Saturday, April 28, 2012

મૈં બેડની તેરે આંગન કી...


 દિવ્ય ભાસ્કર -  રવિવાર પૂર્તિ  - ૨૯ એપ્રિલ ૨૦૧૨ 

સ્લગઃ મલ્ટિપ્લેક્સ

‘અમે ઝી ટીવી પર કાનૂની કેસ ઠોકી દેવાના છીએ. ઝીની સિરિયલ જોઈને લોકોના મનમાં એવી જ છાપ પડે છે કે બેડીયા સમાજના બધા જ પુરુષો ઘરની સ્ત્રીઓ પાસે ધંધો કરાવે છે...’ 




હેલી નજરે તો આ ગામ બીજા કોઈ પણ સામાન્ય ગામ જેવું જ લાગે છે. એકબીજાને વળગીને ઊભેલાં કાચાંપાકાં મકાનો, ગરમીની ઉગ્રાતાને લીધે સહેજ સૂની થઈ ગયેલી સાંકડી ગલીઓ, કૂવા, રખડતાં જનાવરો, દીવાલ પર ચીતરેલાં સરકારી સ્લોગનો, અજાણ્યા શહેરી માણસોને ઉત્સુક નજરે તાકી રહેતા લોકો... પણ આ  સામાન્યપણું ભ્રામક છે. આ ગામ કંઈક એવા અસાધારણ તત્ત્વને સમાવીને બેઠું છે કે એ વિશે જાણતા અસ્વસ્થ થઈ જવાય.

Patharia village, Madhya Pradesh

આ પથરિયા ગામ છે. ભોપાલથી લગભગ ૧૮૦ કિલોમીટરના અંતરે આવેલા સાગર નામના શહેર તરફ જતી વખતે મુખ્ય સડક છોડીને સહેજ અંતરિયાળ જાઓ એટલે પથરિયા ગામ આવે. અહીં મુખ્યત્વે બેડીયા સમાજના લોકો વસે છે. આ સમાજ અને તેની એક કુપ્રથા આજકાલ સમાચારમાં છે. ખાસ કરીને ઝી ટીવીની નવી લોન્ચ થયેલી ‘ફિર સુબહ હોગી’ સિરિયલને કારણે.  આ ડેઈલી સોપના પ્રોમો શરૂ થતાંની સાથે જ દર્શકોમાં ઉત્સુકતા સળવળવા લાગી હતી. બાળકીનો જન્મ થવાથી રાજી રાજી થઈ ગયલો પુરુષ, ઘેરદાર ઘાઘરા પહેરીને સમૂહનૃત્ય કરી રહેલી સ્ત્રીઓ, સુંદર યુવતી જોઈને મોહિત થઈ ગયેલો ઘમંડી ઠાકુર અને કન્યા પર દુપટ્ટો ફેંકીને થતી ઘોષણાઃ ‘આજથી આ છોકરી મારી...’

સિરિયલના પ્રારંભિક એપિસોડ્સ પરથી સહેજે સવાલ જાગે કે પરણ્યા વગર બચ્ચાં જણ્યાં કરતી આ સ્ત્રીઓ, સામંતી માનસિકતા ધરાવતા આ ઠાકુરો... આ ક્યા જમાનાની વાત છે? પણ પથરિયા ગામની મુલાકાત લો અને બેડીયા સ્ત્રીપુરુષો સાથે વાતચીત કરો તો તરત સ્પષ્ટ થાય છે સમજાય કે આ વિચિત્ર કુરિવાજ આજેય પ્રચલિત છે.

બેડીયા સમાજ સ્ત્રીકેન્દ્રી છે. પારંપરિક રીતે ઘર ચલાવવાની જવાબદારી પુરુષની નહીં, સ્ત્રીની છે. આ જવાબદારી એ કેવી રીતે નિભાવે છે? નાચીને, ઠાકુર પુરુષોની રખાત બનીને. બેડીયા સ્ત્રીઓ ચમકતા ઘેરદાર ઘાઘરા બે હાથેથી પકડીને અને ગોળ ગોળ ઘુમીને કલાકો સુધી અસ્ખલિતપણે જે નૃત્ય કરે છે એને રાયડાન્સ કહે છે. ઠાકુર સમાજમાં લગ્નો હોય, મુંડન કે અન્ય કોઈ સેલિબ્રેશન હોય ત્યારે મહેમાનોનાં મનોરંજન માટે બેડીયા સ્ત્રીઓને (જેને ‘બેડની’ કહે છે) તેડાવવામાં આવે. આજની તારીખે એક બેડની અમુક કલાકના રાયડાન્સનાં પર્ફોર્મન્સ માટે પાંચથી પંદર હજાર રૂપિયા સુધીનો પુરસ્કાર લે છે. એ તો જેવી સિઝન અને જેવી ડિમાન્ડ. ઠાકુર સમાજમાં રાયડાન્સ એક પ્રકારનું સ્ટેટસ સિમ્બોલ ગણાય છે. કોઈ પ્રસંગમાં માનો કે સાત બેડનીઓએ રાયડાન્સ કર્યો તો એનો હરીફ ઠાકુર વટ પાડી દેવા પંદર બેડનીઓને તેડાવીને રાયડાન્સ કરાવશે. આ વટમાં ને વટમાં જમીન-જાયદાદ વેચાઈ જવાના દાખલા સુધ્ધાં બન્યા છે!

શોખીન ઠાકુરની નજર કોઈ બેડની પર ઠરે એટલે એના પર ચુંદડી ઓઢાડીને એને પોતાની બનાવી લે. આ વિધિને ‘સરઢકાઈ’ કહે છે. એક વાર સરઢકાઈ થાય એટલે સ્ત્રી એ ઠાકુરની શય્યાસંગિની બની ગઈ કહેવાય. આ બેડનીએ પછી ‘ઓનડિમાન્ડ’ હાજર રહેવાનું, રખાતની માફક રહેવાનું અને ઠાકુરને પોતાના શરીરથી સંતુષ્ટ રાખવાના. બદલામાં ઠાકુર એને રૂપિયાપૈસાદાગીના અને ક્યારેક અલાયદું મકાન પણ આપે. આ સંબંધથી બચ્ચાં પણ થાય. જોકે ઠાકુર બેડનીનાં સંતાનને પોતાની અટક ન આપે. સ્ત્રીથી ધરાઈ જાય એટલે ઠાકુર કોઈ પણ ખુલાસા વગર નાતો સંકેલી લે. પાછી નવી બેડની, નવો સંબંધ. શક્ય છે કે બેડનીને પણ નવો ઠાકુર મળી જાય. અન્યથા રાયડાન્સ કરીને જીવન ગુજારવાનું. એક વાર સરઢકાઈ કરી ચૂકેલી બેડની ક્યારેય લગ્ન કરી શકતી નથી. અલબત્ત, બેડનીઓ પોતાની જાતને આજીવન સૌભાગ્યવતી માને છે અને માથામાં સિંદૂર પૂરે છે.

બેડીયા સમાજમાં જન્મેલી તમામ છોકરીઓ આ જ રસ્તે આગળ વધે એ જરૂરી નથી. અમુક છોકરીઓનાં રીતસર લગ્ન પણ થાય છે અને કોઈપણ નોર્મલ ગ્રામ્ય યુવતીની જેમ એ સંસાર માંડે છે અને નિભાવે છે. પથરિયા ગામના એક આધેડ સજ્જન રોષે ભરાઈને કહે છે, ‘ઝી ટીવીની આ સિરિયલને કારણે અમારો સમાજ બદનામ થઈ રહ્યો છે. અમે ઝી ટીવી પર કાનૂની કેસ ઠોકી દેવાના છીએ. સિરિયલ જોઈને બહારના લોકોના મનમાં એવી જ છાપ પડે છે કે બેડીયા સમાજના બધા જ પુરુષો ઘરની સ્ત્રીઓ પાસે ધંધો કરાવે છે. હકીકત જુદી છે. અમારા સમાજમાં બે ભાગ પડી ગયા છે. એક હિસ્સો મહેનતમજૂરી કરે છે, ભણે છે અને ઈજ્જતથી જીવન જીવવાની કોશિશ કરે છે. ઘણા પુરુષો સારી સરકારી નોકરીઓ કરે છે. સામે પક્ષે, સમાજના બાકીના લોકો હજુય સદીઓ જૂની પ્રથાને આગળ વધારી રહ્યા છે. પણ મજૂરી કરનારને આખો દિવસ પરસેવો વહાવે ત્યારે માંડ સો રૂપિયા મળે, જ્યારે બેડની એક રાત નાચીને હજારો રૂપિયા કમાઈ લે છે. એટલે મહેનત કરનારો વર્ગ પાછળ રહી ગયો છે, જ્યારે બીજો વર્ગ સુખસુવિધાભરી જિંદગી જીવી રહ્યો છે.’

Urmila (left) and Sangita, members of  Bedia community, are amazing Raai dancers. Ramsahay Pandey, a celebrated folk artist, has been organizing shows or Raai -dance all over the world since decades. 


વાત તો સાચી છે. બેડની બનીને રાયડાન્સ કરીને કમાવામાં શ્રમ ઓછો અને સુવિધા વધુ છે. સાવ ખોબા જેવડાં ગામમાં રહેતી રાયનર્તકીઓ પાસે મહાનગરની આધુનિકાઓને પણ લઘુતાગ્રાંથિ થઈ આવે એ કક્ષાના મેકઅપનો સરંજામ હોય છે. ‘ફિર સુબહ હોગી’ના યુવાન પ્રોડ્યુસર સૌરભ શ્રીવાસ્તવ મધ્યપ્રદેશના આ જ વિસ્તારમાં ઉછર્યા છે અને સિરિયલનો કન્સેપ્ટ પણ તેમનો જ છે. તેઓ કહે છે, ‘અમારો શોનો ઉદ્દેશ જ આ કુપ્રથાની વિરોધ કરવાનો, તેના વિશે જાગૃતિ ફેલાવવાનો છે. મુખ્ય નાયિકા સુગનીને રાયડાન્સ કરવામાં કે સરઢકાઈ કરી લઈને કોઈ ઠાકુરની દાસી બની રહેવામાં રસ નથી. બેડીયા આગેવાનો નાહકના ગુસ્સે થઈ રહ્યા છે. અમારા શોમાં બેડીયા સમાજનું પ્રગતિશીલ પાસું સંતુલિત રીતે પેશ થશે જ.’


Raai dance: Reel (above) and real (below)




મજાની વાત એ છે કે બેડની સ્ત્રીઓ પોતાની જીવનશૈલીથી ખુશ છે. ત્રીસ વર્ષની સંગીતા નામની મહિલા કહે છે, ‘મારી મોટી બહેને શાદી કરી છે, પણ મારે નહોતી કરવી. હું જે ઠાકુરની બેડની છું એ કિસાન છે. અમારા સમાજની જે પરંપરા સદીઓથી ચાલી આવે છે એને અપવાવવામાં મને કંઈ ખોટું લાગતું નથી. મારે એક દીકરો છે. એને હું ભણાવીશ. એને જે બનવું હશે એ બનાવીશ. મને કોઈ અફસોસ કે ફરિયાદ નથી.’ સંગીતાની સત્તર વર્ષની ભત્રીજી ઉર્મિલાને પણ લગ્ન કરીને ઠરીઠામ થવામાં કોઈ રસ નથી. એને બેડની જ બનવું છે. બેડનીની એશોઆરામભરી જિંદગી કદાચ તેને વધારે આકર્ષે છે! રાયડાન્સની તાલીમ એણે પોતાની ફોઈ પાસેથી જ મેળવી છે. રાયડાન્સ વાસ્તવમાં એક લોકનૃત્ય છે અને રામસહાય પાંડે જેવા વયસ્ક કલાકાર રાયનર્તકીઓના જૂથ સાથે દુનિયાભરમાં શોઝ કરે છે, ઈનામઅકરામો જીતે છે તેમજ અન્ય સમાજની તરૂણીઓને રાયડાન્સ શીખવે પણ છે.

બેડીયા સમાજના આગેવાનો ખરેખર ‘ફિર સુબહ હોગી’ વિરુધ્ધ પગલાં ભરશે? સંભાવના ઓછી છે. શું વરૂણ બડોલા અને નારાયણી શાસ્ત્રી જેવા મંજાયેલાં અદાકારોવાળી આ સિરિયલ ખરેખર બેડીયાઓની કોમ્પલેક્સ સમાજવ્યવસ્થાને ફોકસમાં રાખીને આગળ વધશે કે ધીમેધીમે ચીલાચાલુ લવસ્ટોરી બનતી જશે?  લેટ્સ વેઈટ એન્ડ વોચ!



શો-સ્ટોપર

આખા દેશમાં મારા વીર્યની ડિમાન્ડ ઉપડી છે. જો હું બધાને વીર્યદાન કરું તો ‘રાષ્ટ્રપિતા’ બની જઈશ! 

 - જોન અબ્રાહમ (‘વિકી ડોનર’નો પ્રોડ્યુસર)











Saturday, April 21, 2012

રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈ....


 દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ - ૨૨ એપ્રિલ ૨૦૧૨ માટે 

સ્લગઃ મલ્ટિપ્લેક્સ

આમ ઈન્સાન હોય કે બોલીવૂડનો હીરો, પિતૃત્વ કશુંક બદલી નાખે છે પુરુષની ભીતર. પિતૃત્વને કારણે જીવનમાં જે અમુક ચોક્કસ ઉઘાડ થાય છે તે કદાચ અન્ય કોઈ રીતે થઈ શકતો નથી. ‘’

Akshay Kumar displaying tattoo of his son's name, Aarav
તાજા તાજા રિલીઝ થયેલા ‘રાઉડી રાઠોડ’ના ટ્રેલરમાં અક્ષય કુમાર પોતાની તલવાર કટ મૂછોની વળ ચડાવીને એકસ્ટ્રાઓને સારી પેઠે ધીબેડે છે. ‘દબંગ’ની અસર હેઠળ બનેલી દેખાતી આ ફિલ્મમાં ખિલાડીકુમારે લાંબા અરસા પછી સીટી મારવાનું મન થાય એવી એક્શન સિકવન્સીસ કરી છે. અક્ષયને પૂછવામાં આવ્યું કે તમે મૂળ રહ્યા એક્શન હીરો, પણ છેલ્લે કેટલાક વર્ષથી ધબાધબીને સાવ વિસારીને કોમેડીએ કેમ ચડી ગયા હતા? અક્ષયે જવાબ આપ્યોઃ  ‘મારા દીકરા આરવને લીધે. પહેલાં હું ફક્કડ ગિરધારી હતો. આગળપાછળનું વિચાર્યા વિના જાતે જોખમી સ્ટંટ્સ કરતો હતો, પણ આરવ જન્મ્યો એ સાથે મારી માનસિકતામાં નક્કર પરિવર્તન આવ્યું. મને થતું કે કોઈક છે, જેનું આખું જીવન મારાં પર નિર્ભર છે. સ્ટંટ કરતી વખતે તમે ગમે તેટલી સાવચેતી રાખો, પણ રિસ્ક ફેક્ટર હંમેશાં રહેતું જ હોય છે. હીરોગીરી કરવામાં, સ્ંટટ કરતી વખતે જે કમાલની એક્સાઈટમેન્ટ થતી હોય છે તેની લાલચમાં કશુંક ન થવાનું થઈ ગયું તો? આરવ આવ્યો પછી લાઈફમાં પહેલી વાર મેં મારી જાતને સ્ટંટ કરતા રોકી અને હું કોમેડી તરફ વળ્યો. એ હવે દસ વર્ષનો થઈ ગયો છે, સમજણો થઈ ગયો છે એટલે હવે હું ખાસ્સો રિલેક્સ્ડ છું. મેં એક્શન ફિલ્મો તરફ નવેસરથી ધ્યાન આપવાનું શરૂ કર્યુ છે તેનું કારણ આ જ.’



આમ ઈન્સાન હોય કે બોલીવૂડનો હીરો, પિતૃત્વ કશુંક બદલી નાખે છે માણસની ભીતર. એ નાનકડા જીવમાં પ્રચંડ તાકાત હોય છે જીવનને એક જુદા જ સ્તર પર મૂકી દેવાની. પુરુષનો દષ્ટિકોણ બદલાય છે, એ વધારે માનવીય, વધારે સંવેદનશીલ બને છે. પિતૃત્વને કારણે જીવનમાં જે અમુક ચોક્કસ ઉઘાડ થાય છે તે કદાચ અન્ય કોઈ રીતે થઈ શકતા નથી. અભિષેક બચ્ચનની બેબલી આરાધ્યા મા પર ગઈ છે (થેન્ક ગોડ!) અને અભિષેક એને રમાડતા રમાડતા થાકતો નથી. એ કહે છે, ‘માનો યા ન માનો, પણ આજે મારાં મમ્મીડેડી સાથે જેટલી નિકટતા અનુભવું છું એટલી મેં અગાઉ ક્યારેય નહોતી અનુભવી. મને લાગે છે દરેક નવા પેરેન્ટને આવું જ ફીલ થતું હશે. મને હવે સમજાય છે કે હું ૩૬ વર્ષનો ઢાંઢો થયો તોય મમ્મીડેડી શું કામ મને હજુ બાળકની જેમ જ ટ્રીટ કરે છે!’

Ranvir Shorey with his son Haroon


અભિષેક-ઐશ્વર્યાની બેબલી પાછળ મિડીયા એવું ગાંડું ગાંડું થઈ ગયું હતું કે લગભગ એ જ અરસામાં કોંકણા સેન શર્મા અને રણવીર શૌરીને ઘરે પણ ઘોડિયું બંધાયું એ વિશે ખાસ લોકોનું ધ્યાન ન ગયું. રણવીર શૌરી કહે છે, ‘સંતાન હોવા વિશે આપણે ખૂબ બધું સાંભળતા હોઈએ છીએ, વાંચતાજોતા હોઈએ છીએ, પણ ખરેખરો અનુભવ આ બધાથી કંઈક વિશેષ જ છે. અચાનક જ તમે એક જાદુ જુઓ છો, એક ચમત્કાર જુઓ છો કે જેને આપણે મનુષ્યજીવન કહીએ છીએ. લગ્ન કરવાં, ઘર માંડવું એ જરાય સહેલું નથી હોતું. બીજા કોઈ પણ નોર્મલ કપલની જેમ અમારે ય બાખડવાનું થાય, ટેન્શન ઊભું થાય, દિમાગ ખરાબ થઈ જાય... પણ પછી જ્યારે મારા નાનકડા દીકરાને જોઉં છું અને અમે ત્રણેય જે રીતે કિલ્લોલ કરીએ છીએ ત્યારે થાય કે બસ, આવી ક્ષણો મળતી રહે તો લાઈફનાં સઘળાં ટેન્શન વસૂલ છે.’

Shahrukh Khan with Suhana and Aryan


શાહરૂખ ખાન બે બચ્ચાંનો બાપ છે આર્યન અને સુહાના. એ કહે છે, ‘હું જ્યારે મારાં બાળકોને જોઉં છું ત્યારે એમના ચહેરા પર મને પ્યોરિટી અને સ્પોન્ટિનિટી દેખાય છે. ગણતરીબાજ દુનિયાદારીથી અને અમે એક્ટરો જેનાથી સતત પીડાતા હોઈએ છીએ એ ઈર્ષ્યાવૃત્તિથી બન્ને જોજનો દૂર છે. એમનું માત્ર નિરીક્ષણ કરવાથી હું જાણે માણસ તરીકે વિકસી રહ્યો હોઉં એવું મને લાગે. હું  કામમાં એટલો બધો બિઝી ક્યારેય બનવા માગતો નથી કે મારાં બચ્ચાંઓનો ગ્રાોથ મારા ધ્યાન બહાર રહી જાય. એવી સફળતાનો મતલબ પણ શું છે?’

ફરહાન અખ્તર જેવો વર્સેટાઈલ માણસ આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બીજો એકેય નથી. એ પેરેન્ટિંગ વિશે શું કહે છે?  ‘તમે મા કે બાપ બનો છો એ ક્ષણથી જ તમે જીવનને ગંભીરતાથી લેવાનું શરૂ કરી દો છો. અત્યાર સુધી તમે પ્રવાહમાં વહ્યા કરતા હતા, પણ હવે તમે અટકો છો, વિચારો છે અને પછી જ આગળ વધો છો. મારી દીકરીઓનો જન્મ મારા જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ છે. એ જન્મી પછી હું ફક્ત પરિવાર તરફ જ નહીં, બલકે કામ પ્રત્યે પણ વધારે જવાબદાર બન્યો. સંતાન ન હોય ત્યાં સુધી માણસ સ્વકેન્દ્રી હોય છે, પણ સંતાનનો જન્મ થતાં જ એ ‘હું’ના કુંડાળામાંથી બહાર આવી જાય છે અને ‘અમે’ના સંદર્ભમાં જીવવા લાગે છે.’

Farhan Akhtar with his daughter and dad


ફિલ્મોની સ્ક્રિપ્ટ પસંદ કરતી વખતેય દીકરીઓ ફરહાન માટે મહત્ત્વનંુ પરિબળ બની રહે છે. એ કહે છે કે હું એવી ફિલ્મો ક્યારેય નહીં કરું જેને સાથે બેસીને જોતી વખતે મને કે મારી દીકરીઓને ઓકવર્ડ ફીલ થાય. ‘મારી દીકરીઓ મારી ફિલ્મોને બહુ જ સ્ટ્રોન્ગલી રિએક્ટ કરે છે,’ ફરહાન ઉમેરે છે, ‘એટલે જ મારી ફિલ્મોમાં સ્ત્રીપાત્રોનું ચિત્રણ કરતી વખતે હું બહુ સભાન રહું છું. એ આજે બાળકી છે, કાલે સ્ત્રી બનશે. હું પડદા પર સ્ત્રીને હલકી ચિતરું કે હલકી નજરથી જોઉં કે એની સાથે હલકી ભાષામાં બોલું કે એમને ખરાબ રીતે ટ્રીટ કરું... હું નથી ઈચ્છતો કે આ બધું મારી દીકરીઓના મનમાં અભાનપણે નોંધાતું રહે.’

નાનાં બચ્ચાં ભલે ઉધામા મચાવતા હોય, પણ એના જેવું સ્ટ્રેસબસ્ટર બીજું એકેય નથી. આ એક આકર્ષક વિરોધિતા છે. અક્ષય કહે છે, ‘હું ભલેને ગમે એટલો થાક્યોપાક્યો ઘરે આવું, પણ મારો દીકરો મારામાં પાછી એનર્જી ભરી દે છે. મને ખરેખર થાય છે કે બાપ બન્યો ન હોત તો મારું એનર્જી લેવલ આટલું ઊંચું ન હોત. એવી જરૂર જ ન પડત. લોકો કહેતા હોય છે કે સંતાનથી માણસને ઉંમરને અહેસાસ થવા માંડે છે, પણ મારો આરવ તો મને જુવાની ટકાવી રાખવામાં મદદ કરે છે!’

થ્રી ચિયર્સ ફોર ફિલ્મી ફાધર્સ!

શો-સ્ટોપર

જે પૈસા પેદા કરી શકતી નથી એવી કોઈ પણ ચીજ લાંબો સમય સુધી ક્રિયટિવ રહી શકતી નથી.


- મહેશ ભટ્ટ (ફિલ્મમેકર)

Saturday, April 14, 2012

અળવીતરી રિયાલિટી


દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ -  ૧૫ એપ્રિલ ૨૦૧૨

સ્લગઃ મલ્ટિપ્લેક્સ


પુણ્ય કરતાં પાપ વધારે આકર્ષક છે. અધઃપતનમાં એક પ્રકારનું ગ્લેમર છે. એટલે જ બેવફાઈ, વ્યભિચાર, વેશ્યાવૃત્તિ, પોર્નોગ્રાફી, સેક્સની વિકૃતિઓ, હિજડા, રંગભેદ... આ બધાથી ખદબદતા ‘જેરી સ્પ્રિન્ગર’ જેવા ટીવી શોઝ ચિક્કાર જોવાય છે.



ચોખલિયાપણું બાજુ પર મૂકીને એક સાવ સાચાં દશ્યની કલ્પના કરો. એક ટીવી સ્ટુડિયોમાં રિયાલિટી શોનું શૂટિંગ ચાલી રહ્યું છે. અતિ ઉત્સાહી લાઈવ ઓડિયન્સની સામે પચ્ચીસેક વર્ષની એક યુવતી પોતાની આપવીતી સંભળાવી રહી છે, ‘હું અને મારો બોયફ્રેન્ડ પાંચ વર્ષથી સાથે રહીએ છીએ. લગ્ન કર્યાર્ં નથી, પણ અમારે બે બચ્ચાં છે. થયું એવું કે મારી કઝિન ચાર મહિના પહેલાં અમારે ત્યાં રહેવા આવી હતી. એ સ્ટ્રીપર છે (એટલે કે નાઈટ ક્લબમાં નાચતાં નાચતાં એક એક કપડાં  ઉતારતાં જઈને પુરુષોનું મનોરંજન કરવાનું કામ કરે છે)ે. અમારી સાથે બે મહિના રહી અને પછી બીજે રહેવા જતી રહી. થોડા દિવસ પહેલાં મને ખબર પડી એ મારા ઘરમાં રહેતી હતી ત્યારથી મારા બોયફ્રેન્ડ સાથે સૂવા લાગેલી. હજુય બેયનું સૂવાનું ચાલુ જ છે...’

આ સાંભળીને ઓડિયન્સ તાનમાં આવી જાય છે. ‘ઓલરાઈટ,’ એન્કર કહે છે, ‘કઝિનને પેશ કરવામાં આવે...’ તરત જ એક અડધી ઉઘાડી છોકરી લટકમટક કરતી એન્ટ્રી લે છે. ઓડિયન્સ ચિચિયારીઓથી વાતાવરણ ગજવી મૂકે છે. યુવતી નંબર વન બબ્બે કટકા બોલતી એને તતડાવી નાખે છે, ‘(ગાળ, ગાળ) મેં તને મારા ઘરમાં રહેવા દીધી ને તું (ગાળ) મારા જ  મરદ પર નજર બગાડે છે?’ પેલી લાજવાને બદલે ગાજે છે, ‘હું મને મન ફાવે એની સાથે સૂઈ જાઉં, તું (ગાળ) છો કોણ મને રોકવાવાળી?’ પત્યું. છુટ્ટા હાથની મારામારી શરૂ. લાફા, ઘુસ્તા, લાત, એકબીજા વાળ પકડીને નીચે પટકવી... એન્કર તમાશો જોયા કરે છે. ઓડિયન્સ ચિચિયારીઓ અને તાળીઓ નોનસ્ટોપ ચાલી રહી છે. થોડી મિનિટો પછી બેત્રણ તગડા બાઉન્સર જંગલીની જેમ મારામારી કરી રહેલી બન્ને બાઈઓને નોખી પાડે છે.

આધેડ એન્કર હવે બોયફ્રેન્ડને બોલાવે છે. યુવતી નંબર વન સૌથી પહેલાં તો બોયફ્રેન્ડને ધીબેડે છે અને પછી એની પાસે ખુલાસો માગે છે. પેલો કહે છે, ‘હા, હું સૂઈ ગયો હતો આની સાથે. મરદ છું. ક્યારેક થઈ જાય આવંું. આઈ એમ સોરી. ફરી નહીં થાય.’ ગર્લફ્રેન્ડ કહે છે, ‘તું કેટલી વાર સોરી કહીશ? પાંચ વરસમાં આ ચોથી (ગાળ) સાથે તું સૂઈ ગયો.’ આ સાંભળીને સ્ટ્રીપરને કોણ જાણે શું શૂરાતન ચડે છે કે એ ગર્લફ્રેન્ડ પર તૂટી પડે છે. ફરી બધું એ જ  લાફા, વાળ ઝાલીને નીચે પછાડવું એવું બધું. ઓડિયન્સ આ વખતે જુદો રાગ આલાપે છેઃ ‘લેટ અસ સી... લેટ અસ સી..’ મતલબ કે તું સ્ટ્રીપર છો તો થોડીક ઝલક અમનેય દેખાડ. સેટ પર એક પૉલ એટલે કે થાંભલો તૈયાર જ છે. નખરાળી સ્ટ્રીપર પૉલ ડાન્સ શરૂ કરે છે. પોતાનું ઉપલું અંતઃવસ્ત્ર ઊંચું કરીને એ રીતસર અંગો ખુલ્લા પણ કરે છે. તાલીયાં. સીટીયાં...



અમેરિકન રિયાલિટી ટેલિવિઝનમાં આપનું સ્વાગત છે! આ દિમાગ ચકરાવી નાખે, માન્યામાં ન આવે એવો આ મહાવિચિત્ર ‘જેરી સ્પ્રિન્ગર’ નામનો શોનું આ તો માત્ર ટચુકડું ટ્રેલર છે. જેરી સ્પ્રિન્ગર શોના એન્કરનું નામ છે. એક કલાકના એપિસોડમાં આવા ત્રણથી ચાર કેસ લેવામાં આવે. બેવફાઈ, ચારિત્ર્યહનન, વ્યભિચાર, વેશ્યાવૃત્તિ, પોર્નોગ્રાાફી, સેક્સની વિકૃતિઓ, હિજડા, ક્રોસડ્રેસર, રંગભેદ... આ બધાથી આખો શો ખદબદતો હોય. શોના આયોજકો વીણી વીણીને આવા દુખી અને ડિસ્ટર્બ્ડ નમૂનાઓને શોમાં ગેસ્ટ તરીકે તેડાવે. ના, એમની સમસ્યાનું નિરાકરણ કરવા માટે કે સામાજિકમનોવૈજ્ઞાનિક ચર્ચા કરી સમાજને લાલ બત્તી ધરવા માટે નહીં, પણ સમસ્યાઓનું વરવું પ્રદર્શન કરવા માટે. લાઈવ ઓડિયન્સ તો મહેમાનો કરતાંય ચડે એવું હોય. કૂકડાની ફાઈટ થઈ રહી હોય અને ફરતે કૂંડાળું કરીને ઊભેલા લોકો રાડો પાડી પાડીને પાનો ચડાવતા હોય એમ આ ઓડિયન્સ મારામારી  કરી રહેલા આમંત્રિતોને ઓર ઉશ્કેરે. મારામારી આ શોના ફોર્મેટનો સૌથી મહત્ત્વનો અને લોકપ્રિય હિસ્સો છે. છેલ્લે સવાલજવાબનો રાઉન્ડ આવે ત્યારે ઓડિયન્સ સૌ મહેમાનોનું રીતસર અપમાન કરે, ઉતારી પાડે, ગાળો દે અને કોઈ કોઈ તો કપડાં હટાવીને પોતાનાં સ્તનો કે નિતંબ પણ ખુલ્લા કરે! સ્વાભાવિક રીતે જ, એપિસોડ ટેલિકાસ્ટ થાય ત્યારે આ અંગોને પિક્સેલ વડે ઝાંખા કરી દેવામાં આવ્યા હોય અને ભૂંડાબોલી ગાળોની જગ્યાએ બીપ્ બીપ્ આવી ગયું હોય.

વિરોધિતા જુઓ. એક બાજુ ‘જેરી સ્પ્રિન્ગર’ પર ‘અમેરિકાન ટેલિવિઝનના ઈતિહાસનો સૌથી વાહિયાત શો’નું લેબલ લાગતું રહ્યું અને બીજી બાજુ એની લોકપ્રિયતા ધડાધડ વધતી જ ગઈ. આ શોએ છેલ્લા ૨૦ વર્ષમાં ૨૧ સિઝન પૂરી કરી નાખી છે. દુનિયાના કેટલાય દેશોમાં એનું પ્રસારણ થાય છે.  એક તબક્કે એનો દર્શકવર્ગ ‘ધ ઓપરાહ વિન્ફ્રે શો’ કરતાંય વધી ગયો હતો. ‘જેરી સ્પ્રિન્જર’ સફળ થયો એટલે, નેચરલી, એની નકલ જેવા કેટલાય શોઝ પછી ફૂટી નીકળ્યા હતા ‘ધ જેરેમી કાયલી શો’, ‘ધ સ્ટીવ વિલ્કોસ શો’, ‘મૌરી પોવિચ’ વગેરે.



‘જેરી સ્પ્રિન્ગર’ સત્ત્વહીન શો છે, બરાબર છે, પણ તોય એ અને એના જેવા શોઝ શા માટે હિટ થાય છે? મોટા ભાગના આમદર્શકમાં એક ઝઘડાખોર, એક કૂથલીખોર છૂપાયેલો હોય છે તેથી? એક થિયરી કહે છે કે આમદર્શક પોતે અંગત જીવનમાં કેટલીય વાર મનોમન કોઈને ધીબેડી નાખવા કે ગાળો દેવા માગતો હોય છે, પણ સંસ્કારને કારણે યા તો હિંમત ન હોવાને કારણે  આવું વર્તન કરી શકતો નથી. તેથી ટીવીસ્ક્રીન પર એવું બનતા જોવામાં એને એક પ્રકારનો છુપો સંતોષ થાય છે! લોકોને નૈતિકતાનાં અને મૂલ્યોનું આવરણ ઉતરતા જોવાનું આમેય વધારે ગમતું હોય છે. પુણ્ય કરતાં પાપ વધારે આકર્ષક છે! પાપમાં, અધઃપતનમાં એક પ્રકારનું ગ્લેમર છે. ગુડ ન્યુઝ ઈઝ નો ન્યુઝ.  છાપાઓમાં અને ન્યુઝચેનલોમાં તેથી જ સારીસારી કે ડાહીડાહી વાતો એક તરફ હડસેલાઈ જાય છે અને મોકાણના સમાચારોને અનેકગણું વધારે પ્રાધાન્ય મળે છે.

‘જેરી સ્પ્રિન્ગર’ શો આજકાલ આપણે ત્યાં પણ ટીવી પર ટેલિકાસ્ટ થઈ રહ્યો છે. ‘બિગ બોસ’ કે ‘સચ કા સામના’ના કન્ટેન્ટથી કાંપી ઉઠતા દર્શકો માનસિક રીત સજ્જ થઈ જાય. વહેલામોડો આપણે ત્યાં પણ ‘જેરી સ્પ્રિન્ગર’ની દેશી આવૃત્તિ જેવો રિયાલિટી શો બને તો બહુ આઘાત ન પામવું. ભારતીય ટેલિવિઝનનું અમેરિકનાઈઝેશન આમેય ક્યાં જઈને અટકવાનું છે એની આપણને ક્યાં ખબર છે!

શો સ્ટોપર

કેન્ડલલાઈટ ડિનર પર લઈ જવું, ફૂલો કે ગિફ્ટ્સ આપવી  આ બધું તો સાવ સહેલું છે. બોયફ્રેન્ડ તો એવો હોવો જોઈએ જે જરૂર પડે ત્યારે પડખે ઊભો રહે. મારી તબિયત નરમ હોય તો તરત ડોક્ટરને ફોન કરીને બોલાવવાની એને ભાન પડવી જોઈએ. બાલ્કની નીચે ઊભો ઊભો ગીતડાં ગાતો બોયફ્રેન્ડ શું કામનો? એ જો એવું કરે તો હું ઉપરથી એને પથરાં મારું! 

- અનુષ્કા શર્મા (અભિનેત્રી)



Sunday, April 8, 2012

સંબંધોની સાપસીડી


 દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ  - ૮ એપ્રિલ ૨૦૧૨

સ્લગઃ મલ્ટિપ્લેક્સ

મોના કપૂરનાં બેસણામાં આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સફેદ ડિઝાઈનર વસ્ત્રો પહેરીને, ડાર્ક ગોગલ્સ ચડાવીને ઉમટી પડી હતી. બધા હતા, પણ શ્રીદેવી કે એની દીકરીઓ એક પણ જગ્યાએ ભુલેચુકેય ન દેખાઈ. આમેય એક ‘અધર વુમન’ પતિની પહેલી પત્નીનાં બેસણામાં ક્યા સંબંધે આવે? કયો નાતો નિભાવવા આવે? 


Mona Kapoor



નિયતિને ક્રૂર મજાક કરવામાં શો આનંદ આવતો હશે? આવતે મહિને, ૧૮ મેએ, અર્જુન કપૂર નામનો જોશીલો નવયુવાન ‘ઈશકઝાદે’ નામની ફિલ્મથી બોલીવૂડમાં વાજતેગાજતે લોન્ચ થઈ રહ્યો છે અને માર્ચમાં એની માતા કેન્સરથી પીડાઈને જીવ ગુમાવે છે. આપણે મોના કપૂરની વાત કરી રહ્યા છીએ. મોના કપૂર એટલે જાણીતા પ્રોડ્યુસર બોની કપૂરની પ્રથમ પત્ની અને અનિલ કપૂરનાં મોટાં ભાભી. થોડા દિવસો પહેલાં ફક્ત ૪૯ વર્ષની કાચી ઉંમરે એમનું અવસાન થયું. મોના કપૂર ખુદ ભલે ખૂબ જાણીતી હસ્તી નહોતી પણ એમની કહાણી કોઈ મેલોડ્રામેટિક ફિલ્મથી કમ નથી.

બોની કપૂર સાથે એરેન્જ્ડ મેરેજ કરીને સાસરે આવી ત્યારે મોનાની ઉંમર માત્ર ૧૯ વર્ષ હતી. કોલેજનું પગથિયું પણ એણે ચડ્યું નહોતું. બોની એના કરતાં દસ વર્ષ મોટા. મોના એક આદર્શ ગૃહિણીની જેમ સાસુસસરાની કાળજી લેતી, ઘર સાચવતી અને બન્ને બાળકો અર્જુન અને અનુશાની પણ સંભાળ લેતી. ‘મિસ્ટર ઈન્ડિયા’ની સુપર સફળતા પછી બોનીએ જાણે ‘મુગલ-એ-આઝમ’ બનાવતા હોય એવા તોરમાં ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’ નામની મોંઘીદાટ ફિલ્મ બનાવી. ફિલ્મ બોક્સઓફિસ પર ઊંધા મોંએ પછડાઈ અને બોનીની હાલત ખરાબ થઈ ગઈ. દરમિયાન એક બીજી વાત બની. બોની કપૂરની ફેવરિટ એક્ટ્રેસ શ્રીદેવી સાઉથની હતી એટલે મુંબઈમાં એનું ઘર નહોતું. એ ફાઈવસ્ટાર હોટેલમાં રહેતી હતી, પણ એ હોટલમાં બોમ્બ બ્લાસ્ટ થયો પછી એ બોની કપૂરના ઘરે રહેવા આવી ગઈ. બોનીને એ પોતાનો ભાઈ ગણતી અને રાખડી સુધ્ધાં બાંધતી એટલે મોના નિશ્ચિંત હતી.

Boney Kappor - Shridevi

... પણ લગ્નનાં તેર વર્ષ પછીની એક એક સુંદર સાંજે બોનીએ ફિલ્મી અંદાજમાં ધડાકો કર્યોઃ હું શ્રીદેવીના પ્રેમમાં  છું... અૌર વો મેરે બચ્ચે કી મા બનનેવાલી હૈ. પત્યું. મોનાએ પછી એક ઈન્ટરવ્યુમાં કહેલું,‘મેં એકસ્ટ્રા-મેરિટલ અફેર વિશે માત્ર સાંભળ્યું હતું અને વાંચ્યું હતું, પણ મારાં ખુદના જીવનમાં આ બન્યું ત્યારે હું હલી ગઈ. મારાં લગ્નજીવન પર એ જ ઘડીએ પૂર્ણવિરામ મૂકાઈ ગયું. પતિપત્નીના સંબંધમાં સૌથી પહેલું પહેલું સ્થાન રિસ્પેક્ટનું હોય, વિશ્વાસનું હોય. પ્રેમ તો એના પછી આવે... પણ માણસ સમયની સાથે બદલાઈ જતો હોય છે. બોનીને બીજા કોઈની જરૂર હતી, મારી નહીં. શ્રીદેવી ઓલરેડી પ્રેગનન્ટ થઈ ગઈ હતી એટલે અમારા લગ્નસંબંધને સેકન્ડ ચાન્સ આપવાનો સવાલ જ ક્યાં હતો?’

બોનીનાં માબાપ અને મોટા ભાગનો પરિવાર મોનાની પડખે ઊભા રહ્યાં. અનિલ કપૂરે દહીંદૂધ બેયમાં પગ રાખ્યા. મોના વટથી દીકરી બનીને દસદસ વર્ષ સુધી સાસરાના ઘરમાં રહી અને બોનીશ્રીદેવીએ નોખું ઘર માંડ્યું. એક થિયરી કહે છે કે બોનીને ખરેખર તો શ્રીદેવીના રૂપિયામાં રસ હતો. ‘રૂપ કી રાની...’ના ધબડકા પછી આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે એણે શ્રીદેવી નામની આર્થિક સીડીનો ઉપયોગ કરી લીધો. બીજી થિયરી કહે છે કે  બોની ધર્મેન્દ્રની જેમ બન્ને પત્નીઓ સાથે સંબંધ નિભાવવા માગતો હતો, પણ શ્રીદેવીને એ મંજૂર નહોતું. મોનાએ હિંમત ટકાવી રાખી. એણે કહેલું, ‘દુનિયા બડી ક્રૂર છે. મારાં બેય નાનકડાં બચ્ચાંને સ્કૂલમાં સાથે ભણતાં છોકરાંવ ટોણાં મારતાં. એ રડતાં રડતાં ઘરે આવતાં, પણ ધીમે ધીમે એ મજબૂત બનતાં ગયાં. લોકો મારી સરખામણી શ્રીદેવી જેવી સુપરસ્ટાર સાથે કરતાં. હું રહી ગૃહિણી. મારી પાસે હિરોઈન જેવું ફીગર ક્યાંથી હોય? લોકો મને સલાહ  આપતાઃ તું વજન કેમ ઘટાડતી નથી? સ્પામાં કેમ જતી નથી? સદનસીબે મારા પિયરીયા અને સાસરિયાનો મને સતત ટેકો હતો. મને સમજાઈ ગયું કે મારે મારી આગવી ઓળખ ઊભી કરવી જ પડશે. મેં સમજી લીધું લીધું હતું કે જે માણસ પોતાના જીવનમાં મને સ્થાન આપવા માગતો નથી એનું મારા જીવનમાં કોઈ સ્થાન ન હોઈ શકે. નિષ્ફળ મારો સંબંધ ગયો હતો, હું નહીં.’



મોનાએ પોતાની બહેન સાથે ટીવી પ્રોડક્શનમાં જંપલાવ્યું. ‘યુગ’, ‘કૈસે કહૂં?’ જેવી કેટલીય સિરિયલો બનાવી. એ પછી ફ્યુચર સ્ટુડિયો નામની જગ્યા વિકસાવી. બે બિલ્ડિંગમાં ફેલાયેલી આ જગ્યામાં એકસાથે બારબાર સેટ પર શૂટિંગ થઈ શકે છે. મોનાનાં સંતાનો એની સાથે જ રહ્યાં, પણ પિતાને એ છૂટથી હળતામળતાં, ટૂર પર સાથે ફરવા જતા. વખત વીતતા બોની પ્રત્યે મોનાના મનમાં કોઈ કડવાશ નહોતી રહી. સંતાનોને એના પિતાથી દૂર રાખવાની ક્રૂરતા આમેય એ કરી શકે એમ નહોતી. સંતાનનાં જીવનમાં માતાની જેમ પિતાનું સ્થાન પણ કોઈ લઈ શકતું નથી તે સત્ય એ બરાબર સમજતી હતી.

મોના બહિર્મુખ સ્ત્રી હતી અને એનું સોશ્યલ સર્કલ  ખૂબ મોટું હતું. પુરુષો સાથે એની દોસ્તી પણ થઈ, પણ બીજી વખત લગ્ન કરવાનું એણે ક્યારેય વિચાર્યુર્ નહીં.  એ છેલ્લે છેલ્લે કહ્યા કરતી કે, મારી જિંદગી રોલરકોસ્ટર જેવી રહી છે  મોટે મોટેથી હસીને ચિચિયારીઓ પાડવાનું મન થાય, જીવ તાળવે ચડી જાય, ઊલટી જેવું લાગે. પણ એક વાત નક્કી છે. મારી લાઈફમાં હવે પીડાનું નામોનિશાન નથી...

ખેર, પીડા તો આવી જ. છેલ્લે જીવલેણ કેન્સરના રૂપમાં આવી. મોનાનાં બેસણામાં આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સફેદ ડિઝાઈનર વસ્ત્રો પહેરીને, ડાર્ક ગોગલ્સ ચડાવીને ઉમટી પડી હતી. બધા હતા, પણ શ્રીદેવી કે એની દીકરીઓ એક પણ જગ્યાએ ભુલેચુકેય ન દેખાઈ. આમેય એક ‘અધર વુમન’ પતિની પહેલી પત્નીનાં બેસણામાં ક્યા સંબંધે આવે? કયો નાતો નિભાવવા આવે?

Arjun Kapoor with 'matki'


કઠણાઈ જુઓ. ‘ઈશકઝાદે’ના પ્રોડ્યુસર યશરાજ બેનર તરફથી મોનાના દીકરા અર્જુનને કહેવામાં આવ્યું હતુંઃ તને અમે સ્ટાર તરીકે લોન્ચ કરી રહ્યા છીએ, તું જાહેરમાં આ રીતે મિડીયા સામે શોકાતુર ચહેરે વારેવારે દેખાય એ બરાબર નથી! આને ક્રૂરતા કહીશું કે પ્રોફેશનલ શિરસ્તો? મોના કપૂર દીકરાને મોટા પડદે જોવા માટે રોકાઈ નહીં. ફિલ્મ રિલીઝ થશે ત્યારે અર્જુન પોતાના જીવનનો સૌથી મોટા દિવસને એન્જોય કરવાને બદલે માને ભયાનક તીવ્રતાથી મિસ કરવાનો એ તો નક્કી.

શો-સ્ટોપર

આઈ લવ, લવ, લવ આમિર ખાન. આ એક એવો એક્ટર છે જેની સાથે મને વારંવાર કામ કરવાનું મન થાય છે. હી ઈઝ ધ બિગેસ્ટ એન્ડ ધ બેસ્ટ!


- કરીના કપૂર 

Friday, April 6, 2012

બળકટ બોલી... કસદાર કવિતા


                                                                      ચિત્રલેખા - અંક તા. ૧૬ એપ્રિલ ૨૦૧૨ 
કોલમઃ વાંચવા જેવું 


                                                                                 
થોડા મહિના પહેલા કેરળના શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાંથી ગણ્યો ગણાય નહીં અને વીણ્યો વીણાય નહીં એટલો અઢળક ખજાનો જડી આવ્યો હતો, યાદ છે? કોઈને કલ્પના સુધ્ધાં નહોતી કે સોળમી સદીનું આ સાધારણ દેખાતું મંદિર આટલી બધી સમૃદ્ધિ સાચવીને બેઠું હશે.

‘મસ્ત કલંદર’ પાલણપુરીનું આ ‘પાલણપુરી બોલીકા બગીચા’ પુસ્તક વાંચશો તો તમારા મનમાં કંઈક આવી જ લાગણીની સાથે સવાલ પણ જાગશેઃ આપણા જ ગુજરાતની આ  લોકબોલી આટલી બળકટ કવિતા પેદા કરી શકતી હશે એની અત્યાર સુધી ખબર કેમ ન પડી! અહીં મજા એકલી લોકબોલીનો નહીં, કવિના કૌવતની પણ છે. આ પુસ્તક હાથમાં લેશો એટલે જીવન, માનવપ્રકૃતિ, સંબંધો, સામાજિક વિસંગતિ, રાજકીય પરિસ્થિતિ, રમૂજ અને એવા તો કેટલાય ઈલાકામાંથી આપોઆપ પરિભ્રમણ થતું જશે અને પાલનપુરની માટીની ખુશ્બુ મનને તરબતર કરતી જશે.

 કેવો છે આ કળિયુગ? કેવી છે આ દુનિયા? કવિનું એક ઘા ને બે કટકા જેવું વર્ણન સાંભળોઃ


તેજ છુરી   ધાર હે દુનિયોં
ભાઈ! ઘણી મક્કાર હે દુનિયોં.

કોંમ પળે તો કોંમ નો આવે
મતલબ મેં હુંશિયાર હે દુનિયોં.

ભીતર ઈસકે લાઈ બલે હે
બાર સી ઠંડી ગાર હે દુનિયોં.

શું જમાનો બદથી બદતર થઈ રહ્યો છે?

લાજ સરમ કૂં રખદેગા જે નેંવો પર
ખાટેગા એ મોંન આ દુનિયોં દેખેગી

સીધે સાદે મોંણસ મૂરખ વાજીંગે
વિકરીંગે બેઈમોંન આ દુનિયોં દેખેગી 




વિકરીંગે એટલે વકરશે. આવા કપરા સમયમાં એક સીધોસાદો માણસ કેવી રીતે જીવે? કવિ સલાહ આપે છેઃ

જે નિફ્ફટ હેં, હરોંમી હેં, જે ગરજૂ હેં ને જૂઠેં હેં
તેરા તંબૂ ઈનોં સી દૂર તોંણીજે ભલા મોંણસ.

ખરેખર, પૈસા માટેની ઘેલછા આદમીને બરબાદ કરી નાખે છે. જોકે જીંદગી ધૂણધાણી કરવાનું કામ કર્કશા પત્ની પણ સરસ રીતે કરી આપતી હોય છે! સાંભળોઃ

એ ભાઈ! જિસકા નોંમ હેં પૈસોંકી હાયહાય!
દુનિયો મેં નીં હેં કોઈ દવા ઈસકી ખાજકી.

મોલા! તૂં એ ગરીબકે બખ્શીજે સઊ ગુને
જિસકૂં મિલી હૈ બાઈળી ભૂંડે મિજાજકી.



કોઈ અળવીતરી નાર તો પોતાનો આદમી આડાટેઢા રસ્તેથી  પૈસા કમાય તોય ગર્વ અનુભવતી હોય છે!

સટ્ટે જુર સી કે મિલેં લોંચ સી અપણ
રુપિયે મિયોં કમોંય હેં, બીબી કૂ નાજ હેં. 

મોટા ભા થઈએ એટલે સમાજમાં વાહવાહી તો થાય, પણ ખબરદાર ગુમાન કર્યું છે તો! કારણ?

રાવણ કેવા જોરાવર થા દસદસ માથોંવાલા
રોંમને રેતૂમેં રગદોલા કરનાખા મૂં કાલા
સીરા કરનેં ગિયા એ મૂરખ! હો ગઈ ઉસકી થૂલી
તૂ કઈ વાળીકી મૂલી? 

આ ગઝલોમાં પ્રેમના અર્થહીન ટાયલાં નથી, પણ સચોટ નિરીક્ષણો છે, જિંદગીના ખાટામીઠા અનુભવો અને કિસ્મતની કઠણાઈઓમાંથી પસાર થયા પછી જ ખીલી શકે એવી સૂક્ષ્મ જીવનદષ્ટિ છે અને ચાબૂક જેવી અભિવ્યક્તિ છે. મારવાડી, સિંધી, ગુજરાતી અને ફારસીના અપભ્રંશ શબ્દોના મિશ્રણ જેવી આ બરછટ બોલીમાં કવિ સોંસરું લક્ષ્યવેધ કરી શક્યા છે.

‘મસ્ત કલંદર’ પાલણપુરી ઉર્ફ મુસાફિર પાલણપુરી ‘ચિત્રલેખા’ને કહે છે, ‘પાલણપુરી બોલીના આદિકવિ લશ્કરખાન બલોચની રચનાઓ હું નાનપણથી સાંભળું. એનાથી પ્રભાવિત થઈને મેં કવિતા લખવાનું શરૂ કર્યું. ભારતમાં હજારો લોકબોલી છે, પણ જેમાં કવિતા થઈ શકે એવી લોકબોલી જૂજ છે. મજાની વાત એ છે કે ગઝલના પ્રચલિત છંદોને પાલણપુરી બોલીમાં સરસ રીતે ઉતારી શકાય છે.’

ઉંમર ખૈયામની ફારસી રુબાઈઓને પાલણપુરી બોલીમાં ઢાળીને કવિએ સરસ કામ કર્યું છે. કવિ બધું કેવળ વક્રદષ્ટિથી જ જુઌણુ૧ે છે એવું નથી, એ મજાનું હ્યુમર પણ પેદા કરી જાણે છે. ઉદાહરણ તરીકે, આ ઉખાણુંઃ

સીધા હોય તો સુન્નેં જેવા ઊંધા સાવ કસાઈ 
 લાખોં મેં કોઈ રૂડા નિકલે બોલો એ કુંણ ભાઈ?

 સુન્ને જેવા એટલે સોના જેવા. જવાબ છે, જમાઈ!

 પાલણપુરી બોલીના આ બગીચામાં ધરાઈને સમય વ્યતીત કરવા જેવો છે. આ બોલી આમ તો સ્વયંસ્પષ્ટ છે, પણ છતાંય હવે પછીની આવૃત્તિમાં અમુક અઘરા લાગતા શબ્દોના અર્થ ફૂટનોટ તરીકે મૂકાય તો બગીચો ઓર રળિયામણો બનશે.

૦ ૦ ૦


પાલનપુરી બોલીકા બગીચા

કવિઃ ‘મસ્ત કલંદર’ પાલણપુરી

 પ્રકાશકઃ સુકૂન પબ્લિકેશન, ‘સુકૂન, જૂના ડાયરા, સલીમપુરા પાસે, પાલનપુર  ૩૮૫૦૦૧

ફોનઃ (૦૨૭૪૨) ૨૬૩૬૭૭

કિંમતઃ  રૂ. ૧૦૦ /

પૃષ્ઠઃ ૧૭૮


Wednesday, April 4, 2012

Prachi and Parshv


Prachi And Parshv Slideshow: Shishir’s trip to Ahmedabad, Gujarat, India was created by TripAdvisor. See another Ahmedabad slideshow. Create your own stunning free slideshow from your travel photos.

My Kid... Shantanu!


Shantanu at Home Slideshow: Shishir’s trip to Mumbai, Maharashtra, India was created by TripAdvisor. See another Mumbai slideshow. Create your own stunning free slideshow from your travel photos.

Our Diu Trip!! (2010)


My Diu Trip Slideshow: Shishir’s trip to Diu, Daman and Diu, India was created by TripAdvisor. See another Diu slideshow. Create your own stunning slideshow with our free photo slideshow maker.

Matheran Trip


Matheran Trip!! Slideshow: Shishir’s trip to Matheran, Maharashtra, India was created by TripAdvisor. See another Matheran slideshow. Create your own stunning free slideshow from your travel photos.