Thursday, September 24, 2015

ટેક ઓફ : ઈશ્વરનો રસ્તો એટલે શું?

Sandesh - Ardh Saptahik Purti - 17 Sept 2015

ટેક ઓફ 

કયા સંજોગોમાં શસ્ત્રો ઉપાડવાં જોઈએકઈ પરિસ્થિતિમાં હિંસા સ્વીકાર્ય બને છેપ્રમુખ ધર્મગ્રંથો આ વિશે શું કહે છેશા માટે પવિત્ર ધર્મવચનોનું અંતિમવાદીઓ દ્વારા ભયંકર અનર્થઘટન થતું આવ્યું છે?


મનમાં મસ્જિદ પર થયેલો ટેરરિસ્ટ અટેક હોય કે થાઇલેન્ડના હિન્દુ સ્થાનક પર થયેલો ઘાતક હુમલો હોય, પેરિસમાં 'શાર્લી એબ્દુ' મેગેઝિનની ઓફિસમાં આતંકવાદીઓએ ઉધમ મચાવ્યો હોય, પેશાવરની સ્કૂલમાં થયેલો હત્યાકાંડ હોય, અમેરિકાની નાઇન-ઇલેવનની દુર્ઘટના હોય કે ભારતને અવારનવાર ધ્રુજાવ્યા કરતા ત્રાસવાદી હુમલા હોય... ધર્મના નામે થતા માનવસંહારની ઘટનાઓ આપણને અંદરથી હલાવી દે છે, ક્ષુબ્ધ કરી નાખે છે, નિર્ભ્રાંત કરી મૂકે છે.
વિશ્વના તમામ પ્રમુખ ધર્મો આખરે તો એક જ વાત કહે છે તે એક સર્વસ્વીકૃત સત્ય છે, પણ આંખો સામે દેખાતી સચ્ચાઈ જુદું જ ચિત્ર પેદા કરે છે. કયા સંજોગોમાં શસ્ત્રો ઉપાડવાં જોઈએ? કઈ પરિસ્થિતિમાં હિંસા સ્વીકાર્ય બને છે? હિન્દુ અને મુસ્લિમ ધર્મગ્રંથો આ વિશે શું કહે છે? પંડિત સુંદરલાલે 'ગીતા અને કુરાન' નામનું બન્ને ગ્રંથો વચ્ચેના સામ્યની ચર્ચા કરતું અભ્યાસપૂર્ણ પુસ્તક લખ્યું છે. ગોકુળભાઈ દોલતભાઈ ભટ્ટે તેનો સુંદર ગુજરાતી અનુવાદ કર્યો છે. પુસ્તક નોંધે છે કે ભારતવર્ષમાં ગીતા તથા અરબ દેશમાં કુરાનનો ઉપદેશ જે પરિસ્થિતિમાં અપાયો હતો તેમાં પણ સમાનતા છે. મહાભારતના યુદ્ધમાં સામસામા સંઘર્ષ કરી રહેલા કૌરવો અને પાંડવો એક જ પરિવારના ફરજંદ હતા, એક જ દાદાના પૌત્રો હતા, તો કુરાનમાં મુસલમાન અને ગેરમુસલમાન વચ્ચેની લડાઈની જે વાત આવે છે તેમાં અરબ દેશના એક જ કુરેશ કુટુંબનાં સંતાનો છે. 'કુરેશ' અને 'કુરુ' આ બન્ને શબ્દોમાં કેવળ ઉચ્ચાર જ નહીં, પણ ઐતિહાસિક સ્તરે પણ સરખાપણું છે. ઈરાનના ગ્રંથોમાંથી કૌરુશ અને કુરુ એ બન્ને નામો મળી આવે છે. કૌરુશ નામના ઈરાનમાં એક વિખ્યાત બાદશાહ થઈ ગયા. કુરેશ પરિવાર જાણીતો હતો અને તેનું મોટું નામ હતું. એક થિયરી પ્રમાણે'સાઇરસ' નામ એ 'કૌરુશ'નું જ અપભ્રંશ સ્વરૂપ છે. ઈરાનિયન પુસ્તકોમાં 'કૌરુશ' અને 'કુરુ' એમ બન્ને નામોનાં ઉલ્લેખો સાંપડે છે. કૌરવો અને પાંડવોના એક અગ્રજનું નામ પણ કુરુ હતું. આમ, મહાભારતના કુરુ અને કૌરવ, ઈરાનના કૌરુશ અથવા કુરુ અને અરબસ્તાનના કુરેશ - આ બધાનું મૂળ એક છે એવું વ્યુત્પત્તિશાસ્ત્ર કહે છે.
કૌરવોએ પાંડવો પર કેવો સિતમ ગુજાર્યો, કેવી રીતે તેમની મિલકત પડાવી લીધી અને વતનમાંથી કાઢી મૂક્યા એની કથાઓ આપણે જાણીએ છીએ. આવું જ કંઈક અરબસ્તાનમાં પણ બન્યું હતું. 'ગીતા અને કુરાન' પુસ્તક કહે છે કે, મક્કાના કુરેશોએ પણ મહંમદ સાહેબને તથા તેમના ઉપદેશ સાંભળીને ઇસ્લામનો સ્વીકાર કરનાર સગાંસંંબંધીઓને યા તો એક અલ્લાહ સિવાયનાં બીજાં દેવ-દેવીઓની અથવા કાબાની જૂની મૂર્તિઓની પૂજા બંધ કરનારાઓને યાતના આપી હતી. મક્કામાં કાબા એ હજારો વર્ષ પુરાણું ધર્મસ્થળ હતું. તેર વર્ષ સુધી કુરેશોએ મહંમદસાહેબ તથા સાથીસંબંધીઓ પર એટલો અત્યાચાર કર્યો કે તેમના માટે મક્કામાં રહેવું અશક્ય થઈ પડયું. આખરે મહંમદસાહેબને મક્કા છોડીને મદીના ચાલ્યા જવું પડયું. તેમની પહેલાં ઘણાં મુસલમાનો મક્કા છોડીને મદીના પહોંચી ચૂક્યા હતા. મદીનામાં ઘણાં લોકોએ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો. મક્કાના કુરેશોએ અહીં પણ તેમનો પીછો પકડયો.
એક બાજુ મક્કામાં હજુ બાકી રહેલા મહંમદસાહેબના અનુયાયીઓને હેરાન કરવામાં આવતા હતા, જ્યારે બીજી બાજુ, એક મોટું લશ્કર મદીના પર ચડી આવ્યું. તેઓ મહંમદસાહેબ તથા તેમના સાથીઓને ઝબ્બે કરવા માગતા હતા. આ સમયકાળ સુધી ઇસ્લામમાં દુશ્મન વિરુદ્ધ પણ હથિયાર ન ઉગામવાની પરવાનગી ન હતી. અત્યાચારના એ તેર વર્ષોમાં જે ઉપદેશ અપાતો હતો તે આવો હતોઃ 'બીજાઓના જુલમને ધીરજ અને શાંતિથી સહી લેવા' અને 'બુરાઈનો બદલો ભલાઈથી આપવો' (હામીમ, ૩૪, ૩૬ અને અલમોમેનૂન, ૯૬ વગેરે). જ્યારે કુરેશોએ મદીના પર ચડાઈ કરી ત્યારે કુરાનમાં પહેલી વાર આ શબ્દોમાં તલવાર ધારણ કરવાનું કહેવામાં આવ્યું:
"લડાઈ કાજે જેના પર ચડાઈ કરવામાં આવે છે તેમને લડાઈની પરવાનગી આપવામાં આવે છે, કારણ કે તેમના પર આ જુલમ છે. તે નિઃસંદેહ છે કે અલ્લાહ તેમની મદદ માટે પૂરતો છે. આ રજા તેમને આપવામાં આવે છે કે જેમને અન્યાયી રીતે ઘર બહાર કાઢવામાં આવ્યા છે, કારણે કે તેઓ માને છે કે એક અલ્લાહ જ અમારો પાલક છે." (હજ્જ, ૩૯,૪૦)
ગીતામાં કૌરવોને ધર્મભ્રષ્ટ તથા આતતાયી કહેવામાં આવ્યા છે (૧-૩૬). મુસલમાનો પર અનેક પ્રકારના જુલમ કરનાર મક્કાના કુરેશો માટે કુરાનમાં અનેક વાર 'કાફિર' (નગુણો, કૃતઘ્ની) શબ્દ વપરાયો છે. મક્કા અને મદીનાનાં સૈન્યો સામસામા ઊભાં હતાં ત્યારે તેમાં પણ કૌરવો-પાંડવોની સેનાની માફક બન્ને પક્ષે એકમેકના ભાઈ, કાકા, મામા, સસરા કે અન્ય સગાંસંબંધીઓ હતાં. જે રીતે અર્જુનનું હૃદય પોતાના સંબંધીઓને દુશ્મન સેનામાં જોઈને દ્રવી ઊઠયું હતું અને તેણે હથિયાર હેઠાં મૂકી દીધાં હતાં તે રીતે મક્કા-મદીનાની લડાઈમાં પણ કેટલાક મુસલમાનો લડાઈથી પાછી પાની કરવા માગતા હતા. શ્રીકૃષ્ણે અર્જુનને ઉપદેશ આપ્યો કે, "તારા હૃદયની આ દુર્બળતા છોડીને ઊભો થા તથા યુદ્ધ કર. આ દુર્બળતા તને શોભતી નથી." (૨-૩)


મુસલમાનોની કમજોરી અને સંકોચ જોઈને કુરાનમાં પણ આ જ ઢાળમાં આદેશ આપવામાં આવ્યો હતો કે, "તમને યુદ્ધ કરવાની પરવાનગી આપવામાં આવી છે તેથી આમ કરવું (લડયા વિના હાર માની લેવી) ઠીક લાગતું નથી. સંભવ છે કે જે વાત તમને ઠીક લાગતી ન હોય તે તમારા હિતની નીવડે અને જે વાત અનુકૂળ લાગતી હોય તે તમારું અહિત કરનારી હોય... એવી તો શી વાત છે કે તમે અલ્લાહના પંથે ચાલનારાં અશક્ત, અસહાય એવાં સ્ત્રી-પુરુષ અને બાળકો માટે નહીં લડો..." (બકરહ, ૨૧૬. નેસાય, ૭૫,૭૬)
ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છેઃ "જો તું લડાઈમાં માર્યો જઈશ તો સ્વર્ગને પામીશ ને જો તું યુદ્ધમાં જીતીશ તો પૃથ્વીનું રાજ્ય ભોગવીશ." (૨-૩૭)
આ જ પ્રમાણે કુરાનમાં મુસલમાનોને પણ કહેવામાં આવ્યું છેઃ

"જે ઈશ્વરને રસ્તે લડતાં લડતાં મરી જાય કે જીતે, તેને અલ્લાહ બહુ મોટો બદલો આપશે." (નેસાય, ૭૪)
સંભવતઃ કુરાનનો આ એક એવો ઉપદેશ છે જેનું આતંકવાદીઓ દ્વારા ભયાનક અર્થઘટન થતું આવ્યું છે. આતંકવાદીઓ માટે'ઈશ્વરનો રસ્તો' શું છે? 'ઈશ્વરના રસ્તા'ની રક્તરંજિત વ્યાખ્યા ડિફાઇન કરનારાઓનું ડીએનએ શા માટે ઝેરી ઝનૂનમાં ઝબોળાયેલું હોય છે? ગીતામાં ધર્મ અને ન્યાય માટેની લડાઈને 'ધર્મયુદ્ધ' કહેવામાં આવ્યું છે. કુરાનમાં ધર્મના રક્ષણ અર્થે અને ન્યાય માટે થતા યુદ્ધને 'કેતાલ ફી સબીલલ્લાહ' એટલે કે 'અલ્લાહને રસ્તે લડવું' એમ કહેવાયું છે.
આતંકવાદના મૂળમાં એક મોટું તત્ત્વ અતિ ક્રોધનું છે. કુરાન અનુસાર, જે પોતાના ક્રોધને પી જાય છે તથા માફી બક્ષે છે તેને'અલ્લાના પ્યારા' કહેવામાં આવ્યા છે (આલ અમરાન, ૧૩૩). ગીતા પણ કહે છે કે, "નરકના ત્રણ દ્વાર છે - કામ, ક્રોધ અને લોભ. આ ત્રણેથી બચવું જોઈએ. આ ત્રણે આત્માનો નાશ કરનારા છે." (૧૬-૨૧)
ઇસ્લામમાં તો ક્રોધને વર્જ્ય ગણવામાં આવ્યો છે. ક્રોધિત અવસ્થામાં કોઈ પણ પગલું ભરવાની મનાઈ છે. મહંમદસાહેબના જમાઈ હજરત અલીના જીવનનો એક જાણીતો પ્રસંગ છે. એક યુદ્ધમાં તેમણે શત્રુને હરાવ્યો. તેઓ દુશ્મનની છાતી પર ચડી બેઠા. અત્યંત ક્રોધે ભરાયેલા હજરત અલી તલવારથી એનું માથું વાઢવાની તૈયારીમાં હતા ત્યાં પેલો એમના મોઢા પર થૂંક્યો. તરત જ હજરત અલીએ તલવાર દૂર ફેંકીને કહ્યું, હવે હું તને નહીં મારું. આટલું કહીને તેઓ એની છાતી પરથી ઊભા થઈ ગયા. દુશ્મન નવાઈ પામી ગયો. એણે પૂછયું, "તમે કેમ મને જીવતો છોડી દીધો?" હજરત અલીએ જવાબ આપ્યો, "તું ઈશ્વરના નામે લડી રહ્યો હતો,મારા માટે નહીં. તું જ્યારે મારા મોં પર થૂંક્યો ત્યારે મને સખત ક્રોધ ચડયો અને ક્રોધ વર્જ્ય છે. ગુસ્સામાં આવીને કોઈ પણ કામ કરવું પાપ છે."


સમતાનો મહિમા ગીતા અને કુરાન બન્ને કરે છે. હરખ અને શોકમાં સ્થિર રહી શકનાર માણસ માટે ગીતામાં 'સ્થિતપ્રજ્ઞા' (સ્થિર બુદ્ધિવાળો) શબ્દ વપરાયો છે, તો કુરાન તથા અન્ય મુસ્લિમ ધર્મગ્રંથોમાં આવા માણસને 'સલીમ અકલ'વાળો અથવા 'સલીમ કલ્બ'વાળો કહેવાયો છે. જેનું મન (કલ્બ) સ્થિર (સલીમ) છે તેવી વ્યક્તિની કુરાનમાં ઠેર ઠેર પ્રશંસા કરવામાં આવી છે. મહંમદસાહેબ કહે છેઃ "એ જ મનુષ્યનું ભલું થશે જેના અંતરને અલ્લાહે વિશ્વાસ માટે પવિત્ર બનાવ્યું છે. જેના મનને સ્થિર, જેની વાચાને સાચી, જેની ઇન્દ્રિયોને ભરોસાપાત્ર, જેની મનોવૃત્તિઓને અટલ, જેના કાનને સાંભળવાયોગ્ય અને આંખને જોવાલાયક બનાવ્યાં હોય.' (શોબુલ ઈમાન)
આ ધર્મવચનો ઊલટાના વધારે પીડા જન્માવે છે તે મોટી વક્રતા છે. વિશ્વનો વર્તમાન અકલ્પનીય રીતે એટલો સ્ફોટક બની ગયો છે ત્યારે મનમાં ભીતિ પેદા થાય છે કે આખરે સર્વ ધર્મ સમભાવની સંકલ્પના વ્યાવહારિક સ્તરે ક્યાંક સદંતર અપ્રસ્તુત બની ન જાય...

                                               0 0 0 

2 comments:

  1. જોરદાર શિશિરભાઈ. પ્રથમ વાર આ જ્ઞાન મળ્યું. આભાર.

    ReplyDelete