Wednesday, October 9, 2013

ટેક ઓફ : ફ્રોમ રશિયા વિથ લવ...

Sandesh - Ardh Saptahik Purti - 9 Oct 2013

ટેક ઓફ 

મહાન રશિયન લેખક ફ્યોદોર દોસ્તોયેવેસ્કીના જીવનમાંથી બે વાત શીખવા જેવી છે. એકમાનસિક શાંતિનાં ચીંથરાં ઊડી ગયાં હોય તેવા સંજોગોમાં પણ ઉત્તમોત્તમ કૃતિનું સર્જન થઈ થકે છે અને બીજુંઅત્યંત વિપરીત લાગતા સંજોગોમાં ટકી રહીએ તો જિંદગીને તારી દે એવી મૂલ્યવાન ચીજ સાંપડી શકે છે...

Fyodor Dostoyevsky with wife Anna Grigoryevna Snitkina

ફ્યોદોર દોસ્તોયેવેસ્કી (જન્મઃ ૧૮૨૧, મૃત્યુઃ ૧૮૮૧) વિશ્વ સાહિત્યના સર્વકાલીન શ્રેષ્ઠતમ નામોમાંના એક ગણાય છે. 'ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ' અને 'ધ બ્રધર્સ કોરોમોઝોવ' જેવી અમર કૃતિઓના એ રશિયન લેખક. 'આ પ્રકાશકો લોહી ચૂસી જાય છે' એવો કકળાટ કરતા કે પછી 'કેવી રીતે લખું? માનસિક શાંતિ મળે તો લખુંને!' એવાં બહાનાં બતાવતા લેખકોએ દોસ્તોયેવેસ્કીની કથા ખાસ યાદ રાખવા જેવી છે.
૧૮૬૬નું એ વર્ષ, દોસ્તોયેવેસ્કી એ વખતે ૪૫ વર્ષના હતા. એમની માસ્ટરપીસ ગણાયેલી કૃતિઓ આવવાની હજુ બાકી હતી, પણ એક અત્યંત તેજસ્વી લેખક તરીકે તેઓ પ્રસ્થાપિત થઈ ચૂક્યા હતા. પત્ની મારિયા મૃત્યુ પામી એ વાતને બે વર્ષ વીતી ચૂક્યાં હતાં. એક યુવતી સાથેના અફેર પર પણ પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. કલ્પ્યું ન હોય એવું આર્થિક સંકટ પેદા થઈ ગયું હતું. મોટા ભાઈ મિખાઇલે ગજા બહારનું દેવું કરી નાખેલું. ભાઈનું અણધાર્યું નિધન થતાં એનું દેવું ભરપાઈ કરવાની જવાબદારી દોસ્તોયેવેસ્કીએ સ્વેચ્છાએ પોતાના માથા પર લીધી. રકમ એટલી મોટી હતી કે કેવી રીતે જુગાડ કરવો એ જ સમજાતું નહોતું. અધૂરામાં પૂરું, દોસ્તોયેવેસ્કીને જુગારની લતને કરણે દોસ્તોયેવ્ક્ી ઊલટાના વધારે ગરીબ થઈ ગયા હતા.
સ્ટેલોવસ્કી નામનો પ્રકાશક બેઠો બેઠો આ તાલ જોયા કરતો હતો. એણે દોસ્તોયેવેસ્કીને બોલાવીને કહ્યું, "સાંભળ, હું તારા વતી બધું જ દેવું ચૂકવી દઈને તને આ લેણદારોના ત્રાસમાંથી મુક્ત કરી દઈશ, પણ બદલામાં તારે મારી સાથે કરાર કરવા પડશે." આ ખતરનાક કરારની શરતો શી હતી? દોસ્તોયેવેસ્કીએ પોતાનાં બે આગલાં પુસ્તકોના અધિકાર પ્રકાશકને આપી દેવાના. એક હતું'પૂઅર ફોક' નામની ટૂંકી નવલકથા અને બીજું હતું 'નોટ્સ ફ્રોમ ધ હાઉસ ઓફ ધ ડેડ' જેમાં દોસ્તોયેવેસ્કીએ પોતે વેઠેલા કારમા કારાવાસનાં સંસ્મરણો લખ્યાં હતાં. વત્તા, એક બ્રાન્ડ ન્યૂ નવલકથા લખવાની અને ડેડલાઇન પહેલાં સબમિટ કરી દેવાની. જો ૧ નવેમ્બર, ૧૮૬૬ની ડેડલાઇન ચુકાઈ ગઈ તો દોસ્તોયેવેસ્કીની અત્યાર સુધીની તમામ કૃતિઓના અધિકારો પ્રકાશકના થઈ જાય,જેના પર એમને કશી જ રોયલ્ટી ન મળે. ઉપરાંત દંડરૂપ ભારે રકમ પણ ચૂકવવાની. ધારો કે ડેડલાઇન પછીના એક મહિના દરમિયાન એટલે કે ૧ ડિસેમ્બર, ૧૮૬૬ સુધીમાં નવલકથા સબમિટ ન થાય તો દોસ્તોયેવેયસ્કીનાં ભવિષ્યમાં લખાનારાં તમામ પુસ્તકો પણ પ્રકાશકની સંપત્તિ બની જાય! ટૂંકમાં પોતાનાં કાંડાં કાપીને પ્રકાશક સામે મૂકી દેવાની વાત હતી, પણ દોસ્તોયેવેસ્કી સામે હવે બીજો કોઈ વિકલ્પ નહોતો. એમણે હા પાડી દીધી.
 સમય સડસડાટ પસાર થઈ રહ્યો હતો. ૧૮૬૬ની જાન્યુઆરીથી એક સાહિત્યિક માસિકમાં દોસ્તોયેવેસ્કીએ ધારાવાહિક નવલકથાનું કામ શરૂ કર્યું હતું. આ નવલકથા એટલે 'ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ' જે આગળ જતાં ક્લાસિક તરીકે અમર બનવાની હતી. ઓલ રેડી એક નવલકથા લખવાનું ચાલતું હતું ત્યાં વધારાની બીજી એક નોવેલ લખવાનો બોજો આવી પડયો. એક મિત્રે સલાહ આપી, "તું કાગળ-કલમથી લખવાને બદલે ડિક્ટેશન આપીને લખાવવાનું શરૂ કર, ઝડપ થશે. હું એક શોર્ટહેન્ડ શીખેલી છોકરીને તારી પાસે મોકલું છું, ટ્રાય કરી જો."

થોડા દિવસોમાં એના ગ્રિગોરિએના નામની એક કન્યા દોસ્તોયેવેસ્કીના ઘરના દરવાજે ઊભી રહી. હજુ હમણાં જ ભણવાનું પૂરું કર્યું હતું. ઉંમર માંડ વીસેક વર્ષ. આટલા જાણીતા લેખક સાથે કામ કરવાનો યોગ ઊભો થવાથી એ રોમાંચિત પણ હતી અને થોડી ડરેલી પણ. એના કેવુંક કામ કરી શકે છે એ ચકાસવા તેમણે પોતાના છપાયેલા આર્ટિકલમાંથી એક ફકરો મોટેથી વાંચી સંભળાવ્યો. એના શોર્ટ-હેન્ડમાં લખતી ગઈ. ડિક્ટેશન પૂરું થયું એટલે એનાએ લોન્ગ-હેન્ડમાં લખાણ લખ્યું. દોસ્તોયેવેસ્કી લખાણ તપાસી ગયા. ફક્ત બે નાની ભૂલો રહી ગઈ હતી. એક જગ્યાએ પૂર્ણવિરામ મુકાયું નહોતું અને એક જગ્યાએ કેપિટલ લેટર કરવાનો રહી ગયો હતો. દોસ્તોયેવેસ્કીને સંતોષ થયો.
બીજા દિવસથી નવી નવલકથા લખાવવાનું કામ વિધિવત્ શરૂ થયું. બપોરે બારથી ચાર વાગ્યા દરમિયાન અડધી-અડધી કલાકના ત્રણ ટુકડાઓમાં લેખક મહાશય એનાને ડિક્ટેશન આપે. બાકીના સમયમાં વાતોનાં વડાં કરે. દોસ્તોયેવેસ્કી પાસે વાતોનો ખજાનો હતો. એમની વાત કરવાની શૈલી પણ સામેવાળાને મંત્રમુગ્ધ કરી નાખે એવી. એના ઉત્તમ શ્રોતા હતી. એ રસપૂર્વક વાતો સાંભળે. બુદ્ધિપૂર્વક પ્રશ્નો પૂછે. લેખક પૂછે તો મંતવ્યો પણ વ્યક્ત કરે. દિવસ દરમિયાન શોર્ટ હેન્ડમાં જે કંઈ લખ્યું હોય એ ઘરે જઈને ચીવટપૂર્વક લોન્ગ હેન્ડ એટલે કે સાદી રશિયન લિપિમાં ઉતારીને બીજા દિવસે પોતાની સાથે લેતી આવે. દોસ્તોયેવેસ્કી એ વાંચી જાય. જરૂર પડે તો કરેક્શન કરાવે. "આપણે અત્યાર સુધીમાં કુલ કેટલાં પાનાં લખી નાખ્યાં?" એવો સવાલ કરીને રોજ નવેસરથી પાનાં ગણે. કાગળની થપ્પી મોટી થતી ગઈ તેમ તેમ દોસ્તોયેવેસ્કીના ચહેરા પર નિરાંતનો ભાવ ઘૂંટાતો ગયો. તેમને હવે બોલી-બોલીને લખાવવામાં ફાવટ આવી ગઈ હતી. ક્યારેક એમને એટલું બધું સ્ફૂરે ને એટલું બધું લખાવે કે લોન્ગ હેન્ડવાળાં પાનાં તૈયાર કરવામાં બિચારી એનાની અડધી રાત વીતી જાય. આ રીતે જે નવલકથા લખાઈ રહી હતી તેનું શીર્ષક હતું, 'ધ ગેમ્બલર'. પોતાની સ્મરણકથામાં એનાએ આ બધી વાતો બહુ જ ખૂબસૂરતીથી વર્ણવી છે.
લગભગ સૌને લાગતું હતું કે દોસ્તોયેવેસ્કી ડેડલાઇન ચૂકી જ જવાના. પ્રકાશક તો એ જ ફિરાકમાં બેઠો હતો, પણ 'ધ ગેમ્બલર' ૧ નવેમ્બરની ડેડલાઇન કરતાં ઘણી વહેલી પૂરી થઈ ગઈ. નવલકથા લખાઈ ગઈ એટલે દોસ્તોયેવેસ્કી અને એના બન્નેને તીવ્રતાથી ભાન થઈ રહ્યું હતું કે હવે એકબીજાને મળવાનાં કારણ પર પણ પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. બેયને એકમેકની આદત પડી ગઈ હતી. એનાને ખાલી ખાલી લાગવા માંડયું. દોસ્તોયેવેસ્કી જેવા મેધાવી વ્યક્તિ સાથે આટલો બધો સમય વિતાવ્યા બાદ પોતાની ઉંમરના દોસ્તોની વાતો તેને હવે તદ્દન બાલિશ લાગતી. આ બાજુ દોસ્તોયેવેસ્કીને પણ સમજાઈ રહ્યું હતું કે આ કામઢી અને સંસ્કારી છોકરીએ માત્ર પોતાની નવલકથા પૂરી કરવામાં જ મદદ નથી કરી બલ્કે મને ઇમોશનલ સ્થિરતા પણ આપી છે. બન્નેને એકસાથે સમજાયું કે તેઓ એકમેકના પ્રેમમાં છે. દોસ્તોયેવેસ્કી પ્રેમનો ઇઝહાર કરતા સંકાચાતા હતા. ક્યાં પોતાના જેવો અડધી કરતાં વધારે જિંદગી વિતાવી ચૂકેલો, દેવામાં ડૂબેલો આધેડ આદમી ને ક્યાં એના જેવી સુંદર, સ્વપ્નિલ અને જીવનરસથી હરીભરી યુવતી! પણ એનાએ એમના પ્રેમનો સ્વીકાર કર્યો. બન્ને પરણ્યાં. દોસ્તોયેવેસ્કી જીવ્યા ત્યાં સુધી પ્રેમાળ એનાએ એમને સુખી રાખ્યા.
આ આખા કિસ્સામાંથી ત્રણ વાત શીખવાની છે. એક તો, સાવ તૂટી જવાશે, ખતમ થઈ જવાશે એવું લાગે ત્યારે જ માણસની તમામ શક્તિઓ જાગ્રત થઈ ઊઠતી હોય છે. અત્યંત વિપરીત લાગતા સંજોગોનો જો હિંમતથી મુકાબલો કરીએ તો આ જ પરિસ્થિતિમાંથી કશીક અત્યંત મૂલ્યવાન ચીજ સાંપડી શકે છે. બીજું, ડેડલાઇનથી ડરવાનું નહીં. એક ત્રીજી વાત પણ શીખવાની છે, આસિસ્ટન્ટ રાખવામાં સંકોચાવું નહીં! સહાયક સાથેનો સંબંધ આગળ જતાં કોઈક નવા જ રંગો ધારણ કરી શકે છે. યુ નેવર નો!                                                0 0 0 

4 comments:

 1. Another Superb one. Morale of the article says a lot more, motivate with this.

  Every time, each article is so different from each other in your ' TAKE OFF ' column.
  Now addicted to read your column. And in certain case i miss your article in paper, i read out at your Blog. Keep uploading in web also.
  Keep writing, Keep Rocking sir. With Best Wishes....... :)

  ReplyDelete
 2. I have some of my pet terms and one of them is 'Divine Design'. I strongly believe in the concept of perfect timing of some happenings in life which prove to be very crucial in the long run. Your article on Dostoyvesky and especially your perspective or your message is so significant with the tempestuous events of my personal life these days. How should I thank you for this piece and especially its timing? It really boosts me to bounce back. An ardent fan like can only express strong admiration as a reciprocation of this. THANKS.
  - Jay Mehta

  ReplyDelete
 3. Thank you, Dipak Soliya, Asit Dholakia. And all the best, Jay Mehta.

  ReplyDelete