Tuesday, June 16, 2015

ટેક ઓફ : સુખી થવું શું ખરેખર એટલું બધું અઘરું છે?

Sandesh - Ardh-saptahik Purti - 17 June 2015

ટેક ઓફ 

નરેન્દ્ર મોદી હોય કે બરાક ઓબામા હોય કે આપણાં ઘરમાં કામ કરવા આવતી બાઈ હોયદુનિયામાં કોઈનંું જીવન પરફેક્ટ હોતું નથી. સૌને પોતપોતાનાં દુઃખો અને પડકારો હોવાનાંફ્રસ્ટ્રેશન અને અપેક્ષાભંગની પીડા હોવાની. આપણે સૌ જાણીએ છીએ કે હંમેશાં પોઝિટિવ રહેવું જોઈએપણ સો મણનો સવાલ આ છે : કેવી રીતે?


પણે સૌ જાણીએ છીએ કે હંમેશાં પોઝિટિવ રહેવું જોઈએ, હકારાત્મક વિચારો કરવા જોઈએ અને નેગેટિવ થિંકિંગથી દૂર રહેવું જોઈએ. આવું બધું પોતાની જાતને અને બીજાઓને કહેવું સહેલું છે, પણ સો મણનો સવાલ આ છેઃ કેવી રીતે? પોઝિટિવ રહેવાની કોઈ ગોળી તો માર્કેટમાં મળતી નથી કે પટ્ કરતી પી લીધી ને બની ગયા પોઝિટિવ. મન માંકડું કૂદાકૂદ કરતું જ રહેવાનું. આપણો મૂડ બદલાયા જ કરવાનો.
મૂળ ભારતીય પણ અમેરિકા સ્થાયી થયેલા અને દુનિયાભરમાં ન્યૂ-એજ ગુરુ તરીકે વિખ્યાત બનેલા દીપક ચોપડા સરસ વાત કરે છે કે આપણને પોઝિટિવિટી કરતાં રિઆલિટીની વધારે જરૂર છે. આધ્યાત્મિકતા અને જીવન જીવવાની કળા સંબંધિત કેટલાંય પુસ્તકો લખનારા દીપક ચોપડા સફળ મોટિવેશનલ સ્પીકર છે. તેઓ કહે છે કે મનને બળજબરીથી પોઝિટિવ બનાવવાના ધમપછાડામાં માણસ ક્યારેક પરફેક્ટ જીવન વિશેની પલાયનવાદી કલ્પનાઓમાં રાચતો થઈ જાય છે. સચ્ચાઈ તો એ હોય કે નરેન્દ્ર મોદી હોય કે બરાક ઓબામા હોય કે આપણાં ઘરમાં કામ કરવા આવતી બાઈ હોય, દુનિયામાં કોઈનંું જીવન પરફેક્ટ હોતું નથી. સૌને પોતપોતાનાં દુઃખો અને પડકારો હોવાનાં, ફ્રસ્ટ્રેશન અને અપેક્ષાભંગની પીડા હોવાની.
દુઃખ પેદા કરતી પરિસ્થિતિથી ધ્યાન હટાવવા આપણે ક્યારેક ખૂબ ટીવી જોવા લાગીએ છીએ, ફેસબુક કે ઇન્ટરનેટ પર કલાકોના કલાકો પસાર કરીએ છીએ. એવી રીતે વર્તીએ છીએ જાણે આપણને કોઈ દુઃખ છે જ નહીં. કદાચ મનોમન આપણને અપેક્ષા હોય છે કે આ રીતે બિઝી રહેવાથી આપણું દુઃખ પસાર થઈ જશે. વાસ્તવિકતા એ છે કે આ પ્રકારનો વર્તાવ સચ્ચાઈને નકારવાની ચેષ્ટા હોય છે, બીજું કશું નહીં.
રિઆલિસ્ટિક બનવું એટલે આ જ : સચ્ચાઈને નકારવાની ચેષ્ટા ન કરવી. પરિસ્થિતિ પર, ખુદના વેરવિખેર થઈ ગયેલા માનસિક વાતાવરણ પર કાબૂ તો મેળવવો જ પડે. કેવી રીતે? દીપક ચોપડા કહે છે કે સૌથી પહેલાં તો તમારું દુઃખ યા ઉદાસી કયા પ્રકારની છે તે જાણી લેવું જરૂરી છે. માનસિક પીડા સામાન્યપણે ત્રણ વિભાગોમાં વહેંચી શકાય.
એક તો છે શોર્ટ-ટર્મ સેડનેસ. શોર્ટ એટલે કેટલી શોર્ટ? વધુમાં વધુ એક વીક. આ ચાર-પાંચ-સાત દિવસ દરમિયાન આપણો મૂડ ઊખડેલો રહે છે. મૂડમાં ન હોવાનું નક્કર કારણ હોય પણ ખરું, ન પણ હોય. મોટેભાગે શોર્ટ-ટર્મ સેડનેસનાં કારણો આ હોય છેઃ કંટાળો, અપૂરતી નિદ્રા, બેઠાડુ જીવન અને કામનો વધારે પડતો બોજ. શોર્ટ-ટર્મ સેડનેસ દૂર કરવા શું કરવું? ઉપાય સાવ સાદો છે. વહેલા સૂઈ જવું, કમ સે કમ આઠ કલાકની લાકડા જેવી કડક અને એકધારી ઊંઘ કરવી, એક્સરસાઇઝ-જોગિંગ-વોકિંગ-જિમિંગ વગેરેમાંથી જે ફાવે તે અચૂક કરવું અને રોજનું જે રૂટિન હોય તેમાં ફેરફાર કરવો. આટલું કરીશું એટલે કામચલાઉ ઉદાસી આપોઆપ વિખેરાઈ જશે અને મૂડ ઠીક થઈ જશે.

માનસિક પીડાનો બીજો પ્રકાર છે, ટ્રિગર્ડ સેડનેસ. સ્વજનનું મૃત્યુ થવું, નોકરી ચાલી જવી, વિશ્વાસઘાત થવો, ગાઢ સંબંધ તૂટવો વગેરે પ્રકારની ગંભીર ઘટના બને ત્યારે માણસ દુઃખી દુઃખી થઈ જતો હોય છે. આ પ્રકારની સેડનેસમાં આશ્વાસન લેવા જેટલું એટલું જ છે કે માણસને પોતાના દુઃખના ટ્રિગરની એટલે કે કારણની ખબર હોય છે. આ પ્રકારની પરિસ્થિતિમાં પીડા સાથે કામ લેવું પડે, એની પ્રોસેસ કરવી પડે. કેવી રીતે? બીજાઓ સાથે વાત કરીને, પોતાનું દુઃખ વિશ્વાસુ વ્યક્તિઓ સાથે વહેંચીને. આ રીતે છાતી પરથી ભાર હળવો થશે. તમને આશ્વાસનના કે સલાહના સારા શબ્દો સાંભળવા મળશે. જીવનમાં કશીક ગંભીર અને પીડાદાયી ઘટના બને ત્યારે લાગણીઓને રૃંધી નહીં રાખવાની, બલ્કે લાગણીઓને વહેવા દેવાની. 'અરેરે, બધું ખતમ થઈ ગયું... મારી તો લાઇફ બરબાદ થઈ ગઈ' પ્રકારના વિચારો પણ નહીં કરવાના. તમે બીજાઓનાં ખરાબ વર્તનના કે પરિસ્થિતિના શિકાર બની ગયા છો એવું વિચાર્યા કરશો તો એનાથી હકીકતમાં કશો ફરક નહીં પડે. આ પ્રકારની માનસિક પીડા (ટ્રિગર્ડ સેડનેસ) વધુમાં વધુ છએક મહિના ચાલે છે. સચ્ચાઈનો સ્વીકાર કરી લેવાથી પછી નવી પરિસ્થિતિમાં ગોઠવાઈ જવાતું હોય છે.
દુઃખનો ત્રીજો પ્રકાર છે, ડિપ્રેશન. આના વિશે આપણે બે અઠવાડિયાં પહેલાં જ આ કોલમમાં વિગતે વાત કરી હતી એટલે અત્યારે ફક્ત એટલું જ પુનરાવર્તન કરવાનું કે જો સમજાય નહીં એવી તીવ્ર ઉદાસી રહેતી હોય, થાકેલાં થાકેલાં રહેતા હો, અસહાયતા અને લાચારી ફીલ થતી હોય, બરાબર ઊંઘ આવતી ન હોય, ખવાતું ન હોય, સેક્સમાંથી આનંદ મળતો ન હોય અને આ બધાં લક્ષણો લાંબા સમયગાળા સુધી દૂર થવાનું નામ ન લેતાં હોય તો સમજવાનું કે તમે સંભવતઃ ડિપ્રેશનના શિકાર બની ગયા છો. ક્યારેક આપણે ડિપ્રેશનના મૂળ કારણ વિશે જાણતા હોઈએ છીએ અને તેને દૂર કરી શકાતું હોય છે, પણ જો ડિપ્રેશનનું સ્પષ્ટ કારણ જ સમજાતું ન હોય અથવા ડિપ્રેશનમાંથી બહાર આવી શકાતું ન હોય તો વહેલી તકે માનસ ચિકિત્સકની મદદ લેવી. તમારા કોઈ મિત્ર-સ્વજનમાં ડિપ્રેશનનાં લક્ષણો દેખાતાં હોય તો એને પણ ડોક્ટર પાસે લઈ જવાં.
મૂળ વાત ચાલતી હતી સુખની, પોઝિટિવિટીની, વાસ્તવિકતાના સ્વીકારની. જો પહેલા બે પ્રકારની માનસિક પીડા હોય (શોર્ટ-ટર્મ સેડનેસ અને ટ્રિગર્ડ સેડનેસ), તો પરિસ્થિતિ બદલાઈ શકે છે. 'દુઃખનો જો કોઈ બેસ્ટ ઉપાય હોય તો તે છે સુખ!' દીપક ચોપડા કહે છે, 'આપણે સૌ સુખી થવા માટે, આનંદમાં રહેવા માટે સક્ષમ છીએ. સૌથી પહેલાં તો તમારી આ ક્ષમતા સામે અવરોધ ઊભા કરતી પરિસ્થિતિઓને દૂર કરો. આનંદને, ખુશાલીને પોસ્ટપોન કરવાની જરૂર નથી. બીજાઓ તમને ખુશ કરશે એવી અપેક્ષા રાખવાની જ નહીં. આપણે જાતે જ આપણા સુખનો માર્ગ શોધી લેવાનો છે. નવા અનુભવોથી ડરો નહીં. ભૂતકાળને ચૂંથ્યા ન કરો,ભવિષ્યની કલ્પનાઓમાં રાચ્યા ન કરો. વર્તમાન પર ફોકસ કરો. અને હા, એક વાત ધ્યાનપૂર્વક સમજી લો. સુખ અને ક્ષણિક આનંદ આ બન્ને તદ્દન જુદી વસ્તુઓ છે. આપણને સુખી થવામાં વધારે રસ હોવો જોઈએ, ક્ષણિક આનંદ પામવામાં નહીં.'

અલબત્ત, ક્ષણિક યા તો ટૂંકા ગાળાનો આનંદ કંઈ ખરાબ વસ્તુ નથી. આપણને પાણીપૂરી ખાવામાં જલસા પડતા હોય તો જરૂર ખાવાની. (પણ લિમિટમાં, હં!) મલ્ટિપ્લેક્સમાં જઈને 'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ' જોવામાં આનંદ આવતો હોય તો ચોક્કસ એમ કરવાનું. નુકસાન ન કરતી હોય તેવી આનંદદાયક પ્રવૃત્તિઓનો વિરોધ હોઈ શકે જ નહીં, પણ આપણું લક્ષ્ય આના કરતાં ઘણું મોટું હોવું જોઈએ. આપણે આપણું આંતરિક વાતાવરણ આનંદમય રહે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવાનું છે. એવું વાતાવરણ,જેનાં પર બાહ્ય પરિબળોની કે દુઃખ પેદા કરતાં કારણોની અસર થતી ન હોય. આપણી ભીતર એક પ્રકારની તટસ્થતા, નિસ્પૃહતા,એક નક્કર સ્થિરતા એકધારી જળવાઈ રહેતી હોય. બહુ અઘરું છે આ સ્થિતિ પર પહોંચવાનું, પણ આપણે કમ સે કમ કોશિશ તો કરી જ શકીએ. આ લક્ષ્ય સુધી પહોંચતો રસ્તો પણ ચોક્કસપણે સંતોષકારક સાબિત થવાનો.
સુખ એ મૂડ નથી. સુખ ઘણી મોટી, વધારે વ્યાપક વસ્તુ છે. લાગણીના સ્તરે સ્વસ્થતા-સમૃદ્ધિ, સહજ આનંદ, ઊંડો આત્મસંતોષ અને માનસિક શાંતિ - આ બધાનો સરવાળો કરીએ ત્યારે સુખ બને! તે કેવી રીતે હાંસલ થાય? પોતાની અને બીજાઓની દરકાર કરીને, કદર કરીને, જેમાંથી સૌથી વધારે આનંદ મળતો હોય તે કામ ભરપૂર પેશન સાથે કરીને, લાંબા ગાળાનાં ધ્યેય નિશ્ચિત કરીને, પૂરેપૂરી નિષ્ઠા અને મહેનતથી તે હાંસલ કરવાના પ્રયત્નો કરીને, વિશાળ દિલના અને વિશાળ મનના બનીને,ભૂતકાળમાંથી શીખવા જેટલું શીખીને અતીતને પાછળ મૂકી દઈને, સહેજે અસલામતી-ભય-ઉકળાટ અનુભવ્યા વિના શાંતચિત્તે ભવિષ્યનું પ્લાનિંગ કરીને તેમજ સ્વજનો-મિત્રો સાથેના સંબંધોને વધુ ને વધુ અર્થપૂર્ણ બનાવીને!
આપણે ધારીએ અને દિલથી પ્રયત્નો કરીએ તો સુખી થઈ શકીએ છીએ એવું તમને પણ નથી લાગતું?
0 0 0 

No comments:

Post a Comment