Tuesday, July 23, 2013

ટેક ઓફ : વર્ષોજૂની ડાયરીનાં પાનાં ઊથલાવતી વખતે...


Sandesh - Ardh Saptahik purti - 24 July 2013

Column: ટેક ઓફ 

અમુક ગ્રંથિઓમાંથી બહુ પહેલાં મુક્ત થઈ જવાનું હતું. દિમાગમાં જામી ગયેલો અમુક કચરો વર્ષો પહેલાં જ સાફ થઈ જવો જોઈતો હતો. અમુક બોજ બહુ પહેલાં ફગાવી દેવાનો હતો. કેમ એવું ન બન્યું?

મારી દસ-પંદર-વીસ વર્ષ જૂની પર્સનલ ડાયરીનાં પાનાં ઊથલાવ્યાં છે તમે? તમારા પોતાના અક્ષરો છે, તમારી પોતાની અંગત અંગત વાતો છે, જે કદાચ વર્ષોનાં વજન નીચે દબાઈ ગઈ છે. જૂની ડાયરીમાંથી પસાર થઈએ એટલે વીતી ગયેલી અને ભુલાઈ ચૂકેલી કેટલીય ક્ષણો એકાએક સજીવન થઈને સળવળી ઊઠે. તમે સપનાં જોયાં હતાં, ધ્યેય નક્કી કર્યાં હતાં. તમે પાગલ કરી મૂકતી ખુશાલી ઠાલવી હતી, હૃદય ચીરી નાખતી પીડાને શબ્દોમાં મૂકી હતી. તમારી બહાદુરી અને બેવકૂફી, તમારો પ્રેમ અને નફરત, તમારો ગર્વ અને ગિલ્ટ, તમારી માનસિક સ્પષ્ટતાઓ અને ગૂંચવણો, આવનારાં વર્ષોનો અંદાજિત નકશો, તમારાં માંહ્યલાનો ડીએનએ... આ બધું જ એક દસ્તાવેજ બનીને પીળા પડી ગયેલા કાગળો પર ઊતરેલું છે. જૂની ડાયરીનાં પાનાં ઊથલાવતાં અચાનક ભાન થાય કે લાખ પ્રયત્નો કર્યા પછી પણ અમુક લાગણીઓ,પરિસ્થિતિ, પૂર્વગ્રહો અને નબળાઈઓ કેમ એવાં ને એવાં રહ્યાં છે? કેમ અમુક મામલામાં 'સેલ્ફ-ઈમ્પ્રૂવમેન્ટ' થયું નથી? અમુક ગ્રંથિઓમાંથી તો બહુ પહેલાં મુક્ત થઈ જવાનું હતું. દિમાગમાં જામી ગયેલો અમુક કચરો તો વર્ષો પહેલાં જ સાફ થઈ જવો જોઈતો હતો. અમુક બોજ બહુ પહેલાં ફગાવી દેવાનો હતો. કેમ એવું ન બન્યું?
કદાચ આપણને આપણી નબળાઈઓ સાથે એટલો પ્રેમ થઈ જતો હોય છે કે એને અળગો કરી શકતા નથી. કદાચ આપણો દોષ આપણા અહંકારનો ભાગ બની જતો હોય છે. કદાચ આપણાં નબળાં પાસાં આપણી સ્વ-ઓળખનો હિસ્સો બની જાય છે. એવું શા માટે બનતું હશે કે જે વસ્તુઓ આપણને પીડા આપ્યા કરે છે, જેના પર 'ટેક્નિકલી' આપણો સંપૂર્ણ અંકુશ છે તેને પણ બહાર ભગાડી મૂકી શકાતી નથી?
Hugh Prather
અમેરિકન લેખક હ્યું પ્રેધર 'નોટ્સ ટુ માયસેલ્ફ' જેવું સુંદર વિચારશીલ પુસ્તક લખીને મશહૂર થઈ ગયા છે. તેમણે પછી તો ઘણાં પુસ્તકો લખ્યાં, જેમાંનાં એકનું શીર્ષક છે - 'ધ લિટલ બુક ઓફ લેટિંગ ગો'. લેટ ગો કરવું એટલે જવા દેવું - ખુદની નબળાઈઓને,મનને દૂષિત કરનાર હાનિકારક તત્ત્વોને. તેઓ કહે છે કે મૂળભૂત રીતે આપણું હૃદય સીધુંસાદું, નિર્મળ અને આંટીઘૂંટી વગરનું છે,પણ આપણે સતત આપણી જાત સાથે બાખડતા રહીને મજા બગાડી નાખીએ છીએ. કોણ જાણે શા માટે આપણું દિલ-દિમાગ લાચાર થઈને કોઈ ભેદી આદેશોને અનુસરતું હોય તેમ ભૂતકાળની પીડાદાયક યાદોને ખોતરી ખોતરીને રીબાયા કરે છે. કાં તો અધમૂઆ થવાય એટલી હદે ભવિષ્યની ચિંતા કર્યા કરે છે. આપણે જે નથી તે બનવાની કોશિશ કરતા રહેવાની ઇચ્છા થયા કરે છે. આપણી પાસે જે છે એને અવગણીને જે નથી તેના પર ફોકસ કર્યા કરીએ છીએ.
આવું કરીને આપણે માત્ર ખુદને જ નહીં, બલકે સ્વજનોને તેમજ આસપાસના લોકોને પણ આપણે હેરાન કર્યા કરતા હોઈએ છીએ. લેખક કહે છે કે સ્વજને આપણને હર્ટ કર્યા હોય કે આપણું બૂરું કરી નાખ્યું હોય કે ત્યારે એ 'તું જ ખોટો છે, તારો જ વાંક છે' એમ કહેતાં રહીને ચુકાદો તોળતા રહેશો, એ માણસ પર બળજબરી કર્યા કરશો કે એને ડરાવતાં-ધમકાવતાં રહેશો તો એ કંઈ વધારે સંવેદનશીલ કે વિચારશીલ બની નહીં બની જાય. ઊલટાનો એ વધારે આળો થઈ જશે. સામેની વ્યક્તિ પર પ્રેશર લાવવાથી એનું હૃદય પરિવર્તન ક્યારેય થવાનું નથી.

સમસ્યાઓ આપણાં મનનો કબજો લઈ લેતી હોય છે. હ્યું પ્રેધર સરસ વાત કરે છે કે એમાંથી છૂટવાનો અને મુક્તિ અનુભવવાનો ઉપાય એ નથી કે પરેશાની પેદા કરતી વ્યક્તિ કે પરિસ્થિતિથી છેડો ફાડી નાખવો. આમ કરવું જો એટલું આસાન હોત તો તો જોઈએ જ શું. ઉપાય એ છે કે આવી પરિસ્થિતિમાં આપણું મન જે પ્રતિક્રિયા આપે છે એની પેટર્નને બદલી નાખવી. જેમ કે,ઝઘડાખોર સ્વજન અમુક વર્તન કરે એટલે આપણું મન એના રિએક્શનમાં ચીસો પાડવા લાગે કે આ માણસ કેમ આમ કરે છે? કેમ સમજતો નથી એ? આપણું દિમાગ ખરાબ થઈ જાય, મૂડ બગડી જાય. આવું ફીલ કરવાને બદલે આપણે આપણું રિએક્શન બદલી નાખવાનું. એ માણસ ફરી વખત અણગમતું વર્તન કરે એટલે દુઃખી દુઃખી થઈ જવાને બદલે એમ વિચારવાનું કે ઠીક છે, આ એની સ્વાભાવિકતા છે. કાગડો ક્રાં ક્રાં જ કરી શકે, કોયલની જેમ ટહુકા ન જ કરી શકે. એણે જે કરવું હોય એ કરે, હું મારી આંતરિક શાંતિનો ભંગ નહીં થવા દઉં. 'આપણે ત્રણ જ વસ્તુઓને લેટ ગો કરવાની જરૂર છે,' હ્યું પ્રેધર કહે છે, "જજિંગ, કંટ્રોલિંગ અને બીઈંગ રાઈટ. બસ, આ ત્રણ વસ્તુને જવા દઈશું તો આપણું મન હળવુંફૂલ થઈ જશે."


આપણે ઘણી વાર સાંભળતાં હોઈએ છીએ અથવા ખુદ ફીલ કરતા હોઈએ છીએ કે મારામાં અમુક ખામીઓ રહી ગઈ છે, એનું કારણ મારો ઉછેર છે. હું નાનો હતો ત્યારે મારાં મા-બાપે અમુકતમુક વસ્તુઓનું ધ્યાન રાખ્યું હોત તો મને અત્યારે છે એવો પ્રોબ્લેમ ન થયો હોત. આપણે ભાર દઈને સમજવાનું એ છે કે બાળપણની અસરોને બાળપણના સંદર્ભમાં જ જોવાની હોય. નાના હતા ત્યારે અમુક અપ્રિય ઘટનાઓ બની ગઈ હોય તો તેનાં પરિણામોને વર્ષો સુધી, દાયકાઓ સુધી ખેંચ્યા કરવાની જરૂર નથી. નાનપણમાં આપણી સાથે જે કંઈ થયું એવું નહોતું થવું જોઈતું, બરાબર છે, પણ જે થયું તે ભૂંસી શકાવાનું નથી. તે સ્વીકારી લેવાનું છે. એ વખતે આપણે લાચાર અને અણસમજુ હતા, પણ હવે તો સક્ષમ અને સમજદાર છીએ. આપણાં અત્યારનાં વર્તન-વ્યવહાર-ઈગોની સંપૂર્ણ જવાબદારી આપણી પોતાની છે, બીજા કોઈની નહીં.
મા-બાપને દોષ દેતા રહેવાથી કોઈ સમસ્યા હલ થતી નથી. કેવળ સમસ્યાનો ઉકેલ લાવવામાં વિલંબ થાય છે, એટલું જ. હ્યું પ્રેધર કહે છે તેમ, ડોન્ટ વેસ્ટ ટાઇમ ઇન જજિંગ પેરેન્ટ્સ... ધે હેડ પેરેન્ટ્સ ટુ. મા-બાપને વખોડવામાં સમય શા માટે બગાડો છો?આખરે એ પણ કોઈનાં સંતાનો છે! આપણી પર્સનલ ડાયરીનાં કેટલાંક અણગમતાં પાનાં વર્ષો પછી અકળાવી મૂકે છે એનું કારણ આપણે પોતે છીએ, આપણાં મા-બાપ નહીં... 0 0 0

No comments:

Post a Comment