Wednesday, February 3, 2016

મલ્ટિપ્લેક્સ : અમિતાભ અને શત્રુઘ્ન વચ્ચે તડાફડી કેમ થઈ?

Sandesh - Sanskar Purti - 31 Jan 2016
મલ્ટિપ્લેક્સ 
શત્રુઘ્ન સીન-સ્ટીલર હતા. પોતાનાં પર્ફોર્મન્સ અને પ્રેઝન્સથી બીજા હીરોને ઝાંખા પાડી શકતા, ઓડિયન્સનું ધ્યાન પોતાના તરફ ખેંચી શકતા અને સીનને 'ખાઈ જતા'. (કયારેક જરૂર ન હોય તો પણ!) આ વાત અમિતાભે પણ સ્વીકારી છે. કદાચ આ કારણ હોય કે બીજું કંઈ પણ, પરંતુ 'કાલા પથ્થર'માં શત્રુની જગ્યાએ બીજા કોઈ હીરોને ફિટ કરવા માટે અમિતાભે ખૂબ કોશિશ કરી હતી.
Amitabh Bachchan and Shtrughna Sinha in a fight sequence of Kala Patthar

ફ્રેન્કલી, શુત્રુઘ્ન સિંહાની તાજી તાજી બહાર પડેલી જીવનકથા 'એનિથિંગ બટ ખામોશ' ઓનલાઇન ઓર્ડર કરતી વખતે મનમાં ઝાઝી અપેક્ષા નહોતી પણ પુસ્તકમાંથી પસાર થતી વખતે મજા પડતી ગઈ. પુસ્તકમાં 'શુત્રુઘ્ન સિંહા મહાન.... શત્રુઘ્ન સિંહા મહાન' પ્રકારના એકધારા રાસડા લેવાનો એટિટયુડ નથી તે એક મોટો પ્લસ પોઇન્ટ છે. પુસ્તકમાં એમની નબળાઈઓ વિશે પણ પુષ્કળ લખાયું છે. ભારતી એસ. પ્રધાન નામના અંગ્રેજી પત્રકાર-લેખિકાને આ પુસ્તક પૂરુંં કરતાં સાત વર્ષ લાગ્યાં. શત્રુઘ્ન સિંહનાં જીવન સાથે સંકળાયેલા અલગ અલગ ક્ષેત્રનાં ૩૭ લોકોના લંબાણભર્યા ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા. કુલ ૨૦૦ કલાકનું ઓડિયો રેકોર્ડિંગ થયું. તેમાંથી કામની વિગતો અલગ તારવીને પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે.
પુસ્તકમાં અમિતાભ બચ્ચન અને શત્રુઘ્ન સિંહાના સંબંધમાં આવતા ચડાવ-ઉતારનો સરસ આલેખ ઝિલાયો છે. ખાસ કરીને 'કાલા પથ્થર' વખતે પડદા પાછળ થયેલા કાવાદાવાની વિગતો ઇન્ટરેસ્ટિંગ છે. શત્રુઘ્ન સિંહા અને અમિતાભ બચ્ચન સમકાલીન અદાકારો. અમિતાભ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હજુ સ્ટ્રગલ કરતા હતા ત્યારે શત્રુ ઓલરેડી સ્ટાર બની ચૂકયા હતા પણ 'ઝંજીર'(૧૯૭૩) પછી અમિતાભનો સિતારો એવો ચમકયો કે બીજા સ્ટારલોકો પાછળ ફેંકાઈ ગયા. અમિતાભ અને શત્રુઘ્ન સિંહાએ 'બોમ્બે ટુ ગોવા'(૧૯૭૨), 'કાલા પથ્થર'(૧૯૭૯), 'શાન'(૧૯૮૦), 'દોસ્તાના'(૧૯૮૦) અને 'નસીબ'(૧૯૮૧)માં સાથે કામ કર્યું છે.
સલીમ-જાવેદ 'કાલા પથ્થર' લખી રહ્યા હતા ત્યારે તેમના દિમાગમાં-મનમાં સ્પષ્ટ હતું કે કયો રોલ કયો હીરો ભજવશે. એ જમાનામાં સલીમ-જાવેદ એટલા પાવરફુલ હતા કે ફિલ્મનાં કાસ્ટિંગના મામલામાં તેઓ જે સૂચનો કરતા તે પ્રોડયુસર-ડિરેક્ટરોએ સાંભળવું જ નહીં, માનવું પણ પડતું. સલીમ-જાવેદનાં મનમાં 'કાલા પથ્થર'ના મેઇન રોલમાં અમિતાભ બચ્ચન હતા,એન્જિનિયરના રોમેન્ટિક રોલ માટે શશી કપૂર હતા અને ત્રીજા હીરો તરીકે શત્રુઘ્ન સિંહા હતા. આ રોલ જેલમાંથી ભાગી ચૂકેલા એક એવા ગુનેગારનો હતો જે દુનિયાનું કોઈ પણ તાળું ખોલી શકે છે અને જે પથ્થરની ખાણોમાં છુપાતો ફરે છે. આ ભૂમિકા માટે શત્રુ પરફેક્ટ હતા. સલીમ-જાવેદે એમની ઇમેજને ધ્યાનમાં રાખીને ખાસ ડાયલોગ પણ મૂકેલા, જેમ કે, કોઈ કિરદાર એવું પૂછે કે 'તીસરા બાદશાહ કહાં હૈ?' તો શત્રુઘ્ન સિંહા એમના ખાસ અંદાજમાં ડાયલોગ ફટકારે : 'તીસરા બાદશાહ ઈધર હૈ.'
 સ્ક્રિપ્ટ તો સરસ રીતે લખાઈ ગઈ પણ ગરબડની શરૂઆત તે પછી થઈ. સલીમ ખાન કહે છે, 'શત્રુઘ્ન સિંહાને આ ફિલ્મમાં લેવા સામે સૌથી વધારે વાંધો જો કોઈને હતો તોે તે હતો અમિતાભ બચ્ચનને. હકીકત તો એ હતી કે અમિતાભ જ્યારે નવા નવા ઇન્ડસ્ટ્રીમાં આવેલા ત્યારે શત્રુએ એમને કેટલાય પ્રોડયુસરો-ડિરેક્ટરોને મળાવ્યા હતા, એમને કામ આપવા માટે ભલામણ કરી હતી(આ વાત ખુદ અમિતાભે પણ આ જ પુસ્તકમાં સ્વીકારી છે) પણ પછી કોણ જાણે બંને વચ્ચે શું થયું કે મતભેદ વધતા ગયા, જોકે અમિતાભ પર શત્રુના ઘણા અહેસાન હતા એમાં કોઈ બેમત નથી.'
શત્રુઘ્ન સીન-સ્ટીલર હતા. પોતાનાં પર્ફોર્મન્સ અને પ્રેઝન્સથી બીજા હીરોને ઝાંખા પાડી શકતા, ઓડિયન્સનું ધ્યાન પોતાના તરફ ખેંચી શકતા અને સીનને 'ખાઈ જતા'. (કયારેક જરૂર ન હોય તો પણ!) આ વાત પણ અમિતાભે સ્વીકારી છે. કદાચ આ કારણ હોય કે બીજું કંઈ પણ, પરંતુ 'કાલા પથ્થર'માં શત્રુની જગ્યાએ બીજા કોઈ હીરોને ફિટ કરવા માટે અમિતાભે ખૂબ કોશિશ કરી હતી. યશ ચોપડા ફિલ્મના નિર્માતા-નિર્દેશક હતા.
'એ જમાનામાં અમિતાભને નારાજ કરવાની ગુસ્તાખી કોણ કરી શકે?' સલીમ ખાન કહે છે, 'અમિતાભ ઓલરેડી લાર્જર-ધેન-લાઇફ સ્ટાર બની ચૂકયા હતા. યશ ચોપડા હોય કે બીજો કોઈ પણ ફિલ્મમેકર હોય, સૌને પોતાની ફિલ્મો હિટ કરવા માટે અમિતાભની જરૂર પડવાની જ પણ 'કાલા પથ્થર' વખતે મેં ઘસીને કહી દીધું કે આ રોલમાં તો શત્રુઘ્ન સિંહા જ જોઈશે, આથી એ લોકોએ નવા નવા પેંતરા અજમાવવા માંડયા કે જેથી શત્રુ પોતે જ સામેથી ફિલ્મમાં કામ કરવાની ના પાડી દે.'

કેવા પેંતરા? સૌથી પહેલાં તો શત્રુઘ્નને એમની માર્કેટપ્રાઈસ કરતાં કયાંય ઓછા પૈસા ઓફર કરવામાં આવ્યા, એમને કહેવામાં આવ્યું કે તમે લેટ-લતીફ બનશો તે નહીં ચાલે, સેટ પર રોજ સમયસર આવી જવું પડશે. ટૂંકમાં, યશ ચોપડા આણિ મંડળીએ વિચારેલું કે આવી બધી શરતો મૂકીશું એટલે શત્રુ જ સામેથી કહી દેશે કે ભાડ મેં જાઓ, મુઝે નહીં કરની તુમ્હારી ફિલ્મ. આ જે કંઈ રંધાઈ રહ્યું હતું એની ગંધ સલીમસાહેબને આવી ગઈ. એમણે શત્રુઘ્ન સિંહાને કહ્યું : આ રોલ અમે તમને ધ્યાનમાં રાખીને જ લખ્યો છે, તમે લખી રાખો, તમારી કરિયરના જે પાંચ-છ રોલ લોકોને સૌથી વધારે યાદ રહેશે એમાંનો એક રોલ 'કાલા પથ્થર'નો હશે. આથી આ લોકો તમારી સામે જે કોઈ શરતો મૂકે તે દલીલ કર્યા વગર માની લેજો, જો તેઓ કહે કે સવારે પાંચ વાગે સેટ પર હાજર થઈ જવું પડશે, તો તમે કહેજો કે હા, આવી જઈશ. તેઓ સાવ ઓછા પૈસા આપે તોય ચૂપચાપ સ્વીકારી લેજો અને કહેજો કે આ ફિલ્મ હું સલીમસાબના કહેવાથી કરી રહ્યો છું.
'મેં શત્રુને કહ્યું કે તમે બધું મારા પર ઢોળી દેજો,' સલીમ ખાન કહે છે, 'મેં એમને સમજાવ્યું કે તમે એવું નહીં માનતા કે તમે કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા છો, આને એક સ્ટ્રેટેજી ગણો. આ સ્ટ્રેટેજી કામ કરી ગઈ. એ લોકોએ શત્રુઘ્નને ફિલ્મમાં લેવા જ પડયા. આ આખી વાતનો અર્થ એ નીકળે છે કે(અમિતાભ જેવા) મોટામાં મોટા સ્ટાર પણ શત્રુથી એક પ્રકારનો ખતરો અનુભવતા. શત્રુ સીન-સ્ટીલર છે એ સૌ જાણતા હતા. મેં કેટલાય હીરોને શત્રુ સાથે સ્ક્રીન શેર કરતા ડરતા જોયા છે. હું આ બધાનો સાક્ષી છું અને ભગવાનની દયાથી મારી યાદશક્તિ સાબૂત છે. અમુક લોકો કન્વિનિયન્ટલી ઘણું બધું ભૂલી જતાં હોય છે પણ હું કશું જ ભૂલતો નથી.'
કાસ્ટિંગ તો થઈ ગયું પણ સેટ પર ટેન્શનનો માહોલ રહ્યા કરતો. અમિતાભ ખુરસી પર બેઠા હોય તો શત્રુની ખુરસી કયારેય એમની બાજુમાં મૂકવામાં ન આવે. શૂટિંગ પૂરુંં થાય એટલે અમિતાભ એમની કારમાં બેસીને રવાના થઈ જાય. તેઓ કયારેય શત્રુઘ્નને એવો વિવેક ન કરે કે ચલો, આજ લોકેશન સે હોટેલ તક સાથ ચલતે હૈ. ફિલ્મના ફર્સ્ટ હાફમાં અમિતાભ અને શત્રુઘ્ન વચ્ચે એક ફાઇટ-સીન છે. મૂળ સ્ક્રિપ્ટ પ્રમાણે અમિતાભ અને શત્રુને આ ફાઇટમાં સરખેસરખા દેખાડવાના હતા. બંનેએ એકબીજાની ધુલાઈ કરવાની હતી પણ શૂટિંગનો દિવસ આવ્યો ત્યારે સેટ પર મામલો પલટી ગયો. ફાઇટમાસ્ટર શેટ્ટીને સાધી લેવામાં આવ્યા. સીન એવો બનાવવામાં આવ્યો કે અમિતાભ શત્રુને મારી મારીને અધમૂઆ કરી નાખે અને આખરે શશી કપૂર આવીને શત્રુને છોડાવે.
શત્રુ હવે વિફર્યા, તેમણે કહ્યું, 'મને વાર્તા સંભળાવી ત્યારે તો સીન અલગ હતો, હવે છેલ્લી ઘડીએ શા માટે આ બધા ફેરફાર કરો છો? તમે જે રીતે સીન ડિઝાઈન કરવા માગો છો એનો મતલબ તો એવો જ નીકળે છે કે શશીની એન્ટ્રી ધારો કે સીનના એન્ડમાં ન થાત તો અમિતાભે મારા કેરેક્ટરનાં હાડકાં-પાંસળાં એક કરી નાખ્યાં હોત! આમાં અમે સરખેસરખા કયાં રહ્યા ? વળી, આ વાત લોજિકલી પણ ગળે ઊતરે એવી નથી. સ્ક્રિપ્ટ પ્રમાણે હું આખી ફિલ્મમાં અમિતાભનાં પાત્રને ટોન્ટ મારતો રહું છું. હવે જો આ વન-સાઇડેડ ફાઇટમાં અમિતાભ મને ધીબેડી નાખે તો હું એને પછી કયા મોઢે ટોન્ટ મારી શકવાનો છું?'
આ સઘળી દલીલબાજીમાં ત્રણ-ચાર કલાક સુધી શૂટિંગ થંભી ગયું હતું. અમિતાભ જબરા ચીડાઈ ગયા હતા તે વખતે. શત્રુઘ્ન સિંહા તો ત્યાં સુધી કહે છે કે સીનમાં પોતાને અનુકૂળ આવે તે રીતે ફેરફાર કરાવી નાખવાની અમિતાભને આદત હતી. 'દોસ્તાના'નાં શૂટિંગ દરમિયાન અમિતાભ કોઈ સીનમાં ચેન્જિસ કરવા માગતા હતા. ડિરેક્ટર રાજ ખોસલા ન માન્યા. અમિતાભ એમના પર એવા ભડકી ઊઠયા કે ન પૂછો વાત. રાજ ખોસલાની આંખમાં આંસુ આવી ગયા હતાં. તેઓ માની ન શકયા કે પોતાના જેવા સિનિયર ડિરેક્ટર સાથે કોઈ એક્ટર આ રીતે વાત કરી શકે.

આ, અલબત્ત, શત્રુઘ્ન સિંહાનું વર્ઝન છે. શત્રુઘ્ન પણ કંઈ ઓછા નહોતા. અમિતાભની તેજસ્વિતા સ્વીકારવામાં એમનો ઈગો વચ્ચે આવી જતો હતો. 'દીવાર' રિલીઝ થઈને ધૂમ મચાવી રહી તે દિવસોમાં એક વાર ડિરેક્ટર દોસ્ત સુભાષ ઘઈએ શત્રુને કહ્યું હતું :'દીવાર' જોજો. શું અફલાતૂન પર્ફોર્મન્સ આપ્યું છે અમિતાભે! શત્રુએ ગુમાનથી જવાબ આપ્યો : 'અભી કયા મૈં અમિતાભ બચ્ચન સે એકિટંગ સીખૂંગા?'
સુભાષ ઘઈ કહે છે, 'શત્રુએ આજની તારીખે ય અમિતાભની 'શોલે' અને 'દીવાર' જોઈ નથી! શત્રુનું એવું જ છે. એના ગમા-અણગમા અને અભિપ્રાયો બહુ જ સ્ટ્રોંગ હોય છે. એને કોઈને માટે અભાવ થઈ જાય તો મીડિયામાં અને બીજાઓ સામે તે વ્યક્તિ વિરુદ્ધ એવું એવું બોલશે કે પેલો માણસ ઘવાઈ જાય.'
રાજકારણમાં નિષ્ફળ જઈ ચૂકેલા અમિતાભ બચ્ચન શત્રુઘ્ન સિંહાની રાજકારણી તરીકેની સફળતાને અહોભાવથી જુએ છે, તેઓ કહે છે, 'શત્રુઘ્ન સિંહાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વિલન તરીકે શરૂઆત કરી હતી. એમાં સફળ થયા, પછી હીરો બન્યા, એમાં સફળ થયા અને ત્યાર બાદ ફિલ્ડ બદલીને રાજકારણમાં ગયા તો ત્યાં પણ સફળ થયા! આ બહુ મોટંુ એચીવમેન્ટ છે કોઈ પણ વ્યક્તિ માટે. વિનોદ ખન્નાના અપવાદને બાદ કરતાં આવાં બીજા કેટલાં ઉદાહરણો મળશે ઇન્ડસ્ટ્રીમાં? શત્રુસાબ જે છે, જેવા છે એવા બરાબર છે. તેમને બદલવાની કોશિશ ન કરો, તેઓ બદલાશે તો પોતાનું વ્યક્તિત્વ ખોઈ બેસશે. આખા હિંદુસ્તાનમાં શત્રુઘ્ન સિંહા જેવું બીજું કોઈ નથી અને તેઓ જે કંઈ છે તે પોતાનાં આગવાં વ્યક્તિત્વને કારણે છે.'
ખરી વાત છે. જેવા હો એવા બની રહેવું. પોતાનું સત્ત્વ અને પ્રતિભા પુરવાર કરી ચૂકેલા કલાકારોએ ખાસ.
શો સ્ટોપર
પ્રતિભા અને શિસ્ત-આ બંનેનું કોમ્બિનેશન જેનામાં થયું હોય તેવા માણસને ટોચ પર પહોંચતાં કોઈ રોકી શકતું નથી. સચિન તેન્ડુલકર, અમિતાભ બચ્ચન, મધુબાલા આનાં ઉત્તમ ઉદાહરણો છે.
-સલીમ ખાન   

No comments:

Post a Comment