Thursday, April 24, 2014

ટેક ઓફ : જા તેરે સ્વપ્ન બડે હો....

Sandesh - Ardh Saptahik Purti - 23 April 2014

ટેક ઓફ 

કવિ દુષ્યંત કુમાર કહે છે કે સુખ બંદૂકમાંથી છૂટેલી ગોળી જેવું છે. એ સનનન કરતું વછૂટશે અને પળવારમાં પોતાનું કામ પતાવીને નિષ્ક્રિય બની જશે. સામે પક્ષે, દુઃખ નવાં જન્મેલાં ચકલીનાં બચ્ચાં જેવું છે. તે તરત નહીં જાય. એને ઊડવાનું શીખીને જતાં રહેવામાં સમય લાગશે...જા તેરે સ્વપ્ન બડે હો.
ભાવના કી ગોદ સે ઉતરકર
જલ્દ પૃથ્વી પર ચલના સીખે.
ચાંદ તારોં સી અપ્રાપ્ય ઊંચાઈયોં કે લિયે
રુઠના મચલના સીખે.
હંસે
મુસ્કુરાએ,
ગાએ.
હર દીયે કી રોશની દેખકર લલચાયે
ઉંગલી જલાયે
અપને પાંવ પર ખડે હો.
જા તેરે સ્વપ્ન બડે હો.

હિન્દી ભાષાના વિખ્યાત કવિ દુષ્યંત કુમારની આ કવિતા છે. દુષ્યંત કુમારની રચનાઓ વાંચતી વખતે જાણે એનર્જીનો ધક્કો લાગે. મન પર ત્વરિત અસર થાય. ભીતરથી પોઝિટિવ-પોઝિટિવ થઈ જવાય. માત્ર ૪૨ વર્ષની ઉંમરે ૧૯૭૫માં દુષ્યંત કુમારનું મૃત્યુ થયું, પણ તેમની સમયાતીત કૃતિઓ હજુ પણ એટલી જ પ્રસ્તુત, એટલી જ અસરકારક છે.

ઉપર નોંધી છે તે કવિતાનું શીર્ષક ભલે 'એક આશીર્વાદ' હોય, પણ ખરેખર તો કવિએ આપણને મોટું સપનું જોવાનો આદેશ આપ્યો છે. નિદ્રામાં જોવાતાં સપનાં આકસ્મિક છે, પણ ખુલ્લી આંખે જોવાયેલાં સપનાં અલગ વસ્તુ છે. આ સપનાં ભૂલી શકાતાં નથી, એ આસાનીથી ખરી પડતાં નથી. મન-હૃદય-બુદ્ધિ-આત્મા દ્વારા તેનો સંપૂર્ણ સ્વીકાર થાય, પૂરેપૂરી સ્પષ્ટતા થઈ જાય એટલે એક જ કામ બાકી રહે છેઃ સપનાને સતત ધબકતું રાખીને સ્વપ્નસિદ્ધિની દિશામાં નિરંતર આગળ વધતાં જવાનું. દુષ્યંત કુમાર લખે છેઃ
જિંદગી ને કર લિયા સ્વીકાર,
અબ તો પથ યહી હૈ.
ક્યા ભરોસા, કાંચ કા ઘટ હૈ, કિસી દિન ફૂટ જાએ,
એક મામૂલી કહાની હૈ, અધૂરી છૂટ જાએ, 
એક સમઝૌતા હુઆ થા રોશની સે, ટૂટ આએ, 
જ હર નક્ષત્ર હૈ અનુદાર,
અબ તો પથ યહી હૈ.
યહ લડાઈ જો કિ અપને આપ સે મૈંને લડી હૈ,
યહ ઘુટન, યહ યાતના, કેવલ કિતાબોં મેં પઢી હૈ,
યહ પહાડી પાંવ ક્યા ચઢતે, ઇરાદો ને ચઢી હૈ
કલ દરીચે હી બનેંગે દ્વાર,
અબ તો પથ યહી હૈ.

સપનાં સાકાર કરવાનો રસ્તો અવરોધોથી ભરપૂર હોવાનો, પણ ઇરાદો મજબૂત હશે તો નાની અમથી બારી પણ મહાદ્વાર બની જશે. દરીચા એટલે નાની ખિડકી. વાત ધ્યેયસિદ્ધિની હોય કે સમગ્ર જિંદગીની, ધાર્યાં ન હોય એવાં દુઃખ અને કલ્પ્યું ન હોય તેવાં સુખ આવ્યાં કરવાનાં. દુષ્યંત કુમારે દુઃખ અને સુખની કેટલી સરસ વ્યાખ્યા કરી છેઃ
દુઃખ કિસી ચીડિયાં કે અભી જન્મે બચ્ચે સા,
કિન્તુ સુખ તમંચે કી ગોલી જૈસા
મુઝકો લગતા હૈ.
આપ ભી બતાયે
કભી આપને ચલતી હુઈ ગોલી કો ચલતે,
યા અભી જન્મે બચ્ચે કો ઉડતે દેખા હૈ?


Dushyant Kumar

સુખ બંદૂકમાંથી છૂટેલી ગોળી જેવું છે. ટ્રિગર દબાયા પછી ગોળી કંઈ ધીમે ધીમે ચાલતી ચાલતી પોતાનાં ટાર્ગેટ સુધી પહોંચતી નથી. એ તો સનનન કરતી વછૂટશે, પળવારમાં પોતાનું કામ પતાવી નિષ્ક્રિય બની જશે. સામે પક્ષે, દુઃખ નવાં જન્મેલાં ચકલીનાં બચ્ચાં જેવું છે. એ તરત ઉડી નહીં જાય. તે સમય લેશે, ધીરજની કસોટી કરશે. સુખનું આયુષ્ય ટૂંકું હોવાનું, જ્યારે દુઃખની આવરદા હંમેશાં વધારે હોવાની. શક્ય છે કે આ બધાંની વચ્ચે પેલું સ્વપ્ન કદાચ થાકી જાય. તેને પ્રિયજનના સહારાની, હૂંફની જરૃર પડે...

મેરે સ્વપ્ન તુમ્હારે પાસ સહારા પાને આયેંગે
ઇસ બૂઢે પીપલ કી છાયા મેં સુસ્તાને આયેંગે
હૌલે-હૌલે પાંવ હિલાઓ જલ સોયા હૈ છેડો મત
હમ સબ અપને-અપને દીપક યહીં સિરાને આયેંગે
રહ-રહ આંખોં મેં ચુભતી હૈ પથ કી નિર્જન દોપહરી
આગે ઔર બઢે તો શાયદ દૃશ્ય સુહાને આયેંગે.

દીપક યહીં સિરાને આયેંગે એટલે સાદી ભાષામાં, જલતા દીવડાને પાણીમાં વહાવીને વિસર્જિત કરીશું. કવિ કહે છે કે આંખો સામે ભલે ધોમધખતી બપોર જેવી ભેંકાર નિર્જનતા ફેલાયેલી હોય, પણ થાકી હારીને બેસી જવાનું નથી. નાહિંમત થયા વગર ચાલતા રહીશું તો જ દૃશ્યો બદલાશે અને સંભવતઃ ખૂબસૂરતી ખૂલતી જશે. આપણને ભ્રમિત કરવા માટે લોકો ખૂબ પ્રયત્ન કરશે, પણ આપણે ચલિત થવાનું નથી. સાંભળોઃ
આજ સડકોં પર લિખે હૈં સૈંકડોં નારે ન દેખ
પર અંધેરા દેખ તૂ આકાશ કે તારે ન દેખ.
એક દરિયા હૈ યહાં પર દૂર તક ફૈલા હુઆ
આજ અપને બાજુઓં કો દેખ પતવારેં ન દેખ.
અબ યકીનન ઠોસ હૈ ધરતી હકીકત કી તરફ
યહ હકીકત દેખ લેકિન ખૌફ કે મારે ન દેખ.
વે સહારે ભી નહીં અબ જંગ લડની હૈ તુઝે
કટ ચૂકે જો હાથ ઉન હાથોં મેં તલવાર ન દેખ.
રાખ કિતની રાખ હૈ, ચારોં તરફ બિખરી હુઈ,
રાખ મેં ચિનગારિયાં હી દેખ, અંગારે ન દેખ.
સફળતા આપણે કલ્પી હતી તે સમયે અને તે સ્વરૃપે ન પણ મળે. લક્ષ્યવેધનું શિડયુલ આપણા હાથમાં હોતું નથી. શક્ય છે કે પૂરેપૂરી મહેનત અને નિષ્ઠા પછીય ધ્યેય દૂર-દૂર સરકતું જાય. આપણું પેશન અકબંધ હોય, પણ આપણા આત્મીયજનો થાકવા માંડે, નાહિંમત થઈ જાય. કદાચ આપણા પર 'નિષ્ફળ'નું લેબલ પણ લાગી જાય. શક્ય છે કે સફળતા અને ઉપલબ્ધિના આપણા માપદંડ અને એમના માપદંડ જુદા જુદા હોય. આવી સ્થિતિમાં દુષ્યંત કુમારની આ વાત પ્રિયજનોએ સમજવાની હોયઃ
મેરી પ્રગતિ યા અગતિ કા
યહ માપદંડ બદલો તુમ,
જુએ કે પત્તે-સા
મૈં અભી અનિશ્ચિત હૂં.
મુઝ પર હર ઓર સે ચોટેં પડ રહી હૈં.
કોપલેં ઉગ રહી હૈં,
પત્તિયાં ઝડ રહી હૈં,
મૈં નયા બનને કે લિએ ખરાદ પર ચઢ રહા હૂં,
લડતા હુઆ
નઈ રાહ ગઢતા હુઆ આગે બઢ રહા હૂં.
અગર ઇસ લડાઈ મેં મેરી સાંસેં ઉખડ ગઈ,
મેરે બાજૂ ટૂટ ગએ,
મેરે ચરણોં મેં આંધિયોં કે સમૂહ ઠહર ગએ,
મેરે અધરોં પર તરંગાકુલ સંગીત જમ ગયા,
યા મેરે માથે પર શર્મ કી લકીરેં ખીંચ ગઈ,
તો મુઝે પરાજિત મત માનના,
સમઝના -
તબ ઔર ભી બડે પૈમાને પર
મેરે હૃદય મેં અસંતોષ ઉબલ રહા હોગા,
મેરી ઉમ્મીદોં કે સૈનિકોં કી પરાજિત પંક્તિયાં
એક બાર ઔર
શક્તિ આજમાને કો
ધૂલ મેં ખો જાને યા કુછ હો જાને કો
મચલ રહી હોગી.
એક ઔર અવસર કી પ્રતીક્ષા મેં
મન કી કંદીલેં જલ રહી હોગી.

દુષ્યંત કુમાર કહે છે કે મારા નામનું નાહી ન નાખો, માત્ર મને જોવાની તમારી દૃષ્ટિ બદલો. મારું સપનું બુઝાયું નથી. મારી ભીતર પેલી આગ હજુય ભડભડે છે. ખરાદ એટલે રંધો મારવાનું યંત્ર. કવિ કહે છે કે હું મારી જાત પર રંધો મારીને જૂની કાંચળી ઉતારી નાખીશ, જૂનું ત્યજીશ, નવું ગ્રહણ કરીશ, શીખીશ. ખરેખર તો પરિણામ કરતાં પ્રક્રિયા વધારે મૂલ્યવાન હોય છે. બધું બદલાતું રહે છે. પરિસ્થિતિઓ, સત્યો, સંબંધો, આપણે પણ બદલાઈએ છીએ. જીવન ગંજીફાનાં પત્તાં જેવું અનપ્રેડિક્ટિબલ છે, પણ આ અનિશ્ચિતતાને લીધે જ જિંદગીનો ચાર્મ જળવાઈ રહે છે ખરું?

0 0 0 

No comments:

Post a Comment