Wednesday, June 24, 2015

ટેક ઓફ : તમે છેલ્લે ક્યારે દોડયા હતા?

Sandesh - Ardh Sanskar Purti - 24 June 2015

ટેક ઓફ 

"ઓશો જેને 'નો-માઇન્ડકહે છે તે અવસ્થાએ પહોંચવા માટે કેટલાક લોકો ધ્યાન ધરે છે. મને આવી ક્ષણો દોડતી વખતે પ્રાપ્ત થાય છે. મારા માટે દોડવું તે કોઈ મંજિલ સુધી પહોંચવાની પ્રક્રિયા નથી. મારા માટે દોડવું એ જ મંજિલ છે. મને દોડવું ગમે છેકેમ કે જ્યારે હું દોડંુ છું ત્યારે બીજું કશું જ કરતો હોતો નથી. હું માત્ર 'હોઉંછું."

હા, તો તમે છેલ્લે ક્યારે દોડયા હતા, કહો તો? છૂટી રહેલી ટ્રેનને પકડવા માટે પ્લેટફોર્મ પર સામાન સહિત એક વાર દોટ લગાવવી પડી હતી તેની વાત આપણે નથી કરતા. બાથરૂમમાં એકાએક ગરોળી જોતાં જ હાંફળાફાંફળા થઈને તમે બાથરૂમની બહાર હડી કાઢી હતી એનીય વાત નથી કરતા. સપાટ મેદાન પર પ્રોપર રનિંગ શૂઝ પહેરીને રીતસર છેલ્લે ક્યારે દોડયા હતા તમે? આઠમા ધોરણમાં ભણતા હતા ત્યારે? એક જમાનામાં મહોલ્લાના છોકરાઓ સાથે ક્રિકેટ રમવાનું બહુ થતું હતું ત્યારે? માણસની ઉંમર વધતી જાય છે તેમ તેમ તે દોડવાનું ભૂલતો જાય છે. દોડવાનું શું, ચાલવા માટે પણ સવારે બબ્બે એલાર્મ મૂકવાં પડે છે. જોશમાં ને જોશમાં આપણે ટ્રેક પેન્ટ ચડાવીને જોગર્સ પાર્કમાં ચાલવાનું શરૂ તો કરીએ છીએ પણ થોડા દિવસમાં પાછા એવા ને એવા. આપણને આરંભે શૂરા અમસ્તા નથી કહેતા.
પણ છેલ્લાં ત્રણેક અઠવાડિયાંથી ભારત સહિત દુનિયાભરના અમુક દોડવીરો ગજબના નશામાં જીવી રહ્યા છે. આ એ દોડવીરો છે જેમણે મે મહિનાના અંતિમ દિવસે પૃથ્વી પરની સૌથી કઠિન ગણાતી મેરેથોન દોડ નિશ્ચિત સમયમાં પૂરી કરી છે. સામાન્યપણે આપણે જેને મેરેથોન કહીએ છીએ તે ૪૨.૧૯૫ કિલોમીટરની હોય છે. હાફ મેરેથોનમાં ૨૧.૦૯૭૫ કિલોમીટરનું અંતર કાપવાનું હોય છે, પણ કોમરેડ્સ મેરેથોન તરીકે ઓળખાતી આ દોડનું ડિસ્ટન્સ છે, ૮૭.૭ કિલોમીટર! તુલના માટે સાંભળી લો કે રાજકોટથી જામનગર વચ્ચેનું અંતર ૯૦.૩ કિલોમીટર છે. દર વર્ષે દક્ષિણ આફ્રિકામાં ડરબનથી પીટરમેટિત્ઝબર્ગ વચ્ચે કોમરેડ્સ મેરેથોન યોજાય છે. સવારે સાડાપાંચે તે શરૂ થાય. સાંજના સાડાપાંચ પહેલાં એટલે કે વધુમાં વધુ બાર કલાકમાં તમારે અંતિમ હદરેખા સુધી પહોંચી જવું પડે. આ મેરેથોન નથી, અલ્ટ્રામેરેથોન છે! ભયાનક શિસ્ત સાથે વર્ષો સુધી તૈયારી કરી હોય તો જ અલ્ટ્રામેરેથોનમાં સફળ થઈ શકાય છે. આ ફક્ત શરીરનો ખેલ નથી, પ્રચંડ આંતરિક તાકાતની જરૂર પડે છે આમાં.
Amit Sheth and Neepa Sheth

આ વખતે ૯૦મી કોમરેડ્સ અલ્ટ્રામેરેથોનમાં દુનિયાભરના દેશોમાંથી ૨૩,૦૦૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ભારતમાંથી ૬૫ ઉત્સાહી દોડવીરો અને વીરાંગનાઓ થનગન થનગન થતાં દક્ષિણ આફ્રિકા પહોંચી ગયાં હતાં. કોમરેડ્સ અલ્ટ્રામેરેથોનમાં ભારતીય સ્પધર્કોની સંખ્યા દર વર્ષે વધતી જાય છે. મુંબઈ મેરેથોન પછી ભારતના બીજાં શહેરોમાં પણ ક્રમશઃ મેરેેથોન લોકપ્રિય બની રહી છે તે સારી નિશાની છે. મુંબઈના ગુજરાતી અમીત શેઠ ૨૦૦૯થી દર વર્ષે સતત કોમરેડ્સ મેરેથોનમાં ભાગ લે છે. કોમરેડ્સ મેરેથોન અસોસિયેશને એમને આ ઇવેન્ટના ઇન્ડિયન એમ્બેસેડર ઘોષિત કર્યા છે. એમનાં પત્ની નીપા પણ એટલાં જ કાબેલ રનર છે. કોમરેડ્સ મેરેથોન પૂરી કરનાર પ્રથમ ભારતીય મહિલા તરીકે તેમનું નામ બોલે છે. મુંબઈના જ સતીશ ગુજરાને પાંચ વખત આ અલ્ટ્રામેરેથોનમાં ભાગ લીધો છે. ભારતના દોડવીરોમાંથી સૌથી વધારે બ્રોન્ઝ મેડલ એમણે મેળવ્યા છે. ગયા વર્ષે બેંગલોરના અશોક નાથ ફક્ત ૮ કલાક ૪૩ મિનિટ લઈને સૌથી ઓછા સમયમાં કોમરેડ્સ અલ્ટ્રામેરેથોન પૂરી કરનાર ભારતીય બન્યા હતા. એવું ન માનતા કે સતીશ ગુજરાન અને અશોક નાથ વીસ-બાવીસ વર્ષના તરવરિયા યુવાન હશે. આ બન્ને પચાસ વર્ષ વટાવી ચૂક્યા છે! કોમરેડ્સ અલ્ટ્રામેરેથોનમાં ભાગ લેનાર સૌથી યુવાન ભારતીય તરીકે ચેન્નાઈના ૨૭ વર્ષીય અરવિંદ કુમારનું નામ બોલે છે. અશોક નાથનો આ વખતનો સ્કોર છે, ૮ કલાક, ૫૪ મિનિટ ૧ સેકન્ડ. ભારતીય જૂથમાં બીજા નંબરે રશ્મિ મોહંતી નામનાં મહિલા આવ્યાં - ૮ કલાક, ૫૪ મિનિટ, ૫ સેકન્ડ! તમામ સ્પર્ધકોમાં સૌથી ઓછો સમય લઈને પહેલા નંબરે ગિફ્ટ કેલેહે નામના સાઉથ આફ્રિકને રેસ પૂરી કરી. સમય? ૫ કલાક, ૩૮ મિનિટ, ૩૬ સેકન્ડ! સર્વપ્રથમ આવનાર મહિલાનો સ્કોર છે, કેરોલાઇન વોડ્સમેન. સમય? ૬ કલાક, ૧૨ મિનિટ, ૨૨ સેકન્ડ, ફક્ત! આ વખતના ઇન્ડિયન રનર્સના લિસ્ટમાં ભાવિન ગાંધી, દર્શન પારેખ,પ્રતીક દેસાઈ, વિપુલ શાહ અને કલ્પેશ પટેલ જેવાં અન્ય ગુજરાતી નામો પણ દેખાય છે.

મેરેથોન દોડવા માટે નાનપણથી જ રનર હોવું જરૂરી નથી. અમીત શેઠે છેક ૩૮ વર્ષની ઉંમરે દોડવાની શરૂઆત કરી હતી. આજે એમને અને એમનાં પત્નીને ભારતની મેરેથોન સર્કિટમાં આદરપૂર્વક જોવાય છે. અમીત શેઠે થોડાં વર્ષ પહેલાં કોમરેડ્સ અલ્ટ્રામેરેથોનમાં મળેલી સફળતા અને નિષ્ફળતા બન્નેને વર્ણવતું 'ડેર ટુ રન' નામનું અફલાતૂન પુસ્તક લખ્યું હતું, જે બેસ્ટસેલર પુરવાર થયું છે. અમીત શેેઠે આ વર્ષની કોમરેડ્સ મેરેથોન માટે ગયા સપ્ટેમ્બરથી સખત તૈયારી શરૂ કરી દીધી હતી. પિતાજીનું મૃત્યુ થયું ન હોત તો આ તૈયારી ઔર બે-ત્રણ મહિના વહેલાં શરૂ કરી દીધી હોત. સપ્ટેમ્બરના પ્રારંભથી એપ્રિલના અંત સુધી રોજના સરેરાશ ૩૪ કિલોમીટર જેટલું દોડયા. દોડવાની પ્રેક્ટિસ ન હોય એવા લોકો ફક્ત ૨૦૦ મીટર નોનસ્ટોપ દોડી જુએ. હાંફી હાંફીને અડધા થઈ જવાશે અને આ માણસ રોજના ૩૪ કિલોમીટર કઈ રીતે દોડી શકતો હશે એ કલ્પના કરી કરીને માથું ભમી જશે.
માણસે શું કામ આટલી બધી મહેતન કરવી જોઈએ? જીવ ખેંચી લે એવી કઠોર મેરેથોનોમાં લાખો રૂપિયા ખર્ચીને શું કામ ભાગ લેવો જોઈએ? એનાથી શું મળે? વેલ, ચાલવાના અને દોડવાના શારીરિક ફાયદા તો અપાર છે, પણ અમીત શેઠનો જવાબ સાંભળવા જેવો છેઃ "હું ઓશો જેને 'નો-માઇન્ડ' કહે છે તે અવસ્થાની શોધમાં છું. આ અવસ્થા એટલે વિચારોથી સંપૂર્ણપણે મુક્ત હોય એવી અવસ્થા. જેમાં તમે આગળપાછળનું સઘળું ભૂલીને કેવળ વર્તમાનમાં હો એવી સ્થિતિ. મારે માત્ર 'હોવું' છે. વિચારોને ઠાલવી નાખવા છે. આ પ્રકારની અવસ્થાએ પહોંચવા માટે કેટલાક લોકો ધ્યાન ધરે છે. મને આવી ક્ષણો દોડતી વખતે પ્રાપ્ત થાય છે. દોડતો હોઉં તે દરમિયાન અચાનક જ પેલી જાદુઈ ક્ષણ આવે ને મારામાં સભાનતા જાગે કે હું કશું વિચારી રહ્યો નથી, અનુભવી રહ્યો નથી. એવું લાગે કે જાણે હું મારી જાતમાંથી બહાર નીકળીને ખુદને નિહાળી રહ્યો છું. જાણે કે હું માત્ર 'છું'. વિચારમુક્ત, શૂન્ય... અને મારી જાતને સાક્ષીભાવેે દોડતો જોઈ રહ્યો છું. પ્યોર કોન્શિયસનેસ! નિર્ભેળ સુખની આવી ક્ષણો જોકે બહુ ઓછી આવતી હોય છે. તે થોડી સેકન્ડો તો માંડ ટકે, પણ એક વાર એનો સ્વાદ ચાખી લીધા પછી અવારનવાર એની પ્રતીતિ કરવાનું મન થાય. મજાની વાત એ છે કે આવી પળ ત્યારે જ આવતી હોય છે જ્યારે હું સભાનતાપૂર્વક એની રાહ ન જોતો હોઉં. આમ, મારા માટે દોડવું તે કોઈ મંજિલ સુધી પહોંચવાની પ્રક્રિયા નથી. મારા માટે દોડવું એ જ મંજિલ છે. મને દોડવું ગમે છે, કેમ કે જ્યારે હું દોડંુ છું ત્યારે બીજું કશું જ કરતો હોતો નથી. હું માત્ર 'હોઉં' છું."
તો, દોડવું એ મેડિટેશનનો પ્રકાર હોઈ શકે છે. દોડવું એક આધ્યાત્મિક પ્રક્રિયા બની શકે છે! અલ્ટ્રામેરેથોન જ શા માટે, ૨૧ કિલોમીટરની સાદી હાફ મેરેથોનમાં ફિનિશ લાઇન પર પગ મૂકતી વખતે જે આત્મસંતોષની લાગણી થાય છે તે પણ અવર્ણનીય હોય છે. અમીત શેઠ અને અન્ય મેરેથોન-રનર્સના પુસ્તક કે બ્લોગ વાંચવાથી જો ગજબનો પાનો ચડી જતો હોય તો કલ્પના કરો કે ખરેખરી હાફ કે ફુલ મેરેથોન પૂરી કરનારને કેવી અદ્ભુત અનુભૂતિ થતી હશે.
Ashok Nath

મેેરેથોનના નામથી ગભરાઈ જવાની સહેજે જરૂર નથી. અગાઉ કહ્યું તેમ, નાનપણથી જ સ્પોર્ટ્સમાં 'આગળ પડતા' હોય એ લોકો જ મેરેથોનમાં ભાગ લેવાની હિંમત કરી શકે છે તેવું માનવાની જરાય જરૂર નથી. આ લખનારે પોતાના જેવો નોન-સ્પોર્ટી માણસ બીજો એકેય જોયો નથી અને છતાંય એણે ૨૧ કિલોમીટરની ચાર-ચાર હાફ મેરેથોન સફળતાપૂર્વક પૂરી કરી છે. આ લખનાર એવું ચોક્કસપણે માને છે કે એના જેવો એક સમયે સો ડગલાં ચાલવાની પણ હિંમત ન કરતો માણસ મન મક્કમ કરી નાખે અને પાંચ-છ મહિનાની સિન્સિયર ટ્રેનિંગ બાદ હાફ મેરેથોન પૂરી કરી શકે તો દુનિયાનો કોઈ પણ માણસ આ કામ કરી શકે છે. તમે તો સો ટકા કરી જ શકો તેમ છો. ટ્રાય કરી જુઓ!

0 0 0 

3 comments:

 1. Forrest Gump ની ત્રિ વર્ષીય મેરેથોન અને ઉડતા શીખ મીલ્ખાની 'ભાગ મિલ્ખા ભાગ'જોઇને વગર દોડે થાક લાગ્યો હતો!
  આજે તમારો આ બ્લોગ વાચતા તેવી જ થકાણ અનુભવી પણ છેવટે નિર્ણય કર્યો કે હવે સવારે ચાલવા જવાનું બંધ કરીને ફક્ત દોડવા જ જવાનું,દોડી શકાય તેટલું દોડવાનું રોજ થોડું થોડું વધારવાનું !!
  ચાલે તેનું નસીબ ચાલે,દોડે તેનું કિસ્મત દોડે,ઉડે તેનું ભાગ્ય ઉડે !( ઉડવા જેટલા નાણાં નથી માટે મોકૂફ )

  ReplyDelete
 2. Thanks for such a wonderful article sir.Congo for completing half marathon 4 times. well i have been dreaming to run marathon once in a life. but as u rightly said me also among those આરંભે શૂરા   however your article is igniting my spirit once again, I am gonna buy 'Dare to Run'. and will run marathon soon...

  ReplyDelete
  Replies
  1. Thanks Mehul. Yes, you must take part in next half marathon and for that, you have to start training yourself from today. Go for it... and do share your experience with me once you accomplish the feat!

   Delete