Sunday, September 25, 2016

મલ્ટિપ્લેક્સઃ આજ-ક્લ પાંવ જમીં પર નહીં પડતે મેરે…

Sandesh - Sanskaar Purti - 18 Sept 2016
મલ્ટિપ્લેક્સ
બેફામ જીવન જીવતી અને અનેક પ્રેમસંબંધોમાંથી પસાર થઈ ચુકેલી રેખા જેવી 'બદનામ' એક્ટ્રેસ પર ગુલઝારે એવો તો કેવો જાદુ કર્યો કે એની ગણના રાતોરાત દમદાર અભિનેત્રી તરીકે થવા લાગી?

‘રેખા – ધ અનટોલ્ડ સ્ટોરી’. યાસર ઉસ્માન નામના લેખકે લખેલા અને તાજા તાજા બહાર પડેલા અંગ્રેજી પુસ્તકનું આ શીર્ષક છે. રેખા સાથે સંકળાયેલા ખૂબ બધા લોકોને મળીને, રેખા વિશે આટલાં વર્ષોમાં લખાયેલા છાપા-મેગેઝિનોના લેખો તેમજ પુસ્તકોની સામગ્રી તેમાં ઉમેરીને અને પોતાની રીતે થોડું ઘણું વિશ્લેષણ કરીને લેખકે આ પુસ્તક તૈયાર કર્યું છે. લેખક તો રેખાનો ઇન્ટરવ્યૂ લેવા પણ માગતા હતા, નેચરલી, પણ રેખા એમને ન મળી તે ન જ મળી. ખુદ રેખાએ નીચે સહી કરી નથી એટલે આ પુસ્તકમાં જે વાતો રજૂ થઈ છે તેને પૂરેપૂરી અધિકૃત છે એવું તો શી રીતે કહી શકાય. છતાંય પુસ્તક બન્યું છે રસપ્રદ એની ના નહીં.
રેખાના કરિઅરની વાત જેના ઉલ્લેખ વગર પૂરી થઈ શકતી નથી તે ‘ઘર’ ફ્લ્મિના મેકિંગ વિશે પુસ્તકમાં સરસ વર્ણન છે. ઘર ૧૯૭૮માં રિલીઝ થઈ. તે વખતે રેખાની ઉંમર હતી ચોવીસ વર્ષ. ઇન્ડસ્ટ્રીમાં આવ્યાને લગભગ દાયકો વીતી ગયો હતો. ૬૦ કરતાં વધારે ફ્લ્મિો રિલીઝ થઈ ચૂકી હતી. ગણ્યા ગાંઠયા અપવાદને બાદ કરતાં આમાંની મોટા ભાગની ફ્લ્મિો તદ્ન મામૂલી અને ભૂલી જવા યોગ્ય હતી. રેખાની છાપ, એના ખુદના શબ્દોમાં, એ વખતે એક ‘બદનામ’ એકટ્રેસની હતી. રેખા પોતાની પ્રતિભાને લીધે નહીં, પણ બેફમ લાઈફ્સ્ટાઈલ, પ્રેમસંબંધો અને મીડિયાને ઈન્ટરવ્યૂ જાણી જોઈને આપેલા વિવાદાસ્પદ નિવેદનો માટે સતત ન્યૂઝમાં રહેતી હતી. ‘ઘર’ પહેલી એવી ફ્લ્મિ છે જેમાં ઓડિયન્સ અને ઇન્ડસ્ટ્રી બંનેએ પહેલી વાર રેખાની અભિનયશકિતની નોંધ લીધી. આ ફ્લ્મિ રેખાની કરિઅરમાં વણાંકરૂપ સાબિત થઈ. 
શું હતું આ ફ્લ્મિમાં? એક નવપરિણીત યુગલ છે. એકવાર નાઈટ શોમાંથી પાછા ફ્રતી વખતે બંને પર ગુંડા હુમલો કરે છે. પુરુષ બેહોશ થઈ જાય છે. એ ભાનમાં આવે છે ત્યારે એને ખબર પડે છે કે પેલા નરાધમોએ એની પત્ની પર ગેંગરેપ કરી નાખ્યો છે. સ્ત્ર્રી માનસિક રીતે તૂટી ગઈ છે. પતિ-પત્નીના લગ્નસંબંધ પર પણ આ દુર્ઘટનાએ ગંભીર અસર કરી છે. વાસ્તવિકતાનો સામનો કરવાની પતિ-પત્ની ખૂબ કોશિશ કરે છે, પણ એમની વચ્ચેનું અંતર વધતું જાય છે. એક રેપ વિકિટમની માનસિક સ્થિતિનું અરસકારક આલેખન આ ફ્લ્મિમાં થયું હતું.
ગુલઝારે લખેલા અને આર.ડી. બર્મને કમ્પોઝ કરેલા આ ફ્લ્મિના ગીતો – ‘આજકલ પાંવ જમીં પર નહીં પડતે મેરે’, ‘આપકી આંખો મેં કુછ મહેકે હુએ સે રાઝ હૈ’ – આપણને આજે પણ એટલાં જ પ્રિય છે. ફ્લ્મિના ડિરેકટર તરીકે માણેક ચેટર્જીનું નામ મૂકાયું છે, પણ શૂટિંગ શરૂ થયું એના થોડા જ સમયમાં એમનું એક્સિડન્ટ થઈ ગયું હતું. આથી પ્રોડયૂસર એન.એન. સિપ્પીએ ડિરેકશનની જવાબદારી ગુલઝારસાહેબને સોંપી હતી. દરેક ડિરેકટરની સેન્સિબિલિટી જુદી હોવાની. આથી ગુલઝારે સૌથી પહેલાં તો દિનેશ ઠાકુરે લખેલી સ્ક્રિપ્ટમાં સારા એવા ફેરફરો કર્યા. પતિ-પત્નીના સંબંધના ચિત્રણમાં ઘણી સૂક્ષ્મતાઓ ઉમેરી.
રેખા અને ગુલઝારે અગાઉ કયારેય સાથે કામ નહોતું કર્યું. અલબત્ત, બંને વ્યકિતગત રીતે એકબીજાથી સારી રીતે પરિચિત હતા. ગુલઝારની પત્ની રાખીને રેખા સાથે ખૂબ બનતું. રેખા ઘણીવાર એમના ઘરે જતી. ગુલઝાર રેખાને લાડથી ‘કાલો બહુ’ કહીને બોલાવતા.

ગુલઝાર સમયપાલનની બાબતમાં એકદમ પાબંદ, જ્યારે રેખા મોર્નિંગ શિફ્ટ હોય ત્યારે બપોરે એકાદ વાગે માંડ દર્શન દે એવી ભયંકર શિસ્તહીન. ‘ઘર’નું શૂટિંગ શરૂ થયું એ જ દિવસે ગુલઝારના ડિરેકશનમાં બનેલી ‘આંધી’ (૧૯૭૫) રિલીઝ થઈ હતી. પહેલા જ દિવસે રેખા શૂટિંગમાં મોડી પહોંચી, છેક લંચટાઈમ પછી. ગુલઝાર ત્યારે તો કશું ન બોલ્યા, પણ સાંજે શૂટિંગ પૂરું થયું પછી શાંતિથી મોડા આવવાનું કારણ પૂછયું. રેખાએ કહ્યું, ‘એ તો હંુ મોર્નિંગ શોમાં ‘આંધી’ જોવા ગઈ હતી એટલે લેટ થઈ ગઈ. આપણે સાથે કામ કરવાનું છે એટલે ‘આંધી’ની વાત નીકળશે જ. મેં જો પિકચર જોઈ રાખી હોય તો તમારી સાથે વાત કરવાની મજા આવેને.’ આ સાંભળીને ગુલઝાર હસ્યા, ‘સાચું બોલ, તું પિકચર જોવા ગઈ હતી કે મને ડિરેકશન કરતાં આવડે છે કે નહીં તે ચેક કરવા ગઈ હતી?’ આજની તારીખે પણ ગુલઝાર અને રેખા આ કિસ્સો યાદ કરીને હસતા હોય છે.
ગુલઝારે ઉત્ક્ૃષ્ટ ડિરેકટર છે તે સાચું, પણ જો રેખા એકિટંગમાં કાચી રહી ગઈ હોત તો ધાર્યું પરિણામ ન જ આવ્યું હોત. ‘આજકલ પાંવ જમીં પર નહીં પડતે મેરે…’ ગીતમાં રેખાની આંખોમાં દેખાતી ચમક જુઓ અને બળાત્કાર બાદ આ જ આંખોમાં થીજી ગયેલો ખાલીપો, વિષાદ અને શૂન્યતા જુઓ.
આત્મહત્યાના પ્રયાસવાળા સીનમાં ઊપસતું આરતીના પાત્રનું કારુણ્ય અને રસક્સ વગરના લગ્નમાં થતી ગૂંગળામણ – આ એવી લાગણીઓ છે દર્શાવવા માટે ખરેખર મેચ્યોર અભિનેત્રી જ જોઈએ. આથી જ લોકોે ‘ઘર’ જોઈને ચમકી ગયા હતા. શું આ શરમાળ અને માથા પર સાડીનો પાલવ ઓઢી રાખતી માસૂમ યુવતી ખરેખર રેખા જ છે? તો પછી અત્યાર સુધીની પેલી બધી મામૂલી ફ્લ્મિોમાં કમરેથી ઝાટકા મારી મારીને નાચતી ચરબીદાર નટીને આપણે જોતા હતા એ કોણ હતી? જે ફ્લ્મિ ઇન્ડસ્ટ્રીની સેકસ સિમ્બોલ ક્હેવાય છે તે આ જ? રેખાના સંતુલિત અભિનયે ટીકાકારોને કાયમ માટે ચૂપ કરી નાખ્યા.
ગુલઝાર આજે પણ ‘ઘર’ને યાદ કરતી વખતે થોડા લાગણીશીલ બની જાય છે, ‘આ જ તો સાચા કલાકારની નિશાની છે. ક્લાકાર કેવી રીતે કોઈ પાત્રમાં પ્રવેશ કરતો હોય છે? કેવી રીતે એ કોઈપણ કિરદારને ઓઢી લે છે? રેખાએ આરતીના કિરદારને કપડાંની જેમ સહજતાથી પહેરી લીધું હતું.’
ગેંગરેપવાળા ચાવીરૂપ સીનના શૂટિંગ વખતે ગુલઝારે રેખા અને ચાર સ્ટંટમેનને સૂચના આપી હતી કે કેમેરા ચાલુ થાય પછી તમારી રીતે ઇમ્પ્રોવાઈઝ કરજો. કહે છે કે આ દશ્યમાં રેખાએ એટલા આવેગ સાથે પર્ફેર્મ કર્યું હતું કે ગુલઝારે આ સીનનું ડબિંગ ન ક્રવાનો નિર્ણય લઈ લીધો. એમનું માનવું હતું કે શૂટ વખતે રેખાએ જે ચીસાચીસ ક્રીને આતંકની અભિવ્યકિત કરી હતી તેવી અસર ડબિંગ વખતે ફ્રીથી પેદા નહીં જ કરી શકાય. આજે ‘ઘર’ના તે સીનમાં આપણે રેખાનો જે અવાજ સાંભળીએ છીએ તે ઓરિજિનલ ઓડિયો છે.

‘ઘર’ પછી એ વાત પુરવાર થઈ ગઈ કે જો ઉત્તમ ડિરેકટર મળે તો રેખા અભિનેત્રી તરીકે અદ્ભુત રીતે ખીલી શકે છે. આ એ સમયગાળો હતો જ્યારે રેખાના અમિતાભ બચ્ચન સાથેના પ્રેમસંબંધ વિશેની ગપસપ ઓલરેડી શરૂ થઈ ચૂકી હતી. અગાઉ વિનોદ મહેરા સાથે રેખાનાં લગ્ન થયાં હતાં અને બંને છૂટા પણ પડી ગયા હતા. (જોકે વર્ષો બાદ, ૨૦૦૪માં, રેખાએ એક ઇન્ટરવ્યૂમાં ઘસીને ના પાડી દીધી હતી કે હું વિનોદને કયારેય પરણી નહોતી. એ માત્ર મારો ગાઢ મિત્ર હતો એટલું જ.) એ જે હોય તે, પણ રેખા શી રીતે પોતાના ભૂતપૂર્વ પ્રેમી (કે પતિ) સાથે આટલી સહજ રીતે રોમેન્ટિક દ્રશ્યો ભજવી શકી? આ સવાલના જવાબમાં રેખા તે વખતે બિન્દાસપણે કહેતી, ‘રોમેન્ટિક દ્રશ્યો વખતે હું મનોમન વિનોદની જગ્યાએ ‘એમને’ મૂકી દેતી. તેથી જ આ સીન્સ કન્વિસિંગ બની શકયા!’
‘એમને’ એટલે અમિતાભ બચ્ચનને. મીડિયા સાથે વાત કરતી વખતે જાણી જોઈને અમિતાભ વિશે આડકતરા ઉલ્લેખ કરવાનું લોકેને ટીઝ ક્રવાનું અને બાકીનું બધું એમની કલ્પના પર છોડી દેવાનંુ રેખાએ તે જમાનાથી શરૂ કરી દીધેલું!
0 0 0 

1 comment:

  1. ફિલ્મ ઘર મેં મિસ કરી હતી. આ ફિલ્મ હવે તક મળ્યે હું જરૂર જોઇશ. સરસ માહિતીપૂર્ણ લેખ. પુસ્તક એક વાર જોઈ જવાની ઉત્કંઠા જાગે છે. આભાર.

    ReplyDelete