Wednesday, December 9, 2015

ટેક ઓફ : ભય અને અસલામતી :જસ્ટ શટઅપ એન્ડ મુવ ઓન!

Sandesh - Ardh Saptahik Purti - 9 Dec 2015
ટેક ઓફ
'ડર નિર્બળતાની નિશાની છે. માણસનાં અવમૂલ્યનનું એક મજબૂત કારણ ભય છે. ભયથી મોટું કોઈ પાપ નથી. ભય પીડાનું કારણ બને છે. ભય મૃત્યુનું પણ કારણ બને છે. ભયને લીધે જ અનિષ્ટ તત્ત્વો પનપે છે, જે ક્ષણે તમે ભય પામો છો તે ક્ષણે તમે મામૂલી બની જાઓ છો. સતત પોતાની જાતને કહેતા રહો : મને કશાનો ડર નથી, હું નિર્ભય છું !'


ચાલો, આપણે ભારતીયો ભયના ઓથાર નીચે જીવી રહ્યાં છીએ એવા ખયાલનો જે ગુબ્બારો ઊડયો હતો એમાંથી હવા નીકળવાની શરૂઆત થઈ ખરી. નક્કર ભય અને ભયની કલ્પના બંને તદ્દન જુદી સ્થિતિઓ છે. કયારેક આ બંને વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ જાય છે અથવા જાણી જોઈને ભૂંસી નાખવામાં આવે છે.
માણસને એક્ઝેક્ટલી શાનો ડર સતાવતો હોય છે ? માણસ ગુફાયુગમાં જીવતો હતો ત્યારે એના ડરનાં કારણો જુદાં હતાં. એ સભ્ય બનતો ગયો તેમ તેમ તેના ડરનું સ્વરૂપ બદલાતું ગયું. શિકાર અને ફળફળાદીને સ્થાને રોટી આવી, ગુફાનું સ્થાન મકાને લીધું,વૃક્ષોનાં પાંદડાંથી શરીર ઢાંકવાને બદલે એ કપડાં પહેરતો થયો. નેસેસિટી ઈઝ ધ મધર ઓફ ઇન્વેન્શન એ ઉક્તિને જરા ટ્વિસ્ટ કરીને કહી શકાય કે જરૂરિયાત માત્ર નવી શોધની નહીં, ડરની પણ જનની છે. માણસ પ્રગતિ કરતો જાય છે અને પોતાની જરૂરિયાતો વધારતો જાય છે, તેમ તેમ 'મારી આ જરૂરિયાતો પૂરી નહીં થાય તો ?'-તે પ્રકારના ડરનાં કારણો પણ વધતાં જાય છે. ભૂખે મરવું પડશે તો ? માથા પરથી છત છિનવાઈ જશે તો ? ઈજ્જત ઢાંકવા કાપડના બે ટુકડાય નહીં મળે તો ?-આ પાયાનો ડર થયો. મહેનત-મજૂરી ક્ે કાળાં-ધોળાં કામ કરીને જે સંપત્તિ ભેગી કરી છે તે છિનવાઈ જશે તો ? સમાજમાં જે માનમોભો છે તે નહીં રહે તો ?-ડરનું આ એડવાન્સ્ડ સ્ટેજ થયું.
માનવજાત ક્રમશઃ વધુને વધુ સિકયોરિટી-કોન્શિયસ બનતી જાય છે. બાળક જન્મે ત્યારે એનું મન કોરી પાટી જેવું હોય છે પણ એને નાનપણથી સલામતીના પાઠ પઢાવવાનું શરૂ કરી દેવામાં આવે છે. જોજે પડી ન જતો, સંભાળીને સ્કૂલે જજે, સંભાળીને સાઇકલ ચલાવજે, ટ્રાફિકનું ધ્યાન રાખજે, બહારનું આચરકૂચર ખાઈશ તો માંદો પડીશ, બહુ ઊછળકૂદ કરીશ તો પડી જઈશ, ભણવામાં ધ્યાન નહીં આપે તો નાપાસ થઈશ વગેરે. મોટા થઈએ એટલે કરિયરની સલામતી, પૈસાની સલામતી, સંબંધોની સલામતી, ભવિષ્યના પ્લાનિંગની સલામતી, આમાં કશું ખોટું નથી પણ સલામતીની લાગણીનો ભરડો જરૂર કરતાં વધારે વખત બને ત્યારે ગરબડ શરૂ થઈ જાય છે. સલામતીની વધારે પડતી ચિંતા માણસને ડરપોરક બનાવી દે છે, એના ધસમસતા જીવનરસના સ્વાભાવિક પ્રવાહને રૃંધવા લાગે છે, એની સ્પોન્ટિનિટી છીનવી લે છે.

'વેજીના મોનોલોગ્સ' જેવાં વિશ્વવિખ્યાત નાટકની લેખિકા ઈવ એન્સલરે બરાબર કહ્યું છે કે, 'જે રીતે આપણે સિકયોરિટી-કોન્શિયસ બની ગયા છીએ તે જોઈને મને તો ફિકર થાય છે. આપણાં કાને સતત સિકયોરિટી શબ્દ અથડાતો રહે છે, આંખ સામે આવતો રહે છે. મોલમાં, મલ્ટિપ્લેકસમાં, એરપોર્ટ પર, સ્ટેશન પર જ્યાં જઈએ ત્યાં બધે આ જ ચાલતું હોય છે - સિકયોરિટી ચેક, સિકયોરિટી વોચ, સિકયોરિટી   ક્લિયરન્સ. સિકયોરિટી પર આપણું ફોકસ એટલું બધું વધી ગયું છે કે ઊલટાની હું વધારે ઇનસિકયોરિટી ફિલ કરવા લાગી છું.'
વાત તો ખરી છે. ફિલ્મ જોવા કે શોપિંગ કરવા જઈએ ત્યારે સિકયોરિટીગાર્ડ તમારા બે હાથ ઊંચા કરાવીને, શરીર પર ડિટેક્ટર ઘુમાવીને અને તમારી બેગ વગેરેમાં ખાંખાખોળા કરીને ખાતરી કરી લે કે તમે ટેરરિસ્ટ-બેરરિસ્ટ તો નથીને. મોલની લોબીઓમાં અને દુકાનોમાં જડેલા સીસીટીવી કેમેરા સતત તમારા પર નજર રાખે છે. નિર્દોષ લોકો માટે આ બધું અપમાનજનક છે પણ નછૂટકે ચલાવી લે છે કેમ કે તેઓ જાણે છે કે સિકયોરિટી ચેકિંગની આ આખી કવાયત આખરે તો તેમની જ સલામતી માટે છે. આમ છતાંય મનમાંથી ભય પૂરેપૂરો દૂર થતો નથી, કેમ કે તેઓ જાણે છે કે સિકયોરિટીવાળાઓની ચકિંગ કરવાની રીત અધકચરી છે અને એમણે ઉતાવળે, યાંત્રિકપણે ફરજ બજાવી છે. તાલીમબદ્ધ આતંકવાદી મોલ કે મલ્ટિપ્લેકસમાં યેનકેન પ્રકારેણ ઘૂસીને હાહાકાર મચાવી જ શકે છે.
આ શારીરિક સુરક્ષાની વાત થઈ પણ સલામતીની ચિંતા ઘણાં મોટાં વર્તુળમાં ચકરાવા મારતી રહે છે. શરીર સલામત હોય પણ વિચારો, માન્યતાઓ, લાગણીઓ અને ખુદની ઓળખનું જે પર્સેપ્શન છે તેના પર ઘા થયા કરતા હોય તો ?
ઈવ એન્સલર ઉમેરે છે, 'જીવનનું ફોક્સ જ સલામતી બની જાય ત્યારે તમે એક નિશ્ચિત કુંડાળામાં પુરાઈ જાઓ છો. તમે વધારે પ્રવાસ ન ખેડી શકો. નવા નવા વિચારોને અપનાવી ન શકો, કેમ કે વિચારો સામસામા ટકરાઈ શકે છે, તમારી સામે નવા પ્રશ્નો અને પડકારો ખડા કરી શકે છે. તમને નવા લોકોને મળવાનું મન ન થાય, તમે નવા અનુભવોથી દૂર ભાગો, નવી પ્રવૃત્તિઓ કરવાનું ટાળો. પોતાની આઇડેન્ટિટીના મામલે ગૂંચવણ ઊભી થવા લાગે. આવંુ થાય એટલે આપણે તમે જેેને સ્વ-ઓળખ ગણતા હો એને જોરથી વળગી પડીએ. હું હિંદુ, હું મુસલમાન, હું ખ્રિસ્તી યા તો હું ઇન્ડિયન, હું પાકિસ્તાની, હું અમેરિકન. તમે એક ચોક્કસ વર્ગ કે સમુદાયના હિસ્સા બની જાઓ. કોઈ તત્ત્વ આ સમુદાય પર હુમલો કરી રહ્યું છે એવું લાગે એટલે તમે આક્રમક બની જાઓ,જે મારી સાથે નથી તે મારી સામે છે, મારો વિરોધી છે, મારો દુશ્મન છે. વર્ગ કે સમુદાયની દીવાલોની વચ્ચે તમને સલામતીનો અહેસાસ થાય છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. આ દીવાલોને લીધે ખરેખર તો આપણું મગજ બંધ થઈ જાય છે. સમુદાયના કિલ્લાની અંદર રહેવાથી પેદા થતી સિકયોરિટીની લાગણી ખરેખર તો આભાસી હોય છે.'
માણસને સામાજિક, આર્થિક, શારીરિક, માનસિક, વૈચારિક, આધ્યાત્મિક તેમજ લાગણી સહિતના તમામ સ્તરે જડબેસલાક સલામતી જોઈતી હોય છે. શરીર સલામત રહે તે માટે હજુય લાખ ઉપાય અજમાવી શકીએ, પણ મન-હ્ય્દય સલામત રહે તે માટેના સિકયોરિટી ગાર્ડ્સ કયાંથી લાવવાના ? આખરે કેટલી ચિંતા કરવાની? કયાં સુધી ચિંતા કરવાની ?

ઓશો રજનીશ કહે છે, 'જિંદગીની કોઈ સલામતી નથી એ જ એની બ્યુટી છે. સલામતી જેવું કશું હોતું જ નથી, જે છે તે સાહસ છે. દૂરનું ભવિષ્ય તો ઠીક, હવે પછીની ક્ષણે શું થવાનું છે તે પણ આપણે જાણતા નથી, તેથી જ તો પડકાર છે, વિકાસ છે, સાહસ છે જ્યાં સાહસ નથી ત્યાં કશું નથી, જો તમારામાં સાહસવૃત્તિ નહીં હોય, જે કંઈ અકળ કે અજ્ઞાાત છે એને શોધવામાં રસ નહીં હોય તો જીવન નિરર્થક બની જવાનું. સલામતી ઝંખનારા અને નિશ્ચિતતાની પાછળ ભાગનારાઓની આંખો બંધ હોય છે. તેમને આશ્ચર્યનો અનુભવ નહીં થાય. તેમની વિસ્મય પામવાની ક્ષમતા નહિવત્ હોય છે, જો તમે વિસ્મયવૃત્તિ ખોઈ બેસશો તો ધર્મને પણ ખોઈ બેસશો. ધર્મ એટલે શું ? ધર્મ એટલે મન-હ્ય્દય વિસ્મય પામી શકે તે માટે તેને ખુલ્લું કરતી ચાવી. સલામતીની ઝંખના છોડો. જિંદગી કઈ રીતે જીવવી એની બીજાઓ પાસેથી સલાહ લેવાનું બંધ કરો.'
આપણા પ્રાચીન વેદગ્રંથોમાં એક શબ્દ વારે વારે ઉલ્લેખ પામતો રહે છે, તે છે, 'નિર્ભય'. સ્વામી વિવેકાનંદની નિર્ભયતા વિશેની મર્દાનગીભરી વાણી આપણી ડિસ્ચાર્જ થઈ ગયેલી બેટરીને ફુલ્લી ચાર્જ કરી નાખે એવી છે. સ્વામી વિવેકાનંદ કહે છે :
'કશાથી ડરો નહીં. ડર નિર્બળતાની નિશાની છે. આસપાસનાં લોકો ભલે વ્યંગબાણ છોડયા કરે, સમાજ ભલે ઉતારી પાડે, માણસે સૌની અવગણના કરીને ખંતપૂર્વક પોતાની ફરજ બજાવતા રહેવાની છે. માણસનાં અવમૂલ્યનનું એક મજબૂત કારણ ભય છે. ભયથી મોટું કોઈ પાપ નથી. ભય પીડાનું કારણ બને છે. ભય મૃત્યુનું પણ કારણ બને છે. ભયને લીધે જ અનિષ્ટ તત્ત્વો પનપે છે,જે ક્ષણે તમે ભય પામો છો તે ક્ષણે તમે મામૂલી બની જાઓ છો. માણસને મૃત્યુ કરતાંય પ્રતિષ્ઠા ગુમાવવાનો વધારે ડર લાગે છે. મેં જોયું છે કે જે વધારે પડતા ચેતીચેતીને ચાલે છે એને દરેક પગલે પછડાવું પડે છે, જે સતત આબરૂ અને માનપાનની ચિંતા કરે છે એને માત્ર અવહેલના જ મળે છે. જે નુકસાનીથી ડર્યા કરે છે એને નુકસાન થાય જ છે. શાનો ડર ? શા માટે ડર ? આપણે સૌ સર્વશક્તિમાન સમ્રાટ એવા ઈશ્વરના વારસદાર છીએ. આપણા સૌમાં ઈશ્વરનો અંશ છે. અદ્વૈતવાદ તો કહે છે કે આપણે ઈશ્વરનું જ સ્વરૂપ છીએ. સમસ્યા એ છે કે આપણે ખુદની અસલિયત ભૂલીને ખુદને મામૂલી ઇન્સાન સમજવા લાગ્યાં છીએ, જો આપણામાં ભગવાનો અંશ હોય, જો આપણે ખુદ ભગવાનનું એક સ્વરૂપ હોઈએ, સ્વયં ભગવાન આપણું રક્ષણ કરતા હોય તો આપણે ડર શાનો? આપણે તો ડરથી પર થઈને જીવી જવાનું હોય. ડર-બર ભૂલી જાઓ અને ચૂપચાપ કામે ચડો. સતત પોતાની જાતને કહેતા રહો : મને કશાનો ડર નથી. હું નિર્ભય છું !'
સો વાતની એક વાત. હે ભારતવાસીઓ, અસહિષ્ણતા અને અસલામતીનો કર્કશ કાગારોળ બંધ કરો. જસ્ટ શટઅપ એન્ડ મુવ ઓન !
                                          0 0 0 

1 comment:

  1. superb article. it reiterates 'Darr ke aage jeet hai'

    reading your articles and having read your book 'Mane Andhara bolave....', i think you are a keen observer and student of behavioral science. on a similar theme, 1 week program for self reflection and learning is being organized by Group Relations India in January 2016. you can visit them at grouprelationsindia.org and see the brochure at http://www.grouprelationsindia.org/uploads/4/0/2/4/40244263/grc2016.pdf. i don't have any stake in the organization, but have attended 2 of their past conferences that have helped me immensely in understanding myself, my role and relationship with the world around. worth a try and time :)

    ReplyDelete