Tuesday, January 22, 2013

હોલીવૂડ હંડ્રેડ: ફિલ્મ નંબર 7: ‘રશોમોન’


મુંબઈ સમાચાર- ઈન્ટરવલ પૂર્તિ - હોલીવૂડ હંડ્રેડ - તા. ૨૩ જાન્યુઆરી ૨૦૧૩  

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

એક ઘટનાને એક સાથે અનેક દષ્ટિકોણથી જોઈ શકાય છે, કારણ કે સત્ય એક સાપેક્ષ ચીજ છે. સૌનું પોતપોતાનું સત્ય હોય છે. રશોમોનમાં આ વાત અદભુત રીતે પેશ કરવામાં આવી છે.ફિલ્મ નંબર 7: રશોમોન
જિંદગી ખ્વાબ હૈ.. ખ્વાબ મેં જૂઠ હૈ ઔર ભલા સચ હૈ ક્યા
ર્ષો પહેલાં કાંતિ મડિયાનું એક રુપાંતરિત નાટક આવ્યું હતું, જૂજવે રુપ અનંત ભાસે. માસ્ટર ફિલ્મમેકર અકિરા કુરોસાવાની અફલાતૂન જપાની ફિલ્મ રશોમોન પર એ આધારિત હતું. ગયાં અઠવાડિયે ચિત્રલેખા આયોજિત નાટ્યસ્પર્ધામાં વડાદરાની એક ટીમે આ નાટક ભજવ્યું હતું. વિચાર કરો, ૧૯૫૦માં બનેલી એક બ્લેક-એન્ડ-વ્હાઈટ ફિલ્મ જપાની ફિલ્મ, જેના પરથી બનેલું નાટક છ દાયકા પછી ગુજરાતી તખ્તા પર ભજવાય છે, જે કથાવસ્તુની દષ્ટિએ આજની તારીખે પણ એટલું જ રિલેવન્ટ અને મોડર્ન લાગે છે. આજે આપણે આ રશોમોન વિશે વાત કરીએ. જપાની ભાષામાં, રશોમોન એટલે દ્વાર.

ફિલ્મમાં શું છે?

તોફાની દિવસ છે. ભરપૂર વરસાદ પછી ગામની બહાર ખંડિયરમાં પાણી હજુ ટપકી રહ્યું છે. એક કઠિયારો, એક સાધુ અને એક ગામવાસી ભારે ઉશ્કેરાટથી એક આંચકાજનક ઘટના વિશે ચર્ચા કરી રહ્યા છે. બન્યું હતું એવું કે ત્રણ દિવસ પહેલાં કઠિયારાએ જંગલમાં એક સમુરાઈ એટલે કે યોદ્ધાની લાશ જોઈ હતી. બાપડાની ઘાતકી રીતે હત્યા કરવામાં આવી હતી. કઠિયારો ગભરાઈને ભાગી છૂટ્યો અને લાગતા-વળગતાઓને ખબર આપ્યા. સામુરાઈ હત્યા થઈ એ દિવસે પોતાની પત્ની સાથે જંગલ તરફ જતા સાધુએ જોયા હતા. સાધુ અને કઠિયારા બન્નેને કોર્ટમાં બોલાવવામાં આવેલા. કોર્ટમાં તજોમારુ નામના જંગલના રાજા કહેવાતા ખૂંખાર ડાકુને પણ કોર્ટમાં પેશ કરવામાં આવ્યો હતોએના પર આરોપ હતો કે સમુરાઈની હત્યા કરી છે અને એની પત્ની પર બળાત્કાર પણ કર્યો છે. ડાકુ, સ્ત્રી અને એક ભૂવાના માધ્યમથી મૃત સમુરાઈનો આત્મા જુબાની આપે છે. વિચિત્ર વાત એ છે કે ત્રણેયની કથની એેકબીજા કરતાં સાવ જુદી અને વિરોધાભાસી છે!

સૌથી પહેલાં ડાકુની જુબાની સાંભળો. એ કહે છે કે હું સમુરાઈને જુના જમાનાની એક કિમતી તલવારની લાલચ આપીને જંગલમાં ઊંડે ઊંડે લઈ જઈ એને બાંધી દીધો. સ્ત્રીએ શરુઆતમાં તો હાથમાં કટારી લઈને ખુદને બચાવવાની બહુ કોશિશ કરી, પણ આખરે  મારા પુરુષાતનથી મોહિત થઈને મને વશ થઈ ગઈ. પછી એને શરમ આવી. કહે, તમે બન્ને પુરુષો હાથોહાથની લડાઈ કરો. જે જીતશે એ મારો માલિક, એની સાથે હું ચાલી નીકળીશ. મેં સમુરાઈને મુક્ત કર્યો. અમારી વચ્ચે જીવસટોસટની લડાઈ થઈ. એમાં હું વિજયી સાબિત થયો, પણ ત્યાં સુધીમાં આ સ્ત્રી લાગ જોઈને નાસી ગઈ હતી. સ્ત્રી રડતીકકડતી કંઈક અલગ જ વાત કરે છે. એ કહે છે કે આ નરાધમ ડાકુએ મારા ધણીને બંદીવાન બનાવ્યો અને એના દેખતા મારા પર બળાત્કાર કર્યો. મારું શરીર અભડાઈ ગયું હતું. મેં પતિની ખૂબ માફી માગી, પણ એણે નજર ફેરવી લીધી. મેં એના હાથ ખોલ્યા અને કાકલૂદી કરી કે હવે મારે જીવીને શું કરવું છે? તમે મારો જીવ લઈ લો. પતિ કંઈ ન બોલ્યો, પણ એના ચહેરા પરથી લાગતું હતું કે એને મારા પ્રત્યે નફરત થઈ ગઈ છે. હું બેહોશ થઈને ઢળી પડી. ભાનમાં આવી ત્યારે શું જોઉં છું? મારા પતિની છાતીમાં કટારી હૂલાવી દેવામાં આવી છે... હવે આવે છે મૃત સમુરાઈનો વારો. કોર્ટમાં ભૂવો બોલાવવામાં આવે છે. એના થકી સમુરાઈનો આત્મા જુબાની આપે છે કે ડાકુએ મારી પત્ની પર બળાત્કાર કર્યો. પછી કહ્યું: આવા નબળા ધણી સાથે રહીને તું શું કરીશ? એના કરતાં ચાલ મારી સાથે. મારી સ્ત્રી તૈયાર થઈ ગઈ. કહે, હું તારી સાથે આવીશ, પણ એની પહેલાં તારે મારા ધણીને મારી નાખવો પડશે. એ જીવતો હશે તો હું બે પુરુષોની જાગીર ગણાઈશ અને એ વાતનો બોજ આખી જિંદગી રહ્યા કરશે. આ સાંભળીને ડાકુ જેવો ડાકુ પણ ચોંકી ઉઠ્યો. એણે મને (સમુરાઈને) પૂછ્યું: સાંભળ્યું તારી પત્ની શું બોલી તે? બોલ શું કરું એનું? મારી નાખું કે છોડી મૂકું? સ્ત્રી છટકી ગઈ. ડાકુએ મને મુક્ત કરી દીધો, પણ પત્નીની બેવફાઈનો આઘાત એટલો તીવ્ર હતો કે મેં એની કટારી મારા શરીરમાં ખોંસીને જીવ દઈ દીધો.

હવે કઠિયારો પેલા સાધુ અને ગામવાસીને કહે છે કે આ ત્રણેય ખોટું બોલે છે. હકીકત શી છે એ હું જાણું છું કારણ કે જે કંઈ બન્યું છે એ મેં ખુદ સગ્ગી આંખે છૂપાઈને જોયું છે. બન્યું હતું એવું કે સ્ત્રી પર બળાત્કાર કર્યા પછી ડાકુએ એને કહ્યું કે તું સમુરાઈને પડતો મૂક, મને પરણી જા. સ્ત્રીએ પતિના હાથ ખોલ્યા. મુક્ત થયા પછીય સમુરાઈએ કશું ન કર્યું. સ્ત્રીએ બન્ને પુરુષોને બરાબરનું સંભળાવ્યું. કહ્યું કે તમે બન્ને સાવ નમાલા છો, નમાલા. મારો પ્રેમ પામવા માટે એકબીજા સાથે યુદ્ધ પણ કરી શકતા નથી? સ્ત્રીએ બન્નેને ઉશ્કેર્યાં તો ખરા, ડાકુ અને સમુરાઈ એકબીજા સામે બાથ ભીડતા ગભરાતા હતા. બન્નેએ લડવાનું ફક્ત નાટક કર્યું. છતાંય કોઈક રીતે ડાકુના હાથે સમુરાઈની હત્યા થઈ ગઈ. દરમિયાન સ્ત્રી નાસી ગઈ. ડાકુ એને પકડી ન શક્યો. પોતાની તલવાર લઈને એ પણ લંગડાતો લંગડાતો ચાલ્યો ગયો. સચ્ચાઈ શું હતી? ખરેખર શું બન્યું હતું? કોણ કેટલી માત્રામાં ખોટું બોલતું હતું? શા માટે? ફિલ્મના અંતમાં ફરી એક નાનો ટ્વિસ્ટ આવે છે જેના પરથી ખ્યાલ આવે છે કે ઈવન કઠિયારાની વાત પણ પૂરેપૂરી સાચી નથી! વરસાદ અટકી ગયો છે, આકાશમાં નવો ઉઘાડ થઈ રહ્યો છે અને ફિલ્મ એક હકારાત્મક આશાભર્યા બિંદુ પર પૂરી થાય છે.

કથા પહેલાંની અને પછીની

અકિરા કુરોસાવાએ બે ટૂંકી વાર્તાઓના આધારે સ્ક્રિપ્ટ લખી હતી. રશોમોન નામની ટૂંકી વાર્તામાંથી એમણે વાતાવરણ લીધું અને ઈન અ ગ્રુવ નામની વાર્તામાંથી પ્લોટ તેમજ કેરેક્ટર્સ લીધાં. આ ફિલ્મ પશ્ચિમના દેશોમાં જે રીતે વખણાઈ એ જોઈને જપાની સમીક્ષકો નવાઈ પામી ગયા હતા. એમનું કહેવું હતું હતું કે પશ્ચિમના ઓડિયન્સ માત્ર એટલા ખાતર આ ફિલ્મ ગમી છે કે એમને તે એક્ઝોટિક લાગે છે. વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ માટે રશોમોનની વરણી થઈ ત્યારે પણ વિવાદ થયો હતો. વિરોધીઓનું કહેવું હતું કે આ ફિલ્મમાં જપાની ફિલ્મનું પ્રતિનિધિત્વ કરી શકવાની ક્ષમતા જ નથી. ખેર, રશોમોન થકી ઈન્ટરનેશનલ ઓડિયન્સ પહેલી વાર કુરોસાવાનાં કામથી પરિચિત થયું, એટલું જ નહીં, તેમનું ફેન બની ગયું. આ ફિલ્મે ખૂબ બધા અવોર્ડઝ જીત્યા, ઓલટાઈમ ગ્રેટ ફિલ્મની કંઈકેટલીય સૂચિઓમાં સ્થાન પામી.  રશોમોન વિશે ખૂૂબ લખાયું છે, પુષ્કળ વિશ્લેેષણ થયું છે. આ ફિલ્મમાં ખૂબ બધાં સિમ્બોલ્સ એટલે કે પ્રતીકોનો ઉપયોગ થયો છે. ઉદાહરણ તરીકે, અશુભ અને પાપ કુરોસાવાએ પ્રકાશની ગેરહાજરી વડે દર્શાવી છે. જેમ કે, સ્ત્રી જ્યારે પરાયા પુરુષને વશ થઈ રહી હોય ત્યારે સૂરજ અસ્ત થતો દેખાડ્યો છે. ફિલ્મની શરૂઆતમાં કઠિયારો, સાધુ અને ગામડિયો તૂટ્યાફૂટ્યા દ્વાર નીચે બેઠા છે. કુરોસાવા જાણે આ દ્વારમાંથી થઈને દર્શકને એક નવી કથામાં પ્રવેશ કરાવે છે. સિનેમેટોગ્રાફીમાં પણ અહીં ઘણા અખતરા કરવામાં આવ્યા છે. કુરોસાવા એક સાથે વધારે કેમેરાથી દશ્યો શૂટ કરતા કે જેથી એડિટિંગ કરવામાં પુષ્કળ મોકળાશ રહે વગેરે. ફિલ્મનાં શૂટિંગ દરમિયાન ટીમના સભ્યો સતત પૂછતા રહેતા હતા કે સર, આપણે ફિલ્મની વાર્તામાં ચાર વિરોધાભાસી વર્ઝન દેખાડયા તો ખરા, પણ ખરેખર શું બન્યું હતું એ અમને તો કહો! કુરોસાવાનો જવાબ એક જ રહેતો કે આ મુદ્દો મહત્ત્વનો છે જ નહીં. વાત છે મલ્ટિપલ રિયાલિટીઝની, એક સત્યને પકડવાને બદલે તેના અલગ અલગ સંભવિત રંગોને એક્સપ્લોર કરવાની. સત્ય આખરે તો એક સાપેક્ષ વસ્તુ છે... અને સૌનું પોતપોતાનું સત્ય હોય છે! રશોમોન પર આધારિત તમિલ સહિત દુનિયાભરની કેટલીય ભાષાઓમાં ફિલ્મો બની ચુકી છે.

રશોમોન ફેક્ટ ફાઈલ

ડિરેક્ટર          : અકિરા કુરોસાવા
કલાકાર          :  તોશિરો મિફુને, મસાયુકી મોરી, મચીકો ક્યો  
કથા              : રુનોસુકે અક્ટુઆગ્વા   
સ્ક્રીનપ્લે          : અકિરા કુરોસાવા
દેશ               : જપાન
રિલીઝ ડેટ        : ઓગસ્ટ ૨૫, ૧૯૫૦...
મહત્ત્વનો અવોર્ડ : ઓનરરી એકેડેમી (ઓસ્કર) અવોર્ડ


No comments:

Post a Comment