Thursday, November 19, 2015

ટેક ઓફ : લક્ષ્મી, સરસ્વતી અને જોન ગ્રિશમ

Sandesh - Ardh Saptahik Purti - 18 Nov 2015
ટેક ઓફ 
અમેરિકાના સુપરસ્ટાર નવલકથાકાર જોન ગ્રિશમ પુસ્તકો લખી લખીને ૨૨૦ મિલિયન ડોલર એટલે કે ઓલમોસ્ટ ૧૫ અબજ રૂપિયાના માલિક બન્યા છે. દર વર્ષે તેઓ સરેરાશ ૨૦ મિલિયન ડોલર એટલે કે લગભગ ૧ અબજ ૩૨ કરોડ રૂપિયા પોતાની કલમના જોરે કમાય છે. રાંક ગુજરાતી લેખકો બાપડા બેહોશ થઈને ઢળી પડે એવા તોતિંગ આ આંકડા છે. શું છે જોન ગ્રિશમની લેખન-કસબનું રહસ્ય ?
મેરિકાના સુપર સ્ટાર નવલકથાકાર જોન ગ્રિશમ આજકાલ ન્યૂઝમાં છે, એમની લેટેસ્ટ બેસ્ટસેલર નવલકથા 'રોગ લોયર'ને કારણે. જોન ગ્રિશમ માટે જોકે આ રૂટિન છે. તેઓ દર વર્ષે નવી નવલકથાનું પુસ્તક બહાર પાડે છે, જે દર વખતે સુપરહિટ પુરવાર થાય છે. 'રોગ લોયર' એમની બત્રીસમી નવલકથા છે. એમણે એક ટૂંકી વાર્તાનો સંગ્રહ અને એક નોન-ફિક્શનનું પુસ્તક પણ લખ્યું છે. જોન ગ્રિશમ પોતે વકીલ રહી ચૂકયા છે એટલે એમની નવલકથાઓ મોટેભાગે કાયદાકાનૂન, કોર્ટ અને ક્રિમિનલ્સની આસપાસ ઘૂમરાતી હોય છે. એમણે લખેલાં પુસ્તકોની ૩૩ કરોડ કરતાં વધારે નકલ વેચાઈ ચૂકી છે. દુનિયાભરની ૪૨ ભાષાઓમાં તેમની નવલકથાઓના અનુવાદ થઈ ચૂકયા છે. ૬૦ વર્ષીય જોન ગ્રિશમ હાલ કેટલી સંપત્તિના માલિક છે ? ૨૨૦ મિલિયન ડોલર એટલે કે ઓલમોસ્ટ ૧૫ અબજ રૂપિયા! દર વર્ષે તેઓ સરેરાશ ૨૦ મિલિયન ડોલર એટલે કે લગભગ ૧ અબજ ૩૨ કરોડ રૂપિયા પોતાનાં પુસ્તકોના જોરે કમાય છે. રાંક ગુજરાતી લેખકો બાપડા બેહોશ થઈને ઢળી પડે એવા તોતિંગ આ આંકડા છે.
જોન ગ્રિશમ પર સરસ્વતી અને લક્ષ્મી બન્નેના ચચ્ચાર હાથ છે. આ કેવી રીતે શકય બન્યું? માણસે નાનપણથી લેખક બનવાનાં સપનાં જોયાં હોય, કાચી ઉંમરે ટૂંકી વાર્તા, જોડકણાં, કવિતા, ડાયરી ને એવું બધું લખવાનું શરૂ કરી દીધું હોય તો જ મોટપણમાં એ લેખક બની શકે એવું જરૂરી નથી, જોન ગ્રિશમે નાનપણમાં શું, કોલેજમાં આવી ગયા ત્યાં સુધી લેખક બનવાનો વિચાર નહોતો કર્યો. નાના હતા ત્યારે કન્સ્ટ્રક્શન વર્કર તરીકે કામ કરતા તેમના પિતાજીની ખૂબ બદલીઓ થયા કરતી. પાંચ સંતાનોને ઠીક ઠીક રીતે ઉછેરી શકાય તે માટે પિતાજી અઠવાડિયાના સાતેય દિવસ બાર-બાર કલાક કામ કરતા. મમ્મી ટીવીની જબરી વિરોધી. સંતાનોને ટીવી જોવાને બદલે પુસ્તકો વાંચવા માટે સતત પ્રોત્સાહન આપે, જેવી નવાં શહેરમાં ટ્રાન્સફર થાય કે તરત મા છોકરાઓને સ્થાનિક લાઈબ્રેરીના મેમ્બર બનાવી દે. ઘરમાં પુસ્તકોના ઢગલા પડયા હોય. ભાઈ-ભાંડુડાં અને મા મોટે મોટેથી એકબીજાને પુસ્તક વાંચી સંભળાવે. આમ, જોન ગ્રિશમને નાનપણથી જ ચિક્કાર વાંચવાની ટેવ પડી.
આમ છતાંય જોન ગ્રિશમે લખવાનું બહુ મોડું શરૂ કર્યું, કોલેજ પૂરી કરી લીધા પછી ને વકીલાત શરૂ કરી દીધા બાદ. કોલેજના થર્ડ યરમાં નવલકથા જેવું લખવાની કોશિશ કરી હતી ખરી પણ એકાદ પ્રકરણ લખાયા પછી ગાડી અટકી ગઈ એટલે પ્રોજેક્ટ પડતો મૂકેલો.
જોન ગ્રિશમે કયારે સિરિયસલી લખવાનું વિચાર્યું ? બન્યું એવંુ કે એક વાર કોર્ટમાં બળાત્કારનો કેસ આવ્યો. પીડિતા છોકરી માત્ર બાર વર્ષની હતી, એના પિતાજી કોર્ટમાં હાજર હતા. છોકરીના બાપને જોઈને વકીલ જોન ગ્રિશમના મનમાં વિચાર આવ્યો : ધારો કે આ માણસે ક્રોધે ભરાઈને કાયદો પોતાના હાથમાં લઈ લે તો? પોતાની દીકરી સાથે રેપ કરનારનું એ ખૂન કરી નાખે તો? કોઈ વકીલ પાસે આ કેસ આવે તો એ કેવી રીતે કોર્ટમાં દીકરીના બળાત્કારીનું ખૂન કરનારનો કેસ લડે અને એને સજામાંથી ઉગારે?
૨૮ વર્ષના જોન ગ્રિશમને લાગ્યું કે આ આઈડિયા પરથી તો હાઈક્લાસ નવલકથા લખી શકાય એમ છે. ૧૯૮૪ની એક સુંદર સવારે એમણે લખવાનું શરૂ કરી દીધું. જસ્ટ એમ જ, હોબી તરીકે. એક પછી એક પાનું લખાતું ગયું. ગ્રિશમને મજા પડતી ગઈ. નવલકથા પૂરી કરતાં એમને ત્રણ વર્ષ લાગ્યાં. આ ત્રણ વર્ષ શું રૂટિન હતું એમનું ? સવારે લગભગ સાડાચારે વાગે ઊઠી જવાનું. ફટાફટ તૈયાર થઈને પાંચ વાગે પોતાની ઓફિસ ખોલવાની, સ્ટ્રોંગ કોફી બનાવવાની અને પછી લખવા બેસી જવાનું. બે કલાક સુધી નીરવ શાંતિમાં લખ્યા કરવાનું. નવ વાગે કોર્ટમાં હાજર થઈ જવાનું હોય એટલે સાતથી નવ કેસની તૈયારી કરવી પડે. ઊઘડતી કોર્ટે ગ્રિશમની હાલત કોથળા જેવી થઈ ગઈ હોય, કેમ કે, લેખનકાર્ય માણસને નીચોવી નાખે છે. દિવસ દરમિયાન વચ્ચે ફક્ત અડધો કલાક ખાલી મળે તો પણ ગ્રિશમ એટલા સમયનો ઉપયોગ પોતાનાં વાર્તાલેખન માટે કરી લેતા. તે અરસામાં તેઓ મિસિસિપી સ્ટેટ લેજિસ્લેચરના સભ્ય પણ હતા એટલે એનુંય ઠીક ઠીક કામ રહેતું.
લખતાં લખતાં કેટલીય વાર અટકી જવાતું. આગળ કઈ રીતે વધવું તે સમજાય નહીં. પોતાને ખરેખર લખતાં આવડે છે કે નહીં એવી શંકા જાગે, નાહિંમત થઈ જવાય. એમ થાય કે હું શું કામ આ કારણ વગરની મજૂરી કરૂું છું? કોના માટે? 'બસ, બહુ થયું,નથી લખવું મારે! એક આખો મહિનો એક શબ્દ સુદ્ધાં ન લખ્યો હોય એવુંય બનતું. બુકસ્ટોરમાં લટાર મારે ત્યારે શેલ્ફ પર ગોઠવાયેલાં હજારો પુસ્તકો જોઈને વિચાર આવે કે બીજાં લોકોએ ઓલરેડી આટલું બધું લખી નાખ્યું છે ત્યારે હું શું નવું લખી શકવાનો? કોઈને શા માટે મારાં લખાણમાં રસ પડે? સદ્ભાગ્યે નિરાશાના આવા તબક્કા બહુ લાંબા ન ચાલતા. લખવાનુંુ શરૂ કર્યું છે તો બસ, હવે ગમે તેમ કરીને પૂરુંં કરવું જ છે એવા જુસ્સા સાથે ગ્રિશમ પાછા લખવા બેસી જતા.
ત્રણ વર્ષે પૂરી કરેલી પહેલી નવલકથાનું શીર્ષક હતંુ, 'અ ટાઇમ ટુ કિલ.' નવલકથા તો લખાઈ ગઈ પણ તેને છાપશે કોણ?ચાલીસથી પચાસ પ્રકાશકોએ ના પાડી દીધી. આખરે ન્યૂયોર્કના એક નાના પ્રકાશકે માંડ પાંચ હજાર કોપી છાપી. છાપ્યા પછી વેચવાની સમસ્યા ઊભી થઈ. પ્રકાશકનું માર્કેટિંગ નબળું હતું એટલે હજાર નકલો જોન ગ્રિશમે પોતે જ ખરીદી લીધી અને પછી ગામેગામ ફરીને વેચવાની કોશિશ કરી. આ સઘળી કસરત દરમિયાન જોન ગ્રિશમે બીજી નવલકથા લખવાનું શરૂ કરી દીધું હતું. એનું ટાઇટલ હતું, 'ધ ફર્મ'. બીજી નવલકથા પ્રમાણમાં ઝડપથી લખાઈ. આ નવલકથાનું પુસ્તક બહાર પડે તે પહેલાં એનો ફાઇનલ ડ્રાફ્ટ હોલિવૂડમાં સરકયુલેટ થવા માંડયો હતો. પેરેમાઉન્ટ સ્ટુડિયોને વાર્તામાં રસ પડયો. એમણે જોન ગ્રિશમને પૂરા પાંચ લાખ ડોલર ચૂૂકવીને નવલકથા પરથી ફિલ્મ બનાવવાના હક ખરીદી લીધા. ૧૯૯૧માં પુસ્તક બહાર પડયું. સુપર હિટ! 'ધ ન્યૂયોર્ક ટાઇમ્સ'ના બેસ્ટ-સેલર લિસ્ટમાં લાગલગાટ પચાસ વીક સુધી આ નવલકથાએ અડિંગો જમાવી રાખ્યો. ૧૯૯૩માં 'ધ ફર્મ' ફિલ્મ રિલીઝ થઈ તે પણ સુપર હિટ. ટોમ ક્રુઝ જેવો હોલિવૂડનો સુપર સ્ટાર એનો મેઈન હીરો હતો. બીજી જ નવલકથાએ જોન ગ્રિશમને પુસ્તક પ્રકાશનની દુનિયાના સ્ટાર બનાવી દીધા. એમની કૃતિઓ પરથી પછી તો ઘણી ફિલ્મો અને ટીવી સિરીઝો બની છે.


જોન ગ્રિશમના કાને વાત પડી કે સ્ટાર રાઇટરો વર્ષે એક નોવેલ તો બહાર પાડે જ છે. આ વાત એમના મનમાં ચોંટી ગઈ. વકીલાત અને રાજકારણને અલવિદા કહી ચૂકેલા જોન ગ્રિશમ વર્ષે એક નવલકથા લખે છે, તેઓ કહે છે, 'દર વર્ષે સમજોને કે ઓગસ્ટ-સપ્ટેમ્બર-ઓક્ટોબર-નવેમ્બર આ ચાર મહિના દરમિયાન હું નવી નવલકથા લખી નાખું છું. સવારે છથી બપોરના સાડાબાર સુધી, અઠવાડિયાના પાંચ દિવસ લખવાનું મારુંં રૂટિન છે. રોજ પુસ્તકનાં પાંચથી છ છપાયેલાં પાનાં જેટલું મેટર લખાય. રોજના પાંચ પાનાં ગણો તોય ચાર મહિનામાં ૪૮૦ પાનાંની નવલકથા લખાઈ જાય. મને હવે આ રીતે લખવાની આદત પડી ગઈ છે. હું વર્ષોથી એ જ જગ્યાએ, એ જ ટેબલ-ખુરસી પર, એવી જ સ્ટ્રોન્ગ કોફી બનાવીને, એક જ ટાઈપનો મગ ભરીને લખવા બેસું છું. મારુંં કમ્પ્યૂટર પણ એનું એ જ છે. છેલ્લી પંદરેક-સત્તર નવલકથાઓ મેં આ જ કમ્પ્યૂટર પર લખી છે.'
જોન ગ્રિશમ નવલકથા લખવાનું શરૂ કરતાં પહેલાં રૂપરેખા(આઉટલાઈન) તૈયાર કરવા પર બહુ ભાર આપે છે. કયારેક તો એક્ચ્યુઅલ નવલકથા કરતાં રૂપરેખા તૈયાર કરવામાં વધારે સમય ગાળે. રૂપરેખામાં શું હોય? પ્રત્યેક પ્રકરણનો ટૂંકસાર. ગ્રિશમ કહે છે, 'નવલકથા લખી નાખ્યા પછી એને એડિટ કરવામાં પણ ઘણો સમય લાગી જાય છે પણ રૂપરેખા તૈયાર કરવાનું કામ તો સૌથી વધારે કડાકૂટભર્યું છે. આઉટલાઈન લખવામાં હું જેટલો વધારે સમય આપું એટલી નવલકથા લખવાનું મારા માટે આસાન બનતું જાય. વિગતવાર રૂપરેખા તૈયાર કરો એટલે તરત સમજાય જાય કે આખી વાર્તામાં કયા સબ-પ્લોટ નકામા છે, કયાં કથાપ્રવાહ ઢીલો પડી શકે તેમ છે, કયાં નવાં પાત્રો ઉમેરવાની જરૂર છે, વગેરે. નવલકથાની શરૂઆત વાચકને બાંધી દે તેવી હોવી જોઈએ. પહેલાં ચાલીસ પાનાં દરમિયાન વાચક જકડાઈ જાય એવો સ્ટ્રોન્ગ હૂકપોઈન્ટ ન આવ્યો તો વાચક આગળ વાંચવાનું છોડી દેશે. નવલકથાનો વચ્ચેનો પોર્શન સૌથી પડકારજનક છે, તે સહેજ પણ ઢીલો પડવો ન જોઈએ અને અંત વાચકે કલ્પ્યો ન હોય તેવો હોવો જોઈએ. આ હું મારી પહેલી નવલકથાના અનુભવ પરથી જ શીખી ગયો હતો. મેં નવસો પાનાં ઘસડી માર્યા હતા, પણ આખી વાર્તા વેરવિખેર લાગતી હતી. આથી નિર્દયપણે મારે ત્રણસો પાનાં જેટલું મેટર કાપી નાખવું પડેલું. મેં નક્કી કયુ ં કે આવી ડબલ હજામત ભવિષ્યમાં તો નહીં જ થવા દઉં. આથી બીજી નવલકથા 'ધ ફર્મ' વખતે મેં પહેલેથી જ આઉટલાઈન બનાવી નાખી હતી. એનું પરિણામ સરસ આવ્યું. નવલકથાના પ્લાનિંગ-આઉટલાઈનિંગને હું સૌથી વધારે મહત્ત્વ આપું છું.'


નવલકથાકાર બનવા માગતા નવોદિતોને જોન ગ્રિશમ એક ઓર ઉત્તમ સલાહ આપે છે કે રોજનું એક આખું પાનું તો લખવાનું જ. જો તમે રોજનું એક પાનું પણ ન લખી શકતા હો તો સમજી લો કે તમારું પુસ્તક કોઈ દિવસ પૂરુંં નહીં થાય.
જોન ગ્રિશમને જોન સ્ટિનબેક નામના લેખક બહુ જ ગમે છે. પોતાની શૈલી પર એમની અસર છે તેવું તેઓ ખુદ સ્વીકારે છે. દર ત્રણ વર્ષે સ્ટિનબેકની 'ધ ગ્રેપ્સ ઓફ રેથ' નવલકથા નવેસરથી વાંચી કાઢે છે.
જોન ગ્રિશમ કહે છે, 'વાચક અંત સુધી જકડાઈ રહે એવી ચારસો-પાંચસો પાનાંની નવલકથા લખી શકવી એ એક કુદરતી બક્ષિશ છે. લખવું એ ધોમધખતા તાપમાં ડામરની સડક બનાવવા માટે જે મજૂરી કરવી પડે તેના કરતાંય વધારે મહેનત માગી લેતું કામ છે. ફ્રેસ્ટ્રેટિંગ પણ એટલું જ છે પણ મને એનું ફળ સારુંં મળ્યું છે. લેખનપ્રવૃત્તિને કારણે જ હું કાયદાની પે્રક્ટિસ તેમજ પોલિટિક્સ છોડી શકયો. લખવાનું કામ મને આજની તારીખે પણ સૌથી કઠિન લાગે છે, બટ ઇટ્સ વર્થ ઈટ.'

0 0 0

2 comments:

  1. પ્રેરણાદાયી લેખ... મજા પડી ગઈ.

    ReplyDelete
  2. વાહ! પ્રેરણાદાયક. અને અશ્વિની ભટ્ટ જેવા પહેલા પાનાથી જ જકડી રાખતા લેખકને સરસ્વતી આવીને મળ્યા પણ (અધધધ કહી શકાય એટલી) લક્ષ્મી નહિ, એ ગુજરાતીઓ માટે ખરેખર આત્મમંથનનો વિષય છે. અને અશ્વિની ભટ્ટનો કિસ્સો અપવાદ નહિ પણ નિયમ છે, તે દુઃખની વાત છે.

    ReplyDelete