Saturday, October 27, 2012

પ્રિય પામેલા...


દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ - 28 ઓક્ટોબર 2012 

સ્લગ: મલ્ટિપ્લેક્સ

 ‘કિંગ ઓફ રોમાન્સ’ કહેવાયેલા સ્વર્ગસ્થ યશ ચોપરાનું અંગત જીવન પ્રેમ અને રોમાન્સના સ્તરે કેટલું સમૃદ્ધ હતું?
માણસ પોતે પ્રેમની અનુભૂતિથી તર-બ-તર થયો હોય તો જ એ સંભવત: પડદા પર સ્વપ્નિલ રોમાન્સ કંડારી શકે. ‘કિંગ ઓફ રોમાન્સ’ કહેવાયેલા સ્વર્ગસ્થ યશ ચોપરાએ અંગત જીવનમાં પ્રેમ અને રોમાન્સના એકાધિક રંગો જોયા છે. એમણે 37 વર્ષની ઉંમરે લગ્ન કર્યાં હતાં. ઈવન આજના સ્ટાન્ડર્ડ પ્રમાણે પણ તે લેટ મેરેજ ગણાય.

રેચલ ડ્વેયર નામની લેખિકાએ દાયકા પહેલાં ‘યશ ચોપરા: ફિફ્ટી યર્સ ઈન સિનેમા’ નામનું સુંદર પુસ્તક પ્રગટ કર્યું હતું, જેમાં યશ ચોપરા કહ્યું છે, ‘મારા મોટા ભાઈ (બી.આર. ચોપરા) તો મેં પહેલી ફિલ્મ બનાવી ત્યારથી મારા માટે યોગ્ય કન્યા શોધી રહ્યા હતા. જીવનમાં એક ચોક્કસ તબક્કો એવો આવે છે ત્યારે તમને સેટલ થવાની બિલકુલ પરવા ન હોય. મોટા ભાઈએ મને કેટલીય છોકરીઓ દેખાડવાની કોશિશ કરી, પણ હું બિલકુલ બેજવાબદાર હતો, હંમેશ મુજબ. હું કહ્યા કરતો: મને શું કામ છોકરીઓ દેખાડો છો? મારે નથી પરણવું. મારે ગર્લફ્રેન્ડની પણ જ‚ર નથી.’

જોકે સ્વ. બી. આર. ચોપરાએ નિખાલસતાથી કહ્યું છે, ‘હું તો યશને વહેલો પરણાવી દેવા માગતો હતો, પણ એને કેટલીક રિલેશનશિપ્સ થયેલી જેનું ધાયુર્ર્ં પરિણામ ન આવ્યું.’ યશજી સફળ ડિરેક્ટર હતા, યુવાન હતા, ફૂરસદના સમયમાં પોતાની લાલચટ્ટાક સ્પોર્ટસ કારમાં દોસ્તો (ખાસ કરીને શશી કપૂર અને દેવેન વર્મા) સાથે મુંબઈની સડકો પર મસ્તીથી ઘુમતા. આ તબક્કે એક કરતા વધારે હિરોઈનો સાથે તેમના મધુર સંબંધ બંધાયા હોય તો એમાં કશું અસ્વાભાવિક કે ખોટું નહોતું. આ હિરોઈનો એટલે નંદા, સાધના અને મુમતાઝ. અલબત્ત, યશજીએ ક્યારેય લગ્ન પહેલાંના પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી નથી. સંભવત: નંદા અને સાધના સાથે તેમની સારી દોસ્તી હતી, પણ મુમતાઝના મામલામાં તેઓ સિરિયસ હતા. ત્યાં સુધી કે મોટા ભાઈ અને ભાભીએ મુમતાઝનાં મમ્મીપપ્પાને મળીને લગ્ન માટે વાતચીત પણ કરેલી. મુમતાઝની કરીઅર તે તબક્કે જોર પકડી રહી હતી. એ બધું છોડીને ઘરગૃહસ્થી સંભાળવામાં મુમતાઝને રસ નહોતો એટલે વાત પડી ભાંગી.

 

આખા ચોપરા ખાનદાનમાં સૌના એરેન્જ્ડ મેરેજ થયા હતા, પણ યશજીના કેસમાં એ શક્ય લાગતું નહોતું. એમને લાગ્યા કરતું હતું કે મને ‘સહી લડકી’ મળી જ નથી. આખરે એમના મનનું સમાધાન થાય એવી લડકી મળી ખરી. આ બન્યું મુમતાઝ પ્રકરણ પર પૂર્ણવિરામ મૂકાયાં પછી. બન્યું એવું કે બી.આર. ચોપરાના પુત્ર રવિ ચોપરાંનાં લગ્ન લેવાયાં. રવિ ચોપરા એટલે સુપરહિટ ‘મહાભારત’ સિરિયલ તેમજ ‘બાગબાન’ ફિલ્મના ડિરેક્ટર. સંગીત-સંધ્યા દરમિયાન યશજીની નજર એક સુંદર છોકરી પર પડી, જે ટિપિકલ પંજાબી સ્ટાઈલમાં ગીતો ગાઈ રહી હતી. યશજીને ગમી ગઈ એ છોકરી. (હવે સમજાય છેને કે યશરાજ બેનરની ફિલ્મોમાં શાદી-બ્યાહનાં દશ્યોને આટલું બધું મહત્ત્વ કેમ મળે છે!) જોકે એ વખતે તો વાત ત્યાં જ અટકી ગઈ. થોડા અરસા પછી યશજીને દિલ્હી જવાનું થયું. એમના ડિસ્ટ્રીબ્યુટર બી.એમ. શર્માએ કહ્યું: યશજી, એક સરસ શીખ છોકરી છે. તમે એક વાર મળી લો. જો ગમે તો વાત આગળ વધારીશું. યશજી માની ગયા. મુલાકાત ગોઠવાઈ... અને સરપ્રાઈઝ, સરપ્રાઈઝ!  છોકરી એ જ હતી, જે રવિની સંગીત-સંધ્યામાં જોયેલી. છેને બિલકુલ ફિલ્મી સિચ્યુએશન!

એનું નામ હતું પામેલા. એનો પરિવાર આર્મીનું બેકગ્ર્ાઉન્ડ ધરાવતો હતો. પહેલી ઓફિશિયલ મુલાકાતમાં જ યશજી અને પામેલા બન્ને એકમેકને ગમી ગયાં હતાં, પણ કોણ જાણ કેમ ફરી મળવાની હિલચાલ કોઈએ ન કરી. યશજી બીજે દિવસે મુંબઈ રવાના થઈ જવાના હતા, પણ જિંદગીમાં પહેલી વાર એમનાથી ફ્લાઈટ મિસ થઈ ગઈ! તેઓ પાછા હોટલ પર ન ગયા, બલકે શર્માજીના ઘરે આવી ગયા. શર્માજીએ પામેલાને ફરી બોલાવી. બન્ને બીજી વાર મળ્યાં અને લગ્ન માટે એકમેકને હા પાડી દીધી. શર્માજીએ તરત બી.આર. ચોપરાને ફોન કયોર્ર્: ચોપરાસાબ, તમારા ભાઈને એક સોણી કુડી પસંદ પડી ગઈ છે અને શાદી માટે તૈયાર થઈ ગયા છે! બી.આર. ચોપરા હરખાઈ ઉઠ્યા. તરત તેઓ પત્ની સાથે દિલ્હી ઉપડી ગયા. વડીલોની હાજરીમાં સંંબંધ પાકો થયો.

યશજી કહે છે, ‘કેટલીક ક્ષણો એવી આવતી હોય છે જે તમારું જીવન પલટી નાખે છે. રવિનાં લગ્નમાં પામેલાને જોવી એ એવી જ એક નિર્ણાયક પળ હતી.’

20 ઓગસ્ટ 1970ના રોજ યશ ચોપરા અને પામેલા સિંહનાં દિલ્હીમાં લગ્ન લેવાયાં. રિસેપ્શન મુંબઈની હોટલ તાજના બૉલરુમમાં ગોઠવાયું. આખી ઈન્ડસ્ટ્રી ઉમટી પડી. દિલીપકુમાર, બલરાજ સહાની, રાજ કપૂર, શમ્મી કપૂર, રાજેશ ખન્ના, મીના કુમારી, નરગીસ, સિમી વગેરે. મોટા ભાઈએ હનીમૂન માટે વરઘોડિયાંને વર્લ્ડ-ટૂર બૂક કરી આપી હતી. એ વખતે તેઓ સ્વિત્ઝર્લેન્ડ પણ ચોક્કસ ગયાં હશે! ભારતમાં સ્વિત્ઝરર્લેન્ડનું (આડકતરું) પ્રમોશન જેટલું યશ ચોપરાએ કયુર્ર્ં છે એટલું કદાચ ફુલફ્લેજેડ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ પણ ન કરી શક્યું હોત. એમણે અહીં સૌથી પહેલી વાર શૂટિંગ જોકે લગ્નનાં 15 વર્ષ પછી કરેલું, 1985માં, તબુની મોટી બહેન ફરાહને ચમકાવતી ફિલ્મ ‘ફાસલે’ માટે.યશ ચોપરાની ફિલ્મોમાં આઉટડોર શૂટિંગની ઝીણી ઝીણી જવાબદારી પામેલા આનંદપૂર્વક ઉઠાવી લેતા. આ સિલસિલો શ‚ થયો ‘કભી કભી’થી.  આ ફિલ્મની અમુક સિકવન્સીસ માટે શિમલાના સ્નો-ફોલમાં શૂટિંગ કરવાનું હતું. આ વખતે પામેલાએ પહેલી વાર આઉટડોર શૂટિંગની સંપૂર્ણ જવાબદારી ઉપાડી હતી. ક્યાં ક્યાં સાધનો જોઈશે, કોની કઈ જરુરિયાતો છે, કોને શું પસંદ-નાપસંદ છે આ બધું જ પામેલાને મોઢે હોય. પછી તો આઉટડોર શૂટિંગ ઓર્ગેનાઈઝ કરવાની કાયમી જવાબદારી પામેલાની બની ગઈ. યુનિટમાં એ સૌથી છેલ્લે સુએ અને સૌથી પહેલાં ઉઠી જાય.

લગ્ન પછી યશ ચોપરા પ્રેમાળ અને વફાદાર પતિ બની રહ્યા. એવરેજ પતિની જેમ તેઓ પણ લાગણી પ્રદર્શનની બાબતમાં કાચા પડતા. પત્ની વિશે જાહેરમાં ખાસ બોલતા નહીં, પણ પતિ-પત્ની વચ્ચેનું બોન્ડિંગ કેટલું મજબૂત હતું તે મિત્રો અને આત્મીયજનો સારી રીતે જાણે છે. યશજીએ શું ખાવું-પીવું-પહેરવું એ નક્કી કરવાથી માંડીને એમના સ્ટાફ તેમજ આઉટડોર શૂટિંગને સંભાળવા સુધીનાં તમામ કામ પામેલાએ કુશળતાપૂર્વક કર્યાં છે. તેઓ યશજીના ક્રિયેટિવ કામકાજમાં પણ સક્રિય રસ લેતા. જેમકે, એમણે ‘પ્રેમરોગ’ની લેખિકા કામના ચંદ્રાને ફોન કરેલો: ‘યશજી નવી ફિલ્મ શ‚ કરવા માગે છે. તમારી પાસે સરસ સ્ટોરી હોય તો અમને સાંભળાવો.’ કામના ચંદ્રાએ પછી તેમને મળીને વાર્તા સંભળાવી કરી અને એના પરથી જે ફિલ્મ બની એ ‘ચાંદની’.

પામેલા વચ્ચે પામેલા ખૂબ બીમાર પડી ગયેલાં ત્યારે યશજી સાવ ભાંગી પડ્યા હતા. બધાં જ કામ કેન્સલ કરીને તેઓ પત્નીને સારવાર માટે ન્યુયોર્ક લઈ ગયા હતા. યશજીને કહેવામાં આવ્યું કે ટ્રીટમેન્ટ સફળ થઈ છે અને પામેલા પર હવે કોઈ જોખમ નથી ત્યારે યશજી  ઈમોશનલ થઈ ગયા હતા.યશજીએ સંતોષપૂર્વક કહ્યું છે, ‘પામેલા મારી સૌથી વહાલી દોસ્ત છે. વી આર સો ક્લોઝ. એ મારી રગેરગને જાણે છે, મારી શક્તિઓ અને નબળાઈઓથી પૂરેપૂરી વાકેફ છે. એને કેન્સર ડિટેક્ટ થયું ત્યારે મારી હાલત ખરાબ થઈ ગઈ હતી. પામેલા તો અમારા પરિવારનું કેન્દ્ર છે. હું અને મારા બેય દીકરા એના પર સંપૂર્ણપણે ડિપેન્ડન્ટ છીએ. એણે વધુ પડતી સારસંભાળ લઈને અમને બગાડી મૂક્યા છે. પામેલા વગર હું સૂકો પાપડ પણ ભાંગી ન શકું. શી ઈઝ અ ફેન્ટેસ્ટિક ગર્લ. મારી બીમારીમાં એણે જે રીતે મને સાચવ્યો છે.... હું એના માટે કંઈ પણ કરી શકું છું. આખી જિંદગી સુખ આપ્યું છે એણે મને. મેં એને સુખ આપ્યું છે કે નહીં એ તો એ જ કહી શકે. એ એટલી બધી ઓર્ગેનાઈઝ્ડ છે કે વાત ન પૂછો. હું જે કંઈ કામ કરી શક્યો છું એ એનું કારણ પામેલા છે. આઉટડોરમાં એ જે રીતે આખા યુનિટને સાચવે છે એ માની ન શકાય એટલું અદભુત હોય છે. એ ઈન્ટેલિજન્ટ છે, સ્માર્ટ છે અને આદર્શ પત્ની છે. પામેલા મારા કરતાં લગભગ બધી વાતે હોશિયાર છે...’

યશ ચોપડાના આ શબ્દોમાં એમના સુખી લગ્નજીવનનું, પતિ-પત્નીના સંબંધની સફળતાનું પ્રતિબિંબ પડે છે. લગ્નના દાયકાઓ વીતી ગયા પછી પતિ સંતુષ્ટ થઈને પૂરેપૂરી સચ્ચાઈથી આવા શબ્દો ઉચ્ચારી શકતો હોય તો એ પ્રેમ છે. રોમાન્સનું આના કરતાં વધારે ખૂબસૂરત સ્વ‚પ બીજું કયું હોવાનું!
લોંગ લિવ યશજી! લોંગ લિવ રોમાન્સ!

શો સ્ટોપર

યશજી ઈઝ મેડ. તમે એમની આંખોમાં ધારીને જુઓ તો સમજાય જાય કે આ માણસ મેડ છે. આ ભલે ચવાઈને ચુથ્થો થઈ ગયેલો શબ્દ છે, પણ હું એમને જિનિયસ કહીશ. 

- શાહ‚ખ ખાન 

‘’

1 comment:

 1. સુપર્બ!!
  આજે સવારેજ દિવ્ય ભાસ્કરમાં આ લેખ વાંચતી વખતે આર મનમાં સ્ફુરેલો એક સંવાદ:-
  સ્વિત્ઝરલેન્ડના બગીચાનો માળી:- "મેં જોયું કે હમણાં થોડા દિવસથી ઝાકળ બહુ પડે છે."

  તુલીપના ફૂલો:- " એ ઝાકળ નહીં પણ અમારા આંસુ છે. દૂર પૂર્વના દેશમાં અમારો એક આશિક હતો. જે અમને દિલોજાનથી ચાહતો હતો. અમે શું ચીજ છીએ તેનો અમને અહેસાસ કરાવનાર એ "નવયુવાન" અમને સદાય માટે છોડીને ભગવાન પાસે ચાલ્યો ગયો."
  "હવે આનાથી મોટો પ્રેમી કદાચ અમને નહીં મળે."
  "... ખેર,કદાચ ભગવાનના ઓર્ચિડમાં તેની વધારે જરૂર હશે."

  ReplyDelete