Sunday, November 30, 2014

મલ્ટિપ્લેક્સ : લાઈફ કોચ - ફિલ્મસ્ટારોની લેટેસ્ટ લકઝરી

Sandesh - Sanskar Purti - 30 Nov 2014
મલ્ટિપ્લેક્સ 
રિતિક રોશનના પ્રતાપે હવે ઇન્ડિયન સેલિબ્રિટી ર્સિકટમાં એક નવતર પ્રકારના કોચનો ઉમેરો થઈ ગયો છે - લાઇફ કોચ! લાઇફ કોચ એટલે અંગત જીવનમાં ભયંકર ઊથલપાથલ ચાલી રહી હોય, કરિયર ડામાડોળ હોય,આત્મવિશ્વાસ તળિયે પહોંચી ગયો હોય, તીવ્ર ડિપ્રેશન વચ્ચે આગળ વધવાનો કોઈ માર્ગ દેખાતો ન હોય ત્યારે તમારો હાથ પકડીને સધિયારો આપનાર અને તમને માનસિક મુસીબતોમાંથી બહાર કાઢનાર પ્રોફેશનલ.
Hritik Roshan with Arfeen Khan

પણે સ્પોર્ટ્સ કોચ વિશે સાંભળ્યું હતું, એક્ટિંગના કોચ વિશે સાંભળ્યું હતું, જિમમાં વ્યક્તિગત ધ્યાન આપનાર પર્સનલ ટ્રેનર-કમ-કોચ વિશે સાંભળ્યું હતું, પણ રિતિક રોશનના પ્રતાપે હવે ઇન્ડિયન સેલિબ્રિટી ર્સિકટમાં એક નવતર પ્રકારના કોચનો ઉમેરો થઈ ગયો છે - લાઇફ કોચ! લાઇફ કોચ એટલે અંગત જીવનમાં ભયંકર ઊથલપાથલ ચાલી રહી હોય, કરિયર ડામાડોળ હોય,આત્મવિશ્વાસ તળિયે પહોંચી ગયો હોય, તીવ્ર ડિપ્રેશન વચ્ચે આગળ વધવાનો કોઈ માર્ગ દેખાતો ન હોય ત્યારે તમારો હાથ પકડીને સધિયારો આપનાર અને તમને માનસિક મુસીબતોમાંથી બહાર કાઢનાર પ્રોફેશનલ.
આમ જોવા જઈએ જેની સાથે આપણે લાગણીના સ્તરે જોડાયેલા હોઈએ અને જેના પર ભરોસો કરતા હોઈએ એવી અતિ આત્મીય શુભેચ્છક વ્યક્તિ પણ આ કામ કરી શકે. કમનસીબે સૌની પાસે આવી કાબેલિયત ધરાવતો મિત્ર કે શુભેચ્છક હોતો નથી. બીજો વિકલ્પ છે, સાઇકોલોજિસ્ટ કે સાઇકિયાટ્રિસ્ટની મદદ લેવાનો. એમનીય મર્યાદા હોય છે. શક્ય છે કે એમનો વ્યવહાર વધારે પડતો ક્લિનિકલ અને ઉષ્માહીન લાગે. મનોચિકિત્સક દિમાગને શાંત કરતી દવા લખી આપે તે લેવા સામે તમારો વિરોધ હોય એવુંય બને. આવી સ્થિતિમાં લાઇફ કોચ તમારો દોસ્ત બને છે, તમને જાણે-પિછાણે છે અને અંધારામાંથી બહાર આવવા માટે ટોર્ચની ગરજ સારે છે. બદલામાં, અફકોર્સ, તોતિંગ ફી પણ વસૂલ કરે છે.
રિતિક રોશન અને સુઝેનના લગ્નજીવનમાં પડેલી તિરાડના નક્કર સમાચાર પહેલી વાર જાહેર થયા ત્યારે પાછળ પાછળ બીજા ન્યૂઝ એવાય આવ્યા હતા કે આ કટોકટીમાં સ્વસ્થ રહી શકાય તે માટે રિતિકે અરફીન ખાન નામના લાઇફ કોચને હાયર કર્યો છે. આ ગયા જાન્યુઆરીની વાત છે. જોકે, અરફીન ખાને તે વખતે મીડિયામાં ખુલાસો કર્યો હતો કે ના, એવું કશું નથી. આજે દસ મહિના પછી એક ગ્લોસી મેગેઝિનના તાજા ઈન્ટરવ્યૂમાં રિતિકે ખુદ અરફીન ખાન વિશે વિગતવાર વાત કરી છે. અરફીનને જોકે એ લાઇફ કોચ કરતાં દોસ્ત વધારે ગણે છે.
રિતિક અને અરફીનનો અવારનવાર ભેટો થયા કરતો. બન્ને મળે ત્યારે દર વખતે અરફીન પોતાનાં કામ વિશે એવી કશીક વાત કરે કે રિતિક વિચારમાં પડી જાય. એક વાર અદોદળા થઈ ગયેલા અરફીને વાતવાતમાં ફિટનેસનો મુદ્દો કાઢયો. રિતિકે એની સાથે પોતાનો બાર વીકનો ફિટનેસ-કમ-ડાયટ પ્લાન શેર કર્યો.
Jennifer Aniston

રિતિકે પોતાના કેટલાય દોસ્તો સાથે આ એક્સરસાઇઝ અને ખાણીપીણીનું જડબેસલાક શિડયુલ શેર કર્યું છે, પણ હરામ બરાબર કોઈને કશો ફર્ક પડયો હોય તો. રિતિકે માની લીધું કે અરફીનના કિસ્સામાંય એવું જ બનવાનું, પણ આઠ અઠવાડિયાં પછી બન્ને ફરી મળ્યા ત્યારે અરફીનનું બોડી જોઈને રિતિક ચકિત થઈ ગયો. એને શંકા ગઈ કે અરફીને લાઇપોસક્શન પ્રકારની સર્જરી કરાવીને શરીર પરથી ચરબીના થર ઓગાળ્યા છે કે શું. અરફીને ભારપૂર્વક કહ્યું કે ભાઈ, સર્જરી-બર્જરી કંઈ કરાવ્યું નથી, આ તો તેં મને જે એક્સરસાઈઝ-કમ-ડાયટ પ્લાન આપ્યો હતો એની કમાલ છે.
રિતિક પેલા ઈન્ટરવ્યૂમાં કહે છે, "પછી તો અમે ત્રણેક કલાક બેઠા, દિલ ખોલીને વાતો કરી. મને થયું કે લાઇફમાં આમ કરવું જોઈએ ને તેમ કરવું જોઈએ એ પ્રકારની હું તો ફક્ત વાતો કરતો રહું છું, જ્યારે અરફીન પાસે એ બધું જીવનમાં ખરેખર કઈ રીતે ઉતારવું એની ઊંડી સમજ છે. અચાનક મને એવું ફીલ થયું કે જાણે અરફીન મને અંદરથી જાણે છે, ઓળખે છે. એની સાથે મેં મજબૂત સંધાન અનુભવ્યું. તે પછી જ્યારે જ્યારે અમે મળીએ ત્યારે અરફીન મને એવી ટાસ્ક આપે છે કે જેના થકી હું મારા વિચારોને વર્તનમાં ઉતારી શકું. એ તમને એવું ન શીખવે કે જીવન કેમ જીવવું. તમારી લાઇફ તો તમારે જ જીવવાની હોય, પણ એ કેટલાંક નિયમો શીખવે, સિદ્ધાંતો સમજાવે. જો એનું પાલન થાય તો માનસિક સુખ-શાંતિ કે જે કંઈ અચિવ કરવું હોય તે કરી શકાય. જેમ બોડી બનાવવા માટે કડક શિસ્ત, નિયમિતતા અને ખાવાપીવામાં તકેદારી અનિવાર્ય છે, તેમ મન પાસેથી ધાર્યું કામ કઢાવવા માટે પણ કેટલાક નિયમોનું ચુસ્ત પાલન કરવું જરૂરી છે."
રિતિક એટલી હદે પ્રભાવિત થઈ ગયો છે કે એના હિસાબે એની ચાલીસ વર્ષની જિંદગીમાં અરફીન ખાન જેટલું કન્ટ્રિબ્યુશન બીજા કોઈએ આપ્યું નથી. એના જેવો અદ્ભુત માણસ પોતે એકેય જોયો નથી એવું કહે ત્યાં સુધી તો ઠીક છે, પણ પછી રિતિક જે ઉમેરે છે તે સાંભળીને એની સમજણશક્તિ વિશે આપણને શંકા જવા લાગે. રિતિક કહે છે, "બીલિવ મી, અરફીનમાં દુનિયા પલટી નાખવાની તાકાત છે. એક દિવસ તે દુનિયામાં પરિવર્તન લાવીને જ રહેશે, તમે જોજો!"
હવે આ જરાક વધારે પડતું થઈ ગયું. ખેર. મોટિવેશનલ ગુરુઓમાં આમેય એક પ્રકારની હિપ્નોટિક શક્તિ હોય છે. સંતોષ બાબુ નામક લાઇફ કોચ અગાઉ ખરેખર સ્ટેજ હિપ્નોટિસ્ટ તરીકે કામ કરતા. ફિલ્મસ્ટારને ગુરુની જરૂર પડી હોય એવું કંઈ પહેલી વાર બન્યું નથી. વિનોદ ખન્ના પોતાની કરિયરના શિખર પાસે હતા ત્યારે સઘળું છોડીને રજનીશ પાસે જતા રહ્યા હતા. રજનીશની કંઠી બાંધીને પાંચ-છ વર્ષ સુધી એમના આશ્રમમાં ગાળેલાં. મહેશ ભટ્ટ યુ.જી. કૃષ્ણમૂર્તિની તીવ્રતાથી પ્રભાવિત થયા હતા. રજનીશ અને યુ.જી. કૃષ્ણમૂર્તિ તો મેધાવી વ્યક્તિઓ હતી. અરફીન ખાનની તેમની સાથે કોઈ તુલના ન હોઈ શકે. મૂળ ઈંગ્લેન્ડના અરફીન મોટિવેશનલ સ્પીકર યા તો પીક પર્ફોર્મન્સ કોચ તરીકે દુનિયાભરની કોર્પોરેટ કંપનીઓના સાહેબો માટે સેમિનાર ગોઠવીને એમનો જુસ્સો વધારવાનું કામ કરે છે. એની કંપનીનું નામ જ આ છે- પીક પર્ફોર્મન્સ સેમિનાર્સ પ્રાઇવેટ લિમિટેડ. એ બ્રિટિશ એક્સન્ટવાળું અંગ્રેજી બોલે છે. એમણે પ્રેરણાદાયી પુસ્તકો પણ લખ્યાં છે. યુટયુબ પર તેમના સેમિનારના કેટલાય વીડિયો અવેલેબલ છે. એકમાં અરફીન પર પ્રશંસાનો વરસાદ વરસાવી રહેલો રિતિક પણ દેખાય છે.
સખળડખળ થઈ ગયેલી જિંદગીને ઠીકઠાક કરવા માટે પ્રોફેશનલ લાઇફ કોચની મદદ લેવાનો ટ્રેન્ડ હોલિવૂડમાં જૂનો થઈ ગયો. પહેલાં 'ફ્રેન્ડ્ઝ' સિરિયલમાં કામ કરીને ને પછી હોલિવૂડના સુપરસ્ટાર બ્રેડ પિડ સાથે લગ્ન કરીને મશહૂર થઈ ગયેલી એક્ટ્રેસ જેનિફર એનિસ્ટને લી કિલ્ટન-સ્મિથ નામની લાઇફ કોચનો સહાર લીધો હતો. જેન-બ્રેડનું લગ્નજીવન અલ્પજીવી સાબિત થયું હતું. બ્રેડના જીવનમાં એન્જલિના જોલી આવી ને પછી એ બન્ને પરણી ગયાં. અમેરિકન મીડિયાએ જેનિફર વર્સસ બ્રેડ-એન્જલિનાનું કહેવાતું યુદ્ધ ખૂબ ચગાવ્યંુ. લી કિલ્ટન-સ્મિથે આ કાદવઉછાળ માહોલમાં જેનિફરનું સાનભાન ટકાવી રાખવામાં મદદ કરી.
૪૪ વર્ષની જેનિફર સ્પષ્ટપણે કહે છે, "જો તમે ત્રીસીમાં પહોંચી ગયા હો તો થેરાપિસ્ટ પાસે જાઓ, મનમાં ભૂતકાળનો જે કચરો ભરાઈ ગયો છે તે સાફ કરાવો, જે કોઈ દૂષિત વિચારો ઘર કરી ગયા છે એના ઝેરમાંથી મુક્તિ મેળવો, માનસિક કોલાહલમાંથી બહાર આવો અને ખુશ રહો. પોતાની અસલિયતને જાણો, સમજો. ભૂતકાળની ભૂલો સુધારી શકાય છે. જો તમે સુખી ન હો તો સુખી થઈ શકાય છે. હેપીનેસ ઈઝ અ ચોઈસ!"
Bryce Dallas Howard with Ron Howard

બ્રાયસ ડલાસ હાવર્ડને આપણે 'અપોલો થર્ટીન', 'સ્પાઇડરમેન-૩', 'ધ ટ્વાઈલાઈટ સાગા- એકલિપ્સ' વગેરે ફિલ્મોમાં જોઈ છે. હોલિવૂડના વિખ્યાત ફિલ્મમેકર રોન હાવર્ડની એ દીકરી. રોન હાવર્ડ એટલે 'અપોલો થર્ટીન' અને 'અ બ્યુટીફૂલ માઈન્ડ' જેવી મસ્તમજાની ફિલ્મો બનાવનારા ડિરેક્ટર. બ્રાયસે નાનપણમાં એક વાર ડેડીને પૂછેલું: ડેડ, હોલિવૂડના એક્ટરોને પિક્ચરમાં કામ કરવા કેટલા પૈસા મળે છે? રોન હાવર્ડે જવાબ આપેલોઃ એ લોકો પોતાના થેરાપિસ્ટને ફી ચૂકવી શકે એટલા! વર્ષો પછી બ્રાયસ ખુદ હોલિવૂડની એક્ટ્રેેસ બની ત્યારે એણે થેરાપિસ્ટ નહીં પણ લાઇફ કોચ રાખ્યો.

Tim Storey
હોલિવૂડના ટિમ સ્ટોરી નામના લાઇફ કોચ મોસ્ટ વોન્ટેડ ગણાય છે. હેરિસન ફોર્ડ જેવા કેટલાય ટોચનાં નામ એમના ક્લાયન્ટ છે. ફિલ્મસ્ટાર્સ સિવાય સ્પોર્ટ્સસ્ટાર્સ, સોશ્યલાઈટ્સ, ઉદ્યોગપતિઓ જેવા કેટલાય રિચ-એન્ડ-ફેમસ લોકો એમની મદદ લે છે. ટિમ સૌને જીવનના પાઠની સાથે ધાર્મિકતાનો ડોઝ પણ આપે છે.
બદનામી અને નેગેટિવ પબ્લિસિટીની અસરોથી કઈ રીતે ખુદને બચાવવી, પર્સનલ લાઇફનાં ચીંથરાં ઊડી ગયાં હોય તોપણ શી રીતે કામ પર ફોકસ રાખવું, કેવી રીતે કોન્ફિડન્સ અકબંધ રાખીને લક્ષ્ય તરફ આગળ વધતાં રહેવું - આ બધું લાઇફ કોચ પોતાના સેલિબ્રિટી ક્લાયન્ટ્સને શીખવે છે. વેલ, સુષ્ઠુ સુષ્ઠુ વાતોના પ્રેરણાદાયી ચ્યવનપ્રાશ ચટાડવાથી આ મોટાં માથાંઓને નક્કર ફરક પડે કે ન પડે, પણ લાઇફ કોચનું બેન્ક બેલેન્સ તગડું થતું જાય છે એ તો નક્કી.  
 
શો સ્ટોપર
 
હું જરાય રોમેન્ટિક નથી. ગર્લફ્રેન્ડને ગુલાબનાં ફૂલ આપવાં, રૂપકડાં કાર્ડ બનાવવાં, મીઠીમીઠી વાતો કરવી - આવું બધું મેં ક્યારેય કોઈ છોકરી માટે કર્યું નથી.
- આદિત્ય રોય કપૂર ('આશિકી-ટુ'નો હીરો)

No comments:

Post a Comment