Wednesday, August 21, 2013

ટેક ઓફ (Sandesh) : કારણ કે મા-બાપ એક દિવસ જતાં રહે છે...


Sandesh - Ardh Saptahik Purti - 21 August 2013

Column: ટેક ઓફ 

માતા-પિતાને કશુંય આપવાની સંતાનની હેસિયત ક્યારેય હોતી જ નથી. પોતાના જન્મદાતાને સંતાન એક જ વસ્તુ આપી શકે છે - સમય.


મિતાભ બચ્ચનની એક બહુ જ સુંદર જાહેરાત આજકાલ આપણે ટીવી પર જોઈએ છીએ. બિગ બી એમાં કહે છેઃ
'મા-બાપ કહીં જાતે નહીં હૈં. બસ, ઐસા લગતા હૈ કિ વો ચલે ગયે હૈં,પર જાતે નહીં હૈં.
કભી વો આપકે હોંઠોં સે મુસ્કરાતે હૈં, તો કભી આપકે ચલને કે અંદાજ મેં છલક જાતે હૈં.

કભી વો આપકી બેટી કે નાક મેં દિખ જાતે હૈં ઔર અગર નહીં તો આપકે બેટે કે બેટી કી આંખોં મેં છીપ જાતે હૈં.
કભી વો આપકો ચૌંકા દેતે હૈં આપકી ઝુબાન સે નિકલી કિસી બાત પે, જો ઉન્હોંને બોલી થી.
...ઔર વો ઉન લોરિયોં મેં હૈં જો આપકો યાદ ભી નહીં.

વો ઉસી હિચકિચાહટ મેં હૈં જો આપ જૂઠ બોલતે સમય મહસૂસ કરતે હૈં.

કભી સોચા હૈ, આપ બૈઠે બૈઠે પગ ક્યોં હિલાતે હૈં?
ગુલ્લુ, બબલુ, પિંકી જો ભી આપકા પ્યાર કા નામ હૈ ઉસમેં...
કિસી તસવીર મેં, કિસી તારીખ મેં, આપ કી અંદર કી આગ મેં....ગૌર સે દેખિયે.

એક બહુત લંબી લડી હૈ, બહુત પુરાની...

જિસકી આપ એક કડી હૈ.

વો આપકે પહલે થે, વો આપકે બાદ ભી રહેંગે.

ક્યોંકિ મા-બાપ કહીં જાતે નહીં હૈં.

વો યહીં રહતે હૈં...'

જેણે મા અથવા બાપ અથવા મા-બાપ બન્નેની છત્રછાયા ગુમાવી દીધી છે એવા લોકો જ નહીં, પણ જેમનાં મા-બાપ હયાત છે એનું પણ હૃદય ભીનું કરી નાખે એટલી અસરકારક આ વિજ્ઞાપન છે. ખરી વાત છે. માતા-પિતા ક્યાંય જતાં નથી. મૃત્યુ માતા-પિતા અને સંતાન વચ્ચેનો સંબંધ તોડી શકતું નથી. એમની શાંત અને સુખદ હાજરી સતત વર્તાતી રહે છે. જાણે કે તેઓ અહીં જ છે આપણું રક્ષણ કરવા, આપણું કોઈ અહિત ન કરી જાય એનું ધ્યાન રાખવા. આપણે સાચો નિર્ણય લેતા હોઈએ ત્યારે તેમની મૌન સહમતી અનુભવી શકાય છે. ખોટી દિશામાં વિચારી રહ્યા હોઈએ ત્યારે એમનો નકાર સાંભળી શકાય છે. ક્યારેક ગિલ્ટ સપાટી પર આવી જાય છે. આ બધી મીઠાશ, આ મધુરતા મા-બાપ હયાત હતાં ત્યારે કેમ વ્યક્ત થતી નહોતી? સદેહે જીવતાં હતાં ત્યારે કેમ તેમના પ્રત્યે કઠોર બની જવાતું હતું? એવા તો કયાં મહાન કામ કરીને ઊંધા પડી ગયા હતા કે એમને સમય આપી શકતા નહોતા? ખબર હતી કે એમની અવગણના થઈ રહી છે તો પણ ખુદની લાઇફસ્ટાઇલમાં ફર્ક લાવવાની તસદી કેમ લેતા નહોતા?

મા-બાપ ક્યાંય જતાં નથી એ વાત અનુભૂતિના સ્તરે બરાબર છે, પણ નક્કર સચ્ચાઈ એ છે કે મા-બાપ જતાં રહે છે. મા-બાપ અમર હોતાં નથી. એક દિવસ એ મૃત્યુ જરૂર પામે છે. પૂરું જીવન જીવીને અથવા સાવ અચાનક, અણધાર્યાં. લાકડાંની ચિતા પર શરીર ભડભડ બળી ગયા પછી અસ્થિ લઈને ઘરે પાછા આવીએ ત્યાર પછી તીવ્રતાથી અહેસાસ થાય છે કે કશુંક અધૂરું રહી ગયું છે. કેટલાય છેડા હવામાં અધ્ધર લટકતા રહી ગયા છે. મા-બાપને કશુંય આપવાની સંતાનની હેસિયત ક્યારેય હોતી જ નથી. પોતાના જન્મદાતાને આપણે એક જ વસ્તુ આપી શકતા હોઈએ છીએ - સમય. એટેન્શન. મા-બાપ એ જ ઝંખતાં હોય છે સંતાન પાસેથી. માતા-પિતાને લાડ લડાવવા હતા. એમનો દુર્બળ થઈ ગયેલો હાથ પકડીને હિલ-સ્ટેશન પર ફરવું હતું. ગમ્યું હોત એમને. ખૂબ ગમ્યું હોત. કેમ આ બધું કર્યું નહીં તેઓ જીવતાં હતાં ત્યારે?
મા-બાપ સાથે એક જ ઘરમાં રહેતાં હો તો અલગ વાત છે, પણ ધારો કે તમે જુદાં ઘરોમાં, જુદાં શહેરોમાં રહો છો. બે-ચાર-પાંચ-છ મહિને એક વાર મમ્મી-પપ્પાને મળી આવો છો અથવા તેઓ તમારે ત્યાં આંટો મારી જાય છે. કદી વિચાર્યું છે કે તેઓ મૃત્યુ પામશે તે પહેલાં કેટલી વખત પ્રત્યક્ષ મળવાનું થશે? પ્રશ્ન અસ્થિર કરી મૂકે તેવો છે. એક વાર લ્યુક ટિપિંગ નામનો બ્રિટિશ યુવાન દોસ્તો સાથે ગપ્પાં મારી રહ્યો હતો કે યાર, આ વખતે રજાઓમાં ઘરે જવાનું માંડી વાળીએ. એકાદ વખત નહીં જઈએ તો શું ફરક પડે છે? એના બદલે અહીં લંડનમાં જ રહીશું. પાર્ટી-બાર્ટી કરીશું, જલસા કરીશું. અચાનક લ્યુકના મનમાં એક વિચાર કૌંધી ગયોઃ બુઢાં થઈ ગયેલાં મારાં પેરેન્ટ્સ હવે કેટલું જીવવાનાં? સહેજ વિચારતાં સમજાયું કે જો તેઓ પૂરેપૂરું જીવશે તો પણ બહુ ઓછી વખત મળવાનું થશે! તરત જ લ્યુક્ે વતન જવાની ઓનલાઈન ટ્રેન ટિક્ટિ બુક્ કરાવી લીધી. આના પરથી લ્યુક અને એના ત્રણ મિત્રોને એક કેલ્ક્યુલેટર બનાવવાનો વિચાર આવ્યો. ચોવીસ જ કલાકમાં આ કેલ્ક્યુલેટર તૈયાર કરી તેને વેબસાઈટનું સ્વરૂપ આપી દેવાયું. દોઢેક મહિના પહેલાં લોન્ચ થયેલી આ વેબસાઈટ ખૂબ પોપ્યુલર બની ગઈ છે. એનું નામ છે, સીયોરફોકસ.ડોટકોમ (seeyourfolks.com). સી-યોર-ફોકસ એટલે કે જાઓ, જઈને તમારાં મા-બાપને મળો.

આ સીધીસાદી વેબસાઈટ પર જઈને તમારે દેશ સિલેક્ટ કરવાનો, મમ્મી-પપ્પાની ઉંમર તેમજ વર્ષમાં સરેરાશ તેમને કેટલી વખત મળવાનું થાય છે તે ટાઈપ કરવાનું. બીજી જ ક્ષણે કેલ્ક્યુલેટર તમને કહી દેશે કે મા-બાપ મૃત્યુ પામશે ત્યાં સુધીમાં કેટલી વાર મોં-મેળાપ થવાનું લખાયું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને તૈયાર કરેલા જુદા જુદા દેશોના લાઈફ એક્સપેક્ટેન્સીના આંકડાનો અહીં ઉપયોગ થયો છે. એક ઉદાહરણ લઈએ. ધારો કે તમારાં મા-બાપ અનુક્રમે ૬૦ અને ૬૨ વર્ષનાં છે. સામાન્યપણે વર્ષમાં ત્રણેક વખત તમે એમને મળો છો. આ જ એવરેજ જળવાઈ રહી તો હવે તમે એમને ફક્ત ૧૨ વખત મળવાના છો! 
અફકોર્સ, આ કંઈ એક્યુરેટ જવાબ નથી, કારણ કે ખૂબ બધા વેરિયેબલ્સને ધ્યાનમાં લેવામાં આવ્યા નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કહે છે કે ભારતમાં મહિલા ૬૭ વર્ષ અને પુરુષ ૬૪ વર્ષ જેટલું જીવે છે. આ સરેરાશ આંકડા છે. વાસ્તવમાં તબિયત સારી રહેતી હોય તો આપણે ત્યાં વૃદ્ધો ૭૫-૮૦ વર્ષ સુધી આરામથી જીવી જાય છે. મુદ્દો એ છે કે   seeyourfolks.com વેબસાઈટનો ઉદ્દેશ જ્યોતિષની માફક્ ભવિષ્યવાણી કરવાનો નથી. seeyourfolks.com વેબસાઈટ ફક્ત આપણને હચમચાવીને ભાન કરાવવા માગે છે કે મમ્મી-પપ્પાના ફોન પર હાલચાલ પૂછી લો તે ઠીક છે, પણ તેમની સાથે સમય ગાળવાના મોકા બહુ જ ઓછા, સ્તબ્ધ થઈ જવાય એટલા ઓછા આવવાના છે. અન્ય સ્વજનોના સંદૃર્ભમાં પણ આ કેલ્યુલેટર વાપરી શકાય છે. જેમ કે વિદેશ વસતો ભાઈ કે બહેન, જેને વર્ષે માંડ એક્ાદૃ વાર મળવાનું થાય છે તે બાળપણનો દિૃલોજાન દૃોસ્ત, સ્ક્ૂલના ફેવરિટ ટીચર વગેરે. પ્રિયજન ક્ોઈ પણ હોય, સંભવિત મુલાક્ાતોનો આંક્ડો હંમેશા ધારણા કરતા ક્યાંય ઓછો જ આવવાનો. તો જલદી કરો, માતા-પિતા-પ્રિયજનો સાથે બને એટલો વધારે સમય ગાળો, કારણ કે એક દિવસ સૌ જતાં રહેવાનાં છે. આપણે પણ!
0 0 0

3 comments:

  1. શિશિરભાઈ, આ વાત કેટલું મળ્યા કેમ મળ્યા, ક્યાં મળ્યાની ગણતરી ની નથી, કે નથી સાથે રહ્યા કે દુર રહ્યાની ચર્ચાની, પ્રવર્તમાન સંજોગોમાં વ્યવસાયિક કારણે સંતાનો સાથે તો રહી શકતા નથી, અને સાથે રહેતા હોય તે યોગ્ય સમય ફાળવી શકતા નથી, દુખ બંને પક્ષે હોય અને છે જ, પરંતુ સમય ન ફાળવીને શું ગુમાવાય છે એનો પ્રશ્ન છે, પરંતુ એનો એક જ જવાબ છે, --- " મુજ વીતી તુજ વીતશે, ધીમી બાપુડિયા,"

    ReplyDelete
  2. ભરત કુમારAugust 21, 2013 at 12:14 PM

    સમાજમાં બાગબાની વિરોધી આવૃતિ જેવા મા બાપ પણ હોય છે. એમના વ્યવહારથી શોષાતા દીકરાઓ દીકરીઓની વેદના વિશે પણ ક્યારેક લખો, શિશિરભાઈ.

    ReplyDelete