Thursday, September 9, 2010

લેડીઝ કંપાર્ટમેન્ટ...

ચિત્રલેખા- અંક તારીખ ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૦માં પ્રકાશિતકોલમઃ વાંચવા જેવું
ઈલેક્ટ્રિક ટ્રેઈન


લેખિકાઃ ગીતા નાયક

 
 
 
 
કુમળી તાજી દૂધી જેવો કોણી લગી હાથ દેખાય, એમાં નાજુક ઘડિયાળ બાંધી હોય, માખણિયો રતૂંબડો પંજો હોય, લાલ કે કિરમજી નેઈલપોલિશથી ચમકતી આંગળીમાં એકાદી નંગવાળી વીંટી હોય તો તે શ્રીમંત ઘરની કન્યા હોવાની. કામકાજે કસાયેલા પંજાની ઘાટીલી આંગળીઓ મધ્યમવર્ગની ઓળખ આપી દે. ઘણુંખરું ગોરા હાથમાં ભરચક લીલા કાચની રણકતી બંગડી ને એની આગળપાછળ સોનાની પાટલી હોય તો તે નક્કી મરાઠણ. ચાર રંગની પ્લાસ્ટિકની છઆઠ બોદી બંગડીઓ વચ્ચે સોનાની બંગડી, કાંડાથી કોણી લગી ગોળમટોળ ગોબા વગરના ઘઉંવર્ણા હાથ ગુજરાતણના હશે તેય નક્કી. રજાઈ જેવી પોચીનાની આંગળીઓમાં હીરાની અંગૂઠી ચમકાવતા માંસલ હાથમાં દસબાર સોનાની બંગડીઓ ને પાટલીઓ પહેરેલો વૈભવશાળી હાથ સિંધણ કે પંજાબણનો હોવાનો.આ છે મુંબઈની લોકલ ટ્રેનના લેડીઝ ડબ્બાની ભીડમાં હેન્ડલ પકડીને આમતેમ ઝુલતા હાથોનું શબ્દચિત્ર. ગીતા નાયકના સર્વપ્રથમ પુસ્તક ‘ઈલેક્ટ્રિક ટ્રેન’માં આવા તો કેટલાંય અફલાતૂન નિરીક્ષણો ઉપરાંત સુંદર વ્યક્તિચિત્રો અને પ્રતીતિકર તારણો છે. લેખિકા સાહિત્યવર્તુળમાં ખાસ્સાં જાણીતાં અને ખૂબ સક્રિય, પણ કોણ જાણે કેમ ખુદનું પુસ્તક લખીને પ્રકાશિત કરવામાં તેમણે બાર વર્ષ જેટલો સમય લગાડી દીધો. આ નિબંધો (જેમને તેઓ ‘ક્રિયેટિવ પ્રોઝ’ કહે છે)નાં શીર્ષકો તરીકે તેમણે શહેરનાં જુદાં જુદાં રેલવે સ્ટેશનોનાં નામ પ્રયોજ્યાં છે. નોકરી કરવા માટે લોકલ ટ્રેનમાં લટકીને, ભીંસાઈને દૂર દૂર સુધી મુસાફરી કરતી, પરિવાર અને કરીઅર બણેને પૂરતો ન્યાય આપવા મથતી, પાર વગરની મુશ્કેલીઓ વચ્ચે પણ પોતાનો અવકાશ પેદા કરીને હસીમજાક કરી લેતી મુંબઈની મહેનતકશ મહિલાઓનું આગવું વિશ્વ ખડું કરવા માટે આના કરતાં બહેતર ફોર્મેટ બીજું કયું હોવાનું!ઝુણકા ભાકર સ્ટોલમાં નોકરી કરતી અને મસ્તીથી પાન બનાવીને ખાતી અને ખવડાવતી કુર્લાની હેતાળ આઈ ચાલુ ગાડીએ અજાણી પ્રસૂતાને ઈમર્જન્સી ડિલીવરી કરાવી આપે છે. આ પ્રકરણમાં સ્ત્રીઓ વચ્ચે રચાતું સમસંવેદન કમાલ ઉપસ્યું છે. મુસ્લિમ બહેનપણીએ લાવેલું ટિફિન ખોલીને રસાદાર મટન પર તૂટી પડતી ગુજરાતી બ્રાહ્મણી, જેને જોઈને જ અકારણ ખીજ ચડતી તે સિંધી ટિકિટચેકર, છેક ત્રણ વરસે લાપતા સંતાનોને શોધી કાઢનાર સ્ત્રી, પ્લાસ્ટિકની થેલી ઘરની બાલ્કનીમાંથી નીચે ફેંકીને ઈડલીચટણી મગાવતાં અને મહાલક્ષ્મીના દરિયામાં ભીંજાતાં માસી.... આ બધાં મહિલા કિરદારો વચ્ચે લેખિકાએ અકસ્માતને લીધે મૃત્યુપર્યંત અપંગ રહેલા ચાંપશીભાઈ જેવા પુરુષપાત્રનું વ્યક્તિત્વ પણ સરસ ઊપસાવ્યું છે. ઝીણવટભરી રસપ્રચુર વિગતો પેશ કરવાની ક્ષમતા લેખિકાનો મોટો પ્લસ પોઈન્ટ છે. જેમ કે, રુટિન મુસાફરીમાં આનંદની ક્ષણો પેદા કરી લેતી મહિલાઓની એક છટા તેઓ આ રીતે વર્ણવે છે-‘નવરાત્રિના પહેલા દિવસે એમણે ઉજાણી ગોઠવી હતી. એમાંની એક વડીલ હતી. એણે માતાની સ્તુતિ કરી બધાંને ગોળની ગાંગડી પ્રસાદરૂપે આપી. પછી તો પ્લાસ્ટિકની બેગોમાંથી લંચબોક્સ અને સ્ટીલના ડબ્બા ચપોચપ નીકળવા લાગ્યા. આગળથી નક્કી કર્યા મુજબ દરેક પાસે અલગ વાનગી હતી. એકે બધાંની લંબાયેલી હથેળીમાં તલના લાડુ મૂક્યા. એકી સાથે સહુના હાથ અને મોં કામ લાગ્યાં. બીજીએ કોપરું ભભરાવેલા બટેટાપૌંવા ચમચો ભરી ભરીને હથેલીમાં પીરસ્યા. જેવો હાથ નવરો થયો કે વળી કાંદાટમેટા ભભરાવેલાં, લીલી કોથમીરની સુગંધથી મઘમઘતા લીલા ચણા ફરવા માંડ્યા. સાબુદાણાની ખીચડી ને વડાં ને રવાનો શીરો સુદ્ધાં પીરસાતાં રહ્યાં. રંગબેરંગી જાતજાતની બંગડીવાળો, નાનકડું મેઘધનુષ્ય રચતો, દરેકનો એક હાથ વચ્ચે લંબાયેલો રહેતો. મસ્જિદબંદર સ્ટેશન આવતાં સુધીમાં તો ડબ્બા ખાલી ને પેટ ભરાયાં.’લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાનો લેખિકાનો દાયકાઓનો અનુભવ છે. લેડીઝ કંપાર્ટમેન્ટની મહિલાઓના માનસને તેઓ સારી રીતે સમજી શક્યાં છે. તેઓ લખે છેઃ ‘કુટુંબ છોડી દૂરના સ્થળે નોકરી કરવા જતી સ્ત્રીઓ આમ જ નાનાં નાનાં સુખ પાલવમાં પકડી લેતી. રોજિંદી ગાડીની રગશિયા ગાડીને રોમાંચિત કરવા આવા નૂસખા શોધી લેતી. ઘરમાં માંદા માબાપને એકલાં મૂકી દિવસ આખો દૂર રહેવાની કે ધાવણા બાળકને કોઈ નોકરાણીના ભરોસે મૂકીને જતાં રહેવાની ગુનાહિત માનસથી ન પીડાવાની, જાત પર ન ચીડાવાની ઈચ્છા ભોગવી લેતી.’લેખિકાના આંખકાનનાક સતત સતર્ક રહે છે. ભીતરમાંથી ઉઠતાં સ્પંદનોને અને બાહ્ય ચેષ્ટાઓને તેઓ લગભગ એકસરખી અસકારકતાથી શબ્દોમાં ઝીલી શકે છે. જેમ કે, ‘પવનના સુસવાટામાં ખેતરમાં ઊભા બાજરાના ડૂંડાં એકીસાથે એક બાજુ નમે એમ લોકો એકબીજાના કાન તરફ લળી રહ્યાં હતાં.’ વર્ગભેદ લોકલ ટ્રેનમાં પણ છે જ. સેકન્ડ ક્લાસની મહિલાઓની લાક્ષાણિકતા વિશે એક જગ્યાએ તેઓ કહે છેઃ ‘આ ફર્સ્ટકલાસ થોડો હતો કે મોં મચકોડી, નાક દબાવતી સ્ત્રીઓ આઘી જઈને ઊભી રહે!’ એક પ્રકરણમાં તેમણે બહુ સુંદર વ્યાખ્યા કરી છેઃ ‘માન-અપમાનના સીમાડા જ્યાં ભૂંસાઈ જાય છે એનું નામ ઘર.’'આ પુસ્તક લખતી વખતે અતીતયાત્રા કરવાને બદલે મારે વર્તમાન પકડીને જ ચાલવું હતું અને આ બધું પ્રત્યક્ષ બની રહ્યું હોય તે રીતે કાગળ પર મૂકવું હતું,’ ગીતા નાયક ‘ચિત્રલેખા’ને કહે છે, ‘સાચું પૂછો તો લોકલ ટ્રેનોમાં મેં જે કંઈ જોયુંસાંભળ્યું ને તારવ્યું છે તેમાં આનંદ આપે તેવું ઓછું છે, પણ આ પુસ્તકમાં મેં વિષાદને ઓગાળી નાખવાની કોશિશ કરી છે.’આ કંઈ લાઉડ નારીવાદી પુસ્તક નથી. એવુંય નથી કે તેની અપીલ માત્ર મુંબઈના વાચકો પૂરતી સીમિત છે. લેખિકા પાસે એટલું બધું મટિરિયલ છે કે કોઈપણ સંવેદનશીલ વ્યકિતને સ્પર્શી જાય તેવા આ પુસ્તકનો બીજો ભાગ તેમણે તૈયાર કરવો જોઈએ... અને આ વખતે જરા જલદી, પ્લીઝ!

(ઈલેક્ટ્રિક ટ્રેઈન

લેખિકાઃ ગીતા નાયક

પ્રકાશકઃ સાહચર્ય પ્રકાશન,
નવભારત સાહિત્ય મંદિર,

પતાસા પોળ સામે, ગાંધી માર્ગ,
અમદાવાદ ૩૮૦૦૦૧
ફોનઃ (૦૭૯) ૨૨૧૪૦૭૭૦

કિંમતઃ રૂ. ૧૦૦/

પૃષ્ઠ સંખ્યાઃ ૧૧૬

No comments:

Post a Comment