Tuesday, March 28, 2017

વીગનીઝમઃ તમે માંસાહારી છો, શાકાહારી છો કે અતિશાકાહારી?

Sandesh - Ardh Saptahik Purti - 12 March 2017
Take Off

 અન્ય પ્રાણીઓ ફ્કત પોતાની માતાનું દૂધ પીએ છે, પણ સમગ્ર સૃષ્ટિમાં એક મનુષ્ય જ એવું પ્રાણી છે, જે બીજા પ્રાણીઓનું દૂધ પી જાય છે અને જે મરતાં સુધી પીધાં કરે છે! વીગનીઝમ એટલે તમારે માંસ-મત્સ્ય-ઇંડાં તો ખાવાનાં નથી જ, પણ તમારે દૂધ પણ પીવાનું નથી. દૂૂધ બંધ એટલે ચા-કોફી બંધ. દૂધમાંથી બનતી તમામ ચીજવસ્તુઓ જેવી કે દહીં-છાશ-લસ્સી-પનીર-ઘી-માખણ બંધ. શ્રીખંડ-ખીર-દૂધપાક જેવી વાનગીઓનો વિચાર પણ નહીં કરવાનો. આઈસક્રીમ-ચોકલેટ-પિઝા ઉપરાંત ઇંડાંવાળી જ નહીં, ઇંડાં વગરની કેકને પણ ભૂલી જવાનું. દૂધમાં ભાવવધારો થાય ત્યારે કકળાટ કરવો એક વાત છે, પણ સમૂળગા દૂધનો અને તેમાંથી બનતી ચીજવસ્તુઓનો ઇનકર કરવો તે તદ્દન જુદી વાત છે, જુદી વિચારધારા છે. સમયની સાથે ખાનપાન સંબંધિત નીતિરીતિ, આગ્રહો અને ટ્રેન્ડ બદલાતાં રહે છે. વેગન અથવા વીગનીઝમ ખાણી-પીણીની દુનિયાનો એવો શબ્દ છે જેની ‘ફેંશન’ જૂની થવાનું નામ લેતી નથી. વીગનીઝમને વિશ્વસ્તરે વધુને વધુ સ્વીકૃતિ મળતી જાય છે તે સંભવતઃ સમયનો તકાજો છે.
વીગનીઝમ અથવા વીગન એટલે શું? VEGAN શબ્દ VEGetariANમાંથી ઊતરી આવ્યો છે.  આ શબ્દનાં મૂળિયાં ઈંગ્લેન્ડમાં દટાયેલાં છે. વીગન વિચારધારા શાકાહારી માણસને અતિશાકાહારના સ્તર પર મૂકી દે છે. તમારે માંસ-મત્સ્ય-ઇંડાં તો ખાવાનાં નથી જ, પણ તમારે દૂધ પણ પીવાનું નથી. દૂૂધ બંધ એટલે ચા-કોફી બંધ. દૂધમાંથી બનતી તમામ ચીજવસ્તુઓ જેવી કે દહીં-છાશ-લસ્સી-પનીર-ઘી-માખણ બંધ. શ્રીખંડ-ખીર-દૂધપાક જેવી વાનગીઓનો વિચાર પણ નહીં કરવાનો. આઈસક્રીમ-ચોકલેટ-પિઝા ઉપરાંત ઇંડાંવાળી જ નહીં, ઇંડાં વગરની કેકને પણ ભૂલી જવાનું. વીગન હોવું એટલે ફ્કત ડેરી પ્રોડક્ટ્સ પર ચોકડી મૂકી દેવી તેમ નહીં, તમારે સિલ્ક, ઊન અને ફરમાંથી બનતા કપડાંનેય તિલાંજલી આપવાની. જેમાં એનિમલ પ્રોડક્ટ્સનો ઉપયોગ થયો હોય તેવા સાબુ, કોસ્મેટિકસ, લેધર, મધ અને દવાઓથી પણ દૂર રહેવાનું. ટૂંકમાં, પશુ-પક્ષીને કષ્ટ પડયું હોય તે તમામ ચીજવસ્તુ અને ક્રિયાનો ત્યાગ કરવાનો.
ગાય કે ભેંસનું દૂધ દોહવામાં કષ્ટ આપવાની કયાં વાત આવી? વીગનીઝમના હિમાયતીઓને આવો સવાલ નિર્દોષપણે પણ ન પૂછતા! તમામ પ્રાણીઓ ફ્કત પોતાની જ જાતિના પ્રાણીનું, રાધર, પોતાની માતાનું દૂધ પીએ છે. સમગ્ર સૃષ્ટિમાં એક મનુષ્ય જ એવું પ્રાણી છે, જે બીજા પ્રાણીઓનું દૂધ પી જાય છે! પ્રાણી જન્મે પછી થોડા સમય માટે જ માતાના દૂધ પર આધારિત હોય છે. એક વાર એ જીવનસંઘર્ષ કરવા માટે સજ્જ થઈ જાય પછી એને માતાના દૂધની આવશ્યકતા રહેતી નથી. તેથી કુદરતી રીતે જ માતાના શરીરમાં દૂધ પેદા થવાનું બંધ થઈ જાય છે. આખી દુનિયામાં મનુષ્ય જ એક એવંુ પ્રાણી છે જે મરતાં સુધી દૂધ પીધાં જ કરે છે. ખુદની માતાના શરીરમાં દૂધ સુકાઈ જાય પછી ગાય-ભેંસ-બકરી જેવાં અન્ય પ્રાણીના દૂધ પર અટેક કરે છે, જે વીગન વિચારધારા પ્રમાણે કુદરતના નિયમની વિરુદ્ધ છે!

માનવશરીરના વિકાસ માટે દૂધ અનિવાર્ય નથી અને ડેરી પ્રોડકટ્સથી શરીરને હાનિ પહોંચે છે એવું પૂરવાર કરતાં કેટલાંય વૈજ્ઞાનિક પ્રમાણો ઉપલબ્ધ છે. ચીન અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં દૂધનું ઉત્પાદન ખાસ્સુ ઓછું થાય છે, પણ ત્યાંની પ્રજા દુનિયાના 'દૂધ પીતી' પ્રજા જેટલી જ સુવિકસિત છે!
ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, પણ આ માતા નોનસ્ટોપ દૂધ આપતી રહે તેવા હળહળતા ધંધાદારી માહોલમાં, ખાસ કરીને વિદેશમાં, એણે કેવી યાતનામાંથી પસાર થવું પડે છે તેની વિગતો અસ્થિર કરી મૂકે તેવી છે. ગાયને કેવળ દૂધ આપતા યંત્ર તરીકે ટ્રીટ કરવી એટલે તેને આર્ટિફિશિયલ ઇન્સેમિનેશનથી સતત પ્રેગ્નન્ટ રાખવી. તેને લીધે ગાયનું 30 વર્ષનું આયુષ્ય સંકોચાઈને માંડ બારેક વર્ષ જેટલું થઈ જાય છે. માયાળુ રખેવાળ કાળજીપૂર્વક પોતાના હાથથી દૂધ દોહે તે એક વાત છે અને જડ મશીન દ્વારા ગાયને દોહવામાં આવે તે તદ્દન જુદી વાત છે. દૂધનું છેલ્લું ટીપું નિચોવાઈ ન જાય ત્યાં સુધી મશીન ચાલતું રહે એટલે કયારેક દૂધમાં રીતસર લોહીના ટીપાં ભળી જાય છે. દૂધનું ઉત્પાદન વધે તે માટે ગાયને હોર્મોન્સનાં ઈન્જેકશન અપાયા કરે. બચ્ચાંને જન્મ પછી બે-ત્રણ દિવસમાં જ એને માથી અલગ કરી દેવામાં આવે. મા બિચારી ભાંભરતી રહે. સંતાનથી વિખૂટા પડવાથી ગાયના માનસમાં પેદા થયેલી યાતના કેટલાય દિવસો સુધી ચાલે છે.

ગાય સતત દૂધ આપતી રહે તે માટે તેને આર્ટિફિશિયલ ઇન્સેમિનેશનથી સતત ગર્ભવતી રાખવામાં આવે છે. તેથી તેનું 30 વર્ષનું આયુષ્ય સંકોચાઈને માંડ બારેક વર્ષ જેટલું થઈ જાય છે. એનિમલ ફાર્મ્સમાં પ્રાણીઓ પર થતી ક્રૂરતા અને કતલખાને લઈ જવાતાં જનાવરો પર થતી ક્રૂરતા વચ્ચે ઝાઝો ફરક હોતો નથી. કતલખાના પુષ્કળ કચરો પેદા કરે છે, તેને પુષ્કળ પાણીની જરૂર પડે છે, તે હાનિકર્તા મિથેન ગેસ રિલીઝ કરે છે, વગેરે. આમ, દૂધ ઉત્પાદનની સમગ્ર અૌદ્યોગિક પ્રક્રિયાની સીધી અને માઠી અસર પર્યાવરણ પર પડે છે.  મિલ્ક પ્રોડકટ્સમાંથી જે નફો થાય છે તેનો ઉપયોગ ઘણી વાર માંસને સબ્સીડાઈઝ કરવામાં થાય છે. વીગન લાઈફસ્ટાઈલનું ચુસ્તપણે પાલન કરનારાઓ તો ત્યાં સુધી કહે છે કે દૂધ અને માંસ એક જ સિક્કાની બે બાજુઓ છે!

એનિમલ રાઈટ્સના ક્ષેત્રમાં ગેરી ફ્રાન્સિઓન નામના અમેરિકન લીગલ સ્કોલરનું નામ મોટું છે. તેઓ દેખીતી રીતે જ જૈન ધર્મથી ખાસ્સા પ્રભાવિત છે. તેમણે ‘ઈટ લાઈક યુ કેરઃ અન એકઝામિનેશન ઓફ્ મોરાલિટી ઓફ્ ઇટિંગ એનિમલ્સ’ નામનું પુસ્તક લખ્યું છે. ગેરીની કાનૂની થિયરી સેન્ટીઅન્સ એટલે કે ચૈતન્યના પાયા પર ઊભી છે. પશુ, પક્ષી, જંતુ, વનસ્પતિ સહિતના તમામ સજીવો કે જેમાં ચૈતન્ય છે, તેમને અસ્તિત્વ ધરાવવાનો અધિકાર છે અને આ અધિકારનું સંપૂર્ણપણે રક્ષણ થવું જોઈએ. તમામ મનુષ્યેત્તર સજીવોની એક જ ડિમાન્ડ છેઃ અમને ‘વસ્તુ’ ન ગણો. અમને કશું જોઈતું નથી. બસ, અમને જીવવા દો!
પણ માણસે જીવવા માટે કશોક આહાર તો લેવો જ પડે છે. ફ્ળફ્ળાદિ કે શાકભાજી ચૈતન્યપૂર્ણ વસ્તુ છે, પણ જો માણસ તેના જીવંત રહેવાના ‘અધિકાર’નું રક્ષણ કરે તો ખાય શું? જૈન શાસ્ત્રો કહે છે શાકભાજી, પાણી, અગ્નિ, ધરતી અને હવા એકેન્દ્રીય આત્મા છે. તેના ભક્ષણ અથવા ઉપભોગમાં હિંસા જરૂરી છે, પણ તે અતિ મર્યાદિત છે. જીવન ટકાવી રાખવા માટે સાધારણ મનુષ્ય આવી સિમિત હિંસા કરે તે સ્વીકાર્ય છે, પણ બે, ત્રણ, ચાર કે પાંચ ઇન્દ્રિયો ધરાવતાં પશુ-પક્ષી અને જીવજંતુ પર કોઈપણ સંજોગોમાં હિંસા થવી ન જોઈએ.
વીગનીઝમ વિચારધારાનો સૂર આપણી પારંપરિક માન્યતાઓ સાથે મળતો નથી. હાથેથી માખણ ખાતા બાળકનૈયાનું કલ્પનાચિત્ર આપણી સામૂહિક ચેતનાનો અંશ છે. ખુદ ભગવાન ડેરી પ્રોડક્ટ્સ ખાતા હોય તો આપણે પણ તે ખાઈએ તેમાં શા માટે વાંધો હોવો જોઈએ? આપણી ધાર્મિક વિધિઓમાં દૂધનો ભરપૂર ઉપયોગ થાય છે. પણ વીગન વિચારધારા કહે છે કે જૂની માન્યતાઓને તિલાંજલી આપવાનો સમય આવી ગયો છે. મૂર્તિઓ પર દૂધનો અભિષેક ન કરવો. પ્રસાદ વગેરેમાં દૂધનો ઉપયોગ કરવો જ પડે તેમ હોય તો ગાય-ભેંસના દૂધના બદલે સોયા મિલ્કનો ઉપયોગ કરવો. મંદિરમાં ભગવાનની પ્રતિમા સામે ઘીના દીવા કરવાને બદલે વેજીટેબલ ઓઈલના દીવા કરવા. મીઠાઈઓને બદલે જુદી જુદી જાતના ડ્રાયફ્રુટ્સ વાપરવા. ધાર્મિક ફંકશનોના જમણવારમાં કેવળ વીગન વાનગીઓ જ પીરસવી. દૂધ એક સંપૂર્ણ આહાર છે તેવું આપણને બાળપણથી ક્હેવામાં આવે છે, પણ હવે આ થિયરી સામે પડકાર ઊભો થયો છે.
માણસ ગમે તેટલો પ્રાણીપ્રેમી કે અહિંસાવાદી હોય તો પણ એકઝાટકે વીગન બની શકતો નથી. અનુભવી વીગનોની સલાહ છે કે વીગન લાઈફ્સ્ટાઈલ ધીમે ધીમે અપનાવવી. જેમ કે, દિવસમાં ત્રણ વખત ચા પીવાની ટેવ હોય તો શરૂઆતમાં બે વાર, પછી એક વાર ચા પીઓ અને ક્રમશઃ બંધ કરી દો. ઇન ફેક્ટ, ચા-કોફી સદંતર બંધ કરવાની પણ જરૂર નથી. દૂધની જગ્યાએ તમે આલ્મન્ડ મિલ્ક અને કોકોનટ મિલ્ક જેવી નોન-ડેરી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીને ચા-કોફીની લિજ્જત માણવાનું ચાલુ રાખી શકો છો. શરૂઆતમાં દિવસનું કમસે કમ એક ટંકનું ભોજન વેગન ફૂડ હોય તેવી કાળજી રાખો. ધીમે ધીમે વીગન ખાણીપીણીની માત્રા વધારતા જવી.

દુનિયાભરમાં વેગન લાઈફ્સ્ટાઈલ અપનારાઓની સંખ્યા કરોડોમાં છે અને આ આંક્ડો સતત વધતો જાય છે. આજે દુનિયામાં જૈનો કરતાં વીગન લોકોની સંખ્યા વધારે છે! ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડન્ટ બિલ કિલન્ટન, પોપ સિંગર જસ્ટિન ટિમ્બરલેક, ‘ટાઈટેનિક’ ફેંમ ફ્લ્મિમેકર જેમ્સ કેમરોન, ‘સ્પોર્ટ્સમેન ઓફ્ ધ સેન્ચુરી’નું બિરુદ મેળવનાર એથ્લેટ કાર્લ લેવિસ વગેરે જેવા સેલિબ્રિટીઓએ વીગન ડાયટ અપનાવી લીધી છે. ફ્કત વેગન ફૂડ ખાનારા બોડી બિલ્ડરો વિશે લખાતું-છપાતું રહે છે. વીગન લાઈફ્સ્ટાઈલ અને પર્યાવરણની જાળવણી વચ્ચે નિકટનો નાતો છે. વેગન માણસ સ્વાભાવિક્ રીતે જ પર્યાવરણપ્રેમી હોવાનો. વિખ્યાત લેખક આર્થર સી. કલાર્કે ‘૩૦૦૦: ધ ફાયનલ ઓડિસી’ કથામાં દૂરના ભવિષ્યનું ચિત્ર દોર્યું છે, જેમાં શાંતિપૂર્ણ જીવન જીવી રહેલી સમગ્ર માનવજાત વીગન તો નહીં પણ સંપૂર્ણપણે શાકાહારી બની ગઈ છે.
સમય પારખીને ડોમિનોઝ કંપનીએ વીગન પિઝા લોન્ચ કર્યા. શરૂઆત ઇઝરાયલથી કરી. વિદેશી માર્કેટમાં વેગન આઈસક્રીમ અને વીગન સુશી પણ આવી ગયાં છે. મોલમાં વીગન ફૂડ પ્રોડકટ્સના અલાયદા વિભાગ હોય છે. વીગન કેફેં ખૂલવા લાગ્યા છે. આ બધું આપણે ત્યાં હજુ આવ્યું નથી, પણ વિદેશમાં એક્ આખું વીગન પાક્શાસ્ત્ર વિક્સી ગયું છે. વીગન લાઈફ્સ્ટાઈલ ધરાવનારાઓ માટે અલાયદી વીગન ડેટિંગ વેબસાઈટ્સ સક્રિય થઈ છે. ‘વીગન વેલેન્ટાઈન’ એવો શબ્દપ્રયોગ ચલણમાં આવી ગયો છે. વીગન માણસને પ્રેમ કરવા માટે પાર્ટનર પણ વીગન જ જોઈએ, શું!
0 0 0 

No comments:

Post a Comment