Wednesday, July 29, 2015

ટેક ઓફ : કોઈ આપણને પીડા આપતું હોય ત્યારે સમજવું કે એ પોતે અંદરથી ખૂબ રિબાય છે

Sandesh - Ardh Saprtahik Purti - 29 July 2015

ટેક ઓફ 

અમુક લોકો એવી રીતે જીવતા હોય છે જાણે એ ઓલરેડી મૃત્યુ પામ્યા હોય. આ લોકો કાં તો ભૂતકાળમાં જીવતા હોય છે અથવા ભવિષ્યના ડરથી ફફડતા રહેતા હોય છે. ક્રોધ અને ઈર્ષ્યામાં તેઓ એકધારા સબડયા કરતા હોય છે. આવા લોકો હરતાંફરતાં મડદા જેવા છે. વિખ્યાત બૌદ્ધ ગુરુ થિચ નેત હેનની આ વાણી છે.  આપણાં મનની કેટલીય બારી ઉઘાડી દેવાની એનામાં તાકાત છે.

જે એક ઝેન બૌદ્ધ સાધુના વિચારો મમળાવવા છે. થિચ નેત હેન એમનું નામ. મૂળ એ વિયેતનામના. વર્ષો સુધી પોતાના વતનમાંથી એમને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. નોબલ પારિતોષિક વિજેતા માર્ટિન લ્યુથર કિંગ એમને શાંતિના નોબલ પારિતોષિક માટે નોમિનેટ કરેલા, પણ એ વર્ષે કોઈને આ કેટેગરીમાં નોબલ પ્રાઇઝ નહોતું મળ્યું. ઠીક છે. નોબલ પ્રાઇઝ કે દુનિયાનો કોઈ પણ ખિતાબ સત્ત્વશીલ અને મૂઠી ઊંચેરા માણસને મળે તોય શું ને ન મળે તોય શું. ગાંધીજીને પણ નોબલ પ્રાઇઝ ક્યાં મળ્યું હતું. ગાંધીજી પછી દુનિયામાં શાંતિ અને અમનનો સંદેશો ફેલાવનારાઓમાં થિચ નેત હેન મુખ્ય છે. એમણે સોએક જેટલાં પુસ્તકો લખ્યાં છે, જેની લાખો નકલો દુનિયાભરના દેશોમાં વેચાઈ છે. હાલ એ ૮૯ વર્ષના છે. દક્ષિણ ફ્રાન્સની એક શાંત જગ્યામાં રહે છે. એમની તબિયત બહુ જ નાજુક છે, પણ એમના શબ્દો અને ઉપદેશ એવરગ્રીન છે. આપણા મનની કેટલીય બંધ બારીઓ ખોલી નાખે એવા શક્તિશાળી છે. એમણે ઉચ્ચારેલી અનુભવવાણી આપણે જીવનમાં ઉતારવા જેવી છે. સાંભળો...
'જો તમે કોઈને પ્રેમ કરતા હો અને એને કોઈ સારામાં સારી વસ્તુ ભેટ આપવા માગતા હો તો તે છે તમારો સમય.'
કેટલી મજાની વાત. મા-બાપને, સંતાનને, પતિ કે પત્નીને અને સ્વજનોને આપણો નિર્ભેળ સમય જોઈતો હોય છે, આપણું અટેન્શન જોઈતું હોય છે. પૈસાથી ખરીદી શકાતી ચીજ ગમે તેટલી મોંઘી કેમ ન હોય, તે તમારા સમય અને હાજરી કરતાં વધારે મૂલ્યવાન નથી જ હોવાની. જેના પ્રત્યે લાગણી હોય એની પાસે બેસવું, પ્રેમથી વાતો કરવી, એની સાથે હોઈએ ત્યારે ફક્ત એની સાથે જ રહેવું, મોબાઇલ-ટીવી-કમ્પ્યૂટર બધું દૂર રાખીને સંપૂર્ણ એકાગ્રતાથી અને દિલપૂર્વક એની વાતો સાંભળવી - આના કરતાં વધારે સુંદર બીજું કશું ન હોઈ શકે. ક્યારેક આપણા એકાદ શબ્દ, વાત, સ્પર્શ કે પ્રેમભરી ચેષ્ટાથી સામેની વ્યક્તિની પીડા ઓછી થઈ જતી હોય છે. વાણી, સ્પર્શ અને સ્મિતની તાકાતને ક્યારેય ઓછી ન આંકવી.
'જ્યારે બીજો માણસ આપણને પીડા આપતો હોય ત્યારે સમજવું કે એ પોતે અંદરથી ખૂબ રિબાય છે.'
માણસ જ્યારે અંદરથી ખૂબ પીડાતો હોય, દુઃખી થતો હોય ત્યારે એની આ લાગણી બહાર છલકાઈ જતી હોય છે. આવા માણસને નફરત કે સજાની નહીં, મદદની જરૂર છે. બીજાઓ પર ત્રાસ વર્તાવીને ખરેખર તો એ એવો મેસેજ આપી રહ્યો છે કે હેલ્પ મી, હું ત્રસ્ત છું, દુઃખી છું, મને કોઈ નર્કમાંથી બહાર કાઢો. બહુ મોટી વાત કહી છે બૌદ્ધ ગુરુ થિચ નેત હેને. સામાન્યપણે આપણને પીડા આપનાર વ્યક્તિ પ્રત્યે અભાવ થઈ જતો હોય છે. આપણે એનાથી દૂર થઈ જઈએ છીએ. તક મળતાં જ સામો હુમલો કરવાનું,એને દેખાડી દેવાનું ઝનૂન ચડી જતું હોય છે. આવું ખરેખર ન કરીએ તોય મનોમન 'ઉપરવાળો એને સજા કરશે' એવું ઇચ્છવા લાગીએ છીએ. આવા માણસ પ્રત્યે નફરતને બદલે સહાનુભૂતિ દેખાડવી, તેના અસંતોષનું કારણ જાણી તેને દૂર કરવાની કોશિશ કરવી બહુ જ અઘરું કામ છે. એ માટે પ્રચંડ આંતરિક તાકાત કામે લગાડવી પડે, પણ જો આવું કરી શકીએ તો ચમત્કાર થયો જ સમજો.

'બીજાઓને બ્લેમ કરતા રહેવાથી કશું નહીં વળે.'

ધારો કે તમે ઘરના બગીચામાં ગુલાબનો છોડ વાવ્યો છે, પણ એ બરાબર ઊગ્યો નથી. આ સ્થિતિમાં તમે શું ગુલાબને દોષ દેશો?ના. છોડ વ્યસ્થિત ન ઊગવાનું કારણ એ હોઈ શકે કે એને પૂરતું પાણી મળતું નથી, જરૂરી સૂર્યપ્રકાશ મળતો નથી, માટી છોડના વિકાસને અનુરૂપ નથી વગેરે. આમાં ગુલાબનો પોતાનો વાંક હોતો નથી. આ જ થિયરી સ્વજનો-મિત્રો માટે કેમ લાગુ ન પાડી શકાય? કોઈની સાથે વિખવાદ થાય કે તરત આપણે એના પર દોષારોપણ કરવા માંડીએ છીએ. એનો જ વાંક છે, એને કારણે જ ગરબડ થઈ છે. વિયેતનામી બૌદ્ધ સાધુ કહે છે કે દોષારોપણ, દલીલબાજી કે ઝઘડા કરવાથી ક્યારેય કોઈ પરિણામ મળતું નથી. પરિણામ મળે છે સમજદારી દેખાડવાથી, પ્રેમપૂર્વક વર્તવાથી. ક્રોધ કે નફરત દેખાડવાને બદલે જો પ્રેમ દેખાડીએ તો જ પરિસ્થિતિ બદલાશે. આશા ક્યારેય ન છોડવી. સૌ સારાં વાનાં થશે એવી શ્રદ્ધા હશે તો આજની મુશ્કેલ ઘડી પણ સહ્ય બની જશે.

'મૃતપ્રાય બનીને જીવવાનો શો મતલબ છે?'

થિચ નેત હેન કહે છે કે અમુક લોકો એવી રીતે જીવતા હોય છે જાણે એ ઓલરેડી મૃત્યુ પામ્યા હોય. આ લોકો કાં તો ભૂતકાળમાં જીવતા હોય છે અથવા ભવિષ્યના ડરથી ફફડતા રહેતા હોય છે. ક્રોધ અને ઈર્ષ્યામાં તેઓ એકધારા સબડયા કરતા હોય છે. આવા લોકો હરતાંફરતાં મડદા જેવા છે.
બહુ આકરી વાત કરી છે બૌદ્ધ સાધુએ. તેઓ વર્તમાનની ક્ષણમાં જીવવાની વાત કરે છે. આપણું મન ભૂતકાળ અથવા ભવિષ્ય વિશેના નેગેટિવ વિચારોથી રોકાયેલું રહેશે તો વર્તમાનને જીવી નહીં શકે. અસલામતી, ડર, ક્રોધ, મારાપણું આ બધાંથી મુક્ત થવાની કોશિશ કરવી જોઈએ. કશું બાંધી રાખવાની જરૂર નથી. જે ઘટનાને કારણે બહુ તકલીફ થઈ હતી એની યાદથી આપણે મુક્ત થઈ શકતા નથી. બલકે, આપણે એને મમળાવતા રહીએ છીએ. આમ કરવાથી ઘા ક્યારેય રુઝાતો નથી. ઇલાજ એ છે કે દુઃખદાયી સ્મૃતિઓને પણ જવા દો. જસ્ટ લેટ ગો. હળવા થઈ જાઓ. ઘણી વાર આપણને અજ્ઞાાતનો ભય હોય છે. આ જે કંઈ છે, જેવું છે એને છોડી દઈશું તો નવું કેવું હશે? આ ભયને લીધે માણસ પોતાની જૂની પીડાઓમાં સબડયા કરતો હોય છે. પરિસ્થિતિ ભલે પીડા આપતી હોય, પણ તે કમ સે કમ પરિચિત તો છે! આ એટિટયૂડ હાનિકર્તા છે.
'આપણે બીજાઓ સાથે શાંતિથી તો જ રહી શકીએ, જ્યારે આપણે ખુદ આંતરિક શાંતિનો અનુભવ કરતા હોઈએ.'
 અશાંત મન અશાંત વર્તનને જન્મ આપે છે. સૌથી પહેલાં તો આપણે ખુદ ભીતરથી શાંત બનવાનું છે. જ્યાં સુધી અંદરનો ઉકળાટ દૂર નહીં કરીએ ત્યાં સુધી બીજાઓ પાસેથી કશાયની અપેક્ષા રાખવી નકામી છે. સુખ કેવળ શાંતિના પાયા પર ઊભું રહી શકે. ઘણાં લોકો ઉત્તેજનાને સુખ ગણી લે છે, જે ખોટું છે. મન ઉત્તેજિત હોય છે ત્યારે આપણે શાંતિ અનુભવતા નથી. જો શાંતિ હોય તો અને તો જ સુખ સંભવી શકે. વ્યક્તિગત અશાંતિનો સરવાળો વ્યાપક અંધાધૂંધીને જન્મ આપે છે. શું દુનિયામાં યુદ્ધો ન થાય, જીવલેણ અસ્ત્ર-શસ્ત્રોનું પ્રોડક્શન બંધ થઈ જાય તો સર્વત્ર શાંતિ સ્થાપાઈ જાય? થિચ નેત હેન કહે છે કે, ના. દુનિયામાં હાલ જેટલા બોમ્બ, દારૂગોળા, બંદૂક વગેરે છે એ સઘળાને ભેગાં કરીને બીજા ગ્રહમાં એક્સપોર્ટ કરી દઈએ તોપણ પૃથ્વી પર હંમેશ માટે શાંતિ સ્થપાવાની નથી, કેમ કે આ હથિયારોનાં મૂળ માણસનાં મન-હૃદયમાં દટાયેલાં છે. વહેલો મોડો માણસ નવા બોમ્બ બનાવશે જ. આથી સૌથી પહેલાં તો આપણાં દિલમાં વેરઝેર અને હિંસાના, ફ્રસ્ટ્રેશન અને ક્રોધના જે છોડ ઊગી નીકળ્યા છે એને જડમૂડમાંથી ઉખાડી નાખવા પડશે. તો જ આવનારી પેઢીઓને આપણે શાંતિ અને સલામતી વારસામાં આપી શકીશું. જ્યાં સુધી જુદા જુદા ધર્મો વચ્ચે શાંતિ નહીં સ્થપાય ત્યાં સુધી દુનિયામાં શાંતિની અપેક્ષા રાખવી નકામી છે. જરૂર છે કમ્પેશન એટલે કે કરુણા અથવા સમસંવેદનની. કમ્પેશન એટલે સામેના માણસની પીડા સમજવાની કોશિશ કરવી તે. બહુ મૂલ્યવાન ગુણ છે આ. તે કેળવવો પડશે.
'આપણા પ્રત્યેક વિચાર, વર્તન અને શબ્દમાં આપણા વ્યક્તિત્વની છાપ અંકિત થયેલી હોય છે.'
તેથી ફક્ત બોલતી વખતે જ નહીં, વિચારતી વખતે પણ બહુ જ સંભાળવું. નેગેટિવ વિચારો ક્યાંક ને ક્યાંક પોતાની છાપ છોડી જતા હોય છે. અવિચારીપણે જીવવાનું તો નથી જ, અનિયંત્રિતપણે વિચારવું પણ નથી. આપણને થાય કે આપણે ક્યાં કશું આડુંઅવળું કર્યું, આ તો જસ્ટ મનના વિચારો હતા, પણ આ 'જસ્ટ વિચારો' ક્યારેક કોઈ નબળી ક્ષણે અત્યંત કદરૂપી રીતે વર્તનમાં ઊતરી આવતા હોય છે.
0 0 0 

2 comments:

  1. સંપૂર્ણ રીતે સહમત છું અને સાથે એ વાત પણ ક્બૂલ કે આ પ્રકારનો લેખ એક સતસંગની ગરજ સારે છે!

    ReplyDelete
  2. સરસ ! વિચાર પર ઓશોનું એક મંતવ્ય યાદ આવી ગયું તેઓ કહેતા કે હમેશા સારા ઉત્તમ વિચાર જ કરો તેનો અમલ નહિ કરો તોપણ તે રચનાત્મક બનવાની શક્યતા છે કદાપી ખરાબ વિચાર કરશો નહિ,તમે ખૂન કરવાનો કે આત્મહત્યા કરવાનો વિચાર માત્ર કરશો,તેનો કોઈ અમલ નહિ કરો તોપણ તે વિચાર વાતાવરણમાં ફેલાઈ જશે કોઈ અન્યનું મગજ ઝીલી લેશે અને અમલ કરશે,તમે દાન કરવાનો કે એક વ્રુક્ષ ઉછેરવાનો વિચાર જ કરશો તો કોઈ જગા પર કોઈ અજાણ્યો તેનો અમલ કરશે !
    બ્રહ્માંડને ઉત્તમ વિચારથી ભરો,નેગેટીવ વિચાર કદાપી ન કરશો !

    ReplyDelete