Saturday, April 18, 2015

મલ્ટિપ્લેક્સ : કજરા મહોબ્બતવાલા

Sandesh - Sanskar Purti - 19 April 2015 
મલ્ટિપ્લેક્સ
શમશાદ બેગમ એટલે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં સાવ શરૂઆતના પ્લેબેક સિંગર્સમાંનાં એક. શમશાદ એ જમાનાનાં ગાયિકા હતાં હતાં જ્યારે 'પ્લેબેક સિંગર' એવો શબ્દપ્રયોગ બન્યો પણ ન હતો અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને હજુ 'બોલિવૂડ' બનવાની દાયકાઓની વાર હતી. શમશાદ એટલે એ ગાયિકા જેની શૈલીમાં ગાવા માટે લતા મંગેશકર અને આશા ભોંસલેને સૂચના આપવામાં આવતી હતી!

જનો દિવસ શમશાદ બેગમની જન્મતિથિ અને પુણ્યતિથિની બિલકુલ મધ્યમાં છે. ૧૪ એપ્રિલ ૧૯૧૯ના રોજ આ સુપર સિંગરનો જન્મ થયો હતો અને ૨૩ એપ્રિલ, ૨૦૧૩ના રોજ મૃત્યુ. શમશાદ બેગમ એટલે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં સાવ શરૂઆતના પ્લેબેક સિંગર્સમાંનાં એક. શમશાદ એ જમાનાનાં ગાયિકા હતાં હતાં જ્યારે 'પ્લેબેક સિંગર' એવો શબ્દપ્રયોગ બન્યો પણ ન હતો અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને હજુ 'બોલિવૂડ' બનવાની દાયકાઓની વાર હતી. શમશાદ એટલે એ ગાયિકા જેની શૈલીમાં ગાવા માટે લતા મંગેશકર અને આશા ભોંસલેને સૂચના આપવામાં આવતી હતી! શમશાદ એટલે એ ગાયિકા જેનાં ગીતો સમયની કસોટી પર અડીખમ રહી શક્યાં છે અને લોકો આજે પણ મસ્તીપૂર્વક એને માણે છે. ક્યાં ગીતો? ચંદ નમૂનાઃ
1956માં આવેલી ફિલ્મ 'સીઆઈડી'નાં ઓ.પી. નય્યરે કંપોઝ કરેલાં આ ત્રણેય ગાયન - 'લે કે પહલા પહલા પ્યાર ભર કે આંખો મેં ખુમાર જાદુનગરી સે આયા હૈ કોઈ જાદુગર', 'કહીં પે નિગાહેં કહી પે નિશાના... જીને દો જાલિમ બનાઓ ના દીવાના' અને 'બૂજ મેરા ક્યા નામ રે, નદી કિનારે ગાંવ રે, પીપલ ઝુમે મોરે અંગના ઠંડી ઠંડી છાંવ રે'. પછી આ- 'કજરા મહોબ્બતવાલા અખિયોં મેં ઐસા ડાલા, કજરે ને લે લી મેરી જાન, હાય રે મૈં તેરે કુરબાન' (ફિલ્મઃ કિસ્મત, વર્ષઃ ૧૯૬૮, સંગીતઃ ઓ.પી. નય્યર, સહગાયિકાઃ આશા ભોંસલે), 'કભી આર કભી પાર લાગા તીર-એ-નઝર, સૈંયાં ઘાયલ કિયા રે તૂને મેરા જિગર' (આરપાર, ૧૯૫૪, ઓ.પી. નય્યર), 'મિલતે હી આંખે દિલ હુઆ દીવાના કિસી કા' (બાબુલ, ૧૯૫૦, નૌશાદ, સહગાયકઃ તલત મહેમૂદ), 'મેરે પિયા ગયે રંગૂન વહાં સે કિયા હૈ ટેલિફૂન' (પતંગા, ૧૯૪૯, સી. રામચંદ્ર), 'સૈંયાં દિલ મેં આના રે, આ કે ફિર ના જાના રે' (બહાર,૧૯૫૧, એસ.ડી. બર્મન), 'તેરી મહેફિલ મેં કિસ્મત આઝમાં કર હમ ભી દેખેંગે' (મુગલ-એ-આઝમ, ૧૯૬૦, નૌશાદ, સહગાયિકાઃ લતા મંગેશકર) અને આવાં તો કેટલાંય ગીતો...


બુલંદ, તીખો, રણકતો અને સહેજ નાકમાંથી ગવાતો હોય એવો અવાજ શમશાદ બેગમની ઓળખ હતી. લાહોરમાં જન્મેલાં શમશાદના રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારને સંગીત સાથે સ્નાનસૂતકનો'ય સંબંધ નહીં. માંડ સાત ચોપડી ભણી શકેલાં શમશાદે એક ઈન્ટરવ્યુમાં કહેલું, "અમારા ઘરમાં છોકરીઓને ગાવાની સખત મનાઈ. મારી અમ્મીને મેં ક્યારેય ગાતાં તો શું, ગણગણતાંય સાંભળી નહોતી. સંગીત શીખવા મેં બે પૈસા સુધ્ધાં ખર્ચ્યાં નથી. આ તો જે કંઈ લોકસંગીત કાને પડતું એની નકલ કરવાની કોશિશ કરતી. એમાંય જો ભાઈઓ સાંભળી જાય તો માર પડે - છોકરીની જાત થઈને ગીતડાં ગાય છે?"
સદ્ભાગ્યે શમશાદના કંઠની કદર એમના ચાચાજાન અમીરુદ્દીન કરી શક્યા. તેઓ કવ્વાલી અને ગઝલના શોખીન હતા. સાત વર્ષની ઉંમરે શમશાદે સ્કૂલમાં પ્રાર્થના ગાઈ હતી. આ એમનું પહેલું પબ્લિક પર્ફોર્મન્સ! ઊંચાઈ ઓછી એટલે બેન્ચ પર ઊભા રહીને ગાવું પડેલું. પછી એક વાર કોઈની શાદીમાં એકાદ ગીત એટલી ખૂબસૂરતીથી ગાયું કે હાજર રહેલા લોકો આ સાંભળીને ચકિત થઈ ગયેલા. શમશાદના અવાજની ચારેબાજુ પ્રશંસા થવા લાગી એટલે ચાચાએ મોટાભાઈને એટલે કે શમશાદના પિતા હુસેન બખ્શને કહેવું પડયું કે ભાઈજાન, પરવરદિગારે છોકરીને આટલું સારું ગળું આપ્યું છે, તમે એને બહાર ગાવા કેમ દેતા નથી? બહુ સમજાવટ પછી આખરે પિતાજી સંમત થયા. તેમણે કહ્યું કે શમશાદ બહાર ગાઈ શકશે પણ શરત એટલી કે સ્ટુડિયો આવ-જા કરે ત્યારે બુરખો પહેરી રાખવાનો. કોઈને ફોટો પાડવા દેવાનો નહીં. રેકોર્ડિંગ પૂરું કરીને સીધું ઘરે આવી જવાનું. કોઈને સાથે ગપ્પાબાજી કરવા રોકાવાનું નહીં!
બધી શરતો માની લેવામાં આવી. શમશાદે સોળ વર્ષની ઉંમરે ઝેનોફોન નામની પ્રતિષ્ઠિત રેર્કોિંડગ કંપની માટે બાર ગીતો ગાયાં. મ્યુઝિક કમ્પોઝર હતા માસ્ટર ગુલામ હૈદર. મોટાં ભાગનાં ગીતો ભજન હતાં - 'તેરે પૂજન કો ભગવાન', 'ઓમ જય જગદીશ હરે' વગેરે, પણ રકર્ડ બહાર પડી ત્યારે એના પર ગાયિકાનું નામ છપાયું હતું- રાધારાની. કંપનીના મોટા સાહેબે પછી ખુલાસો કર્યો કે હિંદુ ધાર્મિક ગીતોની ગાયિકા તરીકે કોઈ મુસ્લિમનું નામ હોય તો એ રેકર્ડના વેચાણ પર માઠી અસર થાય! શમશાદ નિરાશ થઈ ગયા. એમને ગીતો ગાવા માટે સરસ મહેનતાણું મળ્યું હતું, પણ કલાકાર તો નામનો ભૂખ્યો હોય છે. શમશાદે શરત મૂકી હતી કે જો રેકર્ડ પર મારું સાચું નામ છપાવાનું હોય તો જ હવે પછી હું ગાઈશ.

અબ્બાજાને ચુસ્ત પાબંદીઓ લગાવી હતી ને દીકરીને બુરખામાં પૂરી દીધી હતી, છતાંય (કદાચ એટલે જ!) શમશાદને ગણપતલાલ નામના વિધર્મી વકીલ સાથે ઈશ્ક થઈ ગયો. ફોટોગ્રાફીના શોખીન ગણપતલાલ અવારનવાર સ્ટુડિયો પર આવતા. બન્નેના નૈન લડી ગયા. પરિવારનો તીવ્ર વિરોધ હોવા છતાં શમશાદ એમને પરણ્યાં. સદ્ભાગ્યે તેમનું દામ્પત્યજીવન સુખમય પુરવાર થયું. બન્નેએ એકમેકનો ધર્મ પરિવર્તન કરવાનો ક્યારેય પ્રયાસ ન કર્યો.
લગ્ન પછી શમશાદે ઓલ ઈન્ડિયા રેડિયો માટે ગાવા માંડયું. એમનો અવાજ આખા ભારતમાં ગંૂંજવા લાગ્યો. ૧૯૩૯માં 'યમલા જાટ' નામની પંજાબી ફિલ્મ માટે શમશાદે પહેલી વાર ગીતો ગાયાં. આ ગીતો હિટ પુરવાર થયાં. ૧૯૪૧માં શમશાદે પહેલી હિંદી ફિલ્મ કરી -'મશાલચી'. તે પછી બીજી કેટલીક ફિલ્મો પણ આવી. 'ખજાનચી' ફિલ્મ લાહોરમાં બની હતી, પણ સિનેમાનું મુખ્ય કેન્દ્ર એ વખતે'ય મુંબઈ જ હતું. શમશાદને મુંબઈથી તેડું ન આવે તો જ આશ્ચર્ય પામવા જેવું હતું. પ્રોડયુસર-ડિરેકટર મહેબૂબ ખાન સ્વયં એમને મનાવવા લાહોર આવ્યા. કહ્યું: મુંબઈમાં તમને ફ્લેટ, ગાડી, નોકર બધું જ આપીશ. તમારો પરિવાર પણ સાથે આવી શકે છે. શમશાદ માની ગયાં. મુંબઈ આવીને તેમણે સૌથી પહેલાં મહેબૂબ ખાનની ફિલ્મ 'તકદીર' (૧૯૪૩) માટે ગીતો ગાયાં. યોગાનુયોગે આ નરગિસની પણ પહેલી ફિલ્મ હતી. એ વખતે મુંબઈમાં સુરૈયા, કાનનદેવી, નૂરજહાં વગેરે ગાયિકા ઓલરેડી પોતાનું સ્થાન બનાવી ચૂકી હતી. આ બધાની વચ્ચે શમશાદે પોતાની ઓળખ ઊભી કરવાની હતી, જે તેમણે કરી.
શમશાદે નૌશાદ, ઓ.પી. નય્યર, સી. રામચંદ્ર અને એસ.ડી. બર્મન માટે પુષ્કળ ગીતો ગાયાં. નૌશાદ ઇન્ડસ્ટ્રીમાં નવા નવા હતા ત્યારે શમશાદ ઓલરેડી મશહૂર થઈ ચૂક્યાં હતાં. નૌશાદે સ્વયં પછી એક ઇન્ટરવ્યૂમાં કબૂલ્યું હતંુ કે મારી કરીઅર જમાવી આપવામાં શમશાદનો બહુ મોટો ફાળો છે. શમશાદ સાથે એમણે 'દર્દ', 'મેલા', 'બાબુલ', 'આન', 'દુલારી', 'અનોખી અદા' અને ઈવન 'બૈજુ બાવરા' તેમજ 'મધર ઈન્ડિયા' માટે કેટલાંય ગીતો કમ્પોઝ કર્યાં. આ ગીતોએ હિન્દુસ્તાનમાં તરખાટ મચાવી દીધો હતો. 'મધર ઈન્ડિયા'નું 'પી કે ઘર આજ પ્યારી દુલ્હનિયા ચલી' ગીત ગાતી વખતે એકલાં શમશાદ જ નહીં, પણ કોરસ-ગાયિકાઓ પણ રડી પડી હતી. નૌશાદ રેર્કોિંડગ અટકવવા માગતા હતા, પણ શમશાદે ઈશારાથી એમને સમજાવ્યું કે ચાલુ રહેવા દો, ગીતમાં ફરી આવો કરુણરસ નહીં મળે!
Shamshad and Naushad

લતા મંગેશકર હજુ લતા મંગેશકર નહોતાં બન્યાં ત્યારે શમશાદ બેગમ શિખર પર હતાં. ૧૯૪૦ના દાયકામાં શમશાદનાં ગીતોમાં મદન મોહન અને કિશોર કુમાર કોરસ સિંગર તરીકે ગાતા! જોકે ચડાવ પછી ઉતાર આવવાનો જ. રાજ કપૂર પોતાની પહેલી ડિરેક્ટોરિઅલ ફિલ્મ 'આગ' બનાવી રહ્યા હતા ત્યારે એમની પાસે સંગીતકાર-ગાયકોને આપવા માટે પૂરા પૈસા નહોતા. તે વખતે શમશાદે એમને ભરપૂર સહયોગ આપ્યો હતો. 'આગ'નાં બધાં ફિમેલ સોંગ્સ શમશાદે ગાયાં છે. રાજ કપૂર પછી લતા તરફ વળી ગયા. 'આવારા'નું ગીત 'એક દો તીન, આજા મૌસમ હૈ રંગીન'ને બાદ કરતાં એમને પછી શમશાદ યાદ ન આવ્યાં. મદન મોહનની પહેલી ફિલ્મ 'આંખેં' (૧૯૫૦)નાં મોટા ભાગનાં ગીત શમશાદે ગાયેલાં. તે જ પ્રમાણે કિશોરકુમારે બહુ આગ્રહ કર્યો હતો એટલે એમને હીરો તરીકે ચમકાવતી 'નયા અંદાજ' (૧૯૫૫)નાં ગીતો પણ શમશાદે ગાઈ આપ્યાં હતાં. જોકે પછી મદન મોહન પણ આર.કે.ની માફક લતા મંગેશકર તરફ વળી ગયા અને કિશોરને આશા ભોંસલે સાથે ગીતો ગાવામાં વધારે મોજ પડવા લાગી. નરગિસ ('તકદીર'), વૈજયંતીમાલા ('બહાર') અને વહીદા રહેમાન ('સીઆઈડી')ની કરીઅરની સૌથી પહેલી ફિલ્મનાં ગીતો શમશાદે ગાયેલાં. એ હિટ થયાં એનો ફાયદો આ હિરોઈનોને થયો હતો, પણ એક વાર કારકિર્દી ઊંચકાઈ પછી તેઓ લતા મંગેશકરના મુલાયમ અને મીઠા અવાજનો આગ્રહ રાખતી થઈ ગઈ.
૧૯૫૫માં શમશાદના પતિનું અવસાન થયું. આ જ અરસામાં તેમની ડિમાન્ડ ઘટવાની શરૂ થઈ. ૧૯૫૬માં 'સીઆઈડી'નાં સુપરહિટ ગીતો આવ્યાં છતાંય શમશાદની માંગ વધી નહીં. નૌશાદ અને ઓ.પી. નય્યર જેવા જૂના સાથીઓેએ હવે સાથ છોડી દીધો હતો. ૧૯૬૮માં આવેલી 'કિસ્મત'નું 'કજરા મહોબ્બતવાલા' સંભવતઃ એમનું અંતિમ હિટ ગીત બની રહ્યું. તેમની અંતિમ ફિલ્મ ૧૯૮૧માં આવી - 'ગંગા માંગ રહી બલિદાન.' ચાલીસ વર્ષની કરીઅરમાં તેમણે લગભગ છ હજાર ગીતો ગાયાં, જેમાંથી ૧૨૮૭ ગીતો હિન્દી ફિલ્મી ગીતો છે. તેમણે હિંદી અને પંજાબી ઉપરાંત બંગાળી, મરાઠી, તમિલ અને ગુજરાતી ગીતો પણ ગાયાં છે.


પતિના નિધન પછી મૃત્યુપર્યંત તેઓ પુત્રી ઉષા અને જમાઈ સાથે રહ્યાં. પાછલાં વર્ષોમાં તેઓ ભાગ્યે જ જાહેર જીવનમાં દેખાતાં. શમશાદ બેગમે ઊભરતા ગાયકોને આપેલી સલાહ વાસ્તવમાં સૌએ ગાંઠે બાંધી રાખવા જેવી છેઃ "સફળતાની ચાવી આ ત્રણ શબ્દોમાં રહેલી છે- કામ પ્રત્યે પ્રામાણિકતા, નિષ્ઠા અને અથાગ પરિશ્રમ. તમે જે કરતા હો તેને એન્જોય કરશો તો પરિણામ સારું જ આવવાનું. સફળતા કરતાંય મુખ્ય વસ્તુ છે શ્રેષ્ઠતા. ખુદને બહેતર બનાવવાની લગાતાર કોશિશ કરવાની, બસ."
0 0 0 

No comments:

Post a Comment