Saturday, October 17, 2015

મલ્ટિપ્લેક્સ : શી રીતે શૂટ થાય છે સ્પેસ ફિલ્મો?

Sandesh - Sanskar purti - 18 Oct 2015
મલ્ટિપ્લેક્સ 
'ધ માર્શિઅન', 'ગ્રેવિટી', 'ઈન્ટરસ્ટેલર' અને 'અપોલો 13' જેવી સ્પેસ ફિલ્મોમાં હેરતઅંગેજ દશ્યો જોઈને આપણું મોં ખુલ્લું રહી જાય છે અને આંખો પહોળી થઈ જાય છે. હોલિવૂડના ડિરેક્ટરો સ્ક્રીન પર ધારી અસર પેદા કરવા માટે ટેકનોલોજીનો અાટલો અફલાતૂન ઉપયોગ શી રીતે કરી જાણે છે?
The Martian: Ridley Scott with Matt Damon and crew on the location in Jordan 

રિડલી સ્કોટે ડિરેકટ કરેલી અફલાતૂન ફિલ્મ 'ધ માર્શિઅન' આપણે હમણાં જ જોઈ. બે વર્ષ પહેલાં અલ્ફોન્સો કયુરોનની 'ગ્રેવિટી' આવી હતી. આપણે આભા થઈ ગયા હતા, આ ફિલ્મ જોઈને. એવરગ્રીન'સ્ટાર વોર્સ'થી સ્ટેન્લી કુબ્રિકની '૨૦૦૧: સ્પેસ ઓડિસી'થી રોન હાવર્ડની 'અપોલો ૧૩' થી ક્રિસ્ટોફર નોલનની 'ઈન્ટરસ્ટેલર'થી લેટેસ્ટ 'ધ માર્શિઅન' સુધીની ઉત્તમ સ્પેસ ફિલ્મોનાં ચાવીરુપ દશ્યો જોતી વખતે ઓડિયન્સનું મોં ખુલ્લું રહી જાય છે, આંખો પહોળી થઈ જાય છે, અને પછી મનમાં પ્રશ્ન કૂદાકૂદ કરતો રહે છેઃ આ લોકોએ કઈ રીતે આવાં સીન લીધાં હશે?
આ સવાલના જવાબ વિગતવાર જાણવા જેવા છે. ફિલ્મમેકિંગ સ્વયં જબરી કડાકૂટવાળી પ્રક્રિયા છે. એમાંય જ્યારે અંતરિક્ષમાં અજબગજબની ઘટનાઓ દેખાડવાની હોય ત્યારે કોમ્પ્લીકેશન્સનો પાર ન રહે. એકટરોને વજનવિહીન સ્થિતિમાં આમથી તેમ હવામાં તરતા કેવી રીતે દેખાડવા? અવકાશયાનનો ખુડદો બોલી જતા શી રીતે બતાવવો? પૃથ્વીથી હજારો કિલોમીટર દૂર અંતરિક્ષના કાળમુખા અંધકારમાં અવકાશયાત્રીઓને જીવસટોસટની બાજી ખેલતા શી રીતે બતાવવા?
'ધ માર્શિઅન'માં ઘાયલ મેટ ડેમનનેે મંગળના ગ્રહ પર એકલો છોડીને એના સાથીઓ પૃથ્વી તરફ રવાના થઈ જાય છે. 'કાસ્ટ અવે'માં જેમ ટોમ હેન્કસ સાવ એકલો ચાર-ચાર વર્ષ સુધી અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કર્યો હતો, બરાબર એવી જ હાલત અહીં મેટ ડેમનની થાય છે. વિરાટ અને ખતરનાક રતુંબડા ગ્રહ પર એણે નવા નવા નૂસખા અજમાવીને મોત સામે ઝઝૂમવાનું છે. સ્ક્રીન પર આપણે માઈલોના માઈલો સુધી મંગળની નિર્જીવ ભૂમિ ફેલાયેલી જોઈએ છીએ. આ દશ્યો જોર્ડનની દક્ષિણે, સાઉદી એરેબિયાની બોર્ડર પાસે વાડી રમ નામના રણમાં શૂટ થયાં છે. ૨૬૦ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલાં આ રણમાં જે જગ્યાએ શૂટિંગ કરવાનું હોય ત્યાં માથેરાન જેવી લાલ માટી છાંટી દેવામાં આવતી. બાકીનું કામ પોસ્ટ-પ્રોડકશન દરમિયાન સ્પેશિયલ ઈફેટ્સ ડિપાર્ટમેન્ટ સંભાળી લેતું.
મેટ ડેમન મંગળના અવકાશી થાણામાં રહેતો, ખાતો-પીતો અને વનસ્પતિ ઉગાડતો દેખાડયો છે. આ સીન્સ બુડાપેસ્ટના એક વિશાળ સાઉન્ડ-સ્ટેજ પર લીલા રંગની સ્ક્રીનના બેકગ્રાઉન્ડમાં શૂટ કરવામાં આવ્યાં છે. પોસ્ટ પ્રોડકશન દરમિયાન ગ્રીન-સ્ક્રીનને પછી જે-તે લોકેશનની ઈમેજીસ વડે ડિજિટલી રિપ્લેસ કરી દેવામાં આવતી. વિઝ્યુઅલ ઈફેકટ્સ પેદાં કરવાની હોય તેવાં દશ્યોના શૂટિંગ વખતે ગ્રીન-સ્ક્રીનનો ઉપયોગ કોમન છે. અવકાશયાત્રી બનતા એકટર હેલ્મેટ પહેરતા હોય છે, એના કાચમાં સેટની જુદી જુદી ચીજવસ્તુઓનુું અને શૂટિંગ દરમિયાન હાજર રહેલા માણસોનું પ્રતિબિંબ સતત પડતું હોય છે. આ પડછાયાને ડિજિટલી દૂર કરવા પડે અને ખરેખરા મંગળ ગ્રહના, અવકાશના કે લાગતી વળગતી ચીજવસ્તુઓનાં પ્રતિબિંબ મૂકવા પડે. સાયન્સ ફિકશનમાં તો જેટલું ઝીણું કાંતો એટલું ઓછું.
શૂન્ય ગુરુત્વાકર્ષણને કારણે વજનવિહીન સ્થિતિમાં સ્પેસશિપમાં આમથી તેમ તરતા અવકાશયાત્રીઓના શોટ્સ લેવા માટે 'અપોલો ૧૩'ના મેકિંગ દરમિયાન અભૂતપૂર્વ જહેમત ઉઠાવવામાં આવી હતી. એ સત્યઘટના પર આધારિત ફિલ્મ છે. મનુષ્ય ઓલરેડી ચંદ્ર પર પગ મૂકી ચુકયો હતો તે પછી, ૧૯૭૧માં, નાસાએ ત્રણ અવકાશયાત્રીઓને અપોલો ૧૩ નામના યાનમાં ચંદ્ર પર મોકલ્યા હતા. યાન અંતરિક્ષમાં તો હેમખેમ પહોંચી ગયું, પણ સ્પેસ મોડયુલની કશીક આંતરિક ક્ષતિ રહી જવાને કારણે ભયંકર વિસ્ફોટ થયો. યાનને પુષ્કળ નુકસાન પહોંચ્યું. ચંદ્ર પર જવાનું તો બાજુએ રહૃાું, ત્રણેય અવકાશયાત્રીઓેને જીવતા પાછા પૃથ્વી પર કેવી રીતે લાવવા એ કટોકટી સર્જાઈ. જીવ તાળવે ચોંટી જાય એવા ઘટનાક્રમને અંતે મિશન આખરે સફળ થયું હતું.
Apollo 13: Ron Howard shooting with Tom Hanks in KC 135

સાચુકલા અવકાશયાત્રીઓને ઝીરો-ગ્રેવિટીની પ્રેકિટસ કરાવવા માટે નાસા ૨૦૦૪ સુધી કેસી-૧૩૫ નામના પ્લેનમાં યાત્રા કરાવતું હતું. આ પ્લેન ૩૬,૦૦૦ ફૂટ ઊંચે આકાશમાં જાય અને પછી ચોક્કસ એંગલથી 'ટર્ન' લઈ પૃથ્વી તરફ ડાઈવ મારે. આ વણાંક દરમિયાન પ્લેનની પેરાબોલિક મોશનને પેદા થતો સેન્ટ્રિફ્યુગલ ફોર્સ (કેન્દ્રત્યાગી બળ), ગુરુત્વાકર્ષણ બળની અસરને શૂન્ય કરી નાખે. આ ટર્ન દરમિયાન એકાએક પ્લેનમાં હાજર રહેનારાઓને પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી મુકિત મળી જાય.
જાણે ચમત્કાર થયો હોય તેમ માણસો પોતાની સીટથી આઠ-દસ ઈંચ હવામાં અધ્ધર થઈ જાય. જો સીટ-બેલ્ટ બાંધ્યો ન હોય તો રીતસર પીંછાની જેમ તરવા લાગે. આ ચમત્કાર જોકે માંડ પચ્ચીસ સેકન્ડ ટકે. પચ્ચીસ સેકન્ડ પછી જેવું વિમાન વળાંક પૂરો કરીને પૃથ્વી તરફ ગતિ કરવાનું શરુ એ સાથે જ સીટ-બેલ્ટથી બંધાયેલો માણસ પાછા સીટ પર ચોંટી જાય!
ડિરેકટર રોન હાવર્ડે નક્કી કર્યું કે એકટરો, કેમેરામેનને અને લાગતા વળગતા ઓને પ્લેનમાં લઈ જવા અને જેવી પેલી વજનવિહીન અવસ્થાવાળી ૨૫ સેકન્ડ આવે ત્યારે ફટાફટ, જેટલું અને જેવું થાય એવું શૂટિંગ કરી લેવું! નાસાના અધિકારીઓએ શરૂઆતમાં આનાકાની કરી, પછી માંડ માંડ પરમિશન આપી. કેસી-૧૩૫ પ્લેનની અંદર અદ્દલ અપોલો યાનના ઈન્ટીરિયર જેવો સેટ ઊભો કરવામાં આવ્યો. ઝીરો-ગ્રેવિટીવાળાં દશ્યોને પચ્ચીસ-પચ્ચીસ સેકન્ડ્સના ટુકડાઓમાં ભારે ચોકસાઈ સાથે વહેંચી દેવામાં આવ્યા. અવકાશયાત્રી બનતા ત્રણેય એકટરો - ટોમ હેન્ક્સ, બિલ પેકસટન અને કેવિન બેકને પોતાની મૂવમેન્ટ્સ સમજી લીધી, અને જે થોડાઘણા સંવાદ કે શબ્દો બોલવાના હતા, તે ગોખી લીધાં. આકાશમાં ૩૬,૦૦૦ ફૂટની ઊંચાઈએ આખરે પેલી પચ્ચીસ સેકન્ડવાળો સમયગાળો આવતાં જ શૂટિંગ શરૂ થઈ ગયું. એકટરો, ડિરેકટર, કેમેરામેન સૌ હવામાં તરતા હતા! આવી અજીબોગરીબ સિચ્યુએશનમાં ધાર્યો શોટ કેવી રીતે મળે? એકટરો ફ્રેમની અંદર-બહાર સરકતા રહે, જરૂર ન હોય ત્યાં ઊંધા-ચત્તા થઈ જાય, ભળતી જ વસ્તુઓ તરતી તરતી ફ્રેમમાં ઘૂસી જાય.... અને પચ્ચીસ સેકન્ડ પૂરી થતાં જ... ભડામ! બંધાયેલા ન હોવાને લીધે બધા નિર્દયતાથી આડેધડ પછડાય. કશુંક ખૂંચી જાય, લાગી જાય, ઈજા પહોંચે, ઢીમચા ઉપસી આવે. મોશન સિકનેસને કારણે ખૂબ ઊલટીઓ થાય. (તેથી જ કેસી-૧૩૫ પ્લેનનું બીજું નામ 'વોમિટ કોમેટ' પાડવામાં આવ્યું હતું!) સદભાગ્યે ધીમે ધીમે સૌને ફાવટ આવતી ગઈ.
શૂટિંગ દરમિયાન રોજ બે વાર ફ્લાઈટ ઉપડતી. એક વાર સવારે, પછી લંચ, પછી બીજી ફ્લાઈટ. પ્રત્યેક ફ્લાઈટમાં ૩૦ થી ૪૦ વખત પ્લેન ડાઈવ મારે. મતલબ કે દરરોજ ૬૦ થી ૮૦ વખત પચ્ચીસ-પચ્ચીસ સેકન્ડના પેલા ટુકડા શૂટ કરવા માટે મળે. પ્લેને કુલ ૬૧૨ વખત પેરાબોલિક ડાઈવ મારી. આ રીતે 'અપોલો ૧૩'ની ટીમ ઝીરો ગ્રેવિટીવાળું ૨૫૫ મિનિટનું ઓથેન્ટિક ફૂટેજ મેળવી શકયા! ૧૯૯૫માં રિલીઝ થયેલી આ ફિલ્મ સુપરડુપર હિટ ગઈ, એના પર ઓસ્કર નોમિનેશન્સનો વરસાદ વરસ્યો (એમાંથી બે ઓસ્કર જીતી લીધા - બેસ્ટ સાઉન્ડ અને બેસ્ટ એડિટિંગ) તેમજ ઓલટાઈમ ગ્રેસ સ્પેસ મૂવીઝનાં લિસ્ટમાં હકથી સ્થાન મેળવી લીધું!
અલ્ફોન્સો કયુરોન 'ગ્રેવિટી' બનાવવાનું પ્લાનિંગ કરી રહૃાા હતા, ત્યારે એક બાબતે બિલકુલ સ્પષ્ટ હતા, કે મારી ફિલ્મનાં દશ્યોમાં હું પચ્ચીસ-પચ્ચીસ સેકન્ડના ટુકડા તો નહીં જ થવા દઉં. તમને યાદ હશે કે 'ગ્રેવિટી'ની શરુઆતમાં ખુલ્લા અંતરિક્ષમાં સાન્ડ્રા બુલોક સ્પેસશિપનું સમારકામ કરી રહી છે અને જ્યોર્જ કલૂની જાણે બગીચામાં લટાર મારતો હોય તેમ ગીતો ગણગણતો યાનની આસપાસ, ઉપરનીચે મોજથી લટાર મારી રહૃાો છે. 'ગ્રેવિટી'નો આ પહેલો સીન જ ૧૩ મિનિટ લાંબો છે!
અલ્ફોન્સોએ સૌથી પહેલાં આખી ફિલ્મનું એનિમેટેડ વર્ઝન તૈયાર કર્યું. મતલબ કે તમામ શોટ્સ કમ્પ્યુટર પર ઓલરેડી 'ડિરેકટ'કરી નાખ્યાં. ત્યાર બાદ સાચુકલા એકટરો પાસે અદ્લ એનિમેશન જેવી મુવમેન્ટ્સ કરાવી. આનો અર્થ એ થયો કે બન્ને મુખ્ય કલાકારો પાસે ઈમ્પ્રોવાઇઝેશન કે કશુંય સ્પોન્ટેનિયસલી કરવાની મોકળાશ જ નહોતી. છતાંય સાન્ડ્રા અને કલૂનીનાં અભિનય પરથી ગંધ સુધ્ધાં આવે છે ખરી કે એમણે કેવા બંધિયાર માહોલમાં શૂટિંગ કર્યુ હશે?
Gravity: Alfonso Cuarón directing Sandra Bullock and George Clooney in the 'Light Box'

અલ્ફોન્સોની ટીમે આ ફિલ્મ માટે રીતસર નવી ટેકનોલોજી વિકસાવી હતી. ૨૦ બાય ૧૦ ફૂટનું 'લાઈટ બોકસ' નામનું એક સ્ટ્રકચર બનાવવામાં આવ્યું. એમાં ૪૦૯૬ જેટલા એલઈડી બલ્બ્સ હતા. એકટરોને આ પ્રકાશિત બોકસમાં મૂકવામાં આવે, દશ્યની જરૂરિયાત પ્રમાણે તેમની પાસે મૂવમેન્ટ્સ અને અભિનય કરાવવામાં આવે. સ્પેસ સ્ટેશનની અંદરનાં દશ્યો (કે જેમાં નાયિકા વજનવિહીન અવસ્થામાં માછલીની જેમ આમતેમ તરતી રહે છે) માટે ૧૨ વાયરવાળી સસ્પેન્શન સિસ્ટમ તૈયાર કરવામાં આવી હતી. એને આ મજબૂત વાયરો સાથે બાંધી, લટકાવી, આમથી તેમ સરકાવવામાં આવતી. ફિલ્મમાં જેમ હિરોઈન અંતરિક્ષમાં સાવ નોંધારી છે એમ શૂટિંગ દરમિયાન સાન્ડ્રા બુલોક પણ બંધ લાઈટ બોકસમાં એકલી હોય. માત્ર કાનમાં પહેરેલાં યંત્ર દ્વારા ડિરેકટરનો અવાજ સંભળાતો હોય. એ પરર્ફોર્મ કરતી ત્યારે, ખાસ કરીને એકસટીરિયરનાં દશ્યોમાં, એની આસપાસ સૂર્ય, ચંદ્ર,પૃથ્વી અને અવકાશની ઈમેજીસનાં પ્રોજેકશન્સ સતત ઘુમરાતા હોય. આગળપાછળ, ઉપરનીચે થતાં કે ગોળ ગોળ ઘૂમતા એક કરતાં વધારે રોબોટિક કેમેરા એકટરનાં પર્ફોર્મન્સને કેપ્ચર કરતા રહે.
અસલી જાદુ પોસ્ટ પ્રોડકશન દરમિયાન થાય. કમ્પ્યુટર જનરેટેડ એનિમેશનના બેકડ્રોપ પર એકટરોની લાઈવ એકશન કિલપ્સને'ચીટકાડી' દેવામાં આવે. વાયર, હાર્નેસ વગેરેને ડિજિટલી ભૂંસી નાખવામાં આવે, જરૂર હોય ત્યાં વધારાની સ્પેશિયલ ઈફેકટ્સ ઉમેરવામાં આવે (જેમ કે એ શોટમાં સાન્ડ્રા પોતાની સીટ પર બેસીને કોઈ મેન્યુઅલ વાંચી રહી છે ત્યારે હેલ્મેટ તરતું તરતંુ ફ્રેમમાં આવે છે. આ હેલ્મેટ પાછળથી ઉમેરવામાં આવ્યું હતું.) બસ, થઈ ગયો ફાયનલ સીન તૈયાર!
૧૦૦ મિલિયન ડોલરના ખર્ચે બનેલી 'ગ્રેવિટી'નું લાઈટ ડિઝાઈનિંગ ખૂબ વખણાયું છે. સ્પેસ મૂવીઝના મામલામાં આ ફિલ્મ એક રેફરન્સ પોઈન્ટ સાબિત થઈ છે. ખેર, સિનેમામાં ટેકનોલોજીના પ્રયોગ પર કયારેય પૂર્ણવિરામ મૂકાતું નથી. અહીં ઉલ્લેખ પામેલી તમામ ફિલ્મોથી ચડિયાતી ફિલ્મો ભવિષ્યમાં આવશે જ. જેમ્સ કેેમરોન 'અવતાર-ટુ'માં કેવીક કમાલ કરે છે તે જોવાની ઈંતેજારી સૌને છે. બાય ધ વે, 'અવતાર-ટુ' સ્પેસ ફિલ્મ નહીં, પણ અન્ડરવોટર ફિલ્મ છે!
                                         0 0 0 

No comments:

Post a Comment