ચિત્રલેખા અંક તા. ૧૪ મે ૨૦૧૨
કોલમઃ વાંચવા જેવું
‘વોટ ઈઝ ખાડિયા?’
આ સવાલ ૧૯૪૨ની હિંદ છોડો ચળવળના દિવસોમાં બ્રિટીશ પાર્લામેન્ટમાં પૂછાયો હતો. વિચાર કરો કે બ્રિટીશ શાસકો સુધ્ધાંએ જેની નોંધ લેવી પડે એવો અમદાવાદનો આ વિસ્તાર એ અરસામાં કેવો ગાજ્યો હશે. વાસ્તવમાં માત્ર ખાડિયા જ નહીં, અમદાવાદના આખા પોળ વિસ્તારની રચના અને તાસીર જ એવાં છે કે આ પ્રકારના માહોલમાં એ ‘ન્યુઝમેકર’ બન્યા વગર ન રહે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં અમદાવાદની પોળોનું બુદ્ધિધન અને યુવાધન અગ્રેસર રહ્યું હતું. અંગ્રેજોએ બંગાળના ભાગલા પાડ્યા ત્યારે ૬૦ બંગાળી વિદ્યાર્થી ખાડિયાની ધોબીની પોળમાં રહ્યા હતા. આ વિદ્યાર્થીઓ ખરેખર તો ક્રાંતિકારી હતા. ખેર, આક્રમકતા અને ઝનૂન તો પોળનો એક રંગ થયો. આજનાં પુસ્તકમાં અમદાવાદના પોળકલ્ચરનું આખેઆખું શેડકાર્ડ પેશ થયું છે.
પોળ વચ્ચે પોળ થઈને ગૂંથાતી આ પોળો
એકસરખી લાગે બધ્ધી જોઈ આંખો ચોળો
લેખિકાએ પુસ્તકમાં દિનેશ ડોંગરે લિખિત કવિતાની આ પંક્તિ ટાંકી છે જે પોળોની જટિલ ભૂગોળને આબાદ વ્યક્ત કરે છે. સાંકડા રસ્તા, અસંખ્ય પોળ, પોળમાં બીજી પોળ, પોળમાં ખાંચો એટલે કે ખડકી, ખડકીથી ગલી અને ગલીકૂંચી પછી રસ્તો! આ ભુલભુલામણી એવી તો કમાલની છે કે ભલભલો તીસમારખાં એમાં ભુલો પડી શકે! અમુક ઘર તો એવાં છે કે એનાં બારણાં ત્રણ-ત્રણ પોળમાં પડે છે. પ્રસ્તાવનામાં વિનોદ ભટ્ટે એક સરસ વાત નોંધી છે. રાયપુરમાં પખાલીની પોળ અને લાંબા પાડાની પોળ પાસેપાસે છે. શહેરમાં રમખાણો થાય ત્યારે લાંબા પાડાની પોળના છોકરા તોફાન કરે અને પોલીસના હાથનો માર પખાલીની પોળના છોકરાઓએ ખાવો પડે. ‘પાડાના વાંકે પખાલીને ડામ’ કહેવત આ રીતે પડી છે!
પોળ શબ્દ સંસ્કૃત ‘પ્રતોલી’ પરથી ઉતરી આવ્યો છે. સોલંકીયુગમાં પોળ ‘પાડા’ તરીકે ઓળખાતી. વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો પામેલાં ભારતના એકમાત્ર શહેર અમદાવાદનો ઐતિહાસિક વારસો આ પોળોમાં સરસ રીતે સચવાયો છે. પોળ છેક મોગલકાળમાંય અસ્તિત્ત્વ ધરાવતી હતી. અમદાવાદના ૬૦૦ વર્ષના ઈતિહાસ દરમિયાન કેટલીય પોળ બંધાઈ અને કેટલીય નષ્ટ પામી. તેમ છતાં આજેય ૬૦૦થી વધારે પોળમાં આશરે ૬૦ હજાર જેટલાં મકાન એકમેકના ખભે હાથ મૂકીને ખુમારીથી ઊભાં છે.
લેખિકાએ પોળમાં પરિભ્રમણ અહીંની જીવનશૈલીને નજીકથી નિહાળી છે અને ખૂબ બધું રિસર્ચ કરીને કંઈકેટલીય રસપ્રદ માહિતી એકઠી કરી છે. પોળની બાંધણીમાં બે પ્રકાર જોવા મળે દુકાનો સહિતનાં મકાનોવાળી પોળ અને માત્ર રહેઠાણવાળી પોળ. જૂનાં બાંધકામમાં જમીનથી ઉપર ઓટલો અને ઓટલા ઉપર મકાન બાંધવામાં આવતું. ઘરની વચ્ચોવચ્ચ ચોક હોય. હવેલી જેવાં દેખાતાં મકાન વધુ મોટાં હોય. તેમાં સુંદર મજાની કોતરણી અને કાષ્ઠકલાના નમૂના જોવા મળે. લાકડાંની ફ્રેમવર્કને કારણે આ મકાન ધરતીકંપના આંચકા વધારે તાકાતથી ઝીલી શકે છે. તેથી જ ૨૦૦૧માં ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપમાં પોળનાં મકાનોને ઓછ નુક્સાન થયું હતું. ચબૂતરા યા તો પરબડી પણ પોળની આર્કિટેક્ચરનો મહત્ત્વનો હિસ્સો છે.
કેટલીક હવેલીમાં ચોરદરવાજા ઉપરાંત ગુપ્ત ભોંયરાં પણ જોવા મળે. જેમકે, ધોબીની પોળમાં ‘વારસો’ નામની હવેલીમાં એક ભોંયરું છે, જે છેક ભદ્રના કિલ્લા તરફ બહાર નીકળે છે! આ ભોયરું માણસ ઘોડા પર સવાર થઈને આરામથી પસાર થઈ શકે એટલું પહોળું છે. જૂના જમાનામાં આવાં ભોંયરાંનો ઉપયોગ ગુપ્ત સંદેશાની આપલે કરવા માટે થતો. સાંકડી શેરીમાં સ્થાપત્યકલાના ઉત્તમ નમૂના જેવી દોઢસો વર્ષ જૂની દીવાનજીની હવેલી છે. એમાં ૨૦ ઓરડા ઉપરાંત અન્ડરગ્રાઉન્ડ સ્વિમિંગ પુલ પણ છે!
પોળ કલ્ચર ગરીબ અને તવંગરને એક જ સ્તર પર ખેંચી આવવાની તાકાત હંમેશા હતી. જે પોળમાં મિલમાલિક રહેતો હોય એ જ પોળમાં એ મિલનો મજૂર પણ રહેતા હોય. પોળનાં નામોની પાછી અલગ જ મજા છે. અમુક નામ જ્ઞાતિવાચક છે (દરજીનો ખાંચો, માળીની પોળ, હજામની પોળ, પટેલની ખડકી), અમુક નામ વ્યક્તિવાચક છે (ગાલા ગાંધીની પોળ, અબુ ભટ્ટનો ખાંચો, મહોમદ જમાદારની ગલી, ભાભા પારસનાથનો ખાંચો), અમુક નામ દેવદેવીવાચક છે (શ્રીરામજીની શેરી, લક્ષ્મીનારાયણની પોળ, પંચમુખી હનુમાનનું ડહેલું) તો અમુક પશુપંખીવાચક છે પોળ, દેડકા પોળ, ચામાચીડિયાની પોળ, ખિસકોલા પોળ, વાઘણ પોળ, બકરી પોળ)!
અખા ભગત અને કવિ દલપતરામ સહિત કેટલાય જાણીતા કવિ, સંતમહાત્મા, ઉદ્યોગપતિ, કલાકાર અને ક્રાંતિકારી જે ગલીઓમાં જીવન વીતાવી ચૂક્યા છે એ પોળો હવે તૂટવા લાગી છે. પરિવર્તન એ સમયનો નિયમ છે. પોળ પણ એમાંથી શી રીતે બાકાત રહે? માંડવીની પોળ વાસણબજારમાં તબદીલ થઈ ગઈ છે, પાદશાહની પોળમાં હવે કાપડબજાર ધમધમે છે, તો રાયપુર ચકલામાં વસ્ત્રભંડારો થઈ ગયા છે. એવા કેટલાય અમદાવાદીઓ છે જે પોળ છોડીને નવા અમદાવાદનાં રેસિડેન્શિયલ કોમ્પલેક્સીસમાં શિફ્ટ થાય તો છે, પણ પછી થોડા જ સમયમાં પોળ કલ્ચરને તીવ્રતાથી મિસ કરવા લાગે છે.
‘અમદાવાદની પોળમાં’ એક પરફેક્ટ કોફી-ટેબલ બુક છે. શ્રેષ્ઠ પ્રોડક્શન વેલ્યુ, અફલાતૂન ક્વોલિટી ધરાવતા ચિક્કાર ફોટોગ્રાફ્સ, માપસરનું લખાણ અને અફકોર્સ, ઊંચી કિંમત. પુસ્તકમાં ખાડિયા, કાળુપુર, દરિયાપુર, શાહપુર, જમાલપુર અને રાયખડની પોળોની સંપૂર્ણ સૂચિ ઉપરાંત પોળનાં મકાનોનાં નક્શા તેમજ રેખાંકન પણ છે, જે લેખિકાની સજ્જતાનો પૂરાવો છે. લેખિકાની ભાષા સરળ છે, જે વધારે સફાઈદાર હોઈ શકી હોત. આપણી ભાષામાં કોફીટેબલ બુક્સ ઓછી બને છે ત્યારે ‘અમદાવાદની પોળમાં’ને ઉમળકાભેર વધાવી લેવા જેવું છે. 0 0 0
અમદાવાદની પોળમાં
લેખિકાઃ રિદ્ધિ પટેલ
પ્રકાશકઃ ઓમ પબ્લિકેશન, અમદાવાદ - ૬
વિક્રેતાઃ નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ૧
ફોનઃ (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, ૨૨૧૩ ૨૯૨૧
કિંમતઃ રૂ. ૧૨૦૦ /
પૃષ્ઠઃ ૧૨૮