Wednesday, April 17, 2013

હોલીવૂડ હંડ્રેડ: ૧૮ : ૨૦૦૧: અ સ્પેસ ઓડિસી: આસમાં સે આગે જહાં ઔર ભી હૈ


મુંબઈ સમાચાર- ઈન્ટરવલ પૂર્તિ (બુધવાર) - તા. ૧૭ એપ્રિલ ૨૦૧૩

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

સાયન્સ ફિક્શનની વાત ‘૨૦૦૧: અ સ્પેસ ઓડિસી’ વગર શરુ જ ન થઈ શકે. વિખ્યાત વિજ્ઞાનકથા-લેખક આર્થર સી. ક્લાર્કઆ ફિલ્મ સાથે સંકળાયા હતા. અદભુત સ્પેશિયલ ઈફેક્ટ્સથી ઓડિયન્સને ચકિત કરી દેનાર આ ફિલ્મ ચાર-ચાર દાયકા પછી પણ એટલી જ રેલેવન્ટ ગણાય છે.
ફિલ્મ નંબર ૧૮ : ૨૦૦૧: અ સ્પેસ ઓડિસી 

 િફલ્મમાં શું છે?

આ એક સાયન્સ ફિક્શન છે. આપણે હજુ વાંદરામાંથી મનુષ્ય નહોતા બન્યા એ જમાનાથી વાત શરુ થાય છે અને ઉત્ક્રાંતિની લાંબી પ્રક્રિયાને અંતે બહુ જ દૂરના ભવિષ્યમાં માણસ સ્ટાર-ચાઈલ્ડ બની જાય છે ત્યાં સુધી વાર્તા લંબાય છે. ફિલ્મ ચાર હિસ્સાઓમાં વહેંચાયેલી છે. પહેલા હિસ્સાને નામ આપવામાં આવ્યું છે, ‘ધ ડૉન ઓફ મેન’. આફ્રિકામાં કોઈક જંગલમાં આપણા પૂર્વજ વાનરોનું ટોળું વસે છે. બધાં એકબીજા સામે દાંતિયાં કરે છે, ઝઘડે છે. એક સવારે તેઓ જુએ છે કે ખડકોની વચ્ચે એક લાંબો, કાળો અને વજનદાર પથરીલો સ્તંભ ખોડાયેલો છે. વાંદરાઓ ઉત્તેજિત થઈને એને અડકે છે. આ સ્પર્શથી જાણે એમની ઉત્ક્રાંતિની પ્રક્રિયા ટ્રિગર થાય છે. એક બંદરના હાથમાં સાથળનું અસ્થિ આવી જાય છે. તેના માટે આ એક હથિયાર છે. વિરોધી જૂથના એક વાંદરાને આ હથિયારથી મારી મારીને એના રામ રમાડી દે છે. પછી વિજયના ઉન્માદમાં હાડકું હવામાં ઉછાળે છે. બીજી જ પળે લગભગ હાડકાનાં આકારનું એક સ્પેસશિપ સ્ક્રીન પર ઉપસે છે. આ ટ્રાન્ઝિશન સાથે વાર્તા પહેલાંમાંથી બીજા હિસ્સામાં પહોંચે છે.

માણસજાતે એટલી પ્રગતિ કરી લીધી છે કે એ અવકાશયાત્રા કરવા લાગ્યો છે. પેલું સ્પેસશિપ ચક્ર આકારના વિરાટ સ્પેસ સ્ટેશનની નજીક જઈ રહ્યું છે. સ્પેસશિપમાં ડો. હેવૂડ ફ્લોઈડ (વિલિયમ સિલ્વેસ્ટર), ડેવ બોમેન (કીર ડ્યુએલા) સહિત બીજા ત્રણ અવકાશયાત્રીઓ છે. આ સિવાય એક અજબગજબનું કમ્પ્યુટર પણ છે, જેનું નામ છે હૉલ (એચ-એ-એલ) નાઈન થાઉઝન્ડ. સ્પેસ સ્ટેશન પર રોકાણ બાદ અવકાશયાત્રીઓ ચંદ્ર તરફ રવાના થાય છે. (યાદ રહે, આ ફિલ્મ બની અને રિલીઝ થઈ ત્યાં સુધી માણસે ચંદ્ર પર પગ નહોતો મૂક્યો. એ ઘટના ફિલ્મ-રિલીઝના એક વર્ષ બાદ, ૧૯૬૯માં બની.) ચંદ્ર પર ખોદકામ કરતાં જમીનમાંથી એક લાંબો, કાળો અને વજનદાર પથરીલો સ્તંભ જડી આવે છે. ડિટ્ટો પેલા વાંદરાઓને જડી આવ્યો હતો એવો જ. શું તેને લાખો વર્ષો પહેલાં ચંદ્રમાં ઈરાદાપૂર્વક દાટી દેવામાં આવ્યો હશે? અવકાશયાત્રીઓ પાસે એનો ઉત્તર નથી.હવે શરુ થાય છે ફિલ્મનું ત્રીજું પ્રકરણ, જેનું ટાઈટલ છે ‘જ્યુપિટર મિશન’. અઢાર મહિના વીતી ગયા છે. છાનબીન કર્યા પછી બહાર આવ્યું છે કે ચંદ્ર પર જે પેલો ભેદી સ્તંભ મળી આવ્યો હતો તેનું કનેક્શન જ્યુપિટર એટલે કે સૂર્યમાળાના સૌથી મોટા ગ્રહ ગુરુ સાથે છે. તેથી ડિસ્કવરી નામનું અવકાશયાન હવે જ્યુપિટરના પ્રવાસે ઊપડ્યું છે. યાન પર પેલા હૉલ નામના શક્તિશાળી કમ્પ્યુટરનો અંકુશ છે. આ કમ્પ્યુટર માણસ જેટલું નહીં, એના કરતાં ય વધારે બુદ્ધિશાળી અને ખતરનાક છે. તે અવકાશયાત્રીઓ સાથે કમ્યુનિકેટ કરી શકે છે, તેમના ચાળા પણ પાડી શકે છે અને બેવકૂફ પણ બનાવી શકે છે. ગુરુના ગ્રહ પર પહેલું આધિપત્ય કોણ જમાવે તે મામલે જાણે મનુષ્યજાતિ અને કમ્પ્યુટર વચ્ચે સ્પર્ધા છે. આ સ્પર્ધામાં અવકાશયાત્રીઓને માત આપવા હૉલ તેમને એટલી હદે ભરમાવે છે કે એમનો જીવ જોખમમાં આવી પડે. ખેર, અવકાશયાત્રીઓ હૉલનો બદઈરાદો સફળ થવા દેતા નથી.

હવે ફિલ્મનું અંતિમ ચરણ આવે છે, જેને નામ આપવામાં આવ્યું છે ‘જ્યુપિટર એન્ડ બિયોન્ડ ધ ઈન્ફાઈનાઈટ’. ગુરુનો ગ્રહ નિકટ આવી રહ્યો છે. ગ્રહ નજીક ફરી પાછો એક કાળો, વજનદાર અને પથરીલો સ્તંભ નજરે ચડે છે. ડિસ્કવરી યાનને એક પૉડમાં પાર્ક કરવામાં આવે છે. જેવો પેલો સ્તંભ અને એકાધિક ચંદ્રો એકમેકના સીધાણમાં આવે છે કે જાતજાતના પ્રકાશ રેલાવા લાગે છે. પૉડ ટાઈમ-ટ્રાવેલ કરીને કોઈ જ જુદા જ સમયબિંદુ પર પહોંચી જાય છે. અવકાશયાત્રી ડેવ સફેદ ઈન્ટિરિયરવાળી અજબ હોટલ જેવી જગ્યામાં નજરે ચડે છે. તે હવે વૃદ્ધ થઈ ગયો છે. બેડરુમમાં ટેબલ પર ડેવ જેવો જ બીજો માણસ બેઠો છે. એક માણસ પલંગ પર સૂતો છે. તે ડેવની ત્રીજી અને વધારે વૃદ્ધ આવૃત્તિ છે. દરમિયાન કાળો પથરીલો સ્તંભ કમરામાં આવે છે. ડેવ ગર્ભમાં પરિવર્તિત થઈને અવકાશમાં તરવા લાગે છે. એ હવે સ્ટાર-ચાઈલ્ડ બની ગયો છે...

કથા પહેલાંની અને પછીની સાયન્સ ફિક્શન જાનરમાં સીમાચિહનરુપ બની ગયેલી ‘૨૦૦૧: અ સ્પેસ ઓડિસી’ને બનાવવામાં એના ડિરેક્ટર-પ્રોડ્યુસર સ્ટેન્લી ક્યુબ્રિકને પાંચ વર્ષ લાગી ગયા હતા. ‘ડો. સ્ટેન્જલવ’ નામની ફિલ્મ પૂરી કર્યા તેઓ અવકાશી દુનિયા પર ફિલ્મ બનાવવા માગતા હતા. કોઈએ સલાહ આપી કે તમે આર્થર સી. ક્લર્કનો સંપર્ક કરો. સાયન્સ ફિક્શનના લેખક તરીકે આર્થર સી. ક્લાર્કનું નામ ખૂબ મોટું છે. મૂળ બ્રિટનના, પણ જિંદગીના છેલ્લા પાંચ દાયકા તેમણે શ્રીલંકામાં ગાળ્યા. ક્યુબ્રિકનું કહેણ આવતા તેઓ તરત રેડી થઈ ગયા. પોતાની છ ટૂંકી વાર્તાઓ તેમણે ક્યુબ્રિકને વાંચવા આપી. તેમાંથી ‘ધ સેન્ટિનેલ’ નામની વાર્તા ક્યુબ્રિકને પસંદ પડી. જોકે ફિલ્મ માટે એનું ફલક ટૂંકું પડતું હતું. બન્ને ભેજાબાજોએ ખૂબ બ્રેઈન-સ્ટોર્મિંગ કર્યું. એવું નક્કી થયું કે આર્થર સૌથી પહેલાં પેલી ટૂંકી વાર્તા પરથી નવલકથા લખશે. પછી તેના આધારે સ્ક્રિપ્ટ બનશે. આર્થરને નવલકથા લખતા બે વર્ષ લાગ્યાં. ફિલ્મની સ્ક્રિપ્ટ એના સમાંતરે જ લખાતી જતી હતી. ફિલ્મમાં ક્રેડિટ બન્નેએ આ રીતે શર કરી છે: સ્ક્રીનપ્લે બાય સ્ટેન્લી ક્યુબ્રિક એન્ડ આર્થર સી. ક્લાર્ક, બેઝ્ડ ઓન અ નોવેલ બાય આર્થર સી. ક્લાર્ક એન્ડ સ્ટેન્લી ક્યુબ્રિક.

‘૨૦૦૧: અ સ્પેસ ઓડિસી’ ફિલ્મમાં પહેલી અને છેલ્લી વીસ મિનિટ એટલે કે ૧૬૧માંથી કુલ ૪૦ મિનિટ એક
Stanley Kubrick
પણ ડાયલોગ બોલાતો નથી. ક્યુબ્રિક ઈચ્છતા હતા કે આ ફિલ્મ ઓડિયન્સ માટે ખાસ તો એક વિઝ્યુઅલ એક્સિપિરીયન્સ બની રહે. ફિલ્મમાં તેઓ શબ્દોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા માગતા હતા કે જેથી ફિલ્મ કવિતા, સંગીત અથવા પેઈન્ટિંગની જેમ પ્રેક્ષકોના સબ-કોન્શિયસ લેવલ પર અસર કરી શકે. ફિલ્મનું શૂટિંગ ઈંગ્લેન્ડમાં થયું. ફિલ્મમાં શૂન્ય ગુરુત્વાકર્ષણ વચ્ચે વજનવિહીન સ્થિતિ સૂચવતાં કેટલાંય દશ્યો છે. આ ૪૫ વર્ષ પહેલાંની ફિલ્મ છે. તે વખતે ટેકનોલોજી એટલી બધી ક્યાં વિકસેલી હતી. સેટ્સ અને સ્પેશિયલ ઈફેક્ટ્સ માટે સાવ નવા, અગાઉ ક્યારેય અમલમાં મૂકાયા ન હોય તેવા નિતનવા આઈડિયાઝ અને ટ્રિક્સ અજમાવવમાં આવ્યા. આખી ફિલ્મમાં સ્પેશિયલ ઈફેક્ટ્સના કુલ ૨૦૫ શોટ્સ છે.

ફિલ્મ આખરે રિલીઝ થઈ. સમીક્ષકોની પ્રતિક્રિયા તદ્ન સામસામા છેડાની મળી. એક વર્ગ ફિલ્મ જોઈને અભિભૂત થઈ ગયો. સામે પક્ષે, કેટલાકને ફિલ્મ આર્ટ ફિલ્મ જેવી ઘીમી અને શુષ્ક લાગી. ‘૨૦૦૧: અ સ્પેસ ઓડિસી’ની ફીલ કંઈક અંશે આર્ટ  ફિલ્મ જેવી તો ખરી જ.  ફિલ્મની કોમ્પિકેટેડ સ્ટોરી બરાબર સમજવા તેને એક કરતાં વધારે વખત ધીરજપૂર્વક જોવી પડે. આ બધા તેના માઈનસ પોઈન્ટ ગણાયા, પણ ધીમી શરુઆત પછી ફિલ્મ જોરદાર ઉપડી. આ ફિલ્મે દુનિયાભરના આમ-દર્શકોને જ નહીં, ફિલ્મમેકરોને પણ ચકિત કરી નાખ્યા. આવી અજબગજબની સ્પેશિયલ ઈફેક્ટ્સ સિનેમાના પડદે અગાઉ ક્યારેય જોવા નહોતી મળી. આ ફિલ્મે સાયન્સ ફિકશનમાં એટલું ઊંચું ધોરણ પ્રસ્થાપિત કરી દીધું કે ભવિષ્યમાં બનનારી તમામ સાયન્સ ફિક્શનની તુલના ‘૨૦૦૧: અ સ્પેસ ઓડિસી’ સાથે થતી રહી. ‘સ્ટાર વોર્સ’ સિરીઝ જેવી યાદગાર ફિલ્મો બનાવનાર જ્યોર્જ લુકાસ અને દંતકથારુપ બની ગયેલા સ્ટીવન સ્પિલબર્ગ જેવા કેટલાય ફિલ્મમેકરો આજની તારીખેય ‘૨૦૦૧: અ સ્પેસ ઓડિસી’ના વખાણ કરતા થાકતા નથી. પોતાના પર આ ફિલ્મની તીવ્ર અસર રહી છે તેવું સ્વીકારીને તેઓ ઉમેરે છે કે તેઓ જ્યારે સાયન્સ ફિક્શન બનાવે છે ત્યારે સ્ટેનલી ક્યુબ્રિકના ખભા પર ઊભા હોય તેવી લાગણી અનુભવે છે. તેમના મતે સ્ટેન્લી ક્યુબ્રિક તો ડિરેક્ટરોના ડિરેક્ટર છે! આ ફિલ્મને ચાર ઓસ્કર નોમિનેશન્સ મળ્યાં, જેમાંથી માટે સ્ટેન્લી ક્યુબ્રિકએ વ્યક્તિગત સ્તરે સ્પેશિયલ ઈફેક્ટ્સ માટેનો ઓસ્કર એનાયત થયો.

આર્થર સી. ક્લાર્ક પછી નવલકથાની ત્રણ સિક્વલ પણ લખી: ‘૨૦૧૦: ઓડિસી ટુ’ અને ‘૨૦૬૧: ઓડિસી થ્રી’ અને ‘૩૦૦૧: ધ ફાયનલ ઓડિસી’. સાયન્સ ફિક્શનના રસિયાઓએ ‘૨૦૦૧: અ સ્પેસ ઓડિસી’ ફિલ્મ જોવી જ પડે. આર્થરની પાછળની ત્રણ નવલકથાઓ પરથી સિક્વલ બને ત્યારે સાચી.

‘૨૦૦૧: અ સ્પેસ ઓડિસી’ ફેક્ટ ફાઈલ 

ડિરેક્ટર-પ્રોડ્યુસર  : સ્ટેન્લી ક્યુબ્રિક
મૂળ વાર્તાકાર      : આર્થર સી. ક્લાર્ક
સ્ક્રીનપ્લે          : સ્ટેન્લી ક્યુબ્રિક, આર્થર સી. ક્લાર્ક
કલાકાર           : વિલિયમ સિલ્વેસ્ટર, કીર ડ્યુલિઆ, ગેરી લોકવૂડ  
રિલીઝ ડેટ        : ૨ એપ્રિલ, ૧૯૬૮
મહત્ત્વના અવોર્ડઝ: બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ્સનો ઓસ્કર
                                           ૦૦૦૦

No comments:

Post a Comment