ચિત્રલેખા - જૂન ૨૦૧૩
કોલમ: વાંચવા જેવું
‘કૂતરાથી તમે ડરીને દોડો તો એ તમારી પાછળ પડે, તમને કરડે. પણ તમે એની આંખોમાં આંખ મેળવીને ઊભા રહો તો કૂતરું કંઈ ન કરે. એટલે સમાજનું એવું છે, તમે જેટલા ડરો એટલી વધારે લાતો એ તમને મારે. એની સામે ખૂલીને ઊભા રહો કે જુઓ ભાઈ, જે છું તે આ છું, મને સ્વીકારો કે નકારો.’
લગભગ કહેવતની કક્ષાએ પહોંચી ગયેલી ‘ગમતાંને કરીએ ગુલાલ’ પંક્તિ કવિ મકરંદ દવેની છે, ખરું? ના જી. આ પંક્તિ મૂળ કુન્દનિકા કાપડીઆની છે! બન્ને જીવનસંગી બન્યાં એ પહેલાંની આ વાત છે. કુન્દનિકાજી એ વખતે ‘નવનીત’ સામયિકનાં સંપાદિકા. એક વખત તેમણે મકરંદ દવેેને પત્ર લખ્યો કે તમે તો ગમતાંને ગુલાલ કરો એવા કવિ છો તો અમને એક સરસ કાવ્ય મોકલો. બસ, આ કાગળ વાંચ્યા પછી, આ પંક્તિ પરથી પ્રેરાઈને મકરન્દ દવેએ કાવ્ય લખ્યું જે મશહૂર થઈ ગયું: ‘ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ, ગમતાંનો કરીએ ગુલાલ...’
આજે જેની વાત કરી રહ્યા છીએ એ ‘સુરીલા સંવાદ’ પુસ્તકમાં આવી તો કેટલીય રસપ્રદ વાતો સંગ્રહાયેલી
Makarand Dave |
વર્તમાન રાજકીય પરિસ્થિતિના સંદર્ભમાં નરેન્દ્ર મોદી આજે વિરાટ સ્વીકૃતિની ધાર પર ઊભા છે. આઈ.ટી. + આઈ.ટી = આઈ.ટી (અર્થાત ઈન્ફર્મેશન ટેકનોલોજી + ઈન્ડિયન ટેલેન્ટ = ઈન્ડિયન ટુમોરો) જેવું ચોટડુક સૂત્ર આપનાર આપનાર નરેન્દ્ર મોદીની રોજિંદી દિનચર્યા કેવી હોય છે? જવાબ સાંભળો:
‘દિવસ તો મારો પણ બીજાની જેમ ૨૪ કલાકનો જ હોય છે. સવારે પાંચ-સવા પાંચ વાગે ઊઠું છું. ઈ-મેઈલ જોવાની ટેવ છે, ઈન્ટરનેટ પર દિલ્હીનાં, બહારનાં છાપાં વાંચવાની ટેવ છે. મારે કારણે રાજ્ય પર બોજ ન આવે એટલે શરીરને સરખું રાખવું જોઈએ, માંદા ન પડાય એવી કાળજી રાખવી જોઈએ, એટલે એને માટે યોગ, વ્યાયામ, પ્રાણાયામ કરવાની ટેવ છે. બાકી ખૂબ સાદું જીવન છે. સવારે આઠ-નવ વાગ્યે કામ ચાલુ કરું છું, રાત્રે પૂરું ન થાય ત્યાં સુધી બંધ કરતો નથી.’
પુસ્તકમાં કેટલીય નિખાલસ કબૂલાતો છે. જેમ કે, ફાધર વાલેસ સ્પષ્ટપણે કહે છે કે હું સ્પેનથી ભારત આવ્યા ત્યારે એવી સંકુચિત મનોદશા લઈને આવ્યો હતો કે ચર્ચ સિવાય મુક્તિ નહીં. આઉટસાઈડ ધ ચર્ચ ધેર ઈઝ નો સાલ્વેશન. પણ ભારતમાં આવીને ફાધર સમજ્યા કે મુક્તિ બધે જ હોય છે. સાચા દિલનો માણસ હોય તો એ ભગવાન પાસે જરુર જઈ શકે. આપણા સૌના મનમાં રમતા હોય એવા સવાલો લેખિકાએ મહાનુભાવોને અચૂકપણે કર્યાં છે. દષ્ટાંત તરીકે, મોરારિબાપુને એ પૂછે છે કે આપને જીવનમાં ક્યારેય ઘોર નિરાશાનો અનુભવ થયો છે ખરો? જો થયો હોય તો એ લાગણીમાંથી શી રીતે બહાર નીકળો છો? મોરારિબાપુ કહે છે:
Morari Bapu |
સ્વામી સચ્ચિદાનંદના કાંતિક્રારી અને આક્રમક વિચારો હંમેશાં ધારી અસર પેદા કરતા હોય છે. એ કહે છે કે મુઠ્ઠીભર મુસ્લિમ કે અંગ્રેજ કે કોઈ પણ પ્રજા વર્ષો સુધી તમારા પર રાજ કરે તો એમનામાં કોઈ ખૂબીઓ જરુર હોવી જોઈએ. હિન્દુવાદી સંસ્થાઓએે ખરેખર તો જનતાને આ પ્રજાઓની ખૂબીઓ અને આપણી ખામી બતાવવી જોઈતી હતી. એને બદલે એ જનતાને ‘હમ મહાન હૈ’નો નશો ચડાવતી રહી. ખામીઓ ધ્યાનમાં લાવવાને બદલે પ્રજાને ઊલટા ભારતીય સંસ્કૃતિની મહાનતાની ભાંગના નશામાં ચકચૂર રાખો તો આપણી કમી કઈ રીતે નાબૂદ થવાની? ‘વીરતા પરમો ધર્મ’ એવું સૂત્ર આપીને સ્વામીજી સ્પષ્ટપણે કહે છે કે વીરતા અને અહિંસા એ કંઈ પરસ્પર વિરોધી બાબતો નથી.
મધુ રાયની આત્મકથાની આપણે સૌ તીવ્રતાથી રાહ જોઈ રહ્યા છીએ. ચંદ્રકાંત બક્ષીએ તો એનું શીર્ષક પણ નક્કી કરી નાખ્યું હતું - ‘રિટર્ન ટિકિટ’. કમબખ્તી એ છે કે મધુ રાય આત્મકથા લખવાના કોઈ મૂડમાં નથી. એ કહી દે છે કે મારાં લખાણોમાં મારી આત્મકથા એવી વણાયેલી છે કે એ ફરી લખવાનો અર્થ નથી અને જે નથી લખાયું તે લખવાની હિંમત નથી!
મુલાકાતમાં કેવળ ઉત્તર આપનારનું જ નહીં, બલકે પ્રશ્ન પૂછનારનું વ્યક્તિત્ત્વ પણ છતું થતું હોય છે. લેખિકા જે રીતે સવાલો પૂછે છે અને પછી જવાબોને પચાવીને શબ્દોમાં ઢાળે છે એના પરથી એમની સમજ, નિષ્ઠા અને પક્વતા સ્પષ્ટ થાય છે. સુઘડ છપાઈ ધરાવતાં આ પુસ્તક સાથે એક્સ્ટ્રા બોનસ પણ છે- આ તમામ મુલાકાતોને આવરી લેતી ઓડિયો સીડી. વાંચવાનો જલસો પડે એવું સુંદર પુસ્તક. 0 0 0
સુરીલા સંવાદ
લેખિકા: આરાધના ભટ્ટ
પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ-૧, મુંબઈ-૧
ફોન: (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, (૦૨૨) ૨૨૦૧ ૭૨૧૩
કિંમત: ‚. ૩૯૫ /
પૃષ્ઠ: ૨૩૮
૦ ૦ ૦