Wednesday, April 2, 2014

ટેક ઓફ : આપણે સૌ પોતપોતાની કરિયરના સીઈઓ છીએ...


Sandesh - Ardh Saptahik Purti - 2 April 2014

ટેક ઓફ 

"એ જમાનો ગયો જ્યારે લોકો આગામી દસ-પંદર વર્ષને ધ્યાનમાં રાખીને કરિયર ડિસિઝન લેતા હતા. દુનિયા ખૂબ ડાયનેમિક બની ગઈ છે. સઘળું ઝડપથી બદલાતું જાય છે. આજે પ્રોફેશનલો પોતાના નેટવર્ક અને સંપર્કોનો ઉપયોગ કરીને જોબ બદલે છે ને પોતપોતાનાં ફિલ્ડમાં આગળ વધતા જાય છે."

મેરિકામાં હમણાં એક સર્વે થયો. વિષય હતો દેશનો સૌથી બેસ્ટ સીઈઓ એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કયો? ટોચની કંપનીઓના સ્ટાફને પૂછવામાં આવ્યું કે તમને તમારો સીઈઓ કેવોક ગમે છે? નંબર વન પર લિન્કડઇન કંપનીના સીઈઓ જેફ વેઇનરનું નામ આવ્યું. લિન્કડઇનના સોએ સો ટકા સ્ટાફ મેમ્બરોએ જેફને ફુલ માર્ક્સ આપ્યા. બીજા નંબરે સીએનએન અને ત્રીજા નંબરે ફોર્ડ મોટરના સાહેબ મુકાયા. ફેસબુકવાળા માર્ક ઝુકરબર્ગનું નામ ટોપ-ટેન સૂચિમાં છેલ્લું આવ્યું.
લિન્કડઇન (LinkedIn) પર આપણામાંથી ઘણા લોકોનાં એકાઉન્ટ હશે. આ એક સોશિયલ નેટર્વકિંગ વેબસાઇટ છે. ફેસબુક અને વોટ્સપની માફક લોકો અહીં ટાઇમપાસ, પંચાત કે બથ્થંબથ્થા કરતા નથી, બલકે પોતે જેમાં કામ કરતા હોય તે ક્ષેત્રના અન્ય લોકો સાથે સંપર્ક વિકસાવે છે. લિન્કડઇન એક પ્રોફેશનલ નેટર્વકિંગ વેબસાઇટ હોવાથી સ્વભાવે તે ગંભીર અને ઠાવકી છે. મે ૨૦૦૩માં તે લોન્ચ થઈ. અગિયાર વર્ષમાં ૨૦૦ દેશોમાં એના યુઝર્સની સંખ્યા લગભગ ૨૬ કરોડ જેટલી થઈ ગઈ છે. સૌથી વધારે યુઝર્સ નેચરલી અમેરિકાના છે. બીજા નંબરે આપણે ભારતીયો છીએ.
આજે લિન્કડઇનના સ્થાપક અને ચેરમેન રીડ હોફમેનની વાત કરવી છે. આ ૪૬ વર્ષીય કેલિફોર્નિયાવાસી આજની તારીખે ૩.૫ બિલિયન ડોલર એટલે કે ૨૧૧ અબજ રૂપિયા કરતાંય વધારે સંપત્તિ ધરાવે છે. સૌથી ધનિક અમેરિકન્સ, સૌથી વગદાર અમેરિકન્સ વગેરે પ્રકારની જાતજાતની સૂચિઓમાં એમનું નામ ચમકતું રહે છે. વચ્ચે 'ફોર્બ્સ' મેગેઝિનના કવર પર 'સિલિકોન વેલિઝ બેસ્ટ-કનેક્ટેડ બિલિયોનેર' હેડલાઇન સાથે તેઓ ચમક્યા હતા. માર્ક ઝુકરબર્ગ જ્યારે ફેસબુક લોન્ચ કરવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે રીડ હોફમેને એમને આર્થિક મદદ કરેલી. લિન્કડઇનની પહેલાં તેમણે સોશિયલ નેટ નામની ઓનલાઇન ડેટિંગ સાઇટ બનાવી હતી,જે સંભવતઃ દુનિયાનું સૌથી પહેલું ઓનલાઇન સોશિયલ નેટવર્ક હતું. જોકે, તે નિષ્ફળ ગઈ હતી. પછી લિન્કડઇનનું સર્જન થયું જેણે તેમની કિસ્મત પલટી નાખી.
"આજે આપણે સૌ પોતપોતાની કરિયરના સીઈઓ છીએ," રીડ હોફમેન કહે છે, "એ જમાનો ગયો જ્યારે લોકો આગામી દસ-પંદર વર્ષને ધ્યાનમાં રાખીને કરિયર ડિસિઝન લેતા હતા. દુનિયા ખૂબ ડાયનેમિક બની ગઈ છે. સઘળું ઝડપથી બદલાતું જાય છે. આજે પ્રોફેશનલોનું પોતાનું નેટવર્ક છે. પોતાના સંપર્કોનો ઉપયોગ કરીને તેઓ જોબ બદલે છે, પોતે જે ફિલ્ડમાં કામ કરતા હોય તેમાં આગળ વધતા જાય છે."
મોટા આઇડિયાને ઉતારી પાડનારાઓની કમી હોતી નથી. હોફમેનના કિસ્સામાં પણ એવું જ બન્યું. તેમણે લિન્કડઇનનો આઇડિયા વહેતો કર્યો ત્યારે શરૂઆતમાં મિત્રો તૂટી પડયા હતાઃ "ગાંડો થઈ ગયો છે તું? આવી વેબસાઇટ તે કંઈ ચાલતી હશે? લોકો આમાં શું કામ મેમ્બર બને? પહેલા પચીસ-પચાસ મેમ્બરો શું નેટર્વકિંગ કરવાના? રેવન્યુનું શું? ફ્રી વેબસાઇટમાંથી આવક કઈ રીતે ઊભી કરીશ?"
પણ થયું, બધું જ થયું. ખાસ્સી જમાવટ થઈ ગયા પછી ૨૦૧૨માં લિન્કડઇનનો આઈપીઓ (ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ) આવ્યો ને એનો એવો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો કે લોકોની આંખો પહોળી થઈ ગઈ. હોફમેન સરસ વાત કરે છે, "નવી કંપની શરૂ કરવાનું કામ ઊંચા પહાડના શિખર પરથી છલાંગ મારવા જેવું હોય છે. તમે ભયાનક વેગથી નીચે પછડાતા હો, પણ રસ્તામાં તમારે પેરાશૂટ બનાવતા જવાનું હોય છે અને જમીન પર પછડાવાને બદલે તમારે એ જ પેરાશૂટની મદદથી સેફ લેન્ડિંગ કરવાનું હોય છે. કંપની નવી હોય ત્યારે શરૂઆતમાં નાનો અમથો આઇડિયા એક્ઝિક્યુટ કરવા માટે પણ ખૂબ મહેનત કરવી પડે છે." આંત્રપ્રિન્યોરશિપ માટે અથવા કહો કે બિઝનેસમાં નવું સાહસ કરવા જઈ રહેલા લોકો માટે રીડ હોફમેન કેટલાંક સરસ સૂચનો કરે છે! ખરેખર તો વત્તેઓછે અંશે સૌ પ્રોફેશનલોને એમાં રસ પડે તેમ છે. સાંભળોઃ

- પોલિટિક્સ સમજો. ઘણા એક્ઝિક્યુટિવ્સ અથવા તો સિનિયરો કહેતાં હોય છે કે અમારા ઓર્ગેનાઇઝેશનનો માહોલ એટલો બધો સ્વચ્છ છે કે અમારે ત્યાં કોઈ રાજકારણ કરતું જ નથી. હોફમેન કહે છે, "કોઈ બોસ ખરેખર આવું માનતો હોય તો એ નાદાન છે. પોલિટિક્સ એટલે શું? પાવરફુલ પોઝિશન પર બેઠેલા માણસની આસપાસ ચાલતી ગતિવિધિ. જો તમે કંપનીમાં વગદાર હોદ્દા પર બેઠા હો અને તમને પોલિટિક્સ દેખાતું ન હોય તો એનો સાદો અર્થ એ થયો કે તમારી કંપનીમાં સૂક્ષ્મ સ્તરે શું ચાલી રહ્યું છે એની તમને સમજ નથી."
- જલદી નિષ્ફળ જાઓ, વિરોધાભાસી લાગે તેવી આ વાત છે. હોફમેન કહે છે કે કામનું જે પાસું તમને સૌથી ભયાનક લાગતું હોય,અમુક બાબતમાં તમને મરવાના છો તે લગભગ નક્કી જ હોય તો એ કામ સૌથી પહેલાં કરો. ઊંધે મોંએ પછડાવાનું નિશ્ચિત હોય તો જલદી પછડાઓ અને ફટાફટ ઊભા પણ થઈ જાઓ. જલદી નિષ્ફળ જવાનું સૂચન કરીને હોફમેન ખરેખર તો જલદી સફળ થાઓ એમ જ કહેવા માગે છે. ધીમે ધીમે નિષ્ફળ જવા કરતાં ફટાફટ નિષ્ફળ જવું સારું. નવું સાહસ શરૂ કર્યું હોય તો સૌથી કઠિન એરિયા પારખી લો, એનો સૌથી પહેલા સામનો કરો, પડો, આખડો, લોહીલુહાણ થાઓ, શીખો. પછી ધૂળ ખંખેરી, ઉકેલ શોધી ઊભા થઈ જાઓ ને સફળતાના માર્ગ પર ઝપાટાભેર ચાલવા માંડો.
નવી નવી કંપનીમાં પૂરતા માણસો ન હોય એટલે એક સાથે દસ ઘોડા પર સવાર થવું પડતું હોય છે. આવી સ્થિતિમાં પ્રાયોરિટીમાં ગરબડ થઈ જવી સ્વાભાવિક છે. હાથ પર એક કામ લીધું હોય, પણ નજર બીજા કામ પર હોય અને મનમાં કંઈક ત્રીજું જ કામ ઘુમરાતું હોય. હોફમેન કહે છે કે આનાથી બચવું. જે કોઈ કામ હાથમાં લીધું હોય તેમાં સંપૂર્ણપણે એકાગ્ર રહેવું. સૌથી મોટા પડકાર પહેલા ઝીલવા, પછી બીજી બાબતો તરફ વળવું.
- કોઈ સમસ્યા આવી પડે ત્યારે અટકીને ઊભા રહી જવાને બદલે તાત્કાલિક સોલ્યુશન શોધી કાઢવું. પછી ભલે તે સોલ્યુશન કામચલાઉ કેમ ન હોય. કાયમી ઉકેલ માટે સોચ-વિચાર અને સાથીઓ સાથે ચર્ચા પછી સમય મળે ત્યારે કરજો, પણ હાલપૂરતો ફટાફટ કામચલાઉ નીવેડો લાવી દો. ક્યારેક પ્રથમ પ્રતિક્રિયારૂપે લેવાયેલો નિર્ણય શ્રેષ્ઠ હોય છે. શક્ય છે કે પછી તમને ડિસિઝન બદલવાની જરૂર ન પણ લાગે.
- મહત્ત્વના નિર્ણય પર પહોંચવા માટે ડેટા જરૂરી છે, પણ તમારા ડિસિઝનનો આધાર કેવળ આંકડા અને નિર્જીવ વિગતો ન હોઈ શકે. ડેટા ઘણી વાર આખું ચિત્ર પેશ કરતું નથી. એનાથી ગ્રોથ અને પર્ફોર્મન્સનો સળંગ આલેખ જરૂર મળે, પણ વર્તમાન વાસ્તવિકતા કંઈક જુદી હોય તેમ બને. બિઝનેસવર્લ્ડના કેટલાય મોટા નિર્ણયો ડેટાને ધરાર અવગણીને લેવાયેલા હોય છે.
- આપણે સારામાં સારી પ્રોડક્ટ જ લોન્ચ કરીશું તેવો આગ્રહ રાખવો તે સારી વાત છે, પણ સો ટકા પરફેક્શનનો દુરાગ્રહ ન રાખવો. હોફમેન કહે છે કે જો લોન્ચિંગ વખતે જ તમારી પ્રોડક્ટ સર્વાંગ સંપૂર્ણ હોય તો એનો અર્થ એ થયો કે તમે ઓલરેડી વધુ પડતો વિલંબ કરી નાખ્યો છે! ટાઇમિંગ મહત્ત્વનું છે. સુધારાવધારા અને ફાઇન-ટયુનિંગ પછી ક્યાં થઈ શકતું નથી!
આ વાત આખા જીવનને લાગુ પડતી નથી શું? લાઇફ ક્યારેય પરફેક્ટ હોતી નથી અને એનું ફાઇન-ટયુનિંગ છેક સુધી ચાલતું રહે છે...

0 0 0 

2 comments:

  1. Amazing information !!! And I have a humble request for you to start a book review blog.

    ReplyDelete
  2. Ankit Patel, I write a book review column Vanchava Jevu in Chitralekha twice in a month. Unfortunately I have not able to upload those reviews on my blog since quite some time. However, you can scan through achieves and check out "Vanchava Jevu" articles.

    ReplyDelete