Tuesday, July 5, 2011

એમ.એફ. હુસેનના પ્રેમના પ્રયોગો

અહા! જિંદગી - જુલાઈ  ૨૦૧૧

ટેગ : ફલક


અવ્યક્ત અને અધૂરા રહી ગયેલા સંબંધમાં એક પીડામિશ્રિત સૌંદર્ય હોય છે. તે સંબંધ હંમેશાં એક કસક બનીને રહી જતા હોય છે, જીવનની અંતિમ ક્ષણ સુધી.દંતકથારૂપ બની ગયેલા વિખ્યાત ચિત્રકાર મકબૂલ ફિઝા હુસેનને એક વાર મુંબઈના આશિષ નાગપાલ નામના એક આર્ટ ગેલેરીના માલિકે પૂછેલુંઃ ‘હુસેનસા’બ, તમારામાં આટલું બધું જોશ છે, આટલો ઉત્સાહ છે... શું છે તમારા એનર્જી લેવલનો રાઝ?’ એમ.એફ. હુસેને તરત જવાબ આપ્યો હતોઃ ‘હું દર વીસ વર્ષે સ્ત્રી બદલી નાખું છું!’

હુસેનસાહેબ મુંહફટ માણસ હતા. તેમણે ‘અન અનફિનિશ્ડ પોટ્રેઈટ ઓફ એમ.એફ. હુસેન’ નામના પુસ્તકમાં પણ કેટલીય નાજુક અને અંગત વાતો બેધડક કરી છે. ઈલા પાલે લખેલું આ અફલાતૂન પુસ્તક હુસેનસાહેબની અધિકૃત જીવનકથા છે. લેખિકા સાથે ખુલ્લા દિલે કરેલી ચિક્કાર વાતોમાંથી તેમના જીવનના કંઈ કેટલાય રંગો સરસ રીતે ઊપસી આવે છે.

દર વીસ વર્ષે સ્ત્રી બદલી નાખવાની વાત કરતા હુસેનસાહેબના જીવનમાં કઈ અને કેવી સ્ત્રીઓ આવેલી? 

હુસેનસાહેબને સ્ત્રી સાથેનો સૌથી પહેલો અનુભવ ખાસ્સો સ્થૂળ પુરવાર થયો હતો. તે વખતે તેઓ હજુ તરુણ વયના હતા અને પરિવાર સાથે ઈન્દોરમાં રહેતા હતા. તેમની કામવાળીની એક દીકરી હતી, જે લગભગ હુસેનની જ ઉંમરની હતી. માને મદદ કરવા એ પણ રોજ ઘરે આવતી. હુસેનનો એક કઝિન આ છોકરી સાથે ખૂબ આગળ વધી ગયેલો. એની ‘સાહસકથાઓ’ સાંભળીને લબરમૂછિયા હુસેનને શૂરાતન ચડ્યું. એકવાર પેલી ઘરના બગીચામાં હીંચકા ખાતી હતી. હુસેન લાગ જોઈને ત્યાં પહોંચી ગયા અને આજુબાજુ નજર ઘુમાવી લીધીઃ કોઈ જોતું તો નથીને? જેવો હીંચકો નજીક આવ્યો કે એમણે છોકરીને પાછળથી જકડી લીધી.‘કોઈ સ્ત્રીના શરીરનો આ મારો પહેલો સ્પર્શ...!’ હુસેનસાહેબે પુસ્તકમાં કહ્યું છે, ‘હું એટલો બધો ઉશ્કેરાઈ ગયો હતો અને આ અનુભવ એટલો બધો  તીવ્ર હતો કે એનો નશો મારા દિલદિમાગ પર દિવસો સુધી છવાયેલો રહ્યો. એ બનાવ પછી હું કામવાળીની દીકરી સાથે છૂટ લેવાની ઘણી વાર કોશિશ કરતો. એક વાર એને ઘરના માળિયા પર ખેંચી જઈને ચૂમી લીધી હતી...  બસ, આનાથી આગળ વધવાની મારી કદી હિંમત ન ચાલી!’

*  *  *

હુસેન ઓગણીસ વર્ષની ઉંમરે ઈન્દોરથી મુંબઈ આવી ગયા હતા. તેમને પેઈન્ટર બનવું હતું. શરૂઆત તેમણે ફિલ્મોનાં વિશાળ કદનાં બિલબોર્ડ્ઝ એટલે કે હોર્ડંિગ્ઝ બનાવવાથી કરી. તેઓ ફૂટપાથ પર સૂઈ રહેતા. મહેમૂદાબીબી નામનાં એક પ્રૌઢ વિધવા પોતાના ઘરમાં વીશી ચલાવતાં ત્યાં તેઓ જમી લેતા. મહિનાને અંતે હિસાબ થતો. મહેબૂદાબીબીને હુસેન સાથે ખૂબ માયા બંધાઈ ગઈ હતી. માની જેમ તેઓ હુસેનની ચિંતા કરતાં. એમના ઘરના લોકોને જોકે આ પસંદ નહોતું. ખાસ કરીને મોટા દીકરાને. તે કહેતોઃ અમ્મી, ઘરાક સાથે ઘરાક જેવું વર્તન કરવાનું હોય, આ હુસેનને તું આટલી આળપંપાળ શું કામ કરે છે?
એક વાર હુસેન બે મહિના સુધી જમવાના પૈસા ન ભરી શક્યા. મહેમૂદાબીબીનો દીકરો ભડક્યો અને હુસેનને શોધવા નીકળી પડ્યો. ફૂટપાથ પર સૂતેલા હુસેનને એણે ખેંચીને બહાર કાઢ્યા અને ધમકી આપીઃ કાલે તે પૈસા ન આપ્યા તો તારા હાડકાં ખોંખરાં કરી નાખીશ!

હુસેન માટે કંઈ આ નવું નહોતું. અગાઉ ચાવાળા, ધોબી વગેરે એમને આ રીતે ધમકાવી ચૂક્યા હતા પણ મહેમૂદાબીબીની દીકરાનો આ વર્તાવ એમનાથી સહન ન થયો. બિસ્તરાની ગાંઠ વાળી અને પોતાની ચીજવસ્તુઓને થેલામાં નાખી તેઓ રાતોરાત ઈન્દોરભેગા થઈ ગયા. થોેડા મહિનાઓમાં મુંબઈથી એક ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટરનું કહેણ આવ્યુંઃ એક નવી ફિલ્મ આવી રહી છે, એના બિલબોર્ડ્ઝ બનાવવાનાં છે, આવી જા.

હુસેન પાછા મુંબઈ આવ્યા. ડિસ્ટ્રિબ્યુટર પાસેથી એડવાન્સ મહેનતાણું મેળવ્યું અને સૌથી પહેલાં સૌની ઉધારી ચૂકવી દીધી. મહેમૂદાબીબીને તો બે મહિનાનું ફૂડબિલ એડવાન્સ ચૂકવી દીધું.

બિલબોર્ડ પેઈન્ટર તરીકે હુસેને સારી જમાવટ કરી હતી. એક દિવસ હિંમત કરીને એમણે મહેમૂદાબીબી પાસે એમની દીકરી ફઝિલાનો હાથ માગ્યો. હુસેનનો તર્ક સાદો હતો. તેમણે વિચાર્યું કે મા આટલી ભલી છે તો દીકરીમાં એના થોડાઘણા ગુણ તો ઊતર્યા જ હશે ને! મહેમૂદાબીબીએ જિંદગીમાં  ખૂબ દુખ જોયાં હતાં અને સંઘર્ષ વેઠ્યો હતો. પરિશ્રમ અને કૌશલ્યનું મૂલ્ય એ સમજતાં હતાં. તેણે જોયું કે આ છોકરો ખૂબ મહેનતુ છે અને સારા સંપર્કો પણ બનાવી રહ્યો છે. તેણે હુસેનનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. પરિવારના સભ્યો નારાજ થયા, ખાસ કરીને મોટા દીકરાએ તો ખૂબ વિરોધ કર્યો, પણ મહેમૂદાબીબી મક્કમ રહ્યાં.

સંબંધ નક્કી થયો એટલે હુસેન પોતાની ઈચ્છાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ વિશે ભાવિ પત્ની ફઝિલા સાથે વાત કરવા ઉત્સુક બન્યા. એક વાર રાત્રે ફૂટપાથ પર લોકોની અવરજવર ઓછી થઈ એટલે તેઓ ફઝિલાને કાગળ લખવા બેઠા. દસ પાનાંના આ પત્રમાં તેમણે કેટલીય આદર્શવાદી વાતો લખી હતી. પત્ર તો લખાઈ ગયો પણ ફઝિલાના હાથમાં તે મૂકવાનો જીવ ન ચાલ્યો. ફઝિલા ક્યારેક બાલ્કનીમાંથી નીચે  ફૂટપાથ પર કામ કરી રહેલા હુસેનને ઈશારો કરતીઃ ઘરે કોઈ નથી, આવી જાઓ.

‘આ સંદેશો આપવાની ફઝિલાની ચોક્કસ રીત હતી,’ એમ.એફ. હુસેન કહે છે, ‘તે બાલ્કનીની પાળી પર સાબુ રાખવાનું લાલ રંગનું બોક્સ મૂકી દેતી. હું નીચે ફૂટપાથ પર હોર્ડંિગ્ઝ ચિતરતો હોઉં. આ લાલ બોક્સ જોઉં એટલે હું સમજી જાઉં કે એ ઘરે એકલી છે અને હું તરત ઉપર દોડી જાઉં... પણ એકાંત હોય તોય હું ના તો એને ભેટું કે ના ચૂમવાની કોશિશ કરું. હું એના ઘરે જઈને બેસું એટલે એ મારા માટે ચા મૂકે. પછી હું ચા પીઉં અને આ દરમિયાન અમે એકબીજાં સામે અછડતી નજર નાખતાં રહીએ. બસ, આટલું જ. આ અમારો રોમાન્સ. મારા મનમાં પ્રેમિકા અને આદર્શ જીવનસાથીની એક કલ્પના હતી. ફઝિલામાં એ કલ્પના સાકાર થતી જોવા માટે એની સાથેનો મારો આટલો પરિચય પૂરતો થઈ પડતો.’ 
આખરે ૧૧ માર્ચ ૧૯૪૧ના રોજ હુસેન અને ફઝિલાના નિકાહ થયાં. ઈન્દોરથી હુસેનના પિતા અને થોડા મિત્રો આવ્યા. વિધિ પછી સૌને ખજૂર ખવડાવીને મોં મીઠું કરવામાં આવ્યું.

હુસેન પાસે ઘર તો હતું નહીં. ફઝિલાને રાખવી ક્યાં? નાસિર નામના એક ટપાલીને હુસેન માટે ખૂબ લાગણી હતી. કોઈ ચાલીમાં તેની બે રૂમ હતી. એણે કહ્યુંઃ મારે બે રૂમની કશી જરૂર નથી. આજથી એક રૂમ તું અને ફઝિલા વાપરો.

હુસેને નાના કરી, પણ નાસિર ના માન્યો. રાત્રે દસેક વાગે નાનકડી ખોલીમાં હુસેન ફઝિલાને લઈને પહોંચી ગયા. આજે તેમની સુહાગરાત હતી. છવ્વીસ વર્ષના હુસેન હજુ સુધી વર્જિન હતા અને સ્ત્રીઓના મામલામાં લગભગ બિનઅનુભવી રહી ગયા હતા. હા, તરુણ વયે પેલી કામવાળી દીકરી સાથે થોડી મસ્તી કરેલી. મુંબઈ આવ્યા પછી કોઈ મવાલીઓએ એમને એકવાર બળજબરીથી વેશ્યા પાસે ધકેલી મૂક્યા હતા. હુસેન એની સાથે સંબંધ બાંધી ન શક્યા. મવાલીઓએ પછી ખૂબ ઠેકડી ઉડાવેલીઃ તું તો સાલો નપુંસક છે, તારે ટ્રીટમેન્ટની જરૂર છે...

MF Hussain with wife Fazila


જોકે હુસેન મુંબઈની જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં ભણતા હતા ત્યારે કંઈક જુદી જ અનુભૂતિ થયેલી. વિદ્યાર્થીઓએ ફિગર સ્ટડીના ભાગરૂપે લાઈવ મોડલનું પોટ્રેઈટ બનાવવાનંુ રહેતું. એક સ્ત્રી વીસેક વર્ષથી મોડલ તરીકે કામ કરતી. ખાસ્સી રૂપાળી હતી એ. સુંદર વળાંકદાર શરીર, ઉણત ઉરોજ. તેનાં અંગોઉપાંગો દોરતી વખતે હુસેન ઉશ્કેરાઈ જતા, તેમનું શરીર ગરમ થઈ જતું. અને પછી હુસેન ગુંચવાઈ જતા. એમને સમજાતું નહીં કે પેલાઓ મને નપુંસક.. નપુંસક કહ્યા કરે છે તો પછી આ શું છે?
સુહાગરાતે ફઝિલા પલંગ પર રાહ જોતી બેઠી હતી. લીલા રંગના સાટીનના ઓછાડ પર હજુ સુધી એક પણ કરચલી પડી ન હતી. હુસેનને એક વાત સમજાઈ ગઈ હતીઃ જ્યાં સુધી હું ફઝિલાને પેલો પ્રેમપત્ર નહીં આપું ત્યાં સુધી શારીરિક સ્તરે આગળ વધી નહીં શકું. પત્ર એમના પાયજામાના ખિસ્સામાં જ હતો. એમણે ધીરેથી કાગળ બહાર કાઢ્યો. પણ એમના મનમાં અનિશ્ચિતતા ઘૂમરાઈ રહી હતીઃ ક્યાંક આ પ્રેમપત્રનો અંજામ પણ મેં સુરૈયાને લખેલા લવલેટર જેવો નહીં થાયને?
કોણ હતી આ સુરૈયા?

*  *  *

સોળ વર્ષના હતા ત્યારે હુસેનને હમીદ નામના  પોતાના સૌથી ખાસ દોસ્તની બહેન બહુ ગમતી. એનું નામ સુરૈયા. એ માંડ પંદરેક વર્ષની હશે. કદાચ એના કરતાંય નાની. બહુ જ સુંદર હતી એ. બિન્ધાસ્ત પણ એવી જ. હુસેન એના ઘરે ગયા હોય ત્યારે વધારે સમય રોકાઈ શકે તે માટે સુરૈયા કોઈને કોઈ કારણ  ઊભું કરતી. જરૂર ન હોય તોય ભાઈનો સંદેશો હુસેનને પહોંચાડવા આવતી. આ બધા પરથી હુસેનને લાગતું કે આપણે પણ સુરૈયાને ગમીએ છીએ તો ખરા જ!

એક વાર હુસેને ખુલ્લા ખેતરમાં બેઠાબેઠા સુરૈયાને એક લાંબોલચ્ચ પ્રેમપત્ર લખી નાખ્યો. ‘પણ આ કાગળમાં મેં એટલી બધી ફિલોસોફી ઠાલવી હતી કે ન પૂછો વાત!’ હુસેનસાહેબ આ કિસ્સો યાદ કરીને પછી હસી પડતા. ‘તેમાં મેં ઉર્દૂ અને પર્શિયન કવિતાઓ ય છાંટી હતી. સુરૈયાને આપતાં પહેલાં આ લેટર મેં હમીદને વંચાવેલો. આવો ભારેખમ પ્રેમપત્ર વાંચીને હમીદ હસી પડેલો. મને કહે, જા, આપી દે સુરૈયાને.’

પણ એમ પ્રેમપત્ર આપવાની હિંમત કેવી રીતે ચાલે? હુસેનને પહેલેથી જ ચિત્રકામ સારું આવડે એટલે સુરૈયાના આખા ઘરના તમામ અરીસા અને કબાટ પર મોર, પોપટ, તળાવ ને એવું બધું ચિતરવામાં ખૂબ સમય પસાર કર્યો પણ સુરૈયાના હાથમાં પેલો કાગળ ન જ મૂકી શક્યા. આ છોટીસી લવસ્ટોરીનો ત્યાં જ અંત આવી ગયો. આમેય  સુરૈયાના પિતાજીને ફક્કડ ગિરધારી જેવા હુસેન દીઠા નહોતા ગમતા. એમને થતું કે આખો દિવસ ચિતરામણ કર્યા કરતો આ છોકરો આગળ જતા પોતાનાં બીવીબચ્ચાંનું શું પેટ ભરવાનો? સુરૈયા માટે તો હું પૈસાદાર ઘરનો વેપારધંધો કરતો છોકરો શોધીશ. થયું પણ એમ જ. સુરૈયા પરણીને સાસરે પાકિસ્તાન ચાલી ગઈ.

‘સુરૈયા શબ્દનો અર્થ શું થાય છે, જાણો છો?’ એમ.એમ. હુસેન કહે છે, ‘સુરૈયા એટલે આકાશમાં રચાતું સાત તારાઓનું ઝૂમખું. સપ્તર્ષિ. એક પર્શિયન શેર છે -
રિશ્તે અવ્વલ યું નાદાં મેમાર કઝ
વા સુરૈયા મી રવાદ દીવાર કઝ
આનો મતલબ છે, જો કડિયાએ પાયામાં મૂકેલી પહેલી જ ઇંટ ખામીવાળી હશે તો એના પર ઊભી થયેલી ઈમારત પણ ખામીવાળી જ હોવાની, પછી ભલેને તે આકાશના સપ્તર્ષિ જેટલી ઊંચી કેમ ન હોય. સુરૈયા સાથેના મારા સંબંધના પાયામાં મેં પહેલી જ ઇંટ ખોટી મૂકી દીધી હતી...’

વર્ષો પછી, ૧૯૯૦માં, હુસેનસાહેબે પહેલી વાર પાકિસ્તાનની મુલાકાત લીધી. તે વખતે તેઓ ૭૫ વર્ષના હતા.  પહેલી વાર વડા પ્રધાન બનીને તાજાંતાજાં ડિસમિસ થયેલા બેનઝીર ભુટ્ટોના તેઓ મહેમાન બન્યા. બીજા ઘણા લોકોને મળ્યા. પેઈન્ટિંગ્સ પણ બનાવ્યા. પાકિસ્તાની મીડિયાએ હુસેનસાહેબ વિશે ખૂબ લખ્યું.

‘આ સિવાય મેં કશુંક કર્યું. જાણો છો, શું? એક બપોરે હું સુરૈયાના ઘરે ગયો. મારો એક જૂનો મિત્ર મારી સાથે આવેલો. સુરૈયા તો ખુદાને પ્યારી થઈ ચૂકી હતી. તેના પતિ પણ નહોતા રહ્યા. તેમના દીકરાઓ અને તેમનાં બીવીબચ્ચાં ઘરે હતાં.’

શરૂઆતમાં તો સુરૈયાના દીકરાઓએ હુસેનસાહેબ સાથે બહુ ખરાબ વર્તન કર્યું, મોટા દીકરાએ તો એમને ગેટ આઉટ સુધ્ધાં કહી દીધું. જોકે થોડી વારે સૌ ટાઢા પડ્યા. એક દીકરો અંદર જઈને ફેમિલી આલબમ  લઈ આવ્યો.

‘આલબમનાં પાનાં ફરતાં ગયાં તેમ તેમ મારો ફફડાટ વધતો ગયો,’ હુસેનસાહેબ કહે છે, ‘કારણ કે મારે વૃદ્ધ થઈ ગયેલી, કરચલીઓવાળી, અશક્ત સુરૈયાને નહોતી જોવી. સદનસીબે એવો એક પણ ફોટો નહોતો. હા, ગ્રુપ ફોટોગ્રાફ્સ હતા, સિત્તેરના દાયકાના, પણ તે એટલા દૂરથી લેવાયેલા કે સુરૈયા તેમાં દેખાતી પણ નહોતી. સુરૈયા પરણી ગઈ પછી એની સાથે મારી ક્યારેય વાત નહોતી થઈ. મને ફક્ત તેનો ચહેરો યાદ હતો... અને મારા માટે એ જ મહત્ત્વનું હતું. સુરૈયાના ચહેરાની સ્મૃતિ છ-છ દાયકાઓથી મારાં મનમાં સચવાયેલી હતી અને તેમાં ખલેલ નહોતી પહોંચાડવી...’

હુસેનસાહેબ અને તેમના મિત્ર આખરે જવા માટે ઊભા થયા. તેઓ દરવાજાની બહાર નીકળે તે પહેલાં સુરૈયાના મોટા દીકરાએ તેમને અટકાવ્યા અને ધીમેથી પૂછ્યુંઃ હુસેનસા’બ, તમારે અમ્મીનો ફોટો જોઈએ છે?

Suraiya: MF Hussain's first love


હુસેનસાહેબ માની ન શક્યા. હજુ થોડા સમય પહેલાં પોતાને ઘરમાંથી હાંકી કાઢવા માગતો  માણસ આ શબ્દો ઉચ્ચારી રહ્યો છે? આટલું ઓછું હોય તેમ મોટા દીકરાએ ઉમેર્યુંઃ તમારે અમ્મીની કબર જોવી હોય તો હું તમને ત્યાં પણ લઈ જઈ શકું છું...

‘મેં સુરૈયાની મજાર પર પ્રાર્થના કરી,’ એમ.એફ. હુસેન કહે છે, ‘મને એવું લાગ્યું કે જાણે હું સુરૈયાનું ઋણ ઉતારી રહ્યો છું, જાણે કે એના આત્માને મુક્તિ આપી રહ્યો છું. હું મારી હોટલના રૂમ પર પાછો ફર્યો, પણ હું ખૂબ બેચેન હતો. આખી રાત મને ઊંઘ ન આવી. અચાનક મધરાતે મને છાતીમાં તીવ્ર પીડા ઊપડી. હું પથારીમાં બેઠો થઈ ગયો. મારાથી શ્વાસ નહોતો લેવાતો. હું રડવા માંડયો. હું બેફામ રડ્યો, આખી જિંદગીમાં ક્યારેય ન રડ્યો હોઉં એટલું રડ્યો. મારાં આંસુ અટકવાનું નામ નહોતાં લેતાં. આખરે મારું રુદન અટક્યું. મને અપાર શાંતિનો અનુભવ થયો. બાળક જન્મે છે ત્યારે જીવનની શરૂઆત રડવાથી કરે છે. આ રુદન પછી મને લાગ્યું કે જાણે આ ધરતી પર શરૂ થયેલી મારી સફર આખો ચકરાવો લઈને પાછી એ જ બિંદુ પર પહોંચી ગઈ છે. હવે કોઈ ઈચ્છા બાકી રહી નથી, હવે કોઈ અફસોસ નથી...’
એમ. એફ. હુસેને એક કવરમાં સુરૈયાની તસવીર સાચવીને રાખી મૂકી હતી. આ કવર પર એમણે લખ્યું હતુંઃ
‘ઓલ માય લાઈફ આઈ હેવ વેઈટેડ ફોર યુ, એન્ડ વ્હાઈલ વેઈટિંગ, હાઉ મેની આઈ હેવ લવ્ડ.’ એટલે કે મેં આખી જિંદગી તારી પ્રતીક્ષા કરી છે, અને તારી રાહ જોતા જોતા કોણ જાણે કેટલીય વ્યક્તિઓને મેં પ્રેમ કર્યો છે...

*  *  *

ફઝિલા એક મજબૂત સ્ત્રી હતી. તે હુસેનની મહત્ત્વાકાંક્ષાઓથી સારી રીતે વાકેફ હતી. હુસેનને તે હંમેશાં કહેતીઃ તમતમારે પેઈન્ટિંગ કરો. ઘર કેવી રીતે ચલાવવું તેની ચિંતા મારા પર છોડી દો. એમ.એફ. હુસેનને પછી તો ઘણી સ્ત્રીઓ સાથે દોસ્તી થઈ. પ્રાગમાં વસતી મારિયા નામની બૌદ્ધિક મહિલા સાથે વર્ષો સુધી તેમણે પત્રવ્યવહાર કરેલો. પરવીન બાબીથી લઈને માધુરી દીક્ષિત સુધી અને તબુથી લઈને અનુષ્કા સુધીની સિનેમાની કેટલીય નાયિકાઓ તેમને આકર્ષતી રહી, તેમની પ્રેરણામૂર્તિ બનતી રહી... પણ આ તમામ સ્ત્રીઓમાં સુરૈયા સાથેનો તેમનો સંબંધ સૌથી વિશિષ્ટ અને કદાચ સૌથી ખૂબસૂરત બની રહ્યો.

અવ્યક્ત અને અધૂરા રહી ગયેલા સંબંધમાં એક પીડામિશ્રિત સૌંદર્ય હોય છે. તે હંમેશાં એક કસક બનીને રહી જતા હોય છે, જીવનની અંતિમ ક્ષણ સુધી. 000

1 comment:

  1. ek aa pan hata husein...jeo matr sikka ni ek baju ne jane chhe e sahu e vachava jevo lekh.

    ReplyDelete