Wednesday, December 11, 2013

ટેક ઓફ : સૌમનસ્યઃ અનાદર અને અવિશ્વાસ દુઃખ જન્માવે છે


Sandesh - Ardh Saptahik Purti  - 11 Dec 2013


ટેક ઓફ 

બળદ હંમેશાં નિશ્ચિત માર્ગે જતો હોય છેએ જ રીતે વિચારોના પણ વીસ-પચીસ માર્ગ અથવા તો વિષયો હોય છે. મોટેભાગે મન આ જ રસ્તાઓ પર ભટકતું હોય છે

ક વાર વિનોબા ભાવેને એમના મિત્રે સવાલ કર્યો, "હું કામમાં એટલો બધો વ્યસ્ત રહું છું કે આધ્યાત્મિક ચિંતન માટે સમય ફાળવી શકતો નથી. માની લો કે ગમે તેમ કરીને સમય કાઢું તો એટલું કામ ઓછું થાય છે. આનું શું કરવું?" વિનોબાએ સરસ જવાબ આપ્યો, "ચિત્રકાર ચિત્ર દોરે ત્યારે કેન્વાસની નજીક ઊભો હોય છે, પણ વચ્ચે વચ્ચે એ થોડો દૂર જાય છે, થોડે અંતરથી ચિત્રને નિહાળીને ચકાસે છે કે પોતે જેવી કલ્પના કરી છે એવું જ ચિત્ર બની રહ્યું છે કે કેમ?એ પાછો કેન્વાસ નજીક આવશે ને કામ આગળ ધપાવશે. આધ્યાત્મિક ચિંતનનું પણ એવું જ છે. ચિંતનથી આપણું રોજિંદું કામ ખોરવાય છે કે તેના કારણે કામના સમયમાં કાપ મૂકવો પડે છે એવું વિચારવું યોગ્ય નથી. ચિંતન તો કામને મદદરૂપ બને છે. કામના પ્રવાહમાંથી થોડા અળગાં થઈને પાછા સક્રિય બનવાથી કામ ઊલટાનું વધારે સારી રીતે થઈ શકે છે."
વાત તો ખરી છે. અહીં આધ્યાત્મિક ચિંતન એટલે ધ્યાન, મેડિટેશન. શરીર, મન અને સમગ્ર જીવન માટે ધ્યાન અતિ ફાયદાકારક છે એ હકીકત વૈજ્ઞાનિક રીતે પુરવાર થઈ ચૂકી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે સર્વસ્વીકૃત થઈ ચૂકી છે. વિનોભા ભાવે તો ત્યાં સુધી કહે છે કે જેમ પાણીનું રાસાયણિક સૂત્ર H20 (બે ભાગ હાઇડ્રોજન, એક ભાગ ઓક્સિજન) છે તેમ સારા જીવનનું સૂત્ર M2A છે. મતલબ કે બે ભાગ મેડિટેશન અને એક ભાગ એક્શન યાને કે કામ. વ્યવહારમાં ખેર, આપણે ધ્યાન માટે કામ કરતાં બમણો સમય ન ફાળવી શકીએ, પણ થોડી ઘણી મિનિટો તો જરૂર ફાળવી શકીએ. રાધર, ફાળવવી જોઈએ. થાય છે એવું કે જેવા આપણે પદ્માસન યા તો પલાંઠી વાળીને, ટટ્ટાર થઈને, આંખો બંધ કરીને ધ્યાન કરવા બેસીએ કે મન ઉપાડો લે. છત પર લટકતો પંખો અચાનક ચાલુ થતાં જેમ નીચે વિખરાયેલા કાગળો ચારે બાજુ ઊડાઊડ કરવા માંડે તેમ ધ્યાનમાં બેસતાં જ મનમાં જાતજાતના વિચારો કૂદાકૂદ કરવા માંડે.
"રાત્રે મચ્છરો લોહી પી ગયા. ક્યાંથી આવી જાય છે આટલા મચ્છર ઘરમાં... ઓફિસમાં સાહેબ આજકાલ વાત વાતમાં વડચકાં કેમ ભરે છે?... દૂધવાળાને એક લિટર એક્સ્ટ્રા લાવવાનું કહ્યું તો છે, ઇડિયટને યાદ રહે તો સારું.... લાઇટ બિલ ભરવાનું પાછું રહી ગયું, જો! કાલે છેલ્લી તારીખ હતી... 'બિગ બોસ'માં કોણ આઉટ થયું ગયા શનિવારે?... રૂપલભાભીનો ભાઈ છે તો વેલસેટલ્ડ, પણ ચાંપલી એકતાને ગમશે નહીં.... પીઠ અકળાઈ ગઈ. મેડિટેશનને બદલે અડધો કલાક જોગિંગ કરી લઈએ તો ન ચાલે?..... પેલા પિક્ચરમાં દીપિકા કેટલી હોટ લાગે છે.... રાજુ જુવાન થઈ ગયો છે, ચોરીછૂપીથી પોર્નોગ્રાફિક વેબસાઇટ્સ જોવા લાગ્યો છે... આઇલા! ગીઝરની સ્વિચ ઓફ કરવાની તો રહી જ ગઈ..."
Vinoba Bhave
નિરંકુશ વિચારોને ક્યાં કોઈ સીમાડા નડતા હોય છે. વિનોબા ભાવે એટલા માટે જ કહે છે કે નવું નવું મેડિટેશન કરવાનું શરૂ કર્યું હોય ત્યારે સૌથી પહેલાં તો ચિત્ત ક્યાં ક્યાં ભટકે તે નીરખવું જોઈએ.
વિનોબાનાં ધ્યાન ઉપરનાં પ્રવચનો અને લેખોનો 'મહાગુહામાં પ્રવેશ' નામના પુસ્તકમાં વ્યવસ્થિત સંગ્રહ થયો છે. ગાંધીજીને પિતાતુલ્ય સમજનાર વિનોબા ભાવે મેડિટેશન શીખી રહેલા લોકોને સૂચન કરે છે કે સૌથી પહેલાં તો વિચારોનો પીછો કરો. ધ્યાનની સેશન પૂરી થાય પછી મનમાં જે-જે વિચાર આવ્યા હોય તે બધા જ કાગળ પર ઉતારી લો. આ રીતે દસ-બાર દિવસ ચિત્તના સાક્ષી બનીને મન ક્યાં ક્યાં જાય છે તેનું નિરીક્ષણ કરવું. બળદ હંમેશાં નિશ્ચિત માર્ગે જતો હોય છે, એ જ રીતે ચિત્તના પણ વીસ-પચીસ માર્ગ હોય છે. આપણે કરેલી નોંધ પર નજર ફેરવીશું તો તરત સમજાશે કે મોટેભાગે મન આ જ રસ્તાઓ પર ભટકતું હોય છે. રોજ રોજ મનનો પીછો કરીશું એટલે મન આખરે થાકશે. આ માણસ મારી પાછળ-પાછળ ફરતો રહીને મારા ફોટા પાડયા કરે છે એનો તેને ખ્યાલ આવશે. એને સમજાશે કે આ મનુષ્યજીવ પોતાને મારાથી અળગો માને છે. આખરે મન તે રસ્તાઓ પર જવાનું ઓછું કરી નાખશે. આ સ્થિતિ આવે ત્યારે ચિત્તને કહેવાનું કે અત્યાર સુધી તું ભટકતું હતું, હવે જરા થોભ. આને નિરોધ પ્રક્રિયા કહે છે.
મનથી અળગાં થવાની ક્રિયાને વિનોબા આ યુગની માગ ગણે છે. સાચો નિર્ણય લેવાની તાકાત તો જ આવશે જો આપણે સાક્ષીભાવ કેળવ્યો હશે. વિનોબા પતંજલિ મુનિએ લખેલા ગ્રંથ 'પાતંજલ યોગસૂત્ર'ના ઊંડા અભ્યાસુ છે. પતંજલિ મુનિએ યોગની વ્યાખ્યા આ રીતે કરી છે- 'યોગશ્ચિતવૃત્તિનિરોધઃ' અર્થાત્ ચિત્તની વૃત્તિઓનો નિરોધ તે જ યોગ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ - યોગના આ આઠ અંગ છે. ધ્યાનથી મનનું અને પ્રાણાયામથી પ્રાણનું નિયમન થાય છે.
શુચિતા એટલે સ્વચ્છતા. પતંજલિએ શુચિત્વનાં સાત પરિણામ ગણાવ્યાં છે. બે સ્થૂળ અને પાંચ સૂક્ષ્મ. પહેલું છે સ્વાંગ જુગુપ્સા. આપણે શરીરને સ્વચ્છ કરીએ ત્યારે જ ખબર પડે છે કે તે કેટલું ગંદું છે! આ રીતે શરીર પ્રત્યેની આસક્તિ ઓછી થાય છે. અલબત્ત, શરીર તો તીર્થ છે અને ઈશ્વરનો તેમાં વાસ છે તેથી તેને સ્વચ્છ તો રાખવું જ જોઈએ, પણ સાથે સાથે આંતરિક ગુણોની શુદ્ધિ કરવી અનિવાર્ય છે. બીજું છે, અન્યથી અસંસર્ગ. બીજાઓથી શારીરિક સ્તરે દૂર રહેવું. ચોખ્ખાઈ જાળવવાની આ પણ એક રીત છે. પછી, સત્ત્વશુદ્ધિ. આહાર શુદ્ધ અને માંસમુક્ત હોય તો જ ચિત્તશુદ્ધિ થાય છે. શુચિત્વનું ચોથું પરિણામ છે, સૌમનસ્ય. બહુ સુંદર શબ્દ છે આ. સૌમનસ્ય એટલે ચિત્તની પ્રસન્નતા. સૌમનસ્યનો બીજો અર્થ મિલનસારવૃત્તિ પણ છે.

વિનોબા સરસ વાત કરે છે, "જ્યાં પરસ્પર અનાદર, અવિશ્વાસ હોય છે ત્યાં દુઃખ પ્રગટ થાય છે. વિચારભેદ હોય તોપણ એકમેક માટે આદર રહી શકે છે. આદરભાવ વગર કામ થઈ શકતું નથી. દરેક જીવતા માણસના મનમાં પોતાના માટે આદરભાવ હોવાનો. આપણે જોવું જોઈએ કે કયા ગુણને આધારે સામેનો માણસ ખુદને જીવવાલાયક માને છે. જે ગુણને કારણે એને જીવવામાં આનંદ આવે છે એ ગુણ સારુ આપણને પણ આદર થવો જોઈએ. પ્રથમ તો તે ગુણ ઓળખવો જોઈએ તો જ પછી તેના પ્રત્યે આદર ઊપજી શકે."
એકાગ્રતા પણ શુચિત્વ યાને કે આંતરિક સ્વચ્છતાનું જ એક પરિણામ છે. છઠ્ઠા અને સાતમા ક્રમ પર છે, ઇન્દ્રિયજય અને આત્મદર્શન. પાંચેય ઇન્દ્રિયો પર અંકુશ મેળવી લીધા પછી આત્મદર્શન માટેની યોગ્યતા પ્રાપ્ત થાય છે. આત્મદર્શન એટલે સુખ-દુઃખને સમાન દૃષ્ટિએ જોઈ શકવાની અને એ રીતે મુક્તિ માટે લાયક બનવાની સ્થિતિ અને આત્મદર્શન એ ઈશ્વરદર્શન પહેલાંનો તબક્કો છે!       0 0 0 

2 comments:

  1. ખુબ સરસ લેખ. જે પણ લોકો ધ્યાન તરફ વળવા ઈચ્છતા હોય તેમણે સહજ સમાધિ ધ્યાન ખાસ શીખવું જોઈએ. મારા અંગત અભિપ્રાય મુજબ આર્ટ ઓફ લિવિંગ માં સહજ સમાધિ ધ્યાનમાં જે મનની શાંતિ મળે છે તે અદભુત છે. ઉપરાંત, જો આર્ટ ઓફ લિવિંગ ની સુદર્શન ક્રિયા કર્યા બાદ ધ્યાન કંઈક અલગ જ ઊંડાણમાં લઈ જાય છે. અહીં તેના પર થયેલું રીસર્ચવર્ક શેર કરું છું. http://aolresearch.org/

    ReplyDelete