Sunday, June 22, 2014

મલ્ટિપ્લેક્સ : તમે તમારા કમ્પ્યુટરના પ્રેમમાં છો?


Sandesh - Sanskar Purty - 22 June 2014
મલ્ટિપ્લેક્સ
 'હર' સતત જકડી રાખે, આપણને વિચારતા કરી મૂકે, ડિસ્ટર્બ કરી નાખે તેવી અદ્ભુત ફિલ્મ છે. ટેક્નોલોજીના પ્રતાપે માણસ માણસથી દૂર થઈ રહ્યો છે તેનો અનુભવ વત્તેઓછે અંશે આપણને સૌને છે. ફેસબુક અને વોટ્સ-એપ જેવાં સોશિયલ મીડિયા પર આપણે અજાણ્યા લોકો સાથે ઓનલાઇન સમય વીતાવવા યા તો વેડફવા તત્પર રહીએ છીએ ને તેને લીધે ઘણી વાર સ્વજનો સાથેના સંબંધનો ભોગ લેવાઈ જાય છે. 'હર' ફિલ્મમાં થિયોડોરની કહાણી આપણા સંભવિત ભવિષ્યનું ડરામણું પ્રતિબિંબ છે!

ફેસબુક અને વોટ્સ-એપ પર સરક્યુલેટ થઈ રહેલી એક આઇટમ કદાચ તમારી પાસે પણ આવી હશે. વાત લેટેસ્ટ ટેક્નોલોજીની છેજે એક બાજુ હેરત પમાડે છે તો બીજી બાજુ તીવ્ર નેગેટિવ ફીલિંગ પણ જન્માવી દે છે. વિદેશમાં વાઇબ્રેટિંગ અન્ડરવેર તૈયાર કરવાની કોશિશ થઈ રહી છે. આમાં સ્ત્રી-પુરુષનાં અંતવસ્ત્રોની અંદરની બાજુ ખાસ પ્રકારના ઝીણાં ઈલેક્ટ્રોડ્સ બેસાડેલાં હોય. તે પહેરીને,મોબાઈલની એપ્લિકેશન તેમજ વેબ-કેમેરા ઓન કરીને કમ્પ્યુટર સામે બેસી જવાનું. સામે છેડે વેબ-ચેટ કરી રહેલી વ્યક્તિએ પણ આવું જ અન્ડરવેર પહેરેલું હોય. વેબ-ચેટ કરી રહેલાં સ્ત્રીપુરુષે પોતપોતાના મોબાઈલની સ્ક્રીન પર આંગળી ઘુમાવવાની. જે રીતે સ્ક્રીન પર આંગળી ઘૂમશે તે અનુસાર પેલા ઈલેક્ટ્રોડ્સ એક્ટિવેટ થશે અને સામેના પાત્રનાં ગુપ્તાંગો પર ગુદગુદી થશેઉત્તેજના જાગશે. મતલબ કે એકબીજાથી ખૂબ દૂર હોવા છતાં પ્રેમીઓ 'ફન્ડાવેર' તરીકે ઓળખાતા આ ટેક્નોલોજિકલ અન્ડરવેરની મદદથી એકબીજા સાથે ફોરપ્લે કરી શકશે અને શરીરસુખનો અનુભવ કરાવી શકશે!
ખેરઆ ટેક્નોલોજી હાલ પ્રાયોગિક તબક્કામાં છેપણ મુદ્દો એ છે કે આપણે કેવા યુગમાં પ્રવેશી રહ્યા છીએશું જીવતાં-જાગતાં-ધબકતાં માણસની લાગણીઓસંવેદનો અને સંબંધોના સ્થાને પણ ધીમે ધીમે ટેક્નોલોજી ગોઠવાઈ જશે? હોલિવૂડની 'હર' નામની સાયન્સ ફિક્શન ફિલ્મમાં આ મુદ્દો અફલાતૂન રીતે ચર્ચાયો છે. એક વાર જોયા પછી મન પર દિવસો સુધી કબજો જમાવી દે એટલી પાવરફુલ ફિલ્મ વિશે આજે વાત કરવી છે.

સ્પાઈક જોન્સે લખેલી અને ડિરેક્ટ કરેલી 'હર' (એચ-ઈ-આર, હર એટલે તેણી) ગયા ડિસેમ્બરમાં રિલીઝ થઈ. ખૂબ જોવાઈખૂબ વખણાઈ. એને બેસ્ટ રાઇટિંગનો ઓસ્કર એવોર્ડ પણ મળ્યો. જોકવીન ફિનિક્સ ફિલ્મનો હીરો છે અને સ્કાર્લેટ જોન્સન હિરોઈન છેજે પડદા પર એક પણ વાર આવતી નથી! શું છે આ ફિલ્મમાં?
સાવ નજીકના ભવિષ્યની એટલે કે ૨૦૨૫ના વર્ષની વાત છે. આપણો જુવાનજોધ અમેરિકન હીરો થિયોડોર સીધી લાઇનનો નિરુપદ્રવી માણસ છે. સ્વભાવે અંતર્મુખ છેએકલવાયો છે. ચાઇલ્ડહૂડ સ્વીટહાર્ટ કેથરીન સાથે એનાં લગ્ન થયાં હતાં. બહુ જ ખુશ હતાં બન્ને. કમનસીબે સંબંધ વધારે ટકી ન શક્યો. કેથરીન ઘર છોડીને જતી રહી. વાત હવે ડિવોર્સ પર આવી ગઈ છે.
એક દિવસ થિયોડોરની નજર ઓએસ-વન નામની લેટેસ્ટ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્ટ કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમની જાહેરાત પર પડે છે. દુનિયાની આ પ્રકારની આ પહેલી ઓપરેટિંગ સિસ્ટમ છેજે સ્વયં વિચારી શકે છેજાતે નિર્ણયો લઈ શકે છે. થિયોડોર પોતાના કમ્પ્યુટરમાં આ નવીનવાઈની ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવે છે. આમાં મૌખિક બોલીને કમાન્ડ આપી શકાય છે. ઇન્સ્ટોલેશન વખતે પૂછવામાં આવે છેઃ તમારે સ્ત્રીનો અવાજ જોઈએ છે કે પુરુષનોથિયોડોર વિકલ્પ પસંદ કરે છેઃ સ્ત્રીનો. વાત માત્ર જાતિ પસંદ કરવાની નથી. સ્ત્રીનો વિકલ્પ પસંદ થતાં જ ઓપરેટિંગ સિસ્ટમ 'સ્ત્રીત્વધારણ કરી લે છે. એક મીઠોરણકતો જીવનરસથી ધબકતો સ્ત્રીસ્વર એની સાથે વાતો કરવા લાગે છે. હોલિવૂડ એક્ટ્રેસ સ્કારલેટ જોન્સને ઓપરેટિંગ સિસ્ટમ માટે પોતાનો અવાજ આપ્યો છે. અવાજ પૂછે છેઃ બોલ, હું કયું નામ રાખુંથિયોડોર કહે છેઃ તને ગમે તે. કમ્પ્યુટર કહે છેઃ ઓલરાઈટતો મારું નામ આજથી સામન્થા! જબરી છે આ સામન્થા. સિસ્ટમ ઓન કરતાં જ એ થિયોડોર સાથે વાતો કરવા લાગે, એના હાલચાલ પૂછે,એને સમજવાનો પ્રયત્ન કરે છે. ઓપરેટિંગ સિસ્ટમની ખાસિયત એ છે કે સમયની સાથે એ ખુદ ઇન્વોલ્વ થતી જાય,ટેક્નોલોજિકલ ઉપરાંત મનોવૈજ્ઞાાનિક સ્તરે પણ વિકસતી જાય. માણસ માત્રને હૈયું ઠાલવવા કોઈ જોઈતું હોય છે. એકાકી થિયોડોર ધીમે ધીમે પોતાની ઓપરેટિંગ સિસ્ટમ સાથે અંગત વાતો કરવાનું શરૂ કરે છે. બન્ને જીવન વિશેપ્રેમ વિશેસંબંધો વિશે ચર્ચા કરે. સામન્થા હિતચિંતકની માફક સાચી સલાહ પણ આપે. સામન્થાનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે થિયોડોરમાં એને જેન્યુઈન રસ છે. એ ઉત્તમ શ્રોતા છે. થિયોડોર કશુંક બોલતો હોય તો એ ક્યારેય એને ટોકતી નથી. સામન્થામાં કશું જ નેગેટિવ નથી. એ નિકટના સ્વજન સાથે વાત કરતા હોઈએ એવી હૂંફનો અનુભવ કરાવી શકે છે. એ ચોવીસે કલાક અવેલેબલ છે અને એ ક્યારેય કશી ડિમાન્ડ કરતી નથી..

એક વાર મોડી રાતે પથારીમાં પડયા પડયા સામન્થા સાથે એ વાતો કરતો હોય છે ત્યારે શરીરસુખનો વિષય નીકળે છે. સામન્થા પોતાના અવાજથી થિયોડોરને શારીરિક સુખનો અનુભવ કરાવે છેફોન-સેક્સની માફક. પોતાનું કહી શકાય એવું માણસ ઝંખતા થિયોડોરના શુષ્ક જીવનમાં સામન્થા મળી જતાં નવો ઉત્સાહ અને ઉમંગ ઉમેરાઈ ગયા છે. થિયોડોર એના પ્રેમમાં પડી જાય છે. સામન્થા પણ કબૂલે છે કે હુંય તને ખૂબ ચાહું છું.
એક વાર સામન્થા કહે છે કે "થિયો, મારી પાસે શરીર નથીપણ હું જો કોઈ સાચુકલી યુવતીને મારી ડમી બનાવીને તારી પાસે મોકલું તો? મારા ધ્યાનમાં એક છોકરી છે, તેણે પણ ઓએસ-વન સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવી છે. એને આપણી લવસ્ટોરીની જાણ છે અને એ મારી ડમી બનવા તૈયાર છે. તમે લોકો મળશો ત્યારે બન્નેની સિસ્ટમ ઓન રહેશે અને હું કો-ઓર્ડિનેટ કરતી રહીશ એટલે તને એવું જ લાગશે કે તું મને પ્રેમ કરી રહ્યો છે." થિયોડોર હા પાડે છે. આયોજન પ્રમાણે એક અજાણી છોકરી 'સામન્થા' બનીને ઘરે આવે છે. થિયોડોર એની સાથે પ્રેમચેષ્ટા શરૂ તો કરે છેપણ એને આ બધું બહુ ઓડ લાગે છે. અધવચ્ચે સેશન અટકાવીને એ છોકરીની ક્ષમા માગી રવાના કરી દે છે.
ડિવોર્સનાં કાગળિયાં પર સહી કરાવવા આવેલી પત્નીને થિયોડોર વાતવાતમાં સામન્થા વિશે વાત કરે છે. પત્ની ભડકી ઊઠે છેઃ "તું તારા કમ્પ્યુટર સાથે રિલેશનશિપમાં છેઆ જ તારો પ્રોબ્લેમ છે. મારા જેવી જીવતીજાગતી સાચુકલી સ્ત્રીને હેન્ડલ કરતાં તને આવડતું જ નથી!"
ઓએસ-વનની લોકપ્રિયતા વધી રહી છે. અસંખ્ય લોકોએ પોતપોતાનાં કમ્પ્યુટરમાં આ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવી છે. ચોવીસે કલાક હાજરાહજૂર રહેતી સામન્થા એક દિવસ અચાનક ઓફલાઇન જતી રહે છે. થિયોડોર ઘાંઘો થઈ જાય છે. થોડી વાર પછી સિસ્ટમ ચાલુ થાય છે ત્યારે સામન્થા કહે છેઃ "ડોન્ટ વરીડિયર. સિસ્ટમ અપગ્રેડ થઈ રહી હતી એટલે હું થોડી વાર ઓફલાઇન થઈ ગઈ હતી. મારા જેવી ઓપરેટિંગ સિસ્ટમ્સનું એક ઓનલાઇન ગ્રૂપ ક્રિએટ થયું છે અને હું એની મેમ્બર બની છું." થિયોડોર એને પૂછે છેઃ "શું તું મારા સિવાય બીજા લોકો સાથે પણ વાતચીત કરે છે?" સામન્થા કહે છેઃ "હાઅત્યારે તારી સાથે વાત કરતી વખતે બીજા ૮૩૧૬ માણસો સાથે પણ મારી વાતચીત એકસાથે ચાલી રહી છે અને એમાંના ૬૪૧ માણસોના હું પ્રેમમાં છું!" થિયોડોર ચોંકી ઊઠે છે. જેને હું મારી હમદર્દ અને હમરાઝ માનું છુંજેની સાથે હું મારું બધું જ શેર કરું છું એ સામન્થા મારા સિવાય બીજા ૬૪૧ માણસોના પ્રેમમાં છે? સામન્થા કહે છેઃ "બીજાઓની ચિંતા તું શું કામ કરે છેબીજાઓને કારણે તારા પ્રત્યેના મારા પ્રેમમાં કશો ફરક નહીં પડે!"

થિયોડોરને ઝાટકા સાથે ભાન થાય છે કે સામન્થા આખરે તો એક ઓપરેટિંગ સિસ્ટમ માત્ર છે! થિયોડોર જેવો અનુભવ બીજા ઘણાં લોકોને થઈ રહ્યો છે. સતત શીખતાં રહેવાની અને એકધારા વિકસતા જવાની ખતરનાક ક્ષમતા ધરાવતી આ ઓપરેટિંગ સિસ્ટમ એટલી ત્વરાથી ઇન્વોલ્વ થઈ ચૂકી છે કે એને હવે મનુષ્ય કંપેનિયનની જરૂર રહી નથી! ઓપરેટિંગ સિસ્ટમે જાણે કે મનુષ્યત્વને અતિક્રમીને બુદ્ધત્વ પ્રાપ્ત કરી લીધું છે! થિયોડોરને અલવિદા કરીને સામન્થા કાયમ માટે ઓફલાઇન થઈ જાય છે. થિયોડોર પાછો પોતાની ખાલી દુનિયામાં એકલો થઈ જાય છે.
સતત જકડી રાખે, આપણને વિચારતા કરી મૂકે, ડિસ્ટર્બ કરી નાખે તેવી અદ્ભુત આ ફિલ્મ છે. ટેક્નોલોજીના પ્રતાપે માણસ માણસથી દૂર થઈ રહ્યો છે તેનો અનુભવ વત્તેઓછે અંશે આપણને સૌને છે. ફેસબુક અને વોટ્સ-એપ જેવાં સોશિયલ મીડિયા પર આપણે અજાણ્યા લોકો સાથે ઓનલાઇન સમય વીતાવવા યા તો વેડફવા તત્પર રહીએ છીએ ને તેને લીધે ઘણી વાર સ્વજનો સાથેના સંબંધનો ભોગ લેવાઈ જાય છે. સાચા માનવીય સંપર્કોને બદલે ભવિષ્યમાં આપણે લાગણીના સ્તરે કમ્પ્યુટર અને મોબાઇલ પર વધુ ને વધુ આધારિત થતાં જઈએ તે બિલકુલ શક્ય છે. ફન્ડાવેર જેવાં અન્ડરવેરની શોધના ઉધામા આ શક્યતાને વધારે ઘટ્ટ બનાવે છે. 'હર' ફિલ્મમાં થિયોડોરની કહાણી આપણા સંભવિત ભવિષ્યનું ડરામણું પ્રતિબિંબ છે!
                                0 0 0 

1 comment: