Saturday, June 28, 2014

ટેક ઓફ : હું અને મારો માંહ્યલો


Sandesh - Ardh Saptahik Purty - 25 June 2014
ટેક ઓફ
એવી બીજી કઈ બાબત છે જેના પર જાણે કે મારું આખું અસ્તિત્વ ટકી રહ્યું છે? સંબંધો, કરિયર, સંપત્તિ, સામાજિક પ્રતિષ્ઠા? એવું શું છે જેને હું બિલકુલ ગુમાવી શકું તેમ નથી? ધારો કે એ વસ્તુ જતી રહે તો હું શું કરું?

શું કોઈ તમને તમારી જાત વિશે, તમારા જીવન વિશે પ્રશ્નો પૂછે તો તમે અકળાઈ જાઓ છો, ગૂંચવાઈ જાઓ છો? બ્લેન્ક થઈ જાઓ છો?ભલે થઈ જતા. આજે તો સવાલોની ઝડી વરસાવી દેવી છે. આ પ્રશ્નો દર્પણ જેવા છે. જો પૂરી સચ્ચાઈ અને પ્રામાણિકતા જાળવશો તો આ ઉત્તરોમાં તમારું અસલી વ્યક્તિત્વ ઊપસતંુ જશે. તમારા મૂલ્યવાન અને ખૂબસૂરત માંહ્યલા પર ચડી ગયેલાં ધૂળનાં આવરણ દૂર થતાં જશે. જવાબો શાંતિથી, સમજી વિચારીને આપવાના છે. તેને તમારા પૂરતા જ રાખવાના છે, કોઈની સાથે શેર કરવાની જરૂર નથી. તો યે રહા પહલા પશ્ન...
(૧) મારી જિંદગીનું મિશન

 • શું હું એ અવસ્થામાં પહોંચી ગયો છું (અથવા પહોંચી ગઈ છું) કે જ્યાં મને મારા જીવવાનો ખરો ઉદ્દેશ અને મારું સાચું જીવનકર્મ સમજાવા માંડયાં હોય?
 • શું હું મારી ભીતર આત્મસંતોષની અનુભૂતિ કરી શકું છું?
 • શું હું મારા પ્રત્યેક દિવસને અર્થપૂર્ણ બનાવી શકું છું?

(૨) હું અને મારો ઈગો

 • શું હું સફળતાને ભૌતિક ચીજવસ્તુઓ સાથે જોડું છું?
 • મારે જીવનમાં જે જુદાં જુદાં કિરદાર નિભાવવાં પડે છે - પતિ (કે પત્ની) તરીકે, વાલી તરીકે, પ્રોફેશનલ તરીકે - એની સાથે મને વધારે પડતું અટેચમેન્ટ થઈ ગયું છે?
 • શું હું સતત કોઈ ને કોઈ ચીજ ઝંખ્યા કરતો હોઉં છું? શા માટે?
 • સંબંધો, કરિયર, સામાજિક પ્રતિષ્ઠા યા તો એવી બીજી કઈ બાબત છે જેના પર જાણે કે મારું આખું અસ્તિત્વ ટકી રહ્યું છે અને જેને હું બિલકુલ ગુમાવી શકું તેમ નથી? ધારો કે એ વસ્તુ જતી રહે તો હું શું કરું?

(૩) મારા ભય, મારા સંશય

 • મને સૌથી વધારે ડર કઈ બાબતોનો લાગે છે? એના વિશે મેં ઊંડાણથી વિચાર્યું છે ખરું?
 • હું ભયની આ લાગણીનો સ્વીકાર કરી શકું છું કે પછી એને નકારતા રહીને એના પર જાણે કાબૂ મેળવી લીધો હોય તેવા ખ્યાલમાં રાચતો રહું છું?
 • શું હું જાત સાથે એકલા પડીને મારા અસલી ભયને પિછાણી શકું છું, સમજી શકું છું, એની સાથે દોસ્તી કરી શકું છું ને પછી એનાથી મુક્તિ મેળવી શકું છું?

(૪) મારા જીવનનો સ્ક્રીન પ્લે
 • શું મેં મારાં ભૂતકાળ, મૂળિયાં અને ફેમિલી બેકગ્રાઉન્ડને ધ્યાનમાં રાખીને વિચારી જોયું છે કે લાઇફમાં અત્યાર સુધી જે કોઈ ઘટનાઓ બની છે એમાં એક ચોક્કસ પેટર્ન છે? શું હું કોઈ ચોક્કસ સ્ક્રિપ્ટ પ્રમાણે જીવી રહ્યો છું? શું છે તે સ્ક્રિપ્ટ?
 • એવા મારા કયા ચોક્કસ અભિગમો અને વૃત્તિઓ છે જેના આધારે હું મહત્ત્વના નિર્ણયો લઉં છું અને મારા જીવનની ઇમારત ખડી કરું છું?
 • શું સંબંધોમાં હું અમુક પ્રકારનું વર્તન ફરી ફરીને કરતો રહું છું?

(૫) મારા ઇમોશનલ વર્ષો 

 • જ્યારે મારું ધાર્યું થતું નથી અને જીવન મારા વિઝન પ્રમાણે આગળ વધતું નથી ત્યારે સામાન્ય રીતે હું કેવી પ્રતિક્રિયા આપતો હોઉં છું?
 • હું મારા રોજબરોજના જીવનને કઈ રીતે અપ્રોચ કરું છું? ભરપૂર ઉત્સાહથી, રૂટિન કંટાળાથી?
 • આટલાં વર્ષોમાં જાતજાતના ઇમોશનલ અનુભવોને કારણે મારા મન પર કંઈકેટલીય છાપ પડી છે. શું હું આ છાપ પ્રત્યે સભાન છું? જરૂર પડયે તેનાથી અળગા થઈને વર્તન, વ્યવહાર, નિર્ણયો કરી શકું છું?
 • મારી આંતરિક લાગણીઓને હું સ્વજનો પર કઈ રીતે પ્રોજેક્ટ કરું છંુ?

(૬) મારાં ઇમોશનલ ટ્રિગર

 •  હું ક્યારે કોઈ લાગણીની પ્રચંડ અસર હેઠળ આવી જાઉં છું?
 • એવી કઈ બાબતો છે જે મારામાં તરત સુખ, આનંદ, ઉત્સાહ, ધન્યતા યા તો દુઃખ, ડિપ્રેશન, ક્રોધ અને ત્રાસની લાગણી જન્માવી શકે છે?
 •  આ લાગણીઓ ટ્રિગર થાય ત્યારે સામાન્ય રીતે હું શું કરું છું?


(૭) મારા જીવનની નેગેટિવ ઘટનાઓ
 • મને ક્રોધ આવે યા તો ડિપ્રેશન જેવું લાગે ત્યારે આ લાગણીઓને હું બીજાઓ પર ઠાલવું છું કે મારી અંદર જ દબાવી દઉં છું?
 • મારી અંદર નેગેટિવ ફીલિંગ્સ પેદા થાય ત્યારે હું તરત સતર્ક થઈને આ લાગણીઓને સાક્ષીભાવે ઓબ્ઝર્વ કરું છું કે રિએક્ટ કરવા લાગું છું?
 • મારો ક્રોધ કે ફ્રસ્ટ્રેશન બીજાઓ પર ઠાલવતી વખતે હું મારી જાત પ્રત્યે સભાન હોઉં છું? મને ખબર હોય છે કે સામા માણસનો ખરેખર કોઈ વાંક નથી?

(૮) મારી સભાનતા

 • શું હું બીજાઓ પર ભરોસો કરી શકું છું? સમજદાર અને પ્રેમપૂર્ણ રહી શકું છું? કે પછી મારામાં કાયમ ભય, ઉચાટ અને નકારાત્મક લાગણીઓ જ ઊછળતી રહે છે?
 • શું હું મારા સ્વત્વ, મારા માંહ્યલાના સતત સંપર્કમાં રહી શકું છું?

(૯) હોવું અને બનવું

 • આજે હું જે કંઈ છું, જે કંઈ કરી રહ્યો છું તેના પાયામાં મારી સ્વાભાવિકતા, મારી સહજ રસ-રુચિ અને મારી મૂળભૂત વૃત્તિઓ રહેલી છે? કે પછી મારે કશુંક યા કોઈના જેવું બનવું હતું તેનું અથવા તો મેં મારી જાત પર બહુ બળજબરી કરી છે તેનું આ પરિણામ છે?
 • શું હું એક પછી એક એક્ટિવિટીમાં સતત બિઝી રહું તો જ મને ચેન પડે છે? શું મને મારી જાત સાથે એકલા પડવું ગમે છે?ભીતર ચાલતી લાગણીઓ અને વિચારોને સાંભળવાની કોશિશ હું કરું છું?
 • શું હું એવી પ્રવૃત્તિઓ કરવાનું પસંદ કરું છું જે મને મારા માંહ્યલા સાથે જોડી રાખી શકે? કે પછી મેં મારી જાત સાથેનું સંધાન ગુમાવી દીધું છે? 

સવાલો કદાચ આકરા છે, પણ એ ઘણાં સત્યો સામે લાવી દે છે. આ પ્રશ્નોત્તરી શેફાલી ત્સાબેરી નામનાં ભારતીય કુળનાં અમેરિકન લેખિકાએ તૈયાર કરી છે. શેફાલીનાં લખાણોએ યુરોપ-અમેરિકામાં ચર્ચા જગાવી છે. શી છે એ ચર્ચા? આનો ઉત્તર આવતા અઠવાડિયે.
0 0 0 

No comments:

Post a Comment