Thursday, December 1, 2016

ફેસબુક્, વોટ્સએપ અને અટેન્શન મેનેજમેન્ટ

સંદેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - 30 નવેમ્બર 2016

ટેક ઓફશું ગમે તેવા કામમાં હો તો પણ વચ્ચે વચ્ચે ફેસબુક - વોટ્સએપ ચેક કર્યા વગર ચાલતું નથી? ઘરના લોકો સાથે સમય પસાર કરવાને બદલે મોબાઈલમાં ચોંટેલા રહો છો? એકવીસમી સદીમાં હવે ફ્કત ટાઈમ મેનેજમેન્ટ અને એનર્જી મેનેજમેન્ટથી કામ નહીં ચાલે. તમારી પાસે ખૂબ બધો સમય અને ખૂબ બધો સ્ટેમિના હશે તો પણ ધાર્યું પરિણામ નહીં લાવી શકે, જો તમે અટેન્શન મેનેજમેન્ટ નહીં કરી શકો તો!પણે નાનાં બચ્ચાઓને ખોટા વગોવી નાખ્યા હતા. એક જગ્યાએ સ્થિર બેસતાં આવડતું નથી, વાંદરાની જેમ હલ હલ કર્યા કરે છે, આખો દિવસ ધ્યાન કાં તો રમવામાં યા તો ટીવીમાં કે વીડિયો ગેમ્સમાં હોય છે, લેસન કરવામાં તો સમજતાં જ નથી. આ કકળાટ પૂરો થઈ ગયો હોય તો હવે દૂરબીનને જરા પોતાના તરફ ઘુમાવો. આપણે તો મેચ્યોર્ડ અને સમજદાર માણસો છીએ, રાઇટ? તો પછી કેમ હાથમાંથી મોબાઈલ છૂટતો નથી? કેમ વોટ્સએપ કે ફેસબુક પરથી ધ્યાન હટતું નથી? કેમ ગમે તેવા કામમાં હોઈએ તોય વચ્ચે વચ્ચે સોશિયલ મીડિયામાં ડોકિયા કર્યા વગર ચાલતું નથી? કેમ સવારે આંખ પૂરેપૂરી ઊઘડે તેની પહેલાં મોબાઈલ હાથમાં આવી જાય છે? કેમ ઘરના લોકો સાથે સમય પસાર કરવાને બદલે મોબાઈલમાં ચોંટેલા રહીએ છીએ? કેમ દોસ્તો સાથે કોફી શોપમાં ગયા હોઈએ તો ત્યાંય સૌ મૂંગા મૂંગા પોતપોતાના સ્માર્ટફોનને ચૂંથતા રહીએ છીએ? મોટેરાઓ તો બાળકો કરતાંય બદતર પુરવાર થયા છે.
અગાઉ કહેવામાં આવતું કે જો પ્રોડકિટવ બનવું હોય, વધારે અને સારું કામ કરવું હોય તો ટાઈમ મેનેજેન્ટ કરતાં આવડવું જોઈએ. પછી ઇન્ટરનેટ યુગનો પ્રારંભ થયો એટલે કહેવામાં આવ્યું કે માત્ર તમારો ટાઈમ નહીં, એનર્જીનું મેનેજમેન્ટ કરતાં પણ શીખવું પડશે. ઇન્ટરનેટ સર્ફિંગમાં તમારી ઊર્જા વેડફાઈ ન જાય તેની તકેદારી રાખો. હવે જમાનો સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાનો છે. આપણી ઉપર હવે દસેય દિશાઓમાંથી કામની અને નકામી ઇર્ન્ફ્મેશનનો એવો ભયંકર મારો થતો રહે છે કે ન પૂછો વાત. આપણું દિમાગ આ ઇર્ન્ફ્મેેશનને પ્રોસેસ કરી શકતું નથી. તે બઘવાઈ જાય છે, ઘાંઘુ થઈ જાઈ છે. ઇર્ન્ફ્મેશનની વ્યાખ્યામાં વોટ્સએપ-ફેસબુક-ટ્વીટર મેસેજીસ, ઇ-મેલ-એસએમએસ, નોટિફ્કિેશન્સ, ટીવી પરથી ફૂંકાતા બ્રેકિંગ ન્યૂઝ – આ બધું જ આવી જાય છે. આથી હવે કહેવામાં આવે છે કે દોસ્તો, ફ્કત ટાઈમ મેનેજમેન્ટ અને એનર્જી મેનેજમેન્ટથી કામ નહીં ચાલે. તમારી પાસે ખૂબ બધો સમય અને ખૂબ બધો સ્ટેમિના હશે તો પણ ધાર્યું પરિણામ નહીં લાવી શકે, જો તમે અટેન્શન મેનેજમેન્ટ નહીં કરી શકો તો!
ટાઇમ મેનેજમેન્ટ ઇઝ આઉટ, અટેન્શન મેનેજમેન્ટ ઇઝ ઇન! એકવીસમી સદીનું આ લેટેસ્ટ ફ્તિૂર છે! આમ જોવા જાઓ તો, અટેન્શન મેનેજમેન્ટમાં ટાઇમ અને એનર્જી આ બંનેનો સમાવેશ આપોઆપ થઈ જ જાય છે.
અટેન્શન મેનેજમેન્ટ કેવી રીતે કરવું તે શીખવતા એકસપર્ટ્સ આજકાલ ડિમાન્ડમાં છે! ટાઇમ મેનેજમેન્ટની જેમ અહીં પણ શરૂઆત આપણાં કામોના અગ્રતાક્રમ નક્કી કરવાથી કરવાની છે. મલ્ટિ-ટાસ્કિંગ ને એ બધું બરાબર છે, પણ એક વાત આપણે સૌએ સમજી લેવાની જરૂર છે કે એક સમયે આપણે એક જ કામ સારી રીતે કરી શકીએ છીએ. તો એ એક કામ કયું છે? આ સવાલનો જવાબ આપશો એટલે તરત જ સમજાઈ જશે કે આજે અથવા આ કલાકે મારી ટોપ પ્રાયોરિટી શું છે. એક વાર આ નક્કી થઈ જશે એટલે મન આમતેમ ઓછું ભટકશે.
અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડ્વાઈટ આઇસનહોવરે (કાર્યકાળઃ ૧૯૫૩ – ૧૯૬૧) એક સરસ પદ્ધતિ વિકસાવેલી, જેને અટેન્શન મેનેજમેન્ટવાલાઓ હવે ઇઝનહોવર મેથડ તરીકે ઓળખાવે છે. એક કાગળ લો. એમાં મોટું ચોરસ દોરો. પછી એમાં ચાર ખાનાં કરો. પહેલા ખાનાનું મથાળું આપો – ડુ ઇટ (કરવાં જ પડે એવાં કામ), બીજા ખાનાને નામ આપો – ડમ્પ ઇટ (પડતા મૂકવા જેવાં કામ), ત્રીજા ખાનાને મથાળું આપો – ડેલિગેટ (બીજાને સોંપી શકાય એવાં કામ) અને ચોથા ખાનાને ટાઇટલ આપો – ડિફર ઇટ (પુનઃવિચાર કરવો પડે એવાં કામ). હવે તમારી સામે કામોનું જે લિસ્ટ છે તેને આ ચારેય ખાનામાં વહેંચી નાખો. તરત જ માનસિક સ્પષ્ટતા થઈ જશે કે કયાં કામને તમારા અટેન્શનની સૌથી વધારે જરૂર, કયાં કામ પછી કરો તો ચાલે તેમ છે અને કયાં કામ બિલકુલ ન કરો તો ચાલે તેમ છે.
અર્જન્ટ (તાત્કાલિક કરવા પડે એવાં) કામ અને ઇમ્પોર્ટન્ટ (મહત્ત્વના કામ) – આ બંને વચ્ચેનો ભેદ સમજી લેવો જોઈએ. જરૂરી નથી કે તમામ મહત્ત્વનાં કામ અર્જન્ટલી કરવા જ પડે તેવાં હોય. આ બધું નક્કી કરતી વખતે જાત સાથે પ્રામાણિક રહેવું ખૂબ જરૂરી છે. કયાં કામોને તમારા અટેન્શનની સૌથી વધારે જરૂર છે? આઇસનહોવરે કહેલું વિરોધાભાસી વિધાન અતિશયોકિતવાળું હોવા છતાંય સાચું છેઃ જે મહત્ત્વનાં કામ છે એ ભાગ્યે જ અર્જન્ટ હોય છે અને જે અર્જન્ટલી કરવા જ પડે તેવાં કામ ભાગ્યે જ મહત્ત્વનાં હોય છે!


મેનેજમેન્ટની ભાષામાં ઓફેન્સ (આક્રમણ) અને ડિફેન્સ (બચાવ) શબ્દો જુદા અર્થમાં વપરાય છે. ઓફેન્સ એટલે એવાં કામ અથવા પ્રોજેકટ જે આપણા દિમાગની પેદાશ હોય અને જે આપણે શરૂ કર્યા હોય. ડિફેન્સ એટલે એવાં કામ જે આપણને સોંપવામાં આવ્યા હોય અથવા જે આપણે પ્રતિક્રિયા રૂપે કરતા હોઈએ. આપણો સૌનો અનુભવ છે કે જે કામ આપણા ખુદના દિમાગની પેદાશ હોય તે કરવામાં આપણને સૌથી વધારે આનંદ આવે છે. થાય છે એવું કે આપણો પુષ્કળ સમય અને શકિત બીજાઓને રિસ્પોન્ડ કરવામાં ખર્ચાઈ જાય છે. જેમ કે, ઇ-મેલનું ઇનબોકસ ખોલીને બેસીએ એટલે સામે પચ્ચીસ-પચ્ચાસ ઇ-મેલ ખડકાયેલા દેખાય, જેમાંથી કામના કદાચ પાંચેક માંડ હોય અને બાકીના ફાલતુ અપડેટ્સ, પ્રમોશનલ એકિટવિટીઝની માહિતી કે જાતજાતનાં નોટિફ્કિેશન્સ હોય. આ બધા નકામા ઇ-મેલ્સ પર કિલક કરીને ફ્કત નજર ફેરવીએ તો પણ એમાં સમય વેડફાવાનો જ છે. વળી, જરૂરી નથી કે પેલા કામના પાંચ ઇ-મેલ્સ પણ તાત્કાલિક વાંચીને તરત જવાબ લખી નાખવા પડે તેવી અર્જન્સીવાળા હોય.

તો શું કરવાનું? કામ કરતાં કરતાં વચ્ચે વચ્ચે ઇ-મેલ્સ ચેક નહીં જ કરવાના. સવારે કમ સે કમ એક મોટું – મહત્ત્વનું કામ પૂરું કરી લીધા પછી જ ઇ-મેલ્સનું ઇનબોકસ ખોલવાનું. એનાથી ય સારો વિકલ્પ એ છે કે ઇ-મેલ્સના જવાબો આપવા માટે દિવસમાં અમુક નિશ્ચિત સમય રાખવો. તે નિર્ધારિત સમય સિવાય ઇ-મેલ્સ જોવાના જ નહીં. ફેસબુક પર તમારી પોસ્ટ નીચે કોઈ કમેન્ટ કરે તો એની જાણ કરતો ઇ-મેલ તમને શા માટે મળવો જોઈએ? તમે જ્યારે ફેસબુક ખોલશો ત્યારે આપોઆપ એ બધું જોવાના જ છોને? આથી તમામ સોશિયલ મીડિયા તેમજ અન્ય વેબસાઇટ્સ પર જઇને જ્યાં જ્યાં નોટિફ્કિેશનવાળા ઓપ્શન ઓફ કરી નાખવાની સુવિધા હોય ત્યાં આ શુભ કાર્ય કરી જ નાખવાનું.
સતત ફેસબુક, વોટ્સએપ, ઇ-મેલ વગેરે ચેક કરતાં રહેવાની કુટેવ છોડવાનો બેસ્ટ ઉપાય એ છે કે કામ કરવા બેસો ત્યારે મોબાઈલ ફોનમાંથી ઇન્ટરનેટ ડિસ્કનેકટ કરી નાખવું. વાઇ-ફાઇ અને મોબાઇલ ડેટા બંને ઓપ્શન ઓફ કરી દેવા. ઇન્ટરનેટનું કનેકશન જ નહીં હોય એટલે ફેસબુક-વોટ્સએપ બધું જ નિષ્ક્રિય થઈ જવાનું. શકય હોય તો તમારા કમ્પ્યૂટરને પણ ઇન્ટરનેટ-રહિત કરી નાખવું. ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. નક્કી કરી નાખો કે દર દોઢ-બે કલાકે હું પાંચ-પંદર મિનિટ માટે ચા-પાણીનો બ્રેક લઈશ ત્યારે અથવા લંચ ટાઈમ દરમિયાન જ ઇન્ટરનેટ ઓન કરીને ફ્ટાફ્ટ વોટ્સએપ-ઇ-મેલ વગેરે જે કંઈ જોવું હશે તે જોઈ લઈશ.
મોબાઈલ ફોનમાં એવું સેટિંગ કરી નાખવું કે કામના કલાકો દરમિયાન અમુક બહુ જ મહત્ત્વના લોકો કોલ કરે તો જ ઘંટડી વાગે. બાકીના કોલ વખતે ફોન સાયલન્ટ રહે.
ઘણા લોકો ભલે ‘મને ટાઇમ નથી મળતો… મને ટાઇમ નથી મળતો’ એવી ફરિયાદ કર્યા કરતા હોય, પણ ખરેખર તો આખો દિવસ સતત બિઝી-બિઝી રહેવાય તો જ તેમને મજા આવતી હોય છે. અડધી કલાક સુધી કોઈનો ફોન ન આવે તો એમને અકળામણ શરૂ થઈ જાય છે. આખો દિવસ આ અથવા પેલા કામમાં ગૂંચવાયેલા રહીને તેમને સંતોષ થતો રહે છે કે હું ઉપયોગી માણસ છું, બીજાઓને મારી જરૂર છે, હું ખૂબ બધું આઉટપુટ આપી શકું છું. ખરેખર તો આ મીઠી ભ્રમણા હોય છે. એક યા બીજી વસ્તુમાં અટવાયેલા રહેવાથી આપણું અટેન્શન મુખ્ય કામ પરથી હટી જાય છે. તેથી ધારેલી ઝડપે પરિણામ લાવી શકતા નથી.
નોન-સ્ટોપ વ્યસ્ત રહેવું તે કંઈ બુદ્ધિશાળી, વગદાર કે સફ્ળ હોવાની નિશાની નથી. ઇનફેકટ, ખૂબ કામઢો માણસ અંદરથી ખૂબ ડરેલો હોય અને પોતાના હાથમાં કોઈ સત્તા નથી એવી ભાવનાથી સતત પીડાતો હોય એવું બને. સાચા અર્થમાં સફ્ળ હોય એવા કેટલાય વગદાર લોકો એકધારા વ્યસ્ત હોવાની સ્થિતિને ગર્વ લેવાની વાત ગણતા નથી. એમના માટે આ શકિતના વેટફાટનો સંકેત છે. શકિત અને સમય વેડફી નાખતી એકિટવિટીઝ પર ધ્યાન નહીં આપો તો આપોઆપ માનસિક મોકળાશનો અનુભવ થશે.
સો વાતની એક વાત. એક્વીસમી સદીમાં અટેન્શન મેનેજમેન્ટ પર મહારત હાંસલ ર્ક્યા વગર આપણને ચાલે તેમ નથી. સિમ્પલ.
0 0 0 

No comments:

Post a Comment