Wednesday, March 30, 2016

ટેક ઓફ: પ્રેરણા ભાગી ગઈ

સંદેશ - અર્ધસાપ્તાહિક્ પૂર્તિ - ૩૦ માર્ચ ૨૦૧૬ 

ટેક ઓફ

આપણા સૌનાં દિમાગમાં ઘણી વાર હાઈકલાસ આઈડિયા આવતા હોય છે. કોઈ સરસ વાર્તા-નવલક્થા-પુસ્તક-નાટક-ફિલ્મનો આઈડિયા, બિઝનેસ ડેવલપ કરવાનો આઈડિયા, આપણી ઓફિસમાં કે જે કોઈ  ક્ષેત્રમાં કામ કરતાં હોઈએ એમાં ક્શુંક નવું કરવાનો આઈડિયા. આઈડિયા એટલો મસ્ત હોય કે આપણે રોમાંચિત થઈ જઈએ છીએ, પણ પછી...?  કરંદ દેશપાંડે હિન્દૃી રંગભૂમિના જાણીતા રાઈટર-ડિરેકટર-એકટર છે, જે વચ્ચે વચ્ચે ફિલ્મો પણ કરી લે છે. થોડાં વર્ષો પહેલાં એમનું એક નાટક આવેલું - ‘કવિતા ભાગ ગઈ'. નાટક એબ્સટ્રેકટ હતું, સાધારણ હતું, પણ ટાઈટલ ઈન્ટરેસ્ટિંગ હતું. નામ પરથી લાગે કે આમાં કદાચ કોઈ કવિતા નામની યુવતીની વાત હશે જે પોતાના પ્રેમી સાથે ભાગી જતી હશે. વાસ્તવમાં અહીં કવિતા એટલે અસલી  કાવ્ય, પોએટ્રીની વાત હતી. નાટક્નો નાયક મેન્ટલ બ્લોક્થી પીડાતો એક કવિ હતો જે કેમેય કરીને  કવિતા લખી શક્તા નહોતા. કવિતા  ગઈ એટલે કવિતા લખવાનો ઉન્માદ અને ઈચ્છા જતાં રહ્યાં, એમ. આજના લેખનું શીર્ષક આ નાટક પરથી જ સૂઝ્યું છે.    

આપણા સૌનાં દિમાગમાં ઘણી વાર હાઈકલાસ આઈડિયા આવતા હોય છે. કોઈ સરસ વાર્તા-નવલક્થા-પુસ્તક-નાટક-ફિલ્મનો આઈડિયા, બિઝનેસ ડેવલપ કરવાનો આઈડિયા, આપણી ઓફિસમાં કે જે કોઈ  ક્ષેત્રમાં કામ કરતાં હોઈએ એમાં ક્શુંક નવું કરવાનો આઈડિયા. આઈડિયા એટલો મસ્ત હોય કે આપણે રોમાંચિત થઈ જઈએ, પણ પછી એવું બને કે આપણે એ આઈડિયા પર કામ શરુ જ ન કરીએ. શરુ ર્ક્યું હોય તો પૂરું ન કરીએ. આળસને કારણે, પ્રમાદને કારણે, સંજોગોને કારણે અથવા અન્ય પ્રાયોરિટીને કારણે પેલો મસ્તમજાનો આઈડિયા મનમાં યા તો કાગળ પર નોંધ રુપે જ રહી જાય. સમય પસાર થતો જાય એટલે ઉત્સાહ મંદ પડતો જાય. ઈચ્છા મરી જાય. પેલાં આઈડિયાને અમલમાં મૂક્વાની જે આંતરિક્ પ્રેરણા મળી હતી તે ગાયબ થઈ જાય. પ્રેરણા ભાગી જાય.

‘હું માનું છું કે આ પૃથ્વી પર માત્ર માણસો, પશુપક્ષીઓ, વનસ્પતિ, બેકટરિયા અને વાઈરસ જ વસતા નથી. આ બધાની સાથે સાથે પૃથ્વી પર આઈડિયાઝ પણ વસવાટ કરે છે,' એલિઝાબેથ ગિલ્બર્ટ નામનાં બેસ્ટસેલર અમેરિક્ન લેખિકા ‘બિગ મેજિક' નામનાં પુસ્તક્માં સરસ વાત કરે છે, ‘આઈડિયા એટલે શરીર વગરની પણ ઉર્જાથી છલકાતી જીવંત વસ્તુ. તે આપણા કરતાં બિલકુલ સ્વતંત્ર છે અને આપણી સાથે ઈન્ટરેકટ કરી શકે છે. આઈડિયા પાસે શરીર ભલે ન હોય પણ એનામાં આત્મા જરુર હોય છે. ઈચ્છાશકિત તો ચોક્કસપણે હોય છે. આઈડિયાની સર્વોપરી ઈચ્છા એક જ છે - એને વ્યકત થવું હોય છે. આઈડિયા આપણી દૃુનિયામાં એક જ રીતે વ્યકત થઈ શકે - માણસ સાથે પાર્ટનરશિપ કરીને. જો માણસ પ્રયત્ન  કરે તો અને તો જ માનમોંઘો આઈડિયા અમૂર્ત વિશ્ર્વમાંથી બહાર નીક્ળીને મૂર્ત એટલે કે વાસ્તવિક્ દૃુનિયામાં પ્રવેશી શકે.

યાદ રહે, અહીં કેવળ કવિતા- વાર્તા-પેઈન્ટિંગના આઈડિયાની વાત નથી. આ આઈડિયા આર્ટિસ્ટિક ઉપરાંત વિજ્ઞાન, વેપારઉદ્યોગ, રમતગમત, ધર્મ, રાજકારણ કે એવા કોઈ પણ ક્ષેત્રને લગતા હોઈ શકે. લેખિકા  ક્હે છે કે આ આઈડિયાઝ આપણી આપસપાસ હવામાં ઘુમરાતા રહે છે અને પોતાને આવકારવા તૈયાર હોય તેવા માણસને શોધતા રહે છે. એને લાગે કે ફલાણો માણસ મને દૃુનિયામાં અવતારવા માટે સક્ષમ છે તો એનું ધ્યાન ખેંચવાની કોશિશ કરશે.

કોઈ પણ આઈડિયાને તમારામાં યોગ્યતા દૃેખાય એટલે એ શું કરે? સૌથી પહેલાં તો તમને રોમાંચિત કરી  નાખશે. ત્યાર બાદ એક પછી એક એવા સંજોગ સર્જશે કે જેથી એનામાં તમારો ઈન્ટરેસ્ટ જીવંત રહે. જાણે પ્રેત વળગ્યું હોય તેમ હાલતા-ચાલતા-ઉઠતા-બેસતા તમને બસ તે આઈડિયાના જ વિચારો આવતા રહેશે. મધરાતે અચાનક ઊંઘ ઉડે ને ખબર પડે કે સનામાં ય તમે એ જ આઈડિયા વિશે વિચારી રહ્યા હતા. આઈડિયાને ખાતરી થાય કે તમે એના પર પૂરેપુરું ધ્યાન આપવા તૈયાર છો ત્યારે હળવેક્થી તમને પૂછશે:
‘દોસ્ત, તું મારી સાથે કામ કરવા, મારો પાર્ટનર બનવા તૈયાર છે?'

આ સ્થિતિમાં તમારી પાસે બે વિક્લ્પો હોય.કાં તો તમે હા પાડશો અથવા ના પાડશો. ધારો કે આઈડિયા જે સમયે તમારા થકી જન્મ લેવા માગતો હોય તે વખતે તમે જીવનજંજાળમાં ગૂંચવાયેલા હો, અસલામતીથી પીડાતા હો અથવા ખુદૃની નિષ્ફળતાઓ અને ભુલોનું વિશ્ર્લેષણ કરવામાંથી ઊંચા આવતા ન હો તો શક્ય છે કે પેલો આઈડિયા થોડી મિનિટો, થોડા દિવસો, થોડાં અઠવાડિયાં કે ઈવન થોડાં વર્ષો સુધી તમારી રાહ જોશે. તે પછીય તમે આઈડિયા પર ધ્યાન ન આપો, નિષ્ક્રિય રહો કે ના પાડી દો એટલે એ બાપડો નછૂટકે  કંટાળીને તમને છોડીને એવા કોઈ માણસની શોધમાં જતો રહેેશે જે એની સાથે પાર્ટનરશિપમાં કામ કરવા તૈયાર હોય.          
કેટલી સરસ થિયરી.ક્યારેય તમને કોઈ નાટક્-ફિલ્મ, માર્કેટમાં મૂકાયેલી કોઈ નવી વસ્તુ કે એવું કોઈ પણ ડેવલપમેન્ટ જોઈને અથવા કોઈ લખાણ વાંચીને એવું થયું છે કે શીટ્ યાર, આ તો મારો આઈડિયા હતો! આવું તો મારે લખવું હતું, કરવું હતું અથવા તો બનાવવું હતું! બસ, આવી લાગણી જાગે ત્યારે સમજી લેવાનું કે તે આઈડિયા તમારી પાસે જરુર આવ્યો હતો, તમારું ધ્યાન ખેંચવાની કોશિશ કરી હતી, પણ તમે તમે કોઈ એકશન ન લીધાં એટલે તમને છોડીને બીજા કોઈ પાસે જતો રહ્યો.

જરુરી નથી કે કેવળ આળસ, પ્રમાદ કે આત્મવિશ્ર્વાસના અભાવને કારણે જ તમે આઈડિયા કે પ્રેરણાને ના પાડી હોય. શક્ય છે કે ખરેખર તમારા સંજોગો જે-તે આઈડિયા પર કામ કરી શકે એવા ન હોય. વિચાર ક્યારેક ખોટી જગ્યાએ દરવાજો ખટખટાવતો હોય છે. તમે ખોટા નથી, વિચાર પણ ખોટો નથી, પણ તમારા મેળાપનો આ રાઈટ ટાઈમ ન હોય, તેવું બને. એલિઝાબેથ ગિલ્બર્ટ ક્હે છે, ‘મારે કેટલીય વાર પ્રેરણાને ના પાડવી પડી છે. આવી સ્થિતિમાં હું એને નમ્રતાપૂર્વક ક્હું છું કે જો પ્રેરણા, તું મારી પાસે આવી તે બદૃલ તારો ખૂબ ખૂબ આભાર, બટ આઈ એમ નોટ યોર ગર્લ.'

- અને ધારો કે તમે તમારી આસપાસ હવામાં ઘુમરાતા આઈડિયાને અથવા તમારી ભીતર જન્મેલી પ્રેરણાને હા પાડો તો? હવે શું બનશે? તમે પ્રેરણા સાથે કાયદેસર કોન્ટ્રેકટ કરશો. તમારું કામ હવે સરળ પણ બની જશે અને અઘરું પણ બની જશે. હવે તમે જાણો છો કે સઘળી શકિત કઈ દિશામાં લગાડવાની છે. તમે એ આઈડિયાને નક્કર દેહ આપવાની જવાબદારી સ્વીકારી છે. તમે એક ક્રિયેટિવ પ્રોસેસની શરુઆત કરવા તૈયાર થયા છો. આ એક એવી પ્રોસેસ છે જેનું પરિણામ એકઝેકટલી કેવું આવશે એની તમને ખબર નથી. આ પ્રક્રિયાને અંતે તમે જબરદસ્ત સફળતા પામો એવું ય બને, તમે સાવ મિડીયોકર પૂરવાર થાય એવું ય બને અથવા ઊંધાં મોંએ પટકાઓ એવું ય બને.

એલિઝાબેથ ગિલ્બર્ટ ક્હે છે કે કોણ જાણે કેમ મોટા ભાગના ક્રિયેટિવ કોન્ટ્રેકટ દૃુખ અને પીડાની ભાષામાં જ લખાયા હોય છે. જેમ કે, ‘મને જે પ્રેરણા મળી છે એને નક્કર દેહ આપવા માટે હું મારી જાતને બાળી નાખીશ. હું સફળ થવા માટે એટલા જબરદસ્ત પ્રયત્નો કરીશ અને જરુર પડ્યે મારા સ્વજનો-પ્રિયજનો- કુટુંબનો પણ ભોગ આપી દઈશ. હું શહીદ થઈ જઈશ અને આ શહાદતને મારી ક્રિયટિવિટીના ભવ્ય પ્રતીક્ તરીકે ગળે મેડલની જેમ લટકાવીશ!'

સો-કોલ્ડ ‘ક્રિયેટિવ આર્ટિસ્ટ0 એવું માની લેતા હોય છે કે અમુક્ વસ્તુઓ કરવાનો પરવાનો એમને આપોઆપ, બાય ડિફોલ્ટ, મળી ગયો છે. બીજા શબ્દોમાં કહીએ તો, માણસ સ્વભાવે ‘ક્રિયેટિવ હોય એટલે અમુક્ રીતે વર્તે તો તે સહજ ગણાય એવી લોકોમાં છાપ પડી ગઈ છે. જેમ કે,  સિગારેટ - દારુ કે અન્ય પ્રકારના નશાનું બંધાણ કરવું, અંગત સંબંધોને તોડી-ફોડી નાખવા, શિસ્તહીન જીવન જીવવું, સતત પોતે લોહીલુહાણ કે ઘવાયેલો હોય એવું માનવું, પોતાનાં કામ પ્રત્યે અસંતોષ વ્યક્ત કરવો, આર્થિક્ તંગી કે મુફલિસીમાં સબડ્યા કરવું, સમકાલીનોની અદેખાઈ કરવી, કોઈની સફળતા ન સાંખી શક્વી, સફળતા મળે ત્યારે ઘમંડી બની જવું અને નિષ્ફળતાના તબક્કામાં આત્મદયાથી પીડાવું, મારી ટેલેન્ટ મારા માટે બોજરુપ છે (આશીર્વાદરુપ નહીં) એવું માનવું, પ્રસન્નતા કરતાં વિષાદમાં રહેવાનું વધારે પસંદ કરવું, વહેલાં ગુજરી જવું અને પોતાના ક્મોત માટે ક્રિયેટિવિટીને દોષ દેવો.

આ પ્રકારનું જીવન જીવ્યા હોય તેવા કેટલાય ક્લાકારોનાં ઉદૃાહરણ આપણે જોયાં છે. દૃૂરથી ખૂબ ગ્લેમરસ લાગે છે આ પ્રકારની ક્રિયેટિવ લાઈફ. સવાલ એ છે કે જેનામાં ઈશ્ર્વરે ખરેખર સર્જનાત્મક પ્રતિભા મૂકી છે એના માટે આવું જીવન ઉપકારક સાબિત થાય છે ખરું? ઘણું કરીને, ના. ક્લાકાર  પોતાની વિચિત્રતાઓ અને પીડાઓમાં સબડતો હોય ત્યારે શક્ય છે કે એની ક્રિયેટિવિટી કે પ્રેરણા કંટાળીને દૃૂર ખૂણામાં બોર થતી બેઠી હોય. એ જાણે કે ક્હેતી હોય છે કે ભાઈ, આ બધામાં બહાર આવ, શાંત થા, ટાઢો પડ. હજુ આપણે ઘણું કામ કરવાનું બાકી છે. તું નોર્મલ નહીં બને તો આપણે પાછા કામે કેવી રીતે વળગી શકીશું?ઘણા ઉત્સાહી યંગસ્ટર્સ ક્હેતા હોય છે કે મારે રાઈટર બનવું છે એટલે જોબ છોડી દેવી છે અને ફુલટાઈમ લખવા પર જ ધ્યાન કેન્દ્રિત કરવું  છે. એલિઝાબેથ ગિલ્બર્ટ ક્હે છે કે કોઈ આવું કહે છે ત્યારે હું અંદરથી કાંપી ઉઠું છું. તમારી ક્રિયેટિવિટીને મુકત રહેવા દો. તેના પર તમારો જીવનનિર્વાહ કરવાની જવાબદૃારી ન નાખો (મીન્સ કે તમારી ક્માણી ચાલુ રહે તેવી જોબ કન્ટિન્યુ કરો). સામાન્ય રીતે માણસ જેટલી વધારે મહેનત કરશે અને વધારે નિષ્ઠા રાખશે એટલી વધારે ક્માણી કરતો હોય છે. ક્મનસીબે ક્રિયેટિવ ફિલ્ડ્સમાં આ સમીકરણ હંમેશાં સાચું પડતું નથી. તમે પ્રતિભાશાળી હો, નિષ્ઠાવાન હો, જેન્યુઈન હો, જબરદસ્ત પરિશ્રમ કરતા હો છતાંય ધાર્યું પરિણામ ન મળે અને પરિણામે તમે ગરીબ રહી જાઓ એવું ક્ળાનાં ક્ષેત્રોમાં બિલકુલ શક્ય છે. ‘ઈમ્મોર્ટલ્સ ઓફ મેલુહા' અને અન્ય સુપરહિટ પુસ્તકો લખનાર અમિશ ત્રિપાઠીએ એક્ વાર ઈન્ટરવ્યુમાં ક્હેલું  કે મારા પ્રકાશક તરફથી મળતો ચેક જ્યાં સુધી મારા પગારના ચેક કરતાં મોટો ન થયો ત્યાં સુધી મેં ઈન્વેસ્ટમેસ્ટ બેન્કર તરીકેની જોબ ચાલુ રાખી હતી!

આ પ્રેકિટક્લ અપ્રોચ થયો. ક્રિયેટિવ જિંદગી જીવવા માગતા સૌએ પોતપોતાની વાસ્તવિક્તા અનુસાર નિર્ણય લેવાનો છે. જોવાનું એટલું જ છે કે ક્રિયેટિવ જિંદગી પ્રસન્નતાથી ભરપૂર હોવી જોઈએ, માનસિક્ તાણ પેદૃા  કરે એવી નહીં. હંમેશા એલર્ટ રહેવું પડશે કેમ કે કોઈ ગ્રેટ આઈડિયા ગમે ત્યારે પાર્ટનરશિપની ઓફર લઈને તમારી પાસે આવી શકે  છે... અને એક વાર ગ્રેટ આઈડિયા મળી જાય પછી એના પર મહેનત કરવી પડશે, જો એમ નહીં થાય તો પ્રેરણા ભાગી જશે. પ્રેરણા ભાગી જાય એ મજા પડે એવી સ્થિતિ તો નથી જ, રાઈટ?  

0 0 0 

1 comment:

  1. You inspired me to look for and read Big Magic, Shishirbhai. Thanks.

    ReplyDelete