Tuesday, November 5, 2013

હૉલીવૂડ હન્ડ્રેડ : રહને કો ઘર નહીં, સોને કો બિસ્તર નહીં

Mumbai Samachar - 1 Nov 2013

હૉલીવૂડ હન્ડ્રેડ : મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

સામાન્ય રીતે આપણે પડદા પર દુખિયારી અબળા નારીની દર્દભરી કહાણીઓ જોવા ટેવાયેલા છીએ, પણ 
‘ધ પરસ્યુટ ઑફ હેપીનેસ’માં એક પુરુષની વાત છે. એ સિંગલ પેરેન્ટ છે જે પોતાના દીકરાના સુખસલામતી માટે તેમજ વિખેરાઈ ચૂકેલા પોતાના જીવનને નવી દિશા આપવા માટે સહેજ પણ જુસ્સો ગુમાવ્યા વગર અપાર સંઘર્ષ કરે છે. એકશન હીરો તરીકે પંકાયેલા વિલ સ્મિથે અહીં રડાવી દે તેવો સંવેદનશીલ અભિનય કર્યો છે.
ફિલ્મ ૪૬ - ‘ધ પરસ્યુટ ઑફ હેપીનેસ’

ફિલ્મમાં કે કોઈ પણ કલાકૃતિમાં ઈન-બિલ્ટ પ્રેરણાદાયી તત્ત્વ હોય તે સારી વાત છે. આવી ફિલ્મ કે કલાકૃતિ સત્યકથા પર આધારિત હોય ત્યારે એનું મૂલ્ય ઑર વધી જતું હોય છે. ‘ધ પરસ્યુટ ઓફ હેપીનેસ’ આવી જ એક ફિલ્મ છે.

ફિલ્મમાં શું છે?

ક્રિસ ગાર્ડનર (વિલ સ્મિથ) નામનો એક આફિકન-અમેરિકન પોતાની પત્ની લિન્ડા (થેન્ડી ન્યુટન) અને પાંચ વર્ષના દીકરા ક્રિસ્ટોફર (જેડન સ્મિથ) સાથે સાન ફ્રાન્સિસ્કો શહેરમાં રહે છે. ક્રિસ આમ તો સ્માર્ટ, મહેનતુ અને પરિવારને પ્યાર કરનારો બંદો છે, પણ કોઈ નબળી પળે એનાથી એક એવું બિઝનેસ ડિસીઝન લેવાઈ ગયું છે કે એની આખી જિંદગી વેરવિખેર થઈ ગઈ છે. એણે હાડકાંની ડેન્સિટી માપતા જથ્થાબંધ પોર્ટેબલ સ્કેનર મશીન ખરીદવામાં આખી લાઈફની કમાણી હોમી દીધી છે. ડોક્ટરો પાસે ફરી ફરીને, આ મશીન સાદાં એકસ-રે મશીન કરતાં બહેતર રિઝલ્ટ આપે છે એવું કન્વિન્સ કરાવીને વેચવાનું એનું કામ છે. કમનસીબે ગણતરી ઊલટી પડે છે.

મશીનોનો ઉપાડ ધાર્યા કરતાં ઘણો ધીમો છે. સતત નાણાંભીડની વરવી અસર પતિ-પત્નીના સંબંધ પર પડે છે. લિન્ડા કંટાળીને ન્યુયોર્ક જતી રહે છે. જતાં પહેલાં ક્રિસને સ્પષ્ટપણે કહી દે છે કે હું દીકરાને સાચવી નહીં શકું, એને તારે જ રાખવો પડશે. ક્રિસ પણ જાણે છે કે લિન્ડા કરતાં પોતે વધારે સિંગલ પેરેન્ટ પુરવાર થાય એમ છે. ક્રિસનો નાનો પરિવાર ઓર સંકોચાઈ ગયો છે. ઘરમાં હવે બાપ-દીકરો બે જ છે. સંતાન પ્રત્યેનું એનું કમિટમેન્ટ સંપૂર્ણ છે.એક વાર એનો ભેટા આકસ્મિક રીતે સ્ટજ ટ્વિસલ (બ્રાયન હોવ) સાથે થાય છે. એના થકી શેરબજારની એક કંપનીમાં એને નોકરી મળે છે. છ મહિના વગર પગારે ટ્રેઈની તરીકે કામ કરવાનું ને પછી જો સિલેક્ટ થાય તો સેલરી શરુ. આ કામની સાથે સાથે પેલાં સ્કેનર મશીનો પણ વેચવાનાં છે. બાપડો એટલો બધો સંઘર્ષ કરે છે કે જોઈને દયા આવી જાય. નવી અણધારી તકલીફો ઊભી થતી જ જાય છે. એક તરફ એણે ઘર ખાલી કરવાનું છે ને બીજી બાજુ સરકારી નોટિસ દ્વારા જાણ થાય છે કે એનું બેન્ક અકાઉન્ટ સફાચટ કરી નાખવામાં આવ્યું છે. શા માટે? એણે ઈન્કમ ટેક્સ ભર્યો નહોતો, એટલે.

દીકરા સાથે રસ્તા પર આવી ગયો ત્યારે એના ખિસ્સામાં માત્ર ૩૦ ડોલર છે. બાપ-દીકરાએ સબવે સ્ટેશનના રેસ્ટરુમમાં રાત વીતાવવી પડે છે. રોજ દિવસે પોતે ઓફિસમાં કામ કરતો હોય, દીકરો બેબીસેટિંગમાં હોય, પણ રાત ક્યાં વીતાવવી? ક્રિસ એક ધર્માદાની જગ્યા શોધી કાઢે છે કે જ્યાં સિંગલ મધરને એના સંતાન સાથે મફત આશરો આપવામાં આવતો હોય. દીકરાને અહીં એકલા રાખવામાં ક્રિસનો જીવ ચાલતો નથી. ખબર પડે છે બીજાં એક ચર્ચમાં આશરો મળી શકે છે. અગીં જગ્યા બહુ જ મર્યાદિત છે એટલે બેઘર લોકોની રીતસર લાઈન લાગે છે. સાંજે પાંચ વાગે જેવું કામ પૂરું થાય કે ક્રિસે દોટ મૂકીને દીકરા સાથે લાઈનમાં ઊભા રહી જવું પડે છે.
આ બધાની વચ્ચે ધોળાં હાથી જેવાં પેલાં સ્કેનર મશીનોનો પણ નિકાલ કરતાં જવાનો છે. ક્રિસ માટે આશાનું કિરણ આ નોકરી જ છે. જોકે એની સાથે બીજા અઢાર ટ્રેઈની કામ કરે છે. આ બધામાંથી કોઈ એકને જ જોબ મળવાની છે. ક્રિસ જાણે છે કે મારે કોઈ પણ ભોગે બેસ્ટ પર્ફોર્મન્સ આપવાનું છે, યેનકેન પ્રકારેણ કંપની માટે નવા ક્લાયન્ટ્સ ઊભા કરવાના છે. આટઆટલી હાડમારી છે, પણ ક્રિસનો જુસ્સો બુલંદ છે. એ કોઈની સામે ભુલેચુકેય દુખડા રડતો નથી. ઓફિસમાં કોઈને અંદેશો સુધ્ધાં નથી એ કેવી દયનીય પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. એક વાર એના બૉસ પાસે ટેક્સીવાળાને આપવા માટે પાંચ ડોલર છુટા નહોતા તો ક્રિસ પોતાનાં ગજવામાંથી આપી દે છે. એના માટે પાંચ ડોલર બહુ મોટી રકમ છે, તો પણ.

આખરે ટ્રેઈની પિરિયડ પૂરો થાય છે. ક્રિસને કોન્ફરન્સ રુમમાં બોલાવવામાં આવે છે. એક મેનેજર કહે છે કે અરે વાહ ક્રિસ! તું આજે નવું શર્ટ પહેરીને આવ્યો છેને કંઈ. કાલે પણ આ જ શર્ટ પહેરજે કારણ કે ઓગણીસ ટ્રેઈનીઓમાંથી ફુલટાઈમ જોબ માટે તને પસંદ કરવામાં આવ્યો છે. ક્રિસને છાતી ફાડીને રડવાનું મન થાય છે, પણ આંસુને એ મહામહેનતે આંખોમાં દબાવી રાખે છે. અંધારી કાળી ટનલનો છેડો આવી ગયો છે. હવે ફક્ત સુખી થવાનું છે.

બેબીસીટીંગમાંથી એ દીકરાને તેડી લાવે છે. બાપ-દીકરો હસતા-ખેલતા વાતો કરતા આગળ વધે છે ને અહીં ફિલ્મ પૂરી થાય છે. છેલ્લે સ્ક્રીન પર લખાણ ઝબકે છે કે આગળ જતાં ક્રિસ ગાર્ડનર ખૂબ સફળતા પામીને મલ્ટિ-મિલિયન ડોલર બ્રોકરેજ ફર્મનો માલિક બને છે.


કથા પહેલાંની અને પછીનીઅગાઉ જણાવ્યું તેમ આ સત્યકથા છે. ક્રિસ ગાર્ડનરની સાચુકલી વ્યક્તિએ ૨૦૦૨માં ટ્વેન્ટી-ટ્વેન્ટી નામના મેગેઝિનમાં પોતાની સંઘર્ષકથા વર્ણવતો ઈન્ટરવ્યુ આપ્યો હતો. એને ખૂબ પ્રતિસાદ મળ્યો એટલે ક્રિસે ‘ધ પરસ્યુટ ઓફ હેપીનેસ’ (૨૦૦૬) નામનું આત્મકથનાત્મક પુસ્તક લખ્યું, જે બેસ્ટસેલર સાબિત થયું. ક્રિસને વિચાર આવ્યો કે મારી કહાણીમાં લોકોના હૃદયને સ્પર્શી જાય એવું તત્ત્વ છે તો એના પરથી હોલિવૂડની ફિલ્મ બનવી જોઈએ. પુસ્તકના રાઈટ્સ બીજા કોઈને વેચવાને વેચવાની માથાકૂટ કરવાને બદલે ક્રિસ ખુદ અસોસિયેટ પ્રોડ્યુસર બની ગયા.

મેઈન હીરો વિલ સ્મિથ પણ ફિલ્મના અનેક પ્રોડ્યુસરોમાંનો એક હતો. ક્રિસને ચિંતા હતી કે વિલ જેવો હથોડાછાપ ફિલ્મો કરનારો એકશન હીરો આવું સંવેદનશીલ કિરદાર કેવી રીતે નિભાવી શકશે? આ ચિંતા કંઈ સાવ પાયા વગરની નહોતી. વિલ સ્મિથની ફકત ‘મેન ઈન બ્લેક’ જેવી ફિલ્મો જોનારા આજે પણ ‘ધ પરસ્યુટ ઓફ હેપીનેસ’નું એનું અનોખું રુપ જોઈને ચકિત થઈ જાય છે. ક્રિસના દીકરાની ભુમિકામાં વિલ સ્મિથે પોતાના દીકરા જેડનને કાસ્ટ કર્યો. ઈવન ડિરેક્ટરની પસંદગી પણ વિલ સ્મિથે જ કરી.

Chris Gardner 


ગેબ્રિયલ મુચીનો નામના ઈટાલિયન ડિરેક્ટરની ‘ધ લાસ્ટ કિસ’ અને ‘રિમેમ્બર મી, માય લવ’ નામની ફિલ્મો વિલ સ્મિથને બહુ ગમી ગઈ હતી. એને ખાતરી થઈ ગઈ કે ‘ધ પરસ્યુટ ઓફ હેપીનેસ’ ડિરેક્ટ કરવા માટે આ માણસ પરફેક્ટ છે. સૌથી મોટી કઠણાઈ એ હતી કે ગેબ્રિયલને સરખું ઈંગ્લિશ બોલતા પણ આવડતું નહોતું. પોતાના વિચારો અને વિઝન વ્યક્ત કરવામાં એને ફાંફાં પડતાં હતા. આવા આદમીને કેપ્ટન-ઓફ-ધ-શિપ બનાવતાં બીજા પ્રોડ્યુસરો કેવી રીતે રાજી થાય? પણ વિલ સ્મિથે સૌને કન્વિન્સ કરી લીધા.

ફિલ્મમાં ક્રિસના જીવનની કેટલીક વિગતોમાં ફેરફારો કરવામાં આવ્યા છે. જેમકે, પત્ની છોડીને જતી રહી હતી ત્યારે દીકરો હજુ ભાખોડિયા ભરતો હતો. ફિલ્મમાં એને પાંચ વર્ષનો દેખાડવામાં આવ્યો છે. ફિલ્મના છેલ્લા શોટમાં, કે જ્યારે વિલ સ્મિથ અને દીકરો હસીમજાક કરતા હોય છે ત્યારે અસલી ક્રિસ ગાર્ડનર સુટબુટમાં એન્ટ્રી મારે છે. રીલ અને રિઅલ ક્રિસ એકમેક સામે જુએ છે ને પછી રિઅલ ક્રિસ પસાર થઈ જાય છે.

સામાન્ય રીતે આપણે પડદા પર દુખિયારી અબળા નારીની દર્દભરી કહાણીઓ જોવા ટેવાયેલા છીએ, પણ અહીં એક પુરુષની વાત છે, જે સિંગલ પેરેન્ટ છે અને પોતાના દીકરાની સુખસુવિધા માટે અપાર સંઘર્ષ કરે છે. વિલ સ્મિથે જે રીતે ક્રિસની સ્ટ્રગલ પેશ કરી છે તે રડાવી દે એવી છે. વિલ સ્મિથનો નક્કર અભિનય ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. મજાની વાત એ છે કે ફિલ્મમાં ક્રિસ ખુદ કયારેય પીલુડાં પાડતો નથી. નથી એ ગમને ભુલાવવા દારુ ઢીંચીને ધમાલ કરતો કે નથી પલાયનવાદી બની કોઈના પર દોષારોપણ કરતો. એ ફક્ત પાગલની જેમ મહેનત કરે છે, પોતાની ખુમારી અને જુસ્સો સતત ટકાવી રાખે છે અને આખરે વિજેતા સાબિત થાય છે.

Reel and Real : Will Smith with Chris Gardner


ગજબની મોટિવેશનલ ક્વોલિટી છે આ ફિલ્મમાં. અંગત સંબંધોમાં કે કરીઅરમાં સંઘર્ષ કરી કરીને મન થાકી ગયું હોય ત્યારે આ ફિલ્મ અથવા એનું સ્મરણ એક પ્રકારની તાકાતનો અનુભવ કરાવશે. જરુર જોજો. 000

'બ્લ્યુ-વ્હાઈટ-રૅડ’ ફેક્ટ ફાઈલ 


ડિરેક્શન : ગબ્રિયલ મુચીનો

મૂળ પુસ્તકના લેખક : ક્રિસ ગાર્ડનર

સ્ક્રીનપ્લે : સ્ટીવ કોનરેડ

કલાકાર : વિલ સ્મિથ, જેડન સ્મિથ, થેન્ડી ન્યુટન

રિલીઝ ડેટ : ૧૫ ડિસેમ્બર, ૨૦૦૬

મહત્ત્વના અવોર્ડઝ : વિલ સ્મિથને બેસ્ટ એકટર તરીકે ઓસ્કર અને ગોલ્ડન ગ્લોબ અવોર્ડ્ઝનાં નોમિનેશન્સ

                                         0 0 01 comment: