Wednesday, September 29, 2010

તમારી કારનો રંગ કેવો છે, કહો તો?

‘અહા! જિંદગી’ ઓક્ટોબર ૨૦૧૦માં પ્રકાશિતકોલમઃ ફલકજી હા, કારના રંગ પરથી તેના માલિકની પર્સનાલિટીનો અંદાજ લગાવી શકાય છે!
ટુ થિંગ્સ નો મેન વિલ નોટ એડમિટ હી કેન નોટ ડુ વેલઃ ડ્રાઈવ એન્ડ મેક લવ.

કોઈ અજ્ઞાત માણસની આ ચટાકેદાર ઉક્તિ છે. પુરુષ આ બે બાબત પોતાને બરાબર નથી આવડતી તેવું કોઈ કાળે નહીં સ્વીકારે ડ્રાઈવિંગ કરતાં અને (પથારીમાં) પ્રેમ કરતાં! અદાથી ટુ-વ્હિલર અને ફોર-વ્હિલર ચલાવી શકતો યુવાન મુગ્ધ કન્યારત્નોને વધારે ડિઝાયરેબલ, વધારે શયનીય, વધારે સેક્સી લાગે છે. સ્મૂધલી ગાડી ચલાવી જાણતા પુરુષનું બેડરૂમ પર્ફોર્મન્સ પણ સ્મૂધ હશે તેવો કોઈ વિચિત્ર તર્ક હશે?

આપણે ત્યાં કાર ક્રમશઃ શહેરી મધ્યમવર્ગીય વાહન બની ગયું છે. પશ્ચિમના દેશોમાં કાર અને કારચાલકો વિશે જાતજાતના સર્વે તેમ જ અભ્યાસો થતા રહે છે. ‘પોપ-સાઈકોલોજી’ કહે છે કે માણસ કેવી કાર પસંદ કરે છે તેના પરથી તેની પર્સનાલિટીનો અંદાજ બાંધી શકાય છે. અહીં કારનો પ્રકાર અને રંગ બણે બાબતો ગણતરીમાં લેવાનાં રહે. અલબત્ત, કાર પસંદ કરતી વખતે ફદિયાં સૌથી મહત્ત્વનું પરિબળ બની જાય છે, પણ ધારો કે તમારું નિશ્ચિત બજેટ છે અને ચોક્કસ રેન્જમાં તમે મનપસંદ કાર (નવી, સેકન્ડ હેન્ડ નહીં) ખરીદી શકો તેવી સ્થિતિમાં છો. આ સ્થિતિમાં તમારી ચોઈસ અને પર્સનાલિટી વિશે શું કહે છે? આગળ આ સવાલનો વિસ્તૃત જવાબ છે, જે તમારે સહેજે ગંભીર થયા વગર, પૂરેપૂરી મસ્તીથી વાંચવાનો છે.

જો તમે નાની કે મિડિયમ સાઈઝની કાર ખરીદો છો તો તેનો અર્થ એ થયો કે તમને બીજોઓને ઈમ્પ્રેસ કરવામાં કોઈ રસ નથી. તમારા માટે કાર એક જગ્યાએથી નિર્ધારિત જગ્યાએ પહોંચાડી શકે એટલે ભયોભયો. મોટી કાર અને લક્ઝરી કાર ખરીદનારો માણસ સારું કમાતો હશે તે નાનું બચ્ચું પણ સમજી શકે તેવી વાત છે. કાં તો તે ઊંચી પોસ્ટ ઉપર હશે યા તો બિઝનેસમેન (કે વૂમન) હશે. બીજાઓ પર છાકો પાડી દેવાની વૃત્તિને કારણે એ વ્યક્તિ ગજાબહારની લોન લઈને તોતિંગ હપ્તા ભરતી હોય તે પણ શક્ય છે. મિનિવેન પર પસંદગી ઉતારનારા માણસને આળપંપાળની ખૂબ જરૂર પડે છે. તેનામાં પલાયનવૃત્તિ પણ હોઈ શકે! સ્પોર્ટ્સ કાર ખરીદનાર સ્વભાવે સાહસિક હોવાનો. જોખમ લેતાં તે ડરશે નહીં. તેને એક્સાઈટિંગ લાઈફ પસંદ હશે, બીબાંઢાળ અને સુષ્ઠુ સુષ્ઠુ જીવન નહીં.

ખરી મજા કારના કલર પરથી માણસને ‘વાંચવા’માં છે. જુઓઃ

લાલ રંગની કાર પસંદ કરનારો માણસ પેશનેટ અને જોશીલો હોવાનો. તે આસપાસની પરિસ્થિતિની લગામ પોતાના હાથમાં રાખવાનું પસંદ કરશે. આ માણસ થોડોક ‘વાઈલ્ડ’ પણ હોઈ શકે. જો તમે લાલ ગાડી ખરીદવાનું વિચારતા હો તો એક વાત યાદ રાખજો કે લાલ કાર સૌથી વધારે ચોરાય છે! ટ્રાફિક પોલીસ અને ટોઇંગ વેનવાળાઓ પણ લાલ કાર તરફ વધારે આકર્ષાય છે. તેજસ્વી લાલ રંગની કાર ધરાવનારો માણસ પૈસાદાર છે એવી છાપ જોનારના મનમાં અભાનપણે ઊભી થઈ જાય છે.

ઓરેન્જ રંગની કાર બહુ જ ઓછી જોવા મળે છે. જો તમે આ રંગ પસંદ કર્યો હોય અથવા તો કારને ઓરેન્જ રંગથી રંગાવી હોય તો એનો અર્થ એ થયો કે તમને લોકોનું અટેન્શન જોઈએ છે. તમે આનંદી માણસ છો. કોઈ તમને કહે કે યાર, તું તો સાવ અનોખો છે તો તમે રાજીરાજી થઈ જાઓ છો.

યલો કાર ચલાવનારો માણસ કોન્ફિડન્ટ અને ખુશનુમા હશે. મોજમસ્તી કરવામાં તે ક્યારેય પાછો નહીં પડે. વળી, તેનામાં બાળક જેવા હળવાફૂલ ગુણો હોવાના. પોતાની ભીતર રહેલા બાળક માટે એને બહુ પ્રેમ હોવાનો.

શું તમારી કાર લીલા રંગની છે? તો એનો અર્થ એ થયો કે તમે અંતરાત્માને અનુસરીને ચાલનારા પરંપરાવાદી અને કલ્ચર્ડ માણસ છો. ટેન્શનવાળો માહોલ હશે તો તમે સામે ચાલીને વાતચીત કરશો, તોડ કાઢવાનો પ્રયાસ કરશો. લોકોની લાગણીઓને સમજતાં અને તે પ્રમાણે અનુસરતાં તમને સારું આવડે છે.

જો તમે ડાર્ક બ્લ્યુ રંગની કાર પસંદ કરી હશે તો તમે બહુ વફાદાર માણસ હોવાના. તમારા માટે ધનસંપત્તિ કરતાં સંબંધો વધારે અગત્યના છે. તમારી પ્રકૃતિ શાંત છે. જો તમારી કાર લાઈટ બ્લ્યુ રંગની હશે તો તેનો મતલબ એ કે તમે શાંતિપ્રિય માણસ છો. તમે એક પિતા (કે માતા) તરીકે ઉત્તમ પુરવાર થવાનાં.

જાંબુડી રાજવી રંગ છે. પર્પલ કારનો માલિક સૌંદર્યપ્રેમી, ઓરિજિનલ અને ક્રિયેટિવ હશે. તેનું કોઈ પણ કામ હેતુવિહીન નહીં હોય. તેની આંતરિક તાકાત કાબિલેતારીફ હોવાની.

ગુલાબી રંગની ગાડી રસ્તા પર ભાગ્યે જ જોવા મળે. મોટેભાગે તો તે ચલાવનાર માનુની જ હોવાની, કારણ કે ગુલાબી હાડોહાડ ફેમિનાઈન કલર છે. પિંક ગાડીવાળી વ્યક્તિ કુમળા સ્વભાવની હોવાની. તેના ચહેરા પર હંમેશાં સ્મિત લહેરાતું હશે. તે હેલ્થકોન્શિયસ પણ ખૂબ હશે.

સિલ્વર રંગ પ્રતિષ્ઠા, સમૃદ્ધિ અને વૈભવનું પ્રતીક છે. કારનો ચળકાટ જેટલો વધારે, રિદ્ધિસિદ્ધિ એટલી વધારે! સિલ્વર કારનો સૌથી મોટો માઈનસ પોઈન્ટ એ છે કે આ રંગ અત્યંત કોમન છે. ભારતમાં સફેદ અને સિલ્વર રંગની કાર સૌથી વધારે વેચાય છે. આ બણે રંગો મળીને ૫૬ ટકા જેટલું માર્કેટ કવર કરી લે છે.

ગોલ્ડન કાર પણ ધનવૈભવ તેમ જ ગર્વની દ્યોતક છે. લોકો ગોલ્ડન કાર ધરાવનારી વ્યક્તિની નોંધ લે તો તે તેને બહુ ગમે. તે જાણે કે શાનથી સૌને કહેવા માગે છે કે સુનિએ સુનિએ, લક્ષ્મીદેવીની મારા પર કૃપા છે અને આપણો મિજાજ ભારે સ્વતંત્ર છે.

દમામદાર બ્લેક કાર શક્તિ અને સત્તાનું પ્રતીક છે. તમે બ્લેક કારમાં સવારી કરીને લોકોને સંદેશો આપો છો કે ભ’ઈ, આ કારનું જ નહીં, બલકે મારી જાતનું સ્ટીયરિંગ પણ મારા જ હાથમાં છે. બ્લેક કારધારકમાં આત્મવિશ્વાસની કમી હોય એ વાતમાં માલ નહીં! અમિતાભ બચ્ચન પાસે સાડા ત્રણ કરોડની બ્લેક રોલ્સ રોયસ છે. શાહરૂખ ખાનની ઓડી અને મિત્સુબિશી પજેરો પણ બ્લેક રંગની છે. આ બોલીવૂડનાં સૌથી પાવરફુલ નામ છે તે કહેવાની જરૂર ખરી? બોલીવૂડ છોડો, દુનિયાના સૌથી ધનાઢ્ય માણસ તરીકે વર્ષો સુધી પહેલાબીજા ક્રમે રહેલા બિલ ગેટ્સની મોટા ભાગની કારનો રંગ બ્લેક છે. તેની પાસે એમ તો એક બ્લ્યુ ફોર્ડર્ પણ છે. યુરોપની ૨૬ ટકા કાર બ્લેક રંગ ધરાવે છે.

સફેદ કારનો માલિક ભારે ચીવટવાળો હોવાનો. ચોખ્ખીચણક વ્હાઈટ કાર દર્શાવે છે કે તેનો માલિક ઝીણીઝીણી બાબતોમાં પણ ખૂબ કાળજી લેનારો છે. તે ક્યારેય આંધળૂકિયાં નહીં કરે. તેના વ્યક્તિત્વમાં એક પ્રકારની સાત્ત્વિકતા હોવાની. આ વાત રાજકારણીઓને લાગુ પડતી નથી, પ્લીઝ. આ વર્ષે અમેરિકામાં સૌથી વધારે કાર સફેદ રંગની વેચાઈ છે ૨૦ ટકા જેટલી.

સામાન્ય રીતે ગ્રે વિષાદ અને ડીપ્રેશનનો રંગ ગણવામાં આવે છે. આ લાક્ષાણિકતા કપડાં, ફર્નિચર, વોલ પેઈન્ટ વગેરેને ભલે લાગુ પડે, બાકી ગ્રે કારને ઉદાસી સાથે કોઈ લેવાદેવા નથી. પોતાની કાર માટે ગ્રે રંગ પસંદ કરનારી વ્યક્તિને કમ્ફર્ટ પસંદ છે. તેનામાં સ્થિરતા અને આત્મનિર્ભરતાના ગુણો ભારોભાર હોવાના.

જો તમારી કાર કથ્થઈ રંગની હોય તો તમે ખાસ્સા ભરોસાપાત્ર અને જવાબદાર માણસ છો. તમે તમારી જાત પ્રત્યે અને આસપાસના લોકો પ્રત્યે હંમેશાં વફાદાર રહો છો. તમારા પગ જમીન પર મજબૂત રીતે ટેકવાયેલા છે. તમને દંભદેખાડા પસંદ નથી. તમારી સાથે દોસ્તી કરવા જેવી છે!

આ કારકલરકાંડ સાંભળી લીધા પછી હવે જરા એ કહો કે તમારી કારનો (કે કલ્પનાની કારનો) કલર કેવો છે? 000

5 comments:

 1. i think its a different read. but nice one. enjoyed. Now i m thinking which one would be my future car ! ;)

  ReplyDelete
 2. @Tusharbhai, this is a fun article anyway. Read it with a pinch of salt.
  @Niraj, I have got a black one - Chevrolet Spark.

  ReplyDelete
 3. Hi Shishir,

  This is Amit. Nice article, I liked it. I haven't any car but my favourite colour is light grey. This week three films are releasing and I am eagerly waiting for your this week's film reviews. Bye.....

  ReplyDelete
 4. સાઈકલની પસંદગી અને માલિકના સ્વભાવ વિષે શું કહી શકાય? :)

  ReplyDelete