Tuesday, October 13, 2015

ટેક ઓફ : ઓહ! કોમરેડ કોટણીસ..

Sandesh - Ardh Saptahik Purti - 7 Oct 2015

ટેક ઓફ 

મેડિકલ ફિલ્ડની ગોબાચારી અને સંવેદનહીનતાના કિસ્સા આપણને ધ્રુજાવી મૂકે છે. ડોક્ટરોની છબી હવે પહેલાં જેવી ઉદાત્ત અને પવિત્ર નથી રહી તે એક અપ્રિય સત્ય છે. વિદેશની ધરતી પર જઈને,વિદેશી સૈનિકોની સારવાર પાછળ પોતાનો જીવ નિચોવી દેનાર દંતકથારૂપ ડો. કોટણીસનું જીવન અને કર્મ એટલે જ આજની પરિસ્થિતિમાં વધારે પ્રસ્તુત બની જાય છે૧૦-૧૦-૧૦. એક સરસ, ચોટડુક અને તરત યાદ રહી જાય એવી તારીખ છે આ. આઠ-આઠ-આઠ, નવ-નવ-નવ, દસ-દસ-દસ,અગિયાર-અગિયાર-અગિયાર... તારીખનાં આ પ્રકારનાં કોમ્બિનેશન્સ લોકોને ગમતા હોય છે. આજે ત્રણ દસડા યાદ કરવાનું વિશેષ કારણ એ છે કે એકસો ચાર વર્ષ પહેલાં ૧૦ ઓક્ટોબર, ૧૯૧૦ના રોજ બે વ્યક્તિ વિશેષનો જન્મ થયો હતો. એક હતા સર્વોદયવાદી કાર્યકર બબલભાઈ મહેતા, જેમણે ગાંધીજીના પગલે ચાલીને ગ્રામ્ય ભારતના વિકાસ માટે પોતાનું જીવન ખર્ચી નાખ્યું. બીજા, ડો. દ્વારકાનાથ કોટણીસ, જેમણે ચીનની ધરતી પર જીવનના છેલ્લા શ્વાસ સુધી ઘાયલ વિદેશી સૈનિકોની સેવા કરીને તબીબી ક્ષેત્રમાં ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કર્યું. વી. શાંતારામે 'ડો. કોટણીસ કી અમર કહાની' નામની સત્યઘટનાત્મક બ્લેક-એન્ડ-વ્હાઇટ ફિલ્મ જેના જીવન પર બનાવી હતી એ ડોક્ટર આ જ. આજે એમને નિરાંતે સંભારવા છે. બબલભાઈ મહેતા વિશે પછી ક્યારેક વાત કરીશું.
તબીબી વ્યવસાયને પવિત્ર ગણવામાં આવ્યો છે, પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી મેડિકલ ફિલ્ડની ગોબાચારી અને સંવેદનહીનતાના જે કિસ્સા આપણી સામે આવી રહૃાા છે તે ધ્રુજાવી મૂકે એવા છે. આવી પરિસ્થિતિમાં દંતકથારૂપ બની ગયેલા ડો. કોટણીસનું જીવન અને કર્મ વધારે પ્રસ્તુત બની જાય છે. ડો. દ્વારકાનાથ શાંતારામ કોટણીસનો જન્મ થયેલો મહારાષ્ટ્રના સોલાપુરમાં વસતા એક ગૌડ સારસ્વત બાહ્મણ પરિવારમાં. ત્રણ દીકરા અને પાંચ દીકરીઓનું બહોળું કુટુંબ. દ્વારકાનાથને નાનપણથી જ ડોક્ટર બનવું હતું. મુંબઈની જી.એસ. મેડિકલ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યા બાદ તેઓ ૧૯૩૮માં પી.જી. માટે તૈયારી કરી રહૃાા હતા તે દરમિયાન એક ઘટના બની. એક વર્ષ પહેલાં એટલે કે ૧૯૩૭માં ચીન અને જાપાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું. ૧૯૩૮માં ચીનના કમ્યુનિસ્ટ જનરલે જવાહરલાલ નેહરુને વિનંતી કરી કે અમારા ઘાયલ સૈનિકોની સારવાર કરી શકે એવા થોડા ફિઝિશિયનો મહેરબાની કરીને તમારા દેશમાંથી અમારે ત્યાં મોકલી આપો. સુભાષચંદ્ર બોઝ, કે જે એ વખતે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રેસિડન્ટ હતા, તેમણે ૩૦ જૂન, ૧૯૩૮ના રોજ છાપાંઓના માધ્યમથી જાહેર અપીલ કરી. દ્વારકાનાથ કોટણીસનું તેના પર ધ્યાન ગયું. પોસ્ટ-ગ્રેજ્યુએશન પડતું મૂકીને તેઓ વોલન્ટિયર બની ચીન જવા માટે તૈયાર થઈ ગયા. અલબત્ત, પરિવારની પરવાનગી લેવી આવશ્યક હતી.
૨૮ વર્ષીય દ્વારકાનાથ વતન ગયા. વાત કરી. ચાઇનીઝ સિલ્ક બહુ વખણાય છે એટલી વિગતને બાદ કરતાં ચીન વિશે ઘરના લોકોને કશી જ ગતાગમ નહોતી, પણ યુદ્ધમોરચે જવાની વાત સાંભળતાં જ સૌએ ગભરાઈને ઘસીને ના પાડી દીધી. ભાઈ મંગેશ કહેઃ "તને ડોક્ટર બનાવવા માટે પિતાજીએ પુષ્કળ નાણું ઉધાર લેવું પડયું છે એ તું જાણતો નથી? મા-બાપ બેય ઘરડાં થઈ રહૃાાં છે. એમની બુઢાપાની લાકડી બનવાને બદલે તું દેશ છોડવાની વાતો કરે છે?" પણ પિતાજી દ્વારકાદાસનું મન કળી ગયા. કહેઃ "દ્વારકા, તેં ચીન જવાનું મન બનાવી જ નાખ્યું છે તો ખુશીથી જા. હું તને રોકીશ નહીં. પણ એક વાત યાદ રાખજે. આપણા દેશનું નામ નીચું થાય એવું કશું ન કરતો. ચીની સૈનિકોની સારામાં સારી સેવા કરજે. પરિવારનું અને દેશનું નામ ઉજાળજે."
પાંચ ડોક્ટરોની મેડિકલ ટીમ તૈયાર થઈ - એ. અટલ, એમ. ચોલકર, ડી. કોટણીસ, બી.કે. બસુ અને ડી. મુખર્જી. ૧૯૩૮ના સપ્ટેમ્બરની એક મધરાતે ડોક્ટરોની આ ટીમ ચીન જવા દરિયાઈ માર્ગે રવાના થઈ. ૧૪ સપ્ટેમ્બરે તેઓ હોંગકોંગ પહોંચ્યા. ત્યાંથી ગુઆંગઝોઉ પહોંચતા ૧૭ દિવસ લાગી ગયા. પછી રોડરસ્તે ચાંગશા અને વુહન થઈને ચોંગકિંગ પહોંચ્યા. અહીં દ્વારકાનાથને એક પત્ર આપવામાં આવ્યો. કાગળ ભારતથી આવ્યો હતો, જે ભાઈએ લખ્યો હતો. માઠા સમાચાર હતા. દ્વારકાનાથના પિતાજીનું નિધન થઈ ગયું હતું. દ્વારકાનાથ પર પહાડ તૂટી પડયો. સાથીઓએ એમને પાછા ભારત જતા રહેવા માટે સમજાવ્યા, પણ દ્વારકાનાથ ન માન્યા. કહેઃ પિતાજીનો આદેશ હતો કે મારે ચીની સૈનિકોની દિલથી સેવા કરવી. હું એમની ઇચ્છા જરૂર પૂરી કરીશ. 
પછીનાં ચાર વર્ષ ડો. કોટણીસે ઘાયલ જાપાનીઓ સામે લડતાં લડતાં જખ્મી થઈ ગયેલા ચીની સૈનિકોની સારવારમાં ખર્ચી નાખ્યાં. કામ જરાય આસાન નહોતું. દવા અને જરૂરી સાધનોની કાયમ તંગી વર્તાયા કરતી. ડો. કોટણીસ રાત-દિવસ જોયા વગર કામ કરતા રહૃાા. ક્યારેક લગાલગાટ ત્રણ-ત્રણ દિવસ આંખનું મટકું મારવા ન મળતું. ખાવાપીવાના ઠેકાણાં નહીં. ખુદની તબિયતની પરવા કર્યા વિના એમણે આઠસો કરતાંય વધારે ઘાયલ સૈનિકોની સારવાર કરી. ૧૯૪૦માં એમને એક હોસ્પિટલના ડિરેક્ટર બનાવવામાં આવ્યા. આ હોસ્પિટલના ઉદ્ઘાટન વખતે પહેલી વાર એમનો ભેટો ગુઓ કિનગ્લેન નામની નર્સ સાથે થયો. બે વર્ષમાં ડો. કોટણીસ ચીની ભાષા બોલતા જ નહીં, થોડું ઘણું લખતાં-વાંચતાં પણ શીખી ગયા હતા. એક ભારતીય ડોક્ટરને ચીની ભાષા બોલતો જોઈને નર્સ ગુઓને બહુ નવાઈ લાગી. ડો. કોટણીસ અને ગુઓ પહેલી જ મુલાકાતમાં એકમેક તરફ આકર્ષાઈ ચૂક્યાં હતાં. એક વર્ષ બાદ તેમણે લગ્ન કર્યાં. પછીના વર્ષે સંતાન જન્મ્યું. દીકરાનું નામ યિનહુઆ પાડવામાં આવ્યું. યિન એટલે ભારત અને હુઆ એટલે ચીન.
ડો. કોટણીસના ચારેય સાથીઓ અમુક વર્ષ પછી ભારત પરત થઈ ગયા હતા, પણ ડો. કોટણીસ ચીનમાં રોકાઈને જબરદસ્ત લગન તેમજ નિષ્ઠાથી સૈનિકોની ચાકરી કરતા રહૃાા. તેઓ ઘરે લાંબા પત્રો જરૂર મોકલતા. એમાં કાયમ સારી અને આનંદદાયક વાતો લખતા. પરિવારના સભ્યો ડો. કોટણીસના કાગળો વાંચીને રાજી થતા અને મન મનાવી લેતા.


કામના અતિશય ભારને લીધે ડો. કોટણીસના શરીરે આખરે બળવો પોકાર્યો. એમને એપીલેપ્સી એટલે કે વાઈની બીમારી લાગુ પડી ગઈ. ૭ ડિસેમ્બર, ૧૯૪૨ના રોજ એમણે પાંચ જખ્મી સૈનિકોનાં ઓપરેશન કર્યાં. પછીના દિવસે વીસેક જેટલા વિદ્યાર્થીઓને શીખવવા માટે તેમની હાજરીમાં હર્નિયાના દર્દીનું ઓપરેશન કર્યું. થકવી નાખનારું આ ઓેપરેશન પૂરું થતાંની સાથે જ એમને આંચકી ઊપડી હતી. આમ છતાંય ઠીક થયા બાદ એમણે મિટિંગ લીધી, લાગતાવળગતાઓને સૂચના આપી. સાંજે પોતાની ડોરમેટરી-કમ-ઓફિસમાં આવ્યા. પોતે 'સર્જરી ઇન ડિટેલ' નામનું જે પુસ્તક લખવા ધારતા હતા તેનું થોડું કામ કર્યું. પછી પત્ની સાથે વાતો કરી, સાડાત્રણ મહિનાના મીઠડા દીકરાને રમાડયો. એમણે ક્યાં કલ્પ્યું હશે કે પરિવાર સાથેની આ એમની અંતિમ ક્ષણો છે. એ જ મોડી રાતે તેમને ફરી પછી વાઈનો જોરદાર એટેક આવ્યો. મોંમાંથી ફીણ નીકળતું રહૃાું. તેઓ કોમામાં જતા રહૃાા. ૯ ડિસેમ્બર, ૧૯૪૨ની વહેલી સવારે સવા છ વાગ્યે એમણે અંતિમ શ્વાસ લીધા. માત્ર બત્રીસ વર્ષની ઉંમર હતી એમની.
પરંપરાગત ચાઇનીઝ વિધિથી, લશ્કરના બેન્ડના સૂરો વચ્ચે ડો. કોટણીસની અંતિમવિધિ કરવામાં આવી. ચીનના તત્કાલીન સર્વોચ્ચ વડાએ ડો. કોટણીસના પરિવારને સહાનુભૂતિનો ભાવભર્યો સંદેશો મોકલ્યો. પછી તો ચીનમાં એમની યાદમાં સ્મારક બનાવવામાં આવ્યું, ટપાલ ટિકિટો બહાર પાડવામાં આવી, એમના જીવન પરથી ચીની ભાષામાં ફિલ્મ પણ બની. ૧૯૪૫માં ડો. કોટણીસની 'વન હુ ડિડ નોટ કમ બેક' નામની જીવનકથા પ્રગટ થઈ તે પછી તેઓ આપણે ત્યાં જાણીતા બન્યા. ૧૯૪૬માં વી. શાંતારામે 'ડો. કોટણીસ કી અમર કહાની' ફિલ્મ બનાવી અને મુખ્ય ભૂમિકામાં એક્ટિંગ પણ કરી. (યુ ટયૂબ પર આ આખી ફિલ્મ અવેલેબલ છે.) આપણાં સ્કૂલી પાઠયપુસ્તકોમાં એમના વિશે પાઠ ઉમેરાયા, એમની સ્મૃતિમાં ટપાલ ટિકિટો બહાર પડી, પણ વક્રતા એ છે કે આપણે ત્યાં ડો. કોટણીસને ક્રમશઃ વીસરાઈ રહૃાા છે, જ્યારે ચીનમાં આજની તારીખેય એમને ખૂબ આદરપૂર્વક યાદ કરવામાં આવે છે.
૨૦૦૯માં ચીનમાં થયેલા એક ઇન્ટરનેટ સર્વેમાં ચીનની ધરતી પર ઉત્કૃષ્ટ કામગીરી બજાવનારા સૌથી પ્રભાવશાળી દસ વિદેશીઓની સૂચિમાં ડો. કોટણીસનું નામ મુકાયું હતું. ચીનના સર્વોચ્ચ રાજકીય વડા ભારતની મુલાકાતે આવે છે ત્યારે શક્ય હોય ત્યાં સુધી ડો. કોટણીસના પરિવારના મુલાકાત જરૂર લે છે. ૧૯૫૦થી ૨૦૧૪ દરમિયાન સાત વખત ચીનના પ્રીમિયર અથવા પ્રેસિડેન્ટ ડો. કોટણીસના પરિવારજનોને મળવા સામે ચાલીને એમને ઘરે જઈ ચૂક્યા છે. ડો. કોટણીસનાં ૯૦ વર્ષ વટાવી ચૂકેલાં બહેન મનોરમા કોટણીસે છેલ્લે કહેલું કે સાત-સાત દાયકાથી જે રીતે ચીનના વડાઓ મારા ભાઈને યાદ કરીને છેક અમારા ઘર સુધી આવવાનું કષ્ટ લેતા આવ્યા છે તે હકીકત જ અમને અભિભૂત કરી દે છે.
ચીનની ધરતી પર ડો. કોટણીસની અંતિમ વિદાય અપાઈ રહી હતી ત્યારે કરુણ મરશિયા ગવાઈ રહૃાા હતા. શું હતા તેના શબ્દો?
"તું હિન્દ મહાસાગરનો હૂંફાળો કિનારો છોડીને અમારે ત્યાં આવ્યો
ઉત્તર ચીનની ઠંડીનો સામનો કર્યો.
ચીનની ચાર-ચાર પાનખરની ઋતુ તેં જોઈ
પણ ઓહ! પેલી લાંબી રાત્રિને અંતે
તારા જીવનરસનું ઝરણું સુકાઈ ગયું.
ઓહ! કોમરેડ કોટણીસ! અમારા વહાલા...
તારી છબી હંમેશાં અમારી આંખોની સામે રહેશે
તારી સ્મૃતિ હંમેશાં અમારાં હૃદયમાં કોતરાયેલી રહેશે."

0 0 0 

No comments:

Post a Comment