Saturday, March 12, 2016

મલ્ટિપ્લેક્સ: મળો, સિનેમેટોગ્રાફીના શહેનશાહને...

Sandesh - Sanskar purti - 13 March 2016

મલ્ટિપ્લેક્સ 

બેક-ટુ-બેક ત્રણ વખત ઓસ્કર અવોર્ડ જીતનાર સુપર સિનેમેટોગ્રાફર ઈમેન્યુ્અલ લુબેઝ્કી કહે છે, 'હવે મને ફીલિંગ થવા લાગી છે કે ચાલો, આખરે મને મારું કામ કરતાં થોડું ઘણું આવડવા માંડયું છે. અમુક મશીનો-ઉપકરણો કેવી રીતે ચલાવવા એની ગતાગમ પડવાની શરૂઆત હવે થઈ છે. પણ હજુ એવી અસંખ્ય બાબતો છે, જે મારે શીખવાની બાકી છે. મારે વધારે પ્રેકિટસ કરવાની જરૂર છે, વધારે અખતરા કરવાની જરૂર છે.'' કદાચ જિનિયસની કક્ષાએ પહોંચી ચૂકેલા માણસ જ આટલો નમ્ર રહી શકતો હશે.  

Emmanuel Lubezki

ફિલ્મી દુનિયામાં ઓસ્કર અવોર્ડ એટલે અલ્ટિમેટ ફેન્ટસી. સફળતા,સિદ્ધિ અને સ્વીકૃતિનું સર્વોચ્ચ શિખર. માણસને ઓસ્કર અવોર્ડ મળે એટલે ફિલ્મમેકિંગના જે-તે પાસાંમાં એ દુનિયાનો બેસ્ટ માણસ છે એવો થપ્પો લાગી જાય. હવે વિચાર કરો. ઈમેન્યુઅલ લુબેઝ્કી નામના સિનેમેટોગ્રાફરને પોતાની બેનમૂન કામગીરી બદલ ઓસ્કર મળે છે. બીજા વર્ષે બીજો ઓસ્કર મળે છે. ત્રીજા વર્ષે ત્રીજો ઓસ્કર મળે છે. અભૂતપૂર્વ ઘટના છે આ. સિનેમાના ઇતિહાસમાં એક જ વ્યકિતને લગાતાર ત્રણ-ત્રણ વખત ઓસ્કર મળ્યો હોય એવું કદી બન્યું નથી. ઈમેન્યુઅલ લુબેઝ્કીનો રથ ખરેખર તો ધરતીથી એક મીટર અધ્ધર ચાલવો જોઈએ. એની છાતી ફુલાઈને છપ્પનની નહીં, એકસો છપ્પન ઈંચની થઈ જવી જોઈએ. એને બદલે શું કહે છે આ માણસ?
 'હવે મને ફીલિંગ થવા લાગી છે કે ચાલો, આખરે મને મારંુ કામ કરતાં થોડું ઘણું આવડવા માંડયું છે. અમુક મશીનો-ઉપકરણો કેવી રીતે ચલાવવા એની ગતાગમ પડવાની શરૂઆત હવે થઈ છે. પણ હજુ એવી અસંખ્ય બાબતો છે, જે મારે શીખવાની બાકી છે. મારે વધારે પ્રેકિટસ કરવાની જરૂર છે, વધારે અખતરા કરવાની જરૂર છે. ઓસ્કર મળ્યા તે સારી વાત છે, પણ વધારે મહત્ત્વનું એ છે કે મારૃં કામ બહેતર બને તે માટે હું સતત કોશિશ કરતો રહું.''  
આ છે જિનિયસની કક્ષાએ પહોંચી ચૂકેલા માણસની નિશાની. દુનિયા ચકાચૌંધ થઈ જાય એવી સિદ્ધિ મળી ચૂકી છે, છતાંય સતત એવી સભાનતા છે કે, હજુ તો ઘણું શીખવાનું બાકી છે. પોતાનાં કૌશલ્યની સતત ધાર ઉતારતા રહેવાની ધધક અકબંધ છે. ઘમંડનું તો નામોનિશાન નથી. સાચુકલી નમ્રતા છે, નમ્રતાનું નાટક નથી. સફળતાનો નશો? એ વળી શું? ઈમેન્યુઅલ લુબેઝ્કીમાંથી આપણે સૌએ આ શીખવા જેવું છે. સહેજ અમથી, સાવ ક્ષુલ્લક કહેવાય એવી સફળતા મળે તોય ફુલાઈને ઢોકળાં જેવા થઈ જતા અને પોતાનાં નામનાં બણગાં ફૂંકીને ત્રાસ ફેલાવી દેતા અર્ધદગ્ધ ને છીછરા મનુષ્યપ્રાણીઓએ ખાસ.
ઈમેન્યુઅલને પહેલી વાર ૨૦૧૪માં 'ગ્રેવિટી' માટે બેસ્ટ સિનેમેટોગ્રાફીનો ઓસ્કર મળ્યો. ૨૦૧૫માં 'બર્ડમેન' માટે મળ્યો અને હમણાં ૨૦૧૬માં 'ધ રેવેનન્ટ' માટે મળ્યો. સ્પેસ ફિલ્મો તો ઘણી આવી, પણ 'ગે્રવિટી' જેવાં અંતરિક્ષનાં અફલાતૂન દશ્યો આપણે કયારેય નહોતાં જોયાં. 'બર્ડમેન' તો જાણે આખી ફિલ્મ સિંગલ શોટમાં શૂટ કરવામાં આવી હોય એવી ગજબનાક અસર પેદા કરતી હતી. આપણું દિમાગ ચકરાઈ ગયું હતું આ ફિલ્મો જોઈને. પ્રેક્ષકોને કેેમેય કરીને સમજાતું નહોતું કે, આવી અભૂતપૂર્વ વિઝ્યુઅલ ઈમ્પેકટ કઈ રીતે ક્રિયેટ કરી હશે આ લોકોએ? અત્યંત અઘરું હોય છે સિનેમાની, રાધર, કોઈ પણ માધ્યમની ક્રિયેટિવ તેમજ ટેક્નોલોજિકલ ક્ષિતિજોને વિસ્તારવાનું. ઈમેન્યુઅલ લુબેઝ્કી આ કામ વારંવાર શી રીતે કરી શકયા?
Emmanuel Lubezki

કદાચ આ પ્રશ્નનો જવાબ એમને નજીકથી ઓળખવાનો પ્રયાસ કરીએ તો મળી શકે. યહૂદી પરિવારમાં જન્મેલા બાવન વર્ષીય ઈમેન્યુઅલ સાઉથ અમેરિકાના મેક્સિકોના વતની છે. ઈમેન્યુઅલને આમ તો ફિલ્મી ફરજંદ ગણી શકાય, કેમ કે એમના પિતાજી એક્ટર-પ્રોડયુસર છે. ઈમેન્યુઅલનાં દાદી (જે મૂળ રશિયન હતાં) એમના જમાનામાં હોલિવૂડમાં એક્ટ્રેસ બનવાં માગતાં હતાં.
ઈમેન્યુઅલ મેકિસકો સિટીની એક ફિલ્મસ્કૂલમાં ભણ્યા છે. ક્રિયેટિવ ક્ષેત્રમાં આગળ વધવા માગતી વ્યક્તિ નાની ઉંમરે જ પોતાની કરીઅર બાબતે માનસિક રીતે સ્પષ્ટ થઈ ગઈ હોય તો એને તાલીમબદ્ધ થવા માટે, વિકસવા માટે અને પોતાનાં ક્ષેત્રમાં ઊંચાઈઓ સર કરવા માટે ખૂબ બધાં વર્ષો મળી જતાં હોય છે. ફિલ્મસ્કૂલમાં ઈમેન્યુઅલ અને અલ્ફોન્સો કુએરોન સાથે ભણતા હતા. અલફોન્સો કુએરોન એટલે છ-છ વખત ઓસ્કર નોમિનેશન મેળવનાર અને 'ગ્રેવિટી' માટે ઓસ્કર જીતી જનાર ખ્યાતનામ ડિરેક્ટર. બન્ને હજુ જુવાનીમાં પગ મૂકે તે પહેલાં જ દોસ્ત બની ગયા હતા. અલ્ફોન્સોએ એક ઈન્ટરવ્યુમાં કહ્યુંું છે, 'એકચ્યુઅલી, મારે ડિરેક્ટર અને સિનેમેટોગ્રાફર બન્ને બનવું હતું, પણ ફિલ્મ-સ્કૂલમાં મેં ઈમેન્યુઅલની એક શોર્ટ ફિલ્મ જોઈ. એનું કેમેરા-વર્ક જોઈને હું દંગ થઈ ગયો. મેં મારી જાતને કહ્યું: આને કહેવાય સિનેમેટોગ્રાફી! મહેરબાની કરીને સિનેમેટોગ્રાફર બનવાના ધખારા છોડી દે ને ચૂપચાપ ડિરેક્શન પર ફોકસ કર!'
મજા જુઓ. અલ્ફોન્સો અને ઈમેન્યુઅલમાંથી કોઈ ફિલ્મમેકિંગનો કોર્સ પૂરો ન કરી શકયું. શા માટે? એમને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા, એટલે. કેમ કાઢી મૂકવામાં આવ્યા? સ્કૂલમાં ફિલ્મો બનાવવાની જે બીબાંઢાળ પદ્ધતિઓ ભણાવવામાં આવતી હતી તેની વિરુદ્ધ બન્ને ખૂબ સવાલો ઉઠાવીને શિસ્તનો ભંગ કરતા હતા, એટલે! તે વખતે કોઈએ કલ્પના કરી હશે કરી કે,સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવેલા આ બેય ટીનેજર દોસ્તારો ભવિષ્યમાં જબરદસ્ત સિનેમેટિક સિદ્ધિઓ હાંસલ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે તરખાટ મચાવવાના છે!  
'Gravity' shoot: Emmenuel Lubezki with Alfonso Cuarón and Sandra Bullock 

અલ્ફોન્સો અને ઈમેન્યુઅલે ડિરેક્ટર-સિનેમેટોગ્રાફર તરીકે છ ફિલ્મો સાથે બનાવી છે. આમાંની છેલ્લી ત્રણ ફિલ્મો - 'એન્ડ યોર મધર ટુ' (૨૦૦૧, આ સ્પેનિશ ફિલ્મ છે), 'ચિલ્ડ્રન ઓફ મેન' (૨૦૦૬) અને 'ગ્રેવિટી' (૨૦૧૪) પર ઓસ્કર અને અન્ય મહત્ત્વના અવોર્ડ્ઝનો રીતસર વરસાદ વરસ્યો હતો.
ઈમેન્યુઅલ રહ્યા પાક્કા સાઉથ અમેરિકન આદમી. સ્પેનિશ એમની માતૃભાષા. હોલિવૂડમાં એન્ટ્રી માર્યા પછીય કયાંય સુધી એમને અંગ્રેજીમાં બોલવાના ફાંફાં હતા. શોર્ટ ફિલ્મથી કરીઅરની શરૂઆત કરનાર ઈમેન્યુએલની પહેલી ફિચર લેન્થ ૧૯૯૧માં રિલીઝ થઈ. ડિરેક્ટર હતા, અલ્ફોન્સો. ૧૯૯૨ સુધીમાં બીજી બે ફિલ્મો આવી ગઈ. બન્યું એવું કે, આમાંની પહેલી અને ત્રીજી ફિલ્મનું ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલનું સ્ક્રીનિંગ થવાનું હતું. ઈમેન્યુઅલને ટોરોન્ટો જવાનું આમંત્રણ મળ્યું. ફિલ્મ ફેસ્ટિવલ હજુ પૂરો થાય તે પહેલાં જ હોલિવૂડના એજન્ટો એમને શોધવા માંડયા. ઈમેન્યુઅલને એટલી ય ખબર નહોતી કે હોલિવૂડમાં કરીઅર બનાવવું હોય તો વ્યવસ્થિત એજન્ટ રાખવો પડે. લોસ એન્જલસમાં એમણે કેટલાક એજન્ટો સાથે તૂટીફૂટી અંગ્રેજીમાં મીટિગો કરી. ઓફરો આવવા માંડી. બેન સ્ટિલરની 'રિઆલિટી બાઈટ્સ' (૧૯૯૪) એમની પહેલી અમેરિકન ફિલ્મ. કરીઅર આગળ વધતી ગઈ.અલ્ફોન્સોની ગણના એ-ગ્રેડના સિનેમેટોગ્રાફર તરીકે થવા લાગી. ટેરેન્સ મલિક, ટિમ બર્ટન અને કોએન બ્રધર્સ જેવા ધરખમ ફિલ્મમેકરો સાથે કામ કરવાનો મોકો મળ્યો... અને હા, ધીમે ધીમે અંગ્રેજીમાં વાતચીત કરવાનું પણ આવડી ગયું!.
'The Tree of Life' shoot: Emmenuel Lubezki with Terrnece Malick and Brad Pitt (seated)

'ટેરેન્સ મલિક સાથે કામ કરવાથી જાણે મારું જીવન પલટાઈ ગયું,' ઈમેન્યુઅલ એક મુલાકાતમાં કહે છે, 'મેં એમની સાથે બે ફિલ્મો કરી - 'ધ ન્યુ વર્લ્ડ' અને 'ધ ટ્રી ઓફ લાઈફ'. ટેરેન્સે મને કુદરતને જુદી જ દષ્ટિથી નિહાળતા શીખવ્યું. ટેેરેન્સના સંગાથને કારણે,જે બાબતો મને મામૂલી લાગતી હતી એને હું આદર આપતા શીખ્યો. એક સિનેમેટોગ્રાફર તરીકે જ નહીં, પણ મને લાગે છે કે, એક પતિ, પિતા અને દોસ્ત તરીકે પણ હું બહેતર બન્યો. ટેરેન્સ મારા જીવનના સૌથી મહત્ત્વના ગુરુઓમાંના એક છે.'
ટેરેન્સ મલિકની 'ધ ટ્રી ઓફ લાઈફ' વિશે 'મલ્ટિપ્લેકસ'માં અગાઉ વાત કરી ચુકયા છીએ, એટલે અત્યારે રિપીટ કરવી નથી. ઈમેન્યુઅલને ઓસ્કર તો જોકે એમના હમવતની ડિરેક્ટરો અલ્ફોન્સો અને અલ્હાન્દ્રો ઈનારીટુ ('બર્ડમેન' અને 'ધ રેવેનન્ટ')એ જ અપાવ્યા. 'ગ્રેવિટી'માં અવકાશયાત્રી સાન્ડ્રા બુલોક સ્પેસમાં ગોળ ગોળ ઘૂમતી હોય અને આમથી તેમ અથડાતી-કૂટાતી હોય એવાં દશ્યોની ભરમાર છે. તે શૂટ કરવા માટે વિશિષ્ટ ટેક્નિક ડેવલપ કરવામાં આવી હતી. લાઈટ બોકસ તરીકે ઓળખાતા બંધ પિંજરામાં ચાર હજાર એલઈડી લાઈટ્સ ગોઠવવામાં આવી અને વચ્ચે સાન્ડ્રા બુલોકને ખુરસીમાં બેસાડી દેવામાં આવ્યો. આઈડિયા એવો હતો કે, એક્ટર પાસે પ્રમાણમાં ઓછી મૂવમેન્ટ કરાવવી, પણ એની આસપાસનાં બેકગ્રાઉન્ડને (એટલે કે અંતરીક્ષને) જરૂરિયાત પ્રમાણે ગોળ ગોળ ફેરવવાનું. ઈમેન્યુઅલને આ આઈડિયા એક મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન આવ્યો હતો!
'Birdman' shoot: Emmenuel Lubezki with Alejandro Inarritu (center) and Michael Keaton

'ઈમેન્યુઅલનું એવું જ છે,' અલ્ફોન્સો કહે છે, 'મ્યુઝિક કોન્સર્ટમાં આપણું ધ્યાન સિંગર પર અને એનાં પર્ફોર્મન્સ પર હોય, પણ ઈમેન્યુઅલનું ધ્યાન સ્ટેજ પરની લાઈટિંગ પર હોય! અમે રેસ્ટોરાંમાં ડિનર કરવા જઈએ તોપણ એ ટેબલ પર મૂકવામાં આવેલી મીણબત્તીને આઘીપાછી કરશે, ફ્લાવરવાઝની જગ્યા બદલશે, બેસવાની પોઝિશન ચેન્જ કરશે. આખરે ટેબલ પર પરફેક્ટ લાઈટિંગ થઈ ગઈ છે, એવું લાગશે પછી જ એ ફૂડ ઓર્ડર કરશે!'
'બર્ડમેન'ના એક-એક શોટ દસથી પંદર મિનિટના છે ને બધામાં સ્ટેડીકેમ અને હેન્ડહેલ્ડનું કોમ્બિનેશન કરવામાં આવ્યું છે. ઈમેન્યુઅલ કહે છે, 'એકેએક શોટ યા તો સીન માટે અમારે પુષ્કળ રિહર્સલ કરવા પડતાં. કેેમરા ફરે એટલે સાથે સાથે લાઈટિંગ બદલે. કયાંય શેડો (પડછાયો) ન આવી જાય તેનું ધ્યાન રાખવાનું. મારી સાથે મૂવિંગ લાઈટ્સ વગેરે લઈને બીજા આઠ લોકોનું ટોળું સાથે સાથે ફરતું હોય. જાણે ડાન્સ-બેલે ચાલતો હોય, તેમ એક્ટરો અને કેમેરા ટીમની એકેએક મૂવમેન્ટ કોરિયોગ્રાફ કરવામાં આવી હતી. એકાદ જણ પણ ભૂલ કરે એટલે બધું એકડે એકથી શરૂ કરવાનું.'
'બર્ડમેન'ની જેમ 'ધ રેવેનન્ટ'ની કેટલીય સિક્વન્સમાં કેમેરા સતત ઘૂમતો રહે છે. એક ક્ષણે એક્ટરના ચહેરાનો કલોઝઅપ આવે તો બીજી જ ક્ષણે, કટ થયા વગર, કેમેરા ચહેરાથી દૂર જઈને આખી ક્ષિતિજ આવરી લે. આને ઈલાસ્ટિક શોટ કહે છે. 'ધ રેવેનન્ટ' ઈમેન્યુઅલે એરી કંપનીના 'એલેકસા ૬૫' અને 'એલેકસા એકસ-ટી' નામના ડિજિટલ કેમેરાથી શૂટ કરી છે.
ઈમેન્યુઅલ કહે છે, 'અલહાન્દ્રો અત્યંત વિષમ પરિસ્થિતિમાં જે રીતે 'ધ રેવેનન્ટ' શૂટ કરવા માગતા હતા તે સાંભળીને મેં કહેલું કે દોસ્ત, આ રીતે તો આપણી હાલત ખરાબ થઈ જશે. આપણે આ બધું કરી શકીશું ખરા? અલ્હાન્દ્રોએ કહ્યું કે જો, આપણે પચાસના ભલે થઈ ગયા, પણ આપણા હાથપગ હજુ બરાબર કામ કરે છે. 'ધ રેવેનન્ટ' આપણે અત્યારે જ બનાવી નાંખવી પડે, કેમ કે દસ વર્ષ પછી આપણામાં આ ફિલ્મ શૂટ કરવાની તાકાત નહીં હોય.'
'The Revenant': Immenuel Lubezki with a supporting actor

ફિલ્મ શૂટ થઈ, જે રીતે ધાર્યું હતું એવી જ રીતે શૂટ થઈ અને પછી, અંગ્રેજીમાં કહે છે તેમ, રેસ્ટ ઈઝ હિસ્ટરી. આ વર્ષે ઈમેન્યુઅલ લુબેઝ્કીની ઓર એક ફિલ્મ આપણને જોવા મળશે - 'વેઈટલેસ', જેના ડિરેક્ટર છે ટેરેન્સ મલિક. જોઈએ, આ ફિલ્મમાં ઈમેન્યુઅલ શું નવી કમાલ કરી દેખાડે છે.
શો-સ્ટોપર 

'બાજીરાવ મસ્તાની'નું પેલું 'પિન્ગા'વાળંુ એક જ ગીત શૂટ કરવામાં સંજય લીલા ભણસાલીએ ત્રીસ દિવસ લઈ લીધા હતા. આના કરતાં ઓછા દિવસોમાં તો મેં 'જય ગંગાજલ'માં પ્રિયંકાવાળાં બધાં જ સીન શૂટ કરી નાંખ્યા હતા.
- પ્રકાશ ઝા

No comments:

Post a Comment