Tuesday, October 29, 2013

પૉલીએના : કેવી મજ્જાની લાઈફ!

 ચિત્રલેખા - સપ્ટેમ્બર ૨૦૧૩

કોલમ: વાંચવા જેવું

શું કહીશું  ‘પૉલીએના' પુસ્તકને? એને માત્ર કિશોર સાહિત્ય કહીશું તો અન્યાય થઈ જશે. ‘પૉલીએના’ની અપીલનું વર્તુળ ઘણું વધારે મોટું છે. આ ટૂંકી નવલકથા ખરેખર તો મોટેરાઓએ વાંચવા જેવી છે. ઊગીને ઊભાં થતાં બાળકો-કિશોરો કુદરતી રીતે જ પોઝિટિવ હોવાનાં. નકારાત્મકતા તો માણસ જેમજેમ ‘સમજણો’ થતો જાય અને જુદા જુદા માઠા-કડવા અનુભવોમાંથી પસાર થાય પછી એનામાં ઊતરી આવતી હોય છે. પૉલીએના' વાંચનારના ચહેરમા પર સ્મિત અનેલા આંસુ બન્ને લાવી દે છે.


                                                                                             
નાની અમથી બેબલી. પૉલીએના એનું નામ. ઉંમર હશે અગિયારેક વર્ષ. છોકરી નાજુકડી છે. ચહેરો ડાઘવાળો છે પણ તોય મીઠડી લાગે છે. એની આંખોમાં કાયમ ઉત્સુકતા અંજાયેલી રહે છે. મોટા ભાગે બે ચોટલા વાળ્યા હોય. એનું નાનકડું શરીર ઊર્જાના ભંડાર જેવું છે. ભગવાને જાણે એને પગને બદલે પૈડાં આપ્યાં છે. એ કાયમ ફરતી જ રહે. રમ્યા કરવું, દોડ્યા કરવું અને જે સામે મળે એની સાથે વાતો કર્યા કરવી એ જ એનું કામ.

પરાણે વહાલી લાગે એવી પૉલીએનાના બાપડી અનાથ થઈ ગઈ છે. કોઈ સાચવવાવાળું નથી એટલે એને માસી મિસ પૉલી પાસે મોકલી આપવામાં આવે છે. પૉલીએના જેટલી જીવંત છે, પૉલી એટલી જ ખડૂસ છે. ભાણી જીવનરસથી સતત છલકાય છે, પણ માસીની જિંદગી ખંડિયેર જેવી વેરાન છે. બે વિરોધી અંતિમો પર ઊભા રહેલાં આ બે પાત્રોનું સહજીવન શરુ થાય પછી શું શું થાય છે? આ પશ્ર્ન આજે જેની વાત કરી રહ્યા છીએ એ ‘પૉલીએના’ પુસ્તકની કથાનું આ આરંભબિંદુ છે.

શું કહીશું ‘પૉલીએના’ પુસ્તકને? એને માત્ર એક અમેરિકન લેખિકા દ્વારા સર્જાયેલું કિશોર સાહિત્ય કહીશું તો અન્યાય થઈ જશે. આ કંઈ કેવળ ટીનેજ છોકરા-છોકરાઓને જ પસંદ પડી શકે એવી કથા નથી. ‘પૉલીએના’ની અપીલનું વર્તુળ ઘણું વધારે મોટું છે. આ ટૂંકી નવલકથા ખરેખર તો મોટેરાઓએ વાંચવા જેવી છે. ઊગીને ઊભાં થતાં બાળકો-કિશોરો કુદરતી રીતે જ પોઝિટિવ હોવાનાં. નકારાત્મકતા તો માણસ જેમજેમ ‘સમજણો’ થતો જાય અને જુદા જુદા માઠા-કડવા અનુભવોમાંથી પસાર થાય પછી એનામાં ઊતરી આવતી હોય છે. પૉલીમાસીની જેમ.
શરુઆતમાં તો હિટલર-બ્રાન્ડ માસીને આ અચાનક ટપકી પડેલી ભાણી સમજાતી જ નથી. છોકરીએ નથી ક્યારેય સુખસાહ્યબી જોઈ કે નથી એનાં મા-બાપ રહ્યાં, તો પછી એ કઈ વાતે ખુશ રહ્યાં કરે છે? એને કેમ બધું બસ, ગમ્યા જ કરે છે? માસીએ પંખા વગરના ભંડકિયામાં ઊતારો આપ્યો તો પૉલીએના બારીમાંથી દેખાતાં લીલાંછમ વૃક્ષો અને નદી જોઈને રાજી રાજી થઈ જાય છે. જમવા બેસવામાં પાંચેક મિનિટ મોડું કર્યું તો માસી સજા રુપે એને રસોડામાં નોકરડી સાથે બેસાડીને બ્રેડ ને દૂધ ધરી દે છે. પૉલીએના તોય ખુશ છે, કેમ કે એને દૂધ-બ્રેડ બહુ ભાવે છે. નોકરડી નેન્સીમાં તો પહેલા જ દિવસથી બેસ્ટ ફ્રેન્ડ બની ગઈ છે! 

શું છે પૉલીએનાના ખુશમિજાજ સ્વભાવનું રહસ્ય? બન્યું એવું કે એક વાર પૉલીએનાને બીજી છોકરીઓની માફક ઢીંગલીથી રમવાનું મન થયું હતું. ગરીબ પપ્પા પાસે ઢીંગલી ખરીદવાના પૈસા ક્યાંથી હોય. એણે મિશનરીમાં વાત કરી જોઈ કે જો તમારે ત્યાં દાનમાં જૂની ઢીંગલી જેવું કંઈ આવે તો મહેરબાની કરીને મારી દીકરી માટે મોકલી આપજો. એક દિવસ મિશનરીમાંથી પાર્સલ આવ્યું. સાથે ચિઠ્ઠી પણ હતી. એમાં લખ્યું હતું કે દાનમાં જે કંઈ સામાન આવ્યો છે એમાં ઢીંગલી તો નથી, પણ બે કાખઘોડી આવી છે જે પૉલીએના માટે મોકલી છે! પૉલીએના નિરાશ થઈ ગઈ. લંગડા લોકોને ચાલવા માટે કામમાં આવતી કાખઘોડીનું મારે શું કરવું? એનાથી કેવી રીતે રમાય? એ વખતે પિતાએ એને સમજાવ્યું કે જો બેટા, ગમે તે વસ્તુમાંથી એવું કંઈક જરુર હોય છે જેને કારણે આપણે રાજી થઈ શકીએ. ભગવાને તને સાજાસારા પગ આપ્યા છે એટલે કાખઘોડીની જરુર નથી એમ વિચારીને તારે રાજી થવાનું! 

...અને બસ, પૉલીએનાને રમત જડી ગઈ - રાજી થવાની રમત! ગમે તે વસ્તુમાંથી, ગમે તે વ્યક્તિમાંથી અને ગમે તે પરિસ્થિતિમાંથી કંઈક સારું શોધીને રાજી થવાનું! મજાની વાત એ છે કે એનો રાજીપો હંમેશાં સાચુકલો હોય છે, કૃત્રિમ નહીં. પૉલીએનાની આ રાજી થવાની રમતે આખા ગામને ઘેલું લગાડ્યું. એ ફરવા નીકળી જાય અને જે કોઈ સામે મળે એની સાથે વાતો કરવા લાગે, પરિચય કેળવે અને એના ચહેરા પર સ્મિત લાવી દે. પૉલીએનાનું વ્યક્તિત્ત્વ જ એવું છે કે એને પ્રેમ કર્યા વગર રહી ન શકાય. એનામાં જાણે કે પોઝિટિવિટીનો અખંડ ઝરો છે જે ક્યારેય સૂકાતો નથી. એની હકારાત્મકતા પાછી જાદુઈ છે, ચેપી છે. પૉલીએનાને ઉપરવાળાએ વિશિષ્ટ બનાવી છે. એને સતત બીજાઓનું ભલું કરવું છે. બીજાઓનું જીવન વધારે બહેતર કેમ થઈ શકે, એ કઈ રીતે વધુને વધુ આનંદિત રહી શકે તે સમજવાની અને તેને શક્ય બનાવવાની એનામાં કુદરતી શક્તિ છે. પતંગિયા જેવી પૉલીએના લિટલ મિસ સનશાઈન છે. એની રાજી રહેવાની રમતના મિડાસ ટચથી આખા ગામનો માહોલ બદલાઈ જાય છે.


Hayley Mills in and as Pollyanna. She won a special Oscar for the role

પછી તો બહુ બધાં પાત્રો આવે છે કથામાં. કાયમ દૂધમાંથી પોરા કાઢતાં મિસિસ સ્ટોન, મોટી ઉંમર સુધી અપિરિણિત રહી ગયેલા મિસ્ટર પેન્ડલટન, ડોક્ટર શિલ્ટન, પૉલીએના જેવો જ અનાથ છોકરો જીમી વગેરે. જો આ બધા પર પૉલીએના જાદુ કરી શકતી હોય તો સગાં માસી ક્યાં સુધી કઠોર રહી શકે? માસીના સૂકાયેલાં જીવનમાં પણ નવી કૂંપળ ફૂટે છે. કથા આ એક જ સૂરમાં વહેતી હોત તો એક તબક્કા પછી રિપીટીટીવ અને કંટાળજનક બની જાત, પણ લેખિકાએ ઉત્તરાર્ધમાં જોરદાર વળાંક મૂક્યો છે, જેને કારણે અણધારી પરિસ્થિતિ પેદા થાય છે અને કથામાં નવા રંગો પ્રવેશે છે. ખૂબ હૃદયસ્પર્શી વાર્તા છે. એ વાંચનારના ચહેરા પર સ્મિત અને આંસુ બન્ને લાવી દે છે. કથાની મોટિવેશન વેલ્યુ એનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. સહેજ પણ ઉપદેશાત્મક થયા વિના પૉલીએનાની વાર્તા વાચકને જીવનનો બહુ મોટો પાઠ શીખવી જાય છે.

‘પૉલીએના’ એક ક્લાસિક ગણાય છે. આ પુસ્તક પહેલી વાર ૧૯૧૩માં અમેરિકામાં પ્રગટ થયું પછી દુનિયાભરની ભાષામાં અનુવાદ થયો. પુસ્તક પરથી ટીવી સિરિયલ બની, નાટકો ભજવાયાં અને એક કરતાં વધારે ફિલ્મો પણ બની. ૧૯૬૦માં રિલીઝ થયેલી ડિઝનીની ફિલ્મ માટે બાળકલાકાર હેલી મિલ્સને સ્પેશિયલ ઓસ્કર અવોર્ડ આપવામાં આવ્યો હતો. કથાની સરળતા, નિર્દોષતા અને પ્રવાહિતા અનુવાદક યોગેશ ચોલેરા ગુજરાતી અવતરણમાં સરસ લાવી શક્યા છે. બહેતર ભાષાંતરણનો અવકાશ અલબત્ત, હંમેશાં રહેવાનો. બાળકો-તરુણોએ જ નહીં, બલકે સૌએ વાંચવા જેવું સુંદર પુસ્તક.                                      ૦ ૦ ૦

પૉલીએના 
લેખિકા: એલીનોર પોર્ટર
અનુવાદક: યોગેશ ચોલેરા
પ્રકાશક: વંડરલેન્ડ પબ્લિકેશન્સ, રાજકોટ-૧
ફોન: (૦૨૮૧) ૩૦૫૩૫૭૭
કિંમત:  ‚. ૧૫૦ / 
પૃષ્ઠ: ૧૭૮No comments:

Post a Comment