ચિત્રલેખા - અંક તા. ૫ માર્ચ ૨૦૧૨
કોલમઃ વાંચવા જેવું
આ પુસ્તકને એક સ્ત્રીની ડાયરી કહીશું? જીવનકથા કહીશું? કે પછી, નવલકથા? એષા દાદાવાળા રચિત ‘ક્યાં ગઈ એ છોકરી’ કદાચ આ બધું જ છે. એક સંવેદનશીલ માનવજીવ છે. નામ છે એનું આરોહી. એ જન્મે છે, મોટી થાય છે, પરણે છે, સ્વયં મા બને છે, વૃદ્ધ થતી જાય છે. જિંદગીના તમામ આરોહઅવરોહ પૂરી પ્રામાણિકતાથી ડાયરીનાં પાનાં પર ઝીલાતા જાય છે. મજા એ વાતની છે કે ડાયરી કેવળ આરોહી પૂરતી સીમિત રહેતી નથી. એના પર ક્યારેક એની મા, એનો પ્રિયતમ પણ અને પતિ પણ અક્ષરો પાડે છે. આ સઘળાથી કેનવાસ પર ક્રમશઃ એક સુંદર ચિત્ર ઊપસતું જાય છે. વળી, આ ચિત્ર કોઈ એક સ્ત્રીનું નથી. આ સ્ત્રી કોઈ પણ હોઈ શકે. આ સાર્વત્રિકપણું પુસ્તકનો મોટો પ્લસ પોઈન્ટ છે.
આરોહી હજ પોતાની માનાં પેટમાંથી બહાર આવે તે પહેલાં જ એની ડાયરી શરૂ થઈ જાય છે. મા રોજ સવારે જ્યારે અરીસા પાસે ઊભી રહીને એનાં વધેલાં પેટ તરફ જોતી, ત્યારે ગર્ભમાં રહેલી આરોહીને થતુંઃ માનાં પેટને આંખો કેમ નથી? માનાં પેટને આંખો હોત તો, હું પણ માને જોઈ શકત ને?
સંતાન પોતાની સાથે શું લેતું આવે છે? અઢળક સુખ અને સાર્થકતાની લાગણી. માને માથું દુખતું હોય અને આરોહી એના નાના નાના હાથ માથા પર મૂકે એટલે એસ્પિરિન લેવાની જરૂર ન પડે! ધીમે ધીમે આરોહીની રમતો બદલાતી ગઈ. કોણ મોટું થઈ ગયું હતું આરોહી કે એની ઢીંગલીઓ? વાદળોનો તકિયો કરી ઊંઘી જતી સાત વર્ષની છોકરી અચાનક તેર વર્ષની થઈ ગઈ. હવે સ્કૂલેથી આવીને એ પપ્પાને ભેટી પડતી નથી. હવે એને લાલ રંગ ગમતો નથી, કારણ કે એને લાગે છે પોતાની અંદર જે કંઈ પણ બદલાયું છે એ એને કારણે જ બદલાયું છે. હવે મા રોકટોક કરે છે. આરોહી સવાલો કરે અને સામે બોલે એટલે મા ઊંચે અવાજે કહી દેઃ દલીલ બંધ. આરાહીને થાય કે માને જવાબ ન આવડ્યો એટલે મારો સવાલ ખોટો થઈ ગયો? એક વખતે તો આરોહીએ રોષે ભરાઈને માને કાગળમાં લખી નાખ્યુંઃ ‘તું મારી મા કેમ છે? તું મને હવે ગમતી નથી કારણ કે હમણાં હમણાંથી તું બધી જ વાતોમાં ના પાડી દે છે.’
જવાબમાં માએ બહુ પ્રેમથી સરસ લખ્યું કે, ‘તું રજોવૃત્તિમાં પહેલીવાર આવી ત્યારે મારી અંદર રહેલી સ્ત્રીએ ઉત્સવ ઉજવેલો પણ મારી અંદર રહેલી મા થોડી ગભરાઈ ગયેલી... તું નાની હતી અને પપ્પાએ તને રસ્તો ઓળંગતા શીખવેલું ત્યારે ડાબેજમણે જોઈને ઝીબ્રાલાઈન પરથી જ ક્રોસિંગ કરવાનું કહેલું, પણ બચ્ચા, જિંદગીમાં આવી કોઈ ઝીબ્રાલાઈન હોતી નથી, નિર્ણયો લેવાના હોય ત્યારે જિંદગી ડાબી અને જમણી બેઉ બાજ જોવાનો સમય આપતી નથી...’
મા સાથે બુચ્ચા અને બહેનપણાં તો જાણે થઈ ગયાં. એ પણ એટલી હદે કે આરોહી સાથે એક નાટકમાં કામ કરતા ચૈતન્ય નામના યુવાનને દીકરી વતી પ્રપોઝ કરવાનું કામ પણ માએ કરી આપ્યું! આરોહી ભલે ગમે એટલી અહમવાળી છોકરી હોય, પણ સલામતીનો સાચો અર્થ તો એને ચૈતન્ય સાથે હોય ત્યારે જ સમજાતો. કમનસીબે ઈશ્વરે બેઉને ભેગાં કર્યાં, પણ એેમના ગ્રહો મેળવવાનું ચૂકી ગયો!
ખેર, મનહૃદય પર સંઘાતો થતા રહે છે, મનોમન વિચારી રાખેલી ભવિષ્યની ડિઝાઈન ક્ષણભરમાં છિન્નભિન્ન થઈ જાય છે, પણ જીવન પોતાના આગવા લયમાં વહેતું રહે છે. દેખાડેલા વર્ચસ્વ નામના પ્રેમાળ છોકરા સાથે લગ્ન કરતી વખતે આરોહી સાથે શું લઈ જવા માગે છે? સાંભળોઃ ‘મારે મારા અરીસાને સાથે લઈ જવો છે. કારણ કે આ અરીસાએ મને મોટી થતી જોઈ છે, અનુભવી છે. મેં ઈચ્છ્યું એવું મારું પ્રતિબિંબ પાડી આપ્યું છે એણે, મને ગમતું અને નહીં ગમતું પણ... મારાં શરીરમાં થતા એકએક ફેરફારની બાતમી એણે મારાં સુધી પહોંચાડી છે.’
માબાપનું ઘર છોડીને સાસરે જવાની ઘટના એટલે એક જમીનમાં ઊગેલું વૃક્ષ આખેઆખું મૂળિયાસોતું ઊખાડીને બીજી જમીનમાં રોપવું. આરોહી પતિના ઘરે માત્ર રોપાતી નથી, પાંગરે પણ છે. હવે માના ઘરનાં પાણીનો સ્વાદ પણ એને જુદો લાગે છે. એ સ્વયં મા બને છે અને એક ચક્ર જાણે પૂરું થાય છે. ઉત્તરાવસ્થાની ધીમે ધીમે જમાવટ થતી જાય છે. હવે બુઢાપો છે, એકલતા છે... અને આરોહી લખે છેઃ ‘એકલા હોઈએ ત્યારે વીતી ગયેલાં વર્ષોનું વજન બાકી બચેલાં વર્ષો પર હાવી થઈ જાય અને આંખોને ભીની થયાં વગર રડતાં આવડી જાય... અને આવું થાય ત્યારે સમજી લેવાનું કે જિંદગી આનાથી વધારે દર્દ આપી શકે એમ નથી.’
નાની નાની કેટલીય મોમેન્ટ્સમાંથી પસાર થતું થતું પુસ્તક આખરે એક સરસ બિંદુ પર આવીને વિરમે છે. લગભગ શ્વાસ અધ્ધર કરીને વાંચવું પડે એટલું બધું રસાળ આ લખાણ છે. લેખિકાની ભાષા સાદગીભરી છતાં બહુ જ આહલાદક છે. એમાં રમ્યતા પણ છે અને તીવ્રતા પણ છે. વિચારશીલતા પણ છે અને સચ્ચાઈભરી પ્રતીતિ પણ છે. આ પ્રકારનાં લખાણ પર સુષ્ઠુ સુષ્ઠુ અને કૃત્રિમ બની જવાનો ડર સતત ઝળુંબતો હોય છે, પણ આ પુસ્તક એમાંથી આબાદ બચી ગયું છે. અહીં નારીવાદનાં બોરિંગ ઢોલનગારાં કે પરંપરાગત રીતે જીવી નાખવાની નિષ્ક્રિય લાચારી બન્નેમાંથી કશું નથી. અલબત્ત, આરોહીનાં લગ્ન પછીના બીજા ખંડમાં વાત થોડી ઢીલી પડતી લાગે, કન્વિક્શન સહેજ ઓછું પડતું લાગે, કથાપ્રવાહના રસબિંદુ પર અટકી જવાને બદલે લેખિકા જાણે બહુ આગળ નીકળી ગયાં છે તેવું પણ લાગે, પણ પછી લગભગ ચમત્કારિક રીતે પુસ્તક સંતુલન પાછું મેળવી લે છે.
લેખિકા એષા દાદાવાળાએ એક કાર્યક્રમના સંચાલન માટે સ્ત્રીજીવનના જદા જદા રંગોને બાર ટુકડાઓમાં આલેખ્યા હતા, ડાયરીનાં પાનાંના સ્વરુપમાં. આ ટુકડા પછી વિસ્તર્યા અને એનું પરિણામ તે આ પુસ્તક. એષા ‘ચિત્રલેખા’ને કહે છે, ‘સ્ત્રી ડાયરી લખે ત્યારે એમાં રોજિંદા હિસાબની સાથે પોતાની લાગણીઓને પણ મેન્ટેેઈન કરતી હોય છે. મને લાગે છે કે તમામ સ્ત્રીઓનું જીવન સરખું જ હોય છે, ફક્ત એમના અનુભવો જુદા જુદા હોય છે, બસ.’
સૌને અપીલ કરે એવું અને એક કરતાં વધારે વખત વાંચવું ગમે તેવું સુંદર પુસ્તક.
૦ ૦ ૦
ક્યાં ગઈ એ છોકરી
લેખિકાઃ એષા દાદાવાળા
પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ-૧, મુંબઈ-૧
ફોનઃ (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩
કિંમતઃ રૂ. ૧૫૦ /
પૃષ્ઠઃ ૧૨૦