Tuesday, August 13, 2013

ઉન્મુક્ત આઝાદી : ઓહ મેડોના, આહ મેડોના, વાહ મેડોના! (ટેક ઓફ)

Sandesh - Ardh Saptahik Purti - 14 August 2013

Column ટેક ઓફ
કોઈ પણ સફળ વ્યક્તિ માટે પોતાના ક્ષેત્રમાં સતત રિલેવન્ટ રહેવું તે એક મોટો પડકાર હોય છે. બદલાતી પેઢીઓ સાથે એકધારું અનુસંધાન જાળવી રાખવા પોતાની જાતને સમયાંતરે રિ-ઇન્વેન્ટ કરતા રહેવું પડે છે. મેડોના આમાં માહેર છે. દુનિયાભરની બ્રિટની સ્પીઅર્સો અને લેડી ગાગાઓની એ ગુરુમા છે! એલ્વિસ પ્રિસ્લી 'કિંગ ઓફ રોક એન્ડ રોલ' છે, માઇકલ જેક્સન 'પ્રિન્સ ઓફ પોપ' છે તો મેડોના 'ક્વીન ઓફ પોપ' છે અને રહેશે. આગના ભડકા જેવી, સુપર સેક્સી અને સુપર કોન્ટ્રોર્વસિયલ મેડોના પરમ દિવસે પંચાવન વર્ષની થઈ જવાની!

જિંદગીનાં લખાઈ ચૂકેલાં પાનાં ફેરવતાં હોઈએ ત્યારે કેટલીક વ્યક્તિઓ, વસ્તુઓ અને ઘટનાઓ પાસે આપણું મન જીદપૂર્વક ઊભું રહી જાય છે, એને યાદ કરીને ખુશ થાય છે, જુસ્સાથી છલકાઈ જાય છે. અમુક વ્યક્તિઓ, વસ્તુઓ, ઘટનાઓ જીવનના જુદા જુદા તબક્કાને ડિફાઇન કરી નાખતી હોય છે. અત્યારે ત્રીસીના ઉત્તરાર્ધ કે ચાલીસીમાંથી પસાર થઈ રહેલા કે ઇવન પચાસની ઉંમરની આસપાસના લોકો માટે મેડોના લુઈસ વેરોનિકા ચિકોન અથવા ટૂંકમાં મેડોના આવું જ એક શક્તિશાળી નામ છે. એલ્વિસ પ્રિસ્લી 'કિંગ ઓફ રોક એન્ડ રોલ' છે, માઇકલ જેક્સન 'પ્રિન્સ ઓફ પોપ' છે તો મેડોના 'ક્વીન ઓફ પોપ' છે અને રહેશે.
એ વિચારમાત્રથી આશ્ચર્યચકિત થઈ જવાય છે કે પરમ દિવસે મેડોના ૫ચાવન વર્ષ પૂરાં કરશે. પંચાવન વર્ષ? કોલેજકાળમાં આ અમેરિકન સિંગર-પર્ફોમરનો જોરદાર બુખાર ચડી ગયો હતો, જે વર્ષો સુધી ધગધગતો રહ્યો. હોસ્ટેલ અને ઘરના કમરાની દીવાલો મેડોનાનાં તોતિંગ પોસ્ટરોથી ભરાઈ ગઈ હતી, જે સમયાંતરે બદલાયા કરતી. ડબ્બા જેવા ટેપરેકોર્ડર અને પોકેટ-સાઇઝ કેસેટના એ જમાનામાં મેડોનાનાં મ્યુઝિક આલબમ્સની અધ્ધરજીવે રાહ જોવાતી. અંગ્રેજી છાપાં, મેગેઝિનોમાં એના વિશે છપાતા લેખો, નાના સમાચારોનો સંગ્રહ થતો. આજે ગૂગલ પર કોઈ પણ ગીતના લિરિક્સ સપાટામાં શોધી શકાય છે, પણ તે વખતે સોંગબુકની શોધાશોધ કરવી પડતી કે જેથી મેડોનાનાં ગીતો શબ્દશઃ યાદ રાખી શકાય અને ટેપરેકોર્ડર કે વોકમેનમાં કેસેટ ચાલતી હોય ત્યારે સાથે સાથે રાગડા તાણીને ગાઈ શકાય! તે વીડિયો કેસેટ રેકોર્ડર યા તો વીસીઆરનો યુગ હતો. ભારતમાં એમટીવી હજુ નવું નવું આવ્યું હતું. ટેલિવિઝન સ્ક્રીન પર મેડોનાના વીડિયો તેમજ કોન્સટ્ર્સને આંખો ફાડીને જોયા કરવાની ભારે મોજ પડતી. એ આગના ભડકા જેવી, સુપર સેક્સી અને સુપર કોન્ટ્રોર્વસિયલ મેડોના પરમ દિવસે પંચાવન વર્ષની થઈ જવાની!


મેડોના પોતાનાં બીજાં જ સુપરહિટ આલબમ 'લાઇક અ વર્જિન'થી 'મટીરિયલ ગર્લ' તરીકે ઓળખાવા માંડી હતી. 'પાપા ડોન્ટ પ્રીચ'સિંગલમાં એ કુંવારી માતા બની જાય છે અને પિતાજીને કહી દે છે કે મને ઉપદેશ ન આપો, હું ગર્ભને પડાવી નહીં નાખું, હું મારા બચ્ચાને જન્મ આપીશ! વિવાદ થઈ જવો સ્વાભાવિક હતોઃ મેડોના પ્રિ-મેરિટલ સેક્સને ઉત્તેજન આપી રહી છે, એનું સંગીત કૌટુંબિક મૂલ્યોને કમજોર બનાવી નાખશે વગેરે. 'લાઇક અ પ્રેયર' આલબમના ટાઇટલ સોંગમાં મેડોના કાળો ડ્રેસ પહેરીને સળગી રહેલા ક્રોસ આગળ નાચે છે અને બ્લેક પાદરી સાથે સંવનન કરે છે. આ વીડિયો જોઈને ખ્રિસ્તી ધર્મગુરુઓ આગ બબૂલા થઈ ગયા, પણ મેડોના વિવાદ અને વિદ્રોહનું બીજું નામ છે એ હવે સ્થાપિત થઈ ચૂક્યું હતું. એ પછી એનું એક બહુ જ મીઠું, સોફ્ટ અને સ્વપ્નિલ ગીત આવ્યું - 'લા ઇસ્લા બોનિટા'. સ્પેનિશમાં એનો અર્થ થાય છે, ખૂબસૂરત ટાપુ. એવો ટાપુ જેની હવા પ્રેમથી તરબતર છે. 'ઇમેક્યુલેટ કલેક્શન'માં 'લિવ ટુ ટેલ' જેવું મસ્ત મજાનું ગીત સમાવી લેવામાં આવ્યું અને સાથે સાથે બે નવાં ગીત ઉમેરવામાં આવ્યાં. એમાંનું 'વોગ' મેડોનાનાં શ્રેષ્ઠતમ ગીતોમાંનું એક ગણાય છે, જેમાં એણે હોલિવૂડના લિજેન્ડ્સને યાદ કર્યા છે. 'જસ્ટિફાય માય લવ' ગીતના વીડિયોએ નવેસરથી હોબાળો મચાવ્યો. તેમાં એટલી બધી કામુકતા હતી કે એમટીવી સહિત તમામ ચેનલોએ એના પર પ્રતિબંધ મૂકવો પડયો. મેડોનાનાં ગીતોનો ઓડિયો અને વીડિયો બન્ને જુદી વસ્તુઓ છે. સાંભળવામાં નિર્દોષ લાગતાં એનાં ગીતોના વિડીયોમાં ઘણી વાર ચોંકાવી મૂકતા કે ભડકાવી દેતા વિઝ્યુઅલ્સની રેલમછેલ હોય છે. જોકે હોસ્ટેલ-કોલેજના મુક્ત વાતાવરણમાં, હજુ ચોખલિયા થયા નહોતા તે ઉંમરે આ બધુુ બહુ જ ચટપટું અને સ્વીકાર્ય લાગતું હતું!
મેડોના થકી એક નવી દુનિયા ખૂલતી જતી હતી. એક જુદી સેન્સિબિલિટીનો પરિચય થતો જતો હતો. મેડોના જેવી મ્યુઝિકલ આર્ટિસ્ટ દુનિયાએ જોઈ નહોતી. મેડોનાની સામે કોઈ રેફરન્સ પોઇન્ટ્સ નહોતા, પણ એ જે કંઈ કરી રહી હતી તે સમકાલીન તેમજ ભવિષ્યની પોપ-ગાયિકાઓ માટે એક બેન્ચમાર્ક બની રહ્યું હતું. મેડોના દુનિયાભરની બ્રિટની સ્પીઅર્સો અને લેડી ગાગાઓની ગુરુમા છે! કેટલીય પોપસિંગરોએ મેડોનાની નકલ કરવાની ખૂબ કોશિશ કરી છે, પણ ભાગ્યે જ કોઈ ફાવ્યું છે. મેડોના ઓરિજિનલ છે,ટ્રેન્ડસેટર છે. એનાં જેવાં કપડાં, એક્સેસરીઝ અને હેરસ્ટાઇલે આખા વિશ્વમાં ફેશનના પ્રવાહો પેદા કર્યા છે. મીડિયાને મેનિપ્યુલેટ શી રીતે કરી શકાય તે મેડોનાએ જગતભરની સેલિબ્રિટીઓને શીખવ્યું છે! મેડોના ઉત્કૃષ્ટ સિંગર નથી, ક્યારેય નહોતી. એ એન્ટરટેનર છે, પર્ફોમર છે. એની ગાયકી, પર્ફોર્મન્સ અને પર્સનાલિટીના સરવાળામાંથી જે પેકેજ બને છે તે ખતરનાક છે!

આજ સુધીમાં એનાં મ્યુઝિક આલબમ્સની ત્રણ અબજ કરતાં વધારે નકલો વેચાઈ ચૂકી છે. વિશ્વસંગીતના ઇતિહાસની બેસ્ટ સેલિંગ ફિમેલ રેકોર્ડિંગ આર્ટિસ્ટ તરીકે ગિનીસ બુકમાં એનું નામ બોલે છે. 'ટાઇમ' મેગેઝિને વીસમી સદીની સૌથી પાવરફુલ પચીસ મહિલાઓની સૂચિમાં મેડોનાને સામેલ કરી હતી. કેવળ સનસનાટી સર્જાય એવી ચેષ્ટાઓ કરતા રહેવાથી કે મીડિયાને રમાડયા કરવાથી આટલું વિરાટ અંતર કાપી શકાતું નથી. પ્રતિભા એ પૂર્વશરત છે. મેડોના આજની તારીખેય આલબમો બહાર પાડે છે, દેશવિદેશમાં કોન્સર્ટ્સ કરે છે, મેગેઝિનોમાં એની કવરસ્ટોરીઓ છપાતી રહે છે. હજુય એ જનતામાં ને મીડિયામાં તીવ્ર પ્રતિક્રિયાઓ જન્માવે છે તે પુરવાર કરે છે મેડોના હાંસિયામાં ધકેલાઈ ગયેલી કે ભુલાઈ ગયેલી હસ્તી નથી, બલકે તે આજેય રિલેવન્ટ છે. કોઈ પણ સફળ વ્યક્તિને રિલેવન્ટ રહેવા માટે બદલાતી પેઢીઓ સાથે એકધારું અનુસંધાન જાળવવા પોતાની જાતને સમયાંતરે રિઇન્વેન્ટ કરવી પડે છે. મેડોના આમાં માહેર છે, એ તેના કડક ટીકાકારો પણ સ્વીકારે છે.
મેડોના અને માઇકલ જેક્સન એકમેકનાં સમકાલીન છે (મેડોના કરતાં માઇકલ ફક્ત ૧૩ દિવસ નાનો હતો). સફળતા અને પ્રખ્યાતિની ચરમસીમા બન્નેએ જોઈ છે, પણ માઇકલ જેક્સને પાછલાં વર્ષોમાં સંતુલન ગુમાવી દીધું હતું, એ વિચિત્રતાઓ અને વિકૃતિઓનો ભોગ બની ચૂક્યો હતો. સુપર સેલિબ્રિટીઓ પર આ પ્રકારનું જોખમ હંમેશાં તોળાતું હોય છે. એક સમયે મેડોનાની ઉત્તરાધિકારી ગણાતી બ્રિટની સ્પિઅર્સની ગાડી તો સાવ નાની ઉંમરે પાટા પરથી ઊતરી ગઈ હતી. મેડોનાએ જોકે પોતાની જાત પરનો અંકુશ ક્યારેય ગુમાવ્યો નથી. કોઈની પરવા કર્યા વિના પોતાના સ્વતંત્ર મિજાજ પ્રમાણે જ જીવવાનો એનો સ્પિરિટ ક્યારેય મંદ પડયો નથી. એ જે કરે છે તે બધું સહમત થવાય એવું ભલે ન હોય, પણ એના અઠંગ ચાહકો ન્યાયાધીશ બનીને ચુકાદો તોળવા બેસતા નથી. તરુણાવસ્થા કે પ્રારંભિક જવાનીમાં જેને ભરપૂર પેશનથી ચાહ્યા હોય એવા કલાકાર પ્રત્યેની વફાદારી આજીવન છૂટતી હોતી નથી!                                                                           0 0 0 

No comments:

Post a Comment