Saturday, April 13, 2013

ટુ થંબ્સ અપ


દિવ્ય ભાસ્કર - સન્ડે સપ્લીમેન્ટ - 14 એપ્રિલ 2013 

કોલમ: મલ્ટિપ્લેક્સ

 એક તરફ પેઈડ રિવ્યુ લખનારા એટલે પૈસા લઈને વખાણ કરી આપતા બજારુ ફિલ્મ સમીક્ષકોની એક આખી નિર્લજ્જ જમાત ખદબદે છે. સામે પક્ષે, રોજર ઈબર્ટ જેવા નિષ્ઠાવાન અને અભ્યાસુ ફિલ્મ-રિવ્યુઅર છે, જેણે એક કરતાં વધારે પેઢીઓને ફિલ્મ જોતા શીખવ્યું છે. છાપાંમાં દર અઠવાડિયે આ ફિલ્મ જોવા જેવી છે કે આ ફિલ્મ સાવ બકવાસ છે તે પ્રકારની સમીક્ષા લખતો લેખક ગુજરી જાય પછી દેશનો વડો એને અંજલિ આપે તેવી સ્થિતિ ભારતમાં કલ્પી શકો છો? અમેરિકામાં તાજેતરમાં એવું બન્યું. રોજર ઈબર્ટ નામના સિનિયર ફિલ્મ ક્રિટિકનું 70 વર્ષે અવસાન થયું. જેવા આ સમાચાર ફેલાયા કે થોડી જ કલાકોમાં હોલીવૂડના અન્ય માંધાતાઓની સાથે પ્રેસિડન્ટ બરાક ઓબામાએ પણ ટ્વિટર પર સદગતને અંજલી આપી: ‘ધ મુવીઝ વિલ નોટ બી ધ સેમ વિધાઉટ રોજર.’ મતલબ કે રોજર ઈબર્ટ વગર ફિલ્મોને માણવાનો અનુભવ હવે પહેલા જેવો નહીં રહે. કલ્પના કરો, ઓબામા જેવા ઓબામા જેનો આટલો આદર કરતા હોય તે માણસનો હોલીવૂડમાં અને દુનિયાભરના સિનેમાપ્રેમીઓમાં કેટલો દબદબો હોવાનો.

ફિલ્મ રિવ્યુઝ વાંચવાની આપણને સૌને મજા આવે છે. આપણે કંઈ રિવ્યુ વાંચ્યા પછી જ ફિલ્મ જોવી કે ન જોવી તે નક્કી કરતાં નથી, પણ છતાંય કઈ ફિલ્મને કેટલા સ્ટાર મળ્યા તે જાણવાની ઉત્સુકતા જરુર રહે છે. આપણે સ્ટાર્સને ચાહનારાઓ છીએ. મનગમતા સિતારાની ગમે તેવી ફિલ્મ જોવા એના અઠંગ ચાહકો થનગન થનગન થતા હોય છે (‘આમિર ખાનની ફિલ્મ જોવાની એટલે જોવાની... હુ કેર્સ અબાઉટ ધ રિવ્યુ?’). સામે પક્ષે, આપણા અણગમા પણ એટલા જ તીવ્ર હોઈ શકે છે (‘ફલાણો હીરોે? અરર, એ તો મને દીઠો ગમતો નથી. એની પિક્ચર હું ધોળે ધરમેય ન જોઉં. એ બસ્સો કરોડનો બિઝનેસ કરે કે બે હજાર કરોડનો... શો ફરક પડે છે?’).  રિવ્યુ કરનારો માણસ જો ભરોસોપાત્ર હોય તો તેના લખાણ પરથી ફિલ્મ કેવી હશે તેનો વધતો-ઓછો અંદાજ મળી જતો હોય છે. ક્યારેક અવઢવમાં હોઈએ, ફલાણી ફિલ્મ જોવી કે ન જોવી તે નક્કી થઈ શકતું ન હોય તેવા કેસમાં એક કરતાં વધારે રિવ્યુ પર નજર ફેરવી લેવાથી નિર્ણય લેવામાં આસાની રહે છે.

રોજર ઈબર્ટ એવા રિવ્યુઅર હતા કે જેમના તરફથી ‘ટુ થંબ્સ અપ’ મેળવવા હોલીવૂડના ભલભલા ફિલ્મમેકરોને તાલાવેલી રહેતી. રોજર બન્ને હાથના અંગૂઠા ઉંચા કરવાનો સંકેત કરે તેનો મતલબ એમ કે હાઈક્લાસ ફિલ્મ છે, મિસ ન કરતા.  એમણે ‘શિકાગો સન-ટાઈમ્સ’ નામના ડેઈલી ટેબ્લોઈડમાં 1967થી ફિલ્મ રિવ્યુઝ લખવાનું શરુ કર્યું હતું. વફાદાર પતિની જેમ મૃત્યુપર્યંત તેઓ આ એક જ અખબારને વરેલા રહ્યા. તેમના રિવ્યુની સિન્ડિકેટેડ કોલમ જોકે દુનિયાભરના 200 કરતાંય વધારે છાપાંમાં છપાતી રહી. તેમણે 20 જેટલાં પુસ્તકો લખ્યાં છે. ફિલ્મ રિવ્યુઝના કેટલાય સંગ્ર્ાહો પ્રકાશિત થયા છે. રોજર ઈબર્ટ પહેલા ફિલ્મ ફિલ્મ ક્રિટિક છે, જેમને અતિ પ્રતિષ્ઠિત પુલિત્ઝર પ્રાઈઝ મળ્યું હોય. તેમણે બે-ત્રણ ફિલ્મોની સ્ક્રિપ્ટ પણ લખી છે.રોજર ઈબર્ટના રિવ્યુમાં લખાવટ એકદમ પ્રવાહી હોય. 2007માં ‘ફોર્બ્સ’ મેગેઝિને ભલે તેમને ‘ધ મોસ્ટ પાવરફુલ પંડિત ઈન અમેરિકા’નો ખિતાબ આપ્યો હોય, પણ તેમના લખાણમાં કદી બોલકી પંડિતાઈ જોવા ન મળે. વાંચનારાને અભિભૂત કરી નાખવાના પ્રયાસ ન હોય. ખાલિદ મોહમ્મદ જેવા અંગ્ર્ોજીમાં લખતા આપણા સિનિયર ફિલ્મ ક્રિટિક કેવળ રમૂજ પેદા કરવા શબ્દોનો તોડવા-મરોડવા અને ભાષા પાસે ગુંલાટીઓ ખવડાવવા માટે જાણીતા છે. રોજર ઈબર્ટના રિવ્યુમાં આવી કોઈ શબ્દ-રમત ન હોય. પોતાને જે કહેવું છે તેની તીવ્રતા ઘટાડ્યા વિના તેઓ લખાણમાં સાદગી જાળવી રાખતા. તેમની પાસે સિનેમાનો ઊંડો અભ્યાસ હતો, સિનેમાના ઈતિહાસના હાથવગા સંદર્ભો હતા. તેથી તેમનાં રિવ્યુ ચોક્કસ પરિપ્રેક્ષ્યમાં લખાતા. (હા, રોજરનાં લખાણમાં આવા ‘પરિપ્રેક્ષ્ય’ જેવા ભારેખમ શબ્દો પણ ક્યારેય ન હોય!) સિરિયસ માસ્ટરપીસ વિશે લખવાનું હોય કે ચાલુ બ્લોકબસ્ટર વિશે, તેમની સિન્સિયારિટીમાં કશો ફર્ક ન પડે.

સારો રિવ્યુઅર ફિલ્મ સારી છે કે ખરાબ છે એટલું કહીને અટકી નહીં જાય, એ દર્શકને તર્કબદ્ધ રીતે સમજાવશે કે ફિલ્મ શા માટે ઉત્તમ છે કે નઠારી છે. રિવ્યુઅર માત્ર સિનેમાપ્રેમી હોય એટલું પૂરતું નથી, એની પાસે ઊંડો અભ્યાસ અને સમજ હોવા જોઈએ.
ફિલ્મ રિવ્યુઅર વ્યક્તિગત ગમા-અણગમાથી પર હોવો જરુરી છે. તો જ તે ડંખ વગર યા તો એક્સ્ટ્રા સુગર ઉમેર્યા વગર પ્રામાણિકતા લખી શકે. રાજકારણ, સમાજજીવન કે અન્ય કોઈ પણ વિષય પર લખતા ખરા પત્રકારની જેમ ફિલ્મ રિવ્યુઅર પણ ભ્રષ્ટ ન હોઈ શકે. કમનસીબે આપણે ત્યાં પેઈડ રિવ્યુ લખનારા એટલે પૈસા લઈને વખાણ કરી આપતા બજારુ ફિલ્મ સમીક્ષકોની એક આખી નિર્લજ્જ જમાત ખદબદે છે. જનતાને જોકે આવા રિવ્યુઅર્સને પારખવામાં વાર લાગતી નથી. લોકો ખરાબ ફિલ્મોની સાથે ખરાબ સમીક્ષકોને પર મસ્ત રીતે ધીબેડી નાખતા હોય છે. અગાઉ ફિલ્મ રિવ્યુઝ ફક્ત છાપાં-મેગેઝિન પૂરતાં સીમિત હતા. હવે શુક્ર-શનિ-રવિ દરમિયાન ટીવી, વેબસાઈટ્સ, એફએમ રેડિયો અને સોશ્યલ વેબસાઈટ્સ પણ ફિલ્મ રિવ્યુઝથી ધમધમતાં રહે છે (આરજે ધ્વનિત પોતાની રમતિયાળ શૈલી અકબંધ રાખીને બે-ત્રણ મિનિટની અંદર ટૂંકમાં પણ સરસ રીતે રીવ્યુઝ આપી દે છે).  આજે આમદર્શક ફિલ્મ જોઈ આવીને તરત ફેસબુક પર તેના વિશે કમેન્ટ લખે છે. પેલા બજારુ રિવ્યુઅર્સ કરતાં આ આમદર્શકની કમેન્ટ્સ વધારે પ્રમાણભૂત હોય છે.

     

રોજર ઈબર્ટે એક કરતાં વધારે પેઢીઓને ફિલ્મ જોતાં શીખવ્યું છે, એમનો ટેસ્ટ કેળવ્યો છે.  તેમની માત્ર લખાવટ જ નહીં, બોલી પણ આકર્ષક હતી. જીન સિસ્કેલ નામના ઓર એક રિવ્યુઅર સાથે તેમણે જોડી જમાવી હતી. ટીવી પર તેઓ ‘એટ ધ મુવીઝ’ નામનો શો હોસ્ટ કરતા. એમાં જે-તે ફિલ્મ વિશે બન્ને ચર્ચા કરે, તંદુરસ્ત દલીલબાજી કરે અને છેલ્લે થંબ્સ-અપ કે થંબ્સ-ડાઉન કરી ચુકાદો આપે. આ શો ખૂબ પોપ્યુલર બન્યો હતો.  શિકાગોમાં સીબીએસ સ્ટુડિયોઝની પાસેના એક રસ્તાને સિસ્કેલ એન્ડ ઈબર્ટ વે એવું નામ આપવામાં આવ્યું છે. જીન સિસ્કેલનું નિધન ઈબર્ટની પહેલાં થઈ ગયું. તબિયત લથડતાં રોજરે ટેલીવિઝનને ભલે અલવિદા કહેવી પડી, પણ તેમણે લખવાનું છેક સુધી ચાલુ રાખ્યું. અંગ્ર્ોજી ફિલ્મના ચાહકો તેમની વેબસાઈટ www.rogerebert.com પર કલાકો સુધી પડ્યાપાથર્યા રહે છે.

વિવેચક આમ તો બોરિંગ માણસ ગણાય, પણ રોજર ઈબર્ટની વાત અલગ છે. તેમણે દેખાડી આપ્યું કે ફિલ્મ વિશે વાંચવામાં ફિલ્મ જોવા જેટલી જ મજા આવી શકે છે. હોલીવૂડમાં રોજર ઈબર્ટને હંમેશા એક ફિલ્મસ્ટાર જેવા માનપાન અમસ્તા નથી મળ્યા. અલવિદા, રોજર.

શો-સ્ટોપર   

મેં જિંદગીમાં ક્યારેય હોલીવૂડના સ્ટુડિયોઝને નથી ક્યારેય એડવાન્સમાં ક્વોટ આપ્યા કે નથી મારા રિવ્યુ વંચાવ્યા. મારા રિવ્યુઝ વાચવાનો સૌથી પહેલો અધિકાર મારા વાચકોનો છે, સ્ુટડિયોના સાહેબોનો નહીં.

- રોજર ઈબર્ટ 


6 comments:

 1. This comment has been removed by the author.

  ReplyDelete
 2. સત્ય વાત કહી ... Ashok Khant

  ReplyDelete
 3. રીવ્યુ કેવી રીતે લખવા જોઈએ અને સારા રીવ્યુ લખવા માટે કોને વાચવા જોઈએ એ તમે ખૂબ જ નિપુણતાથી અહી સમજાવ્યું સર.હમેશા સરળ ભાષાશૈલી અને માહિતીથી ભરપૂર તમારા લેખો ખરેખર વાંચવામાં "જામો" પાડી દે છે. :)

  ReplyDelete
 4. રોજરદાદાના રિવ્યુ ખરેખર જ પ્રભાવિત કરનારા રહ્યાં છે. ફિલ્મ રસપ્રદ હોય કે ન હોય એમનો રિવ્યુ અત્યંત રસપ્રદ હોવાનો જ. વળી કોઈ એક ફિલ્મ કેટલા કેટલા એંગલથી જોઈ શકાય એ પણ હંમેશા એમના રિવ્યુમાંથી શીખી શકાય છે. એ દુનિયામાં કદાચ એકમાત્ર એવા રિવ્યુઅર હતાં જેમના રિવ્યુની તટસ્થતા બાબતે તેના ટીકાકારો પણ તેમને સલામ કરતાં હતાં. હોલીવૂડના કોઈ સામાન્ય એક્ટર - ડિરેક્ટર કરતાં તેમનું માન ઘણું વધારે હતું અને તેઓ શું લખશે એ પર ભલભલા સુપર સ્ટારની નજર રહેતી. મૃત્યુ પહેલાં બ્લોગ પર તેમણે લખ્યુ હતું કે કેન્સરની સારવાર માટે હું જરા બ્રેક લઈ રહ્યો છું, માટે વાચકોને થોડા દિવસ બ્લોગ પર મળી શકીશ નહીં. એ પછી જ તેમનું અવસાન થયું. એમનો જરાક જેવો બ્રેક અનંતકાળ સુધી ચાલવાનો છે...

  ReplyDelete
 5. Bilkul sachi vaat, Lalit Khambhayta.

  Tks, Ananya.

  ReplyDelete