Tuesday, July 23, 2013

હોલીવૂડ હંડ્રેડ: વોલ સ્ટ્રીટ : ક્યું પૈસા પૈસા કરતા હૈ... પૈસે પે ક્યું મરતા હૈ


મુંબઈ સમાચાર- મેટિની પૂર્તિ (શુક્રવાર) - તા. ૧૯ જુલાઈ ૨૦૧૩ 

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

માણસે કેટલું કમાવું જોઈએ? બેન્ક અકાઉન્ટમાં કેટલા પૈસા પડ્યા હોય તો આપણા જીવને નિરાંત થાય? ‘વોલસ્ટ્રીટ’ ફિલ્મનાં પાત્રો ઈનસાઈડ ટ્રેડિંગ જેવા ઊંધાચત્તા રસ્તા અજમાવીને ખૂબ પૈસા બનાવે છે ને પછી પેટ ભરીને પસ્તાય છે.ફિલ્મ નંબર ૩૧. વોલ સ્ટ્રીટ 

ધનસંપત્તિના મામલામાં ‘ઈનફ’ જેવું કશુંય હોય છે ખરું? ઉપરવાળાએ આપણામાં લાલચવૃત્તિ મૂકી છે એનું કંઈક તો કારણ હશેને. નાણા વગરના નાથિયાને કોઈ અગાઉ પણ ઊભું નહોતું રાખતું તો હવે તો વાત જ શી કરવી. તો શું પૈસા બનાવવા નીતિમત્તાની ઐસીતૈસી કરી નાખવી? પ્રેમ, યુદ્ધ અને પૈસામાં બધું જ ચાલે? આજની ફિલ્મ ‘વોલસ્ટ્રીટ’ આ બધા પ્રશ્ર્નો આડકતરી રીતે ઓડિયન્સને પૂછે છે.

ફિલ્મમાં શું છે? 

બડ ફોક્સ (ચાર્લી શીન) નામનો એક ઉત્સાહી જુવાનિયો છે. ન્યુયોર્કના શેરબજારની એક પ્રતિષ્ઠિત ફર્મમાં એ જુનિયર સ્ટોકબ્રોકર તરીકે કામ કરે છે. ભારે મહત્ત્વાકાંક્ષી છે. ફટાફટ પૈસા બનાવીને આગળ નીકળી જવા માગે છે. એનો એક રોલમોડલ છે - ગોર્ડન ગેક્કો (માઈકલ ડગ્લસ). શેરબજારનો આ અઠંગ ખેલાડી મલ્ટિમિલિયોનેર માણસ છે. અતિ વૈભવી લાઈફસ્ટાઈલ છે એની. બડ એને પોતાનો રોલમોડલ ગણે છે. એના મનમાં એક જ વાત છે કે ગોર્ડન સાથે કામ કરવાની તક મળે તો જલસો થઈ જાય. બડના પિતાજી કાર્લ (માર્ટિન શીન) સિદ્ધાંતવાદી અને પ્રામાણિક માણસ છે. બ્લુસ્ટાર નામની ડચકાં ખાઈ રહેલી એરલાઈન્સ કંપનીમાં તેઓ વિમાનોના મેન્ટેનન્સનું કામ કરે છે. કંપનીના વર્કર્સ યુનિયનના તેઓ લીડર પણ છે. એક વાર વાતવાતમાં પિતાજી બડને પોતાની કંપનીનું કોર્પોેરેટ સિક્રેટ શર કરે છે. આ એવી વાત છે કે જો એ જાહેર થાય તો કંપનીના શેરના ભાવમાં ઉથલપાથલ થઈ જાય.

થોડા દિવસ પછી ગોર્ડનના જન્મદિવસ પર બડ એને મળવા જાય છે. એ ઈચ્છે છે કે ગોર્ડન પોતાની ફર્મ સાથે બિઝનેસ કરે. ગોર્ડને એને માંડ પાંચેક મિનિટ ફાળવી હતી, પણ બડની વાતોમાં એને જરાય રસ પડતો નથી. અહીં કંઈ મેળ પડે એવો લાગતો નથી એવું ભાન થતાં ઘાંઘો થઈ ગયેલો બડ ગોડર્નને બ્લુસ્ટાર કંપનીની સિક્રેટ વાત વાત કહી દે છે. એ વખતે તો ગોર્ડન ‘જોઈશું’ એમ કહીને બડને રવાના કરી દે છે. જોકે પછી એનો ક્લાયન્ટ બની બ્લુસ્ટારના શેર પણ ખરીદે છે. ધીમે ધીમે ગોર્ડન અને બડનો સંગાથ વધતો જાય છે. ગોર્ડને એને ચોખ્ખું કહે છે કે જો દોસ્ત, મને શેરબજારની નાની નાની ટિપ્સમાં રસ નથી, મને ઈન્સાઈડ ઈન્ફોર્મેશનમાં રસ છે. એ તું ગમે તે રીતે ભેગી કર. તે માટે ગેરકાનૂની તરીકા અજમાવવા પડે તો તે પણ કર. જો તું આ કરી શકીશ તો હું તને ન્યાલ કરી દઈશ. બડને પૈસા બનાવવાની અને ગોર્ડનની ગુડ બુક્સમાં આવવાની એટલી બધી ચટપટી છે કે ખરુ-ખોટું વિચાર્યા વિના ગોર્ડન કહે તેમ કરતો જાય છે અને સફળ પણ થતો જાય છે.

એક વાર ગોર્ડનની ઘરે પાર્ટીમાં બડની મુલાકાત ડેરીઅન (ડેરીલ હાના) નામની ખૂબસૂરત ઈન્ટીરિયર ડિઝાઈનર સાથે થાય છે. ભૂતકાળમાં એ ગોર્ડનની પ્રેમિકા રહી ચુકી છે, પણ હવે બડ સાથે એનો રોમેન્ટિક સંબંધ બંધાય છે.  ગોર્ડન પાસેથી મળેલા પૈસામાંથી બડ ન્યુયોર્કના એક વૈભવી વિસ્તારમાં વિશાળ પેન્ટહાઉસ ખરીદે છે. ડેરીઅન એની સાથે રહેવા લાગે છે.

બડ ગોર્ડનને સલાહ આપે છે કે બ્લુસ્ટાર એરલાઈન્સ ખરીદી લેવા જેવી છે. જો યુનિયનનું ફન્ડ ઉપયોગમાં લેવામાં આવે તો કંપની ખોટ ખાતી બંધ કરી નફો  કરતી થઈ શકે છે. ગોર્ડન બ્લુસ્ટારના યુનિયન લીડર્સને બડના ઘરે મળવા બોલાવે છે. બડના ફાધર પણ આવ્યા છે. ગોર્ડન ફુલગુલાબી ચિત્ર રજૂ કરે છે. બીજા યુનિયન લીડર તો ગોર્ડનની વાતમાં આવી જાય છે, પણ બડના પિતાજીને  ગોર્ડન પર જરાય વિશ્ર્વાસ નથી. એમનું સ્પષ્ટપણે માનવું છે કે ગોર્ડન સ્વાર્થી માણસ છે. એને કંપનીનું ભલું કરવામાં નહીં, બલકે પોતાનું બેન્ક બેલેન્સ વધારવામાં જ રસ છે. બડ ગુસ્સે થઈને ફાધરને ન કહેવાનું કહી બેસે છે. પિતાજી કમને ગોર્ડનની પ્રપોઝલ સાથે સહમત થાય છે. જોકે એમનો અંદેશો સાચો હતો. ગોર્ડનનો બદઈરાદો એવો હતો કે બ્લુસ્ટારના શેરના ભાવ ટોચ પર પહોંચે થાય એટલે કંપનીની એસેટ્સ વેચી મારવી. પછી ભલે કંપનીનો સ્ટાફ રસ્તા પર આવી જાય. બડને આ બધું સમજાય છે. એ વ્યક્તિગત રીતે ખૂબ પૈસા કમાય શકે તેમ છે, પણ એ ક્યારેય ઈચ્છતો નહોતો કે બ્લુસ્ટારનું કે તેના સ્ટાફનું બૂરું થાય. માંદગીના બિછાને પડેલા પિતાજી સામે બડ હૃદયપૂર્વક દિલગીરી વ્યક્ત કરે છે.

 બડ હવે નક્કી કરે છે કે હું ગોર્ડનનો બદઈરાદો સફળ નહીં જ થવા દઉં. એ યુનિયન લીડર્સ સાથે ગોર્ડનના સૌથી મોટા પ્રતિસ્પર્ધી લોરેન્સ વિલ્ડમેનને ખાનગીમાં મળી ગેમપ્લાન તૈયાર કરે છે. ગોર્ડન પાસેથી શીખેલું જ્ઞાન બડ હવે તેના પર જ અજમાવે છે. બ્લુસ્ટારના શેર કૃત્રિમ રીતે ખૂબ ઊંચા ચડાવી પછી અને સપાટામાં નીચે ખેંચવામાં આવે છે. ગોર્ડન ઘાંઘો થઈ જાય છે કારણ કે એને કેટલાય મિલિયન્સનું નુક્સાન થઈ રહ્યું છે. એ ખોટ ખાઈનેય શેર વેચી નાખે છે. જેવા બ્લુસ્ટારના શેરના ભાવ તળિયે પહોંચે છે કે વિલ્ડમેન એ ખરીદી લે છે. બ્લુસ્ટાર પર હવે એની માલિકી સ્થપાય છે. ગોર્ડન રાતોપીળો થઈ જાય છે. આ બડના કારનામા છે તે સમજતા એને વાર લાગતી નથી. એ પોલીસ ડિપાર્ટમેન્ટ તેમજ સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશન (આપણી સેબી જેવી અમેરિકન સંસ્થા)ને બડે જે કોઈ કાળાધોળા કર્યા હતા તેની આખી કુંડળી સોંપી દે છે. સફળતા અને ઈઝીમનીનો શોર્ટકટ બડને ભારે પડી જાય છે. એની ધરપકડ થાય છે. થોડા સમય પછી ગોર્ડન અને બડ મળે છે. ગોર્ડન એને ખૂબ ધીબેડે છે, ખૂબ સંભળાવે છે, ખૂબ બકવાસ કરે છે. એને ખબર નથી કે બડ ગુપ્ત રીતે એનો અવાજ રેકોર્ડ કરી રહ્યો છે. ગોર્ડને જાતે પોતાના વટાણા વેરી નાખ્યા છે. એના ફ્રોડની વિગતો એના જ મોઢે બહાર આવી જવાથી કાનૂન માટે હવે તેના પર કામ ચલાવવું આસાન થઈ ગયું છે. અલબત્ત, કાળાધોળાં કામ તો બડે પણ કર્યા છે. ઈનસાઈડ ટ્રેડિંગ અને સિક્યોરિટી ફ્રોડ કરવા બદલ તેના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી શરુ થાય છે. કમસે કમ એટલું આશ્ર્વાસન છે કે કાનૂનની મદદ કરી હોવાથી એની સજા પ્રમાણમાં હળવી હશે. ફિલ્મ અહીં પૂરી થયા છે.

કથા પહેલાંની અને પછીની 

‘વોલસ્ટ્રીટ’ના ડિરેક્ટર ઓલિવર સ્ટોન હોલિવૂડનું મોટું માથું ગણાય છે. આ ફિલ્મ બનાવવાની પ્રેરણા તેમને પોતાના પિતાજી પરથી મળી, જે એક સમયે ખુદ શેરબ્રોકર તરીકે કામ કરતા હતા. મજાની વાત એ છે કે ફિલ્મના લેખક સ્ટેન્લી વીઝરને શેરબજારમાં કશી જ ગતાગમ પડતી નહોતી. આ પ્રોજેક્ટમાં જોડાયા પછી એમણે શેરબજારની શીખવાની શરુઆત કરી. ધીમે ધીમે શેરબજાની આંટીઘૂંટી, કઈ રીતે કોર્પોરેટ ટેકઓવર થાય છે ને એવું બધું સમજતા ગયા. રિચર્સ માટે રાઈટર-ડિરેક્ટરની જોડીએ કેટલાય બ્રોકરેજ હાઉસની મુલાકાત લીધી, ઈન્વેસ્ટરોના ઈન્ટરવ્યુ કર્યા ને નોંધ ટપકાવતા ગયા. ફિલ્મની વાર્તા ૧૯૮૫-૮૬માં સેટ કરવામાં આવી, કારણ કે આ અરસામાં અમેરિકામાં ઈનસાઈડ ટ્રેડિંગના કૌભાંડો ચરમસીમાએ પહોંચી ગયા હતા.ગોર્ડન ગેક્કોના રોલમાં ડિરેક્ટર ‘પ્રીટી વુમન’ ફેમ રિચર્ડ ગેરને લેવા માગતા હતા. સ્ટુડિયોની ઈચ્છા વોરન બેટ્ટીને સાઈન કરવાની હતી. આ બન્ને એક્ટર્સને આ રોલમાં રસ ન પડ્યો એટલે માઈકલ ડગ્લસની વરણી કરવામાં આવી. ઓલિવર સ્ટોનને કેટલાય લોકોએ ચેતવ્યો હતો કે ભુલેચુકેય માઈકલ ડગ્લસમાં તો પડતો જ નહીં, કારણ કે એક તો એ ખરાબ એક્ટર છે, બીજું, એને એક્ટિંગ કરતાં ફિલ્મો પ્રોડ્યુસ કરવામાં વધારે રસ પડે છે. વળી, સેટ પર આખો દિવસ એ વેનિટી વેનમાં ભરાઈને ફોન પર ચોંટેલો રહેશે. ઓલિવર સ્ટોન ન માન્યા. એમને આ કિરદારમાં થોડી વિલન પ્રકારની ક્વોલિટી જોઈતી હતી. વળી, માઈકલ ખુદ સ્માર્ટ બિઝનેસમેન હોવાથી આ રોલ સરસ નિભાવી શકશે એવી તેમને ખાતરી હતી. એવું જ થયું. ગોર્ડન ગેક્કોનું પાત્ર માઈકલ ડગ્લસ ભારે અસરકારક રીતે ભજવ્યું. આ રોલ માટે તેમને ઓસ્કર અવોર્ડ પણ મળ્યો. બડના રોલ માટે ટોમ ક્રુઝનું નામ પણ વિચારવામાં આવેલું, પણ આ પાત્ર ચાર્લી શીનના ફાળે ગયું (ચાર્લી શીનને આપણે ‘એંગર મેનેેજમેન્ટ’ સિરિયલમાં ટીવી પર રોજ જોઈએ છીએ. એની ‘ટુ એન્ડ અ હાફ મેન’ સિરિયલ પણ આપણે ખૂબ માણી છે). ચાર્લીની પ્રેમિકા બનેલી ડેરીલ હાનાને શૂટિંગ શરુ થઈ ગયા પછી અસંતોષ થવા માંડ્યો હતો. ‘અનૈતિક’ લાઈફસ્ટાઈલ જીવતી સ્ત્રીના રોલ સામે એને સૈદ્ધાંતિક વાંધા પડવા લાગ્યા હતા. વળી, ચાર્લી શીન સાથે પણ એને બનતું નહોતું.‘વોલસ્ટ્રીટ’ની મજા એ વાતમાં છે કે તમે શેરબજારના મામલામાં સંપૂર્ણ અજ્ઞાની હો તો પણ તમે આ ફિલ્મ એન્જોય કરી શકો છો. આ ફિલ્મનો માઈકલ ડગ્લસના મોઢે બોલાયેલો એક ડાયલોગ ખૂબ પોપ્યુલર થયો હતો: ‘ગ્રીડ ઈઝ ગુડ.’ મતલબ, લાલચ તો સારી વસ્તુ છે.  ફિલ્મનો સૂર એ છે કે ચાલતા-દોડતા રહેવાનો ધક્કો લાગતો રહે ત્યાં સુધી લાલચ ઠીક છે, પણ એક હદરેખા પછી સંતોષ માની લેવો જરુરી છે. યેનકેન પ્રકારેણ પૈસા બનાવવાની લાહ્યમાં જો અનૈતિક હથકંડા અજમાવતા થઈ ગયા તો આખરે હાલ ગોર્ડન અને બડ જેવા થાય છે.  ફિલ્મ એન્ટરટેનિંગ અને ગતિશીલ છે. જોઈ કાઢો!

‘વોલ સ્ટ્રીટ’ ફેક્ટ ફાઈલ 


ડિરેક્ટર           : ઓલિવર સ્ટોન
લેખક             : ઓલિવર સ્ટોન, સ્ટેન્લી વીઝર
કલાકાર           : માઈકલ ડગ્લસ, ચાર્લી શીન, ડેરીલ હાના
રિલીઝ ડેટ        : ૧૧ ડિસેમ્બર ૧૯૮૭
મહત્ત્વના અવોર્ડઝ: માઈકલ ડગ્લસને બેસ્ટ એક્ટર માટેનો ઓસ્કર અવોર્ડ

૦ ૦ ૦

No comments:

Post a Comment