Wednesday, May 15, 2013

હોલીવૂડ હંડ્રેડ: ફોરેસ્ટ ગમ્પ : અજબ દૌડ હૈ ગજબ દૌડ હૈ... યે જિંદગી યારો દૌડ હૈ


 મુંબઈ સમાચાર- ઈન્ટરવલ પૂર્તિ  - તા. ૧૫ મે ૨૦૧૩

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

‘ફોરેસ્ટ ગમ્પ’ તમને હસાવતા હસાવતા રડાવી દે છે, રડાવતા રડાવતા હસાવી નાખે છે, તમારા હૃદયને ઝંકૃત કરે છે અને સાથે સાથે બેનમૂન કમ્પ્યુટર-જનરેટેડ દશ્યોથી તમારા દિમાગને પણ ચકિત પણ કરી દે છે. ફિલ્મ નંબર ૨૨. ફોરેસ્ટ ગમ્પ

ઈટાલિયન ફિલ્મમેકર ફેડરિકો ફેલિની ગયા બુધવારે આ કોલમમાં પહેલી વાર દેખાયા હતા. આજે સમકાલીન હોલીવૂડના જબરદસ્ત એક્ટર ટોમ હેન્ક્સની ગ્રાન્ડ એન્ટ્રી થઈ રહી છે. એમની ફિલ્મોગ્રાફી પર નજર ફેરવતા સમજાય કે કેટલી બધી અદભુત ફિલ્મો કરી છે આ માણસે. આજે એમાંથી ‘ફોરેસ્ટ ગમ્પ’ની વાત કરીએ.

ફિલ્મમાં શું છે? 

ફિલ્મની શરુઆત એક ઊડતાં પીછાંનાં દશ્યથી થાય છે. તે હવામાં આમતેમ લહેરાતું બસ-સ્ટોપ પર બેઠેલા એક માણસના પગ પાસે પડે છે. એ ફોરેસ્ટ ગમ્પ (ટોમ હેન્ક્સ) છે. ફોરેસ્ટ ધીમેથી પીછું ઉપાડી પોતાના ખોળામાં પડેલી ચોપડીમાં મૂકી દે છે. પછી બાજુમાં બેઠેલી અપરિચિત વ્યક્તિને પોતાની જીવનકથા સંભળાવવાનું શરુ કરે છે. પહેલી નજરે ફોરેસ્ટ આમ તો વ્યવસ્થિત દેખાય છે, પણ પછી એની બોલચાલ પરથી તરત લાગે છે કે આ આદમી નોર્મલ તો નથી જ. ખરી વાત છે. ફોરેસ્ટ ગમ્પનો આઈ.ક્યુ. ઓછો છે. પણ માણસ બહુ મીઠડો અને ભલો છે. એને દુનિયાદારીમાં બહુ ગતાગમ પડતી નથી. નથી એની પાસે કોઈ નક્કર અભિપ્રાયો કે નથી કોઈ એજન્ડા. પોતાની મા, ભગવાન અને પછી પ્રેમિકા અને છેલ્લે દીકરો - ફોરેસ્ટને બસ આટલા લોકોની જ પડી છે. બુદ્ધુ જેવો લાગતો માણસ જિંદગીમાં અકલ્પ્ય કહી શકાય તેવી સિદ્ધિઓ હાંસલ કરી શકે? હા, કરી શકે. ‘ફોરેસ્ટ ગમ્પ’ની આ જ સ્ટોરી છે.નાનપણમાં ફોરેસ્ટે પગમાં બ્રેસીસ (બરાબર ચાલી શકાય તે માટેના ધાતુના ટેકણિયા) પહેરવા પડતા હતા. બીજા છોકરાઓ એની ખૂબ મજાક ઉડાવતા. ફોરેસ્ટની મા (સેલી ફિલ્ડ) ગેસ્ટ હાઉસ ચલાવતી. દીકરાને બહુ સાચવતી એ. સ્કૂલના પહેલા દિવસે બસમાં ફોરેસ્ટની મુલાકાત જેની નામની મીઠડી છોકરી સાથે થાય છે. ફોરેસ્ટને એ બહુ ગમી જાય છે. બન્ને વચ્ચે પાક્કી દોસ્તી થઈ જાય છે. એક દિવસ તોફાની છોકરાઓથી જીવ બચાવીને નાસતી વખતે નાનકડા ફોરેસ્ટને અચાનક ખબર પડે છે કે પોતે તેજીથી દોડી શકે તેમ છે. પગ-ટેકણિયાથી એને આકસ્મિક રીતે મુક્તિ મળી જાય છે.

એવરેજ કરતાં ઓછો આઈ.ક્યુ. હોવા છતાં એને સ્કોલરશિપ મળે છે. કોલેજકાળ દરમિયાન તેને તત્કાલીન અમેરિકન પ્રેસિડન્ટ જોન એફ. કેનેડીને મળવાનો મોકો મળે છે. આખી ફિલ્મમાં ફોરેસ્ટને વારાફરતી ત્રણ અમેરિકન પ્રેસિડન્ટ્સને મળતો બતાવવામાં આવ્યો છે. મહાન સિંગર-પર્ફોમર એલ્વિસ પ્રેસલી ઉપરાંત બીજા કેટલાય સેલિબ્રિટી સાથે તેનો ભેટો થાય છે. કેટલાક બહુ જ મહત્ત્વની ઐતિહાસિક ઘટનાઓનો એ હિસ્સો પણ બને છે. તકલીફ એ છે કે ફોરેસ્ટ ભોટ માણસ છે. કેનેડી જેવા મહાનુભાવોને મળવું કે ઐતિહાસિક ઘટનાઓના સાક્ષી હોવું કેટલી મોટી વાત છે એ એને ખાસ સમજાતું નથી. આવી એક ઐતિહાસિક ઘટના એટલે વિયેતનામ વોર. કોલેજ કરી લીધા પછી ફોરેસ્ટ અમેરિકન આર્મીમાં જોડાય છે. વિયેતનામ વોર દરમિયાન એને દુશ્મન દેશમાં મોકલવામાં આવે છે. રણમેદાનમાં ફોરેસ્ટ પોતાના કેટલાય સાથી સૈનિકોને બચાવી લે છે. એમાં લેફ્ટનન્ટ ડેન ટેલર (ગેરી સિનીઝ)નો પણ સમાવેશ થાય છે. લેફ્ટનન્ટના બન્ને પગ પછી કાપી નાખવા પડે છે. યુદ્ધ પૂરું થયા બાદ બન્નેનો ફરી ભેટો થાય છે. સાથે બિઝનેસ કરીને તેઓ ખૂબ પૈસા કમાય છે.આ બાજુ જુવાન થઈ ગયેલી જેની (રોબિન રાઈટ) આડે રવાળે ચડી ગઈ છે. હિપ્પી જેવું બેફામ જીવન જીવતી જેની ફોરેસ્ટની માના મૃત્યુ પછી એના ઘરે આવે છે. ફોરેસ્ટ એને લગ્ન માટે પ્રપોઝ કરે છે. જેની ના પાડી દે છે. એને જોકે ફોરેસ્ટ નાનપણથી બહુ ગમે છે. બન્ને વચ્ચે શરીરસંબંધ સ્થપાય છે. બીજે દિવસે સવારે જેની નીકળી જાય છે. એકલા પડી ગયેલા ફોરેસ્ટને શું સૂઝે છે કે એ મેરેથોન-રનરની જેમ દોડવાનું શરુ કરી દે છે. ફોરેસ્ટની આ લાક્ષાણિકતા છે. એના હાથમાં જે વસ્તુ આવી જાય એનો તંત એ છોડશે નહીં. દોડતો દોડતો સાડાત્રણ વર્ષમાં એ લગભગ આખું અમેરિકા કવર લે છે. આ એક્ટિવિટી એને ફેમસ બનાવી દે છે. એક દિવસ ઓચિંતા એને જેનીનો કાગળ મળે છે. જેનીએ એને ટીવી પર દોડતા જોયો હતો. ફોરેસ્ટ એને મળવા જાય છે. જેનીનો એક મીઠડો દીકરો છે. એ ફોરેસ્ટનું જ સંતાન છે. ભાવવિભોર થઈ ગયેલા ફોરેસ્ટને એ વાતનો વિશેષ આનંદ છે કે દીકરો સ્માર્ટ છે, પોતાના જેવો અબુધ નથી. ફોરેસ્ટ જેની સાથે લગ્ન કરે છે. ત્રણેય સાથે રહેવા લાગે છે. સુખના એ દિવસો જોકે લાંબા ચાલતા નથી. એઈડ્ઝની પેશન્ટ જેની થોડા અરસામાં મૃત્યુ પામે છે. ફિલ્મના અંતમાં ફોરેસ્ટ પોતાના દીકરા સાથે સ્કૂલબસની રાહ જોતો દેખાય છે. દીકરાની સ્કૂલનો આજે પહેલો દિવસ છે. ફિલ્મની શરુઆતમાં દેખાયું હતું તે જ પીછું ફોરેસ્ટની એ જ ચોપડીમાંથી નીકળીને ઊડતું ઊડતું આકાશ તરફ જતું રહે છે.

કથા પહેલાંની અને પછીની 

આ એક ફીલ-ગુડ ફિલ્મ છે, જેનો આધાર વિન્સ્ટન ગ્રૂમ નામના લેખકે લખેલી આ જ ટાઈટલવાળી નવલકથા છે. ફિલ્મ બનાવતી વખતે થોડા ફેરફારો કરવામાં આવ્યા. ફોરેસ્ટની લવસ્ટોરીને આગળ કરવામાં આવી અને એ જે અજબગજબના સાહસો કરે છે એનું મહત્ત્વ સહેજ ઘટાડી નાખવામાં આવ્યું. પુસ્તકમાં તો ફોરેસ્ટ પ્રોફેસર, પ્રોફેશનલ રેસ્લર અને અવકાશયાત્રી સુધ્ધાં બને છે. ફિલ્મમાં તેને થોડો ઓછો વિચિત્ર દેખાડ્યો છે.

ટોમ હેન્ક્સ કંઈ આ ફિલ્મ માટે ઓરિજિનલ ચોઈસ નહોતો. ટાઈટલ રોલ સૌથી પહેલાં જોન ટ્રવોલ્ટાને ઓફર કરવામાં આવ્યો, જે કોણ જાણે કેમ એણે ઠુકરાવી દીધો. આ વાતનો અફસોસ એને જિંદગીભર રહેવાનો. ટોમ હેન્ક્સે સ્ક્રિપ્ટ વાંચવાનું શરુ કર્યા પછી દોઢ જ કલાકમાં હા પાડી દીધી હતી. તેની ચિંતા ફક્ત એક જ વાતની હતી: સ્ક્રિપ્ટમાં જે ઐતિહાસિક ઘટનાઓ અને વ્યક્તિઓને વણી લેવામાં આવ્યાં  તે પડદા પર પ્રમાણભૂત રીતે પેશ થવાં જોઈએ. તથ્યોમાં ફેંકાફેંક ન ચાલે. ફિલ્મમાં ટોમનું પાત્ર ચોક્કસ લઢણથી ડાયલોગ બોલે છે. ટોમે આ શૈલી નાના ફોરેસ્ટની ભુમિકા ભજવનાર બાળકલાકાર પાસેથી ઊંચકી હતી.

ફિલ્મનું શૂટિંગ પાંચ મહિનામાં પૂરું થઈ ગયું. પછી આવ્યો સીજીઆઈ (કમ્પ્યુટર જનરેટેડ ઈમેજરી) તૈયાર કરવાનો વારો. ફિલ્મમાં એક તબક્કા પછી લેફ્ટનન્ટ ડેન ટેલરના બન્ને પગ કપાઈ જાય છે. ફિલ્મમાં અધવચ્ચે જે રીતે લેફ્ટનન્ટ બનતા ગેરી સિનીઝ નામના એક્ટરના પગ ગાયબ થઈ જાય છે તે જોઈને ઓડિયન્સ ચકિત થઈ ગયું. આ કેવી રીતે કરી દેખાડ્યું ડિરેક્ટરે? અપંગ લેફ્ટનન્ટનાં દશ્યો શૂટ કરતી વખતે ગેરી સિનીઝના બન્ને પગનો નીચેના અડધો ભાગ બ્લુ કપડાંથી વીંટાળી દેવામાં આવતો. પછી કમ્પ્યુટર પર રોટો-પેઈન્ટ નામની ટેક્નિક વડે એકેએક ફ્રેમમાંથી કપડાથી ઢંકાયેલો ભાગ ‘ભૂંસી’ નાખવામાં આવતો. ફોરેસ્ટને અમેરિકન પ્રમુખો અને સેલિબ્રિટીઓની બાજુમાં ઊભેલો, તેમની સાથે હાથ મિલાવતો દેખાડવામાં આવે છે. અસલી ફૂટેજ સાથે ટોમ હેન્ક્સના શોટ્સને સરસ રીતે મિક્સ-એન્ડ-મેચ કરવામાં આવ્યા છે. ‘ફોરેસ્ટ ગમ્પ’ની આ જ મજા છે. એ તમને હસાવતા હસાવતા રડાવી દે છે, રડાવતા રડાવતા હસાવી નાખે છે, તમારા હૃદયને ઝંકૃત કરે છે અને સાથે સાથે બેનમૂમ કમ્પ્યુટર-જનરેટેડ દશ્યોથી તમારા દિમાગને પણ ચકિત પણ કરી દે છે.
‘ફોરેસ્ટ ગમ્પ’ રિલીઝ થતાંની સાથે જ ઈન્ટરનેશનલ હિટ પૂરવાર થયું. એને પાંચ-પાંચ મહત્ત્વના ઓસ્કર મળ્યા. ઓડિયન્સે ફોરેસ્ટ ગમ્પ જેવું પાત્ર પડદા પર અગાઉ ક્યારેય જોયું નહોતું. ટોમ હેન્સના અદભુત અભિનયની વાત જ શી કરવી. ફિલ્મનો એક ડાયલોગ મશહૂર બની ગયો. બસની રાહ જોઈને બેન્ચ પર બેઠેલો ફોરેસ્ટ પોતાની વાત સાંભળી રહેલા માણસને કહે છે, ‘મામા ઓલવેઝ સેઈડ લાઈફ વોઝ લાઈક અ બોક્સ ઓફ ચોકલેટ્સ. યુ નેવર નો વોટ યુ આર ગોન્ના ગેટ.’ જિંદગી જાતજાતની ચોકલેટ ભરેલા બંધ બોક્સ જેવી છે. બોક્સ ખોલ્યા વગર તમારા હાથમાં કેવી ચોકલેટ આવશે તે કહી શકાતું નથી! વારે વારે જોવી ગમે ગતિશીલ અને ઈમોશનલ ફિલ્મ.                                                                      

‘ફોરેસ્ટ ગમ્પ’ ફેક્ટ ફાઈલ 


ડિરેક્ટર           : રોબર્ટ ઝેમેકિસ 
મૂળ નવલકથાકાર  : વિન્સ્ટન ગ્રૂમ  
સ્ક્રીનપ્લે          : એરિક રોથ
કલાકાર           : ટોમ હેન્ક્સ, સેલી ફિલ્ડ, રોબિન રાઈટ, ગેરી સિનીઝ   
રિલીઝ ડેટ        : ૬ જુલાઈ ૧૯૯૪ 
મહત્ત્વના અવોર્ડઝ: બેસ્ટ પિક્ચર, ડિરેક્ટર, એક્ટર, એડેપ્ટેડ સ્ક્રીનપ્લે, વિઝ્યુઅલ ઈફેક્ટ્સ અને એડિટિંગ માટેનાં ઓસ્કર અવોર્ડઝ ૦૦૦

6 comments:

 1. ફિલ્મ ડિરેક્ટર રોબર્ટ ઝેમેસ્કીસ આવી સ્પેશિયલ ઇફેક્ટ વાળી ઘણી સારી ફિલ્મો માટે જાણીતા છે અને ટોમ હેન્ક્સ ની સાથે એમણે ઘણી વખત કામ કરેલું છે.

  ઉપરાંત ફોરેસ્ટ ગમ્પ નું સંતાન બનતો બાળક હેરી જોએલ ઓસ્મેન્ટ (જે મનોજ નાઈટ શ્યામલન ની સિક્સ્થ સેન્સ અને સ્ટીવન સ્પીલબર્ગ - કુબ્રિક ની એ.આઈ. ધ આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ માં ટાઈટલ રોલ કરે છે) ની લગભગ આ પહેલી ફિલ્મ હતી.

  રાકેશ રોશને કોઈ મિલ ગયા ના રોહિત ના કેરેક્ટર માટે આમાંથી પ્રેરણા લીધી હોવાનું મનાય છે.

  ReplyDelete
 2. A Sincere request Sir, Can you please put all links of હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો in a one Title. So everyone can read previous entries too. Please please.

  Hetal -

  ReplyDelete
 3. Hetal, Even I want to do various categories for my various columns. I even tried to do that, but just could not. I think Blogger is not a very user-friendly website. Do you have any suggestions? Till then, you'll have to scan through the archives for Hollywood Hundred articles.

  ReplyDelete
  Replies
  1. Shishirbhai..!! tame blogger ma navu page banavi shako cho.. !! athava koi navu template pan uplode kari ne tame baddhi columns ne vibhajit kari sako cho.. if you need help..!! i will do it for you.!. but do it.. it's easy for reader..!

   Delete
  2. Raj Vitthalpura, do help! I am just so desperate to make various categories on my blog but just could not so far. Pls guide me. shishir.ramavat@gmail.com.

   Delete
 4. તમારા લેખો વાચવાની મજા આવેછે મને ખાસ કરીને પ્રવાસનો અને જુદા જુદા મૂવી જોવાનો શોખ છે. તમે જે 100 મુવીની વાત કરો છો અથવા કરવાના છો તેમની મારી પાસે મોટા ભાગની મૂવી છે.અધર લેંગ્વેજની પણ ઘણી મૂવી છે.જે કામ માટે ઘણા સમય થયા રાહ જોતો હતો તે ઇચ્છા તમારા થકી પૂરી થસે એવું લાગે છે.તમારી જાણ માટે લખ્યું છે.
  થેંક્યું શિશિરભાઈ
  જયેન્દ્રસિંહ રાણા
  રાજકોટ
  સેલ નંબર 09824232830

  ReplyDelete