Wednesday, May 14, 2014

ટેક ઓફ : ડિપ્રેશનનો વિરોધી શબ્દ હેપીનેસ નહીં, જીવંતતા છે!

Sandesh - Ardh Saptahik Purti - 14 May 2014


ટેક ઓફ 
"મને હવે મારું ડિપ્રેશન ગમવા લાગ્યું છે, કેમ કે એના લીધે હું પોઝિટિવ લાગણીઓની કિંમત કરતાં શીખ્યો છું. ખુશાલીની પળ આવે ત્યારે હું એને છોડતો નથી, એને કચકચાવીને પકડી લઉં છું,ભરપૂરપણે દિલથી માણી લઉં છું. ડિપ્રેશનની આ બહુ મજાની સાઈડ ઈફેક્ટ છે."


 ટેડ ટોક્સ એક એવો ખજાનો છે જેમાં વિશ્વનાં શ્રેષ્ઠ દિમાગોનો અર્ક સંગ્રહાયેલો છે અને જેના ઓનલાઈન દરવાજા ટ્વેન્ટિફોર-બાય-સેવન ખુલ્લા રહે છે. આ ખજાનામાંથી એન્ડ્રયુ સોલોમન નામના આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામેલા એક લેખકની ટોક બહાર કાઢીને એ વિશે વાત કરવી છે. તેમણે ખાસ કરીને વર્લ્ડ પોલિટિક્સ અને હ્યુમન સાઇકોલોજી પર વિશેષ લખ્યું છે. 'અ નૂન-ડે ડેમનઃ અન એટલાસ ઓફ ડિપ્રેશન' નામનું એમનું પુસ્તક ખૂબ વખણાયું છે. ચોવીસ ભાષાઓમાં એનું ભાષાંતર થયું છે. અમેરિકા અને ઈંગ્લેન્ડ બન્ને દેશોની નાગરિકતા ધરાવતા આ પચાસ વર્ષીય લેખક ડિપ્રેશન પર વક્તવ્યો આપવા દુનિયાભરમાં ઊડાઊડ કરે છે.

માનસિક પીડાની જુદી જુદી તીવ્રતા સૂચવતા શબ્દોની તંગી ગુજરાતીની માફક અંગ્રેજીમાં પણ છે. સાદી ભાષામાં કહીએ તો ડિપ્રેશન એટલે ઉગ્ર માનસિક તાણ. એન્ડ્ર્યુ સોલોમન સ્વયં ભયાનક ડિપ્રેશનમાંથી પસાર થઈ ચૂક્યા છે. સંપૂર્ણપણે મુક્ત તો હજુય થયા નથી. એમને અગાઉ લાગતું પોતે નર્કની યાતના સહેવી પડે તો પણ તૂટે નહીં એવા મજબૂત મનના માણસ છે. અઠ્ઠાવીસ-ત્રીસ વર્ષની ઉંમરે એમના પર એકસાથે બે મોટાં દુઃખ આવી પડયાં. એક બાજુ મા મૃત્યુ પામી તો બીજી બાજુ પ્રેમસંબંધનો અંત આવ્યો. સમયની સાથે દુઃખ હળવું થવું જોઈતું હતું. એવું ન બન્યું. ત્રણેક વર્ષમાં એવી સ્થિતિ આવી ગઈ કે જે બાબતોમાં અત્યાર સુધી ખૂબ રસ પડતો હતો એમાંથી પણ મન ઊઠવા લાગ્યું. સમજાતું નહોતું કે કેમ આવું થાય છે. કોઈની સાથે વાત કરવાનું મન ન થાય, ડાઈનિંગ ટેબલ પર જમવા બેસવું હોય તો પણ જાણે પહાડ ચડવાનો હોય એટલું ટેન્શન થઈ જાય. ઉચાટની સ્થિતિ તીવ્રતર બનતી ગઈ. એન્ડ્ર્યુ કહે છે કે આપણે ચાલતાં ચાલતાં ઓચિંતા ઠેસ લાગે ને ધડામ કરતાં ઊંધા મોંએ પટકાઈએ ત્યારે પછડાટની એ અડધી-એક સેકન્ડ દરમિયાન જમીન ભયાનક ઝડપથી આપણા ચહેરા સામે ધસી આવતી દેખાય. આપણો જીવ અધ્ધર ચડી જાય. કલ્પના કરો, આ જીવ અધ્ધર ચડી જવાની, ભયની અનુભૂતિ અડધી-એક સેકન્ડમાં પૂરી થઈ જવાને બદલે કલાકો સુધી, દિવસો અને ક્યારેક મહિનાઓના મહિનાઓ સુધી ખેંચાયા કરે તો?
"હું લાગલગાટ છ મહિના સુધી આવી સ્થિતિમાં રહ્યો," એન્ડ્ર્યુ કહે છે, "મને એ પણ સમજાતું નહોતું કે હું કઈ વસ્તુથી સતત ડર્યા કરું છું. ધીમે ધીમે સ્થિતિ એટલી દર્દનાક બનતી ગઈ મને થવા લાગ્યું કે આ રીતે રીબાવા કરતાં મરી જવું સારંુ, પણ પછી મને સ્વજનોનો વિચાર આવતો. હું આત્મહત્યા તરફ આગળ વધતાં અટકી જતો. એક સવારે ઊંઘ ઊડી ત્યારે મારું આખંુ શરીર સજ્જડ થીજેલું હતું. મને થયું કે હાર્ટએટેક આવ્યો કે શું. આંગળી પણ હલે નહીં. કોઈની મદદ માટે ફોન કેવી રીતે કરવો? ચાર કલાક સુધી આ જ હાલતમાં પડયો રહ્યો. આખરે ફોન રણક્યો ત્યારે ગમે તેમ કરીને એને હાથમાં લીધો. સામે છેડે મારા ફાધર હતા. મેં કહ્યું,મને કંઈક થઈ ગયું છે, જલદી કંઈક કરો."
Andrew Solomon

બીજા દિવસથી દવાદારૃ શરૃ થઈ ગયાં. પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડી, પણ એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે એન્ડ્ર્યુ સોલોમને ડિપ્રેશન પર અંકુશ રાખવા હવે આખી જિંદગી સાઇકિયાટ્રિસ્ટે આપેલી દવા ખાધા કરવી પડશે. પોતે મજબૂત મનના માણસ છે એ માન્યતા તો ખંડિત થઈ જ ચૂકી હતી, પણ એ સિવાય પણ પોતાની જાત વિશે કેટલાંય પ્રશ્નો ઊભા થઈ ગયા હતાઃ શું હું 'હું' તો જ રહી શકીશ જો આ ગોળીઓ ગળતો રહીશ? અને ધારો કે ગોળી ખાવાનું બંધ કરું તો શું કેમિકલ લોચાને કારણે મારું આખું વ્યક્તિત્વ બદલાઈ જશે? આ કેમિકલ પ્રોબ્લેમ છે કે સાઇકોલોજિકલ પ્રોબ્લેમ છે? આનો ઉકેલ મેડિકલ સાયન્સ પાસે છે કે અધ્યાત્મ પાસે? "પછી મને સમજાયું કે માણસજાતે આ બેમાંથી એકેય ક્ષેત્રમાં હજુ સુધી એટલી પ્રગતિ નથી કરી કે આ સવાલોના પૂરા અને સાચા જવાબો આપી શકે," એન્ડ્ર્યુ કહે છે, "મને એ પણ સમજાયું કે સંભવતઃ ડિપ્રેશન આપણાં મૂળિયાં સાથે વણાઈ ચૂક્યું હોય છે અને આપણાં વ્યક્તિત્વ કે લક્ષણોથી અલગ પાડી શકાતું નથી."
એન્ડ્ર્યુ નોંધે છે કે માનસિક રોગોની જે રીતે ટ્રીટમેન્ટ થાય છે તે ઘણી વાર આઘાતજનક હોય છે. આ ટ્રીટમેન્ટ બહુ મોંઘી હોય છે,બિનઅસરકારક પણ નથી. જાતજાતની સાઈડ ઈફેક્ટસ તો લટકામાં. આમ છતાંય પચાસ વર્ષ પહેલાં માનસિક ઉપચારની જે હાલત હતી એના કરતાં આજે ઘણી સારી હાલત છે. અલબત્ત, પચાસ વર્ષ પછી આજનું ઉપચારતંત્ર અણઘડ પુરવાર થશે તે પણ હકીકત છે.
ખેર, ડિપ્રેશનમાંથી બહાર આવ્યા પછી લેખકે આ બીમારીને સમજવા માટે ઉદ્યમ શરૃ કર્યો. ડિપ્રેશનમાંથી પસાર થઈ ચૂકેલા અને થઈ રહેલા અસંખ્ય લોકોના ઈન્ટરવ્યૂ કર્યા. એમને એ સમજવું હતું કે અમુક લોકો ડિપ્રેશનમાં ટકી જાય છે ને અમુક લોકો તૂટી જાય છે. આવું કેમ? મેગી રોબિન્સ નામની એક મહિલા કોલેજમાં હતી ત્યારથી મંદ ડિપ્રેશનથી પીડાતી હતી. ધીમે ધીમે ડિપ્રેશન વધતું ગયું. કેટલાંય વર્ષ સાઇકિયાટ્રિસ્ટે આપેલી દવા ખાઈ ખાઈને પસાર કર્યાં. આખરે એક વાર દવા ન લઈએ તો શું અસર થાય છે તે જોવાનું નક્કી થયું. પરિણામ અત્યંત ખરાબ આવ્યું. અગાઉ ક્યારેય નહોતો આવ્યો એવા જબરદસ્ત ડિપ્રેશનનો અટેક આવી ગયો. દિવસોના દિવસો સુધી એ રૃમમાંથી બહાર ન નીકળે. સતત આત્મહત્યાના વિચારો આવ્યા કરે, પણ આજે મેગી રોબિન્સ સારાં કવયિત્રી છે. ખુદ એક ક્વોલિફાઇડ સાઇકોથેરાપિસ્ટ છે અને બીજાઓના ઈલાજ કરે છે. જી, બિલકુલ. ગમે તેવા ખરાબ ડિપ્રેશનમાંથી પણ બહાર આવી શકાય છે.
એન્ડ્ર્યુ કહે છે કે સ્કિઝોફ્રેનિયાની બીમારી હોય તો કમસે કમ નોર્મલ પળોમાં પેશન્ટને એટલી તો ખબર હોય છે કે એના શરીરમાં જાણે કોઈક અણજોઈતું તત્ત્વ ઘૂસી ગયું છે જેને બહાર ભગાડી દેવાનું છે. ડિપ્રેશનમાં આવું નથી હોતું. એમાં માણસની આંખો પરથી સુખ-આનંદનો પડદો હટી જાય છે. તે પોતાની નગ્ન વિષાદી નજરથી દુનિયાને જોતો રહે છે અને જે દેખાય છે એને જ સાચું માનતો રહે છે (બધા નકામા છે, મતલબી છે, કોઈ મને પ્રેમ કરતું નથી, બધા એક નંબરના ઢોંગી ને જૂઠાડા છે). ડિપ્રેસ્ડ માણસને લાગતું રહે છે કે એને હવે સૌની અસલિયતની, સચ્ચાઈની ખબર પડી ગઈ છે, પણ એન્ડ્ર્યુ કહે છે તેમ, આવા સંજોગોમાં સચ્ચાઈ પણ જૂઠું બોલતી હોય છે.  
વૈકલ્પિક ઉપચારો કરવાથી કે કોઈ પ્રવૃત્તિથી મનને સારું લાગતું હોય તે કરવાનું. પછી એ ભરતગૂંથણ હોઈ શકે, યોગસાધના હોઈ શકે કે બીજું કંઈ પણ. ફ્રેન્ક નામના એક માણસનો કિસ્સો સાંભળવા જેવો છે. ફ્રેન્કને અસાધારણ કહી શકાય એટલી હદે ગંભીર ડિપ્રેશન હતું. દર મહિને ઈલેક્ટ્રિક શોક આપવા પડતા. શોક અપાય તે પછીનું વીક બહુ જ ખરાબ જાય. બીજા વીકથી જરા સારું લાગવા માંડે. ત્રીજા અઠવાડિયે સ્થિતિ પાછી બગડવાની શરૃ થાય ને ચોથા અઠવાડિયે હાલત એવી થઈ ગઈ હોય કે પાછી શોક ટ્રીટમેન્ટ આપવી પડે. આ ચક્ર ચાલ્યા જ કરે. ફ્રેન્ક ત્રાસી ગયો. એને થાય કે આ રીતે જીવવા કરતાં મરવું શું ખોટું. એની દાદીને પણ આ જ બીમારી હતી. એણે તો ખરેખર આત્મહત્યા કરેલી.


ફ્રેન્કને એક વાર સિન્ગ્યુલોટોમી નામની બ્રેન સર્જરી વિશે જાણ થઈ. ફ્રેન્કને થયું કે ડિપ્રેશનમાંથી છુટકારો મળવાના થોડાઘણા પણ ચાન્સ હોય તો સર્જરી કરાવવામાં શું વાંધો છે. એણે સર્જરી કરાવી, જે સફળ થઈ. ફ્રેન્ક ચમત્કારિક રીતે સાજો થવા માંડયો. આજે એ પોતાનાં બીવી-બચ્ચાં સાથે ખુશહાલ જિંદગી જીવે છે. આ કિસ્સામાં નોંધવા જેવી વાત એ છે કે માણસ ભયાનક માનસિક યાતના વચ્ચે પણ આશાને જીવતી રાખી શકે છે અને તેમાંથી બહાર પણ આવી શકે છે.
 ડિપ્રેશન હોય તો એને નકારવું નહીં. હા, હું માનસિક રીતે ખુશ નથી, હું ડિપ્રેસ્ડ છું તે હકીકત સ્વીકારી લેવી. ડિપ્રેશન બીજાઓથી છુપાવવું પણ નહીં. આ બીમારી માણસને અધમૂઓ કરી નાખે છે, એનો સમય ને શક્તિ ખર્ચી નાખે છે. એમાંય જો એને છુપાવ-છુપાવ કરીશું તો બોજ ઔર વધશે, સમસ્યા વકરશે.
એન્ડ્ર્યુ સોલોમન છેલ્લે સરસ વાત કરે છે, "ડિપ્રેશનનો વિરોધી શબ્દ હેપીનેસ નહીં, જીવંતતા છે. મને હવે મારું ડિપ્રેશન ગમવા લાગ્યું છે, કેમ કે એના લીધે હું પોઝિટિવ લાગણીઓની કિંમત કરતાં શીખ્યો છું. આનંદનું કારણ કે ખુશાલીની પળ આવે ત્યારે હું એને છોડતો નથી, એને કચકચાવીને પકડી લઉં છું, ભરપૂરપણે દિલથી માણી લઉં છું. હું હવે રોજ ઊઠીને જીવતા રહેવાનાં, સુખ અનુભવવાનાં કારણો શોધું છું. ડિપ્રેશનની આ બહુ મજાની સાઈડ ઈફેક્ટ છે."

                                                             0 0 0 

No comments:

Post a Comment