Monday, August 19, 2013

હોલીવૂડ હંડ્રેડ: ગાંધી : બંદે મેં થા દમ... વંદે માતરમ!


મુંબઈ સમાચાર- મેટિની પૂર્તિ (શુક્રવાર) - હોલીવૂડ હંડ્રેડ - તા. ૧૮ ઓગસ્ટ ૨૦૧૩  

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

ભારતને ગુલામ બનાવનાર બ્રિટને પછી મહાત્મા ગાંધીના જીવન પરથી ‘ગાંધી’ જેવી અપ્રતીમ ફિલ્મ બનાવીને પોતાનું પાપ થોડું ઓછું જરુર કર્યું છે!

ફિલ્મ નંબર ૩૫. ગાંધીરિચર્ડ એટનબરોની ‘ગાંધી’ એવી ફિલ્મ છે, જે આપણે સૌએ જોઈ છે, કદાચ એક કરતાં વધારે વખત જોઈ છે. ગાંધીબાપુ પર આપણો માલિકીભાવ છે એટલે આ ફિલ્મ માટે આપણે ઈર્ષ્યાભાવ અનુભવ્યા ચુક્યા છીએ. જેમ કે, ગાંધીજી આપણા, ઈતિહાસ આપણો પણ આ ફિલ્મ કેમ આપણી નહીં? કેમ આ ફિલ્મ બ્રિટિશરને બદલે કોઈ ભારતીય ફિલ્મમેકરે ન બનાવી? ગાંધીજીના રોલમાં બેન કિંગ્સલેને બદલે કોઈ નખશિખ ભારતીય અદાકાર કેમ નહીં? ખેર, કશો અર્થ નથી આ નાદાન પ્રશ્ર્નોનો. (જોકે આ પૈકીના અમુકના જવાબ આ જ લેખમાં આગળ મળશે.) કદાચ દરેક યશસ્વી ફિલ્મ એનું નસીબ લઈને જન્મતી હોય છે અને એ ક્યાં, કેવી રીતે, કોના થકી અવતાર લે છે એ બધું કોઈક અકળ પરિબળોથી નક્કી થઈ જતું હશે!

‘ગાંધી’ ફિલ્મની કથા વિશે લંબાણથી વાત કરવાની જરુર નથી. અલબત્ત, તેમાં ક્યા પ્રસંગો આવરી લેવાયા છે તે વિશે ટૂંકમાં જોઈ લઈએ. ફિલ્મનો પ્રારંભ ગાંધીબાપુની હત્યાના પ્રસંગથી થાય છે. ફિલ્મ પછી ફ્લેશબેકમાં આગળ વધે છે. ગાંધીજીના બાળપણ અને તરુણાવસ્થાનો તબક્કો ગાળી નાખવામાં આવ્યો છે. ફ્લેશબેકની શરુઆત સીધી ૧૮૯૩થી થાય છે કે જ્યારે ૨૪ વર્ષના ગાંધીજી વકીલ બની ચુક્યા છે. ફર્સ્ટ ક્લાસની ટિકિટ ખરીદી હોવા છતાં એમને દક્ષિણ આફ્રિકાના પીટરમેરિત્ઝબર્ગ સ્ટેશન પર બેગબિસ્તરા સાથે ધક્કો મારીને ફેંકી દેવામાં આવે છે. આ એક યુગપુરુષના જન્મની ક્ષણ હતી. મોહનદાસ કરમચંદ ગાંધી નામના આ કાઠિયાવાડી વાણિયાના દીકરાએ ભારતીયોના સ્વમાન તેમજ અધિકાર માટે આફ્રિકામાં અહિંસક લડત આદરી અને વિજયી બન્યા. ગાંધીજી વતનગમન સાથે અંગ્રેજો સામેની લડાઈ ઈતિહાસનાં પાનાં ફરતાં ગયાં. ક્વિટ ઈન્ડિયા, જલિયાવાલા બાગનો હત્યાકાંડ, દાંડીકૂચ... માત્ર ભારત જ નહીં, પણ સમગ્ર વિશ્ર્વ માટે સત્યાગ્રહ નામની વસ્તુ નવી હતી. સહેજ પણ હિંસા આદર્યા વગર કેવળ નૈતિક તાકાતના જોરે, કેવળના સત્યના આગ્રહ થકી અભૂતપૂર્વ પરિણામ હાંસલ કરી શકાય છે તે ગાંધીજીએ જગતને શીખવ્યું. અડધી દુનિયા પર અડિંગો જમાવીને બેઠેલી બ્રિટિશ મહાસત્તાએ ઝુકવું પડ્યું. જોકે ગાંધીજીની ઈચ્છા વિરુદ્ધ પાકિસ્તાનનું સર્જન તો થયું જ. ગાંધીજી હિંસાથી સળગી રહેલા બન્ને દેશોને શાંત પાડવાની કોશિશ કરતા રહ્યા. ખૂન એ અંતિમ હિંસા છે અને અહિંસાના આ પૂજારી મહાત્મા ગાંધીનું મોત આ જ રીતે લખાયું હતું. પ્રલંબ ફ્લેશબેક અહીં પૂરો થાય છે. તે સાથે ફિલ્મ પણ.‘ગાંધી’ ફિલ્મ મૂળ ગ્રેબિયલ પાસ્કલ નામના પ્રોડ્યુસર આ ફિલ્મ બનાવવાના હતા. જ્યોર્જ બર્નાર્ડ શો રચિત ‘પિગ્મેલિયન’ પરથી પાસ્કલે આ જ નામની ફિલ્મ બનાવી હતી, જેના માટે એમને ઓસ્કરનું નોમિનેશન પણ મળ્યું હતું. ગાંધીજીના જીવન પરથી ફિલ્મ બનાવવા માટે પાસ્કલનું ૧૯૫૨માં ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ સાથે એગ્રીમેન્ટ થયું હતું, પણ ફિલ્મની તૈયારીઓ પૂરી થાય તે પહેલાં જ ૧૯૫૪માં પાસ્કલનું મૃત્યુ થયું. આઠ વર્ષ પછી લંડન સ્થિત ઈન્ડિયન હાઈ કમિશનની ઓફિસમાં કામ કરતા ગાંધીવાદી મોતીલાલ કોઠારીએ એક્ટર-પ્રોડ્યુસર રિચર્ડ એટનબરોને ફોન કરીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. એટનબરો માટે કોઠારી તદ્દન અજાણી વ્યક્તિ હતા. ખેર, બે દિવસ પછી તેમની મિટીંગ થઈ. મોતીલાલ કોઠારીએ ગાંધીજીના જીવન વિશે ફિલ્મ બનાવવાની પ્રપોઝલ રજૂ કરીને એટનબરોને લૂઈસ ફિસ્ચર નામના અમેરિકન લેખકે લખેલી ‘ધ લાઈફ ઓફ મહાત્મા ગાંધી’ નામની જીવનકથા વાંચી જવાની ભલામણ કરી. એટનબરો પુસ્તક વાંચી ગયા અને પ્રભાવિત પણ થયા. જો આ ફિલ્મ બને તો એ કેટલી મોટી અને મહત્ત્વની હશે તે સમજતા એમને વાર ન લાગી. એટનબરોએ ગાંધીજી પર ફિલ્મ બનાવવા તૈયાર થઈ ગયા. નેહરુજી સાથે એમની મુલાકાત થઈ. આ ફિલ્મના નિર્માણ માટે પૂરતી મદદ કરવાની નેહરુજીએ ખાતરી આપી.

વિઘ્નોનો સિલસિલો અટક્યો નહોતો. ૧૯૬૪માં નેહરુજીનું નિધન થયું. એેટનબરો ઈચ્છતા હતા કે ‘લોરેન્સ ઓફ એરેબિયા’ ફેમ ડેવિડ લીન આ ફિલ્મ ડિરેક્ટ કરે. ડેવિડ લીન તૈયાર તો થયા, પણ આ પ્રોજેક્ટ હાથમાં લેતાં પહેલાં ‘રાયન્સ ડોટર’ નામની ફિલ્મ બનાવવામાં વ્યસ્ત થઈ ગયા. આ અરસામાં મોતીલાલ કોઠારીનું નિધન થયું અને ગાંઘીજીની ફિલ્મ પાછી અટવાઈ પડી. ૧૯૭૬માં એટનબરોએ ફરી પાછી ગતિવિધિઓ શરુ કરી. વોનર્સ બ્રધર્સ સ્ટુડિયો પ્રોજેક્ટમાં જોડાયો, પણ ભારતમાં એ અરસામાં કટોકટી લદાઈ ગઈ હોવાથી તત્કાલીન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ સ્પષ્ટ કહી દીધું કે ઈમરજન્સીના માહોલમાં તમે ભારતમાં શૂટિંગ નહીં કરી શકો. આખરે ૧૯૮૦માં માંડ ગાડી પાટે ચડી. મિસ્ટર એન્ડ મિસિસ એટનબરો ‘ધ માઉસટ્રેપ’ નામના વિખ્યાત નાટકની ઓનરશિપ ધરાવતાં હતાં. ‘ગાંધી’ ફિલ્મ માટે પૈસા એકત્રિત કરવાં એમણે ‘ધ માઉસટ્રેપ’ના પોતાનો હિસ્સો વેચી દીધો. ડિરેક્શનની જવાબદારી રિચર્ડ એટનબરોએ ખુદ ઉપાડી. એમણે મોતીલાલ કોઠારીને ફિલ્મ બનાવવા હા પાડી હતી તેના પછી છેક ૧૮ વર્ષ પછી, ૨૬ નવેમ્બર ૧૯૮૦થી શૂટિંગ શરુ થયું! શૂટિંગ છ મહિના ચાલ્યું. નાણાભીડ વર્તાતી હોવાથી ઈન્દિરા ગાંધીની દરમિયાનગીરીથી એનએફડીસી (નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન)એ યથાશક્તિ ફાળો નોંધાવ્યો હતો.‘ગાંધી’ ફિલ્મ ભારતભરમાં રિલીઝ થઈ એ ઘટનાને ‘વર્લ્ડ ઈવેન્ટ’ ગણવામાં આવી. આ કોઈ રુટિન પ્રોજેક્ટ નહોતો. ઉત્તમોત્તમ ટીમ દ્વારા ભરપૂર પેશનથી બનાવાયેલી આ ફિલ્મ હતી. બેન કિંગ્સલેએ ગાંધીજીની ભુમિકામાં ખરેખર કમાલ કરી છે. ફિલ્મ જોયા પછી અભિભૂત થઈ ગયેલાં ઓડિયન્સના એક વર્ગને લગભગ માની જ લીધું હતું કે નક્કી ગાંધીજીનો આત્મા બેન કિંગ્સલેના શરીરમાં પ્રવેશી ગયો હોવો જોઈએ. એ સિવાય કોઈ એક્ટર ગાંધીજીને આટલી હદે આત્મસાત કેવી રીતે કરી શકે! એટનબરોના મનમાં લીડ રોલ માટે ભારતનો એક પણ એકટર બેઠો નહીં, તે વર્ષોમાં એક્ટર નસીરુદ્દીન શાહ જેવા અચ્છા અભિનેતા સક્રિય હોવા છતાં. એટનબરોને ગાંધીજીની ભુમિકા માટે બેન કિંગ્સલેનું નામ એમના દીકરાએ સૂચવ્યું હતું. બેન કિંગ્સલેનું મૂળ નામ કૃષ્ણ પંડિત ભાણજી છે. એમના પિતાજી કેન્યામાં જન્મેલા ગુજરાતી ખોજા હતા. ૧૪ વર્ષની ઉંમરે તેઓ (પિતાજી) ઈંગ્લેન્ડ આવી ગયા. ઍના મરી નામની બ્રિટીશ અભિનેત્રી અને મોડલ સાથે લગ્ન કર્યાં. આમ, બેન કિંગ્સલે ઈંગ્લેન્ડમાં જન્મેલા અર્ધબ્રિટીશ - અર્ધ ગુજરાતી છે.

ગાંધીજીના ટાઈટલ રોલ માટે અનેક વિદેશી એક્ટરોનાં નામ વિચારાયા હતા. ડસ્ટિન હોફમેને ગાંધીબાપુ બનવામાં રસ દેખાડ્યો હતો, પણ  એ જ અરસામાં ‘ટૂટસી’ની ઓફર મળતા એમણે તે ફિલ્મ સ્વીકારી લીધી. ‘ટૂટસી’માં તેમનો અભિનય એક સીમાચિહનરુપ ગણાય છે. લગભગ અડધી કરતા વધારે ફિલ્મ તેઓ સ્ત્રીવેશમાં છે. ઓસ્કરની રેસમાં બેસ્ટ હીરોના ખિતાબ માટે ડસ્ટિન હોફમેન પણ હતા, પણ બેન કિંગ્સલેએ તેમને હરાવી દીધા. ‘ગાંધી’ ફિલ્મને ઓસ્કરનાં ૧૧ નોમિનેશન્સ મળ્યાં, જેમાંથી આઠ અવોર્ડ્ઝ જીતી લીધા. રિચર્ડ એટનબરોનેે બેસ્ટ ડિરેક્ટર અને બેસ્ટ પિક્ચર (પ્રોડ્યુસર તરીકે)નો અવોર્ડ મળ્યો. જોકે તેઓ ખુદ માનતા હતા કે સ્ટીવન સ્પિલબર્ગ ‘ઈ.ટી.’ માટે આ અવોર્ડઝના વધારે હકદાર છે. એટનબરો અને સ્પિલબર્ગે પછી સાથે ‘જુરાસિક પાર્ક’ તેમજ ‘શિંડલર્સ લિસ્ટ’માં સાથે કામ કર્યું. એટનબરો એક્ટર અને સ્પિલબર્ગ ડિરેક્ટર.

‘ગાંધી’ રિલીઝ થઈ ત્યારે લખખૂટ પ્રશંસાની સાથે સાથે થોડી ટીકાઓ પણ થઈ હતી. ફિલ્મમાં સુભાષચંદ્ર બોઝ બતાવ્યા નથી તે ઘણાને ખૂંચ્યું. રિચર્ડ એટનબરોનો તર્ક એવો હતો કે સુભાષચંદ્ર બોઝનો અપ્રોચ ગાંધીજી કરતાં સાવ વિરુદ્ધ હતો, તેથી જો હું સુભાષચંદ્રનું કિરદાર ઊપસાવત તો ગાંધીજીનો અહિંસાનો કોન્સેપ્ટ ફિક્કો દેખાત. ફિલ્મમાં રામધૂન કમ્પોઝ કરવાનું કામ પંડિત રવિશંકરને સોંપવાને બદલે લંડન ફિલહાર્મોનિક ઓરકેસ્ટ્રાને સોંપીને પોતે મોટી ભુલ કરી નાખી હતી એવું એટનબરોએ ખુદ કબૂલ્યું છે. લંડન ફિલહાર્મોનિક ઓરકેસ્ટ્રા રામધૂન વધારે પ્રભાવશાળી રીતે તૈયાર કરી શકશે એવી એમની ગણતરી હતી. જોકે એવું બન્યું નહીં.‘ગાંધી’ રિલીઝ થઈ એના અઢી દાયકા પછી રિચર્ડ એટનબરોએ એક મુલાકાતમાં કહ્યું હતું કે, ‘આ ચોક્કસપણે એક સરસ રીતે બનાવેલી ફિલ્મ છે, પણ એ મારી બેસ્ટ ફિલ્મ તો નથી જ. ડિરેક્શનમાં મેં જે ભુલો કરી છે તે મને પચ્ચીસ વર્ષે સમજાય છે. ‘ગાંધી’ ભારતીય કોંગ્રેસની પ્રોપાગેન્ડા (પ્રચારાત્મક) ફિલ્મ બિલકુલ નથી, ક્યારેય નહોતી, પણ મને લાગે છે કે હું હજુ બારીકાઈમાં ઊતર્યો હોત તો આ ઓર બહેતર ફિલ્મ બની શકી હોત. એની લંબાઈ પણ મને વધારે લાગે છે. ફિલ્મને આરામથી અઢી રીલ જેટલી ટૂંકાવી શકાય તેમ હતી.’

વેલ, આવી અપ્રતીમ ફિલ્મ બનાવ્યા પછી પણ સંતુષ્ટ ન થનાર અને એમાંથી ક્ષતિઓ શોધીને જાહેરમાં કબૂલ કરનાર સર્જકની કક્ષા કેટલી ઊંચી હોવાની!


 ‘ગાંધી’ ફેક્ટ ફાઈલ 


ડિરેક્ટર -પ્રોડ્યુસર : રિચર્ડ એટનબરો
સ્ક્રીનપ્લે          : જોન બ્રીલી
કલાકાર           : બેન કિંગ્સલે, રોહિણી હટંગડી, રોશન શેઠ, સઈદ જાફરી, અનંગ દેસાઈ, અમરીશ પુરી, અલેક પદમસી, શ્રીરામ લાગુ, ઓમ પુરી, પંકજ કપૂર  
રિલીઝ ડેટ        : ૩૦ નવેમ્બર ૧૯૮૨
મહત્ત્વના અવોર્ડઝ: બેસ્ટ એક્ટર, આર્ટ ડિરેક્શન, બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન (ભાનુ અથૈયા-જોન મોલો), સિનેમેટોગ્રાફી, એડિટિંગ, રાઈટિંગ, પિક્ટર અને ડિરેક્શન માટેના ઓસ્કર અવોર્ડઝ   0 0 0

5 comments:

 1. The article on the same topic written by me in readgujarati.com

  http://www.readgujarati.com/2012/10/15/atanbaro-gandhi/

  ReplyDelete
 2. બહુ જ સરસ લેખ શિશિરભાઈ

  ReplyDelete
 3. આ બધી જ ફિલ્મોના લેખોનું સંકલન થાય અને એક પુસ્તક બને એવી ડીમાંડ એક વાંચક તરીકે કરું છું... :)

  ReplyDelete
 4. @ Harsh Pandya, Yes, the book will be made for sure. And it will be in two parts containing 50 films each!

  ReplyDelete