપણી ભાષાની એક ઉત્તમ કવયિત્રી છે. એણે ઓછું પણ મહત્ત્વનું કામ કર્યું છે. એ કવિતા લખે છે, લખ-લખ કરતી નથી. એ કચ્છમાં જન્મે છે, વડોદરામાં ભણે છે, મુંબઈમાં કામ કરે છે, પછી ન્યૂઝીલેન્ડ, પછી ઇંગ્લેન્ડ, પછી અમેરિકા. એનું જીવન પૃથ્વીના ચાર ખંડોમાં આસ્તે આસ્તે કોઈ પૂર્વનિશ્ચિત ડિઝાઇનના ભાગરૂપે પ્રસરે છે. ટેક્નિકલી એ અમેરિકા સેટલ થઈ કહેવાય, પણ એના જેવી નિત્ય પ્રવાસી માટે સ્થાયીભાવને ઘૂંટવો જરા મુશ્કેલ છે. 'કંદમૂળ' પહેલાં એના બે કાવ્યસંગ્રહો પ્રગટ થયાં હતાં - 'કંદરા' (૧૯૯૬) અને 'કંસારા બજાર' (૨૦૦૧). કેલિફોર્નિયાવાસી મનીષા સ્પષ્ટતા કરે છે, "મારા ત્રણેય કાવ્યસંગ્રહોનાં શીર્ષક 'ક'થી શરૂ થાય છે એ માત્ર એક યોગાનુયોગ છે. બાકી મને 'કે' માટે એકતા કપૂર કે કરણ જોહર જેવું કોઈ વળગણ નથી, પ્લીઝ." ઓકે, ચલો માન લિયા.  
મનીષાની અછાંદસ રચનાઓ હંમેશાં ખૂબ અંગત રહી છે. અંગત, ઈમાનદાર અને શાંત. આ શાંતિ ક્યારેક વિસ્ફોટોને પોતાની ભીતર દબાવી દીધા પછી પ્રગટી હોય છે. 'કંદમૂળ'માં 'કંદરા' અને 'કંસારા બજાર' કરતાં એક જુદી મનીષા સામે આવી છે. આજે ફક્ત એમાં આવરી લેવાયેલાં સ્મૃતિ કાવ્યોની વાત કરવી છે. અઢળક વહાલ કરનારા પિતા લક્ષ્મીકાંત જોષી એના માટે પ્રોટેક્ટિવ બની રહેવાને બદલે સાવ નાની ઉંમરથી વિચારશીલ સ્વતંત્રતા કેવી રીતે આપી શક્યા? મનીષાને એ વાતની હંમેશાં નવાઈ લાગતી રહી છે. એ લખે છે, "પપ્પા સતત હસતા અને હસાવતા રહેતા, પણ હું જાણી ગઈ હતી કે અંદરથી તેમને જીવન પ્રત્યે ખાસ લગાવ નહોતો. પોતાની નજર સામેથી જીવનને પસાર થતું જોઈ શકવાની ક્ષમતા તેમનામાં હતી. તેમની આ શાંતિ, નિરપેક્ષતા અને આંતરિક ઉદાસી મને પણ જાણે વારસામાં મળી છે."
મેં વારસામાં મેળવી છે
આ ઉદાસી
તમારી પાસેથી.
ભરપૂર જિવાતા જીવન વચ્ચે
અંદરથી સતત કોરી ખાતી એ લાગણી,
જાણીતી છે મને જન્મથી.
જન્મ આપનાર અને જન્મ લેનાર,
આપણે
પિતા-પુત્રી
પોતપોતાના એકાંતમાં,
અકારણ પેદા થતા અજંપાને
અવગણીએ છીએ એમ
જાણે ઊંઘમાં,
મોંમાંથી બહાર આવી જતી લાળ
લૂંછી નાખતા હોઈએ.
એકબીજાની આંખમાં આંખ ન મેળવી શકતાં આપણે,
જાણીએ છીએ
આ અજંપો ઘર કરી ગયો છે શરીરમાં.

કવિતામાં આગળ લખે છે-

ઉદાસીના એક અંતરિયાળ પ્રદેશના પ્રવાસી,
એક નાળે બંધાયેલાં,
આપણે પિતા-પુત્રી,
લોહી કરતાં પણ સાચો
આપણો સંબંધ છે
ઉદાસીનો.

જન્મદાતા સાથેનો સંબંધ માત્ર વહાલ, આત્મીયતા, સન્માન યા તો નફરત કે ઉપેક્ષાનો જ નહીં, ઉદાસીનો પણ હોઈ શકે છે. સંબંધનો આ જ રંગ સૌથી પ્રામાણિક, સૌથી ઓથેન્ટિક હોય એવુંય બને.

Manisha Joshi

મૃત્યુ ઘણી બધી સ્પષ્ટતાઓ કરી નાખે છે. ઘણાં ટપકાં જોડી આપે છે, અધૂરી આકૃતિ પૂરી કરી નાખે છે. આનાથી વિપરીત પણ શક્ય છે. મૃત્યુ વાર્તા અધૂરી રાખી દે, હવામાં કેટલાક છેડા અધ્ધર લટકતા રહેવા દે, કશંુક વ્યાખ્યાયિત થતું અટકાવી દે તેમ પણ બને. મૃત્યુ શારીરિક ઘટના છે અને ક્યારેક એનો સંબંધ આશ્ચર્યકારક રીતે ભૌતિક ચીજો સાથે જોડાઈ જતો હોય છે.'સજીવ શર્ટ' નામની કવિતામાં આ વાત સરસ ઊપસી છેઃ
કપડાંમાં સરી જતાં જીવન
અને જીવનમાં સરી જતાં કપડાં
અને એ બે વચ્ચેથી પસાર થઈ જતા
કંઈકેટલાયે પ્રસંગો,
સારા ને માઠા.
કેટલાંક કપડાં એ પ્રસંગોમાં એવાં ભળી જાય
કે જાણે એ કપડાં એ પ્રસંગો માટે જકે એ પ્રસંગો એ કપડાં માટે જ સર્જાયાં હોય.
તમને અગ્નિદાહ આપતી વખતે
ભૂજના સ્મશાનગૃહમાં મેં પહેરેલું
કાળા અને સફેદ રંગના પોલકા ડોટવાળું એ શર્ટ-
મારી સ્મૃતિમાં એવું સ્થિર થઈ ગયું છે
જાણે તમારું એ નિશ્ચેતન શરીર.
તમારા નિર્જીવ શરીર પર મેં આગ ચાંપી ત્યારે
એ શર્ટ જાણે સજીવન થઈ ગયું હતું
અને તમામ વિષાદથી પર થઈ ગયું હતું.
હું જાણું છું કે એ શર્ટને
હું ક્યારેય ફેંકી નહીં શકું.

સંતાનના જન્મની પળ અને પિતાના મૃત્યુની ક્ષણ - આ બન્ને પ્રસંગોએ એકમેકની હાજરી હોય કે ન પણ હોય. અલબત્ત, બાળકના જન્મ વખતે ઉપસ્થિત ન રહી શકનારો પિતા જાણતો હોય છે કે સંતાનનું ભવિષ્ય પોતાના બે હાથો વચ્ચેથી, પોતાની તકદીરની લકીરોમાંથી પસાર થવાનું છે, પણ પિતા વિદાય લઈ રહ્યા હોય ત્યારે ગેરહાજર રહેલા સંતાનના હાથમાં ફક્ત એ ક્ષણની કોરી સ્મૃતિ આવે છે. મનીષાએ 'દેવદૂત' નામની એક અસરકારક કવિતા લખી છે. સાંભળોઃ
તમે જ્યારે અંતિમ શ્વાસ લીધા
ત્યારે હું હાજર નહોતી.
તમારા ચહેરા પર
એ વખતે ભય હતો કે આનંદ કે રાહત
એ હું નથી જાણતી.
પણ ધીરેથી બંધ થઈ રહેલી તમારી આંખોમાં
કેટલાક ચહેરા બિડાઈ ગયા હશે.
તેમાં એક ચહેરો મારો પણ હશે.
મારા જન્મ પહેલાં
મારાથી અજાણ,
એક જીવન તમે જીવ્યા
અને હવે,
એક જીવન હું જીવીશ,
તમારા ગયા પછી તમારાથી અજાણ.
જ્ઞાત-અજ્ઞાતના ઉંબરે ઊભેલાં
આપણે પિતા-પુત્રી
કોને કહીએ પરિચિત
ને કોને માનીએ અપરિચિત?
હું તમારી યાદમાં કાગવાસ નહીં આપું,
પણ તમે આવજો
પાંખો ફફડાવતા,
જ્યારે દેવદૂતો રસ્તો પૂછે તમને
મારા ઘરનો.

હું મૃત્યુ પામું અને ફરિશ્તાઓ મને લેવા આવે ત્યારે હે પિતા! તમે એને રસ્તો દેખાડજો, એની સાથે આવજો. કદાચ તમે જ ફરિશ્તા બનીને મને તેડવા આવો, કોને ખબર? નાનપણમાં પા-પા પગલી કરતી વખતે તમે મારી આંગળી પકડતા હતા. હે પિતા! હું ઇચ્છું છું કે લોકથી પરલોક સુધીનો મારો અંતિમ પ્રવાસ પણ તમારો હાથ પકડીને જ કરું. કોઈ પણ સંતાન પોતાના જન્મદાતા પાસે આનાથી વિશેષ કશું માગી શકતું નથી!

                                                                              0 0 0