Tuesday, July 2, 2013

ટેક ઓફ : સતત સુખની અનુભૂતિ કરવી તે પણ એક આદત હોઈ શકે છે!


Sandesh - Ardh Saptahik Purti - 3 July 2013

Column : ટેક ઓફ 

જૂની કુટેવો આસાનીથી છૂટતી નથી અને નવી સારી ટેવો સહેલાઈથી પડતી નથી. નવી ટેવ પાડવા માટે ફક્ત ૨૧ દિવસ જોઈએ તે થિયરી એક ભ્રમણા છે.


જથી હું અઠવાડિયામાં કમસે કમ પાંચ દિવસ એક્સરસાઈઝ કરીશ. હાલતાંચાલતાં પાણીપૂરી-રગડાપેટીસ-વડાંપાઉં ઝાપટવાનું સાવ બંધ કરી દઈશ. ચેનલ બદલ બદલ કરીને નકામા પ્રોગ્રામો જોતાં જોતાં રાતે બબ્બે વાગ્યા સુધી જાગવાનું આજથી સાવ બંધ. સિગારેટને હવેથી હાથ પણ નહીં લગાડું, બસ? હું નકારાત્મક વિચારોથી દૂર રહીશ. ક્ષુલ્લક વાતોમાં રાડારાડી કરીને મારું કે બીજાઓનું બીપી હાઈ નહીં કરું.
યાદ કરો, પહેલી જાન્યુઆરીએ તમે આવું કયું ન્યૂ યર રિઝોલ્યુશન લીધું હતું? કયા સંકલ્પો કર્યા હતા? ૨૦૧૩નું વર્ષ અડધું સમાપ્ત થઈ ચૂક્યું છે. બોલો, કેટલું પાલન કરી શક્યા? હાનિકર્તા કુટેવો છૂટી? નવી સારી ટેવો પડી? જૂની કુટેવો આસાનીથી છૂટતી નથી અને નવી સારી ટેવો સહેલાઈથી પડતી નથી એવો અનુભવ સૌનો છે. જોકે એક વાત વારંવાર વાંચવા-સાંભળવામાં આવે છે કે નવી ટેવ પાડવા માટે ફક્ત ૨૧ દિવસ જોઈએ. લાગલગાટ ત્રણ વીક સુધી રોજેરોજ, પૂરેપૂરી નિષ્ઠાથી જેની આદત પાડવી છે તે ક્રિયાને વળગી રહો તો તે તમારી પર્સનાલિટીનો ભાગ બની જશે, તમારો સ્વભાવ બની જશે!
ખરેખર? ફક્ત ૨૧ દિવસ? જે આરામપ્રિય મહાઆળસુ માણસ જિંદગીમાં સો મીટર પણ ચાલ્યો નથી તે ગમે તેમ કરીને ૨૧ દિવસ સુધી રોજની પોણી કલાક મોર્નિંગ વોક લઈ આવે એટલે બાવીસમા દિવસથી એને ચાલવાની સજ્જડ આદત પડી જશે? પોતાની જાતને બિલકુલ ધક્કા નહીં મારવા પડે? ના.૨૧ દિવસવાળી આ થિયરી ભ્રામક છે, એક 'મિથ' છે તે એક કરતાં વધારે અભ્યાસોમાં પુરવાર થયું છે. સવાલ એ છે કે તો પછી આ ૨૧ દિવસનો આંકડો આવ્યો ક્યાંથી? જાણભેદુઓએ ખાંખાંખોળાં કરીને આ થિયરીનાં મૂળિયાં શોધી કાઢયાં છે. ડો. મેક્સવેલ માલ્ટ્ઝ નામના એક અમેરિકન કોસ્મેટિક સર્જ્યને ૧૯૬૦માં 'સાયકો-સાયબરનેટિક્સ' નામનું પુસ્તક પ્રગટ કર્યું હતું. તેમાં એમણે લખ્યું હતું કે, 'પેશન્ટના ચહેરાની પ્લાસ્ટિક્ સર્જરી થાય પછી નવા ચહેરાથી ટેવાતા ૨૧ દિવસ લાગે છે. હાથ કે પગ વાઢી નાખવામાં આવ્યા પછી પેશન્ટને ૨૧ દિવસ સુધી ફીલિંગ થતી રહે છે કે કાપી નંખાયેલું અંગ હજુ ત્યાં જ છે. જૂની મેન્ટલ ઇમેજને ભૂંસાતા અને નવી મેન્ટલ ઇમેજને સ્થિર થતાં ઓછામાં ઓછા ૨૧ દિવસ લાગી જાય છે.
આમ, ડો. મેક્સવેલે ૨૧ દિવસવાળી વાત મુખ્યત્વે પ્લાસ્ટિક સર્જરીના સંદર્ભમાં કરી હતી, પણ કાળક્રમે તેને જનરલાઈઝ્ડ કરી નાખવામાં આવી. ટૂંકમાં, ૨૧ દિવસમાં નવી આદત ઘડાય તે વાત ખોટી. ઠીક છે. હવે સવાલ એ ઊભો થાય છે કે ૨૧ નહીં તો વધારાના કેટલા દિવસમાં હેબિટ ફોર્મ થાય? આના અનેક પ્રયોગો થયા છે. એક પ્રયોગમાં પાર્ટિસિપન્ટ્સને હેલ્થને લગતી કોઈ આદત જાતે પસંદ કરવાનું કહેવામાં આવ્યું હતું. ભાગ લેનારાઓનું ૮૪ દિવસ સુધી નિરીક્ષણ ક્રવામાં આવ્યું. અમુક પાર્ટિસિપન્ટ્સને ૧૮ દિવસમાં ટેવ પડી ગઈ, અમુકને પૂરા ૮૪ દિવસ લાગ્યા. ટેવ પડવા માટે જરૂરી દિવસોનો સરેરાશ આંકડો ૬૬ આવ્યો. ટેવ કઈ વસ્તુની પાડવી છે તે પરિબળ સૌથી મહત્ત્વનું છે. રોજ એક લિટર પાણી અચૂક પીવા જેવી સાદી બાબત હોય તો જલદી ટેવ પડી જાય. રોજ એક કલાક જોગિંગ-રનિંગ કરવા જેવી કઠિન આદત માટે લાંબો સમય જોઈએ. 

સો વાતની એક વાત. મનોબળ મક્કમ રાખવાનું. ઢીલા પડયા વગર નોનસ્ટોપ મચી પડવાનું. ૨૧ દિવસમાં નવી ટેવ નહીં જ પડે. શક્ય છે કે ૬૬ દિવસમાં પણ ન પડે. આવો કોઈ આંકડો ધ્યાનમાં લીધા વગર સીન્સિયર રહીને રિયાજ કરતા રહીએ તો જે-તે ક્રિયા આપણી સિસ્ટમનો સહજ હિસ્સો બની જાય છે.
Matthieu Ricard
આપણે આખરે શું છીએ? આપણી આદતોનો સરવાળો! ગમે તેવી પરિસ્થિતિમાં ખુશ રહેવું, સુખની અનુભૂતિ કરતા રહેવી,પોઝિટિવ રહેવું તે પણ એક આદત હોઈ શકે છે. મેથ્યુ રિકેર્ડ નામનો એક ફ્રેન્ચ માણસ સુખની શોધમાં એક દિવસ બધું છોડીને હિમાલય આવીને બૌદ્ધ સાધુ બની ગયો. દલાઈ લામાના ખાસ માણસ ગણાતા મેથ્યુ રિકેર્ડે કેટલાંય પુસ્તકો લખ્યાં છે. તેમને ઘણી વાર 'ધ હેપીએસ્ટ મેન ઈન ધ વર્લ્ડ' તરીકે સંબોધવામાં આવે છે. સુખ માટે તેઓ મેડિટેશન પર ભાર મૂકે છે. તેઓ કહે છે, "મેડિટેશનની ટેવ પાડવી પડે છે, મનને શિસ્તપૂર્વક કેળવવું પડે છે. આપણે ભણતરમાં જિંદગીનાં પંદર વર્ષ નાખી દઈએ છીએ,ફિટનેસ પાછળ પુષ્કળ શક્તિ ખર્ચીએ છીએ, પણ જે સૌથી વધારે મહત્ત્વનું છે - આંતરિક શાંતિ અને ખુદના મન પર કાબૂ - એના માટે કોણ જાણે કેમ સમય ફાળવી શકતા નથી. ધ્યાન અને પ્રાણાયામ તો આત્માનો ખોરાક છે."
વાત આખરે ટેવ અને શિસ્ત પર જ આવીને અટકે છે. જો તમે ખરેખર મક્કમ હો તો ઈન્ટરનેટ પણ તમારી મદદે આવવા તૈયાર છે. એક સુંદર મજાની વેબ-એપ્લિકેશન છે, જેનું નામ જ છે હેબિટફોર્જ ડોટકોમ (habitforge.com). તમારે આ ફ્રી વેબસાઈટ નામ અને તમે કઈ ટેવ પાડવા માગો છો તે નોંધી દેવાનું. 
દાખલા તરીકે, હું રોજ કમસે કમ ચાર ફુલસ્કેપ પાનાં લખીશ અથવા બીજું કંઈ પણ. આ વેબસાઈટ તમને તમે ઇચ્છો એટલી વાર, તમે ઇચ્છો એટલા વાગ્યે ઇ-મેલ મોકલીને રિમાઈન્ડ કરાવશેઃ તમે જે સંકલ્પ કર્યો છે તે કામ કર્યું ખરું? તમારે 'યસ' અથવા 'નો' વિકલ્પ પર પ્રામાણિક્તાથી ક્લિક કરવાનું. આ રીતે કોઈ પૂછવાવાળું કે હિસાબ માગવાવાળું હોય તો ખરેખર સારું પડે છે! ૨૦૧૩નું વર્ષ હજુ અડધું બાકી છે. 

તો કહો, આ બાકીના છ મહિનામાં તમે કઈ નવી સુ-ટેવ પાડવા માગો છો?          0 0 0 

2 comments:

  1. The Headline stating that "21 days' Habit Formation technique is MYTH" does not properly exhibit what you propose to say. Keep the TITLE positive for anyone to form good habits, rather than shirking to old bad habits, just by reading the Headline.

    ReplyDelete
  2. Jeetendra Mistry,

    Take off is an open-ended, free-wheeling column, not a typically motivational one. Your suggestion is good but not necessarily applicable.

    ReplyDelete