Monday, December 3, 2012

સામેની વ્યક્તિને ધ્યાનપૂર્વક સાંભળવાની આદત બુદ્ધિમાન વ્યક્તિનું લક્ષણ છે!


આરપાર - દિવાળી અંક 2012

 માતાના ગર્ભથી લઈને જીવનની અંતિમ ક્ષણ સુધી અને કાનથી એરોપ્લેન ખેંચવાથી માંડીને ઈશ્વરની વાણી સાંભળવા સુધી માણસ પોતાની શ્રવણેન્દ્રીય પાસેથી કેવાં કેવાં કામ લે છે? કંઈક અજબ દુનિયા છે આ. અહીં ઘોર અંધકાર છે, પણ ભય નથી. અહીં બધું ઘેરાયેલું, ભરાયેલું, ચુસ્ત રીતે ભીડાયેલું છે છતાંય  સહેજે ગૂંગળામણ નથી. બલકે અહીં ભરપૂર હૂંફ છે, કમાલની સલામતી છે. આ માતાનો ગર્ભ છે અને મનુષ્ય સાંભળવાની ક્રિયાની શરુઆત અહીંથી કરી દે છે! ગર્ભમાં રહેલું બાળક હજુ તો માંડ સોળ-સત્તર અઠવાડિયાનું થયું હોય ત્યારે એ પાચનક્રિયાના ભીતરી અવાજ, નહાતાં નહાતાં ગીત ગણગણી રહેલી માનો અવાજ સાંભળી શકે છે. આ શ્રવણપ્રક્રિયાનો બિલકુલ અભાનપણે થયેલો પ્રારંભ છે. શ્રવણક્રિયા... જેનો સંબંધ મનુષ્યની પાંચ મુખ્ય ઈન્દ્રીયો પૈકીના કાન સાથે છે. ગર્ભવતી માતા આજે છ જ અઠવાડિયાંના ગર્ભના હૃદયના ધબકારા મોનિટર પર દશ્ય સ્વ‚પે ‘સાંભળી’ શકે છે. આ અલ્ટ્રાસાઉન્ડ ટેકનોલોજીનો પ્રતાપ છે.

શારીરિક સ્તરે કાનના મુખ્ય ત્રણ હિસ્સા છે એવું આપણે સ્કૂલમાં ભણ્યા હતા. સૌથી પહેલાં તો આઉટર ઈઅર કે જેને જોઈ શકાય છે. કેનાલ અને તેનું રક્ષણ કરતું વેક્સ પણ આઉટર ઈયરના ભાગ છે. ધ્વનિનાં મોજાં કેનાલમાંથી થઈને કાનના મધ્ય ભાગમાં પહોંચે છે. અહીં ઈયર ડ્રમ હોય છે, જેનું કામ છે ધ્વનિનાં મોજાંનું તરંગોમાં ‚પાંતર કરી ઈનર ઈયર તરફ મોકલવાનું. ઈનર ઈયર ધ્વનિ તરંગો પર આધારિત નર્વ્ઝ સિગ્નલ પેદા કરે છે જેના થકી દિમાગ સમજી શકે છે કે અવાજ કેવો છે અને કઈ વસ્તુનો છે.

આ તો ખેર શરીરવિજ્ઞાન થયું. શ્રવણેન્દ્રીયની બહુઆયામી દુનિયા તો એને પેલે પાર ક્યાંય સુધી વિસ્તરે છે. શ્રવણેન્દ્રીયની ઉપયોગિતા કેવળ દુન્યવી અવાજો સાંભળવા માટે જ નથી. ઈશ્વરનો અવાજ સાંભળવો એ પણ શ્રવણેન્દ્રીયનું એક કર્તવ્ય હોઈ શકે છે! વેદ ઈશ્વરની વાણી ગણાય છે. જ્ઞાનની શોધ કરી રહેલા આપણા ઋષિમુનિઓએ હિમાલયના પહાડો પર ભ્રમણ કરતી વખતે વેદવાણી સાંભળી હતી. સ્વયં નિરાકાર વેદનારાયણે આકાશવાણી દ્વારા તપસ્વી ઋષિમુનિઓને જ્ઞાન આપ્યું એટલે કે સંભળાવ્યું. ઋષિમુનિઓએ તેને યાદ રાખી કંઠસ્થ કર્યું. શ્રુત એટલે સાંભળવું. તેથી વેદને શ્રુતિ એટલે કે સાંભળેલું જ્ઞાન પણ કહે છે. વેદ  અનાદિ છે. એનું સર્જન કોઈએ કર્યું નથી. તપસ્વી ઋષિઓને વેદના મંત્રો સ્વયં સ્ફૂર્યા હોવાથી તેઓ વૈદિક મંત્રોના કર્તા નહીં, પણ શ્રોતા કહેવાયા. ગુરુ-શિષ્ય પરંપરામાં વેદનું મૌખિક શ્રવણ કરવામાં આવતું. વેદ વહેતા રહ્યા, નદીની જેમ, એક પેઢીથી બીજી પેઢી. સુધી. આમ, વેદ આપણને ‘સાંભળવાની’ પરંપરા થકી મળ્યા છે. તેથી વેદને ‘અનુશ્રવ’ કે ‘અનુશ્રુતિ’ પણ કહે છે. દસ હજાર કરતાંય વધારે વર્ષોથી માત્ર સાંભળવાની ક્રિયાથી વેદ કેવી રીતે ટકી રહ્યા એનું આશ્ચર્ય આખી દુનિયાને થાય છે.

 વેદ ઈશ્વરની વાણી ગણાય છે. જ્ઞાનની શોધ કરી રહેલા આપણા ઋષિમુનિઓએ હિમાલયના પહાડો પર ભ્રમણ કરતી વખતે વેદવાણી સાંભળી હતી. તપસ્વી ઋષિઓ મંત્રોના કર્તા નહીં, પણ શ્રોતા કહેવાયા.  આમ, વેદ આપણને ‘સાંભળવાની’ પરંપરા થકી મળ્યા છે.


અન્ય ધર્મોમાં પણ ઈશ્વરીય વાણી યા તો આકાશવાણીનું મહત્ત્વ છે. મુસ્લિમો કુરાનને દુનિયાનું પહેલું પુસ્તક માને છે. એમાં જે કહેવાયું છે એ જ ખુદાની વાણી. કુરાનની કલમાઓ મોહમ્મદે સાંભળેલી ગેબી વાણી છે. એ જ રીતે યહૂદીઓનું બાઈબલ (‘જૂનો કરાર’) યાહોવાની ગેબી વાણી અથવા આકાશવાણી છે, જે ઈશાએ સાંભળી હતી. તે પછી થયેલી ઈશુ ખ્રિસ્ત અથવા જિસસે પણ જેરુસલેમની કુશ્તુ પહાડ પર આકાશવાણી સાંભળી, જે ‘નવો કરાર’ છે.

આપણા શાસ્ત્રોમાં શીલના પાંચ પ્રકાર ગણાવાયા છે - પગનું શીલ, હાથનું શીલ, મુખનું શીલ, આંખનું શીલ અને કાનનું શીલ. કાનનું શીલ એટલે? માણસના શ્રવણ પરથી પણ એનાં ચારિત્ર્યનું માપ નીકળી શકે. એ શું સાંભળે છે, કેવી રીતે સાંભળે છે, એને કઈ વાતોમાં વિશેષ રુચિ છે એ બાબતો મહત્ત્વના માપદંડ છે. પાંચ માણસ બેઠા હોય ત્યારે કોઈ એક માણસની વાત પર બાકીના ચાર જે પ્રતિક્રિયા આપે એના પરથી એ ચારેયના શીલનો અંદાજ મેળવી શકાય. કબીરે ગાયું છે-

સુનિયે ગુનકી બારતા, અવગુણ લીજિયે નાહી,
હંસે ક્ષિરકું ગ્ર્ાહત હય, નિર સો ત્યાગે જાય.
કામ કથા સુનિયે નહિ, સુનકે ઉપજે કામ,
કહે કબીર બિચાર કે, બિસર જાય હરિ નામ.

સાંભળવાનું શું? તો કહે, ગુણ. કબીર કહે છે કે હંમેશા સત્ત્વશીલ વાતો સાંભળવી, જેના થકી લાભ પ્રાપ્ત થતો હોય એવી વાતો સાંભળવી.  જે શુભ છે, જે ગુણવાન છે એને તું સાંભળીને મનમાં ઉતાર, બાકીની વાતોને પડતી મૂક. હંસ સામે દૂધવાળું પાણી મૂકો તો એમાંથી એ કેવળ દૂધ પીશે, પાણી છોડી દેશે. કબીર સલાહ આપે છે કે કામકથા યાને કામોત્તેજના થાય એવી વાતો સાંભળવી નહીં, કારણ કે એનાથી મનમાં કામવાસના જાગશે અને પરમાત્માની યાદ એક તરફ હડસેલાઈ જશે.

કબીરસાહેબ ભારે કઠિન વાત કહી દીધી છે. માત્ર સારું સાંભળવું અને કોઈની નીંદા ન સાંભળવી... પ્રયત્ન કરવા જેવો છે!
                                           0 0 0
‘કોશિશ’ ફિલ્મનો પેલો હૃદયવેધક સીન યાદ કરો. ગુલઝારે ડિરેક્ટ કરેલી અને 1972માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં સંજીવ કમાર અને જયા ભાદુડી મૂક-બધિર કપલ બન્યાં છે. એમને સૌથી મોટી ચિંતા એ વાતની છે કે અમારું સંતાન પણ અમારાં જેવું મૂંગુ-બહેરું જન્મશે તો? નવજાત શિશુ નોર્મલ છે કે કેમ તે ચકાસવા સંજીવ કુમાર એના મોં પાસે રમકડાનો ઘૂઘરો લઈ જઈને જોરજોરથી હલાવે છે. બાળક કશી જ પ્રતિક્રિયા આપતું નથી. પતિ-પત્નીનો જીવ અધ્ધર થઈ જાય છે. સંજીવ કુમાર રમકડાથી ખૂબ ધમપછાડા કરે છે, પણ બચ્ચું એની નોંધ પણ લેતું નથી. પતિ-પત્નીનું દિલ તૂટી જાય છે, પણ ત્યાં જ એમને ખબર પડે છે કે પેલાં રમકડાંની અંદર મણકો છે જ નહીં. અંદર કશુંક હોય તો હલાવવાથી ખખડેને! બન્નેને આખરે ખાતરી થાય છે કે બાળક નોર્મલ છે, એમના જેવું મૂક-બધિર નથી. એમના હરખનો પાર રહેતો નથી.

'કોશિશ’ ફિલ્મમાં સંજીવ કમાર અને જયા ભાદુડી મૂક-બધિર કપલ બન્યાં છે. એમને સૌથી મોટી ચિંતા એ વાતની છે કે અમારું સંતાન પણ અમારાં જેવું મૂંગુ-બહેરું જન્મશે તો? મા-બાપ માટે કદાચ પોતાનાં સંતાનના કિલકિલાટ કરતાં વધારે સુખદ ધ્વનિ બીજો કોઈ ન હોઈ શકે.


મા-બાપ માટે કદાચ પોતાનાં સંતાનના કિલકિલાટ કરતાં વધારે સુખદ ધ્વનિ બીજો કોઈ ન હોઈ શકે. એક અંગત વાત ટાંકવાનું મન થાય છે. મારી નવલકથા ‘મને અંધારાં બોલાવે... મને અજવાળાં બોલાવે’ની નાયિકા ચોવીસ વર્ષે અચાનક અંધ થઈ ગઈ છે. એણે પોતાના ને એક પુત્રને કદી જોયો નથી, એને માત્ર સ્પર્શથી અને શ્રવણથી અનુભવ્યો છે. મા-દીકરાનું એક સરસ રુટિન છે. દીકરો સાવ ખોળામાં સમાઈ જાય એવડો હતો ત્યારથી લઈને એ આઠ-નવ વર્ષનો થયો ત્યાં સુધી નાયિકા રોજ, દિવસમાં કમસે કમ એેક વાર, એની છાતી પર કાન મૂકીને એના દિલના ધબકારા સાંભળે છે. છોકરાને ગલીગલી થાય, હસી પડે, નાસી જાય. નાયિકાએે એને પકડી રાખવો પડે. દુનિયાના બીજા કોઈ પણ ધ્વનિ કરતાં જેને પોતે કદી જોયો નથી એ સંતાનના હાર્ટબીટ્સના અવાજ એને સૌથી મીઠો લાગે છે. નાયિકાએ એને સરસ નામ આપ્યું છે: મ્યુઝિક ઓફ લાઈફ... જીવનનું સંગીત! પોતે જેને જન્મ આપ્યો છે એ બાળકના ધબકતા દિલનો નાદ સાંભળે એટલે નાયિકાને જીવવા માટે નવું બળ મળે. એને થાય કે પુત્રના હૃદયના ધબકારા સાંભળવાથી એના ખુદના શરીરમાં જાણે નવું લોહી બને છે...

માણસ જન્મીને, એક આખું આયુષ્ય જીવીને મૃત્યુ પામે ત્યાં સુધી એના કાને કેટકેટલા અવાજો પડતા હોય છે? બોલવું અને સાંભળવું એ કમ્યુનિકેશનના બે મુખ્ય અંગ થયા, પણ કમનસીબે વકતૃત્વ કળા પર જેટલો ભાર અપાય છે એના કરતાં પા ભાગનું મહત્ત્વ પણ  સાંભળવાની કળાને અપાતું નથી. તમે કશુંક કહી રહ્યા હો અને સામેની વ્યક્તિનું એમાં ધ્યાન ન હોય, એ સાંભળ્યું- ન સાંભળ્યું કરી નાખે તો એના જેવું બૂરું બીજું કશું નહીં. એક માણસ બીજા માણસને ન સાંભળે એના લીધે પેદા થતા ક્રોધ, ફ્રસ્ટ્રેશન અને વિખવાદમાંથી ભયાનક પરિણામો આવી શકે છે. સંબંધમાં એકમેકને સાંભળવું અત્યંત જ‚રી છે. જ્યારે બેમાંથી એક પાત્ર અથવા બન્ને પાત્રો સાંભળવાનું બંધ કરે છે ત્યારે આગળ જતા વિસ્ફોટ થયા વિના રહેતો નથી.

આર્જેન્ટિનાની એક સરસ કહેવત છે: જે બોલે છે એ વાવે છે, જે સાંભળે છે એ લણે છે. સાંભળવાની ક્રિયામાં હીલીંગનો અદભુત ગુણ પણ છે. સામેના માણસને સહાનુભૂતિપૂર્વક સાંભળવાથી એના ઘા ‚ઝાઈ શકે છે. માણસ તકલીફમાં હોય, દુખમાં ડૂબેલો હોય ત્યારે એને એક એવી સહૃદય વ્યક્તિની જરુર હોય છે જે એને દિલથી સાંભળે. ઉકેલ બતાવે કે ન બતાવે પણ જો કોઈ એને ફક્ત એક વાર સાંભળી લેશે તો પણ એના દિલનો બોજ હલકો થઈ જશે. કદાચ અડધી સમસ્યા તો ત્યાં જ ઉકેલાઈ  જશે. સાઈકોલોજિકલ કાઉન્સેલર્સ એકલતા અનુભવતા પેશન્ટ પાસેથી મોંઘીદાટ ફી લઈને મુખ્યત્વે એને સાંભળવાનું કામ જ કરે છેને!

સંબંધશાસ્ત્રના પંડિતો કહે છે કે અન્યોને સાંભળવાની કળા હસ્તગત કરતા પહેલાં પહેલા પોતાની જાતને સાંભળતા શીખી જાઓ.  તમારો માંહ્યલો, તમારી લાગણીઓ શું કહે છે? આપણે આપણી જાત સાથે પ્રામાણિક હોઈશું તો સામેવાળાને પણ સચ્ચાઈપૂર્વક સાંભળી શકીશું.

 એક માણસ બીજા માણસને ન સાંભળે એના લીધે પેદા થતા ક્રોધ, ફ્રસ્ટ્રેશન અને 
વિખવાદમાંથી ભયાનક પરિણામો આવી શકે છે. જ્યારે બેમાંથી એક પાત્ર અથવા 
બન્ને પાત્રો સાંભળવાનું બંધ કરે છે ત્યારે આગળ જતા વિસ્ફોટ થયા વિના રહેતો નથી. 


બોલવા વિશે આપણું કન્ફ્યુઝન કાયમી છે: બોલે એના બોર વેચાય કે ન બોલવામાં નવ ગુણ? પણ સાંભળવાના મામલામાં કોઈ કન્ફ્યુઝન નથી. તુર્કસ્તાનમાં કહેવાય છે કે બોલવું ચાંદી છે તો સાંભળવું સોનું છે! સાંભળવાથી બસ લાભ જ લાભ છે. રોબર્ટ શુલર નામના અમેરિકન લેખક અને મોટિવેશનલ સ્પીકરે બિલકુલ યોગ્ય જ કહ્યું છે: ‘માણસનો અહમ મોટો થતો જાય તેમ તેમ તેના કાન નાના થતા જાય છે.’ અમુક માણસો ફક્ત પોતાના વખાણ જ સાંભળી શકે છે. એમની ભૂલ તરફ આંગળી ચીંધો તો માર્યા ઠાર. મહાન અદાકાર માર્લોન બ્રાન્ડોએ વ્યંગમાં સરસ કહ્યું છે: ‘એક્ટર એટલે એ માણસ જે તમને તો જ સાંભળશે જો તમે એના વખાણ કરવાના હો!’

ન્યુઝ ચેનલો પર રોજ રાતે આપણે ગરમાગરમ ઈશ્યુ પર ડિબેટ થતી જોઈએ છીએ. એમાં બધાને ફ્કત બોલવું જ હોય છે, સાંભળવું કોઈને નથી. ક્યારેક પાંચ-પાંચ લોકો એકસાથે બોલતા હોય છે! કોઈનું કશું જ સમજાય નહીં અને ઘોંઘાટનો પાર નહીં. ખેર, ટીવી પરની ચર્ચા અલગ વાત થઈ, બાકી રોજીંદા જીવનમાં પણ સારા શ્રોતા બનવું ખૂબ જ‚રી છે. સાંભળવાથી સંધાન થાય છે, વિશ્વાસ વધે છે. ઉત્તમ નેતા અથવા ટીમલીડર હંમેશા ઉત્તમ શ્રોતા હોવાનો. વિન્સ્ટન ચર્ચિલે એટલે જ કહ્યું છે કે માત્ર ઊભા થઈને નિર્ભિકપણે બોલવામાં જ હિંમતની જ‚ર પડે છે એવું નથી, બેસીને બીજાઓને સાંભળવા માટે પણ હિંમત જોઈએ.

‘શુશ્રૂષા શ્રવણ ચૈવ ગ્ર્ાહણં ધારણં ઉહાપોહ અર્થવિજ્ઞાનં તત્ત્વજ્ઞાનં...’ આપણાં શાસ્ત્રોમાં કહેવાયેલી આ વાતનો મતલબ એ છે કે બીજાની શુશ્રુષા એટલે હિત કરવાની વૃત્તિ રાખવી, સામે ગરીબ કે નાનામાં નાનો માણસ હોય તો પણ એની વાત ધ્યાનપૂર્વક સાંભળવી,  સાંભળેલી વાત ગ્ર્ાહણ કરવી, સારપને જીવનપર્યંત ગ્ર્ાહણ કરી રાખવી, સાંભળેલી વાતમાં તર્ક અને સાત્ત્વિક તત્ત્વો ભેળવવા (ઊહ), વાતને વૈજ્ઞાનિકથી પ્રમાણવી અને જે-તે વિચારના અર્ક સુધી, નિચાડ સુધી પહોંચવું - આ સાત બુદ્ધિમાન વ્યક્તિનાં લક્ષણ છે.

આમ, સામેની વ્યક્તિને ધ્યાનપૂર્વક સાંભળવાની આદત બુદ્ધિમાન વ્યક્તિનું લક્ષણ છે. કમસે કમ ખુદને બુદ્ધિશાળી ગણાવવા માટે પણ આ આદત કેળવવા જેવી છે!
                     0  0  0
ઘુ રાયે એક અદભુત વાર્તા લખી છે, જેનું શીર્ષક છે - ‘કાન’.  કથાનાયક હરિયાના કાન અચાનક અત્યંત ‚પાળા બની જાય છે. ચારેકોર હરિયાના કાનની જ ચર્ચા છે. એ હરિયામાંથી હરિભાઈ બની જાય છે. સૌનું આકર્ષણનું કેન્દ્ર બની ગયેલા કાનને લીધે અચાનક જ  હરિયાને સેલિબ્રિટી સ્ટેટસ મળી જાય છે. એટલે સુધી કે છોકરીઓ ખી-ખી-ખી-ખી કરતી હરિયાને કાન દેખાય એ રીતે ઊભો રાખીને એની સાથે ફોટા સુધ્ધાં પડાવે છે. હરિયાના મનમાં સવાલ થવા લાગ છે: મારું બેટું... મારા કારણે કાન છે કે કાનને કારણે હું છું?

અહીં લેખકે કાનને એક પ્રતીક તરીકે વાપર્યો છે. કાનને સુંદર બનાવવા માટે જોકે ચમત્કારની રાહ જોવાની જ‚ર નથી. વ્યક્તિત્ત્વની સુંદરતા વધારવા માટે કાન હંમેશાં એક મહત્ત્વનું અંગ છે. કાનમાં ઘરેણાં પહેરવાનું ચલણ છેક પ્રાગૈતિહાસિક કાળથી ચાલ્યું આવે છે. આલ્પ્સના બર્ફીલા પહાડમાંથી 5300 વર્ષ જૂનું મમી મળી આવેલું. તે એક પુરુષનું મમી હતું, જેના બન્ને કાન વીંધેલા હતા. દુનિયાભરની આદિવાસી સંસ્કૃતિઓમાં જુદી જુદી કાન વીંધવાના અને સુશોભિત કરવાની પરંપરાઓ રહી છે. અમુક આદિવાસી પ્રજાઓ માટે કાન  વીંધવાના બે આશય હતા. એક તો, કાન વીંધવાની રીત તેમજ તેમાં પહેરેલા આભૂષણ અનુસાર માણસનું સ્ટેટસ નક્કી થતું. બીજું, તેઓ માનતા કે દુષ્ટ આત્મા કાનના છિદ્ર  વાટે શરીરમાં પ્રવેશ કરે છે, પણ જો કાનમાં ચોક્કસ પ્રકારનું ઘરેણું પહેરયુ હોય તો  દુષ્ટ આત્મા દેહપ્રવેશ કરી શકતો નથી!

કાનની બૂટ  લાંબી હોય તો માણસ વધારે જીવે. કાનની બૂટ જાડી હોય તો માણસ પૈસાદાર હોવાનો અથવા થવાનો. તેથી જ ચીનના રાજાઓ અને સમ્રાટોનાં ચિત્રોમાં કાન
ખૂબ લાંબા દોરવામાં આવતા. ગૌતમ બુદ્ધની પ્રતિમાઓ અને ચિત્રોમાં આજેય ખૂબ
લાંબા કાન બનાવવામાં આવે છે.


વિલિયમ શેક્સપિઅર અને ઈંગ્લેન્ડના રાજા ચાર્લ્સ પહેલાએ કાન વીંધાવ્યા હતા. જૂના જમાનામાં દરિયા ખેડવા નીકળી પડતા નાવિકો એક કાન વીંધાવતા. માન્યતા એવી હતી કે એક કાન વીંધવાથી દષ્ટિ વધારે શાર્પ બને છે. નાવિકો વીંધાવેલા કાનમાં સોનાની કડી પહેરતા. એનું કારણ એ કે ન કરે દરિયાલાલ ને કોઈ અજાણી ભૂમિ પર જીવ જતો રહ્યો તો કમસે કમ સાથીઓ  સોનાની કડી વેચીને એ નાણાંમાથી એને વિધિવત દફનાવવાનો પ્રબંધ તો કરી શકે! હજુ થોડા વર્ષો પહેલાં સુધી એકલા જમણા કાનમાં કડી કે ડાયમન્ડ પહેરવાને હોમોસેક્સ્યુઅલિટીની  નિશાની ગણવામાં આવતી. પુરુષ આ રીતે દુનિયાને હિન્ટ આપતો કે પોતે ગે છે. હવે એવું રહ્યું નથી. હવે સીધોસાધો સ્ટ્રેટ પુરુષ પણ એકલા જમણા કાનમાં ઘરેણું પહેરે છે અને હોમોસેક્સ્યુઅલ લોકો બિન્દાસ બન્ને કાન વીંધાવી આભૂષણો લટકાવે છે.

કાનનું સામુદ્રિકશાસ્ત્ર ભારે ઈન્ટરેસ્ટિંગ છે. કાનની બૂટ (ઈયરલોબ) કાં તો ચહેરા સાથે જોડાયેલી હોય અથવા તો છુટ્ટી હોય. જોડાયેલી બૂટ ધરાવતા માણસોનું પ્રમાણ છુટ્ટી બૂટ ધરાવતા માણસો કરતાં અડધાથી પણ ઓછું છે. જોડાયેલા કાનવાળો માણસ લુચ્ચો હોય છે એવી આપણામાં માન્યતા છે! ચીનમાં જૂના જમાનામાં માનવામાં આવતું કે કાનનો પ્રત્યેક હિસ્સો ભવિષ્યની જુદી જુદી સંભાવનાઓનું સૂચન કરે છે. કાનની બૂટ  લાંબી હોય તો માણસ વધારે જીવે. કાનની બૂટ જાડી હોય તો માણસ પૈસાદાર હોવાનો અથવા થવાનો. તેથી જ ચીનના રાજાઓ અને સમ્રાટોનાં ચિત્રોમાં કાન ખૂબ લાંબા દોરવામાં આવતા. ગૌતમ બુદ્ધની પ્રતિમાઓ અને ચિત્રોમાં આજેય ખૂબ લાંબા કાન બનાવવામાં આવે છે. કહે છે કે ઈ.સ. 221માં ચીનમાં હેન સામ્રાજ્યના સ્થાપક લિઉ બેઈના કાન એટલા લાંબા હતા કે તે ખભા સુધી પહોંચી જતા!

હાસ્યકાર જ્યોતીન્દ્ર દવેએ કાનના જુદા જુદા કદ-આકાર વિશે અફલાતૂન રમૂજી નિબંધ લખ્યો છે. સારો આર્ટિસ્ટ ગાંધીજીના મસ્તકનું રેખાચિત્ર પળવારમાં દોરી નાખે છે. ટાલ અને ચપટા કાન ગાંધીજીની વિઝ્યુઅલ આઈડેન્ટિટી છે. તમારા કાનના કદ-આકાર વિશે તમને ક્યારેય કમેન્ટ્સ મળી છે?

              0    0     0

વિશાળ વજનદાર ઈયરરિંગ ધારણ કર્યા પછી સિસકારા બોલાવ્યા કરતી અને કાન દુખવાની ફરિયાદ કરતી માનુનીઓ જાણી લે કે મનુષ્યના કાનમાં કલ્પી ન શકાય એટલી તાકાત હોઈ શકે છે. મનજિત સિંહ નામના ઈંગ્લેન્ડમાં સ્થાયી થયેલા એનઆરઆઈના નામે કેટલાય વર્લ્ડ-રેક્ોર્ડ બોલે છે, પણ અત્યારે આપણે એમાંના એકની જ વાત કરીશું. એમણે 41 માણસોને સમાવી શકતું અને 7.5 ટન વજન ધરાવતું આખેઆખું જેટએરસ્ટ્રીમ વિમાન ફક્ત બન્ને કાનની બૂટથી ખેંચ્યું છે, બોલો! એ પણ ચાર-ચાર મીટર સુધી! આ પરાક્રમ એમણે 57 વર્ષની ઉંમરે કર્યું. ‘આ બધો મનનો ખેલ છે,’ મનજિત સિંહ કહે છે, ‘જો તમે માઈન્ડને કંટ્રોલ કરી શકો તો કશું જ અશક્ય નથી. અફકોર્સ, તમારે શારીરિક સ્તરે પણ મજબૂત તો હોવું જ પડે.’

 મનજિત સિંહ નામના એનઆરઆઈએ 41 માણસોને સમાવી શકતું અને 7.5 ટન વજન ધરાવતું આખેઆખું જેટએરસ્ટ્રીમ વિમાન ફક્ત બન્ને કાનની બૂટથી ખેંચ્યું છે. એ પણ ચાર-ચાર મીટર સુધી! 


કાન સાથે, રાધર, શ્રવણેન્દ્રીય સાથે સંકળાયેલા ઑર એક વિશ્વવિક્રમની વાત કરીએ. ગ્ર્ાીસ પાસે મેકેડોનિયા નામનો એક ટચૂકડો દેશ છે. તેમાં એમિલ ઈલિક નામનો એક મજબૂત એથ્લેટ રહે છે. પચાસ વર્ષની એણે 204 કિલોમીટરની નોનસ્ટોપ વોકિંગ મેરેથોન 36 કલાકમાં પૂરી કરી. વિશ્વની આ સૌથી લાંબી હિલ મેરેથોન છે. આખી યાત્રા દરમિયાન એણે સતત ઈરોસ રેમઝોટ્ટી નામના એક પોપ્યુલર ઈટાલિયન સિંગરનું એક જ ગીત ફરી ફરીને સાંભળ્યા કર્યું. મેરેથોન પૂરી થઈ ત્યાં સુધીમાં એણે એકનું એક ગીતનું એકધારા 413 વખત સાંભળવાનો વિશ્વવિક્રમ બનાવી નાખ્યો હતો! એમિલ કહે છે, ‘મેં ઈરોસનું જે ગીત સતત સાંભળ્યા કયુર્ર્ં એ, નેચરલી, મારું સૌથી ફેવરિટ સોંગ છે. કેટલીય સરસ યાદો જોડાયેલી છે એ ગીત સાથે. હું મેરેથોનની ટ્રેનિંગ લઈ રહ્યો હતો ત્યારે આ ગીત સાંભળીને મને ગજબની એનર્જી મળતી હતી. તેથી મેં નક્કી કરી નાખ્યું હતું કે ફાઈનલ મેરેથોન વખતે હું આ એક જ ગીત સાંભળીશ!’

એકનું એક ગીત સેંકડો વાર અટક્યા વગર સાંભળ્યા કરવું એ જાપનો જ એક પ્રકાર થયો કહેવાય. શક્તિ માત્ર પ્રભુપ્રાર્થનામાંથી જ મળે એવું કોણે કહ્યું? જાણીતા પોપસોંગ ગીત પણ ઊર્જાનો સ્ત્રોત બની શકે છે!

માણસ મૃત્યુના બિછાને છેલ્લા શ્વાસ લઈ રહ્યો હોય ત્યારે મંત્રોચ્ચાર અથવા પ્રભુના નામનો જપ કરવાનો આપણામાં રિવાજ છે. જીવન પર પૂર્ણવિરામ મૂકીને માણસ મહાયાત્રા પર નીકળી રહ્યો હોય ત્યારે એના કાનમાં ઈશ્વરનું નામ પડવું જોઈએ. અંતિમ પળોમાં એ બેશુદ્ધ હોય તો સ્વજન એના જમણા કાનમાં મંત્રોચ્ચાર કરે છે. આપણામાં માન્યતા છે કે મનુષ્ય જીવ છોડે એ જ ક્ષણોમાં એના કાનમાં જે કહેવામાં આવે એનું પાલન થતું હોય છે. તેથી જ મૃત્યુ પામેલી વહાલી માતાના કાનમાં યુવાન પુત્ર કહે છે: મા, આવતો જનમ મારે ત્યાં લેજે... મારું સંતાન બનીને અવતરજે!

એક શ્રદ્ધા હોય છે કે સ્વજન સાથેનો પાર્થિવ સંબંધ એટલો જલદી પૂરો નહીં થાય. સંંબંધનું માત્ર સ્વ‚પ બદલાશે, સ્વજન ફરીથી જિંદગીમાં આવશે અને નવા રંગોમાં, નવાં સમીકરણો વચ્ચે જીવન વહેતું રહેશે...
                                                                         0 0 0

(સંપૂર્ણ)No comments:

Post a Comment